તટસ્થતા ન્યુઝમાં હોય, વ્યુઝમાં નહીં અને પાંચ તબક્કામાં મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા રહ્યા : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવ: રવિવાર, જેઠ વદ દસમ, વિક્રમ સંવત ૨૦૭૭. ૪ જુલાઈ ૨૦૨૧)

પત્રકારત્વમાં બે જડબેસલાક કમ્પાર્ટમેન્ટ્સ છેઃ ન્યુઝ અને વ્યુઝ.

પત્રકારત્વનું એક સુવર્ણસૂત્ર છેઃ ફૅક્ટ્સ આર સેક્રેડ ઍન્ડ કમેન્ટ ઇઝ ફ્રી. બ્રિટનના ‘માન્ચેસ્ટર ગાર્ડિયન’ના તંત્રી (અને પછીથી માલિક બનેલા) ચાર્લ્સ પ્રેસ્ટવિચ સ્કૉટના ગઈ સદીથી જગમશહૂર થયેલા આ વાક્યમાં ફ્રીનો મતલબ મફત નહીં પણ મુક્ત.

નિષ્પક્ષતા, તટસ્થતા, નિરપેક્ષતા આ બધું જ ન્યુઝ આપતી વખતે અનિવાર્ય છે. એમાં એક-અડધા ટકા જેટલી પણ ગોબાચારી ન ચાલે.

પોલીસ તપાસની જેમ પત્રકારત્વમાં પણ ફૅક્ટ્સનું કે ન્યુઝનું રિપોર્ટિંગ કરતી વખતે પાંચ W અને એક Hનું મહત્વ છે એવું પત્રકારત્વમાં પા પા પગલી ભરતી દરેક વ્યક્તિને પહેલા જ દિવસથી શીખવાડવામાં આવે છે. Who, What, When, Where, Why અને Howનો સંતોષકારક જવાબ જેમાં મળે એવો ન્યુઝ રિપોર્ટ વાચકોને આપવાનો હોય—આ ક્લાસિક સિદ્ધાંતને ક્યારેય કાટ લાગે એમ નથી. શું બન્યું, ક્યાં અને ક્યારે બન્યું, એમાં કોણ કોણ ઇન્વોલ્વ્ડ છે, શું કામ અને કેવી રીતે બન્યું- આ બધા સવાલોના જવાબ મેળવતી વખતે ન્યુઝ રિપોર્ટરે અફવાથી દૂર રહીને, ડેડલાઇન તથા ન્યુઝરૂમના પ્રેશરને સહન કરીને, કોણ શું કહેશે એવા વિચારથી અળગા રહીને, સત્યનું અને સંપૂર્ણ સત્યનું અને સત્ય સિવાય બીજા કશાનું જ નહીં એવું રિપોર્ટિંગ કરવાનું હોય છે. એણે કોઈ હકીકત છુપાવવાની નથી. અર્ધસત્ય પણ અસત્યનો રૂપાળો પ્રકાર છે એ યાદ રાખવાનું છે. એણે ગેસવર્ક કરવાનું નથી, પતંગ ચગાવવાના નથી. માહિતી અધકચરી હોય તો એમાં પોતાની કલ્પના ઉમેરવાની નથી. જે હકીકતો સામે આવે છે તેને કોઈપણ રંગમાં ઝબોળ્યા વિના વાચકો-દર્શકો-શ્રોતાઓ સમક્ષ મૂકવાની છે. પર્સનલ ગમા-અણગમા દૂર રાખવાના છે, કોઈ બાજુએ ઝૂકી જવાનું નથી. આતંકવાદીઓને ઠાર મારતા જવાનોનું રિપોર્ટિંગ કરતી વખતે પણ રિપોર્ટરે માત્ર હકીકતોનું બયાન કરવાનું હોય, રિપોર્ટિંગમાં પોતાનો દેશપ્રેમ ઉછાળવાનો ન હોય. તમારી ગમતી સિલેબ્રિટી મૃત્યુ પામે ત્યારે એનાં ગુણગાન ગાવાં નથી બેસવાનું પણ આ ઘટના સાથે સંકળાયેલા પાંચ W અને એક Hને વફાદારીપૂર્વક વળગી રહીને રિપોર્ટિંગ કરવાનું હોય છે.

આ થઈ ન્યુઝની વાત. વ્યુઝની વાત જુદી છે. વ્યુઝ આપવાની જેમની જવાબદારી છે એણે આ ઘટનાનું વિશ્લેષણ કરતી વખતે પોતાનાં કે પોતાના વર્તમાનપત્રનાં, પોતાની ચેનલનાં મંતવ્યો પ્રગટ કરવાનાં હોય છે. આ પર્ટિક્યુલર ઘટનાનું બૅકગ્રાઉન્ડ આપીને, આ ઘટનાને લીધે ભવિષ્ય પર પડનારી અસરો વિશે ધારણા પ્રગટ કરીને વ્યુઝ આપનારે કહેવાનું હોય છે કે આ ઘટના વિશે એ પોતે (કે એનું પેપર/ચેનલ) શું માને છે. એણે બેધડક બનીને આ કહેવાનું હોય છે. એવું કરતી વખતે દૂધ-દહીં બેઉમાં પગ રાખવાનો નથી. ‘સત્ય તો આ બે અંતિમ વચ્ચે છે’ એવું કહીને વાચકો છાપાને કે ચેનલને ‘નિષ્પક્ષ’, ‘તટસ્થ’ કે ‘નિરપેક્ષ’ માને એવી ચાલબાજી કરવાની નથી. વ્યુઝ આપતી વખતે વિશ્લેષકે પોતાની જાત સાથેની સચ્ચાઈ જાળવીને પોતાને જે સાચું લાગે છે, જે સારું લાગે છે તેનો પક્ષ લેવાનો હોય, નિષ્પક્ષ ન રહેવાનું હોય, તટ પર ઊભા રહીને—તટસ્થ રહીને, તમાશો ન જોવાનો હોય. આ વાત હું વર્ષોથી કહેતો આવ્યો છું. આટલાં વર્ષો પછી મારી આ વાતને સર્વસ્વીકૃતિ મળી રહી છે. મને આનંદ થયો હતો જ્યારે છએક મહિના પહેલાં અર્નબ ગોસ્વામીએ ખુલ્લેઆમ એમની ‘રિપબ્લિક’ ચેનલ પર કહેવાનું શરૂ કર્યું કે : ‘ હું નિષ્પક્ષ નથી, મારી દ્રષ્ટિએ જે સાચું છે તેનો પક્ષ લેવાની મારી ફરજ છે.’ અર્નબ ગોસ્વામી પછી સામેના છેડાવાળા પણ આ જ રાગ આલાપવા માંડ્યા છે. સેક્યુલર પત્રકારો જેમની પૂજા કરતા ફરે છે તે શેખર ગુપ્તાની ‘ધ પ્રિન્ટ ‘ ડિજિટલ ચેનલના સંદર્ભમાં એમણે કહ્યું કે: ‘પત્રકારે તટસ્થ રહેવાને બદલે જે સાચું લાગે છે એનો પક્ષ લેવો જોઈએ.’

ખાટલે મોટી ખોડ એ છે કે ન્યુઝ આપવાની જેમની જવાબદારી છે તેઓ ‘હમઉ એનેલિસિસ કરેંગે’ કહીને સમાચારમાં પોતાના વ્યુઝની ભેળસેળ કરીને વાચકોને-દર્શકોને છેતરતા થઈ ગયા છે. અને આ બાજુ વ્યુઝવાળા કાં તો સમજના અભાવે, પૂરતા અનુભવના અભાવે અથવા તો પછી સૌને ખુશ કરીને મોટાભા બનવાના ઈરાદે ‘નિષ્પક્ષ’ તથા ‘તટસ્થ’ દેખાવા એક પગ દૂધના તપેલામાં અને બીજો પગ દહીંના તપેલામાં રાખીને લખતા-બોલતા થઈ ગયા છે જેને કારણે વાચકો-દર્શકો માટે દૂધ અને દહીં બેઉ નિરૂપયોગી બની જાય છે.

પત્રકારત્વમાં ન્યુઝ અને વ્યુઝની ભેળસેળ બાબતે ચાલતી ગોબાચારી વ્યાપક છે. ગુજરાતી જ નહીં અંગ્રેજી, હિન્દી અને મરાઠીમાં પણ ભરપૂર જોવા મળે છે. અન્ય ભારતીય ભાષાઓમાં પણ હોવાની. જગતના અન્ય દેશોના પત્રકારત્વમાં પણ વત્તેઓછે અંશે છે જ. ન્યુઝ અને વ્યુઝની ભેળસેળને કારણે વિશ્વસનીયતાનો ઘણો ગંભીર અને વિકરાળ પ્રશ્ન ઊભો થાય છે. અને આ પ્રશ્ન આજના ભારતમાં રાજાની કુંવરીની જેમ દિવસે ન વધે એટલો રાત્રે ટીવીની ન્યુઝ ચેનલો પર ને રાત્રે ન વધે એટલો દિવસે છાપાના ફ્રન્ટપેજ પર વધતો જાય છે.

જવાહરલાલ નેહરુ અને એમની કોન્ગ્રેસને કારણે પ્રચલિત થયેલા સેક્યુલરિઝમને કારણે પત્રકારત્વમાં વિશ્વસનીયતાનો ગંભીર પ્રશ્ન ઊભો થયો. જોકે, મિડિયાની ક્રેડિબિલિટી પરના મસમોટા પ્રશ્નાર્થો માત્ર સેક્યુલરિઝમને કારણે જ નથી સર્જાયા. બીજા ઘણા મુદ્દાઓએ પ્રેસને પ્રેસ્ટિટ્યુટનું બિરુદ આપવામાં ફાળો આપ્યો છે. એક આખું સ્વતંત્ર પુસ્તક આ વિષય પર લખી શકાય એવા આ વિશાળ ફલક ધરાવતા વિષયને આ એક દીર્ઘલેખમાં શક્ય એટલા ખૂણાથી તપાસીને સંતોષ લઈએ.

* * *
સેક્યુલરો માને છે અને બીજાઓને મનાવવા માગે છે કે 2002 પછી પત્રકારત્વમાં બદલાવ આવ્યો છે. સેક્યુલર પત્રકારોની બહુ મોટી અસર આપણા પત્રકારત્વ પર હતી (અને કમનસીબે હજુ પણ છે) એટલે તેઓ જે કન્સેપ્ટ્સ લઈ આવે, જે જાર્ગન વાપરે કે જે નવા શબ્દપ્રયોગો કોઈન કરે એને તરત પકડી લેવામાં કેટલાકને મઝા આવતી હોય છે.

ભારતના સાંપ્રત ઇતિહાસને પત્રકારત્વની દ્રષ્ટિએ 2002ના વર્ષ પહેલાંનું જર્નલિઝમ અને 2002 પછીનું મીડિયા એવા માત્ર બે જ તબક્કામાં ઓળખાવવાની ભૂલ ન કરવી જોઈએ. આઝાદી પછીના ભારતીય પત્રકારત્વને (જેમાં સ્વાભાવિક છે ગુજરાતી છાપાં-મેગેઝિનો- ટીવી ચેનલો- ન્યુઝ પોર્ટલો પણ આવી જ ગયાં) હું પાંચ વિભિન્ન તબક્કામાં વહેચું છું. આ પાંચેય તબક્કાએ પત્રકારત્વની વિશ્વસનીયતા જોખમાવવામાં પોતપોતાની રીતે ફાળો આપ્યો છે એવું મારું માનવું છેઃ

1.આઝાદી પછીના ચાર-સાડા ચાર દાયકા સુધી દેશમાં એવો માહોલ રહ્યો કે તમે આર.એસ.એસ.નો પક્ષ લો, હિન્દુત્વ વિશે બોલો કે લખો અથવા સનાતન ધર્મ પ્રત્યેની આસ્થા પ્રગટ કરો કે તરત જ તમારા માથે કટ્ટરવાદીનું લેબલ લગાડી દેવામાં આવે. આ એ વર્ષો હતાં જ્યારે હિન્દી ફિલ્મોથી માંડીને શાળા-કૉલેજ-યુનિવર્સિટીના અભ્યાસક્રમોમાં ‘ધર્મનિરપેક્ષતા’ના નામે ચરી ખાતા હિન્દુદ્વેષીઓની બોલબોલા હતી. ગાંધીજીની હત્યા પછી નેહરુએ વગર વાંકે આરએસએસને બદનામ કરવાનું નક્કી કર્યું જેમાં એમને દેશના કેટલાક મુસ્લિમ નેતાઓનો, સામ્યવાદીઓનો તથા ગાંધીવાદીઓનો સાથ મળ્યો. ગાંધીજી પોતે ગાઈબજાવીને કહેતા કે, ‘હું સનાતની છું’ અને નવજીવને પ્રગટ કરેલા ‘હિન્દુ ધર્મનું હાર્દ’ પુસ્તકમાં હિન્દુત્વ વિશેના એમના ઉમદા વિચારોનું સંકલન જો કોઈ સેક્યુલર ગાંધીવાદી વાંચે તો બેભાન થઈ જાય એ જાણીને કે ગાંધીજી આટલા હાર્ડકોર હિન્દુ હતા. પણ ગાંધીજીના નામે ચરી ખાનારા કૉન્ગ્રેસી રાજકારણીઓ તથા હિન્દુદ્વેષી વિચારકો-એકેડેમિશ્યન્સ તેમ જ મુસ્લિમ પરસ્ત સામ્યવાદીઓએ સાથે મળીને હિન્દુસ્તાનને સેક્યુલરિસ્તાન બનાવવાનું નક્કી કર્યું. અખબારો દ્વારા આ વાતાવરણને ઉત્તેજન મળ્યું.

આ ગાળામાં લેફ્ટિસ્ટ વિચારસરણી ધરાવતા પત્રકાર-લેખક જ વિશ્વાસપાત્ર હોય અને એમનો વિરોધ કરનારાઓ નર્કમાં જશે એવું વાતાવરણ આખા દેશમાં હતું. લેફ્ટિસ્ટોને સરકાર તરફથી ‘નેહરુ-સોવિયેતલૅન્ડ’ના પુરસ્કારો મળતા, સ્કોલરશિપો મળતી, રશિયાના મફતિયા પ્રવાસોની ભેટસોગાદો મળતી. અનેક લાલ સલામવાળઓ આવી સરકારી મહેરબાનીઓ માણતા રહ્યા હતા. હિન્દુત્વમાં આસ્થા ધરાવનારાઓ પણ પોતે પછાત પ્રજામાં ગણાઈ જશે એવા ડરથી પ્રોગ્રેસિવમાં ખપવા માટે જાહેરમાં સેક્યુલરિઝમનાં મંજીરાં વગાડતાં થઈ ગયાં.

આ ગાળામાં દેશની જે મેજોરિટી પ્રજા હતી (અને છે) એમાંના એક સાવ નાનકડા વર્ગને માથે, મિનિસ્ક્યુલ માઈનોરિટીના માથે, હિન્દુત્વની વિચારધારાનું રક્ષણ કરવાની ફરજ આવી પડી. આ નાનકડા બૌદ્ધિક વર્ગે બહુમતી હિન્દુઓની આસ્થા સામે કૃત્રિમ રીતે પેદા કરવામાં આવતા વિરોધનાં વાવાઝોડાંનો સામનો કરવામાં અંગત તેમ જ પ્રોફેશનલ જિંદગીમાં ઘણું સહન કર્યું. આજે જેઓ જાહેર જીવનમાં હિન્દુત્વના પ્રહરીઓ છે તે સૌ કોઈ રાજકારણીઓ, શિક્ષણશાસ્ત્રીઓ, ચિંતક-વિચારકો, સાહિત્યકારો-લેખકો, પત્રકારો, રિસર્ચરો, કાર્યકર્તાઓ 1947થી ચાર-સાડાચાર દાયકા દરમ્યાન અડીખમ રહેલા પ્રખર હિન્દુવાદીઓના ઋણી છે.

1947થી 1992 સુધીના આ પ્રથમ તબક્કામાં સહેજ ડિ-ટુર લઈને 1975ની ઇમરજન્સીની વાત કરી લઈએ. કટોકટીનો વિરોધ કરીને કુલદીપ નાયર સહિતના અનેક ભારતીય પત્રકારો વાચકોની આંખમાં અત્યંત વિશ્વસનીય બન્યા, આદરણીય બન્યા. પણ આ જ પત્રકારોએ 1992 પછી ખૂબ ભૂંડી ભૂમિકા ભજવી.

2. રવિવાર, 6ઠ્ઠી ડિસેમ્બર 1992. બાબરી ઢાંચાને ધ્વસ્ત કરવાની ઘટના ભારતના સાંપ્રત ઇતિહાસની વૉટર શેડ ઘટના છે. અત્યાર સુધી જે હિન્દુ પોતાના ધર્મ પ્રત્યેની આસ્થા પ્રગટ કરતાં સહમી જતો, અને જો હિંમત કરે તો એને ટપલાં મારીને બેસાડી દેવામાં આવતો. તે હિન્દુ છઠ્ઠી ડિસેમ્બર પછી ગળું ખોંખારીને પોતાના લોકોમાં ગુસપુસ કરતો થઈ ગયો કે ધર્મનિરપેક્ષતાના નામે, વૈદિક પરંપરા ધરાવતી દેશની સંસ્કૃતિને કેટલું મોટું નુકસાન થઈ રહ્યું છે.

આ બાજુ સેક્યુલરવાદીઓનું જોર જેટલું હતું એના કરતાં બમણા જોરથી ઉછળ્યું. તે ત્યાં સુધી કે અટલ બિહારી વાજપેયી કે લાલકૃષ્ણ અડવાણી જેવા નેતાઓ, જેમના હિન્દુત્વ વિશે લગીરેય શંકા ન હોઈ શકે તેઓ પણ, બાબરી ઢાંચાના વિધ્વંસની ઘટના બદલ ગૌરવ અનુભવવાને બદલે એપોલોજેટિક બની ગયા. આને કારણે આ નેતાઓમાં આસ્થા રાખનારાઓ કાં તો રોષે ભરાયા, કાં પછી અવઢવમાં મૂકાઈ ગયા.

1992ની આ ઘટનાએ પત્રકારત્વમાં બે સ્પષ્ટ ભાગલા પાડી દીધા. મોટા ભાગનું મીડિયા એક તરફ હતું—રોજેરોજ જોરશોરથી સેક્યુલરિઝમની શરણાઈઓ વગાડ્યા કરતું. પણ હવે એમને જડબાતોડ જવાબ આપવા માટે મીડિયાના એક નાનકડા પરંતુ સશક્ત વર્ગે મોરચો ખોલીને પ્રજામાં જાગૃતિ લાવવાનું કામ શરૂ કરી દીધું. સેક્યુલરોના દંભનો પરદો ચીરીને એમની મુસ્લિમપરસ્તી ઉપર ઢાંકેલો નિરપેક્ષવાદી મુખવટો ઉતારી નાખવાનું શરૂ કરી દીધું.

બાબરી ઢાંચાને ‘મસ્જિદ’ ગણાવીને સેક્યુલર મીડિયાએ હાયતૌબા શરૂ કરી દીધી ત્યારે દેશમાં ગણ્યાગાંઠ્યા અખબારો અને પત્રકારોએ ધર્મનિરપેક્ષતાનો ઢોંગ કરતી આ જમાતને ઉઘાડી પાડવાનું અભિયાન શરૂ કર્યું. એ પછીના લગભગ એક દાયકા દરમ્યાનનો ગાળો ભારતના પત્રકારત્વ માટે જ નહીં સમગ્ર જનજીવન માટે હિન્દુ પુનરુત્થાનનો યુગ કહી શકાય. આ દસકા દરમ્યાન આમ પ્રજામાં જે જુવાળ આવ્યો તેના પ્રતાપે દેશમાં પહેલવહેલીવાર ભાજપની સરકાર બની તે તો ખરું જ, એ ઉપરાંત મિડિયામાં પહેલવહેલી વાર સેક્યુલર પત્રકારો વર્સીસ હિન્દુવાદી પત્રકારોનું યુદ્ધ શરૂ થયેલું જોવા મળ્યું. હિન્દુવાદી પત્રકારો ભલે માઇનોરિટીમાં હતા પણ સેક્યુલર મિડિયાને પડકારવામાં તેઓ એક પછી એક શિખર સર કરતા રહ્યા. સામે પક્ષે સેક્યુલર મિડિયા વિદેશી ફંડિંગથી તેમ જ ઘરઆંગણે કૉન્ગ્રેસના ટેકાથી વધુને વધુ મજબૂત થતું ગયું. આ યુદ્ધનો અંજામ શું આવશે તેની કોઈને ખબર નહોતી. એટલું સ્પષ્ટ હતું કે મિડિયામાં સેક્યુલરવાદ છવાયેલો હતો. આને કારણે એક તરફ સત્ય માટે નિષ્ઠા ધરાવતા પત્રકારોએ ડગલેને પગલે વિરોધો, વિઘ્નો અને અપમાનો સહન કરીને પોતાનું કામ ચાલુ રાખવા દિવસરાત જદ્દોજહદ કરવી પડતી. બીજી તરફ વાડ પર બેઠેલા પત્રકારો અડધા ડરથી અને અડધી લાલસાથી સેક્યુલરોની પંગતમાં બેસીને લાડવા ખાતા થઈ ગયા.

3. બુધવાર, 2002ની 27મી ફેબ્રુઆરીએ સવારે પોણા આઠ વાગ્યાના સુમારે ગોધરા સ્ટેશને સાબરમતી એક્સપ્રેસમાં 59 હિન્દુઓને મુસ્લિમ કાવતરાંખોરોએ જીવતા સળગાવી દીધા એ ઘટના હિન્દુ પ્રજા માટે જેટલી હૃદયદ્રાવક હતી એટલી જ લોહી ગરમ કરી દેનારી હતી. સેક્યુલર મિડિયાએ આ ઘટનાને ગૌણ ગણીને પાછળ ધકેલી દીધી અને આ ઘટનાની સાહજિક પ્રતિક્રિયારૂપે શરૂ થયેલાં રમખાણોનું બઢાવીચઢાવીને રિપોર્ટિંગ શરૂ કર્યું. દેશમાં એવો માહોલ ઊભો કરવામાં આવ્યો કે હિન્દુઓ રાક્ષસ છે, ગુજરાત રાક્ષસોની ભૂમિ છે અને ગુજરાતના મુખ્યમંત્રી રાક્ષસોના સરદાર છે, મૌતના સોદાગર છે. કોમી રમખાણો ગુજરાતમાં કેટલાક ઠેકાણે થયાં પણ છાપ એવી ઊભી કરવામાં આવી કે આખું ગુજરાત ભડકે બળે છે. રમખાણોમાં કુલ એક હજારની આસપાસ મૃત્યુ થયાં જેમાં અડધા કરતાં સહેજ વધારે મુસ્લિમો હતા, બાકીના હિન્દુઓ હતા છતાં છાપ એવી ઊભી કરવામાં આવી કે મુસ્લિમો જ વિક્ટિમ છે. જે મુસ્લિમો મર્યા એમાંથી અડધો અડધ જેટલા પોલીસ ગોળીબારમાં મર્યા, તોફાન કરવા જતાં મર્યા, આમ છતાં છાપ એવી ઊભી કરવામાં આવી કે મુસ્લિમો તો શાંત હતા.

1992 પછી સરેરાશ હિન્દુ પોતાની વ્યથા વિશે આસપાસના લોકોમાં ધીમે સાદે ચર્ચા કરતો થયો. 2002 પછી આ જ સરેરાશ હિન્દુ બાંયો ચઢાવીને ખુલ્લેઆમ બૅકલેશ માટે તલપાપડ બન્યો. મિડિયામાં પણ વાડ પર બેઠેલા અનેક તકવાદી- સેક્યુલરવાદી પત્રકારો-લેખકો પ્રજાની નાડ પારખીને હિન્દુઓનો પક્ષ લેતા થઈ ગયા. જે કટ્ટર સેક્યુલરવાદી હતા એમાંથી પણ કેટલાક દસે એક પીસ હિન્દુ તરફી લખતા થઈ ગયા. 1996માં/1999માં વાજપેયી સરકારની સ્થાપના થયા પછી અનેક લેફ્ટિસ્ટો હિન્દુવાદી બન્યા, જેમાંથી સુધીન્દ્ર કુલકર્ણી જેવા અનેક અડુકિયા દડુકિયા 2004 પછી સ્થપાયેલી સોનિયા-મનમોહનની મુગલિયા સલ્તનત વખતે ફરી પાછા લેફ્ટિસ્ટ બની ગયા.

4. નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા એ પછી મિડિયામાંના અનેક તકવાદીઓ પુનઃ વાડ ઓળંગીને બીજી તરફ આવી ગયા. મોદીની પહેલી ટર્મ દરમ્યાન ત્રણ પ્રકારના તકવાદીઓ વહેતી ગંગામાં હાથ ધોઈ લેતા થઈ ગયા. એકઃ જેઓ હાર્ડકોર સેક્યુલર હતા, જેમણે અગાઉ મોદીને, હિન્દુત્વને, રાષ્ટ્રની પરંપરાને, ભરપેટ ગાળો આપી હતી એવા તકવાદીઓ હવે મોદીનાં ગુણગાન ગાતા થઈ ગયા. હિન્દુત્વના કોઈપણ ઈશ્યુ વખતે પોતે જ સેક્યુલરોને પડકારતા થઈ ગયા અને રાષ્ટ્રની પરંપરામાં પોતાને ભરપૂર આસ્થા છે એવું ગાઇબજાવીને કહેતા થઈ ગયા. 2014 પહેલાંનો એમનો ઇતિહાસ તપાસીએ તો એ સૌને તમે નિર્વસ્ત્ર કરી શકો. 2014 પછી શાર્પ યુ-ટર્ન લેનારી આ પ્રજા બાકીના બે પ્રકારના તકવાદીઓ કરતાં ઘણી ઓછી સંખ્યામાં છે. આમાંના કેટલાક પોતાના યુ-ટર્ન માટે જસ્ટિફિકેશન આપતાં કહે કે, ‘અગાઉ અમે ભૂલ કરતા હતા, હવે અમારી આંખો ઉઘડી ચૂકી છે.’ તો આપણે એમનું સ્પષ્ટીકરણ સ્વીકારી લેવાનું, બીજું શું? પણ સાથોસાથ એ પણ ધ્યાન રાખવાનું કે ભવિષ્યમાં તેઓ ફરી એકવાર યુ-ટર્ન મારીને ઘરવાપસી કરી શકે છે.

તકવાદીઓના બીજા પ્રકારમાં એવા લોકો આવે જેઓ 2014 પહેલાં અધકચરા હિન્દુવાદીઓ હતા. એમને 2014 પછી પોતાના સેક્યુલરવિરોધી વિચારોને જોરશોરથી પ્રગટ કરવાનું જોર ઉપડ્યું અને દ્રઢ હિન્દુવાદીઓ સાથે ગોઠવાઈ જવાનું સપનું જાગ્યું. પણ તેઓનો પાયો તકવાદી છે એટલે હજુય તેઓ પોતાના સ્વભાવ મુજબ અધકચરા જ રહ્યા અને હિન્દુત્વના જેન્યુઇન મુદ્દે સાચો સ્ટાન્સ લેવાને બદલે સેક્યુલરવાદીઓના હાથા બનતા રહ્યા કાં પછી સામે છેડે જઈને જડબુદ્ધિ બની ગયેલા કેટલાક તથાકથિત હિન્દુવાદીઓના દોષોને પંપાળતા રહ્યા.

ત્રીજા તકવાદીઓ એ છે જેઓ 2014 પહેલાં પણ દ્રઢ હિન્દુવાદી જ હતા પરંતુ મિડિયામાં ડરનો માહોલ જોઈને ગણગણાટ કરીને ચૂપ બેસી રહેતા જેથી પોતે સર્વસ્વીકાર્ય બનીને કરિયરમાં આગળ વધતા રહે. 2014 પછી ‘સબસલામત’ની એંધાણી મળતાં એમની હિંમત ખુલી એટલે એમણે પોતાના ગણગણાટને ગોકીરામાં પલટી નાખ્યો. કાલ ઊઠીને પવન પલટાયો તો આ તકવાદીઓ ફરી એકવાર બૂમબરાડા છોડીને પોતાના કોચલામાં ભરાઈને સલામત બની જવાના.

5. પાંચમો તબક્કો મોદી ફરીવાર ચૂંટાયા ત્યારથી શરૂ થાય છે— 2019થી. મોદીની ફર્સ્ટ ટર્મ દરમ્યાન જેઓ અવઢવમાં હતા, જેઓ તેલ જોતા હતા- તેલની ધાર જોતા હતા, જેઓના મનમાં આશંકા હતી કે હિન્દુવાદનો જુવાળ ઓસરી જશે, જેમને ખાતરી હતી કે ફર્સ્ટ ટર્મમાં મોદી કશું ઉકળી નહીં શકે, એવા લોકો હવે ગળામાં ભગવો ખેસ નાખીને મિડિયામાં, સોશ્યલ મિડિયામાં આવી ગયા.

એક વાત નોંધવાની કે 2014 અને 2019 પછી જેઓના સરકારી લાભ મળતા બંધ થઈ ગયા એ સેક્યુલરવાદીઓ બમણા જોરથી મુસ્લિમ તુષ્ટિકરણ કરવા લાગ્યા, ટુકડે ટુકડે ગેન્ગના એક્ટિવ સભ્ય બની ગયા અને મોદી-હિન્દુત્વ-રાષ્ટ્ર વિરુદ્ધ લખવામાં-બોલવામાં છેક છેલ્લી પાયરીએ ઊતરી ગયા.

પત્રકારત્વમાં વિશ્વસનીયતાની ક્રાઇસિસ આજે ઘણી ગહરી છે. આ પાંચેય તબક્કા દરમ્યાન, આઝાદીથી આજ દિવસ સુધી, મિડિયાની વિશ્વસનીયતા સામે વિવિધ બાબતોમાં પ્રશ્નો ઊભા થતા જ રહ્યા છે. મિડિયા ઉપરાંત શાળા-કૉલેજના અભ્યાસક્રમોની બાબતમાં, ઇતિહાસલેખનની બાબતમાં સરકારી નોકરીઓની ભરતીની બાબતમાં તેમ જ બીજા ઘણા ક્ષેત્રોમાં છેલ્લાં 70-75 વર્ષથી વિશ્વસનીયતાના પ્રશ્નો છે જ. પરંતુ એ તરફ આપણે ફંટાતા નથી, મિડિયા પર જ ફોકસ રાખીએ. માત્ર એટલો ઇશારો પૂરતો છે કે મિડિયા સહિતના આ તમામ ક્ષેત્રોના વિશ્વસનીયતાના પ્રશ્નો એકબીજા સાથે સજ્જડપણે જોડાયેલા છે.

(વધુ આવતી કાલે: ચોથા હપતામાં વાંચો: “વિશ્વસનીયતા સાથેની કબડ્ડી”)

(ખાસ નોંધ: આ છ-સાત હપતાની શ્રેણી મેં એક પુસ્તક માટે લખી છે. સિનિયર પત્રકાર અલકેશ પટેલે એક પુસ્તકનું સંપાદન કરવાનું વિચાર્યું : ‘પત્રકારત્વ: વિશ્વસનીયતાનો પડકાર’. પોણા ત્રણસો પાનાંના આ દળદાર પુસ્તક માટે મેં સોળ હજાર શબ્દોનો— પચાસ પાનાંનો—લેખ લખ્યો છે જે ‘ન્યુઝપ્રેમી’ પર છ-સાત હપતામાં સૌપ્રથમવાર ધારાવાહિક સ્વરૂપે પ્રગટ થઈ રહ્યો છે. આ પુસ્તકમાં વિક્રમ વકીલ, કિશોર મકવાણા, જશવંત રાવલ, જપન પાઠક અને કુલદીપ લહેરુ સહિત કુલ બાર પ્રોફેશનલ પત્રકારોના લેખો છે જેમની ગુજરાતી મીડિયામાં ખૂબ ઊંચી સાખ છે. રૂ. ૨૨૫/- નું આ પુસ્તક ઑનલાઈન ખરીદવા માટેનાં પ્રાપ્તિસ્થાનોની વિગતો આ લિન્ક પર આપવામાં આવી છે: https://www.newspremi.com/patrakaratva આ પુસ્તકનો હિન્દીમાં પણ અનુવાદ થયો છે.)
••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

4 COMMENTS

  1. Very Good article. There is a trend where we hear people saying we should skip watching news as it is all propaganda. To them we must say it is running away from the reality that is what Saurabh bhai is stressing here.if we want to be ahead of Game of perception we need to see this propagandist news channels also and keep our calm and composer to analyse the facts.

  2. 5 W & 1 H perfect Requirements of NEWS .
    Views is 2 nd Part , first time I Heard ,
    But perfect Observations ..

    Over All Funtastic Report ,
    Arnab , Kulkarni , Secularist , Govt. ki Prasadi Lenar Sab ko Bahut hi Dhhang se Aavari lidha ..

    The Best Knowledgeable Article …

  3. સૌરભભાઈ, નામ આપો તો સારુ. આપ તો જાણો છો અમારી યાદદાસ્તાં કેવી છે. દંભીને નામ સાથે ખુલ્લા પાડવામાં શરમ શેની? ફરીવાર તેવા લોકોને વાંચીએ ત્યારે તેમનો ભૂતકાળ નજર સામે રહે. અને એમના પરાક્રમો લેખિત સ્વરૂપે ઉપલબ્ધ છે જ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here