કરવા જેવી ઘણી ભૂલો નથી કરી એનું દુઃખ છે! : હરકિસન મહેતા

(હરકિસન મહેતાનાં સાઠ વર્ષનું જમા-ઉધાર: ભાગ 4)

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ, ગુરૂવાર, 28 મે 2020) 

સૌરભ શાહ: તમારા જેટલી કે તમારાથી વધારે પ્રતિભા ધરાવતા તમારી ઉંમરના અન્ય લેખકોપત્રકારોનો તમને ડર લાગે ખરો?

હરકિસન મહેતા:  કઈ બાબતનો ડર?

સ્પર્ધાનો ડર કે ઈર્ષ્યા

લેખકોની વાત કરીએ તો હું એટલે મોડો નવલકથા લખતો થયો કે એ વખતે મારી ઉંમરના બીજા લેખકોએ ઘણી નવલકથાઓ લખી નાખી હતી. 1959થી 1966 સુધી મેં રૂપાંતરિત વાર્તાઓ અને નવલકથાઓ લખી પણ મૌલિક નવલકથાઓ જાતે લખવાને બદલે બીજા પાસે જ લખાવી. ચંદુલાલ સેલારકા કહેતા કે તમે લેખો આટલા બધા લખ્યા, રૂપાંતર કર્યા, સાહસકથાઓ અને ગુલશન નંદાની નવલકથાઓના અનુવાદ કર્યા છતાં પોતે નવલકથા લખવાને બદલે અમારી પાસે જ લખાવી અને સંયમ રાખ્યો અને જ્યારે લખવાનું શરૂ કર્યું ત્યારે પાંચ કે પંદર-પચીસ પ્રકરણોની નવલકથાઓ લખાતી હતી એ જમાનામાં એક સાથે સોથી ય વધારે પ્રકરણોની નવલકથા લખવાનું સાહસ કર્યું. એટલું જ નહીં, પહેલે જ ધડાકે એ સુપરહિટ પણ થઈ ગઈ. એ વખતે કનૈયાલાલ મુનશીની ‘કૃષ્ણાવતાર’ ચાલતી હતી એ ખૂબ વંચાતી. લોકો કહેતા કે એક બાજુ ‘કૃષ્ણાવતાર’ ચાલે છે અને બીજી બાજુ ‘જગ્ગાવતાર’ ચાલે છે! આટલી સિદ્ધિ મળ્યા પછી બીજા લેખકો સાથે સ્પર્ધાનો ડર કે એમની ઈર્ષ્યાનો ભાવ ન રહે… એમની મીઠી ઈર્ષ્યા જરૂર થાય કે આ માણસ પાસે આ લાક્ષણિકતા છે જે મારી પાસે નથી. મારું સ્થાન કોઈ લઈ લેશે એવો ડર લાગવાનો પ્રશ્ન જ નથી કારણ કે હું વારંવાર પ્રયત્નો કરું છું કે ‘ચિત્રલેખા’માં મારા ઉપરાંત સારા નવલકથાકારની વાર્તાઓ નિયમિત આવે. એવા પ્રયત્નોમાં હું સતત હોઉં છું જેથી બે નવલકથાઓ વચ્ચે મને આરામ મળે. કોઈ મને કહે કે આ લેખક તમારા જેવું લખે છે તો હું તરત જ એ લેખકને આમંત્રણ આપું; તમે ‘ચિત્રલેખા’ માટે લખો.

કોઈની ઈર્ષ્યા એટલા માટે નથી થતી કે ‘ચિત્રલેખા’ સાથેના મારા જે સંબંધો છે એમાં કોઈને એમ ન લાગે કે કોઈ મને કાઢી મૂકશે અથવા હું ગુસ્સે થઈને ચાલ્યો જઈશ… એવું તો બને નહીં, કારણકે જે વસ્તુને તમે જતનથી ઉછેરી હોય, પહેલાં તમે ‘ચિત્રલેખા’ના સંતાન જેવા હતા, હવે ‘ચિત્રલેખા’ તમારું સંતાન છે…હું નહીં લખતો હોઉં કે તંત્રી નહીં હોઉં ત્યારે પણ આ સંસ્થામાં તો રહેવાનો જ છું. જીવીશ ત્યાં સુધી… એટલે કોઈ મારી સ્પર્ધા કરશે કે મારું સ્થાન પડાવી જશે એવી ચિંતા નથી. હું સમજું છું કે હવે જે કંઈ સમય મારી પાસે છે તે એકાદ દાયકાના ગાળા દરમિયાન મારે ઘણું બધું વાંચવું છે, મોકળાશથી જીવવું છે, સિરિયસ થિંકિંગનાં પુસ્તકો વાંચવાં છે. કૉલેજ કાળમાં રાધાકૃષ્ણનનાં પુસ્તકો કે કવિતા કે એ પ્રકારનું ગંભીર વાચન કરતો તે બધું કરવું છે, ધાર્મિક દ્રષ્ટિએ નહીં પણ આપણા પોતાના વિકાસ માટે ગીતા-મહાભારત વાંચવાંસમજવાં છે…

આ બધું કરી શકું એ માટે મારી હાલની જવાબદારી સંભાળી શકે એવું કોઇક મળી જાય તો ઘણું સારું… એટલે સ્પર્ધાનો કે ઇર્ષ્યાનો તો સવાલ જ નથી આવતો.

અંગ્રેજી પત્રકાર અને નર્મમર્મ કટારલેખક બહેરામ કૉન્ટ્રાક્ટર ઉર્ફે બિઝીબી તથા ઊંધાં ચશ્માં પહેરીને દુનિયાને જોનાર હાસ્યસાહિત્યકાર તારક મહેતા.

ટોચ પર પહોંચ્યા પછી માણસને અસલામતી લાગવા માંડે અને કોઇ પણ ભોગે પોતાનું સ્થાન સાચવી રાખવાનો પ્રયત્ન કરે. તમારે પણ તમારું સ્થાન સાચવી રાખવા ક્યારેક તો કાવાદાવા ખેલવા પડ્યા હશે, આંટીઘૂંટીઓ ઊભી કરવી પડી હશે?

આમાં એક વાત છે કે તમે જ્યાં સુધી એક સ્થાન પર બેઠા છો ત્યાં સુધી એ સ્થાન અફર રહેવું જ જોઇએ એવું હું માનું છું, આજે ‘ચિત્રલેખા’ ગુજરાતીમાં તો ટોચ પર છે જ, ઉપરાંત દક્ષિણ ભારત સિવાય આખા દેશમાં, બાકીની તમામ ભાષાઓમાં નંબર વન છે તો એ સતત નંબર વન રહેવું જ જોઇએ. બીજી ભાષામાં કે ગુજરાતીમાં કોઈ તમારાથી આગળ કેમ નીકળી જાય? એ સ્પિરિટ તો મારામાં છે જ. એને તમે સ્પર્ધાનો સ્પિરિટ કહો તો એ છે. તમારું સ્થાન અફર રહેવું જોઈએ એવી માન્યતા કહો તો એ છે. કારણકે આટલાં બધાં વર્ષોનો અનુભવ, આટલાં બધાં સાધનો, આટલો બધો ખર્ચ કરવાની સંસ્થાની શક્તિ… આ બધું હોવા છતાં જો કોઈ તમારાથી આગળ નીકળી જાય તો એનો અર્થ એ થયો કે તમે સમય સાથે ચાલતા નથી. એટલે એવું તો ન જ થવા દેવાય. એમાં આંટીઘૂંટી એટલી જરૂર કરું કે મારે જે વિષય પરનો અહેવાલ પ્રગટ કરવો હોય તેની માહિતી, એની રજૂઆત, એનું સંકલન બીજાઓ કરતાં સવાયું આવે એ હું કરું. પણ બીજા કોઈ એ વિષય પર અહેવાલ ન પ્રગટ કરી શકે એવી નેગેટિવ આંટીઘૂંટી હું ન કરું. એ સિવાય જે કરવું હોય તે બધું જ કરું, ન કરું તો નિષ્ફળ નીવડું.

“કોઈ પણ માણસની તમને ગેરંટી તો મળવાની નથી કે આ માણસ આમ નહીં જ કરે!”

તંત્રી તરીકે તમારે ઘણી બધી વ્યક્તિઓ સાથે સારા સંબંધો રાખવા પડે, અંદરથી ગમતી વ્યક્તિને પણ ઉમળકાભેર આવકારવી પડે. આવું કરતી વખતે તમારો અંતરાત્મા બળવો નથી પોકારતો?

જીવનનો વ્યવહાર કે વ્યવસાયનો વ્યવહાર એમ કહે છે કે તમારે દરેક સાથે સમભાવથી, વિવેકથી વર્તવું જોઈએ. કોઈપણ વ્યક્તિએ આપણા વિશે……. કર્યું હોય, ખરાબ કહ્યું હોય ત્યારે….મારા માટે તો બધા એમ કહે છે કે હું બહુ જ સ્પષ્ટવક્તા છું. સાચું કહેવા માટે ઘણી વખત મારે કઠોર કે નઠોર બનવું પડ્યું છે. કોઈ વખત કોઈના માટે બહુ અણગમો થાય તો વધુમાં વધુ એની સાથે અબોલા લઇએ પણ એની સાથે ઝઘડો કરવાનું કે એનું ખરાબ બોલવાનું મોટેભાગે તો ટાળીએ…

માઈક પર ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી તથા ડાબેથી હરીન્દ્ર દવે, આણંદજીભાઈ, કલ્યાણજીભાઈ, કલાબહેન મહેતા અને હરકિસન મહેતા.

બીજાઓ સાથેના તમારા વ્યવહારમાં જોયું છે કે તમે સામા માણસનું મન બહુ સારી રીતે પારખી શકો છો…?

માણસોના સ્વભાવનું નિરીક્ષણ કરવાની આદત મને પહેલેથી છે. જુદા જુદા માણસોનું માનસ સમજવામાં મને મજા આવે છે. મારી આ ટેવને કારણે મારી નવલકથાઓના પાત્રાલેખનમાં તો ફાયદો થયો જ છે, ઉપરાંત તંત્રી તરીકેની જવાબદારી નિભાવતી વખતે પણ આ વાત વારંવાર કામમાં આવી છે. પત્રકારો, ઑફિસના સાથીઓ કે બીજા સિનિયરો સાથેના વ્યવહારમાં માનવ-સ્વભાવની પરખ કરવાની આ સૂઝ, આ નિરીક્ષણ બહુ કામ આવે છે. ઘણીવાર કોઈ કહે કે આ માણસ સાથે તમે પનારો નહીં પાડતા એ તમને ગમે ત્યારે રખાડાવીને જતો રહેશે, દગો દેશે, એણે તો આની સાથે આમ કર્યું, તેની સાથે તેમ કર્યું… ત્યારે હું એમ વિચારું કે કોઈ પણ માણસની તમને ગેરંટી તો મળવાની નથી કે આ માણસ આમ નહીં જ કરે! કોઈ માણસ તમારા માટે એકદમ વફાદારીથી કામ ભલે કરતો હોય પણ જો એની પાસે તમને જે જોઈએ છે એવી પ્રતિભા નહીં હોય તો એ માણસ તમને શું કામનો? પણ પેલા બીજા માણસ પાસે જો કલમ હોય, દ્રષ્ટિ હોય, શૈલી હોય, લેખન હોય અને છતાં એ સ્વભાવનો ગુસ્સાવાળો હોય કે બોલવામાં અતડો હોય તો આપણે એના સ્વભાવને બાજુએ રાખીને એની પ્રતિભાનો ઉપયોગ કરવો જોઈએ. વાતવાતમાં નબળાઈને જ લક્ષ્યમાં રાખવી એના કરતાં એનાં સબળ પાસાંને ધ્યાનમાં રાખવામાં માનું છું.

પંદર વર્ષ પછી તમારો અમૃત મહોત્સવ ઊજવીશું ત્યારે તમારા વ્યક્તિત્વમાં કેવા ફેરફારો થયા હશે?

ત્યાં સુધી તો કદાચ પહોંચીએ કે ન પહોંચીએ… સાત, આઠ, નવ, દસ… ગમે ત્યારે મૃત્યુ આવી જાય… આ ગાળા દરમિયાન હું એટલું ઇચ્છું કે જેટલું જીવન જીવવાનું હોય એ સ્વસ્થપણે જિવાય, એટલે કે આરોગ્યની દ્રષ્ટિએ પરવશ-પથારીવશ ન રહેવું પડે… એક પરિવર્તન હું એ જોઈ રહ્યો છું કે આખી જિંદગી જે સંઘર્ષ કર્યો, આટલો શ્રમ-પરિશ્રમ, ઉજાગરા-ઉચાટ, ટેન્શન… એને બદલે છેલ્લાં જે કંઈ વર્ષ છે એમાં મોકળા મને જીવવાને કારણે આપણી પ્રકૃતિ બદલાય, એક અભાવો જે રહી ગયો છે તે થોડઘણે અંશે, જેટલાં વર્ષો રહ્યાં છે એના પ્રમાણમાં ભરપાઈ થઈ જાય તો સાત-આઠ કે દસ વર્ષ પછી હું વધુ સારો માણસ બન્યો હોઇશ, બનીશ. વ્યવસાયને કારણે કે આ બધી જવાબદારીને કારણે જે સ્વભાવગત વ્યવસાયગત નબળાઈઓ, કટુતા, આકરાપણું આવી ગયું છે… આ બધામાંથી થોડોઘણો મુક્ત થઈ જઈશ અને વધારે પ્રેમ સંપાદન કરી શકીશ. એ વખતે મારા વ્યવસાયની સિદ્ધિ કરતાં મારા જીવનની સિદ્ધિ માટે સાચા દિલથી પ્રશંસા થાય એવું જીવી લેવાની ઇચ્છા છે.

હરકિસનભાઈ, જીવનમાં તમે ભૂલો કરી છે?

જીવનમાં ભૂલો તો ઘણી કરી હશે…

તમારા જીવન પર જેની સૌથી વધારે અસર પડી હોય એવી ભૂલ કઈ ?

જો કપટ કરીને કહું તો ઘણી કરવા જેવી ભૂલો મેં નથી કરી એ મારી ભૂલ છે અને એનું મને દુઃખ છે!

“નિષ્ફળતાથી હવે બહુ ડરું છું. ડરું છું એટલા માટે કે હવે જેટલો સમય મારી પાસે રહ્યો છે, લેખક કે તંત્રી તરીકેની જવાબદારી પાર પાડવા માટેનો, તેમાં નિષ્ફળ થવું પાલવે નહીં.”

જીવનમાં ડગલેને પગલે ઉપયોગી થઈ પડતી હોય એવી કોઈ શિખામણ, એવા કોઈ પાઠ કોઈએ તમને આપ્યાં છે?

શિખામણની અસર ગણો કે ન ગણો પણ એક વાતની અસર છે મારા મનમાં. વજુભાઈ સાથે જોડાયો ત્યારે આ એક વાત એમણે કહેલી કે કુદરતી રીતે નિયમ એવો છે કે જ્યાં તમે વાવો ત્યાં જ ફળ ઊગે. પરંતુ જીવનમાં જુદું છે. તમે જ્યાં વાવો છો ત્યાં ફળ ના મળે તો બીજી જગ્યાએ મળે એવું વારંવાર બનવાનું છે… એ વાત વજુભાઈએ કદાચ પોતાના દાખલા પરથી કહી હશે. ‘ચિત્રપટ’માં એમણે આટલું બધું લખ્યું. આટલી મહેનત કરી પણ ત્યાં ફળ ન મળ્યું પરંતુ ‘ચિત્રલેખા’માં એનું ફળ મળ્યું. લૉરેન્સ ઑલિવિયરનો એક કિસ્સો વારંવાર યાદ આવે છે. જે જમાનામાં એ ઊગતો અભિનેતા હતો ત્યારની વાત છે. એણે આ કિસ્સામાં લખ્યું છે કે અમે નાટકમંડળીમાં પ્રવાસે જતા ત્યારે ગામડાના વીસ પચીસ માણસો સામે ખેલ કરતા. હું એ ખેલ નબળો કરું તોય કોઈ કહેવાનું નહોતું. એમાં એટલો ઓતપ્રોત ન થાઉં તોય કોઈ કહેવાનું નહોતું. પણ કોણ જાણે મને એમ થતું કે એવું ન કરવું જોઈએ અને દર વખતે મારી સમગ્ર શક્તિ નિચોવી દઈને મારી ભૂમિકા ભજવતો… હવે એ જુઓ કે આવી જ એકે ટૂર દરમિયાન એક ગામડામાં લોરેન્સ ઑલિવિયરને એક માણસ મળી ગયો. પાછળથી ખબર પડી કે એ બહુ મોટો  પ્રોડ્યુસર હતો. એણે  ઑલિવિયરને બહુ મોટી તક આપી અને દુનિયાના સૌથી શ્રેષ્ઠ અભિનેતાઓમાં એની ગણના થવા લાગી.

આ કિસ્સો વાંચ્યો એની અસર પણ ઘણી પડી. તમે ગમે એવું નબળું કામ કરશો તે ચાલી જશે એવી તમને ખબર હોય છતાં તમે તમારું કામ નબળું ન પડવા દો એ જ નિષ્ઠા… નિષ્ઠાનું આ સૂત્ર મને લૉરેન્સ ઑલિવિયર પાસેથી મળ્યું.

રાજકોટમાં મોટી ટાંકી પાસે ‘ચિત્રલેખા ફુવારા સર્કલ’ના નામાભિધાન પ્રસંગે તસવીરમાં ડાબેથી સુરેશ દલાલ, હરકિસન મહેતા, ભરત કાપડિયા, મૌલિક કોટક, મધુરીબહેન કોટક તથા પ્રવીણ પ્રકાશનના ગોપાલ પટેલ.

તમે નિષ્ફળતાઓથી ડરો ખરા?

નિષ્ફળતાથી હવે બહુ ડરું છું. ડરું છું એટલા માટે કે હવે જેટલો સમય મારી પાસે રહ્યો છે, લેખક કે તંત્રી તરીકેની જવાબદારી પાર પાડવા માટેનો, તેમાં નિષ્ફળ થવું પાલવે નહીં… અને આટલાં વરસ સુધી આ જ પ્રવૃત્તિ કર્યા કરી હોય એટલે એમાંથી નિવૃત્ત થવું પાલવે નહીં. નિવૃત્ત થવું માનસિક રીતે પણ ન ફાવે. શારીરિક રીતે પણ ન ફાવે. તમારા સ્વભાવથી પણ ન ફાવે… તમને એમ થયા કરે કે હવે તમારે નિષ્ફળ નથી જવું એટલે દર વર્ષે લખવાને બદલે બે વર્ષે નવલકથા લખું તો સારું જેથી નિષ્ફળ જવાનો ભય હું એક વર્ષ આઘો ઠેલી શકું! મને લાગે છે કે સંપાદન કરતાં નવલકથાના લેખનમાં મને નિષ્ફળતાનો ગભરાટ વધારે છે. સંપાદનમાં તમારી સાથે બીજાઓ પણ મદદમાં હોય છે એટલે તમે થોડાક રિલેક્સ રહી શકો છો. જ્યારે નવલકથાના સર્જનમાં તો તમે જ એકલા સંપૂર્ણપણે જવાબદાર હો છો… એની સફળતામાંય અને નિષ્ફળતામાંય! ઘણીવાર મને એમ થાય છે કે હું નિર્ણય લઈ લઉં કે હવે જે લખીશ તે મારી છેલ્લી નવલકથા હશે… પણ મને એમ લાગે છે કે સર્જક લખવાનું બંધ કરી દે તો એ નિષ્ક્રિયતાનું પરિણામ કોઇક પ્રકારની હતાશામાં આવી જશે અને એ હતાશા નિષ્ફળતા કરતાં વધુ ખરાબ હશે… એટલે જ લેખનમાંથી નિવૃત્તિ લઈ લેવાનો વિચાર નથી કરતો. દર વખતે નિષ્ફળતાના ડરનો માર્યો લખું છું જેથી સફળ થઈ શકું અને એટલા માટે જ વધારે સજાગ રહું છું. વધારે મહેનત કરું છું… પણ છેવટે એની અસર સ્વભાવ પર, શરીર પર પડે છે.

તમારી કારકિર્દીમાં સૌથી મોટું વિઘ્ન, સૌથી મોટો સેટબેક ક્યારે આવ્યો?

પાંચ વરસ પહેલાં મને સોરાયસિસનો રોગ થયો એ મારો સૌથી મોટો સેટબેક. ચામડીના આ રોગને કારણે સતત મને શરીરે ખંજવાળ આવતી રહે, ચામડી ખરતી રહે… આને કારણે મારું નવલકથાલેખન પાછું ઠેલાઈ ગયું. આ રોગનાં વર્ષો દરમિયાન વચ્ચે થોડોક આત્મવિશ્વાસ પણ ડગી ગયો હતો જે પાછળથી પાછો મળ્યો પણ ખરો… આ રોગને કારણે તમને કોઈ વ્યક્તિને મળવા જવાનું મન ન થાય. ક્ષોભ થાય… આને કારણે બહારની દુનિયા સાથેનો સંપર્ક તૂટી જાય એ બહુ મોટો સેટબેક છે. ઘણાબધા માણસોને મળીને, રાજકારણથી માંડીને તમામ ક્ષેત્રોની મોટી મોટી હસ્તીઓને મળીને, એમના ઇન્ટરવ્યૂ લઈને મારા સર્જનનું એક વધુ પાસું વિકસાવી શક્યો હોત, નવલકથાકાર તરીકેની મારી પ્રતિભાનો ઉપયોગ આવી મુલાકાતો લેવામાં કરું તો સર્જનાત્મક ક્ષેત્રે મારું કામ વધી શકત. મારા આટલાં વર્ષનાં જીવનની બધી ચડતી પડતી, બધા સંઘર્ષ, બધી વ્યાધિ-ઉપાધિઓમાં આ સોરાયસિસ એવા વખતે આવ્યો છે જ્યારે એ મારી સિદ્ધિ, મારી સફળતા, મારું સ્થાન અને મારી સમૃદ્ધિનો ભોગવટો કરવામાં મને વિક્ષેપ કરે છે.

(ઉપર) લાંબા સંઘર્ષ પછી મળેલી સમૃદ્ધિના પ્રતીકરૂપે મુંબઈ નજીક પનવેલમાં વિશાળ ફાર્મ હાઉસ (નીચે) ખરીદ્યા બાદ શનિ-રવિ ગાળવા હરકિસન મહેતા કુટુંબ સાથે કુદરતને ખોળે જતા.

તમને નથી લાગતું કે બહારની જે ઇમેજ હોય, બેસ્ટ સેલર રાઇટર તરીકેની જે ખ્યાતિ હોય, તે ટકાવી રાખવા જે સંઘર્ષ કરતા હો છો તે દરમિયાન કૌટુંબિક કે સામાજિક જવાબદારીની અવગણના થતી હોય છે? જ્યારે તમને તમારા માટે સમય ઓછો પડતો હોય ત્યારે તમે કુટુંબને સમય આપી શકો સ્વાભાવિક છે પણ એમાં એમને અન્યાય થતો હોય એવું નથી લાગતું ક્યારેય? એમના ભોગે તમે બધું મેળવી રહ્યા છો એવું નથી લાગતું?

મારી સફળતામાં મેં ઘણી બધી ચીજોનો ભોગ લીધો છે. મારી જાતનો, મારા સુખનો, મારા કુટુંબીઓના આનંદનો… દાખલા તરીકે… ‘દેવ-દાનવ’નું છેલ્લું પ્રકરણ પ્રગટ થયું એના આગલા પ્રકરણમાં મેં લખી દીધું હતું કે લેખક માટે આ છેલ્લું પ્રકરણ છે પણ વાચકો માટે આવતા પ્રકરણમાં નવલકથા પૂરી થશે. આવું પહેલીવાર મેં લખ્યું કારણ કે મારા સ્વભાવ પ્રમાણે મને વાર્તા અધૂરી મૂકવાની ટેવ છે, પણ ‘દેવ-દાનવ’ વખતે થયું કે વાચકોને રાજી રાખવા એક વધુ પ્રકરણ લખીને બધું સંકેલી લેવાય એવો અંત લાવીશ. આ પ્રકરણ લખાયા પછી મારે છેલ્લું પ્રકરણ લખવાનું હતું. એ જ દિવસમાં મારી દીકરીની સગાઈ થઈ. મારાં સંતાનોમાંથી પહેલું જ સંતાન અને એની સગાઈ… અમારા કુટુંબમાં આવો પહેલવહેલો અવસર હતો. આવું આનંદ-ઉલ્લાસનું વાતાવરણ હોય ત્યારે બધાં સાથે બેસીને એ વાગોળવાને બદલે હું અંદર બેઠાં બેઠાં લખતો હતો. એ વખતે મને થયું કે હું આ આનંદમાં સહભાગી તો નથી બની શકતો અને એમાં વધારો પણ નથી કરી શકતો. એટલે કુટુંબને જે આપવું જોઈએ તે આપ્યું નથી એવું તો ઘણીવાર બન્યું છે. એના કરતાંય વિશેષ તો એવું બને છે કે તમારી નવલકથાનાં પાત્રો તમારા સર્જનકાળ દરમિયાન જરૂર કરતાં વધારે જીવંત થઈ જાય છે અને તમે એમાં જ ખોવાયેલા રહો છો અને તમારા કુટુંબના સભ્યો, જે જીવંત પાત્રો છે તેમના અસ્તિત્વની માત્રા, તમે લખતા હો ત્યારે કે વિચારતા હો ત્યારે, થોડી ઓછી થઈ જાય છે… એટલે એ રીતે તમે એમને અન્યાય કરો છો જ. તમને જે સફળતા મળી છે કે જે સિદ્ધિ મળી છે એમાં આડકતરી રીતે એમનો ભોગ લીધો જ છે… પણ મઝાની વાત તો એ છે કે ‘જડ-ચેતન’ પછી બે વર્ષ સુધી મેં લખ્યું નહીં ત્યારે મારાં સંતાનો જ મને કહેતાં કે ‘પપ્પા, તમે વાર્તા લખો!’ કે મારાં પત્ની કહે કે ‘મહેતા, તમે વાર્તા લખો…’ એમને એવું લાગે કે હું નવલકથા ન લખતો હોઉં ત્યારે અમારા જીવનમાં કંઇક ખૂટે છે!

“જિજીવિષા પૂરી નથી થઈ. હજુ કંઇક કરવાનું મનમાં થયા કરે છે અને ત્યાં એ છૂટી જાય તેનો ભય લાગે. આ બધું છોડીને ચાલ્યા જવાનો ભય લાગે છે…મારા મૃત્યુ માટે હું તૈયાર નથી…મારે જલદી મરવું નથી, આટલું બધું છોડીને ચાલ્યા જવું નથી. ભોગવવું છે…જીવનની નવલકથા અચાનક અટકી ન જાય, હજી થોડાં પ્રકરણો લખાઈ જાય…”

મૃત્યુનો ભય તમને લાગે છે?

ઘણીવાર વિચારું છું ત્યારે થાય છે કે મને જીવવાનો મોહ છે. આ મોહનું કારણ એ કે હું સક્રિય છું, સતત પ્રવૃત્તિશીલ છું, વ્યસ્ત છું. એટલે આ અવસ્થામાં મૃત્યુ આવે તો એનો ભય લાગે. કારણકે જિજીવિષા પૂરી નથી થઈ. હજુ કંઇક કરવાનું મનમાં થયા કરે છે અને ત્યાં એ છૂટી જાય તેનો ભય લાગે. આ બધું છોડીને ચાલ્યા જવાનો ભય લાગે છે… મૃત્યુ પર હું આક્રંદ કરતો નથી. આવા સમયે હું આંસુથી ડરતો નથી. પણ મનથી ક્ષણિક આક્રંદ થઈ જતું હોય છે. સ્વજનના વિયોગનું જે સંવેદન છે એને લેખનમાં ઢાળીને એને સર્જનશીલ બનાવું છું.

મારા મૃત્યુ માટે હું તૈયાર નથી. મૃત્યુનો મને ભય એ રીતે લાગે છે કે મારે જલદી મરવું નથી, આટલું બધું છોડીને ચાલ્યા જવું નથી. ભોગવવું છે. કોઈ જ્યોતિષ મને એમ કહે કે આ સોરાયસિસ મટશે પછી તમને હાર્ટની તકલીફ થવાની છે પણ વાંધો નહીં આવે… ત્યારે હું વિચારું છું કે ધીમે ધીમે હું કદાચ મારી જાતને મૃત્યુ માટે તૈયાર કરી શકીશ. માત્ર ભોગવવાની જે વાત છે એ અધૂરી રહી ન જાય, જીવનની નવલકથા અચાનક અટકી ન જાય, હજી થોડાં પ્રકરણો લખાઈ જાય, એવી જિજીવિષા જરૂર છે…

શોકગ્રસ્ત ચાહકોની લાગણીને વાચા આપવા મુંબઈ-ગુજરાતમાં અનેક સ્મૃતિસભા યોજાઈ. અમદાવાદમાં મૃત્યુને ચોથે દિવસે હરકિસન મહેતાને અંજલિ આપતા રઘુવીર ચૌધરી, સ્વામી સચ્ચિદાનંદ, વજુભાઈ વાળા.

છેલ્લે એક સવાલતમારે પોતે જો હરકિસન મહેતાની મુલાકાત લેવાની હોય તો તમે એમને છેલ્લો સવાલ કયો પૂછો?

સવાલ પૂછું પણ એનો જવાબ નહીં આપું…! સવાલ એ છે કે, ‘જે રીતે તમે જન્મ્યા અને જે રીતે તમે સાઠ વર્ષના થયા એને ફરી એકવાર એકડે એકથી સાઠ ગણવાનું આવે તો તમે એ જ રીતે જીવો કે જુદી રીતે જીવો? તમે જે ભૂલો કરી છે એ સાથે જીવો કે ભૂલો છોડીને જીવો? તમે જે પ્રાપ્ત કર્યું છે અને જેના ભોગે પ્રાપ્ત કર્યું છે તે એના ભોગે જ પ્રાપ્ત કરો કે ઓછું પ્રાપ્ત કરીને જેમનો ભોગ લીધો છે એ જતો કરો?’ આ બધી જ વાતોના ખુલાસા મારી જાત પાસે માગું, જેનો કોઈ જ ખુલાસો નથી.

 

( સમાપ્ત)

7 COMMENTS

  1. હરકિસન મહેતા ની બે કે ત્રણ નવલકથા PDFફોર્મ મા આપવા વિનંતી.

  2. Thank you for posting this interview, it’s really an inspiring life. And one of the best interview i have read in a long time. After reading this got to know that why ‘Chitralekha’ is so successful, and why his novels are among the most popular books.
    Once again thank you very much.

  3. હરકિશન મહેતા ની નવલકથાઓ વાંચી ને જ મોટા થયા. આજે એમની જીવન સંઘર્ષ અને પુરુષાર્થ થી પરિચિત થયા. ધન્ય થઈ ગયા.

  4. No words this interview classic discussion with H.Mehtasaheb.i m reading all books of this writer. Thanks a lots.

  5. હરકિશનભાઈ ની કોઈ નવલકથા વાંચતા હોય તેટલી જ રસદાયક અને રોમાંચિત કરે તેવો interview.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here