રાતના એકલવાયા અંધકારમાં તારાઓ હજુ ય ખર્યા કરે છે: સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: ગુરુવાર, ૧૪ મે ૨૦૨૦)

(એક વાચકે વૉટ્‌સએપ કરીને મુંબઈના નેહરુ પ્લેનેટેરિયમે વહેલી પરોઢ પહેલાં ફેસબુક પર યોજેલા લાઈવ ઑનલાઈન તારદર્શન કાર્યક્રમ વિશે માહિતી આપી અને કહ્યું કે તમે આના વિશે કંઈક લખો. એ વિશે વાચકોને જણાવવાનું તો ઘણું મોડું થઈ ગયું હતું. પણ વિચાર કરતાં લાગ્યું કે આ લૉકડાઉનને કારણે જિંદગી કેટલી બધી બદલાઈ છે? પ્રદૂષણ નહિવત્‌ હોવાથી આકાશ ચોખ્ખું દેખાય છે. નવાનવા પંખીઓ ઘરની બહાર દેખાતા ઝાડ પર આવી રહ્યાં છે. દોડધામ વિનાની વહેલી પરોઢનું સૌંદર્ય માણી શકીએ છીએ. એકાંત સાધના કરતાં હોઈએ એવું લાગે છે. મને યાદ આવ્યું કે આ વિષયો પર મેં થોડુંક લખ્યું છે. આજથી થોડા દિવસ સુધી તદ્દન અલગ જ મૂડના આ લેખો રોજ તમારી સાથે શૅર કરીશ.)

રાતના આકાશમાં સૌથી તેજસ્વી દેખાતા તારાનું નામ શું? શહેરમાં ઊછરેલી પેઢીને શુક્ર અને ધ્રુવ વચ્ચેના તફાવત વિશે પણ ખબર નથી હોતી, સપ્તર્ષિ વિશે તો માહિતી પણ ક્યાંથી હોય?

વીસી- ત્રીસીના જમાનામાં ગાંધીવાદીઓ જેલમાં જતા ત્યારે તેઓનો ફેવરિટ પાસટાઈમ આકાશદર્શનનો રહેતો. ‘કુમાર’માં બચુભાઈ રાવત એક જમાનામાં નિયમિતરૂપે ‘આ માસનું આકાશદર્શન’ હેઠળ ગ્રહો- નક્ષત્રોની પોઝિશન દર્શાવતો વિગતવાર નકશો પૂરેપૂરી સમજૂતીની સાથે છાપતા.
શહેરમાં તો રાત્રે ચાલુ રહેતી સ્ટ્રીટલાઈટ્સ, નિયોન સાઈન્સ અને પ્રદૂષણને લીધે આકાશ અને આંખો વચ્ચે અર્ધપારદર્શક પડદો રચાઈ જાય છે.

નિરભ્ર આકાશ હોય અને શહેર બહારની જગ્યા હોય ત્યારે ઉપર તરફ મીટ માંડીને જોતાં આકાશ તારાઓથી ફાટફાટ થતું લાગે. ગામના ઘરની અગાશીમાં સૂતાં સૂતાં ક્યારેક, નસીબદાર હો તો, ક્ષિતિજ પર ખરતો તારો દેખાય. નાનપણમાં ખબર નહોતી કે ખરતો તારો જોતી વખતે મનમાં વ્યક્ત કરેલી ઈચ્છા ભગવાન પૂરી કરી દેતા હોય છે. માત્ર તારાના ખરવાની ક્રિયા જોવાનો રોમાંચ થતો. મોટા થયા પછી ખબર પડી કે ખરતો તારો જોઈને ભગવાન પાસે કશુંક માગી લેવાનું હોય. પણ આ ઉંમરે ઈચ્છાઓની યાદી એટલી લાંબી થઈ ગઈ હોય કે એટલી વારમાં કશું માગી ન શકીએ. રાતના એકલવાયા અંધારામાં તારાઓ હજુય ખર્યા કરે છે.

છોટુભાઈ સુથારને આજની સિત્તેર પ્લસની પેઢીના ગુજરાતના દાદા-દાદીઓ ભૂગોળ તથા ગણિતનાં પાઠ્યપુસ્તકોના લેખક તરીકે યાદ કરતાં હશે. છોટુભાઈ સુથારે પચાસ વર્ષની ઉંમર વટાવ્યા પછી ખગોળશાસ્ત્રના વિષયમાં પીએચ.ડી.ની ડિગ્રી લીધી હતી. આ મહાનિબંધ એમણે હરિહર શુકલ ‘એક જ દે ચિનગારી મહાનલ’ પ્રાર્થનાના રચયિતા તથા પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી ડૉ. પી. સી. વૈદ્ય (ખારની પ્યુપિલ્સ ઓન સ્કૂલના પ્રિન્સિપાલ મધુસૂદન ચૂ. વૈદ્યના નાના ભાઈ)ના હાથ નીચે ગુજરાતીમાં લખ્યો. આયુષ્યના ઉત્તરાર્ધમાં ખગોળશાસ્ત્રી તરીકે પંકાયેલા છોટુભાઈ સુથારને એકવીસ વર્ષની ઉંમર સુધી આકાશદર્શન કરતાં ફાવતું નહોતું. છોટુભાઈએ કાકાસાહેબ કાલેલકરનાં લખાણો ખૂબ વાંચ્યા હતાં એટલે એમને હોંશ ઘણી હતી પણ ખગોળ વિશે જાણકારી નહોતી. એક દિવસ છોટુભાઈના હાથમાં મદ્રાસના અંગ્રેજી દૈનિક ‘ધ હિન્દુ’માં
છપાયેલો વર્તુળાકાર તારાનકશો આવી ગયો. એ રાત્રે નડિયાદના સંતરામ મંદિરની અગાશીમાં મિત્રો સાથે બેસીને એ નકશા મુજબ તારાદર્શન કરવાની કોશિશ કરી પણ કોઈ શિખવાડનાર નહોતું એટલે આગળ વધાયું નહીં. બે-ત્રણ રાત સુધી પ્રયત્નો કર્યા પછી મૃગાનુસારી વ્યાધ (વ્યાઘ્ર નહીં, વ્યાધ અર્થાત્ પારધી) તારો ઓળખાઈ આવ્યો. બધા ખુશખુશાલ થઈ ગયા. ત્યાર બાદ બાર વર્ષ સુધી એમણે ખગોળનો સખત અને સતત અભ્યાસ કર્યો. અમદાવાદની વેધશાળા સ્થપાઈ એમાં ડૉ. છોટુભાઈ સુથારનો ઘણો મોટો ફાળો હતો.

કાકાસાહેબ કાલેલકરે ‘તારાઓનો આહાર’ નામના એક નાનકડા ગદ્યખંડમાં કુદરતની અદ્ભુત લીલાને પોતાના અંદાજમાં વર્ણવી છે: ‘સાંજે સૂરજ આથમી ગયો ત્યારે તે સાવ થાકી ગયેલો દેખાતો હતો. એનું તેજ ઝાંખું પડ્યું હતું… સવારે સૂરજના આવવાનો વખત થયો પણ બિચારો તેજ ક્યાંથી આણે? અને ઝાંખો ઊગે તો બિચારાની આબરૂ જાય… સાડા ત્રણ ચાર વાગ્યાથી એ પોતાની જીભો બહાર કાઢી તારાઓ ચાટતો જાય છે… નવલખ તારાનું તેજ ગળી એ તેજસ્વી થાય છે, અને પ્રસન્ન થઈને પૂર્વ દિશાને વીંધી બહાર નીકળી આવે છે. સૂરજ નીકળ્યા પછી પણ કોક કોક વાર શુક્ર બચી જાય છે. શુક્ર આગળ દોડે અને સૂરજ એને પકડવા ચડતો રહે. બધા તારાઓ ગયા છતાં પોતે રહ્યો છે, એ જોઈને અહંકારમાં આવીને શુક્ર પોતાને જ શુક્રિયા અદા કરે છે પણ એટલામાં એ પણ ખવાઈ જાય છે. અહંકારી વ્રજત્યઘ: …’

ખગોળશાસ્ત્ર સહિતની વિજ્ઞાનની દરેક શાખા રોમાંચક છે. આકાશદર્શનનો એક નાનકડો સરખો શોખ છોટુભાઈ સુથારને મોટી ઉંમરે ખગોળશાસ્ત્રમાં રિસર્ચ કરીને પીએચ.ડી. કરવા સુધી લઈ જઈ શકે એ વાત પુરાવો છે કે આ વિષયો કેટલા રોમાંચક છે.

ગાંધીજીના અંગત સચિવ મહાદેવ દેસાઈને સ્વામી આનંદે ‘શુક્રતારક સમા’ ગણાવ્યા હતા તે આ સંદર્ભમાં, સ્વામી આનંદ લખે છે, ‘આકાશના તારાઓમાં શુક્રનો જોટો નથી. એને ચંદ્રનો જોડીદાર ગણ્યો છે… આ તેજસ્વી તારાને દુનિયા સમી સાંજે કે વહેલી સવારે કલાક- બે કલાકથી વધુ દેખી શકતી નથી. તે ભાઈ મહાદેવ પણ આધુનિક ભારતવર્ષના સ્વાતંત્ર્યના ઉષાકાળે પોતાની તેવી જ આભાથી આપણા આકાશને ઝળાંહળાં કરી, દેશ અને દુનિયાને મુગ્ધ કરી, શુક્રતારકની જેમ જ અચાનક આથમી ગયા!’

એઇટીઝની વાત. સુરતથી ગુણવંત શાહની ફિયાટમાં મકરંદ દવેના નિવાસસ્થાને નંદીગ્રામ વાયા વલસાડ જવાનું હતું. તીથલના દરિયા કિનારે મોટરની ડિકી પર ઘરેથી લાવેલી સામગ્રીની સ્વરચિત ભેળપૂરી ખવડાવવામાં સાંજ ઢળી ગઈ. રાત જામી ગયા પછી વલસાડથી ધરમપુરના માર્ગ પરની યાત્રા શરૂ થઈ. નંદીગ્રામ આવવાને હજુ વાર હતી. સૌને ખબર કે ખાસ્સું મોડું થઈ ગયું છે એટલે કુન્દનિકાબહેનને ઊંઘમાંથી જગાડવા પડશે. મોડું થયું જ છે તો થોડું વધારે. ઘા ભેગું લસરકો. રસ્તાના કિનારે ગાડી થોભાવીને ગુણવંતભાઈ કહે: ‘હવે ચૂપચાપ માત્ર જુઓ અને સાંભળો.’

જંગલના સૂમસામ રસ્તાની વચ્ચે અટકી જઈને ચોખ્ખાચણાક આકાશનું દર્શન કરવાનું. શેષ અંધારું માણવાનું. અંધારાના સૌંદર્યનું અને ભેંકાર વાતાવરણમાં તમરાનાં અવાજનું ઑડિયોવિઝયુઅલ. આવું જિંદગીમાં ક્યારે માણવા મળે. કોઈ જ કારણ વિના કવિ મુકુલ ચોકસી યાદ આવી જાય: આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો, સજનવા!

માણસથી દૂર જવા માટે તો ક્યારેક માણસ સાથે નિકટતા સાધવા માટે- બેઉ બાબતોમાં કુદરત ઉપયોગી. નિસર્ગ પાસે અનેક આશ્ચર્યો છે. શહેરનું જીવન કુદરતી વાતાવરણથી તમને દૂર લઈ જાય છે એ વાત સાચી હોવા છતાં એમાં અતિશયોક્તિ છે. સૂર્યોદયો શહેરમાં પણ થતા હોય છે, સંધ્યા શહેરમાં પણ ખીલે છે. પણ રોજ સવારે સાડા નવ વાગ્યે ઊઠવાની જેને ટેવ હોય એ સૂર્યોદય ન જોઈ શકવાની ફરિયાદ કરી શકે નહીં. જેમની સાંજો ઑફિસના કામમાં કે બિયરબારમાં વીતતી હોય એમનાથી સૂર્યાસ્ત ન જોઈ શકવાનો અફસોસ વ્યક્ત ન થઈ શકે. આ એ લોકો છે જેઓ હિલ સ્ટેશન પર જઈને ય સાડા નવે જ ઊઠવાના અને ત્યાં પણ એમની સાંજો હૉટેલના બારમાં જ વીતવાની.

કુદરતનાં તત્ત્વો સાથે નિકટતા અનુભવવા માંડ્યા પછી વ્યક્તિઓની ખોટ ઓછી સાલે છે. અફાટ દરિયા તરફ સળંગ નજરે જોયા કરવાથી શું મહેસૂસ થાય છે? તમામ સંબંધો, તમામ આવેશ અને દરેક તરફડાટ વામણા લાગવા માંડે છે. જિંદગીના એકેએક વસવસા વારાફરતી ઓગળતા જાય છે. એકાદ નાનકડા પંખીને ધ્યાનથી એકટશે જોયા કરવાથી એના વિશ્વનો પરિચય થાય છે અને તમારું પોતાનું વિશ્વ જ એકમાત્ર વિશ્વ નથી એવી ખાતરી થાય છે.

કુદરત ઘણા બધા ભ્રમ તોડી નાખે છે. શબ્દો દ્વારા જ લાગણી વ્યક્ત થઈ શકે એવો સૌથી મોટો ભ્રમ માણસો સેવે છે. ન બોલાયેલા શબ્દોનું મૂલ્ય પવનની લહેરખીથી સ્પંદન કરતી ફૂલની પાંખડી સમજાવે છે. વૃક્ષ સાથે તમે કલાકો ગાળી શકો. ઝાડના થડ પર ચાલતા મંકોડાથી માંડીને એના પર માળો બાંધીને રહેતાં પંખીઓ સુધીનાં સૌ કોઈને એમની પોતપોતાની સૃષ્ટિ હોય છે જ્યાં કોઈ એકબીજાના જીવનમાં દખલગીરી કરતું નથી, કોઈ એકબીજાને ભારરૂપ થતું નથી.

દૂર ક્ષિતિજ સુધી ફેલાયેલા આકાશમાં ખોવાઈ જવાનું મન થાય એનો અર્થ એ કે હવે જિંદગીના તમામ સંબંધો નગણ્ય બની ગયા છે. નગણ્ય એટલે અર્થહીન નહીં. નગણ્ય એટલે હવે જેની ગણના નથી કરવી એવા સંબંધો, જેને કેન્દ્રમાં રાખીને હવાઈ કિલ્લા ચણવાના નથી એવા સંબંધો. જે કંઈ સફર કરવાની છે તે એકલાએ જ કરવાની છે, સાથ માત્ર કુદરતનો જ રહેવાનો છે.

કુદરતમાં રહેલા બેઉ અંતિમો પાસે પોતપોતાનું આગવું સૌંદર્ય છે. અંધકાર પાસે વધારે છે. સવારનું આકાશ દુનિયાની કરોડો વ્યક્તિઓમાં વહેંચાઈ ગયેલું છે, રાતનું આપણા એકલાનું. જેમની પાસે કંઈ નથી હોતું એમની પાસે રાત હોય છે. રાતના અંધકારમાં બધું જ ઓગળી જાય છે, જાત સહિતનું બધું જ.

14 COMMENTS

  1. સૌરભભાઈ મારી પાસે જયમલ પરમાર નું ગગન ના ગોખે પુસ્તક છે ખૂબ રસાળ અને સરળ શૈલીમાં જયમલ ભાઈએ આકાશ દર્શનનો રસાસ્વાદ કરાવેલ છે. આપના આ સુંદર લેખ દ્વારા ઘણી નવી જાણકારી મળી અને બીજા પણ પુસ્તકો વાંચવાની ઉત્કંઠા થઈ. આવા બીજા પુસ્તકો હોય તો માહિતી આપશો અમે તો એવી આશા રાખીએ કે આપના લેખો દ્વારા જ અમને તૃપ્તિ થાય!

  2. તારાઓને ઓળખવા માટે “કુમાર ” ની જેમ શ્રેણી શરૂ કરો તો ખુબ જ સારું. ગુજરાતીમાં આવા વિષયો પર સરળ ભાષામાં લખવવાળા કોઈ દેખાતા નથી.

  3. ખૂબ જ સરસ લેખ તારા મંડળ ની માહિતી અને સમજ બહુ જ સારુ લાગ્યું

  4. Dhruv Dada (Dhruv Bhatt) pan Shukra wishe Samudrantike ma saras lakhe chhe… Its name is Fanus in fisherman’s language…

    Also Karun varta pan chhe… Dhibaniyo Taro….??

  5. Dear Sir,
    You have mastered almost all walks of life. I really enjoy reading your articles.
    Today’s latest essay skirting astronomy was a wonderful read.
    Your interest in every subject and your efforts are really commendable.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here