(‘ન્યુઝવ્યુઝ’, Newspremi. com: મંગળવાર, 25 ફેબ્રુઆરી 2025)
શરાબ કૌભાંડમાં તિહાર જેલની હવા ખાનાર કાચા કેદી નંબર 420 અરવિંદ ગોવિંદરામે 2012માં ‘સ્વરાજ’ ચોપડીમાં લખ્યું હતું :
‘દિલ્લીમાં સોનિયા વિહારની મહોલ્લા સભામાં બધા લોકોએ કહ્યું કે શરાબની આદત ખરાબ છે અને દારૂ એક દૂષણ છે. તેથી આ વિસ્તારમાં લિકર શૉપ ખોલવી જોઈએ નહીં. આવી ચર્ચા પછી લિકર શૉપ ખોલવાની દરખાસ્તને નકારી કાઢવામાં આવી. તે જ દિવસે ગ્રામ કે મહોલ્લા સભાનો એક ઓર ફાયદો સ્પષ્ટ થઈ ગયો કે સમાજને નુકસાનકારક કોઈ પણ દરખાસ્ત પ્રજાની સભામાં પાસ કરાવી શકાશે નહીં.’
આવા દેખાડા કરીને બીજીવાર ચૂંટણી જીતી ગયા પછી આ જ કેજરીવાલે દિલ્લીમાં શરાબનીતિમાં બદલાવ કરીને ઠેર ઠેર શરાબના ઠેકાઓ ખોલ્યા, શરાબ પરની એક્સાઈઝ ડ્યૂટી ઘટાડીને સરકારને કરોડોનું નુકસાન તથા શરાબ વેચનારાઓને કરોડોનો ફાયદો કરાવ્યો, પીવાની ઉંમર 25માંથી ઘટાડીને 21 કરી નાખી (જેથી માર્કેટ રાતોરાત એક્સ્પાન્ડ થઈ જાય) ત્યારે શું એણે મહોલ્લા સમિતિઓનો ઓપિનિયન લીધો હતો? (શરાબ કૌભાંડની વિગતો તમને કલંકકથા સિરીઝના ત્રીજા હપ્તામાં મળશે.)
કેજરીવાલે 2012માં ગાંધી ટોપી માથે ચડાવીને ‘સ્વરાજ’માં લખ્યું હતું : ‘આજે લિકર શૉપ ખોલવા માટે દુકાનદારે સ્થાનિક નેતાને સાધી લેવો પડે છે અને અધિકારીને લાંચ આપીને લાઈસન્સ મેળવી લેવાય છે. લોકોને પૂછવામાં જ નથી આવતું કે તેમના વિસ્તારમાં છૂટથી દારૂ વેચાવો જોઈએ કે નહીં. તેના કારણે નેતાઓ અને અધિકારીઓ લાંચ લઈને મંજૂરી આપી દે છે. જો એવો કાયદો કરવામાં આવે કે મહોલ્લા સભાની મંજૂરી પછી જ લિકર શૉપ ખોલી શકાય કે ગામમાં ગ્રામસભાની મંજૂરી જરૂરી છે, તો પછી લિકર શૉપ ખોલવાની પરવાનગી મેળવવી અત્યંત મુશ્કેલ બની જશે. તેના કારણે દારૂના દૂષણ સામે આપોઆપ એક લડાઈ શરૂ થઈ જશે અને તેમાં સફળતા પણ મળી જશે.’
દારૂની દુકાન ખોલવા માટે મહોલ્લા સભાની મંજૂરી જોઈએ એવો કાનૂન કેજરીવાલે પોતાની 10+ વર્ષની સત્તા દરમ્યાન ક્યારેય બનાવ્યો નહીં. એટલું જ નહીં દારૂના દૂષણ સામે લડાઈ કરવાની જગ્યાએ દિલ્લીના સેંકડો મહોલ્લામાં દારૂના નવા ઠેકાઓ ખોલીને લાખો યુવાનને દારૂ પીતા કરી દીધા. આ કૌભાંડીએ બેશરમ બનીને ‘સ્વરાજ’ માં લખ્યું છે:
‘દારૂનો ઠેકો રાજકીય વગ દ્વારા મેળવી લેવામાં આવે છે. રાજકીય દબાણ હેઠળ અધિકારી શરાબની દુકાન ખોલવાની મંજૂરી આપી દે છે. ગામડાંમાં ખૂલી રહેલી આવી દારૂની દુકાનોને કારણે દૂષણ પેદા થઈ રહ્યું છે. અનેક કુટુંબો બરબાદ થઈ રહ્યાં છે. ગ્રામ જનતાના જીવન પર સીધી અસર થાય છે, છતાં કરૂણતા એ છે કે તેમને કોઈ પૂછતું નથી કે તેમના ગામમાં શરાબનો ઠેકો અપાવો જોઈએ કે નહીં. પ્રજાના માથે દારૂના ઠેકા ઠોકી બેસાડવામાં આવે છે.’
સાયંસ્મરણીય (ટુ બી સ્પેસિફિક 8pm) કેજરીવાલ આગળ લખે છે:
‘ગ્રામસભાની મંજૂરીથી જ શરાબની દુકાન માટે પરવાના આપવા જોઈએ. એટલું જ નહીં ગ્રામસભામાં હાજર મહિલાઓમાંથી 90 ટકા સહમતી આપે તો જ દારૂનો ઠેકો અપાવો જોઈએ. ગ્રામસભામાં હાજર મહિલાઓ બહુમતીથી ઠરાવ પસાર કરીને હાલમાં ગામમાં ચાલતી દારૂની દુકાન હોય તેને બંધ પણ કરાવી શકે તેવી જોગવાઈ થવી જોઈએ.’
લેફ્ટિસ્ટો, વામપંથીઓ, સેક્યુલરો, ઍનાર્કિસ્ટ અથવા તો અંધાધૂંધીવાદીઓ, અરાજકતાવાદીઓ, ભાંગફોડિયાવાદીઓ- આ બધામાં ઊડીને આંખે વળગે એવું એક કૉમન લક્ષણ હોય છે—તેઓ જે કરે તેના કરતાં તદ્દન ઊંધી જ પટ્ટી તમને પઢાવે. તેઓ જે બાબતમાં ગુનેગાર હોય એ જ બાબતે તમારા પર આક્ષેપ લગાવે. જેમ કે, જેમને મુસ્લિમો માટે અને હિંદુવિરુદ્ધ કામ કરવું હોય તે લોકો તમને કોમવાદીમાં ખપાવશે અને પોતે બિનસાંપ્રદાયિક-સેક્યુલરનો બિલ્લો પહેરીને ફરશે. જેઓ નૉન-વેજિટેરિયન જ ખાતા હશે તેઓ કહેશે કે અમારે મન તો વેજ-નૉનવેજ બધું સરખું જ છે. જેઓ કાયદાનું પાલન કરવાનાં બણગાં ફૂંકતાં હશે તેઓ કાનૂનમાં છીંડાં શોધીને, પોતાના સંપર્કો દ્વારા આતંકવાદીઓ માટે રાત્રે બે વાગે કોર્ટનાં બારણાં ખોલાવશે. જેઓનો એજન્ડા બંધારણને પગ તળે કચડીને અરાજકતા ફેલાવવાનો છે તેઓ હાથમાં બંધારણની લાલ પૉકેટબુક લઈને જ્યાંને ત્યાં દેખાડતા ફરશે. અને જેઓ શરાબને દૂષણ ગણાવતા હશે તેઓ દારૂની રેલમછેલ કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ કરશે.
કેજરીવાલના દોગલાપનનો બીજો એક દાખલો : ‘સ્વરાજ’ માં એ લખે છે:
‘દિલ્લીમાં પ્રધાનો અને અમલદારો માટે મોટા મોટા બંગલા છે…જો આપણે પ્રધાનોને અને અમલદારોને કહીએ કે તમે નાનાં મકાનોમાં રહો કે જેથી દિલ્લીના વધુ થોડા લોકોને રહેવા માટે ઘર મળે તો તેઓ માનશે ખરા? ક્યારેય નહીં.’
ચાર-ચાર પ્લૉટ ભેગા કરીને છૂપી રીતે સરકારી પૈસે સુવર્ણસંડાસવાળો શીશમહલ બનાવનારો કેજરીવાલ કઈ હદ સુધીનો લબાડ છે એનો આ પુરાવો છે. ચાર લાખની એમઆરપીવાળા ટીવી માટે આઠ લાખ રૂપિયા ચૂકવીને, ઇન્ફ્લેટેડ ભાવે ડઝનબંધ ટીવી, ડઝનબંધ એસી, ઑટોમેટિક પડદા વગેરે ખરીદાવનાર કેજરીવાલનો શીશમહલ હવે ‘ભ્રષ્ટાચાર સદન’ જેવા કોઇક નામનું મ્યુઝિયમ બનશે અને પબ્લિક માટે ખુલ્લું મૂકાશે એવી જાહેરાત દિલ્લીના નવા મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ કરી દીધી છે.
કેજરીવાલ સાચે જ ગઠિયો છે, બગભગત છે જેનાં દસ વર્ષનાં અનેક કાળાં કામોનો હિસાબ લખવા એક આખું દળદાર પુસ્તક ઓછું પડે. આ માણસ નીતિમત્તાની વાતો લખીને લોકોને આંજી નાખવાની કોશિશ કરે છે. હરકિસન મહેતાના અમીરઅલીને શરમમાં મૂકી દે એવી સલુકાઈથીએ આ ઠગસમ્રાટ પોતાનો કુરૂપ ચહેરો ઢાંકીને ‘સ્વરાજ’ માં લખે છે:
‘અહીં શા માટે આપણે ચારિત્ર્યનિર્માણ અને સંસ્કારઘડતરની ચર્ચા કરી રહ્યા છીએ? જીવનનું ઉચ્ચતમ લક્ષ્ય મોક્ષ પામવાનું છે. પોતાની ઇચ્છાઓને કાબૂમાં રાખવાની છે અને નિર્લેપ થવાનું છે. તેનો અર્થ એ કે ચારિત્ર્યનિર્માણ એ જીવનનું અને કુદરતનું લક્ષ્ય છે. સમાજમાં સારી વ્યવસ્થા હોય તો વ્યક્તિ સારા માર્ગે આગળ વધે. સિસ્ટમ ખરાબ હોય તો વ્યક્તિ આડા માર્ગે આગળ વધશે. આ બાબતમાં કોઈ શંકા નથી કે સારા ચારિત્ર્યનિર્માણથી સારી સિસ્ટમ ઊભી થાય છે. અને સારી સમાજવ્યવસ્થા હશે તો સારા સંસ્કારો ઊભા થશે. સત્યના માર્ગે આગળ વધવું અને ન્યાય માટે લડવું તે માનવજીવનનું ઉચ્ચતમ ધ્યેય હોવું જોઈએ. ન્યાયી વ્યવસ્થાતંત્ર ઊભું થાય તેમાં મદદરૂપ થવું એ મનુષ્યનો ધર્મ છે. આ રીતે જ મજબૂત ચારિત્ર્યનિર્માણ થાય છે.’
વાંચ્યું ને? માળો બેટો ગજબનો ગિલિંડર નીકળ્યો. 2012માં એણે પોતાના માથા પાછળ તેજવર્તુળ (hallow) ચીતરીને હજારો નહીં, લાખો-કરોડો લોકોને ચૂનો લગાવ્યો હતો તેનો પુરાવો તમને આદર્શવાદી વાતો વડે બહેકાવતા આ બનાવટી શબ્દોમાંથી મળે છે. આ માણસનો ઈરાદો લોકોને ભડકાવીને સમાજમાં અરાજકતા ફેલાવવાનો છે. એ વારંવાર કહ્યા કરે છે કે રાજકારણીઓ ભ્રષ્ટ છે, સરકારી કર્મચારીઓ હરામી છે, શિક્ષણતંત્ર-પોલીસતંત્ર-ચૂંટણીતંત્ર-વ્યવસ્થાતંત્ર બધું જ ભ્રષ્ટ છે અને આખો દેશ ખાડે ગયો છે. લેફ્ટિસ્ટોની આ એક બહુ મોટી ટ્રેટ છે. દેશની હરએક વ્યવસ્થાને, સિસ્ટમને ઊતારી પાડો, એને બદનામ કરો અને પ્રજાને ઉશ્કેરો. ક્યાંક ખામી દેખાઈ તો એને બિલોરી કાચની હેઠળ મૂકીને બિકાઉ મીડિયા દ્વારા આગ ફેલાવો. સરકારની બાકીની 99 ટકા સારી બાબતો પર કોઈનું ધ્યાન ન જાય તેનું ધ્યાન રાખો. દરેક બાબતને પોતાનાં લાલ ચશ્માંથી જોવાની અને ભોળી પ્રજાને પણ લાલ ચશ્માં પહેરાવવાનાં. સમાજમાં અસંતોષ ફેલાવવા માટે વર્ગભેદ, જાતિવાદ, ધાર્મિક અસહિષ્ણુતાની વાતો ફેલાવવાની અને રાઈનો પહાડ બનાવવાનો. અપવાદરૂપે જે કંઈ બનતું હોય તે વ્યાપક છે, એ જ નિયમ છે એવો પ્રચાર કરવાનો. છુટાછવાયા દાખલાઓ ટાંકીને લોકોને ભરમાવવાના કે બધે આવું જ થાય છે. એન.જી.ઓ.ગીરી કરતા ‘સેવાભાવી’ઓ પૈસા કમાવવા, વધુ ને વધુ ફંડિંગ મળે તે માટે આ બધું કરતા હોય છે અને કેજરીવાલે એ સૌનું અનુકરણ કર્યું.
2014માં મોદીએ આવીને દેશવિરોધી પ્રવૃત્તિઓ કરતી 3,500 એનજીઓ બંધ કરેલી ત્યારે આ સંસ્થાવાળાઓ વિક્ટિમ કાર્ડ પ્લે કરીને સહાનુભૂતિ ઉઘરાવતા હતા. કેજરીવાલ પણ પોતાના પર લિકર કૌભાંડનો આક્ષેપ લાગ્યો ત્યારે પોતે વિક્ટિમ છે એવું સતત કહેતો હતો. જેલમાંથી ટેમ્પરરી જામીન પર બહાર આવ્યા પછી પણ એ પોતાને દૂધે ધોયેલો ગણાવે છે.
કેજરીવાલ કેટલાક લોકોમાં રહેલો અસંતોષ ભડકાવીને અને જેઓ શાંતિથી જીવતા હોય એમને પણ સળી કરીને દિલ્લી જ નહીં, દેશ પર રાજ કરવા માગતો હતો. દેશને સારી અર્થવ્યવસ્થા મળે, દેશને સુશાસન મળે તે માટે ચૂંટણી લડીને, લોકોનાં કામ કરીને સત્તા પર આવવાને બદલે એણે મત મેળવવા બધું મફત આપવાનું શરૂ કર્યું, તિજોરીઓ ખાલી કરી નાખી અને જે કામ ન થયાં તેના માટે આ આડે આવે છે અને તે આડે આવે છે એવું સતત કહ્યા કર્યું.
‘ડીપ સ્ટેટ’ વતી આવેલી શિમરીત લીએ કેજરીવાલના કુત્સિત ભેજામાં ગ્રામસભા અને મહોલ્લા સભાનું તૂત એવું પહેરાવી દીધેલું કે એ 24 કલાક એનું જ રટણ કરતો થઈ ગયેલો. ‘સ્વરાજ’ માં એ કહે છે:
‘…આપણે એ સમજવું પડશે કે સમગ્ર રાજકીય સિસ્ટમ નહીં બદલાય અને નિર્ણયો લેવાની સત્તા લોકોના હાથમાં નહીં આપવામાં આવે ત્યાં સુધી આ સમસ્યાઓનો ઉકેલ આવવાનો નથી.
‘…અધિકારીઓને પોતાની સામે બોલાવીને તેમનો જવાબ માગવાની સત્તા ગ્રામસભાને નહીં મળે ત્યાં સુધી શિક્ષણ, આરોગ્ય, પાણી, રસ્તા, વન અને ભૂમિને લગતી સમસ્યાઓ હળવી થવાની નથી. આપણે એ સમજવું પડશે કે મૂળમાં જ ફેરફારો નહીં કરીએ તો સાચું પરિવર્તન કદી આવશે નહીં.’
લોકોના હાથમાં સત્તા આપો અને ચારેકોર કરપ્શન છે એવાં મંજીરાં વગાડતાં વગાડતાં કેજરીવાલ જ્યારે ‘સ્વરાજ’ ચોપડીના અંતે પહોંચે છે ત્યારે તે પોતાનું અસલી રૂપ દેખાડે છે. ક્લાઈમેક્સના ચેપ્ટરમાં કેજરીવાલનો ખરો ઈરાદો પ્રગટ થાય છે :
‘ગામડાંઓમાં ગ્રામસભા હોય તે રીતે શહેરોમાં મહોલ્લા સભાઓ હોવી જોઈએ.
ચોક્કસ વિસ્તારના 3,000 લોકો વચ્ચે એક મહોલ્લા સભાની રચના કરવી. જો વૉર્ડની વસતિ 3,000 કરતાં વધારે હોય તો ત્રણ-ત્રણ હજારની સભ્ય સંખ્યા સાથેની વધારે મહોલ્લા સભાઓની રચના કરવી. જે તે વિસ્તારમાં રહેતા તમામ નાગરિકોને મહોલ્લા સભાના મેમ્બર ગણવા.
2. રાજ્યના ચૂંટણી પંચની સહાયથી દરેક મહોલ્લા સભાનો એક પ્રતિનિધિ ચૂંટવો.
3. એક વોર્ડની તમામ મહોલ્લા સભાઓના પ્રતિનિધિઓની એક વૉર્ડ કાઉન્સિલ બનાવવી.
4. પોતાના વિસ્તારની દરેક બાબતો માટે મહોલ્લા સભાએ ચર્ચા-વિચારણા કરવી. વૉર્ડને લગતા મુદ્દાઓની ચર્ચા વૉર્ડ કાઉન્સિલમાં થવી જોઈએ.
5. મહોલ્લા સભા જે પણ નિર્ણયો કરે તે પ્રતિનિધિએ સ્વીકારવાના રહેશે. સભાને પૂછ્યા વિના તે જાતે કોઈ નિર્ણય લઈ શકે નહીં.
6. મહોલ્લા સભા સિવાય અન્ય કોઈ જગ્યાએ મીટિંગ કરીને નિર્ણય લેવામાં આવે તો પણ તેને મહોલ્લા સભામાં લાવીને તેની મંજૂરી મેળવવાની રહેશે.’
કેજરીવાલ આગળ સમજાવે છે કે મહોલ્લા સભાઓને આ ઉપરાંત કેવી કેવી સત્તાઓ મળવી જોઈએ:
‘1. વૉર્ડ કાઉન્સિલ પાસે રેવન્યુના સ્વતંત્ર સ્ત્રોત હોવા જોઈએ. વૉર્ડ કાઉન્સિલને પોતાના વૉર્ડમાં કેટલાક કિસ્સામાં વેરા નાખવાની અને ઉઘરાવવાની સત્તા હોવી જોઈએ.
2. સ્થાનિક રીતે કર ઉઘરાવવા ઉપરાંત મ્યુનિસિપલ કૉર્પોરેશન, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસેથી પણ વૉર્ડ કાઉન્સિલને વિકાસનાં કાર્યો માટે પૂરતું ફંડ મળવું જોઈએ.
3. કેવાં વિકાસ કાર્યો કરવા તેનો નિર્ણય મહોલ્લા સભા લેશે. મહોલ્લા સભાને સ્થાનિક કર્મચારી(જેવા કે જુ.એન્જિનિર, પ્રિન્સિપાલ, મેડિકલ, ઑફિસર વગેરે) અને અધિકારીઓ સામે કાર્યવાહી કરી તેનો પગાર અટકાવવાની સત્તા હોવી જોઈએ. એમની તપાસ કરવાની સત્તા હોવી જોઈએ. એમને દૂર કરવાની સત્તા પણ હોવી જોઈએ. મ્યુનિસિપલ કૉર્પોરેશને મહોલ્લા સભાઓનાં સૂચનો સ્વીકારવાનાં રહેશે, તેનો અમલ કરવાનો રહેશે.’
તો આમ વાત છે. દેશમાં ઑલરેડી કેન્દ્ર અને રાજ્યથી માંડીને જિલ્લા, તાલુકા, ગામ, નગર, શહેર સુધીના દરેક સ્તરે વ્યવસ્થાતંત્ર ગોઠવાયેલું જ છે—છેક દેશ પ્રજાસત્તાક થયો ત્યારથી. આ દરેક સ્તરે જનપ્રતિનિધિઓનું તંત્ર પણ ગોઠવાયેલું છે. દરેક સ્તરને કયા ક્ષેત્રમાં કેટલા હક્ક છે, અને પ્રજાને કાર્યો કરવા માટે દરેક સ્તરે કેટલું બજેટ ફાળવવામાં આવશે તેનું વ્યવસ્થાતંત્ર પણ અરવિંદ કેજરીવાલને જન્મ પણ નહોતો થયો ત્યારનું ભારતના બંધારણમાં ગોઠવાયેલું છે.
તો પછી આ મહોલ્લા સમિતિઓ, ગ્રામ સભાઓની રચના કરવા પાછળ કેજરીવાલનો ઈરાદો શું છે?
કેજરીવાલ આ દેશમાં એક વેલ ઑઈલ્ડ સિસ્ટમને તોડીફોડી વેરણછેરણ કરી એક પેરલેલ સિસ્ટમ બનાવવા માગતો હતો એવું ‘સ્વરાજ’ ચોપડી પરથી સાબિત થાય છે. આ ચોપડીમાં લખાયેલા મુદ્દાઓનો એણે વારંવાર પોતાનાં પ્રવચનો-મીડિયા ઈન્ટરવ્યુઝ દ્વારા પ્રચાર-પ્રસાર કર્યો છે. સમાંતર વ્યવસ્થાતંત્ર રચવા માટે એ દેશને ત્રણત્રણ હજારની વસ્તીના માઈક્રો ટુકડાઓમાં વહેંચી દેવા માગતો હતો. સત્તાના વિકેન્દ્રીકરણના નામે એ ‘ડીપ સ્ટેટ’ના ઇશારે ભારત દેશની તાકાતને વિખેરી નાખવા માગતો હતો. ભારતના અનેક ભાગલાઓ કરીને એ સરદાર પટેલે ભારતનાં તમામ 562 નાનાંમોટાં સ્વતંત્ર રાજ્યોને એકત્ર કરીને જે મજબૂત દેશ બનાવ્યો તેના ટુકડેટુકડા કરીને સરદારના કર્યાકરાવ્યા પર કેજરીવાલ પાણી ફેરવી દેવા માગતો હતો, જેથી ટુકડાઓમાં વહેંચાયેલા ભારતને ‘ડીપ સ્ટેટ’ ના મગરમચ્છો હડપ કરી જાય.
(ક્રમશ:)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો