( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 11 સપ્ટેમ્બર 2024)
દરેક વ્યક્તિ પાસે દુનિયાને જોવાની પોતાની દૃષ્ટિ હોય છે. આ આગવી દૃષ્ટિને કારણે એને એના પોતાના ગમા-અણગમા હોય છે, અભિપ્રાયો હોય છે. આ અભિપ્રાયો એના પૂર્વગ્રહો છે એવું ઠસાવી દેવા લોકો આતુર હોય છે. લોકો તમને ‘પૂર્વગ્રહ-મુક્ત’ કરવાને બહાને તમારી પાસેથી તમારો આગવો મત છિનવી લેવા માગે છે, કશાકને જોવાની તમારી આગવી દૃષ્ટિ લઈ લેવા માગે છે.
સમજાતું નથી કે પૂર્વગ્રહ શબ્દને આટલો બધો શા માટે વગોવી નાખવામાં આવ્યો છે. તમને કોઈ વ્યક્તિ ન ગમતી હોય તો નથી ગમતી એમાં બીજાને શું કામ કંઈ ખટકવું જોઈએ? તમને અમુક પ્રકારની ફિલ્મો, અમુક પ્રકારની રસોઈ, અમુક પ્રકારનું સંગીત, અમુક પ્રકારનાં પુસ્તકો, અમુક પ્રકારના વિચારો, અમુક પ્રકારનું વર્તન, અમુક પ્રકારનું વાતાવરણ નથી ગમતું તો નથી ગમતું. ન ગમવા પાછળનાં કશાંક કારણો હશે અને એક પણ કારણ ન હોય તોય શું થઈ ગયું? જેમ કશુંક વગર કારણે ગમી શકે છે એમ કશાક માટે કારણ વગર અણગમો પણ હોઈ શકે ને.
મને જે લોકો કોઈ નવી વાનગી ખવડાવવા માટે ખૂબ આગ્રહ કરે ને કહે કે, ‘એક વખત તમે ખાઈ તો જુઓ, ન ભાવે તો નહીં ખાતા’ એવું કહે એમને ચીનના પ્રવાસે સાથે લઈ જવાનું ખૂબ મન થાય છે. ત્યાં એમને તળેલા તીતીઘોડા ધરીને એમનું જ વાક્ય સંભળાવવાની તીવ્ર ઈચ્છા છે: એક વખત ખાઈ તો જુઓ, ન ભાવે તો નહીં ખાતા.
મારા રાજકારણ અને કરન્ટ ટૉપિક વિશેના લેખો વાંચીને એક વડીલ હંમેશા કહ્યા કરે કે, ‘ તું બહુ બાયસ્ડ લખે છે. તારાં લખાણોમાં ભારોભા પૂર્વગ્રહ છલકતો હોય છે.’ હું એમની સામે કોઈ દલીલ કરતો નહીં. એક દિવસ એમનો ફોન આવ્યો અને એમણે કહ્યું, ‘ આજનો તારો લેખ એકદમ તટસ્થ છે. ક્યાંય તારો બાયસ દેખાતો નથી.’ એમની વાત સાંભળીને મેં કહ્યું, ‘મારો આજનો લેખ પણ અગાઉના લેખો જેટલો જ બાયસ્ડ છે, ભારોભાર પૂર્વગ્રહયુક્ત જ છે પણ આજે તમારો પૂર્વગ્રહ અને મારો પૂર્વગ્રહ એકબીજા સાથે મૅચ થાય છે એટલે લેખ તમને તટસ્થ લાગ્યો.’
કોઈ પણ બાબતે તમે તમારો અણગમો પ્રદર્શિત કરો છો ત્યારે તમારા વિચારો સાથે અસહમત થનારાઓ તમને પૂર્વગ્રહયુક્ત કે બાયસ્ડ કે પ્રેજ્યુડિસ્ડ કહીને ઉતારી પાડશે. તમારો વાંક એટલો જ કે તમારા વિચારો એમનાથી અલગ છે. તમે પણ એમના જેવા જ અણગમાઓ ધરાવતા હોત તો એમને તમે પૂર્વગ્રહયુક્ત ન લાગત. તમારા પૂર્વગ્રહ સાથે એમના પૂર્વગ્રહો મૅચ થાય ત્યારે એમને તમારા વિચારો સ્વસ્થ, તટસ્થ અને બૅલેન્સ્ડ લાગતા હોય છે.
કોઈ પણ વ્યક્તિ પૂર્વગ્રહમુક્ત હોઈ શકે જ નહીં. માણસ પોતાના અનુભવો અને ઉછેરના વાતાવરણને કારણે પોતાના અભિપ્રાયો ઘડે છે, પોતાનો મત બાંધે છે, એક દૃષ્ટિ કેળવે છે જે એની પોતાની છે. પૂર્વગ્રહથી મુક્ત હોવું એટલે દૃષ્ટિ વિનાના હોવું. તમારી પાસેનું આગવાપણું કે તમારી મૌલિકતા તમારે ખોઈ દેવાં હોય તો જ તમારે પૂર્વગ્રહમુક્ત થવાનું સાહસ કરવું. ઘણા લોકોને તમારી આ જ યુનિકનેસ, તમારી વિશિષ્ટતા, તમારી અનોખાઈ કઠતી હોય છે. તમે પણ એમના જેવા કેમ નથી એ એમને કઠે છે. તમે શા માટે એમનાથી જુદા પડો છો એવો એમનો પ્રશ્ર્ન છે. તમે એમના જેવા નથી એમાં તમારો વાંક છે એવું તેઓ માને છે. વાસ્તવમાં તો તમે એમના જેવા નથી એનો તમારે જશ લેવો જોઈએ. તમારા વિચારો એમના વિચારો કરતાં જુદા છે એ તમારો ગુનો બની જાય છે. તેઓ સતત તમારામાં હીણપતની લાગણી ઊભી કરતા રહેવાના અને કહેવાના કે સમાજમાં રહેવું હશે તો સમાજના નિયમો મુજબ રહેવું પડશે.
કોણે ઘડ્યા આ નિયમો? સમાજે. અને આ સમાજ એટલે કોણ? વ્યક્તિઓનો સમૂહ. તો વ્યક્તિઓએ જ ઘડ્યા ને આ નિયમો? હું પણ એક વ્યક્તિ છું અને જાહેર કરું છું કે અત્યાર સુધીની વ્યક્તિઓએ તૈયાર કરેલા નિયમોમાં હું થોડાક મારા પોતાના નિયમો ઉમેરવા માગું છું. મને આવું કરવાનો હક્ક છે કારણ કે હું આ સમાજનું એક અંગ છું. મેં મારા નિપજાવેલા નિયમોને સમાજના નિયમોમાં જોડી દીધા પછી કોઈનેય હક્ક રહેતો નથી કે તમને જે નિયમો અનુકૂળ છે તે પ્રમાણે વિચારવાની/વર્તવાની તમે મને ફરજ પાડો. મને જેમાં શ્રદ્ધા છે તે વિચારો મુજબ જીવવાની હું તમને ફરજ પાડું છું? ના. તો પછી તમે મને કેવી રીતે એવી ફરજ પાડી શકો? મારા વિચારો સાથે તમારા વિચારોનો મેળ ખાતો નથી ત્યારે હું કંઈ તમને તમે પૂર્વગ્રહયુક્ત છો કે બાયસ્ડ છો એમ કહીને ઉતારી પાડતો નથી તો તમને એવો હક્ક કોણે આપ્યો?
જેમ મત રાખવો, દૃઢ મત રાખવો એમાં કંઈ ખોટું નથી એમ મત બદલવામાં પણ કંઈ ખોટું નથી કારણ કે મહત્ત્વ મત બદલાય છે એનું નથી હોતું, ક્યાં કારણોસર બદલાય છે એનું હોય છે. તમે તકસાધુ છો કે નહીં કે પછી તમે પાટલીબદલુ છો કે નહીં કે ડબલ ઢોલકી છો કે નહીં કે તળિયા વિનાના લોટા છો કે નહીં એનો આધાર તમે તમારો મત ફેરવ્યો છે કે નથી ફેરવ્યો તે હકીકત પર નથી, તમે શા માટે મત પરિવર્તન કર્યું છે તેના પર એનો આધાર છે. નવી માહિતી પ્રાપ્ત થતાં, જુદી આંતરદૃષ્ટિ મળતાં, તમારી મૅચ્યોરિટી વધતાં કે પછી તમારો દૃષ્ટિકોણ બદલાતાં મત બદલાય એ સ્વાભાવિક છે એટલું જ નહીં એ જરૂરી પણ છે. અંદરની સમજ બદલાયા પછી તમે બહારથી તમારા જૂના મતને વળગી રહો એ જરૂરી નથી. મત બદલીશું ત્યારે લોકો કહેવાના કે અત્યારે ભલે આમ કહો છો, પણ ગઈકાલે તો તેમ કહેતા હતા – બે મોઢાના છો તમે – એવા ભયથી મત ન બદલવાનું માંડી વાળવું ખોટું.
આપણો મત આપણા વ્યક્તિત્વનો એક અભિન્ન અંશ છે. આવા ઘણા બધા મત વ્યક્તિત્વને ઘડે છે. હું શું કરીશ અને શું નહીં કરું એની મક્કમતા આવા ઘડાયેલા મતને કારણે આવે છે. મારી માન્યતા, મારું કન્વિક્શન મારામાં દૃઢતા લાવે છે. મારા આગ્રહો મને કામ કરવા પ્રેરે છે. કોઈના કહેવાથી હું મારી માન્યતાઓને મોળી પાડી દઉં છું કે મારા આગ્રહો છોડી દઉં છું ત્યારે હું મારી જ આંશિક હત્યા કરી બેસું છું. વળગણો છે તો ધગશ છે. ચોક્કસ પ્રકારના આગ્રહો છે તો જીવનનો એક નિશ્ર્ચિત આકાર છે. અમીબાના બદલાતા જતા આકાર જેવી જિંદગી કે ગંગા ગયે ગંગાદાસ ને જમના ગયે જમનાદાસ જેવી જિંદગી શું કામની. તમને મંજૂર નથી તો નથી, પણ એને કારણે હું શા માટે મારા વિચારો જતા કરું, એ વિચારોમાંથી જન્મતા પ્રયત્નોને જતા કરું, એ પ્રયત્નોમાંથી મળનારી સિદ્ધિને જતી કરું.
સાયલન્સ પ્લીઝ
સફળતાનું માપ વ્યક્તિ એની જિંદગીમાં ક્યાં સુધી પહોંચે છે તેના પરથી નથી નીકળતું; ત્યાં સુધી પહોંચવામાં એણે કયાં કયાં વિઘ્નોનો સામનો કર્યો છે એના પરથી નીકળે છે.
– બૂકર ટી. વૉશિંગ્ટન (૧૮૫૬-૧૯૧૫, લેખક, શિક્ષણશાસ્ત્રી અને આફ્રિકન-અમેરિકન સિવિલ રાઈટ્સના લીડર)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો