હું જે માર્ગે જઈ રહ્યો છું તે માર્ગે જતાં મને સહેજ પણ ખચકાટ થતો નથી’ : સૌરભ શાહ

( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 4 જૂન 2025)

અઢી હજાર વર્ષ પહેલાં, ઈ.સ. પૂર્વે ૫૫૧માં ચીનમાં ક્ન્ફયૂશિયસનો જન્મ. ૭૩ વર્ષની વયે, ઈ.સ. પૂર્વે ૪૭૯માં અવસાન. રાજનીતિ – શિક્ષણશાસ્ત્રના અચ્છા જાણકાર. ચીનમાં શાસનની મહેરબાની વિના ચાલતી પ્રાઈવેટ શાળા શરૂ કરીને વ્યક્તિગત શિક્ષણ આપવાની પ્રથા કન્ફ્યૂશિયસે શરૂ કરી.

કન્ફયૂશિયસની અવલોકનશક્તિ જબરી હતી. આસપાસના વાતાવરણમાંથી અને લોકોમાંથી એ શીખતા રહેતા અને કહેતા: ‘જો હું બે માણસોની સાથે ચાલતો હોઉં તો એ બેઉ મારા ગુરુ બની જાય. એકનાં સારાં લક્ષણો તારવી લઉં અને એને અનુસરું. બીજાનાં માઠાં લક્ષણો વીણી લઉં અને મનોમન મારામાં એટલો સુધારો કરી લઉં.’

ચિંતકો-વિચારકોમાં સામાન્યત: જે ડોળ કે દંભ જોવા મળે છે તેનો ક્ન્ફયૂશિયસમાં અભાવ છે. એ કહે છે: ‘હું સહેજ પણ દાવો કરતો નથી કે મારામાં ઈશ્વરીય વિદ્વતા છે કે હું સંપૂર્ણપણે સાધુ છું. મારા વિશે કહેવાનું હોય તો હું માત્ર એટલું જ કહીશ કે હું જે માર્ગે જઈ રહ્યો છું તે માર્ગે જતાં મને સહેજ પણ ખચકાટ થતો નથી અને બીજાઓને ઉપદેશ આપતાં હું ક્યારેય થાકતો નથી!’

ક્ન્ફયૂશિયસના આ વચન વિશે એમના એક શિષ્ય કુંગ સિ હુઆએ ટિપ્પણ કરી છે: ‘પણ આ જ ગુણો એવા છે જેને પ્રાપ્ત કરવા માટે અમે, તમારા શિષ્યો, અસમર્થ છીએ.’

કેટલાય લોકોની ફરિયાદ હોય છે કે, ‘મને કોઈ સમજી શકતું જ નથી.’ આવી તદ્દન બાલિશ ફરિયાદના અનુસંધાને ક્ન્ફયૂશિયસની આ વાત યાદ રાખવા જેવી: ‘બીજાઓ મને ન ઓળખે તેનું દુ:ખ મને ન થાય, હું બીજાઓને ઓળખી ન શકું તેનું જ મને દુ:ખ થાય.’

શિષ્યોનાં કે ફૉલોઅર્સનાં ટોળેટોળાં ભેગા કરવામાં માનતા ગુરુઓ અને ફેસબુકિયા પંડિતો ક્યારેય એવો વિવેક દાખવી શકતા નથી કે કોને ઉપદેશ આપવો અને કોને નહીં. ક્ન્ફયૂશિયસ આ બાબતે તદ્દન સ્પષ્ટ છે:

‘જેઓ બોધગ્રહણ માટે આતુર ન હોય તેવાઓને હું ઉપદેશ આપતો નથી; પોતાના મનમાં શું ચાલી રહ્યું છે એ વિશે ખુલ્લા દિલે વાત કરવાની જેને ઉત્કંઠા ન હોય તેને એની મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન હું કરતો નથી; અમુક વિષયની એક દિશા હું દેખાડું એ પછી બાકીની ત્રણ દિશાઓને શોધવા જેટલી પ્રગતિ પણ જે વ્યક્તિ કરી શકતો નથી એવી વ્યક્તિ માટે હું મારો ઉપદેશ દોહરાવતો નથી.’

ચિંતન અને મનન કરવાની સૌથી ઉત્તમ રીત કઈ? કેટલાક લોકો ધ્યાનને તો કેટલાક વિવિધ ક્રિયાઓને મહત્ત્વ આપે છે. કન્ફ્યૂશિયસે કહ્યું: ‘મનન કરવા માટે હું દિવસો સુધી ઉપવાસો કરતો અને કેટલીય રાતોના ઉજાગરા કરતો પણ હું સહેજ પણ પ્રગતિ સાધી શક્યો નહીં. છેવટે મને સમજાયું કે અભ્યાસ કરવો એ જ એક માર્ગ છે.’

‘ડાહ્યો માણસ બોલવામાં ધીમો ને કામ કરવામાં ઉતાવળો હોય છે’ એ કન્ફ્યૂશિયસનું વિખ્યાત વચન છે. એમના એક શિષ્યે નૈતિક ગુણ વિશે પૂછયું ત્યારે એમણે કહ્યું: ‘જે માણસ પોતે કરવાના કઠિન કામનો પ્રથમ વિચાર કરે છે અને ભૌતિક લાભના વિચારને ગૌણ ગણે છે એ માણસમાં નૈતિક ગુણસમૃદ્ધિ છે એવું કહી શકાય.’

ખુશામતખોરો અને બીજાઓને સમજીને એમની જરૂરિયાત મુજબ સમાધાન કરનારાઓ વચ્ચેનો તફાવત કન્ફ્યૂશિયસે ખુલ્લો કર્યો: ‘અમીર માણસ અન્યને અનુકૂળ થવા માટે પ્રયત્નશીલ હોવાનો પણ એ બીજાની ખુશામત નહીં કરે. જ્યારે હલકો માણસ ખુશામતિયો હોય છે પણ એનામાં બીજાને અનુકૂળ થવાની વૃત્તિ નથી હોતી.’

અમીર એટલે શું માત્ર શ્રીમંત? ના. ‘અમીર માણસ ગૌરવસંપન્ન હોય છે પણ અભિમાની નથી હોતો, હલકો માણસ અભિમાની હોય છે, ગૌરવસંપન્ન નથી હોતો,’ એવું કન્ફ્યૂશિયસે કહ્યું છે.

એમણે એમ પણ કહ્યું: ‘ઉત્તમ પુરુષમાં ત્રણ ગુણો એવા હોય છે જે મારામાં હોવાનો દાવો હું કરી શકતો નથી. તે સૌનો ખરેખરો હિતેચ્છુ હોય છે અને ચિંતાઓથી મુક્ત હોય છે, તે ખરેખરો ડહાપણવાળો હોય છે અને ભ્રમણાઓથી મુક્ત હોય છે, તે ખરેખરો બહાદુર હોય છે અને ભયથી મુક્ત હોય છે.’

આગળ વધતાં પહેલાં ક્ન્ફયૂશિયસનાં વધુ બે વચન:

૧. શીખવું અને જે શીખ્યા હોઈએ તેને પ્રસંગ આવ્યે અમલમાં મૂકવું એ જ શું ખરેખરા આનંદની વાત નથી?

૨. પ્રામાણિકતા વિનાની ઉગ્રતા, ભોળપણ વિનાનું અજ્ઞાન અને સાચદિલી વિનાની સાદાઈ – આવાં લક્ષણો મારી સમજણમાં ઉતરતાં નથી!

કન્ફ્યૂશિયસની અનેક સુક્તિઓ વાંચી પણ એમના જીવન વિશે કેટલું જાણ્યું? પિતા ચીનના લુ રાજ્યના એક સરકારી અમલદાર. કન્ફ્યૂ્શિયસે બાળપણ ગરીબીમાં ગુજાર્યું. કિશોર અવસ્થામાં જ ખપપૂરતી એક સરકારી નોકરી લઈ લીધી. વર્ષો સુધી રાજ્યમાં વિવિધ ઊંચાં પદો શોભાવ્યા પછી પચાસેક વર્ષની ઉંમરે લુના રાજાનું પોતાના પ્રત્યેનું વર્તન બહુ વિવેકસભર ન લાગતાં એમણે રાજ્ય છોડ્યું. થોડાક શિષ્યોને લઈ ૧૪ વર્ષ સુધી અનેક રાજ્યોમાં વિહાર કર્યો. પાછલી ઉંમરે લુના રાજા અને ત્યાંના વગદાર શ્રીમંતોના આગ્રહથી પાછા લુ આવીને રહ્યા. કન્ફ્યૂશિયસે પોતાના આયુષ્ય દરમિયાન વિદ્યા મેળવી, મનને વિચારવંત બનાવ્યું, ઉપદેશો આપ્યા અને જિંદગીનાં છેલ્લાં પાંચેક વર્ષ દરમિયાન ખૂબ મહત્ત્વનું એવું એક કામ કર્યું. ચીનના પાંચ વિખ્યાત શિષ્ટ ગ્રંથોનું સંકલન અને નવસંસ્કરણ કર્યું. આ ગ્રંથો હતા: ૧. ‘કાવ્યગ્રંથ’ જેમાં કવિતાઓ, ગીતો તેમ જ ચીની ભજનોનું સંકલન છે. ૨. ‘ઈતિહાસ ગ્રંથ’ જેમાં રાજ્યશાસન અંગેના વિવિધ સત્તાવાર દસ્તાવેજોનો સંગ્રહ છે. ૩. ‘કર્મકાંડનો ગ્રંથ’ જેમાં વિવિધ વિધિઓ અને વ્યવહારમાં વિવેકમર્યાદા રાખવાના પરંપરાગત આદેશોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ૪. ચોથો ગ્રંથ ‘વસંત અને પાનખરની તવારીખ’ના નામે પ્રચલિત છે જેમાં ચીનની ઐતિહાસિક હકીકતોની નોંધણી કરવામાં આવી છે. ૫. ‘પરિવર્તન વિશેનો ગ્રંથ’ જેમાં માણસ વિશેના અને સમગ્ર વિશ્વ વિશેના કાયમી તેમ જ બદલાતાં જતાં તત્ત્વોની-વિચારોની છણાવટ કરવામાં આવી છે.

આ પાંચ સંપાદિત મહાગ્રંથોમાં કન્ફ્યૂશિયસના વિશ્લેષણનું મૂલ્ય ઘણું મોટું છે. કન્ફ્યૂશિયસના અવસાન પછી એમના શિષ્યોએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એમની પાસેથી મેળવેલા વિચારોને એકત્રિત કરીને ‘કન્ફ્યૂશિયસનાં બોધવચનો’ નામનો ગ્રંથ તૈયાર કર્યો. કન્ફ્યૂશિયસની વિચારસરણીને સમજવા માટે આ સૌથી અગત્યનો ગ્રંથ છે. એમાં વળી એમના શિષ્યોના શિષ્યોએ નોંધો ઉમેરી છે. આ એક જ ગ્રંથ વિશે ચીનમાં બે હજારથી વધુ પુસ્તકો લખાયાં છે. ચીનના ઈતિહાસમાં અને વિશેષ કરીને સાહિત્યના ઈતિહાસમાં આ ગ્રંથનું સ્થાન સર્વોચ્ચ છે.

કન્ફ્યૂશિયસને લુના રાજાએ જ્યારે ન્યાયમંત્રી તરીકેની ફરજ બજાવવાનું કામ સોંપ્યું હતું ત્યારે એક વખત કન્ફયૂશિયસે કહ્યું હતું, ‘મુકદ્દમામાં ન્યાય તોળનાર વ્યક્તિ તરીકેની કામગીરી કરવાથી હું બીજાઓ કરતાં ચડિયાતો થઈ જતો નથી. ખરેખર મહત્ત્વનું કામ તો આપણે એ કરવાનું છે કે આવા કોઈ મુકદ્દમાઓ ચલાવવાનો વખત જ ન આવે.’

યુઆન સુ નામનો એક શિષ્ય એના નમ્ર સ્વભાવ તથા વિશુદ્ધ જીવન માટે જાણીતો હતો. એક વખત એણે ગુરુ કન્ફ્યૂશિયસને પૂછયું, ‘માણસ, પોતે જ પોતાની પ્રશંસા કરવાથી એટલે કે આત્મશ્ર્લાઘાથી દૂર રહે, ક્રોધની લાગણી દબાવી દે અથવા જન્મવા જ ન દે અને સ્વાર્થની ઈચ્છાને કાબૂમાં રાખે તો એને સંપૂર્ણ સાધુતા પ્રાપ્ત થઈ છે એવું કહી શકાય કે નહીં?’

કન્ફ્યૂશિયસે જવાબ આપ્યો: ‘આ તમામ ગુણો પ્રાપ્ત કરવા અઘરા તો જરૂર છે પણ એ મેળવી લીધા પછી સંપૂર્ણ સાધુતા આવી જાય કે નહીં એ વિશે મને એટલી બધી ખાતરી નથી.’

રાજ્યશાસન વિશે કન્ફ્યૂશિયસે કહ્યું: ‘પ્રજામાં સંતોષ રહે તે માટે શાસકોએ પ્રામાણિક મનુષ્યોને ઊંચી પદવીએ ચડાવવા અને દુષ્કૃત્ય કરનારા સઘળા લોકોને રુખસદ આપવી.’

રાજ્યના શાસકને કન્ફ્યૂશિયસે જે સલાહ આપી છે તે વ્યક્તિના અંગત જીવન માટે પણ ઉપયોગી છે: ‘ખૂબ ઉતાવળથી કામ કરવાનો પ્રયત્ન ન કરો. એને કારણે કામ સંપૂર્ણપણે થતું નથી. નાના નાના લાભ મેળવી લેવાની હદ બહારની આતુરતા ન રાખો, એને કારણે મોટાં મોટાં કામ વણઉકલ્યાં રહી જાય છે.’

મિત્રો વિશેની કન્ફ્યૂશિયસની એક સુક્તિથી વાતને પૂર્ણાહુતિ ભણી લઈ જઈએ:

‘ત્રણ પ્રકારના મિત્રો હિતકારક છે – પ્રામાણિક, વફાદાર અને માહિતગાર. ત્રણ પ્રકારના હાનિકારક છે – ડોળઘાલુઓે, ગર્ભિત સૂચનો કરનારા અને વાચાળ.’

આ જ પ્રમાણે મોજમજાના ત્રણ માર્ગને કન્ફ્યૂશિયસ હિતકારક ગણે છે અને ત્રણને હાનિકારક: શિષ્ટ આચાર અને સંગીતની મજા માણવી, બીજાઓનાં ગુણગાન ગાઈને મજા માણવી અને ખૂબ લાયકાત ધરાવતા મિત્રોની મિત્રાચારીની મજા માણવી હિતકારક છે. પણ અનિયંત્રિત ભોગવિલાસમાં જ સુખ મળે છે એવું માનવું, નિષ્ક્રિયતા જ સાચી મજા આપે છે એવું માનવું અને મિજબાનીઓમાં જ જીવનનો તમામ આનંદ સમાયેલો છે એવું માનવું હાનિકારક છે.

સાયલન્સ પ્લીઝ!

કોઈને શિખામણ આપવાની હોંશમાં એટલો અતિરેક ન કરી બેસીએ કે સામેવાળી વ્યક્તિને લાગવા માંડે કે તમે એના જીવનમાં ચંચુપાત કરી રહ્યા છો.

—કન્યૂફ્શિયસ

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here