પૈસો તમારો પરમેશ્વર છે? : સૌરભ શાહ

(તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૨૯ જાન્યુઆરી ૨૦૨૩)

રવિવારે વહેલી સવારે ઘરેથી છેક ફાઉન્ટન એરિયામાં ગયા. સવારે આઠેક વાગ્યાના સુમારે ઘોઘા સ્ટ્રીટની આસપાસનાં જૂનાં સંસ્મરણો તાજાં કર્યાં, હેરિટેજ ઈમારતોની પ્રદક્ષિણા કરી અને મુંબઈની સૌથી જૂની, હજુ પણ કાર્યરત એ એક ઈરાની બેકરીમાં ચાની સાથે બનમસ્કા અને બ્રુનપાઉંનો બ્રેકફાસ્ટ કર્યો.

આજના મુંબઈમાં પ્રાઈમ જગ્યાએ આવેલી આ પ્રોપર્ટીની કિંમત અમુક સો કરોડ હશે. જર્જરિત થઈ ગયેલી આ ઈમારત વેચીને ત્યાં કોઈ ફૅશનેબલ રેસ્ટોરાં શરૂ થાય તો ધમધોકાર ધંધો ચાલે. અત્યારે પણ બેકરીનો ધંધો તો ધમધમે જ છે. પણ ટર્નઓવર હોઈ હોઈને કેટલું હોઈ શકે? બ્રાન્ડેડ બ્રેડની સરખામણીએ સાવ અડધી કિંમતે વેચાતાં બ્રેડ તેમ જ બીજી બેકરી આયટમોમાંથી કેટલો પ્રોફિટ થાય?

આમ છતાં બેકરીના માલિક પારસી સજ્જન બાવા આદમના જમાનાનું વાતાવરણ સાચવીને બેસી રહ્યા છે. શું એમને ખબર નહીં હોય કે આટલી મોટી જગ્યા વેચી દઈએ તો એ રકમના વ્યાજમાંથી જ અત્યારે છે એના કરતાં દસ ગણી ઊંચી લાઈફસ્ટાઈલના ખર્ચા નીકળી શકે? અને આખો દિવસ કામ કરવાની મહેનતમાંથી પણ આ ઉંમરે મુક્તિ મળી જાય?

મને ખાતરી છે કે એક નહીં, અનેક વાર ભૂતકાળમાં એમને આવો વિચાર આવી ગયો હશે અને દર વખતે એમણે આ નિર્ણય લીધો હશે: ના, મારે બેકરી નથી વેચવી. વધારે પૈસા મળતા હોય તો ભલે, અત્યારે જે મળે છે તેનાથી સંતોષ છે અને રોજ સવારે છ વાગ્યે ઊઠીને દિવસ આખો બેકરીના સ્ટાફ સાથે, ગ્રાહકો સાથે, બીજા લોકો સાથે માથાઝીંક કરવી પડતી હોય તો ભલે, એ જ તો મારું કામ છે, અને મને મઝા આવે છે એમાં.

આ તો જસ્ટ એક વિચાર આવ્યો એટલે જ્યાંથી એ આવ્યો એનો દાખલો આપ્યો. બાકી બેકરી ન વેચવાના કે આ જ ધંધામાં રહેવાના એક કરતાં અનેક કારણો હોઈ શકે. આપણે એમાં નથી પડતા.

પૈસા કરતાં વધારે કામ ગમતું હોય એવા લોકો અસંખ્ય હોવાના. દરેક જણ કંઈ પૈસા પાછળ જ દોડતું હોય એ જરૂરી નથી. દરેક જણે પૈસા પાછળ જ દોડવું જોઈએ એ પણ જરૂરી નથી. મને મારું કામ એટલું ગમતું હોય કે એ કામ છોડીને મને વધારે પૈસો મળતો હોય તો એ મેળવવામાં મને રસ નથી એવું માનનારા લોકો આપણી કલ્પનામાં પણ નહીં હોય એટલી મોટી સંખ્યામાં હોવાના. પોતાને જે કામ ગમે છે તે જ કામમાંથી જો થોડા ઘણા વધારે પૈસા મળતા હોય તો સારી વાત છે પણ એ કામ હાથમાંથી લઈ લેવામાં આવે તો અત્યારે જે મળે છે એના કરતાં દસ કે પચાસ કે સો ગણી રકમ પણ નથી જોઈતી એવું માનનારાઓને કદાચ કોઈ પાગલ કહે પણ આવા પાગલોથી દુનિયા ભરેલી છે અને એમને કારણે પણ આ દુનિયા આગળ વધી રહી છે, દુનિયામાં પ્રગતિ થઈ રહી છે.

પૈસો. પૈસો. પૈસો. નાનપણથી મરી જઈએ ત્યાં સુધી પૈસાનાં ગુણગાન સાંભળીસાંભળીને, સાંભળીસાંભળીને કાન પાકી જાય છે. પૈસા કરતાં વધુ જરૂરી કામ અને કામમાંથી મળતો આનંદ છે એવું કહીએ છીએ ત્યારે તમારા ગાલ પર સણસણતો તમાચો મારવામાં આવતો હોય એમ કહેવામાં આવે છે કે આ અત્યારે તમે તમે જે ડિનર કરી રહ્યા છો તેનું બિલ પૈસા હશે તો ચૂકવવામાં કામ આવશે. તમે જે કપડાં પહેરો છો, જે ઘરમાં રહો છો, તમારા તમામ ખર્ચા એ બધું જ પૈસા હશે તો જ ભરપાઈ કરી શકશો અન્યથા ભિખારીની જેમ ફરતા રહેશો જિંદગી આખી.

તમને પૈસો કમાવવામાં જેટલો આનંદ મળે છે એના જેટલો જ કે એના કરતાં વધારે આનંદ કોઈને કામ કરવામાંથી મળી શકે છે એવું સ્વીકારવું તમારા માટે કદાચ ડિફિકલ્ટ હોય તો એટલા માટે છે કેમ કે તમને એવું કામ કરવાનું મળ્યું નથી જેમાંથી આનંદ આવે. અથવા તો લેટ્સ પુટ ઈટ બેટર – તમને ક્યારેય કામમાંથી આનંદ લેતાં આવડ્યું જ નથી, તમને કામ હંમેશાં કંટાળાજનક લાગ્યું છે. મહેનત કરવી એનો મતલબ તમારે મન ઢસરબોળો કરવો એવો છે. જે કામ એક્ઝોટિક લાગતું હોય તેમાંથી જ આનંદ મળે એવું નથી. ઓરકેસ્ટ્રાને કંડક્ટ કરવામાંથી જ આનંદ મળે અને બેકરી ચલાવવામાંથી આનંદ ન મળે એવું કોણે કહ્યું. ગિટાર વગાડવામાંથી આનંદ મળે અને ગરાજમાં મોટર રિપેર કરવામાંથી પણ આનંદ મળી શકે. કામને જો પરમાત્માનો દરજ્જો આપવાનું સૂઝે તો કોઈ પણ કામમાંથી આનંદ મળે. પરમેશ્ર્વર તરીકે જો પૈસાની સ્થાપના કરી હશે તો જિંદગી આખી પૈસો-પૈસો જ કરતાં રહેશો અને મરણ ઘડીએ પણ સાચા સંતોષથી દૂર રહેશો અને પસ્તાઈને આંખ બીડી દેશો. માટે કામ કરો, કામમાંથી મઝા શોધો, જીવનની અલ્ટીમેટ મઝા એમાંથી જ મળે છે. સંબંધો સાચવવાથી માંડીને શૉપિંગ કરવા સુધીની મઝાઓ કામની મઝા સામે ઘણી લુખ્ખી લાગશે, જો એક વખત કામની મઝાનો સ્વાદ ચાખી ગયા તો.

કોઈ મને પૂછે કે જિંદગીનો પરપઝ શું છે તો એક જ શબ્દનો જવાબ આપીશ: કામ.

જિંદગીના હેતુ વિશે એક તો કોઈ સવાલ થવો જ ન જોઈએ. જેઓ પોતાના કામમાં ગળાડૂબ ડૂબેલા હોય છે એમને ક્યારેય આવા સવાલો નથી થતા. એમને તો એવા સવાલો થાય કે આ કામને હજુ વધુ સારી રીતે કરવા માટે હું શું શું કરી શકું? આ ઉપરાંત બીજાં ક્યાં ક્યાં કામ કરું તો મારા આ કામને વધુ આગળ લઈ જઈ શકું? મારું કામ મેક્સિમમ લોકો સુધી પહોંચે, મારા કામથી વધુ ને વધુ લોકોને લાભ થાય એવું શું કરી શકું?

કામ થતું રહેશે તો પૈસા આવતા રહેશે. તમે જે કામ કરો છો તે પૈસો કમાવવા નહીં પણ તમારી જિંદગી ચલાવવા. અને પૈસો તો કામ અને જિંદગી વચ્ચેનું માત્ર એક માધ્યમ છે, લુબ્રિકન્ટ છે, એક વાયામીડિયા છે, સગવડ છે, એટલું સ્વીકારશો તો આપોઆપ પૈસાને ખબર પડી જશે કે એનું સ્થાન ક્યાં છે.

આ જિંદગી ન તો તમારાં માબાપને સાચવવા સર્જાયેલી છે, ન તમારી દીકરીને વહાલ કરવા, ન તમારા દીકરાને સારી રીતે સેટલ કરવા. આ જિંદગી ન તો તમારી પ્રેમિકા/પત્નીને પ્યાર કરવા સર્જાયેલી છે, ન સમાજમાં સંબંધો સાચવવા, ન પ્રતિષ્ઠા મેળવવા. આ જિંદગી ન તો દારૂ પીવા સર્જાયેલી છે, ન ઐય્યાશી કરવા, ન દુનિયામાં રખડપટ્ટી કરવા. આ જિંદગી શોપિંગ કરવા નથી સર્જાઈ. આ જિંદગી બાબાગુરુઓમાં ભટકી જવા માટે નથી સર્જાઈ અને આ જિંદગી સુસાઈડના વિચારો કરવા માટે પણ નથી સર્જાઈ. આ જિંદગી કામ કરવા માટે સર્જાઈ છે – આટલું જ માત્ર સમજી લો અને સ્વીકારી લો તો પછી આગળ ઉલ્લેખેલી એક પણ પ્રવૃત્તિ કરવા માટે તમારે પ્રયત્નો નહીં કરવા પડે, બધું આપોઆપ થઈ જશે. એટલે કે સુસાઈડ સિવાયનું બધું આપોઆપ ગોઠવાઈ જશે. સુસાઈડનું નહીં કારણ કે કામ કરતા હશો, ગળાડૂબ કામમાં ખૂંપી ગયા હશો તો જીવનનો આનંદ લેવામાંથી જ ઊંચા નહીં આવો, પછી આત્મહત્યાનો વિચાર ક્યાંથી આવવાનો?

કંઈ જ કહ્યા કર્યા વિના આટલો ઉમદા વિચાર મને જ્યાંથી જડ્યો તે બેકરીમાં ફરી એકવાર કોઈ વહેલી સવારે બ્રુન-મસકા સાથે ચા પીવા જવું છે.

આવવું છે?

પાન બનારસવાલા

કોઈ ઈચ્છા નું મને વળગણ ન હો,
એ જ ઈચ્છા છે હવે એ પણ ન હો.

–ચિનુ મોદી

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

22 COMMENTS

  1. I am still waiting for your comment.
    I invite you to have WADA SAMBHAR with me at MANI’S LUNCH HOME. You will realised what you have missed.

  2. મેટ્રો ની સામે આવેલી Kyani તથા રૂઈયા કોલેજ પાસે આવેલી Mani’s Lunch home ની વાત પણ એકદમ ન્યારી છે . આવો કયારેક મણિ મા મળીયે.

  3. Hi sir,
    જેમ ગિટાર વગાડતા આનંદ આવે, ડાન્સિંગ માં આનંદ આવે…તેમ કોઈને પૈસા કમાવા માટે આનંદ આવી શકે.., તે આનંદ ને નીચી નજરે જોઈએ તે બરાબર નથી….આપણને ખબર છે તેનો પણ એક નશો હોય છે, કિક હોય છે…

  4. સૌરભભાઈ, કોઈ એક દિવસ ચા – નાસ્તો કરવા ભેગા થઈએ. જગ્યા અને સમય નક્કી કરો. ઘણા ચાહકો આવશે. 👍🏻

  5. જે કામ કરતાં હોઇએ તેમાંથી આનંદ લેવો જ જોઇએ અન્યથા કામ બોઝો લાગસે.
    લેખ મઝાનો લાગ્યો.

  6. Saurabh sir, I fully agree with your views regarding money. In fact not only money but all other worldly things should become immaterial , when a person has to comromise with his ethics and principles. Otherwise,, at every step of life,, money is important.

  7. સાચે જ સર, કામને જો પસંદગીનું કામ ગણવામાં આવે તો એ કામને પૂરું કરતા પણ નથી વાર લાગતી કે નથી કોઈ એનાથી સ્ટ્રેસ અનુભવાતો. મારી દીકરીને હું કાયમ કહું છું કે બહુ કામ છે… બહુ કામ છે… એમ વિચારતા રહીએ તો કામનું ભારણ વધી જ જાય. ઉલટું, આ કામ તો મને ગમે… હમણાં ઝપાટો બોલાવી લઈશ… એવું વિચારીશ તો કામનો ભાર ક્યારેય નહીં લાગે.

  8. ખૂબ જ સુંદર અને સચોટ લખાણ. જીવનના સત્ય અને હકીકતનૂ ભાન કરાવતૂ લખાણ.

  9. એક બહુ જૂની વાત કોઈએ કરી છે -“પૈસો ભગવાન નથી પણ ભગવાનના સમ, ભગવાનથી કમ પણ નથી…”
    મારી જ વાત કરું તો અત્યારે હું જે કામ કરું છું એનાથી મને બેહદ આનંદ અને સંતોષ મળે છે. પણ પુરતા પૈસા મળતા નથી કે જેથી મારા ઘરને હું સારી રીતે ચલાવી શકું. માબાપ, દીકરીઓ અને પત્ની સમજદાર હોવાથી ‘બેઝીક નૅસેસિટી’ જેમતેમ પૂરી થઈ જાય છે. પણ વધુ સારી રીતે (લક્ઝૂરીયસ નહીં) જીવવા માટે વધુ રૂપિયા કમાવા જરૂરી છે જ. એ માટે પ્રયત્ન પણ કરું છું, ધીમે ધીમે આગળ પણ વધુ છું.
    કટ ટુ દસકા પહેલાં – હું માર્કેટિંગ મૅનેજર હતો, ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર સંભાળતો. એ કામ પણ@માર્કેટિંગનું મારું મનગમતું કામ જ હતું. દુર્ભાગ્યે શારીરિક સમસ્યાની લીધે ઘરે બેસવાનો સમય આવ્યો. વધુ એક ગમતું કામ શરૂ કર્યુ.
    અને અત્યારનું કામ ચાલે છે.
    વાત એ છે કે ગમતા કામ એક કરતાં વધુ હોઈ શકે છે અને જિંદગીમાં એક પછી એક બેઉ કરવાનું થાય ત્યારે જ ખબર પડે છે કે “ગમતાં કામો પણ એક કરતાં વધુ હોઈ શકે છે અને બેઉને સરખાવો ત્યારે જ ખ્યાલ આવે છે કે ગમતાં કામની પસંદગી પણ કરી શકાય છે -મળતા પૈસાની બાબતમાં…”
    આ બાબતે આપનું શું કહેવું છે?

  10. When we accept “work Is worship “ then all the grievances will be resolved -નહિંતો કરોડપતિને પણ પુછો તો કહે ઢસરડા કરી છીએ

  11. સૌરભ ભાઈ, તમે પતાંજલી આશ્રમ મા ચીકીત્સા લઈ આવ્યા તેને લગભગ ૯ માસ થઈ ગયા છે, તમને થયેલા ફાયદા હજુ ટકી રહ્યા છે કે કેમ એ તમારા લેખ મા ક્યારેક જણાવ શો. 🙏

  12. વાહ, શિયાળાની સવાર અને ગરમ ચા સાથે મસ્કાબન… શિયાળાનું આદર્શ શિરામણ…

  13. I am fan of this bakery. I always make sure if I am in that area I will have tea-Khari biscuit-Bun Maska Pav. I have same thought of you, why he is still continuing bakery. Once I have asked him how you feel at this age while running your store, he smiled at me and told me that I am enjoying life with my clients-staff and my counter. If you have satisfaction with whatever you have in your life money dose not matter.

    Nice article.
    -ishwar

    • I fully agree.
      બેકરી વાળા ભાઈ ભારે સંતોષી છે. પણ થોડી મૂડી દુકાને બોર્ડ બદલવામાં, થોડું ઠીકઠાક કરી વધુ ગ્રાહકોને આકર્ષે તો નફામાંથી સ્ટાફને પગાર વધારી, કે બોનસ આપીને ઉપયોગી ન થઈ શકાય?
      સંતોષ વધુ પડતો હોય તો “જૈસે થે” સ્થિતિ માં જ રહી જવાય છે! ક્યારેક આત્મવિશ્વાસ પણ ઓછો થાય છે.
      ન કરે નારાયણ ને મોટો સ્વાસ્થ્ય ને લગતો ખર્ચ આવી પડે અને ત્રેવડ ન હોય તો વધારે પડતો સંતોષ “ભૂલ” લાગવા
      માંડે એવું પણ બને!

    • I have visited it many times during my second shift at Pravasi daily. It must be your favourite too since your office of Yuvadarshan weekly was bang on the next door to Moti Mahal!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here