મોદી@ 73

મોદી વિશે મેં છેલ્લાં ૨૧ વર્ષમાં જેટલું લખ્યું છે એટલું ગુજરાતના જ નહીં ભારતના કોઈ પણ પત્રકારે ભાગ્યે જ લખ્યું હશે. ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના ગોધરા હિંદુ હત્યાકાંડથી લઈને આજ સુધી મેં લખેલા મોદી વિષયક લેખોમાંથી મને સૌથી ગમતો લેખ છે : “નરેન્દ્ર મોદી પાસેથી શીખવા જેવી દસ મોટી વાતો”.

આ લેખ 28-29 એપ્રિલ 2014ના સોમવાર-મંગળવાર દરમ્યાન લખાયો ત્યારે હજુ 2014ની ચૂંટણીનાં પરિણામો આવ્યાં નહોતાં , એટલું જ નહીં હજુ બેએક તબક્કાનું મતદાન બાકી હતું એટલે એક્ઝિટ પોલને પણ હજુ વાર હતી. 7 એપ્રલ 2014 અને 12 મે 2014ની વચ્ચેના દિવસોમાં આખા દેશમાં તબક્કાવાર મતદાન થયું. 16 મે 2014ના રોજ પરિણામ આવ્યું અને સોગંદવિધિ 26 મે 2014ના ઐતિહાસિક દિને થઈ. નવ-ભારતના સ્થાપનાદિન તરીકે આ દિવસ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે કોતરાઈ ગયો.

આજે મોદીજીની ૭૩મી વર્ષગાંઠ સમગ્ર ભારતના સમજુ નાગરિકો ઉજવી રહ્યા છે. આ લેખ વાંચીને, ફરી વાંચીને અને બીજાઓને વંચાવીને આપ સૌ આ પવિત્ર દિવસની ઉજવણીમાં સામેલ થઈ મોદીજીના તંદુરસ્તીભર્યા દીર્ઘાયુ માટે આપના ઇષ્ટ દેવને પ્રાર્થના કરો.

નરેન્દ્ર મોદી પાસેથી શીખવા જેવી દસ મોટી વાતો: સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: રવિવાર, ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૩)

નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક પ્રચારકમાંથી દેશના સર્વોચ્ચ પદે આરોહણ કરવા જઈ રહ્યા છે. રાષ્ટ્રપતિનો હોદ્દો બહુધા શોભાના ગાંઠિયા જેવો છે, માટે વડાપ્રધાનપદ સર્વોચ્ચ છે. આમાં મહત્વ દેશના આ સર્વોચ્ચ પદનું નથી. દેવગૌડા, ચરણસિંહ અને ગુજરાલ જેવા ઝાંખાપાંખા લોકો પણ આ દેશમાં વડાપ્રધાન બની ગયા છે. મહત્ત્વ એ વ્યક્તિનું છે, જેનું વિઝન આ દેશને દુનિયામાં એ જગ્યાએ લઈ જવાનું છે, જ્યાં અત્યારે અમેરિકા છે. અને એ દિવસો જોવા કદાચ આપણે જીવતા નહીં જોઈએ જ્યારે રૂપિયાની ચલણી નોટો પર એમનો દાઢીવાળો ફોટો છપાતો હશે.

નરેન્દ્ર મોદીના જીવનમાંથી ઘણુંબધું શીખવા જેવું છે. એમના જીવનને, એમના વિચારોને, એમની કાર્યશૈલીને ઝીણવટથી ઑબ્ઝર્વ કરો તો એમાંથી આ દસ સૌથી મહત્ત્વની  વાતો જડે છે. દસમી વાતથી શરૂ કરીએઃ

10. ધીરુભાઈ અંબાણીએ કહ્યું: થિન્ક બિગ.” સ્ટીવ જોબ્સે કહ્યું: થિન્ક બિગ.” પણ મોટાં સપનાં જોવાં એટલે શું? 27 ફેબ્રુઆરી, 2002ના રોજ થયેલા ગોધરા હિંદુ હત્યાકાંડના પ્રત્યાઘાતરૂપે સર્જાયેલાં ગુજરાતનાં રમખાણો દરમિયાન તેમ જ તે પછીના ગાળામાં સેક્યુલર મિડિયા આદુ ખાઈને નરેન્દ્ર મોદીની પાછળ પડી ગયું હતું. એ વખતે પોતાનો પક્ષ રજૂ કરવા, લોકો સુધી પોતાની વાત પહોંચાડવા મોદીએ ધાર્યું હોત તો ઑલરેડી પોતાના મિત્ર બની ચૂકેલા ઉદ્યોગપતિઓની સહાય વડે સહેલાઈથી એકાદ મોટી ન્યૂઝ ટી.વી. ચેનલ ઊભી કરી શક્યા હોત. જયલલિતાના જયા ટી.વી.ની ચેનલ તો બચ્ચું લાગે એવી, અલ જઝીરા ટાઇપની. એકાદ વર્તમાનપત્ર શરૂ કરી શક્યા હોત. બંગાળ, કેરળ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ વગેરે ઘણાં રાજ્યોમાં રાજકીય પક્ષોના માંધાતાઓનાં છાપાં ચાલે છે. મોટું સર્ક્યુલેશન પણ ધરાવે છે. કોઈને પણ લાગ્યું હોત કે વાહ! મોદીનું વિઝન કેટલું મોટું છે! હી ઈઝ રિયલી થિન્કિંગ બિગ!

નરેન્દ્ર મોદીએ પોતાની એક ન્યૂઝ ચેનલ હોય એવું ડ્રીમ જોવાને બદલે દેશદુનિયાનું તમામ મીડિયાજગત પોતાનું થઈ જાય એવું ડ્રીમ જોયું અને એ સાકાર કર્યું. કેવી રીતે? એ લોકોની ખુશામત કરીને નહીં. એ લોકોને ટુકડા ફેંકીને પણ નહીં.

પણ મોદીએ ધીરજ ધરી. (ખરા અર્થમાં તેઓ ધીરુભાઈ બની ગયા!) જેને જે બોલવું હોય તે બોલે. બધે દોડીદોડીને ખુલાસાઓ કરવા ન ગયા અને ન તો પોતાનું મીડિયાહાઉસ ઊભું કર્યું કે ન વિરોધી મીડિયાને સીધી યા આડકતરી રીતે પનિશ કરવાનું વિચાર્યું.

અને દસ જ વર્ષમાં ચમત્કાર થઈ ગયો. અનેક  ચેનલિયાઓ કુર્નિશ બજાવતા થઈ ગયા. અલમોસ્ટ તમામ તોતિંગ અંગ્રેજીપ્રાદેશિક દૈનિકોએ મોદી માટે ઝેર ઓકવાનું બંધ કરી દીધું.

નરેન્દ્ર મોદીએ પોતાની એક ન્યૂઝ ચેનલ હોય એવું ડ્રીમ જોવાને બદલે દેશદુનિયાનું તમામ મીડિયાજગત પોતાનું થઈ જાય એવું ડ્રીમ જોયું અને એ સાકાર કર્યું. કેવી રીતે? એ લોકોની ખુશામત કરીને નહીં. એ લોકોને ટુકડા ફેંકીને પણ નહીં. મોદીએ એ દસકામાં એવું કામ કર્યું કે ભલભલા મીડિયાવાળાઓએ થૂંકેલું ચાટવું પડ્યું. એ લોકોનાં જૂનાં ક્લિપિંગ ભેગાં કરીને એને અત્યારના એમના મોદી વિશેના અભિપ્રાયો સાથે સરખાવીને કોઈ ત્રણ કલાકની ડોક્યુમેન્ટરી બનાવે તો એ બધાઓની બેમોઢાવાળી વાત ખુલ્લી પડી જાય.

આને કહેવાય થિન્કિંગ બિગ! ક્લાર્કમાંથી હેડક્લાર્ક બનવાનું સપનું જોવું એને થિન્ક બિગ ન કહેવાય. કટિંગ ચાની પ્યાલીઓ ભરીભરીને ખિસ્સામાંનું ચિલ્લર ગણતાંગણતાં મોટીમોટી ચલણી નોટો, જે ક્યારેય હજુ જોવા પણ મળી નથી તેના પર ભવિષ્યમાં પોતાનો ફોટો છપાય એવું કામ કરવું એને થિન્કિંગ બિગ કહેવાય.

9. 2002ના ફેબ્રુઆરી પછીના આરંભના મહિનાઓ અને ત્યારપછીનાં વર્ષો યાદ કરો. એક પણ દિવસ એવો નહોતો જતો જ્યારે વિરોધીઓએ નરેન્દ્ર મોદીનું નામ લઈને ખાસડાં માર્યાં ન હોય. તમે જુઠ્ઠા હો અને કોઈ સતત તમારી આટલી આકરી ટીકા કર્યા કરે તોય તમે ડિપ્રેશનમાં સરી પડીને નિષ્ક્રિય બની જાઓ. અહીં તો મોદી સાચા હતા સાચા છે. છતાં કૉંગ્રેસીઓ, સેક્યુલરો, સામ્યવાદીઓ, એન.જી.. ખોલીને બેઠેલા એક્ટિવિસ્ટો, ખુદ ભાજપઆર.એસ.એસ. – વી.એચ.પી.ના કેટલાક અતિ કટ્ટર તો કેટલાક ઢોંગી હિન્દુવાદીઓ દિવસરાત મોદીને પીંખતા રહ્યા. આવા સંજોગોમાં મોદી અડીખમ રહ્યા. લોખંડી મજ્જાતંતુ કોને કહેવાય એનું જીવતુંજાગતું ઉદાહરણ બની રહ્યા. આઇન્સ્ટાઇનની જેમ એમનું મગજ પણ તેઓ સવા શતાયુ થશે પછી સાચવી રાખવામાં આવશે અને વૈજ્ઞાનિકો પુરવાર કરશે કે મગજમાં પોલાદી મજ્જાતંતુઓ કેવા હોય.

એક તરફ ચારે કોરથી ટીકાઓ વરસ્યા કરતી હોય અને બીજી બાજુ રોજના અઢારવીસ કલાક નક્કર કામ કરવું આવું કેવી રીતે શક્ય બને? અને તે પણ ટ્વેન્ટી ફોર બાય સેવન, તમામ 365 દિવસ.

પૈસાને ધિક્કારો નહીં, પૈસાવાળાઓથી દૂર ભાગો નહીં. જીવનમાં મોટાં કામો કરવાં હશે તો પૈસાવાળા અને પાવરફુલ મિત્રો ડગલેને પગલે જોઈશે.

સતત થતી ટીકા, સતત જંગી અવરોધો બાવજૂદ સ્વસ્થતા રાખીને, ભીતરની પ્રસન્નતાને સાચવીને એકધારું કામ કેવી રીતે થઈ શકે તે શીખવા માટે આપણે કોઈનાય મોટિવેશનલ કાર્યક્રમો પાછળ ફીના પૈસા બગાડવા જવાની જરૂર નથી. મોદી તમને મફતમાં શિખવાડી રહ્યા છે.

8. પૈસાને ધિક્કારો નહીં, પૈસાવાળાઓથી દૂર ભાગો નહીં. ‘પૈસો હાથનો મેલ છે એવું કહીને લક્ષ્મીનું અને લક્ષ્મીપતિઓનું અપમાન કરો નહીં. જીવનમાં મોટાં કામો કરવાં હશે તો પૈસાવાળા અને પાવરફુલ મિત્રો ડગલેને પગલે જોઈશે. શરત માત્ર એટલી કે એ કામથી તમે તમારાં ગજવાં ભરવાના નથી એવી એમને અને બીજા સૌને ખાતરી હોવી જોઈએ.

તમને પૈસો જોઈતો નથી એટલે પૈસો નકામો છે એવી દંભી ગાંધીવાદીઓ કે સ્યુડો સામ્યવાદીઓની બનાવટી વિચારધારા નરેન્દ્ર મોદીના જીવનમાં નથી. મોદી સમજે છે કે દેશને શ્રીમંત બનાવવાનું કામ શ્રીમંતો જ કરી શકશે, સિગ્નલ પર કટોરો લઈને ફરનારાઓ નહીં. અને શ્રીમંતો તથા સિગ્નલ પાસે ઊભા રહેનારાઓ વચ્ચેની કડી જો પોતાના જેવી સ્વચ્છ અને ઑનેસ્ટ વ્યક્તિ હશે તો એ બંને વચ્ચેનું આર્થિક અંતર ઘટાડી શકાશે એવું મોદી સમજે છે.

ગરીબી કે ભૂખમરો માત્ર નારાબાજીઓથી દૂર નથી થતાં. સબસિડીઓનું અર્થકારણ વંચિતોને તેઓ જ્યાં  છે ત્યાંના ત્યાં જ  એમને રાખે છે.

મૂડીવાદ વિશે, કેપિટાલિઝમ વિશે ફાઉન્ટનહેડ નવલકથા ફેમ વિદુષી આઇન રેન્ડે કહ્યું હતુઃ મહાન ઉદ્યોગપતિઓ ફ્રી માર્કેટમાં સંપત્તિનું સર્જન કરે છે ત્યારે તેઓ નવી સંપત્તિ સર્જતા હોય છે.” આજનો અર્થ એ થયો કે  જેઓ એવી સંપત્તિ નથી બનાવતા એમની ( એટલે કે ગરીબોની) પાસેથી છીનવીને તેઓ પોતાની સંપત્તિનું સર્જન નથી કરતા. આ જબરજસ્ત  મૌલિક વાત નિરાંતે વિચારવા જેવી છે. 

નહેરુના સમાજવાદના ઓઠા હેઠળના દંભી સામ્યવાદ તથા સ્યુડો ગાંધીવાદથી આ દેશ અત્યાર સુધી ચાલ્યો. ઉદ્યોગપતિઓને ખુશ કરીને નેતાજીઓએ પોતાની તિજોરીઓ ભરી અને દેશની તિજોરીને તળિયાઝાટક કરી નાખી. ઉદ્યોગપતિઓનો આદર કરીને પ્રજાને સમૃદ્ધ કરી શકાય એવું ગુજરાત મોડેલ બનાવ્યા પછી મોદી એને રાષ્ટ્રીય સ્તરે અમલમાં મૂકશે ત્યારે કેટલાક લોકો એમની ટીકા કરવાના. જો આપણે એ ટીકાકારોમાંના એક હોઈશું તો આપણે પાછળ રહી જવાના.

ગરીબી કે ભૂખમરો માત્ર નારાબાજીઓથી દૂર નથી થતાં. સબસિડીઓનું અર્થકારણ વંચિતોને તેઓ જ્યાં  છે ત્યાંના ત્યાં જ  એમને રાખે છે. અનામતોનું રાજકારણ વોટબેન્ક ઊભી કરવા સિવાય લાંબા ગાળે સમગ્ર પ્રજાનું અહિત કરે છે, પ્રજાનો વિકાસ નહીં આ બધી વાતો મોદી સમજે છે.

અંગત જીવનમાં આપણે એ સમજ કેળવવાની કે પૈસા માટેના બેવડા માપદંડમાંથી બહાર આવીને દિલથી કમાણી કરવાની અને જેની પાસે એ નથી એને દાનખેરાત કરીને પબ્લિસિટી મેળવવાને બદલે એમના માટે કમાણીની તકો ઊભી કરવાની.

માત્ર કુટુંબપરિવારને સાચવ્યા કરીશું તો જિંદગી આખી એમાં જ પડ્યા રહીશું. જિંદગીમાં કરવાં જેવાં કામો માટે સમય, શક્તિ, રિસોર્સીઝ નહીં બચે.

7. જિંદગીમાં મોટાં કામ કરવાં હશે તો અમુક બંધનો છોડવાં પડશે, તોડવાં પડશે કે એનાથી દૂર રહેવું પડશે. ગાંધીજી આદર્શ પિતા બનવા ગયા હોત તો તેઓ ક્યારેય રાષ્ટ્રપિતા ન બની શક્યા હોત. નરેન્દ્ર મોદીએ સ્વજનોનો આદર કર્યો છે, એમનું સન્માન કર્યું છે, પણ મારી મા બિચારી એકલીએકલી દીકરા વિના ઝૂરતી હશે કે મારા સગા ભાઈઓને જો હું કામ નહીં લાગું તો બીજું કોણ એમની વહારે ધાશે એવું મોદીએ વિચાર્યું નથી. સંસારની પળોજણમાં પડ્યા વગર એમણે પોતાનાં સમયશક્તિરિસોર્સીઝ પોતાના ધ્યેયની પૂર્તિ પાછળ કામે લગાડી દીધાં.

આપણે બધા કંઈ એ કક્ષાએ ન પહોંચી શકીએ. કંઈ નહીં, પણ જો આપણે માત્ર કુટુંબપરિવારને સાચવ્યા કરીશું તો જિંદગી આખી એમાં જ પડ્યા રહીશું. જિંદગીમાં કરવાં જેવાં કામો માટે સમય, શક્તિ, રિસોર્સીઝ નહીં બચે. બેલેન્સ જાળવીને જરા લાંબે નજર કરીએ અને કુટુંબ, સગાંવહાલાં, નાતીલા, મિત્રો, પાડોશીઓની દુનિયામાંથી બહાર આવીને જે કામો કરવાં જેવાં છે તે કરીએ.

દુશ્મનોની પાછળ પડી જઈ એમને ખતમ કરી નાખવામાં સમય-શક્તિ-રિસોર્સીઝ વાપરવાને બદલે એમને સાઇડલાઇન કરીને પોતાને વધુ મજબૂત કરવામાં એ જ ટાઇમ, એનર્જી વગેરેનો ઉપયોગ કરવો એવું મોદીએ પોતાના જીવનમાંથી તમને શિખવાડ્યું.

6. દુશ્મનોને પણ સાથે રાખો. સામે ચાલીને એમને છંછેડવાના નહીં. તમારા વિચારોના વિરોધીઓની વાજબી ટીકા કરો, ખૂબ કરો, પણ એમના વિચારોની ટીકા કરો, એમની અંગત લાઇફસ્ટાઇલ કે પર્સનલ જિંદગીની નહીં. અને એ વિરોધીઓ તમારા વિશે કાંઈ જાહેરમાં બોલી જાય તો મનમાં સ્વીકારી લો કે  ચૂંટણીની ગરમીમાં આવું બધું બોલાતું હોય છે. ભલે બોલાય, મનમાં લેવાનું નહીં. મારાથી પણ એવું બોલાઈ જતું હશે.– આવું એક ટી.વી. ઇન્ટરવ્યૂમાં હમણાં જ નરેન્દ્ર મોદીએ નિખાલસ બનીને કહ્યું. આટલું કહીને એમણે લાલુ, સોનિયા, રાહુલ, મુલાયમ ઇત્યાદિ સૌકોઈનાં નામ લઈને એ બધાંને માફ કરી દીધાં. પોતાના મનમાં એમના માટે કોઈ ડંખ નથી એવું જાહેરમાં કહ્યું.

આ દુનિયામાં કોઈ નકામું નથી. દરેકની પાસે પોતપોતાની ક્ષમતા હોય છે. રસ્તા પર પડેલા પથ્થરને પણ એનું મૂલ્ય હોય છે, જો તમને એનો યોગ્ય ઉપયોગ કરતાં આવડે તો.

દુશ્મનોની પાછળ પડી જઈ એમને ખતમ કરી નાખવામાં સમય-શક્તિ-રિસોર્સીઝ વાપરવાને બદલે એમને સાઇડલાઇન કરીને પોતાને વધુ મજબૂત કરવામાં એ જ ટાઇમ, એનર્જી વગેરેનો ઉપયોગ કરવો એવું મોદીએ પોતાના જીવનમાંથી તમને શિખવાડ્યું. આટલું કરશો તો દુશ્મનો તમારું કશું ઉખાડી શકવાના નથી ને આપોઆપ તેઓ પરાસ્ત થઈ જશે, એટલું જ નહીં, તમારી આ ઉદારતા, મક્કમતા જોઈને વાડ પર બેઠેલાઓ તમારા તરફી થઈ જશે. જો તમે કિન્નાખોરીથી પેલા લોકોની પાછળ પડી જાઓ તો આ વાડ પર બેઠેલાઓ સામેના પાલામાં જતા રહે અને તમારી સામે મોરચો માંડીને દુશ્મોની તાકાત વધારીને નવા અવરોધો ઊભા કરે.

5. આ દુનિયામાં કોઈ નકામું નથી. દરેકની પાસે પોતપોતાની ક્ષમતા હોય છે. રસ્તા પર પડેલા પથ્થરને પણ એનું મૂલ્ય હોય છે, જો તમને એનો યોગ્ય ઉપયોગ કરતાં આવડે તો. સાવ બંજર જમીનનો ઉપયોગ કરતાં આવડે તો ત્યાં પણ ગુલિસ્તાન બનાવી શકો છો, જો અદાણી જેવી આવડત હોય તો.

સરકારી કર્મચારીઓ કામચોર હોય છે અને સરકારી અફસરો ભ્રષ્ટાચાર કરવામાંથી ઊંચા નથી આવતા એવા એક જનરલ, પૉપ્યુલર પર્સેપ્શનથી નરેન્દ્ર મોદી બંધાઈ ગયા હોત તો 2001માં તેઓ પ્રથમ વાર ચીફ મિનિસ્ટર બન્યા ત્યારથી અત્યાર સુધીના તેર વર્ષમાં તેઓ કશું જ કરી શક્યા ન હોત. એમણે એ જ સિસ્ટમનો ઉપયોગ કર્યો જે બીજા ચીફ મિનિસ્ટરો માટે પણ ઉપલબ્ધ હતી. જેમનામાં આવડત હતી એમને મોદીએ વધારે જવાબદારીઓ સોંપી, પ્રોત્સાહિત કર્યા અને જેમનામાં ઓછી આવડત હતી એમને ટ્રેઈન કર્યા. એ પછી જે કાંઈ થોડાઘણા બદદાનતવાળાઓ રહ્યા એમના માટે નિયમોનો અમલ વધારે કડક બનાવ્યો. ગાંધીનગરનું સચિવાલય જે એક જમાનામાં બોડી બામણીનું ખેતર જેવું હતું, સત્તાના એજન્ટોના અડ્ડા જેવું હતું, તેને ક્રમશઃ જનતા માટેની પ્રવૃત્તિઓથી ધમધમતું બનાવ્યું. દરેક જિલ્લાની કલેક્ટર કચેરીઓની એફિશ્યન્સી વધારી. આ માટે અનેક શિબિરો-સેમિનાર્સ થયાં. નિષ્ણાતોની અને ટેક્નોલોજીની મદદ લેવાઈ.

મદદ લેવી ખરી, પણ પોતાના પ્રતિસ્પર્ધીઓની કે પોતાના સરખેસરખાઓની નહીં. જેઓ તમારા પ્રતિસ્પર્ધી છે કે તમારા પ્રતિસ્પર્ધી બનવાની ખ્વાહિશ ધરાવે છે તેઓ ક્યારેય તમને મદદ નથી કરવાના એ સત્ય મોદી બરાબર સમજી ગયા છે.

નરેન્દ્ર મોદી સમજે છે કે મોટાં કામ કરવાં હશે તો તોતિંગ સંખ્યામાં લોકોને સાથે રાખીને, એમની પાસેથી જ કામ કરાવવું પડશે. મોદીએ સૌને એમની જ જવાબદારીનું ભાન કરાવ્યું. દિલ્હી જઈને રીઢા અને પેધા પડી ગયેલા ટોચના સરકારી બાબુઓ પાસેથી કેવી રીતે કામ લેવું તેનો દસ વર્ષ કરતાં વધારે સમયનો રિયાઝ હવે એમની પાસે છે. સરકારી તંત્ર માટે દ્વેષભાવ રાખવાને બદલે એ જ માણસો પાસેથી ચમત્કારો કેવી રીતે સર્જાવી શકાય એની આવડત મોદીમાં છે. રસોડું એ જ હોય, રસોઈનાં સાધનો, મરીમસાલા, શાકભાજી અને ધાન્ય બધું એનું એ જ હોય, પણ રસોઇયો બદલાય ત્યારે રસોઈનો સ્વાદ કેટલો બદલાઈ જાય છે તે આપણે બધાએ અનુભવ્યું હશે. પાયાની વાત— નાચતાં ન આવડે તે જ આંગણ ટેઢું છેની ફરિયાદ કરે. જેને ખરેખર નૃત્ય આવડે છે તે ટેઢા આંગણ પર પણ તમારું મન મોહી લે તે રીતે સ્ટેપ્સ મૂકીને પોતાની કુશળતા પ્રગટ કરે. ગબ્બરસિંહના અડ્ડાની ઊબડખાબડ અને ટેઢીમેઢી ભૂમિ પર હેમાજીએ જબ તક હૈ જાં ગાઈને કેવું નૃત્ય કર્યું હતું! હેમાજીના પગ તળે કાચની બોટલો તોડવામાં આવી એ રીતે પી.એમ. મોદીને પણ દિલ્હીમાં હેરાન કરવાવાળા ઘણા નીકળવાના, પણ જે માણસ પોતાના પર ફેંકાતા પથ્થરો ભેગા કરીને અભેદ્ય કિલ્લાઓ ચણી શકે છે એ શીશાના ટુકડાઓમાંથી કેલિડોસ્કોપ બનાવી લેશે એમાં કઈ શંકા નથી.

4. મદદ લેવી ખરી, પણ પોતાના પ્રતિસ્પર્ધીઓની કે પોતાના સરખેસરખાઓની નહીં. ગુજરાત રાયટ્સ પછી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરની સત્તા ટકાવી રાખવા પોતાના કરતાં ઘણા મોટા ગજાના લાલકૃષ્ણ અડવાણીની મદદ લીધી. ભાજપમાં નેશનલ લેવલ પર જેઓ પોતાની બરાબરી કરી શકવાનું ગજું ધરાવતા હતા એવા લોકોની મદદ લેવામાં મોદી પડ્યા નહીં. બીજા ભાજપી ચીફ મિનિસ્ટરો પાસે પણ મદદ નહીં માગી. જેઓ તમારા પ્રતિસ્પર્ધી છે કે તમારા પ્રતિસ્પર્ધી બનવાની ખ્વાહિશ ધરાવે છે તેઓ ક્યારેય તમને મદદ નથી કરવાના એ સત્ય મોદી બરાબર સમજી ગયા છે. માટે જ કાં તો તદ્દન નીચેના સ્તરે કામ કરતા લોકોમાં તમારા માટેનું સમર્થન ઊભું કરવું, કાં ટોચની વ્યક્તિઓને વિશ્વાસમાં લેવી. મોદીએ આ બંને કર્યું. પોતાના સરખેસરખા હોય એમની એમણે ઉપેક્ષા કરી. જો મોદીએ એવી મદદો લીધી હોત તો આજે સુષ્મા સ્વરાજ કે એમના જેવાં બીજાં અડધો ડઝન ભાજપીઓએ અડવાણીનું નામ આગળ ધરીને મોદીનું પત્તું કાપી નાખ્યું હોત અને શક્ય છે કે લાગ આવે એ અડધો ડઝનમાંથી જ કોઈકે અડવાણીને સાઇડલાઇન કરીને પોતે પ્રધાનમંત્રીપદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ થાય એવી રાજરમત રમી હોત. એવા સંજોગોમાં મોદીના ભાગે હજુ બીજાં દસ વર્ષ મેરે ગુજરાત કી છે કરોડ કી જનતાનાં જ ગુણગાન ગાવાનું આવ્યું હોત. તમારા પોટેન્શ્યલ પ્રતિસ્પર્ધીને ઓળખો. એ મિત્રો જ તમારું સૌથી વધુ નુકસાન કરતા હોય છે. મોદીની કાર્યશૈલી પરથી આ પાઠ આપણે સૌએ શીખવા જેવો છે

3. તમારા પોતાનામાં જો નિષ્ઠા હોય, કામ કરવાની દાનત હોય અને સાતત્ય હોય તો તમે કાળમીંઢ ખડકને પણ હતો-ન હતો કરી શકો એમ છો. કોઈને કલ્પના પણ આવે કે 2004માં સોનિયા ગાંધીના ‘ત્યાગ’થી પ્રભાવિત થઈ ગયેલી આ દેશની જનતા દસ જ વરસમાં કૉંગ્રેસની ધ્વસ્ત ઇમારતનાં અંતિમ દર્શન કરીને એના પર બે ફૂલ ચડાવતી થઈ જશે? ભાજપે કેટલા ફાંફાં માર્યા કૉંગ્રેસને પરાસ્ત કરવામાં? કંઈ થયું? પણ મોદી જ્યારે ખુલ્લેઆમ મહાયોદ્ધા બનીને રણમેદાનમાં આવ્યા ત્યારે મા-બેટી, દીકરો-જમાઈ— બધાં જ કીડીની લંગાર પર ટીપું પાણી પડે ને એ દોડાદોડી કરતી થઈ જાય એમ રીતસરના ઘાંઘાં થઈ ગયાં.

મોદીનો આ ઇમ્પેક્ટ એમની ઇમાનદારીનો ઇમ્પેક્ટ છે. ભાજપમાં આટલી ક્લીન ઇમેજવાળું બીજું કોણ છે? પ્રામાણિક હશે- ઘણા હશે, પણ આટલી સાદી લાઇફ-સ્ટાઇલવાળો બીજો કયો નેતા છે, જે નથી રોજ સાંજ પડે મિત્રોની મહેફિલો સજાવતો, નથી વીક-એન્ડમાં ઐયાશીઓ કરતો કે નથી દેશ કે પરદેશમાં એક્ઝોટિક વેકેશનો લેતો. મોદી સ્વચ્છ, સુઘડ, આકર્ષક કપડાં પહેરે છે એટલું જ. અને એ લઘરવઘર નથી દેખાતા એમાં જ એમના જીવનની તથા કામની વ્યવસ્થિતતાના આગ્રહો પ્રગટ થાય છે. જાહેરમાં ડૂચા જેવાં કપડાં પહેરીને ફરતા રાજકારણીઓ અંગત જીવનમાં કેટકેટલી રંગરેલિયાં કરતા હોય છે એની તમને નથી ખબર? સાદગી દેખાડવા માટે સાદાં કપડાં પહેરીને દર મહિને કરોડો રૂપિયા ઘરભેગા કરનારા પોલિટિશ્યન્સ શું કમ છે આ દેશમાં?

તમે જો ક્લીન હો તો જ આ સ્માર્ટ પ્રજા તમારા પર ભરોસો મૂકે અને તો જ તમે જ્યારે કહો કે એક ધક્કા ઔર દો ત્યારે કરોડો લોકો સાદ પુરાવીને કૉંગ્રેસ કો ફેંક દો કહીને આલમોસ્ટ સવાસો વર્ષથી અડીખમ રહેલી, પણ અંદરથી ખોખલી બની ગયેલી કૉંગ્રેસની ઇમારતની હાલત બાબરી ઢાંચાની કરી હતી એવી કરી નાખે.

ચોક્કસ માર્ગેથી જતો આખો કાફલો બીજાઓની દખલગીરીથી આડોઅવળો ફંટાઈ ન જાય તે માટેની તકેદારીમાંથી એ ડિક્ટેટરશિપ જન્મે છે. યાત્રા શરૂ કરી દીધા પછી પોતાના ટૂંકા સ્વાર્થોથી પ્રેરાઈને સહપ્રવાસીઓ જો અલગ માર્ગે જવાનું વિચારે તો કાફલાની તાકાત તૂટી જાય.

2. મોદી ડિક્ટેટર છે કે સૌને સાથે લઈને ચાલે છે? મોદીનું સિક્રેટ એ છે કે જે કામ કરવાનું હોય તેમાં જે-જે લોકોનો સાથ જોઈતો હોય તે બધાને આરંભમાં સાથે લઈને ચાલવાનું. આરંભમાં. એક વખત દરેકનું કમિટમેન્ટ મળી જાય કે અમે તમારી સાથે છીએ તે પછી ગાડી ડિક્ટેટરશિપના બીજા ગિયરમાં-આદર્શ નેતા આવો જ હોય.

આરંભથી જ તમે તમારા જ આગ્રહો સાચવવાના છો એવી છાપ પડે તો કોઈ તમારો સાથ ન આપે. તમારા વિઝનમાં, ભવિષ્ય માટેની તમારી દ્રષ્ટિમાં જેમને ભરોસો હોય એવા લોકોને તમારી સાથે લેવા માટે બાંધછોડ કરવી જ પડે. પણ એક વખત ટીમ તૈયાર થઈ ગયા પછી જો બાકીના બધા જ સહપ્રવાસીઓને બેક સીટ ડ્રાઇવિંગનો ચસકો લાગ્યો તો ડિઝાસ્ટર નક્કી. મોદીની સરમુખત્યારી એમના સ્વાર્થ માટે નથી. ચોક્કસ માર્ગેથી જતો આખો કાફલો બીજાઓની દખલગીરીથી આડોઅવળો ફંટાઈ ન જાય તે માટેની તકેદારીમાંથી એ ડિક્ટેટરશિપ જન્મે છે. યાત્રા શરૂ કરી દીધા પછી પોતાના ટૂંકા સ્વાર્થોથી પ્રેરાઈને સહપ્રવાસીઓ જો અલગ માર્ગે જવાનું વિચારે તો કાફલાની તાકાત તૂટી જાય.

પર્સનલ ધંધામાં, કુટુંબમાં કે સંસ્થાઓમાં આ પ્રકારની બિનેવલન્ટ ડિક્ટેટરશિપવાળું નેતૃત્વ હોય, ઉદારદિલ સરમુખત્યારી હોય ત્યારે એ ધંધો, પરિવાર કે સંસ્થા કેવી-કેવી ઊંચાઈએ પહોંચે છે તે નથી જોયું તમે? મોદીની આવી જ ડિક્ટેટરશિપ દ્વારા ગુજરાતને વિશ્વ-આખામાં રેકગ્નિશન મળ્યું છે, તો શું ભારતને એનો ફાયદો નહીં થાય?

રાજકારણની રમતનો પાયાનો નિયમ છે કે આ લાંબી રેસમાં કોઈ ઘાયલ થાય, કોઈનો પગ તૂટી જાય તો એની સારવાર માટે રોકાઈ જવાને બદલે કાળજા પર પથ્થર મૂકીને આગળ દોડતા રહેવું, અન્યથા તમારા વિરોધીઓ તમને તમારા લક્ષ્ય સુધી નહીં પહોંચવા દે.

1. ઉપરછલ્લી રીતે કોઈને આ નેગેટિવ ટ્રેઇટ લાગે, માટે ઉતાવળે નિર્ણય નહીં બાંધતા. નરેન્દ્ર મોદીનો સૌથી મોટો સદગુણ એ છે કે એ પોતાને મદદરૂપ થનારા, પોતાને આગળ આવવામાં સહાય કરનારા, પોતાની પડખે રહેનારાઓને પણ વખત આવ્યે પડતા મૂકવામાં સહેજ પણ હિચકિચાટ રાખતા નથી. હા, આ સદગુણ છે. વણજારા, માયાબહેન કોડણાની કે અમિત શાહને જેલમાં જવું પડે છે ત્યારે મોદી પોતાની સત્તા કે પોતાનું પદ દાવ પર લગાડીને એમને બચાવવા રસ્તા પર ઊથરી નથી આવતા. એ વખતે ચોક્કસ એમને દુઃખ થતું હશે, પોતાના માટે ખરાબ ફીલિંગ પણ આવતી હશે, પણ મન મક્કમ કરીને તેઓ ચૂપ રહ્યા છે. સોહરાબુદ્દીનના એકાઉન્ટરના કેસમાં ડી.આઈ.જી. વણજારા સાત વર્ષથી જેલમાં છે અને હજુ બીજા કેસ એમના પર છે. એકેયનો ચુકાદો આવ્યો નથી, જિંદગી આખી જેલમાં જ રહેવું પડે એવી પાકી ગોઠવણ કેન્દ્રની કૉંગ્રેસ સરકારે સી.બી.આઈ. દ્વારા કરાવી છે. માયાબહેન કોડણાનીને મૃત્યુદંડની સજા સંભળાવાઈ ચૂકી છે. અમિત શાહ જામીન પર છૂટી ગયા છે. આ બધાં જ મોદીનાં વિશ્વાસુ સાથીઓ. અમિત શાહમાં તાકાત હતી. એ બહાર નીકળી ગયા. મોદીએ ફરીથી એમને સાથે લઈ લીધા. 16મી મે પછી ગુજરાતના ચીફ મિનિસ્ટરપદે અમિતભાઈને નહીં મોકલવામાં આવે (આનંદીબહેન પટેલને મૂકવામાં આવશે) તો અમિતભાઈ મોદીના નિકટતમ વિશ્વાસુ તરીકે પી.એમ. ઑફિસ સંભાળશે.

રાજકારણની રમતનો પાયાનો નિયમ છે કે આ લાંબી રેસમાં કોઈ ઘાયલ થાય, કોઈનો પગ તૂટી જાય તો એની સારવાર માટે રોકાઈ જવાને બદલે કાળજા પર પથ્થર મૂકીને આગળ દોડતા રહેવું, અન્યથા તમારા વિરોધીઓ તમને તમારા લક્ષ્ય સુધી નહીં પહોંચવા દે. જે સાથીની પબ્લિક ઇમેજ ખરડાઈ જાય, જે પોતાની તાકાત દેખાડવામાં ઊણો ઊતરે તેને તમે હૉટ પોટેટોની જેમ તમારી હથેળીમાંથી પડતો મૂકો તો જ તમારા લક્ષ્ય સુધી પહોંચી શકો, અન્યથા એ બધા તો ડૂબશે, તમને સાથે લઈને ડૂબશે. સમર્થ સાથીઓને સાથે રાખવા અને અસમર્થને પડતા મૂકવા, તો જ તમારી તાકાત વધે- એ વાત નરેન્દ્ર મોદી પાસેથી શીખવાની.

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે એ પછી દેશનું અર્થકારણ બદલાશે, રાજકારણ બદલાશે, સામાજાકિ વ્યવસ્થા સુધરશે. કરશે એ તો, પણ તમને ભાગ્યે જ એવા દેશનેતા મળતા હોય છે જે તમારા અંગત જીવનમાં તમને આગળ વધવાની પ્રેરણા આપે. ભારતનું સદભાગ્ય છે કે આપણી પ્રજાને જાહેર જીવનની એવી વ્યક્તિઓ મળતી રહી છે. સ્વામી વિવેકાનંદ, વીર સાવરકર, ગાંધીજી, સરદાર પટેલ, જયપ્રકાશ નારાયણ અને હવે નરેન્દ્ર મોદી. માર્ક કર્યું તમે? આ છમાંના ત્રણ તો ગુજરાતીઓ છે.

( આ લેખ 28-29 એપ્રિલ 2014ના ‘મુંબઈ સમાચાર ‘માં બે હપ્તે પ્રગટ થયો.)

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

8 COMMENTS

  1. Modiji—- ” NA BHUTO NA BHAVISHYATI”
    Modiji—- ” TUM JIYO HAJARON SAAL SALKE DIN HON PACHAS HAJAR” 17th September 2023
    Saurabhji—-“TAMARI DIRGHA DRUSHTI SACHOT SABIT THAI” DHANYAVAD

  2. એકદમ સચોટ અને તથ્ય પર આધારિત વિશ્લેષણ.
    સાવરકર ને સ્વામી વિવેકાનંદ, ગાંધીજી અને સરદાર ની સમાંતર ગણ્યા એનું આશ્ચર્ય થયું.

  3. મોદીજી વિષે નુ પૃથક્કરણ અદભૂત અને પ્રેરણારૂપ 👍

  4. આપની પોલિટિકલ અનાલિસિસ એકદમ સટિક હોય છે અને આ અનુભવ વખતોવખત થતો રહ્યો છે…અને નરેન્દ્ર મોદીજી વિશે તો આપ ડોક્ટરેટ લેવલ નું જ્ઞાન ધરાવો છો..ખુબ સરસ..

  5. Really Modi માટે ગર્વ થાય એવું લખાણ વાંચીને આપણે ગુજરાતી હોવા નો ગર્વ તેમજ ગુજરાત ના સપૂતો માટે માન વધે તેવું છે. જે લોકો ગુજરાતી ને શું શા પૈસા ચાર સમઝી below dignity વાત કરતાં હતા તેમના ગાલ પર નો તમાચો છે.
    જો આ આર્ટિકલ ગુજરાતી સિવાય બીજી ભાષા માં નેશનલ લિવેલ પર પ્રકાશિત કરવામાં આવે તો બીજા દરેક રાજ્ય ના પ્રમાણિત નાગરિકો દેશ માટે મોદી ને સહકાર આપવા જરૂર આગળ આવે.
    સૌ પ્રથમ દેશ, પછી મારો ધર્મ એ ભાવ જાગશે તો દેશ દુનિયા નો ગુરુ બનશે એવી ચોક્ક્સ આશા છે.
    આવા માહિતી સભર લેખ માટે સૌરભ શાહ ને ખુબ ખુબ ધન્યવાદ.
    વિજય ખત્રી,/, મોટેરા/ અમદાવાદઃ

  6. એકદમ સચોટ ભવિષ્યવાણી જેવો લેખ લખાયો છે.
    અને ખરેખર એકદમ સાચી વાત કે આજકાલ જે આ motivational Speakers અને motivational courses નો જે ફુગાવો થયો છે, એના કરતા અનેક ગણું motivation આપણને મોદીજી ના જીવન માંથી મળી રહે એમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here