આ માહિતીયુગ છે કે પછી ગેરમાહિતીયુગ : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : શનિવાર, ૨૨ મે ૨૦૨૧)

કહેવા ખાતર તો આ જમાનો માહિતીયુગ કહેવાય છે. ઈન્ફર્મેશન એજ. પણ ક્યારેક લાગેછે કે આ મિસઈન્ફર્મેશનનો યુગ છે. અહીં માહિતી કરતાં ગેરમાહિતીની પ્રચૂરતા વધારે છે, સ્પીડ પણ વધારે છે.

એક જમાનો હતો જ્યારે અમેરિકાથી લખેલો પત્ર સી-મેઈલ દ્વારા દોઢ-બે મહિને ભારત પહોંચતો. હવે ઘડીના છઠ્ઠા ભાગમાં ઈ-મેઈલ કે વૉટ્સએપ દ્વારા મળી જાય છે. માહિતી જેટલી ઝડપથી પ્રસરતી થઈ છે એટલી જ ઝડપથી ગેરમાહિતીઓ પણ પ્રસરી રહી છે. તકલીફ મોટી એ છે કે માહિતી યાદ રહે કે ન રહે, ગેરમાહિતી તરત જ દિમાગમાં અંદર સુધી ઘૂસી જાય છે, કાયમની ચિપકી જાય છે.

ગેરમાહિતીઓ પ્રસરી ગયા પછી તમે ગમે એટલા ખુલાસાઓ કરો એ ઝટ દઈને ભૂસાતી નથી. શું કારણ એનું?

ગેરમાહિતીઓ મોટેભાગે નિંદારસથી ભરેલી હોવાની. અને નિંદારસ ત્યારે જ જન્મી શકે જ્યારે તમે કોઈને એના કદ કરતાં નાના ચીતરવાની કોશિશમાં સફળ જાઓ. રાજનેતા હોય, ફિલ્મ અભિનેતા હોય, ક્રિકેટર કે બિઝનેસમૅન હોય કે પછી તમારા જ ક્ષેત્રનો તમારો હરીફ હોય કે તમારો મિત્ર હોય જેની તમને અદેખાઈ આવતી હોય — તમારે કરવાનું એટલું જ કે એમના વિશે કોઈ પણ કપોળકલ્પિત વાત ફેલાવવાની — કોણ ચકાસવા જવાનું છે. એ વ્યક્તિની આભાને, ઈમેજને તોડી નાખવા માટે થોડાક શબ્દો જ પૂરતા છે કારણ કે તમારા જેવા બીજા અગણિત લોકો તમારા એ શબ્દો પર ભરોસો મૂકવા આતુર હોવાના. તેઓ તમારી આ ગેરમાહિતીને ચકાસ્યા વિના તાબડતોબ આગળ ધકેલી દેશે, તમારે કહેવું પણ નહીં પડે.

આવી ડઝનબંધ ગેરમાહિતીઓનો આપણે શિકાર બનીએ છીએ. અફવાઓ આ જ રીતે ફેલાવવામાં આવતી હોય છે. અતિશયોક્તિઓ જ નહીં, તદન જુઠ્ઠી ખબરોને આપણે ‘કદાચ સાચું પણ હોય’ એમ કહીને માની લેતા હોઈએ છીએ. કોઈના વિશેની સચ્ચાઈ માનવા કરતાં એમના વિશેનું જુઠ્ઠાણું માનવાની લાલચ કુદરતે ઠાંસી ઠાંસીને આપણા સૌનામાં ભરેલી છે. એટલે જ એ જુઠ્ઠાણાઓ વિશેની સ્પષ્ટતાઓ ગમે એટલી જલદી કે ગમે એટલી જોરદાર રીતે થઈ હોવા છતાં આપણા મોઢામાં તો પેલો જુઠ્ઠાણાનો સ્વાદ જ કાયમનો રહી જતો હોય છે.

ગેરમાહિતીથી બચવા શું કરવું જોઈએ? મારી પાસે એનો સાવ સહેલો અને સચોટ ઉપાય છે. માહિતીથી બચવું —અર્થાત્ માહિતીના ધોધમાર વરસાદથી બચવું. આપણા પર ડઝનબંધ સોર્સમાંથી માહિતીઓનો મારો થતો રહે છે. આમાંની ૯૯ ટકા માહિતી આપણા કામ માટે નકામી હોય છે, આપણા જીવનને સ્પર્શતી નથી હોતી. કોઈ દૂરના દેશમાં કમનસીબ બનાવ બને તે દુખદ અને આઘાતજનક છે પણ એ ઘટનાને અહીં આપણી સાથે શું લેવાદેવા? ફૉર ધૅટ મૅટર એક જમાનામાં પ્રિન્સ ખાડામાં ભરાઈ ગયેલો એ ન્યુઝ સાથે પણ આપણે શું લેવાદેવા? હું જો કોઈ દહાડો પ્લેનમાં પ્રવાસ કરતો ન હોઉં તો વરસાદને કારણે વિમાન વ્યવહાર ખોરવાયો છે કે નહીં તે જાણીને મારે શું કામ? હું જો આ ગાળામાં ટ્રેનમાં મુંબઈની બહાર ન જવાનો હોઉં અને મારે ત્યાં પણ કોઈ આવવાનું ન હોય તો નાલાસોપારામાં અટવાઈ ગયેલી શતાબ્દી એક્સપ્રેસના કમનસીબ ઉતારુઓની જેન્યુઈન તકલીફો વાંચીને મારે શું કામ જીવ બાળવાનો?

જો હું મારા માટે નકામી એવી માહિતીઓથી દૂર રહેતાં શીખીશ તો જ હું ગેરમાહિતીઓથી સલામત અંતર રાખતાં શીખી શકીશ. આપણને મળતી કે આપણા સુધી પહોંચતી ગેરમાહિતીઓ પાછળ કોઈકને કોઈક વ્યક્તિનો દુરાશય હોવાનો. કાં તો એ તમને ભડકાવવા માગે છે, ઉશ્કેરવા માગે છે, તમારો દૃઢ વિચાર પાંગળો બનાવવા માગે છે કે પછી તમારા મનમાં રહેલી કોઈ વ્યક્તિ/ પ્રદેશ/ કન્સેપ્ટ વિશેની છાપને ધૂંધળી કરવા માગે છે. આવી ગેરમાહિતીઓના મારાનું એક સ્વરૂપ છે મિસઈન્ટરપ્રીટેશન. માહિતી સાચી હોય પણ એને મૂળ સંદર્ભથી દૂર લઈ જઈને એનું ખોટું વિશ્લેષણ કરવામાં આવે ત્યારે એ મિસઈન્ટરપ્રીટેશન અત્યંત ભરોસાપાત્ર વાઘા પહેરીને આપણા સુધી પહોંચી જાય છે. આંકડાઓ અને સર્વેક્ષણની બાબતમાં આવું ખાસ બનતું રહે છે. ટીવી ખોલીને, છાપાંનાં પાનાં ફેરવીને, સોશ્યલ મીડિયામાં રચ્યાપચ્યા રહીને જે લોકો બેસી રહે છે તેઓ ગેરમાહિતીઓના સૌથી ઈઝી શિકાર હોય છે. વાસ્તવમાં તો આ લોકો નવરી બજારમાં આંટા મારીને ઘરાકી વધારનારા હોય છે. એવા લોકોની કોઈએ દયા ન ખાવાની હોય. માત્ર એટલું જ ધ્યાન રાખવાનું કે આવા લોકોમાં ક્યાંક આપણો સમાવેશ ન થઈ જાય.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

1 COMMENT

  1. કેટલાક અખબારો.. ન્યુઝ ચેનલો… પૈસા લઇને જ ખોટું છાપેછે… એના માટે હલકી કક્ષા ના પોલીટીશ્યન.. પત્રકારો ભાગ ભજવેછે..
    કેટલીક વાર બદસુરત મહિલા.. પોલીટીશ્યન પત્રકાર..
    બધાયને.. પોતાની બદસુરતી છૂપાવવા.. બીજા પુરુષો ને વિચિત્ર વર્તન દ્વારા વિકૃત આનંદ મેળવતી હોયછે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here