સ્મૃતિ વિના માણસની આજ અધૂરી છે : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : શનિવાર, ૧૫ મે ૨૦૨૧)

સ્મૃતિ ન હોત તો? વીતી ગયેલા સમયની કોઈ યાદ ચિત્તમાં સંઘરાતી ન હોત તો? અતીતનાં સારાં-માઠાં તમામ સ્મરણો માણસ ભૂલી જતો હોત તો? તો એ અત્યારે છે એના કરતાં થોડોક વધારે સુખી હોત, થોડોક વધારે દુખી હોત.

કુદરતે સ્મૃતિ આપી છે એટલે માણસ ભણી શકે છે, ભણીને ભણેલું યાદ રાખી શકે છે. સ્મૃતિનો સૌથી મોટો ઉપયોગ આજીવિકા રળવા માટે. અહીં એક ધારણ કરી લઈએ કે જીવનનિર્વાહ માટે જે કામ કરવું પડે તે કામ કરી શકવા માટે જેટલી સ્મૃતિ જરૂરી હોય તે ટકે; એ સિવાયની તમામ સ્મૃતિ ભૂંસાઈ જતી હોત તો? ડૉકટરના મગજમાં એના ક્ષેત્રના અભ્યાસ, અનુભવ, આવડત અંગેની સ્મૃતિ ટકે અર્થાત્ કેવી રીતે દર્દીના રોગના લક્ષણોમાંથી તારણો કાઢવાનાં છે તે અંગે એણે જે અભ્યાસ કર્યો હોય, અનુભવ લીધો હોય એટલી વાતો મનમાં સંઘરાય. ઑપરેશન કેવી રીતે કરવાનું, કઈ દવાઓ આપવાની વગેરે બાબતો વિગતવાર એના સ્મૃતિતંત્રમાં કાયમી રહે. પ્લસ કેવી રીતે જમવું, નહાવું ધોવું, ડ્રાઈવિંગ કરવું, કપડાં પહેરવાં એ બધું તો ડિફોલ્ટરૂપે સ્મૃતિમાં હોય જ. પોતાની આજીવિકા રળવામાં તેમ જ જીવનનું રૂટિન ચલાવવામાં જરૂરી હોય એટલી સ્મૃતિ સિવાય ભૂતકાળની કોઈ યાદ એના મનમાં ન હોય. હા, માત્ર એને એટલું ખબર હોય કે આ મારા પિતા, આ માતા, આ પત્ની, આ પુત્ર, આ મિત્ર વગેરે. પણ એમની સાથેના સંબંધોના લેબલ સિવાયની કોઈ વાત એને યાદ ન રહે. કેવું જીવન થઈ જાય એનું?

બાહ્ય રીતે એ જલસાથી જીવતો દેખાય કારણ કે વ્યાવસાયિક નિપુણતા માટે જરૂરી એટલી સ્મૃતિ તો છે જ એની પાસે, જેને કારણે એ કમાઈ શકે છે, ખાઈપીને જલસા કરી શકે છે. એની પાસે એનું કુટુંબ છે, એના સામાજિક સંબંધો પણ છે. ઉપર ઉપરથી તમને એની જિંદગી કદાચ હરીભરી પણ લાગે.

પણ એના આંતરિક વિશ્ર્વનું શું? એની પાસે સ્મૃતિનું સુખ છિનવાઈ ગયું છે એટલે એને ખબર નથી કે બાળપણમાં પોતે શું કર્યું છે, ભૂતકાળમાં એ કોને ચાહ્યો છે અને કોણે એને તરછોડ્યો છે. કોઈપણ

વ્યક્તિને આપણે મળીએ છીએ ત્યારે સૌપ્રથમ એના ભૂતકાળને મળતા હોઈએ છીએ. તમને ખબર પડતી હોય છે કે સામેની વ્યક્તિ કેટલી ભણેલી છે અર્થાત્ ભૂતકાળમાં કેટલો અભ્યાસ કરી ચૂકેલી છે. સામેની વ્યક્તિ ક્યા ક્ષેત્રમાં શું કરી રહી છે અર્થાત્ એણે પોતાના ક્ષેત્રમાં કેટકેટલી ઉડાનો ભરેલી છે કે પછડાટો ખાધેલી છે. વ્યક્તિ સાથેના પ્રથમ પરિચય વખતે તમારી ઓળખાણ એના ભૂતકાળ સાથે થતી હોય છે. કાં તો તમને એ ભૂતકાળ ગમવા લાગે છે અથવા એ ભૂતકાળ માટે તમને અણગમો ઊપજવા લાગે છે. આ ભૂતકાળ એની પાસે ટકી રહ્યો છે, સ્મૃતિને કારણે. સ્મૃતિ ન હોત તો ભૂતકાળ ધરબાઈ જતો હોત કોઈ અતલ ઊંડાણમાં ભૂતકાળના આધારે પસંદ-નાપસંદ પડેલી વ્યક્તિના વર્તમાનમાં તમે પ્રવેશો છો તે પછી તમારાં બેઉનાં ભવિષ્ય એકમેક સાથે જોડાતાં હોય એવું લાગે છે. વાસ્તવમાં તો પ્રથમ પરિચય બાદ બે ભૂતકાળ એકબીજા સાથે જોડાઈ જતા હોય છે.

સ્મૃતિપટ પરનાં એ દૃશ્યો આજે જિવાતી જિંદગીને નવો અર્થ આપે છે. અત્યારે થઈ રહેલા અનુભવોને તમે અતીતના એવા જ કોઈ અનુભવ સાથે સરખાવો છો ત્યારે તમને ભવિષ્યમાં આવનારાં પરિણામોનો સામનો કરવાની તાકાત મળે છે. ભૂતકાળ વિના વ્યક્તિ અધૂરી બની જાય છે. આજના સમૃદ્ધ અનુભવો સ્મૃતિમાં સચવાય છે એટલે જ આવતી કાલે રચાનારો વ્યક્તિનો ભૂતકાળ સમૃદ્ધ બનતો જાય છે.

નૉસ્ટેલ્જિયા અથવા તો અતીતરાગ અથવા તો ભૂતકાળની કડવીમીઠી યાદો માણસ પાસે રહેતી ન હોત તો વર્તમાનમાં એને કશુંક ખૂટતું હોય એવું લાગતું હોત. વર્તમાનમાં જીવતી ક્ષણમાં માણસ કશુંક યાદ કરીને આંખો ભીની કરે છે તો કોઈકને યાદ કરીને એકલો એકલો સ્મિત કરી બેસી રહે છે. કોઈક યાદ એનામાં તીવ્ર આવેશ પ્રગટાવે છે તો કોઈક યાદ એને થિજાવી દે છે. કોઈક યાદ એને અહેસાસ કરાવે છે કે અત્યારે પોતે કેટલો હર્યોભર્યો છે તો કોઈક યાદ એનામાં એવી લાગણી જન્માવે છે કે પોતે સાવ ખાલીખમ થઈ ચૂકયો છે. અતીતના દરેક રંગમાં પીંછી બોળીને એ વર્તમાનના ચિત્રને સંવારે છે. ક્યારેક કોઈક રંગ ખૂટતો લાગે ત્યારે એ નક્કી કરે છે કે ભવિષ્યમાં પોતે એ રંગની શોધમાં નીકળશે, એને મેળવશે. પછી એ રંગ પોતાના ભૂતકાળનો એક હિસ્સો બની જશે ત્યારે કોઈક નવા વર્તમાનના નવા ચિત્રના સર્જન વખતે એ ઉપયોગી બનશે. એની રંગોળી અધૂરી નહીં રહે. સ્મૃતિ વિના માણસની આજ અધૂરી રહી જતી હોય છે. સ્મૃતિ ન હોત તો માણસ પાસે એનું ભવિષ્ય પણ ન હોત.

આજનો વિચાર

ચકલી, તું મારા ભાગ્યનુું પરબીડિયું ઉપાડ;
હું નીકળ્યો છું શહેરમાં ગુલમહોર શોધવા.

— રમેશ પારેખ

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here