અણ્ણા અને અરવિંદ સત્ય, પ્રામાણિકતા અને નિષ્ઠાનાં પ્રતીકો બની ગયા હતા એ જમાનાની વાત (કેજરીવાલ કલંકકથા: 4) : સૌરભ શાહ

(‘ન્યુઝવ્યુઝ’, Neaspremi .com : શનિવાર, 15 ફેબ્રુઆરી 2025)

કેજરીવાલની કુંડળી કાઢીને આ વિગતવાર કલંકકથા ચોક્કસ હેતુથી લખવામાં આવી રહી છે. ભવિષ્યમાં કોઈ નવો કેજરીવાલ પેદા થાય કે અમુક લોકો દ્વારા પેદા કરવામાં આવે (જે કયારેક ને ક્યારેક તો થવાનું જ છે) ત્યારે આપણે પહેલેથી સાવધ થઈ જઈએ, કોઈના ઝાંસામાં ન આવીએ, કોઈ આપણને ફરીથી મૂરખ ન બનાવી જાય.

અરવિંદ કેજરીવાલનું નામ આજથી લગભગ પંદરેક વર્ષ પહેલાં પબ્લિક માટે સાવ અજાણ્યું હતું. 2011ની સાલમાં અણ્ણા હઝારેએ દિલ્લીમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું ત્યારે કેજરીવાલે અણ્ણાના ખભા પર ચડીને ખ્યાતિ પ્રાપ્ત કરવાનું શરૂ કર્યું. અણ્ણાના ઉપવાસથી આંદોલનને ઔર જોર મળ્યું. કૉન્ગ્રેસની યુપીએ સરકારે જનલોકપાલ નીમવાની માગણી થોડીક શરતો સાથે સ્વીકારી. આંદોલનકારીઓને આ શરતો મંજૂર નહોતી. આંદોલન વધુ તીવ્ર બન્યું. મીડિયામાં ચારેકોર આ આંદોલનની જ ચર્ચા થવા માંડી. જાણે તે વખતે ભારતમાં બીજા કોઈ ઈશ્યુઝ હતા જ નહીં (આવું જ 2012માં નિર્ભયા કેસ વખતે થયું હતું. ભારત દેશ જાણે બળાત્કારીઓથી છલોછલ હોય એવો માહોલ મીડિયાએ સર્જી દીધેલો.)

અણ્ણા અને અરવિંદ 2012 સુધીમાં સત્ય, પ્રામાણિકતા અને નિષ્ઠાનાં પ્રતીકો બની ગયાં. જેને જુઓ તેને આ બે જણમાં ગાંધીજી દેખાય, જયપ્રકાશ નારાયણ દેખાય, ભારતના નવા મસીહા દેખાય, દેશનું ભવિષ્ય આ બંનેના હાથમાં છે એવું લોકો માનવા માંડેલા અથવા તો કહો કે મીડિયાના પ્રચારને કારણે આવું માનવા માનવા માંડેલા.

ફ્રોમ ડે વન મને ક્યારેય અરવિંદમાં ભરોસો બેઠો નહોતો. કેજરીવાલની અને હઝારેના આંદોલનની હું મારી વાતોમાં આકરી ટીકા કરતો. મારા સર્કલમાંના મિત્રો, પરિચિતો વગેરેને નવાઈ લાગતી. શું તને ભારતમાંથી ભ્રષ્ટાચાર દૂર થાય એમાં રસ નથી ? શું તને પ્રામાણિક-નિષ્ઠાવાન લોકો ગમતા નથી ? આ બેઉ પ્રશ્નોના જવાબ પૉઝિટિવમાં આપીને હું કહેતો કે પણ મને અણ્ણા-કેજરીવાલમાં ભરોસો નથી મને આ બંને જણનો ઈરાદો સાફ નથી લાગતો. મને આ બેઉ તકવાદી લાગે છે, બનાવટી લાગે છે.

તે વખતે મારી પાસે કોઈ પુરાવા તો હતા નહીં કે મારા મંતવ્યને હું બીજાઓના ગળે ઉતારી શકું. 2011-2012ની આસપાસના ગાળામાં કેટલાક લોકો મારા આ વિચારોને કારણે મારાથી દૂર પણ થઈ ગયા. ક્યારેક મને શંકા થતી કે ક્યાંક હું તો ખોટો નથી ને ? ગામ આખું જ્યારે કહેતું હોય કે તમારા ખભા પરનું બકરું કૂતરું છે ત્યારે તમે પણ ઘડીભર વિચારમાં પડી જાઓ કે બધા ખોટા અને હું જ એક ડાહ્યો ? પણ મને ન્યુઝ માટેની મારી સિક્સ્થ સેન્સમાં વિશ્વાસ હતો. અનુભવો બાદ વિકસેલી કોઠાસૂઝમાં ભરોસો હતો.

અરવિંદ કેજરીવાલ માટે મને ત્યારે પણ કોઈ માન નહોતું, આજે તો ન જ હોય. આ માણસ મને ત્યારેય બનાવટી અને લબાડ લાગતો હતો, આજે તો ધૂર્ત મહાબદમાશ અને નરરાક્ષસ લાગે છે. ( મેં આ સિરીઝમાં કેજરીવાલ માટે રાક્ષસ શબ્દ વાપર્યો એ જ વખતે કોઈએ મારું ધ્યાન દોર્યું કે મરાઠી ભાષાના પત્રકારશિરોમણિ આદરણીય ભાઉ તોરસેકરે એમની ‘પ્રતિપક્ષ’ યુટ્યૂબ ચેનલમાં કેજરીવાલ માટે ‘માયાવી રાક્ષસ’ વિશેષણ વાપર્યું છે. પેલું અંગ્રેજીમાં શું કહે છે ? ગ્રેટ મેન…! ) અને હવે તો ગણ્યાગાંઠ્યા પાપિયાઓ સિવાય આખું જગત માનતું થઈ ગયું છે કે કેજરીવાલ ફ્રોડ છે, રૉન્ગ નમ્બર છે.

જયાં સુધી અણ્ણા હઝારેનો સવાલ છે ત્યાં સુધી એમની પ્રામાણિકતા વિશે કોઈ શંકા નહોતી, આજે પણ એ વડીલ માટે કોઈ નહીં કહે તેઓ અપ્રામાણિક છે. પણ નિસ્તેજ તથા મિડિયોકર અણ્ણા હઝારેને ગાંધીજી કે જયપ્રકાશ નારાયણની હેડીમાં ન મૂકી શકાય. દૂર દૂર સુધી ગાંધી-જેપીની રેન્જમાં એ ના આવે. અણ્ણાએ કેટલાંક સામાજિક કાર્યો કર્યા છે, જરૂર કર્યા છે. પણ તેઓ પ્રાદેશિક સમાજસેવકમાંથી ક્રમશ: નૅશનલ લેવલે કેવી રીતે આવી ગયા તે એક રહસ્ય છે. અને એટલે જ રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ મને અણ્ણા એક ભેદી માણસ લાગ્યા છે. એમની પાછળ નક્કી કોઈ જબરજસ્ત તાકાત હોવી જોઈએ જે એમનાં આંદોલનને મેનેજ કરે છે, ફાઈનાન્સ કરે છે, સાથે મીડિયાને પણ મેનેજ કરે છે. આ ડાઉટ તો તે વખતે મારા મનમાં હતો જ હતો અને હજુય દૂર નથી થયો. અરવિંદ અને અણ્ણાનું મિલન કોઈ આકસ્મિક યોગ નથી. આ કોઈ બહુ ઊંડી સ્ટ્રેટેજી છે. કોઈ એવા લોકો આ બંનેને કઠપૂતળી બનાવીને નચાવી રહ્યા હતા જેઓ દેશમાં અરાજકતા ફેલાવવા માગતા હતા, જેઓ કૉન્ગ્રેસના કુશાસન અને ભ્રષ્ટ નેતાઓ સામેનો પ્રજાનો આક્રોશ વટાવીને ભારતને પોતાના કબજામાં લેવા માગતા હતા—તાજેતરમાં બાંગ્લાદેશમાં થયું એવું કરવા માગતા હતા,જે અગાઉ દુનિયાના ડઝનબંધ દેશોમાં થઈ ચૂક્યું છે.

સારી વાત અણ્ણા હઝારેની એ હતી કે બહુ સમયસર એમણે પોતાના ખભા પર ચડી બેઠેલા વેતાલને હેઠો મૂકી દીધો. કેજરીવાલે પોતાનાં સંતાનોનાં સોગંદ ખાઈને વચન આપ્યું હતું કે પોતે કોઈ દિવસ રાજકારણમાં નહીં પ્રવેશે, કૉન્ગ્રેસની મદદથી દૂર રહેશે. સપ્ટેમ્બર 2012માં કેજરીવાલે રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી એ પહેલાં જ અણ્ણા હઝારે આ માણસની ખોરી દાનતને પારખી ગયા હતા. એમણે જાહેરમાં નિવેદન કરીને કેજરીવાલ સાથેનો છેડો ફાડી નાખ્યો.

અણ્ણા હઝારેએ કરેલું સૌથી પુણ્યશાળી કામ એ કે એમણે સમયસર કેજરીવાલના ફુગ્ગામાં ટાંકણી ભરાવવાનું કામ કર્યું. આની સામે હઝારેનું સૌથી મોટું પાપ એ કે એમણે કેજરીવાલ જેવા એક થર્ડ ક્લાસ મામૂલી માણસને મહાકાય ઇમેજ બનાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું .

2013ના અંતમાં દિલ્લીના તત્કાલીન કૉન્ગ્રેસી મુખ્યમંત્રી શીલા દીક્ષિત પર બેફામ આરોપોની ઝડી વરસાવીને કેજરીવાલની (P)AAP ચૂંટણી લડે છે અને 70માંથી 28 બેઠકો જીતે છે. આની સામે ભાજપને 32 બેઠકો મળે છે. દિલ્લીના એલજી (લેફ્ટનન્ટ ગવર્નર સાદી ભાષામાં ઉપરાજ્યપાલ) સૌથી વધુ બેઠકો ધરાવતી પાર્ટી તરીકે ભાજપને સરકાર રચવાનું આમંત્રણ આપે છે. ભાજપ પાસે ચોખ્ખી બહુમતી નહોતી-4 સીટ ખૂટતી હતી. ભાજપે લઘુમતી સરકાર રચવાની ના પાડી. કેજરીવાલને આમંત્રણ મળ્યું. કેજરીવાલે જેમને ગાળાગાળ કરીને સત્તા હાંસિલ કરી હતી એમના જ ટેકાથી 28 ડિસેમ્બર 2013ના રોજ એ સીએમની ખુરશી પર બેસી જાય છે. 8 સીટ મેળવનાર કૉન્ગ્રેસ ‘આપ’ ને બહારથી ટેકો આપવાનું પાપ કરે છે.

ખરો ખેલ હવે શરૂ થાય છે. સીએમ બન્યાના માત્ર 49 દિવસ પછી 14 ફેબ્રુઆરી 2014ના રોજ કેજરીવાલ પબ્લિકની સિમ્પથી મેળવવા ત્રાગું કરીને મુખ્યમંત્રીની ખુરશી છોડી દે છે. રાજીનામાનું કારણ શું ? તો કહે કે જે જનલોકપાલ બિલ બન્યું છે તેનું શિંગડું વાંકું છે, પૂંછડું ટૂંકું છે.

એ પછી લગભગ એક વરસ સુધી દિલ્લી રાષ્ટ્રપતિ શાસન હેઠળ રહે છે. 7 ફેબ્રુઆરી 2015ના રોજ દિલ્લીમાં ચૂંટણી થાય છે. આડેધડ વચનોથી મતદાતાઓને ભરમાવીને ‘અમર શહીદ’ કેજરીવાલના પાપિયાઓ 70માંથી 67 બેઠકો પર જીતી જઈને દેશ આખાને આશ્ચર્યમાં ગરકાવ કરી દે છે. 10મી ફેબ્રુઆરીએ રિઝલ્ટ આવ્યા અને 11મી ફેબ્રુઆરી 2015ની સવારે ‘મુંબઈ સમાચાર’ના છેલ્લા પાને છપાતી ‘ગુડ મૉર્નિંગ’ દૈનિક કૉલમમાં સૌરભ શાહ લખે છે : “…કજિયાખોર બાળક જેવા કેજરીવાલ હવે પોતે જે કંઈ અડબંગ જેવા પ્રોમિસીઝ આપીને બેઠા છે તે પાળી નહીં શકે એટલે
કહેશે કે કેન્દ્ર અમને ફંડિંગ નથી આપતી. કેન્દ્ર અમને રોકે છે, કેન્દ્રને કારણે અમે અમારી નીતિઓને અમલમાં મૂકી શકતા નથી…તમે લખી રાખજો. આ માણસ એક વખત નહીં, હજાર વખત નાટકબાજ છે, અને નાટકબાજ જ રહેશે. મુખ્યમંત્રી બનીને મેટ્રોરેલમાં ઑફિસે જવાનો તમાશો કરનાર આ કેજરીવાલ બાકીના ૪૮ દિવસ કેમ ટ્રેનમાં ન ગયા એવું મિડિયાએ એમને પૂછવું
જોઈએ. પોતાના સંતાનોના કસમ ખાધા હતા એમણે, કે કૉન્ગ્રેસનો ટેકો નહીં લઉં, પણ સત્તા મળતી હતી એટલે કૉન્ગ્રેસ સાથે સૂવા તૈયાર થઈ ગયા…’આપ’ની ૪૯ દિવસની સરકારના પ્રધાનોના આગામી ૧,૮૨૫ દિવસ સુધી ચાલનારા તમાશાઓ જોવા તૈયાર રહેજો. જેમિની સર્કસ અને રેમ્બો સર્કસના જમાના ગયા. દિલ્હીમાં હવે પાંચ વરસ સુધી ચાલનારું દુનિયાનું સૌથી લાંબું સરકસ શરૂ થઈ રહ્યું છે. રિંગમાસ્ટર અને જોકર – બેઉ રોલ એક જ જણ ભજવતું હોય એવા આ સરકસમાં તમારું સ્વાગત છે.”

આ છપાયાના બે દિવસ પછી એ ભવિષ્યવાણી દિલ્લીવાસીઓના કમનસીબે સાચી ઠરી.

‘આપ’ના ચૂંટણી ઢંઢેરાની વાત હતી એમાં. ૪૨ પાનાંની આ ચોપડીનું ટાઇટલ હતું: ‘AAP મેનિફેસ્ટો: દિલ્હી એસેમ્બલી ઈલેક્શન્સ: દિલ્હી ડાયલોગ’.

કવર પર અરવિંદ કેજરીવાલ, ઝાડુ અને કુતુબમિનાર, ઈન્ડિયા ગેટ, જામા મસ્જિદ જેવાં દિલ્હીના લૅન્ડ માર્ક્સના સ્કેચીઝ હતા. ( સાથે એક ઑટો રિક્શા પણ હતી ! ). બે પાનાંની અનુક્રમણિકા વાંચો તો ઈમ્પ્રેસ થઈ જાઓ અને એ પછી બાકીનાં પાનાં વાંચો તો તો જબરજસ્ત ઈમ્પ્રેસ થઈ જાઓ.

મેં આ ચૂંટણી ઢંઢેરાનું વિષ્લેશણ કરતાં લખ્યું:

‘આપ’એ દિલ્હી રાજ્યમાં ૫૦૦ નવી સ્કૂલ્સ, ૨૦ નવી કૉલેજીસ, ૧૫ લાખ સીસીટીવી કૅમેરાઝ અને બે લાખ પબ્લિક ટૉઈલેટ્સ બનાવવાનું વચન આપ્યું છે. ‘આપ’ પાસે આ તમામ કામ કરવા માટે પૂરા ૧,૮૨૫ દિવસો છે. આનો અર્થ એ થયો કે ‘આપે’ સરાસરી ૩.૬૫ દિવસમાં એક સ્કૂલ શરૂ કરવાની રહેશે, ૯૧.૨૫ દિવસમાં એક કૉલેજ શરૂ કરવાની રહેશે, દર બે મિનિટે એક સીસીટીવી કૅમેરા ઈન્સ્ટૉલ કરવાનો રહેશે અને ૧૨-૧૩ મિનિટે એક જાહેર શૌચાલય બાંધવાનું રહેશે.

‘આપ’એ આપેલાં વચનો પ્રમાણે વીજળીના ભાવમાં ૫૦ ટકાનો ઘટાડો થશે, વૅટ (વેલ્યુ ઍડેડ ટૅક્સ) ઓછો થશે, પાણી મફત મળશે, વાય-ફાય ફ્રી મળશે. આ બધાને કારણે દિલ્હી રાજ્યના ખર્ચમાં જે વધારો થશે તે પછી ટૉયલેટ-સ્કૂલ વગેરે બાંધવાનાં આવશે.

વીજળી. ‘આપ’ દિલ્હીને પોતાનું વીજઉત્પાદન મથક આપવા માગે છે. પ્રદૂષણ નિયંત્રણના નિયમો કોલસાથી ઉત્પાદન કરતા પાવર સ્ટેશનને શહેરી વિસ્તારોમાં પરવાનગી નથી આપતા. ગૅસથી થતું વીજઉત્પાદન મોંઘું પડશે. કેજરીવાલને દિલ્હીના પાડોશી રાજ્યો સહકાર આપે એ શક્ય નથી લાગતું અને ધારો કે સહકાર મળ્યો તો ૫૦ ટકા ડિસ્કાઉન્ટથી કોણ વીજળી આપશે?

કાયદો અને વ્યવસ્થા: દિલ્હીની પોલીસ દિલ્હી રાજ્યના નિયંત્રણ હેઠળ રહે એવી ‘આપ’ની માગણી છે. દિલ્હી પોલીસનું બજેટ રૂ. ૫,૦૦૦ કરોડનું છે. દિલ્હી રાજ્યનું બજેટ રૂ. ૩૬,૭૦૦ કરોડનું છે. આટલા બજેટમાં, જો જવાબદારી લેવી પણ હોય તો ‘આપ’ની સરકાર કઈ રીતે વધારાના રૂ. ૫,૦૦૦ કરોડની જવાબદારી લઈ શકવાની છે?

૩,૦૦૦ મોહલ્લા સભા: દિલ્હીનું ગ્રાસરૂટ લેવલનું મૅનેજમેન્ટ મ્યુનિસિપાલિટીઓ દ્વારા થાય છે જે ૨૦૧૭ સુધી ભાજપના તાબામાં છે. ‘આપ’ ૩,૦૦૦ મોહલ્લા સભાઓ રચીને દિલ્હીને ગ્રાસરૂટ લેવલ પર મૅનેજ કરવા માગે છે, દિલ્હીના એકએક નાગરિકનો સાથ લેવા માગે છે. દિલ્હીનો નાગરિક મજૂરી કરવા, દુકાન ચલાવવા, રિક્શા ફેરવવા કે ઑફિસમાં નોકરી કરવા જશે કે પછી મોહલ્લા સભાઓમાં જશે?

સી.સી.ટી.વી.: કેજરીવાલે ૧૫ લાખ સીસીટીવી કૅમેરા ઈન્સ્ટૉલ કરવાનું પ્રૉમિસ આપ્યું છે. એનો ખર્ચ ૩.૭ લાખ કરોડ રૂપિયા આવશે. દિલ્હીની જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) ૨૦૧૩માં ૪ લાખ કરોડ રૂપિયા હતી. એ બધી જ આવક સીસીટીવીના કૅમેરાઓ પાછળ ખર્ચી નાખ્યા પછી દિલ્હીના ખર્ચાપાણી કેવી રીતે નીકળશે? અને ધારો કે કોઈ ચમત્કાર થયો અને ૧૫ લાખ કૅમેરા ઈન્સ્ટૉલ પણ થઈ ગયા તો ચોવીસે કલાક અને ત્રણસોએ પાંસઠ દિવસ એનું રિયલ ટાઈમ મૉનિટરિંગ કોણ કરશે? દિલ્હી પાસે ૧,૦૦,૦૦૦ પોલીસ કર્મચારી છે. સી.સી.ટી.વી. પ્રોજેક્ટને સફળ બનાવવા રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગની જરૂર પડે જે કામ સાડા ચાર લાખ પોલીસોએ કરવું પડે. બીજિંગમાં ૪.૭ લાખ અને લંડનમાં ૪.૨ લાખ સીસીટીવી કૅમેરા છે.

આમ આદમી પાર્ટીનો પ્રચાર એવો છે કે અમે સૌ કૉમન મૅન છીએ. દિલ્હીમાં નવા ચૂંટાયેલા ૭૦ ઉમેદવારો (જે હવે વિધાનસભ્યો બનશે)માંથી ૪૪ જણા કરોડપતિઓ છે. કયા આમ આદમી પાસે એક કરોડ કે તેથી વધુ રૂપિયાની સ્થાવર/જંગમ મિલકત હોવાની?

આમ આદમી પાર્ટીનો દાવો છે કે અમે સૌ પ્રામાણિક છીએ, નૉન કરપ્ટ છીએ, ટૂંકમાં સતનાં પૂતળાં છીએ. આમ આદમી પાર્ટીના ૬૭ ચૂંટાયેલા ઉમેદવારોમાંથી ૩૪ ટકા અર્થાત્ ૨૩ ઉમેદવારો (જે હવે વિધાનસભ્યો કહેવાશે, ધારાસભ્યો કહેવાશે – અર્થાત્ ધારા ઘડનારા એટલે કે કાયદાઓ ઘડનારા સભ્યો કહેવાશે) ઉપર ક્રિમિનલ કેસીઝ છે. ટ્રેન-બસમાં લટકતા કે પ્રામાણિકપણે રોજીરોટી કમાતા અને નાનકડી ખોલીઓમાં રહેતા કેટલા આમ આદમીઓ પર ક્રિમિનલ કેસીઝ હોવાના? માન્યું કે દરેક પાર્ટીમાં આવા લોકો હોય છે. તો પછી બીજી બધી પાર્ટીઓમાં અને આમ આદમી પાર્ટીમાં ફરક શું રહ્યો. શા માટે ‘આપ’વાળાઓએ હોલીઅર ધૅન ધાઉની ઍટિટ્યુડ રાખીને પોતાના માથા ફરતે હેલો (તેજપુંજ) દેખાતો હોય એવા ઘમંડમાં ફરવાનું?

આ વિશ્લેષણ પછી વાંચો એ જ દિવસે ‘ટાઈમ્સ’ની સાઈટ પરનો અહેવાલ:

‘આજે દિવસના શરૂના ભાગમાં કેજરીવાલ યુનિયન અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટર વેન્કૈયા નાયડુને મળ્યા અને દિલ્હીના વિકાસ માટે કેન્દ્રની મદદ માટે વિનંતી કરી.

આ સંદર્ભે મનીષ સિસોદિયાએ રિપોર્ટર્સ સાથે વાત કરતાં કહ્યું, ‘… અમે એમને કહ્યું છે કે વધારે સ્કૂલો, કૉલેજો, હૉસ્પિટલો તથા પાર્કિંગ લૉટ બનાવવા ઘણી જમીનની જરૂર છે તો દિલ્હી ડેવલપમેન્ટ ઑથોરિટી (ડી.ડી.એ.) પાસેથી અમને એ બધી જમીન મળવી જોઈએ. આ ઉપરાંત દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની પણ માગણી અમે કરી છે.’

૧૪ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ સોગંદવિધિ થાય એ પહેલાં જ બહાનાંબાજીઓનો તખ્તો ગોઠવાઈ ગયો હતો.

એ લેખનું સમાપન મેં એક ઉદાહરણ સાથે કર્યું હતું. કલંકકથાનો આજનો હપતો એનાથી જ આટોપીએ. નેક્સ્ટ એપિસોડ સોમવારે. પેલું ઉદાહરણ:

હું સ્કૂલમાં હતો ત્યારે મારી બર્થ ડે પર મેં મારી બિલ્ડિંગના, ક્લાસના અને આખી સ્કૂલમાં જેટલા હતા તે બધા જ છોકરાઓને મારા ઘરે પાર્ટી માટે આમંત્રણ આપીને કહ્યું, ‘બધાએ આવવાનું છે. ખૂબ બધું ખાવાપીવાનું છે. તાજમહાલ હોટેલમાંથી મસ્ત મસ્ત ખાવાનું મગાવ્યું છે. બધાને રિટર્ન ગિફ્ટ તરીકે રોલેક્સની સોનાની ઘડિયાળ આપવાનો છું અને પાર્ટીમાંથી પાછા જવા માટે બધા માટે મર્સીડીસનો કાફલો તૈયાર હશે.’

પાર્ટીના દિવસે મારા ઘરે સાતસો મિત્રો નવાં નવાં કપડાં પહેરીને મોંઘી મોંઘી ભેટસોગાદો લઈને (આફ્ટર ઑલ એમનાં માબાપોને ખબર હતી કે એમનું સંતાન રિટર્ન ગિફ્ટમાં શું લઈને આવવાનું છે) આવી પહોંચ્યા. બધાએ મને ગિફ્ટ આપી. આખું ઘર ગિફ્ટ્સથી છલકાઈ ગયું. મિત્રો રાહ જોવા લાગ્યા પાર્ટી શરૂ થવાની. બૂમાબૂમ વધે એ પહેલાં મેં એક કપ કેક પર મીણબત્તી ગોઠવી અને બાજુની ડિશમાં રાખેલા પચીસ વડાપાંઉ તરફ આંગળી ચીંધીને કહ્યું કે શરૂ કરો પાર્ટી. દોસ્તારો જ્યારે મને મારવા લાગ્યા ત્યારે મેં નફ્ફટ થઈને કહ્યું, ‘મારે તો કરવી હતી પાર્ટી, પણ મારા બાપાએ પૈસા ના આપ્યા એમાં હું શું કરું?’

દોસ્તારો સારા હતા. કોઈએ કહ્યું નહીં કે: ગધેડા, પાર્ટી અરેન્જ કરતાં પહેલાં તારા બાપને પૂછી લેવું તો હતું કે તમારી પાસે મારી પાછળ ખર્ચવા માટે એટલા પૈસા છે કે નહીં!

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. ૧૦૦% સાચી વાત. કેજરુદ્દીન ને ૨૦૧૦ માં કોઈ ઓળખતું નહોતું ત્યારે પણ મારો બોસ કહેતો કે અન્ના ને તો સમજ્યા, પણ એનો જોડીદાર છે એની જ મોટી રામાયણ છે, જેની જ મોટી મડાગાંઠ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here