અરવિંદ રેવડીલાલે કરેલી લહાણીની અસર અને બીજી વાતો (કેજરીવાલની કલંકથા-૨) : સૌરભ શાહ

( ન્યુઝવ્યુઝ, Newspremi .com: ગુરુવાર, 13 ફેબ્રુઆરી 2025)

દિલ્લી વિધાનસભામાં ભાજપની જીત થઈ તે કોને આભારી ? ‘આપ’ને કે કૉન્ગ્રેસને? આવો સવાલ સોશિયલ મીડિયામાં તરતો મૂકીને એક નરેટિવ બનાવવાની કોશિશ થઈ કે આ જીત કંઈ ભાજપની નથી. વિરોધી નબળો હતો એટલે ભાજપ જીતી ગઈ.

સવાલ પૂછનારે અને એનો જવાબ માગનારે પોતાની જાતને પૂછવું જોઈએ કે :

1- ધારો કે આ ચૂંટણીમાં ભાજપે ભાગ ના લીધો હોત અને સ્પર્ધા માત્ર ‘આપ’ અને કૉન્ગ્રેસ વચ્ચે જ હોત તો શું મતદારોએ કૉન્ગ્રેસને મત આપીને કેજરીવાલની પાર્ટીને હરાવી હોત?

2- ‘આપ’ના પાપને કારણે ભાજપની જીત થઈ એવું માનનારાઓને પૂછવાનું કે તો પછી 2020ની ચૂંટણીમાં ભાજપ કેમ ના જીતી.
અને

3- ધારો કે આ ચૂંટણીમાં ભાજપની હાર થઈ હોત તો તમે વાંક કોનો કાઢતા હોત ? ભાજપનો અને મોદીનો જ. તો પછી જીત વખતે ભાજપને અને મોદીને જશ કેમ નથી આપતા ?

દિલ્લી જીતનું કારણ ‘આપ’ની નિષ્ફળતાઓ માત્ર નથી. ભાજપે આપેલી ‘મોદીની ગારંટીઓ’માં મતદારોને વધારે વિશ્વાસ છે એટલે ભાજપ જીતી. કૉન્ગ્રેસે આ ચૂંટણીમાં એક પણ ઉમેદવાર ઊભો ના રાખ્યો હોત (કે ‘આપ’ સાથે ગઠબંધન કર્યું હોત) તો પણ ભાજપ જ જીતી હોત. કયા ઉમેદવારને કેટલા મત મળ્યા તેના સરવાળા-બાદબાકીની આંકડાબાજી કરીને મુદ્દાને ગૂંચવી નાખવાને બદલે માત્ર એટલું જ સમજીએ કે આ વખતે ભાજપે જે એગ્રેસિવ બનીને ચૂંટણી લડવાનું નક્કી કર્યું તેને કારણે ભાજપની જીત થઈ. 2020ની સાલમાં ભાજપે માની લીધું હતું કે 2015 પછીનાં પાંચ વર્ષમાં દિલ્લીના મતદારોની આંખો ‘આપ’ની નિષ્ક્રિયતાને કારણે અને કેજરીવાલના ભ્રષ્ટાચારને કારણે ખુલી ગઈ હશે એટલે તે વખતે ભાજપવાળા આ વખત જેટલા એગ્રેસિવ બન્યા નહીં. કેજરીવાલ અને આપિયાઓની ગાળાગાળીને સામે ભાજપવાળા સૌમ્ય રહ્યા. આ વખતે કેજરીવાલે જ્યારે જ્યારે ભાજપને કહ્યું કે, ‘તું હરામી છે’ ત્યારે ત્યારે ભાજપે બાંયો ચડાવીને વળતો જવાબ આપતાં કહ્યું, ‘તું હરામી, તારો બાપ હરામી, તારો પાડોશી હરામી, તારું આખું ખાનદાન હરામી.’

કેજરીવાલ જેવાની તાકાતને જડમૂળથી ઉખાડી દેવા ભાજપે મહાભારતના યુદ્ધનો આશરો લઈને ભગવાન શ્રીકૃષ્ણે કૌરવોને હરાવવા પાંડવોને આપેલી ‘કપટ’ કરવાની સલાહનો અમલ કર્યો.

આમાંની એક વાત તે રેવડીની. ફ્રીબીઝની. મતદારોને લલચાવવા મફત-મફત-મફત આપવાની યોજનાઓની. જે લોકો ભાજપની ટીકા કરે છે કે ભાજપે શું કામ રેવડીઓ આપવી જોઈએ તેઓ ટૂંકી દ્રષ્ટિથી વિચારે છે. ગયા મહિને નવસારીના એક પ્રવચન પછી એક શ્રોતાએ મને જાહેરમાં રેવડી વિશે સવાલ પૂછ્યો હતો જેનો મેં જાહેરમાં જવાબ આપ્યો હતો (‘પત્રકારત્વ: કલ-આજ ઔર કલ’ વિષય પરનું એ લાંબું પ્રવચન અને પ્રવચન પછીની ખૂબ રસપ્રદ એવી પ્રશ્નોત્તરીની તડાફડીને હજુ મારી યુટ્યૂબ ચેનલ પર અપલોડ કરવાનો ટાઈમ નથી મળ્યો. મૂકીશું ત્યારે જણાવીશું.)

પ્રશ્ન પૂછનાર મહાશય મહારાષ્ટ્રની તાજેતરની ચૂંટણીમાં ભાજપે આપેલી રેવડી બાબતે મને કઠેડામાં ઊભો રાખવા માગતા હતા. બુઝુર્ગ શ્રોતાસાહેબને મેં કહ્યું કે ‘આપ’એ દસ વરસ પહેલાં દિલ્લીમાં જે રેવડી કલ્ચર શરૂ કર્યું તે વિશે કેમ નથી પૂછતા ? તેઓ કહે કે, ‘મને એ વિશે કંઈ ખબર નથી.’ ઠીક છે. એમને કર્ણાટકમાં કૉન્ગ્રેસે શરૂ કરેલા રેવડી કલ્ચર વિશે પણ ખબર નહીં જ હોય.

‘આપ’ની મતદાતાઓમાં લોકપ્રિયતાનું અને ચૂંટણીમાં જીતનું મુખ્ય કારણ ‘આપ’ દ્વારા અપાતી રેવડીઓ છે એવી સર્વવ્યાપી માન્યતા છે. આ માન્યતા સાવ ખોટી નથી, એમાં વજૂદ જરૂર છે. પણ ‘આપ’ માત્ર રેવડીઓ આપીને, મતદાતાઓને મફતિયા માલપાણી આપીને રિઝવે છે એટલે જ તે જીતે છે એવું કહેવું ગલત છે. ‘આપ’ની જીતમાં રેવડીઓ ઉપરાંત બીજી કેટલીક ખૌફનાક સ્ટ્રેટિજીઓનો પણ હાથ હતો જેની વાત આગળ જતાં કરીશું. અત્યારે રેવડીના મુદ્દે ઊંડા ઊતરીએ :

1. મતદારોને લલચાવવાના આશયથી મફત વીજળી-પાણી વગેરે આપવામાં અને પ્રજાના હિત માટે આયુષ્યમાન ભારત યોજના કે પીએમ આવાસ યોજના કે કોવિડ વખતે દર મહિને વિનામૂલ્યે રાશન આપવાની યોજનાઓમાં જમીન આસમાનનો ફરક છે.

2. રાજ્યની તિજોરી ખાલી થઈ જાય એવી યોજનાઓને કલ્યાણકારી યોજના ના કહી શકાય. 2023માં થયેલી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી વખતે કૉન્ગ્રેસે મહિલાઓને બસમાં મફત પ્રવાસ કરવા મળશે એવું વચન આપ્યું હતું. એ પછી કૉન્ગ્રેસ જીતી ગઈ. આજની તારીખે પુરુષો માટેની બસટિકિટના ભાવમાં વધારો કર્યા પછી પણ કર્ણાટક સ્ટેટ ટ્રાન્સપોર્ટ કૉપોરેશન, જે બે વર્ષ પહેલાં સારો એવો નફો કરતું હતું તે, ખોટ કરવા માંડ્યું છે. આ ખોટને ભરપાઈ કરવા કર્ણાટકની સરકારે મેટ્રો રેલની ટિકિટના ભાવમાં 50% વધારો કરવાનો વખત આવ્યો છે. આટલું ઓછું હોય એમ મતદારો પર રેવડીઓનો વરસાદ વરસાવીને સત્તા પર આવી ગયા પછી કર્ણાટકની કૉન્ગ્રેસ સરકારે વીજળીના ભાવમાં 14.5%, પાણીના ભાવમાં 30%, દૂધના ભાવમાં 15%, બિયરના ભાવમાં 45%, સરકારી કૉલેજોની ફીમાં 10% અને પુરુષો માટેના બસ ભાડામાં 10%નો વધારો કર્યો છે. કૉન્ગ્રેસનું શાસન આવ્યા પછી મહિલાઓને બસમાં મુસાફરી કરવા માટે એક રૂપિયો પણ ખર્ચ કરવો નહીં પડે એવું માનનારા મતદારો કૉન્ગ્રેસના આ જા-ફસા જા કરતબનો શિકાર બની ગયા છે.

આ જ વાત 2022માં હિમાચલ પ્રદેશ રાજ્યની વિધાનસભાની ચૂંટણી પછી કૉન્ગ્રેસનું શાસન આવ્યું ત્યારે થઈ. રાજ્યની તિજોરીઓ ખાલી થવા માંડી. રાજ્ય દેવાદાર બની ગયું. રેવડી બાંટીને સત્તા તો કદાચ મળી જાય પણ રાજ્યની આર્થિંક તાકાત રગદોળાઈ જાય તેનું શું ?

3- સમકાલીન ભારતના ઈતિહાસમાં રેવડીનું રાજકારણ ઠગસમ્રાટ અરવિંદે શરૂ કર્યું જેની માઠી અસર દિલ્લીના બજેટ પર પડી. કેન્દ્ર પાસે વણહક્કના પૈસા માગીને આ ખોટ પૂરવામાં કેજરીવાલ નિષ્ફળ નીવડે છે ત્યારે એ કેન્દ્રને ગાળો આપે છે- મોદી સરકાર અમને પૂરતી સહાય નથી આપતી, એલજી હમેં કામ નહીં કરને દેતેજી. પિતાએ કૉલેજની ફી ભરવા માટે દીકરાને પૈસા આપ્યા હોય તે રકમ દીકરો પોતાના દોસ્તારો બહેનપણીઓને પાર્ટી આપવામાં વાપરી કાઢે અને બીજે દિવસે બાપા પાસે ફરી ફીના પૈસા માગે ત્યારે બાપા એની પૂજા કરે કે એને ધમકાવે ? આ ઝઘડો સાંભળનારા પાડોશીઓને તો એમ જ લાગવાનું છે કે કેવો નિકમ્મો બાપો છે જે પોતાના સંતાનને કૉલેજની ફી ભરવાના પૈસા નથી આપતો- ભણાવવાની ત્રેવડ ના હોય તો લોકો છોકરું પેદા શું કામ કરતા હશે એવું જ પાડોશી વિચારે ને. કેજરીવાલે હંમેશાં આવું ત્રાગું કરીને બિકાઉ મીડિયા દ્વારા આપણને કહ્યું છે કે મોદી સરકારના અસહકારને લીધે દિલ્લીનો વિકાસ થતો નથી, યમુના સાફ થતી નથી, દિલ્લીની ગલીઓમાંથી કચરો સાફ થતો નથી, આરોગ્યવ્યવસ્થા આગળ વધતી નથી, શિક્ષણ માટે આર્થિક સહાય મળતી નથી. હકીકત એ છે કે આયુષ્યમાન ભારત યોજના જે આખા દેશ માટે છે તેને કેજરીવાલે દિલ્લીમાં લાગુ પડવા દીધી નથી. મમતા બેનર્જીએ બંગાળમાં પણ લાગુ પડવા દીધી નથી. આ બેઉ નિક્કમા અને ભ્રષ્ટ મુખ્યમંત્રીઓને કેન્દ્ર તરફથી મળનારી સહાય પ્રજાના બૅન્ક અકાઉન્ટમાં સીધી જમા થાય તેને બદલે રાજ્યની તિજોરીમાં જમા થાય એમાં રસ હતો/ છે જેથી આ સહાય આપનાર મોદી સરકાર નથી પણ રાજ્ય સરકાર છે એવો પ્રચાર કરીને પોતાની વોટ બૅન્કને ખુશ કરી શકે. દિલ્લીમાં હજારો ફ્લૅટ્સ કેન્દ્ર સરકારની એક અન્ય યોજનાની સંયુક્ત સહાયથી બનીને ક્યારના તૈયાર છે પણ આ યોજનાને ‘મુખ્યમંત્રી આવાસ યોજના’ નામ આપવાની કેજરીવાલની જીદને લીધે એ ફ્લૅટ્સ લાભાર્થીઓને અપાયા નથી.

4. કર્ણાટકના ઘણાં વર્ષ પહેલાં દિલ્લીમાં કેજરીવાલે મહિલાઓ માટે બસપ્રવાસ મફત કર્યો હતો જેને પરિણામે નવી બસો ખરીદવાનું બધું બજેટ વપરાઈ ગયું. આને કારણે દિલ્લીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની પરિસ્થિતિ ખાડે જતી રહી છે.

5. હવે વાત ભાજપ તરફથી અપાતી રેવડીઓની. 2024માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને એના સાથી પક્ષોની જીતમાં ‘લાડલી બહના યોજના’એ પણ ભાગ ભજવ્યો. કૉન્ગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેના પક્ષે મતદારો માટે કેજરીવાલ ટાઈપની ઘણી રેવડીઓનું પ્રોમિસ આપ્યું જેની સામે ભાજપે ‘લાડલી બહના યોજના’ મૂકવી પડી અને જેનો ફાયદો પણ ભાજપને થયો.

હવે જે આંકડા આપું છું તે માત્ર મુદ્દો સમજવા માટેના છે, કપોળ કલ્પિત છે. ધારો કે, ‘લાડલી બહના યોજના’ હેઠળ મહારાષ્ટ્રની દરેક મહિલા મતદારને દર મહિને રૂ. 1,250 કે રૂ. 1,500 કે રૂ. 2,100 આપવાને લીધે મહારાષ્ટ્ર સરકારની તિજોરી પર વરસે દહાડે રૂ. 20,000 કરોડનો બોજો પડે છે. મહારાષ્ટ્ર સરકાર રૂ. 6,00,000 કરોડના બજેટમાં રાજ્ય માટે 25 કલ્યાણકારી યોજના કરવાની છે. ‘લાડલી બહના યોજના’ને કારણે હવે મહારાષ્ટ્રમાં 25ને બદલે 24 કે 23 કલ્યાણકારી યોજનાઓ થશે- જો બીજી જગ્યાએથી રેવન્યુ નહીં આવે તો. પણ માની લઈએ કે નેક્સ્ટ પાંચ વર્ષ દરમ્યાન મહારાષ્ટ્રમાં પાંચેક ટકા કલ્યાણનાં કામ ઓછાં થશે. હવે ઈન્ટરેસ્ટિંગ વળાંક આવે છે. કૉન્ગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે-શરદ પવારની મથરાવટી મેલી છે કારણ કે આ સૌનો ભૂતકાળ બોલે છે. કૉન્ગ્રેસના ભૂતપૂર્વ વડા પ્રધાને કહ્યું હતું કે હું દિલ્લીથી રૂપિયો મોકલું છે અને નીચે સુધી પહોંચે છે માત્ર પંદર પૈસા.

વિપક્ષના ભ્રષ્ટ રાજકારણીઓને બજેટમાં જે પૈસા મળે છે તેમાંની માંડ દસ-પંદર ટકા રકમ જ પ્રજાના હિત માટે, રાજ્યના વિકાસ માટે કે દેશના ભલા માટે વપરાય છે એવો સૌનો અનુભવ છે. ચારાચોર લાલુથી માંડીને ટુજી સ્કેમ સુધીનાં કૌભાંડો વિષે એક આખો એન્સાઈક્લોપીડિયા લખાય.

કોવિડ દરમ્યાન ઉદ્ધવની સરકારે ‘નેસ્કો’ કંપની સંચાલિત ગોરેગાંવ-ઇસ્ટના વિશાળ ‘બૉમ્બે એક્ઝિબિશન સેન્ટર’ માં જંગી ટેમ્પરરી હૉસ્પિટલ સ્થાપી. આ હૉસ્પિટલ શરૂ કરવા માટે સેંકડો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો (સાતસો રૂપિયાની ચાદર માટે મહિને 800 રૂપિયાનું ભાડું અપાયું.)

ભાજપની મથરાવટી ચોખ્ખી છે. મોદી અને એમની ટીમ ભ્રષ્ટાચારથી મુક્ત છે. મોદીએ કરોડો ઝીરો બેલેન્સ અકાઉન્ટ ખોલાવ્યાં, આધાર કાર્ડ યોજના બનાવી અને યુપીઆઈની પેમેન્ટ પદ્ધતિ દાખલ કરી. આને પરિણામે કરોડો ભૂતિયા, બેનામી માણસો લાભાર્થીઓની યાદીમાંથી હટી ગયા અને કોઈ વચેટિયાના હાથમાં મૂકાયા વગર મદદનો એકેએક રૂપિયો લાભાર્થીના બૅન્ક ખાતામાં ડાયરેક્ટ જમા થયો. (પીએમ આવાસ યોજનાના લાખો લાભાર્થીઓનાં નામોમાંથી વડા પ્રધાન રેગ્યુલરલી રેન્ડમ નામ પસંદ કરીને લાભાર્થી સાથે ફોનથી વીડિયો મોડ પર વાત કરીને પૂછે છે કે: ‘તમારે કોઈને ‘ખુશ’ કરવા પડ્યા તો નથી ને ? તમારું ઘર બતાવો મને…’ આને કારણે સિસ્ટમના એકએક પગથિયાના માણસો સતર્ક રહેતા થઈ ગયા છે કે ક્યાંક જો નાનીમોટી લાંચ લીધી તો એનું આકરું પરિણામ ભોગવવું પડશે.)

વિપક્ષની રેવડી નીતિની સામે ભાજપ સતનું પૂતળું થઈને નક્કી કરે કે ‘ના, અમે તો આવી રેવડી-ફેવડીમાં માનતા નથી, આ રીતે મતદારોને લલચાવવાના ના હોય’ અને ચૂંટણીનું પરિણામ ભાજપ તરફી ના આવે, ઉદ્ધવ-શરદ પવાર વગેરેના હાથમાં સત્તા જતી રહે તો શું થાય ? 25 કલ્યાણકારી યોજનામાંથી એક-બેની બાદબાકી થવાને બદલે પચ્ચીસે પચીસ યોજનાના પૈસા આ હરામખોર રાજકારણીઓના પોતાના, એમના મળતિયાઓના, દલાલોના અને અમુક સરકારી અધિકારીઓના ગજવામાં જતા રહે. પ્રજાના ભાગે રૂપિયામાંથી માંડ પાંચ-દસ-પંદર પૈસાનું પરચૂરણ આવે.

આગળ કહ્યું એમ ભાજપે મહાભારતમાં ભગવાન કૃષ્ણે અપનાવેલી ‘કપટ’ નીતિ અપનાવીને પણ સત્તા મેળવવી જ પડે, કૌરવોને હરાવીને ભારતવર્ષને બરબાદ થતું રોકવું જ પડે.

6. દિલ્લી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમ્યાન કેજરીવાલે મતદારોને કહ્યું કે ભાજપ સત્તા પર આવશે તો અમે જે કંઈ મફત આપીએ છીએ તે બધું તમારી પાસેથી છીનવાઈ જશે અને દર મહિને તમારા ઘરખર્ચમાં દસ-વીસ-પચીસ હજારનો વધારો થઈ જશે.

કેજરીવાલના આ અપપ્રચારની સામે તરત જ ભાજપે હુકમનું પત્તુ ફેંક્યું. ખુદ વડા પ્રધાન મોદીએ પ્રચાર-રેલીઓમાં કહેવા માંડ્યું કે અત્યારે દિલ્લીના મતદારોને જે કંઈ (મફત) યોજનાઓનો લાભ મળે છે તે બધી જ ચાલુ રહેશે. એટલું જ નહીં અમે આયુષ્યમાન ભારત યોજના દિલ્લીમાં પણ દાખલ કરીશું જેને કારણે દિલ્લીના નાગરિકોને દેશના બીજાં રાજ્યોના નાગરિકોની જેમ બીમારીમાં રૂ. પાંચ લાખ સુધીની હૉસ્પિટલની સારવાર માટે કોઈ ખર્ચ નહીં થાય (આયુષ્યમાન ભારત યોજનામાં દર્દી સરકારી હૉસ્પિટલને બદલે સારામાં સારી પ્રાઈવેટ હૉસ્પિટલમાં એક રૂપિયો પણ ભર્યા વિના સારવાર માટે ઍડમિટ થઈ શકે છે એની તમને ખબર છે.)

આ ઉપરાંત ભાજપે અન્ય ‘રેવડીઓ’ પણ આપી—દિલ્લીની પ્રજાને દસ-દસ વર્ષથી રેવડી કલ્ચરની આદત પડી ગઈ હતી એટલે.

પરિણામ શું આવ્યું ? ભાજપની જીત થઈ. દાયકા જૂના ભ્રષ્ટ શાસનનો અંત આવ્યો.

રેવડીપુરાણ અહીં સંકેલી લઈએ. કેજરીવાલની પાપી પાર્ટીની જીત માત્ર રેવડીઓને કારણે નહોતી થતી અને ભાજપની જીત પણ માત્ર રેવડીને કારણે નથી થઈ. તો આ બંને પાર્ટીઓની જીતમાં બીજાં ક્યાં ક્યાં કારણો હતાં તેની ચર્ચા આગળ જતાં કરીશું.

તાજા કલમ: આ લખાય છે ત્યારે સુપ્રીમ કોર્ટે રેવડી કલ્ચર સામે વાંધો ઉઠાવ્યો છે. સુપ્રીમ કોર્ટ જો રેવડીઓ પર પ્રતિબંધ લાદે તો સારું જ છે. ઉદ્ધવ-શરદ-કેજરીવાલ જેવાઓ રેવડી આપીઆપીને ચૂંટણીના રિઝલ્ટને પોતાના તરફ વાળતાં અટકે. આવું થશે તો તે ભાજપને પણ ગમશે. ભાજપે પણ આ લોકોને હંફાવવા રેવડીઓ નહીં આપવી પડે. ભાજપ એ જ તો ઇચ્છે છે. પેલા લોકોની સામે લડવા માટે ભાજપ પાસે એક નક્કર મુદ્દાઓ છે, નક્કર યોજનાઓ છે અને તે પણ એવી યોજનાઓ જે ભારતના ટૂંકા, મધ્યમ તેમ જ લાંબા ગાળાના ભવિષ્ય માટે કલ્યાણકારી હોય.

(ક્રમશ:)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here