( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 22 ડિસેમ્બર 2024)
ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના જમાનામાં આપણું ધ્યાન ચારે તરફ વિખેરાઈ જાય છે. અહીનું-ત્યાંનું બધું જ ગાર્બેજ આપણા મનમાં ઠલવાતું રહે છે. આને કારણે આપણું ફોકસ વારંવાર બદલાઈ જાય છે. ઘડીભર અહીં તો ઘડીભર ત્યાં ધ્યાન ભટકતું રહે છે. અર્જુનને દ્રોણાચાર્યના આશ્રમમાં ધર્નુવિદ્યા શીખતાં શીખતાં માત્ર પંખીની આંખ દેખાતી હતી—ન પાંદડાં, ન ઝાડ, ન આકાશ. અને એટલે જ અર્જુન પોતાના ગાંડીવ ધનુષ્યનો ફુલ ઉપયોગ કરી શક્યો.
એક જમાનાના વિખ્યાત તબલાંવાદક ઉસ્તાદ અલારખાના ત્રણ પુત્રો ઝાકિર હુસૈન અને એના બે નાના ભાઈઓ ફૈઝલ તથા તૌફિક. સમર્થ પિતાના આ ત્રણેય પુત્રોને પિતાએ તાલીમ આપી. ત્રણેય તબલાંવાદનમાં પારંગત થયા. ઝાકિર હુસૈને ભારતમાં જ નહીં, દુનિયાભરમાં પિતા પાસેથી મળેલી વિદ્યાને ઉજાળી.
તબલાંવાદનની તાલીમ તો એમને નાનપણથી જ પ્રાપ્ત થઈ હતી, એમાં અર્જુન જેવું ફોકસ ઉમેરાયું જેના પ્રતાપે ઉસ્તાદ ઝાકિર હુસૈન ભારતીય શાસ્ત્રીય સંગીતના એક ઇન્ટરનૅશનલ ઍમ્બેસેડર બની ગયા.
કોઈ પૂછે કે 73 વર્ષની ઉંમરે ભરપૂર પ્રવૃત્તિમય જીવન ગાળી રહેલા ઉસ્તાદ ઝાકિર હુસૈનના અવસાનના સમાચાર જાણીને તમારા ફર્સ્ટ રિએક્શન શું હતા? તો હું કહીશ કે એમનું આખુંય જીવન માત્ર એક જ વાત પર ફોકસ્ડ હતું— તબલાં. ફિલ્મોમાં ક્યારેક સંગીત આપ્યું પણ એમણે એ તરફ ઝાઝું ધ્યાન આપ્યું નહીં જે સારું કર્યું. પાંચ દાયકાથી અમેરિકા રહેતા હતા. હૉલિવુડમાંથી ઑફરો આવે એ માટે એજન્ટો રાખીને એ દિશામાં આગળ વધી શક્યા હોત. પણ એક ઇન્ટરવ્યુમાં એમણે કહ્યું હતું કે : સામેથી કોઈએ કહ્યું હોય તો મેં ક્યારેક એની ઓફર સ્વીકારી છે, બાકી હૉલિવુડના પ્રોડ્યુસરોનો સંપર્ક કરવા મેં ક્યારેય એજન્ટ રાખ્યા નથી.
તબલાંવાદક તરીકેની ખ્યાતિ એમને યુવાનીમાં જ પ્રાપ્ત થઈ. ખ્યાતનામ થયા તે પહેલાં એમણે ઓ. પી. નૈયર અને રોશન જેવા તેજસ્વી સંગીતકારોના રેકૉર્ડિંગમાં તબલાંવાદન કર્યું પણ હિંદી ફિલ્મ લાઈનથી તેઓ આકર્ષાયા નહીં. જીવન આખું તબલાંવાદનને સમર્પી દીધું. માત્ર તબલાંવાદન સાંભળવા કોઈ આવે નહીં. કોઈપણ મોટામાં મોટો વાદક પણ એવી કૉન્સર્ટ કરવાની હિંમત કરે નહીં. ઝાકિર હુસૈનના પિતાએ સિતારવાદક પંડિત રવિશંકર સાથે તબલાંવાદન કર્યું, એ જમાનામાં સૌથી જાણીતા વાંસળીવાદક પન્નાલાલ ઘોષ સાથે પણ ક્યારેક સંગત કરી. ઝાકિર હુસૈને પણ સંતુરવાદક શિવકુમાર શર્માની સાથેની જુગલબંધી સેંકડો કૉન્સટર્સ કરી. પણ માત્ર ઝાકિર હુસૈનના તબલાંવાદનની કૉન્સટર્સ પણ થતી. એમની સંગત કરવા માટે એમણે જ ટ્રેઈન કરેલા અન્ય તબલાંવાદકો રહેતા. આ એક ઘણી મોટી સિદ્ધિ કહેવાય.
ઝાકિર હુસૈનને પંડિત શિવકુમાર શર્માસાથે તો ઘણીવાર સાંભળવાનો લહાવો લીધો છે. એમનો સોલો શો પણ મુંબઈના તાતા-એનસીપીએના ઑડિટોરિયમમાં માણ્યો છે. એક વખત એમને શ્રોતા તરીકે જોયા હતા. જુહુના પૃથ્વી થિયેટરમાં મકરંદ દેશપાંડેના એકપાત્રી નાટક ‘પત્ની’નો શો હતો. એ નાટકમાં લાઈવ સંગીત વિખ્યાન ઝિટાર (ગિટાર અને સિતારની ખૂબીઓ ધરાવતું વાદ્ય) વાદક નિલાદ્રિ કુમાર આપી રહ્યા હતા. અભિનેતા અને વાદકની આ જુગલબંધી હતી. આ શોમાં ઝાકિર હુસૈન એક નૉર્મલ શ્રોતાની જેમ ઑડિયન્સમાં ઓગળી ગયા હતા.
આમેય ઝાકિર હુસૈન બહુ જ નમ્ર વ્યક્તિત્વ ધરાવતા હતા. ખરા ભારતીય હતા. ખરા કલાકાર હતા. સરસ્વતીપૂજક હતા. ગણેશપૂજક હતા. પોતાની આ આસ્થા વિશે પ્રગટપણે બીજાઓ સમક્ષ કહેતા પણ ખરા. અમેરિકામાં ગુરુકુળ જેવી તાલીમ સંસ્થા શરૂ કરીને દેશવિદેશના હજારો વિદ્યાર્થીઓને તબલાંવાદનમાં પ્રવીણ બનાવ્યા.
પિતાનો વારસો ઘણા નસીબદારોને મળતો હોય છે. પૈસાનો, કળાનો, સામાજિક મોભાનો, સત્તાનો, સંસ્કારનો. પણ સૌ કોઈ આ વારસાને પોતાના જીવનમાં ઠરીઠામ કરી નથી શકતા. દરેકને જુદાં જુદાં કારણો હોવાનાં. જૂના જમાનાના અનેક ઉદ્યોગપતિઓના વારસદારો અત્યારે ખોવાઈ ગયા છે. સાથોસાથ એ પણ ખરું કે અનેક વારસદારોએ પૂર્વજોનું નામ વધારે તેજોમય કર્યું છે. કળાના જગતમાં પણ આ વાત એટલી જ સાચી છે. પિતા પોતાની કળામાં પારંગત હોય. નાનપણથી જ એ પિતા દ્વારા તમને તાલીમ મળી હોય. પિતાને કારણે ઝાઝી સ્ટ્રગલ વિના કળા જગતમાં તમને પ્રવેશ મળી ગયો હોય. બે ટંકની રોટીની કે મકાનની ચિંતા ન હોય. આમ છતાં અમુક પુત્રો આ આશીર્વાદોને જસ્ટિફાય નથી કરી શકતા તો અમુક લોકો આ આશિષને અનેકગણા બનાવી શકતા હોય છે. ઝાકિર હુસૈન આ અનેકગણાવાળામાંના એક હતા. અને એનું એક મોટું કારણ, મારા હિસાબે હતું એમની અર્જુનદૃષ્ટિ, એમનું ફોકસ.
પિતા અલારખાને કારણે તેઓ મોટા બાપના બેટા તરીકેના તમામ પ્રીવિલેજીસ પામ્યા. ઉસ્તાદ અલારખા ફિલ્મસંગીત સાથે પણ જોડાયેલા એટલે ઝાકિર હુસૈનને પણ નાનપણથી ગ્લેમર વર્લ્ડનો પરિચય થયો. ભારતરત્ન પંડિત રવિશંકર અને એમની જ કક્ષાના અન્ય મહાન સંગીતકારો સાથે પિતાને કારણે ઘરોબો કેળવાયો. ઝાકિર હુસૈન પાછા સોહામણા પણ ખરા. આ બધાને કારણે તેઓ કિશોરાવસ્થામાં જ બીજે ફંટાઈ જઈ શક્યા હોત. પોતાને મળેલા વારસાને વેડફી નાખવાનાં અનેક પ્રલોભનો જીવનમાં ટીનએજ દરમ્યાન જ એમની સામે આવી ગયાં હતાં.
આમ છતાં એમણે ઢાળ જોઈને દોડવાને બદલે સીધાં ચઢાણની પસંદગી કરી. ટીન એજમાં જ એમનું ફોકસ નક્કી થઈ ગયું – મોજમજાઓ પછી, તબલાંવાદન પહેલાં.
કોઈ વ્યક્તિ ટીનએજમાં બસ ચૂકી જાય તો એના માટે કોઈપણ ઉંમરે જાગ્યા ત્યારથી સવાર હોઈ શકે છે. પણ અર્લીઅર ધ બેટર.
જીવનમાં બહુ બધાં કામ એક સાથે કરવા જઈએ ત્યારે વિખેરાઈ જવાય છે. ગુલઝાર કવિતા પણ લખતા અને સિતાર પણ વગાડતા. એ જમાનામાં મીના કુમારીએ એમને સલાહ આપી હતી કે બેમાંથી એકને જ પસંદ કરો. ગુલઝારે કવિતા પસંદ કરી. પંડિત શિવકુમાર શર્મા ઘણા સારા તબલાંવાદક પણ હતા. પણ એમણે માત્ર સંતુર પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. સામાન્ય લોકોને બહુ હોંશ હોય છે એવું કહેવાની કે હું તો આમાં પણ એક્સપર્ટ અને તેમાં પણ એક્સપર્ટ; મને આ પણ આવડે અને તે પણ આવડે. અને એટલે જ આપણે ગુલઝાર, શિવકુમાર શર્મા કે ઝાકિર હુસૈન બની શકતા નથી.
જૅક ઓફ ઓલ ટ્રેડ્સ કે સબ બંદર કા વેપારી કે હરફનમૌલા કે ઓલ રાઉન્ડર હોવું એ કોઈ ગુણ નથી, અભિશાપ છે. (ક્રિકેટમાં તમે ‘ઑલ રાઉન્ડર’ હો તે આખી જુદી વાત છે. કોઈ મહાન ક્રિકેટર તમને એવું કહેતો જોવા નહીં મળે કે હું વૉલીબોલમાં પણ ચેમ્પિયન છું અને ફૂટબોલમાં પણ એક્સપર્ટ છું અને ચેસમાં પણ નંબર વન છું).
જીવનમાં કંઈક કરવું હશે, કંઈક બનવું હશે તો અર્જુનદૃષ્ટિ જોઈશે, ફોકસ્ડ લાઈફ હોવી જોઈશે. સોશ્યલ મીડિયામાં રાતદિવસ ઉછળકૂદ કરનારાઓને કદાચ આ વાત નહીં સમજાય.
ધ્યાન અને એકાગ્રતા આપણી ભારતીય સંસ્કૃતિની દેણ છે. આપણો વારસો છે એ. કોઈની દેખાદેખીથી આ વારસાને ત્યજી દેવાની ભૂલ નહીં કરવાની. પશ્ર્ચિમમાં પણ જે જે લોકોએ મોટી અચીવમેન્ટ પ્રાપ્ત કરી છે તે ધ્યાનથી, એકાગ્રતાથી. અને ધ્યાન એટલે પલાંઠી મારીને આસન પર બેસી આંખ બંધ કરી લેવાની ક્રિયા નહીં. ધ્યાન એટલે જીવનમાં જે કામ કરવાનું નક્કી કર્યું છે તેમાં પૂરેપૂરા ખૂંપીને, પૂરેપૂરા એકાગ્ર થઈને એ જ દિશામાં કામ કરવું. રોજરોજ. તો જ મેદાન, આકાશ, વૃક્ષ, ડાળીઓ, પાંદડાંને બદલે માત્ર પંખીની આંખ દેખાશે. અને તો જ તમે જ્યારે સો વર્ષ પૂરાં કરીને ભગવાનને મળવા જશો ત્યારે છાપાંમાં તમારા વિશે આવા લેખો લખાશે.
ઉસ્તાદ ઝાકિર હુસૈનને સજળ આંખે, ભારે હૃદયે શ્રદ્ધાંજલિ.
પાન બનારસવાલા
મોટા માણસ બનવું હોય તો ઈગો પણ મોટો જોઈએ.
-ઉસ્તાદ ઝાકિર હુસૈન
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
Excellent & Very Nice…