લોકશાહી પદ્ધતિથી ચૂંટાયેલા સાંસદો અને વિધાનસભ્યોની જગ્યાએ પોતાના માણસોને ગોઠવીને કેજરીવાલ સ્વ-રાજ લાવવાની મંશા રાખતો હતો (કેજરીવાલની કલંકકથા 10) : સૌરભ શાહ

(‘ન્યુઝવ્યુઝ’, Newspremi .com: સોમવાર, 24 ફેબ્રુઆરી 2025)

અરવિંદ કેજરીવાલે પોતાનો કદરૂપો ચહેરો છુપાવવા માટે કેવું રૂપાળું મહોરું પહેર્યું હતું તેનો લેખિત દસ્તાવેજ ‘સ્વરાજ’ નામની ચોપડીમાં છે. 2012માં હાર્પર કૉલિન્સે આ ચોપડી પ્રગટ કરી છે. એ પછી દેશની ઘણી ભાષાઓંમાં આ પુસ્તક પ્રગટ થયું. ગુજરાતીમાં સ્વ. દિલીપ ગોહિલ જેવા હોનહાર પત્રકારે આનો અનુવાદ કર્યો હતો જે 2014માં આર.આર.શેઠ જેવી નામી પ્રકાશન સંસ્થા દ્વારા ગુજરાતી વાચકો માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો.

આજના લેખમાં અનેક જગાએ મેં ‘સ્વરાજ’માં છપાયેલા કેજરીવાલના શબ્દો ક્વોટ કર્યા છે. એ વાંચતા જાઓ અને સાથે સાથે મનમાં એના મુખ્યમંત્રીપદના સમયમાં થયેલા ગોટાળાઓ યાદ કરતા જાઓ. આનો બરાબર સ્ટડી કરી લો જેથી ભવિષ્યમાં (અથવા વર્તમાનમાં) તમારી આસપાસ આવી વાતો કરવાવાળાઓને તમે તરત જ ઓળખી જાઓ અને બીજાઓ કેજરીવાલથી દોરવાઈ ગયા એમ તમે ભોળવાઈ ન જાઓ.

2012માં અંગ્રેજીમાં આ ચોપડી છપાઈ તે પહેલાં કેજરીવાલે એમાં લખેલી કન્ટેન્ટને પોતાનાં ડઝનબંધ પ્રવચનો તથા સેંકડો મીડિયા ઈન્ટરવ્યુઝ દ્વારા લોકોની આંખમાં ધૂળ નાખવાનું ઑલરેડી શરૂ કરી દીધું હતું. એક ફ્રોડ અને બદમાશ રાજકારણીના નામે, સમાજને ગેરમાર્ગે દોરવાના ઈરાદાથી પ્રગટ થયેલી આ ચોપડીનું ટાઇટલ ‘સ્વરાજ’ છે. દાદાભાઈ નવરોજી જેવા પ્રખર રાષ્ટ્રવાદીએ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે પ્રથમવાર આ શબ્દ વાપરેલો. મહાત્મા ગાંધીજીએ પ્રચલિત કરેલો. લોકમાન્ય બાળ ગંગાધર ટિળકનું આ વાક્ય તો તમે સ્કૂલમાં ભણતા હતા ત્યારથી તમને યાદ છે : ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે અને હું એને લઈને જ રહીશ’.

‘સ્વરાજ’ શબ્દ સાંભળતાં જ લોકોના મનમાં રાષ્ટ્રભાવનાનો ઉછાળો આવશે એની આ બદમાશને બરાબર ખબર હતી એટલે જ એણે આ શીર્ષકથી ચોપડી છપાવી. ઑલરેડી લોકશાહી ધરાવતા પ્રજાસત્તાક ભારતમાં આજની તારીખે ‘સ્વરાજ’ શબ્દનું ટાઈટલ આપવું એમાં કેજરીવાલનો બદઈરાદો પ્રગટ થઈ જાય છે.

કેજરીવાલની આ ‘સ્વરાજ’ ચોપડી વાંચતી વખતે તમે પાને પાને ‘ડીપ સ્ટેટ’ દ્વારા ‘કબીર’માં કામ કરવા માટે આવેલી શિમરીત લીને, ટ્યુનિશિયાને, આરબ સ્પ્રિંગને અને મોહલ્લા સમિતિઓને યાદ કરશો. કેજરીવાલ જેવા શાતિર લોકો પોતાની અસલિયત છુપાવવા શું શું કરતા હોય છે એની તમને ખબર છે. હલકટ અને ડરપોક સેક્યુલરો પોતાની બદમાશી છુપાવવા, પોતાના ઝેરીલા-દ્વેષીલા સ્વભાવને ઢાંકવા બહુ જ સૌમ્ય રીતે, મીઠું મીઠું હસીને, ક્યારેક તો સ્ત્રૈણ લાગે એ હદ સુધીની નમ્રતા દાખવીને તમારી સાથે બોલતા હોય છે એવું મેં નોંધ્યું છે, તમે પણ જોયું હશે.

‘સ્વરાજ’માં એવી જ મીઠી મીઠી અને સૌમ્ય ભાષામાં આદર્શવાદી વાતો, નીતિમત્તાનાં શિંગડાં અને સિદ્ધાંતોનાં પૂંછડાં જેવી વાતો લખાયેલી છે. પોતે સેવા માટે આ દેશમાં અવતાર લીધો છે એવું જતાવવા કેજરીવાલ આ ચોપડીની પ્રસ્તાવનામાં ત્યાગની ટોપી પહેરીને લખે છે કે આ પુસ્તક પેટે મળનારી રૉયલ્ટીની કમાણી હું જતી કરું છું જેથી પ્રકાશક આ પુસ્તકને વધુમાં વધુ વાચકો સુધી પહોંચાડી શકે. જોકે, ગુજરાતી પ્રજામાં ઘણી ઉચ્ચ કક્ષાની સૂઝબુઝ છે. ગુજરાતીમાં 2014માં ‘સ્વરાજ: તમારાં સપનાના ભારતનો કી પ્લાન’ શીર્ષક હેઠળ પ્રગટ થયેલું આ ચોપડું હજુય સ્ટૉકમાં છે, એની કોઈ નવી આવૃત્તિ પ્રગટ થઈ નથી. ગુજરાતીઓ ‘આપ’ને હડકાયા કૂતરાની જેમ હડેહડે કરે છે તેનો એક પુરાવો 11 વર્ષ પહેલાં છપાયેલી આવૃત્તિ હજુય ખલાસ નથી થઈ તે હકીકતમાંથી તમને મળી રહે છે.

‘સ્વરાજ’ ચોપડી ઉઘાડતાં જ ઉસ્તાદ અણ્ણા હઝારેએ પોતાના જમુરા કેજરીવાલને આપેલા આશીર્વાદ વાંચવા મળે છે : ‘આજે આખા દેશમાં પરિવર્તનનો પવન ફૂંફાઈ રહ્યો છે. બદલાવનું આ વાતાવરણ ચાલુ રહેશે તો દેશની આઝાદીના છ દાયકાના ઈતિહાસમાં જે નથી બન્યું તે આ દાયકામાં જોવા મળશે… ગાંધીજી કહેતા કે સાચી લોકશાહી દિલ્લીમાં બેઠેલા 20 લોકો દ્વારા ન ચાલી શકે… આપણે ગાંધીજીના આ શબ્દો ભૂલી ગયા છીએ…લોકશાહીમાં નાગરિકોની ભૂમિકા પાંચ વર્ષે એક વાર મતદાન કરવા પૂરતી મર્યાદિત નથી. પ્રજાએ વહીવટમાં ભાગ લેવો પડે. સત્તાનું કેન્દ્ર દિલ્લી અને રાજ્યોના પાટનગરોથી ખસેડીને ગામડાંઓમાં અને ગ્રામસભાઓમાં લઈ જવું પડે…આ પુસ્તક આવતી કાલના ભારતનો દસ્તાવેજ છે…’

જોયું, અણ્ણા તમને કેવી રીતે ટોપી પહેરાવે છે તે? ગાંધીજીએ બ્રિટિશ રાજ માટે જે શબ્દો કહ્યા તે 1950માં ભારતમાં પ્રજાસત્તાક લોકશાહીની સ્થાપના થયા પછી કેવી રીતે આ દેશને લાગુ પડે? આઝાદી પહેલાં દિલ્લીમાં બેઠેલા 20 બ્રિટિશરો પાસે સત્તા હતી અને વીસેય લાટસાહેબોની ચોટલી બ્રિટનમાં બેઠેલા હાકેમોના હાથમાં હતી. ભારતમાં તો 26 જાન્યુઆરી 1950 પછી આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. 1951-52ની લોકસભાની પ્રથમ ચૂંટણી પછી આખા દેશના પાંચસોથી વધુ સંસદસભ્યો પોતપોતાના મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા માટે અને ભારતની પ્રગતિનો માર્ગ મોકળો કરવાના કાયદાઓ ઘડવા માટે દિલ્લીના સંસદગૃહમાં ભેગા થવા માંડ્યા. એટલું જ નહીં, ભારતનાં (તે વખતનાં) બે ડઝન જેટલાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થઈ. આખા દેશના દરેક જિલ્લા-તાલુકાના પ્રતિનિધિઓ આ વિધાનસભાઓમાં સ્થાનિક પ્રશ્નોને વાચા આપવા માટે, એના ઉકેલો લાવવા માટે ભેગા થવા લાગ્યા. લોકસભા-વિધાનસભા ઉપરાંત નગરપાલિકા, મહાનગર પાલિકાનાં એકમો સ્થપાયાં, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, ગ્રામ પંચાયતો રચાઈ અને છેક ગામડાઓ સુધી સ્વરાજ ઑલરેડી પહોંચ્યું જ છે.

ઉસ્તાદની જેમ જમુરો પણ પોતાની પ્રસ્તાવનામાં તમારી આંખોમાં ધૂળ નાખે છે. કેજરીવાલ લખે છે :

‘સન 2011 ભ્રષ્ટાચારવિરોધી જંગ અથવા તો અણ્ણાઆંદોલનના વર્ષ તરીકે હંમેશાં યાદ કરાશે. છેલ્લાં થોડાં વર્ષોમાં એક પછી એક મોટા કૌભાંડો બહાર આવ્યા છે, જેમ કે 76,000 કરોડ રૂપિયાનું ટુ-જી સ્કૅમ, 70,000 કરોડ રૂપિયાનું કૉમનવેલ્થ ગેમ્સ સ્કૅમ, 20,000 કરોડ રૂપિયાનું વક્ફ બોર્ડનું સ્કૅમ…’

કેજરીવાલ જે કંઈ કૌભાંડો ગણાવે છે તે બધા કૌભાંડોના પુરાવા ‘કૅગ’ દ્વારા તપાસવામાં આવેલા હિસાબકિતાબનું પરિણામ છે, નહીં કે કેજરીવાલ અને એમના સહયોગીઓની ડિટેક્ટિવગીરીનું. દિલ્લી સરકારના ગોસ્મોટાળાઓને પ્રગટ કરતા નવ ‘કૅગ’ રિપોટર્સ કેજરીવાલે પોતાની સત્તા દરમ્યાન દિલ્લી વિધાનસભામાં રજૂ થવા દીધા નથી. આ નવેનવ ‘કૅગ’ રિપોર્ટ ભાજપ વિધાનસભામાં લઈ આવશે.

કેજરી લખે છે : ‘આપણા ભ્રષ્ટાચારવિરોધી કાયદા અપૂરતા છે. તેનાથી ભ્રષ્ટાચારીને સજા અપાવવી લગભગ અશક્ય છે.’

શરાબ કૌભાંડમાં હાઈકોર્ટ-સુપ્રીમ કોર્ટમાં કેસ થયા પછી અને છ મહિના તિહારમાં જઈ આવ્યા કેજરીવાલને હવે ખબર પડી ગઈ હશે કે ભ્રષ્ટાચારવિરોધી કાયદા ન તો અપૂરતા છે, ન ભ્રષ્ટાચારીને સજા અપાવવી અશક્ય છે.

‘સ્વરાજ’ની પ્રસ્તાવનામાં ભારતના લોકોને ભારતમાં ‘આરબ સ્પ્રિંગ’ કરવા માટે ઉશ્કેરતાં કેજરીવાલ લખે છે : ‘શું કાયદા માત્ર સાંસદોની ઈચ્છા પ્રમાણે જ બનવા જોઈએ કે તેમાં જનતાના અભિપ્રાયને પણ ધ્યાનમાં લેવો જોઈએ? શું ભારત એવી લોકશાહી છે કે તેમાં ફક્ત નેતાઓનું જ ચાલે અને નાગરિકોનો કોઈ અવાજ જ ના હોય?…અમે એવું માનતા હતા કે લાખો લોકો શેરીમાં આવી જશે તો સરકારને જનતાની ઈચ્છાનું પાલન કરવાની ફરજ પડશે… ઘણી ટીવી ચૅનલોએ આ મુદ્દા વિશે નાગરિકોના અભિપ્રાયો જાણ્યા. 90 ટકાથી વધારે લોકોએ કહ્યું કે અણ્ણાજીએ એક રાજકીય વિકલ્પ આપવો જોઈએ…. દિલ્લીમાં બેઠેલા નેતાઓ અને અધિકારીઓ વિકાસના નામે વાહિયાત યોજનાઓ ચલાવે છે. કરોડો રૂપિયા આ યોજનાઓ પાછળ વહાવી દેવાય છે… સ્વરાજ આવશે તો આમ આદમીનો વિકાસ આપોઆપ થશે. સ્વરાજ એટલે આપણું પોતાનું શાસન. આપણે આપણા ગામને લગતા, નગરને લગતા, આપણા સમાજને લગતા નિર્ણયો જાતે લઈ શકીશું. વિધાનસભામાં અને સંસદમાં કાયદા બનશે તે પણ આપણી મંજૂરી સાથે અને આપણી સહભાગીદારી સાથે… સરકારી નિર્ણયો લોકોને પૂછીને જ લેવાવા જોઈએ…’

દેશને ચલાવવામાં ફક્ત નેતાઓનું ન ચાલે અને નિર્ણયો લેવામાં મહોલ્લા સભાઓના દરેકે દરેક નાગરિકનો અવાજ હોવો જોઈએ એવી માગણી કરીને કેજરીવાલ શું એવું કહેવા માગે છે કે નોટબંધી કરવી કે નહીં તે માટે મોદીએ દેશની લાખો મહોલ્લા સભાઓને પૂછવાનું હતું ? જીએસટી વિશે રસ્તા પરના ફેરિયાને, ઑફિસના પટાવાળાને, રેસ્ટોરાંના વેઈટરને અને રિક્શાવાળાને કન્સલ્ટ કરવાના હતા? આર્ટિકલ-370 હટાવવી કે નહીં તે માટે કાશ્મીરના મુસ્લિમોનો ઓપિનિયન લેવાનો હતો? એનઆરસી-સીએએ વિશે ભારતમાં ઘૂસી ગયેલા બાંગ્લાદેશીઓ તથા મીડિયામાં ઘૂસી ગયેલા રાજદીપ-બરખા-શેખર જેવા સ્થાનિક રોહિંગ્યાઓનો મત જાણવાનો હતો?

2012-14માં ‘સ્વરાજ’ વાંચતાં કોઈનેય ખ્યાલ નહીં આવ્યો હોય કે એમાં લખાયેલા શબ્દો, લાખો લોકો સડક પર ઊતરીને સરકાર સામે આંદોલનો કરી અંધાધૂંધી ફેલાવીને સરકાર ઉથલાવી પાડે એવા સ્પષ્ટ ઈરાદા સાથે લખાયા છે. ઉલટાનું વાંચનારને તો પત્રકાર વિનોદ મહેતા જેવા બીજા કરોડો લોકોની જેમ એમ જ લાગ્યું હશે કે કેજરીવાલ જ આ દેશનો એકમાત્ર ઉદ્ધારક છે.

ભારત દેશના કાયદાઓ કેવી રીતે ઘડાય છે તેની આ બેવકૂફ ઘમંડીને ખબર છે (ખબર તો હોય જ ને, યુપીએસસીની પરીક્ષા આપીને આઈ.આર.એસ.માં હતો) પણ જાણી જોઈને એ લોકોને ગુમરાહ કરવા માગે છે. કાયદાઓ માત્ર સાંસદોની ઈચ્છા પ્રમાણે નથી બનતા. કોઈપણ કાયદાનો મુસદ્દો ઘડાય અને તે ખરડો સંસદમાં પસાર થાય એ પહેલાં ભારતનાં તમામ પ્રમુખ છાપાંમાં એ વિશેની જાણકારી પ્રજા સામે મૂકીને પ્રજામાંથી કોઈનેય એની સામે વાંધો હોય, સૂચનો કરવાં હોય તો તે સરકાર સુધી પહોંચાડી શકે એવી જાહેરખબરો છપાતી હોય છે. જૉઇન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં બેઠેલા વિપક્ષી સભ્યો અને નિષ્ણાતો પણ નવા કાયદાનો એકેએક તાર છૂટો પાડીને એની વિગતવાર ઊલટતપાસ કરતા હોય છે. આ બધી પ્રક્રિયા પછી ખરડો પસાર થાય અને કાયદો બને ત્યારે ભારતનો કોઈ પણ નાગરિક એને કોર્ટમાં પડકારી શકે છે. નોટબંધી, આર્ટિકલ 370, જીએસટી, આધાર, એનઆરસી-સીએએથી માંડીને ઈવીએમ સુધીના અનેક કાયદાઓ/મુદ્દાઓને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની તક નાગરિકોને મળેલી જ છે.

લાખો લોકોને શેરીમાં બોલાવીને કેજરીવાલ દેશમાં અરાજકતા ફેલાવવા માગે છે. નેવું ટકા નાગરિકોને પરિવર્તન જોઈએ છે એવું કેજરીવાલ ક્યાંથી લઈ આવ્યો? ટીવી ચૅનલોના સર્વેમાંથી. બે-પાંચ હજાર લોકોના સર્વેમાં અને તે પણ પોતાનો સ્વાર્થ સિદ્ધ થાય એવા સર્વેમાં જે તારણો નીકળે તે સાચાં કે પછી દર પાંચ વર્ષે કરોડો મતદારો લોકસભા, વિધાનસભા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, કૉર્પોરેશન વગેરેમાં મતદાન કરીને જે નિર્ણય આપે છે તેનું વધારે મહત્ત્વ?

ભારતના બંધારણના ઘડવૈયાઓએ ભારતને મજબૂત બનાવતું કૉન્સ્ટિટ્યુશન ખૂબ સૂઝપૂર્વક ઘડ્યું છે. આ આખું બંધારણ દરિયામાં પધરાવી દેવાની માગણી કેજરીવાલ શા માટે કરે છે તે આપણે સમજવું જોઈએ. કેજરીવાલ જનપ્રતિનિધિઓના અવાજને દબાવીને લોકોના અવાજની વાત કરે છે. લોકોનો અવાજ એટલે શું? શું ચૂંટણીઓ લોકોના અવાજને માન્ય નથી રાખતી? વધુમાં વધુ લોકો જેને પસંદ કરે છે તે જ જનપ્રતિનિધિ બને છે કે બીજું કોઈ?

સરકારી નિર્ણયો લોકોને પૂછીને જ લેવા જોઈએ તેવું કેજરીવાલ કહે છે એનો મતલબ શું? ધારો કે કોઈ પર્ટિક્યુલર નિર્ણય માટે સરકાર ‘લોકોને પૂછવા’ જાય અને 60 ટકા લોકો ‘હા’ પાડે, 40 ટકા ‘ના’ પાડે તો સરકાર શું નિર્ણય લેશે? બહુમતી લોકો જે કહે છે તે જ ને. તો પછી અત્યારે પણ એમ જ તો થઈ રહ્યું છે. બહુમતી લોકો જેની પસંદગી કરે છે તે જ તો ચૂંટાય છે.

કેજરીવાલ પણ જાણતો હશે કે દેશની જ નહીં, કોઈપણ ઑફિસની, કોઈપણ ઘરની સિસ્ટમમાં પણ કેટલીક ખામીઓ રહેવાની જ. એને કારણે કંઈ તમે કુટુંબનો-તમારી ઑફિસનો ઉલાળિયો નથી કરતા. આખરે તો તમને ખબર છે કે શિસ્તબદ્ધતા અને નિયમિતતા માટે સિસ્ટમો અનિવાર્ય છે. એ સિસ્ટમો કેટલી એફિશ્યન્ટલી ચાલે છે એનો આધાર એ સિસ્ટમો ચલાવનાર વ્યક્તિઓ પર છે. કેજરીવાલ પોતાના કાબૂમાં હોય એવા માણસોને ગોઠવીને દેશ આખાની લોકશાહી સિસ્ટમનો ઉલાળિયો કરવાની મંશા રાખતો હતો. એનો પોતાનો જ ઉલાળિયો થઈ ગયો.

(ક્રમશઃ)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here