(ગુડ મૉર્નિંગ ક્લાસિક, આસો સુદ સાતમ વિક્રમ સંવત ૨૦૭૭, મંગળવાર, ૧૨ ઓક્ટોબર ૨૦૨૧)
કોરોનાના કપરા કાળમાં દૂરદર્શન પર રામાયણ-મહાભારતની સિરિયલો જોઈને મન વારંવાર એ જમાના તરફ ખેચાઈ જાય છે.
તપ કરો તો ભગવાન આશીર્વાદ આપે,વરદાન આપે. શું ખરેખર એવું બનતું હશે? ગાઢ જંગલમાં ખાધાપીધા વિના એક વૃક્ષની નીચે પલાંઠી મારીને આંખ બંધ કરીને વર્ષો સુધી બેસી રહીએ તો ભગવાન પ્રગટ થઈને માગ માગ તું માગે તે આપું એવું કહે?
ના કહે. આપણા ઋષિમુનિઓ અતિ જ્ઞાની હતા. તેઓ આપણને જે વાતો સીધી રીતે સમજાવી ન શકાય તેને ઉપમા અલંકાર દ્વારા, કાવ્યમય બાનિમાં સમજાવતા. પણ આપણે મૂરખાઓ એ વાતનું શબ્દશઃ પૂંછડું પકડીને બેસી ગયા.
ઝાડ નીચે બેસીને વર્ષો સુધી ભગવાનનું ધ્યાન ધરવું એનો મતલબ એ નહીં કે નિષ્ક્રિય થઈને વિચારો કર્યા કરવા. તપ એટલે તમે જિંદગીમાં જે મેળવવા માગો છો તે મેળવવા માટે દિવસ-રાત મંડી પડો. ખાતાંપીતાં ઉઠતાંબેસતાં તમારા મનમાં એક જ વાત રમ્યા કરે – મારે આ અચીવ કરવું છે, કેવી રીતે કરું, શું શું કરું એ માટે? અને ચોવીસે કલાક તમારા લક્ષ્યની પૂર્તિ માટે મહેનત કર્યા કરો. તપ આ છે. જંગલ, ઝાડ, પલાંઠી એ તો પ્રતીક છે.
તપની કોઈ નિશ્ચિત કે બાંધેલી સમયમર્યાદા નથી હોતી. ભગવાન પ્રસન્ન ન થાય ત્યાં સુધી તપ કરતાં રહેવાનું. ભગવાન પ્રગટ થાય પછી જ આંખો ખોલવાની. તમને જે જોઈએ છે એની પ્રાપ્તિ ક્યારે થશે એ કંઈ કહેવાય નહીં. કેટકેટલી બાબતો પર આધાર છે. તમારી પોતાની કૅપેસિટી, તમારી પોતાની સૂઝબૂઝ, તમારો અનુભવ, તમારી તાલીમ, તમારું બૅકગ્રાઉન્ડ, તમારી આસપાસનું વાતાવરણ, તમે જે લોકોમાં ઉઠબેસ કરો છો એ લોકોની તમારા પ્રત્યેની મનોવૃત્તિ, તમારામાં રહેલી એમને ટૅકલ કરવાની કુશળતા, તમે જે સમયગાળા દરમ્યાન આ કાર્યને લક્ષ્ય સુધી પહોંચાડવા માગો છો તે ગાળામાં દેશની પરિસ્થિતિ-દુનિયાની પરિસ્થિતિ કેવી છે, તમે ક્યા સ્થળે રહીને આ કામ કરી રહ્યા છો – જામખંભાળિયામાં કે જર્મનીમાં. આવાં અનેક પરિબળો નક્કી કરશે કે તમારું તપ ક્યારે સિદ્ધ થશે, ભગવાન ક્યારે પ્રગટ થશે.

ધ્યેય સુધી ન પહોંચીએ ત્યાં સુધી કોઈ જાતનાં પ્રલોભનોમાં અટવાયા વિના કામ કરતાં રહીએ તે તપ છે. એ કામ કર્યા પછી જે કંઈ પ્રાપ્ત થાય છે – પૈસો, પ્રસિદ્ધિ, સંતોષ, સારી લાઈફસ્ટાઈલ, માનઆદર – આ બધું જ ભગવાને આપેલા આશીર્વાદ છે. માગ માગ તે આપું એવું ભગવાન ત્યારે જ કહે જ્યારે તમે તમારા કામની પાછળ વર્ષો સુધી જીવ રેડીને ભગવાનને રિઝવ્યા હોય.
ભગવાનને રિઝવ્યા પછી ક્યારેક ભગવાન તમારા માગ્યા વિના તમને બ્રહ્માસ્ત્ર આપે, જાત જાતનાં અસ્ત્ર-શસ્ત્ર આપે, તમને ગદાયુદ્ધમાં કે અમુક પ્રકારના સંજોગોમાં કોઈ હરાવી નહીં શકે એવું વરદાન આપે.
વર્ષોનું તપ એટલે સતત રિયાઝ, કૉન્સ્ટન્ટ પ્રેક્ટિસ. તમે તમારા કામમાં દિવસરાત ખૂંપેલા રહો છો ત્યારે તમારી શક્તિઓ, તમારા કાર્યની પ્રવીણતા એ ઊંચાઈએ પહોંચે છે જ્યારે લોકો કહેવા માંડે છે: સંતુરમાં પંડિત શિવકુમાર શર્માને કોઈ પહોંચી ન શકે, ગાવામાં પંડિત જસરાજ અલ્ટીમેટ, પ્લેબેક સિંગિંગમાં લતાજીનો જોટો ન જડે, બચ્ચનજી એટલે બચ્ચનજી. વર્ષોના તપ પછી મળેલાં આ એમનાં બ્રહ્માસ્ત્ર છે. અજેય થવાનું વરદાન છે. એ જે ક્ષેત્રમાં નિપૂણ છે એમાં એમને કોઈ હરાવી નહીં શકે. પણ એ માટે એમણે જે તપ કર્યું છે, બીજું બધું જ છોડીને આ એક જ કામમાં નિરંતર ખૂંપેલા રહ્યા, સતત પોતાની ક્ષમતાને ઊંચી ને ઊંચી – વધુ ઊંચી, હજુ ઊંચી લઈ જતા રહ્યા, પોતાની જ સાથે સ્પર્ધા કરીને ગઈ કાલના પોતાના પર્ફોમન્સને આજે બહેતર બનાવતા ગયા, ભૂતકાળની પોતાની જાતને હરાવીને આજ માટે નવાં વિક્રમો સ્થાપતા ગયા તેનું આ પરિણામ છે કે આજે તેઓ પોતાના ક્ષેત્રમાં વન ટુ ટેન કે વન ટુ હન્ડ્રેડ બની ગયા છે. બીજાઓનો વારો, નિકટતમ પ્રતિસ્પર્ધીનો વારો, અગિયારમો કે એકસો એકમો આવે.
તપ પોતે જ કઠિન સાધના છે, વર્ષો સુધી સતત થયેલી કાર્યઆરાધના છે અને એના ફળસ્વરૂપે ભગવાનના આશીર્વાદ મળે છે, બ્રહ્માસ્ત્ર પ્રાપ્ત થાય છે, તમને કોઈ હરાવી નહીં શકે એવું વરદાન પ્રાપ્ત થાય છે.
કઠોર તપ આ તપનું નેક્સ્ટ લેવલ છે જેમાં તમારે પલાંઠી મારીને નથી બેસવાનું પણ એક પગે ઊભા રહેવાનું છે વર્ષો સુધી. વર્ષો સુધી ડે ઈન ને ડે આઉટ, ભૂખતરસ બધું ભૂલીને, શરીરની પરવા કર્યા વિના, દિવસના અઢાર-અઢાર કલાક કામ કરીને છેવટે તમે જે મેળવો છો તે આ કઠોર તપનું પરિણામ છે. ધ્રુવે આવું કઠોર તપ કર્યું જેના વરદાનરૂપે એને બ્રહ્માંડમાં અવિચળ એવું સ્થાન મળ્યું – બીજાઓ માટે હંમેશાં દિશાસૂચક બની રહે એવી અમરતાનું વરદાન મળ્યું. કઠોર તપ કરી શકે એવા મહાપુરુષો રોજરોજ નથી જન્મતા. સદીઓમાં એકાદ યુગપુરુષ થાય જેની ગણના સેંકડો-હજારો વર્ષ પછી અવતારરૂપે થાય. રામ અને કૃષ્ણથી શરૂ કરીને આ ભારતવર્ષને અનેક યુગપુરુષો મળ્યા. દરેક યુગે યુગે મળ્યા. આ યુગને પણ મળ્યા. ધ્રુવના તારાની જેમ સૌના માટે માર્ગદર્શક હોય એવા યોગીઓના તપથી આ ભારતભૂમિ સીંચાયેલી છે.
ઋષિમુનિઓ અને સાધકોના તપોભંગ માટે આવી પહોંચતી મેનકાઓ-રંભાઓ-ઉર્વશીઓ અને બીજી અપ્સરાઓ કોણ છે? શા માટે દેવલોકમાં સુગંધિત દ્રવ્યોથી મહેકતા ઈન્દ્રાદિ દેવતાઓને પડતાં મૂકીને આ અપ્સરાઓ વર્ષોથી નહાયાધોયા વિના, લઘરવઘર દાઢી-જટાધારીઓને મોહી લેવા આવી પહોંચે છે? આ પણ રૂપક છે, ઉપમા છે. તમે જ્યારે પણ કોઈ કાર્ય કરવામાં ઓતપ્રોત થઈ જવા માગો છો ત્યારે તમારું ધ્યાન વિકેન્દ્રિત કરવા, તમને ચલિત કરવા અનેક ડિસ્ટ્રેક્શન્સ આવે છે – ટીવી પર અમુક સિરિયલ જોવાનો ટાઈમ થઈ ગયો, આજે પત્નીના મામાને ત્યાં પ્રસંગ છે, દીકરીની સ્કૂલમાં પેરન્ટ્સ-ટીચર મીટિંગ છે, દીકરાની બર્થડે પર ઘરનાં સૌ કોઈને લઈને બહાર જમવા જવાનો પ્રોગ્રામ છે, ગમતા સ્ટારનું નવું પિક્ચર રિલીઝ થયું છે, કેટલા દિવસથી કંઈ ખરીદી નથી કરી તો મૉલમાં જવું છે, બધા જાય છે તો આપણે પણ આબુ-ગોવા-મસૂરી-ક્રોએશિયા જઈ આવીએ, આજે જરા ઠીક નથી તો આરામ કરી લઉં અને કાલથી પાછું કામ શરૂ કરી દઈશ – આ અને આવી અનેક અપ્સરાઓ તમને લલચાવવા માટે, તમારું ધ્યાન છોડાવવા માટે, તમારા તપોભંગ માટે આવવાની જ છે. આવાં ડિસ્ટ્રેક્શન્સ આવે ત્યારે જે ચળી જાય છે તેમના પર ભગવાન પ્રસન્ન થતા નથી. કામ કરતાં કરતાં બીજી લાલચો આવવાની જ છે, મન બીજે ભટકવાનું જ છે, લક્ષ્યસિદ્ધિના માર્ગમાં અનેક લપસણા માર્ગો આવવાના છે. આવી લાલચોને વશ ન થઈએ એટલે જ આપણા મહાન ઋષિમુનિઓએ અપ્સરાઓના પ્રતીક દ્વારા આપણને સમજ આપી કે નક્કી તમારે કરવાનું છે – તમારે આ બધી ‘અપ્સરાઓ’નો સંગ માણીને જીવનનાં ક્ષણભંગુર સુખોની પ્રાપ્તિ કરવી છે કે પછી જીવનભર અજેય રહો એવું વરદાન પામીને ‘બ્રહ્માસ્ત્રો’ મેળવવાં છે.
••• ••• •••












ખૂબ સરસ. અદભુત વિશ્લેષણ. સૌરભભાઈ evergreen.
With limited words explained Shrimad Bhagvad Geeta. 👌🙏🙏🙏