કચરો માલને ભંગારમાં પધરાવી દેવાને બદલે એને પ્રીમિયમ ભાવે વેચીને લોકોને ઠગવાની કળા

સન્ડે મોર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : રવિવાર, 11 નવેમ્બર 2018)

‘ગાઈડ’નાં ગીતોની વાત અઠવાડિયું મુલતવી રાખીએ, કારણ કે ‘ઠગ્સ ઑફ હિન્દુસ્તાન’ જેવી મૂવી તમને વિચારતા કરી દે છે કે આ દુનિયામાં શું પૈસો કોઈ પણ ભોગે ઉસેટી લેવાનો હોય? લોકોને ઉલ્લુ બનાવવાના ઊંધા ધંધા રેપ્યુટેડ કંપનીઓ કરતી થઈ જાય તો નાના માણસો પર એની શું અસર પડે?

સમાચાર છે કે અત્યાર સુધી કોઈ હિન્દી ફિલ્મે રિલીઝના પ્રથમ દિવસે નથી કર્યો એટલો મોટો ધંધો છેલ્લા દાયકાની કચરામાં કચરો એવી ફિલ્મ ‘ઠગ્સ ઑફ હિન્દુસ્તાન’એ કર્યો છે. આ ભંગાર ફિલ્મે પહેલા જ દિવસે રૂપિયા ૫૦ કરોડથી વધુ રકમ હિન્દુસ્તાનના લોકોને ઠગીને ઘરભેગી કરી દીધી છે. જે ફિલ્મને તમે પહેલી વીસ મિનિટ જોઈને ઘરભેગા થઈ જવા માગતા હો તે ફિલ્મ લોકોને ઠગીને માત્ર માર્કેટિંગના જોરે પહેલા દિવસે પચાસ કરોડનો ધંધો કરે છે તે પુરવાર કરે છે હિન્દુસ્તાનમાં હજુ ઠગ લોકો વસે છે જે ભોળા પ્રેક્ષકોના ગળામાં રૂમાલ બાંધી એની ગાંઠ વાળી એમને ઊંઘતા ઝડપીને એમના ખિસ્સામાંથી ટિકિટના દોઢા ભાવ પડાવી જાય છે. ઠગોના સરદાર જેવા આ ફિલ્મના ડિરેક્ટર વિજય કૃષ્ણન આચાર્ય પહેલા દિવસની કમાણી જોઈને મનોમન રાજી થાય છે કે હિન્દુસ્તાનના લોકો કેવા ઠગાઈ ગયા અને પછી પબ્લિકમાં સ્ટેટમેન્ટ આપે છે કે ‘આ ફિલ્મ દોસ્તો અને કુટુંબીઓ સાથે જોવા જેવી ફિલ્મ છે, મસાલા એન્ટરટેઈનર છે. લોકોએ આ ફિલ્મ જોઈને અમારા પર જે પ્રેમ વરસાવ્યો છે તે જોઈને અમે ગદગદ થઈ ગયા છીએ.’ 

ગદગદ માય ફૂટ. લોકો એ ફિલ્મ જોઈને આવડી તે આવડી સંભળાવી છે તમને. એવરી વન હેઝ ફેલ્ટ બીઈંગ ચીટેડ બાય યુ, પણ અહીં ફિલ્મની કક્ષા વિશે વધારે ટિપ્પણી નથી કરવી, લોકોને સબસ્ટાન્ડર્ડ માલ વેચીને કમાણી કરવાની માનસિકતા વિશે વાત કરવી છે. 

તમે ફિલ્મ બનાવતા હો, રેસ્ટૉરાંમાં ખાવાનું વેચતા હો, મૉલમાં શૂઝ વેચતા હો કે પછી પુસ્તકો પ્રગટ કરતા, ફલેટો વેચતા હો, કપડાં મેન્યુફેક્ચર કરતા હો કે પછી કોઈ પણ ચીજવસ્તુને બજારમાં મૂકતા હો – તમને ખબર હોય છે કે તમે કેવો માલ બનાવ્યો છે. મેન્યુફેક્ચર પોતે કે એ માલ વેચનાર ડિસ્ટ્રિબ્યુટર, હોલસેલર, એજન્ટ કે ઈવન સેલ્સમૅન આમાંની દરેક વ્યક્તિ સારી રીતે જાણતી હોય છે કે પોતે જે વેચી રહ્યા છે તે માલની ગુણવત્તા કેવી છે. ઊંચી ક્વૉવિટીના માલના વધારે પૈસા લઈને ઝડપથી કમાણી કરવાની નીતિરીતિ કોઈએ અપનાવવી હોય તો ભલે અપનાવે. હું નથી માનતો કે આવી નીતિરીતિ લાંબી ચાલે, પણ આ બાબતમાં આપણે ઘણી વાર ખોટા પડ્યા છીએ. એપલના આઈ ફોન કે કૉમ્પ્યુટર્સની ક્વૉલિટી સુપર્બ હોય છે નો ડાઉટ અબાઉટ પણ એની કિંમત આ ક્વૉલિટીના માલ માટે જેટલી હોવી જોઈએ એના કરતાં સારી એવી ઊંચી હોય છે. આવું જ કપડાં, શૂઝ, ફ્રેગરન્સીસ, કાર જેવી ઘણી આયટમોમાં હોય પણ કિંમત આસમાની હોય જે મિડલ ક્લાસ માટે ‘કૉસ્ટલી’ અને અપર ક્લાસ માટે ‘એક્સપેન્સિવ’ હોય. આવી નીતિરીતિમાં આપણે ભલે ન માનતા હોઈએ (હું મારો ક્વૉલિટી માલ રિઝનેબલ ભાવે જ વેચાવો જોઈએ એવું માનું છું, છાપરું ફાડીને એના પૈસા ન લેવા જોઈએ), પણ બીજાઓ જો એ રીતે માનીને સફળ થતા હોય તો એ એમનો વિષય છે, આપણાથી એ વિષયમાં એમને જ્ઞાન આપવા ન જવાય. 

વાંધો એ લોકો સામે છે જેઓ કચરો માલ બનાવ્યા પછી એને ભંગારમાં કાઢવાને બદલે એના પર રૂપાળું પેકિંગ ચડાવીને એને માર્કેટિંગ ડિસ્ટ્રિબ્યુશન તથા ગુડવિલના જોરે પ્રીમિયમ ભાવે વેચવામાં સફળ નીવડે છે, જેવું ‘ઠગ્સ ઑફ હિન્દુસતાન’માં થયું. 

અલ્ટીમેટલી આવો ટ્રેન્ડ બજારમાં ખોટો પ્રિસિડન્ટ ઊભો કરે છે. તમે નબળો માલ બનાવ્યો હોય તો ખોટ સહન કરીને એ માલને નુકસાનીમાં વેચીને સારો માલ બનાવવા મહેનત કરવી જોઈએ, નવી સિસ્ટમો ગોઠવીને જોઈએ, નવા ટેલન્ટેડ લોકો પાસે કામ કરાવવું જોઈએ. એને બદલે આપણે દાખલો શું બેસાડીએ છીએ? માલ નબળો છે? કોઈ વાંધો નહીં, હજુ થોડા પૈસા ઈન્વેસ્ટ કરીને જોરદાર માર્કેટિંગ કરો. માર્કેટિંગના પૈસા રિકવર કરવા માલની કિંમત વધારીને એ પ્રીમિયમ માલ છે એવી છાપ ઊભી કરો. લોકો ઠગાવાના જ છે. બજારમાં સારા માલના વેચાણને અટકાવીને તમારો નબળો માલ પ્રીમિયમ ભાવે વેચી કાઢો. બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે આવી માનસિકતાથી. ‘બધાઈ હો’ જેવી સુપર્બ ફિલ્મ સડસડાટ ચાલ્યા કરતી હતી તે કેટલાય સ્ક્રીન્સ પરથી ઊતરી ગઈ જેનો ધંધો ઠગ લોકોએ પડાવી લીધો. ‘બધાઈ હો’ જેવો માલ બનાવનારા કોઈપણ બજારના ટેલન્ટેડ લોકોનો બિઝનેસ ઠગ લોકો પડાવી જાય છે ત્યારે બીજું પણ એક નુકસાન થાય છે. ભવિષ્યમાં માલ બનાવનારાઓ માલની ક્વૉલિટીની ઝાઝી ચિંતા નહીં કરે. એમને ખબર છે કે ક્વૉલિટી ઠગ લોકોએ બનાવેલા માલ જેવી ‘સી’ ગ્રેડની પણ હશે તો અમે માર્કેટિંગ, મૉનોપોલી અને ડિસ્ટ્રિબ્યુશનના જોરે મલાઈ તારવી જ લેવાના છીએ. આ બહુ ભયંકર પ્રિસિડન્ટ પડે છે. 

પૈસો જ્યારે પરમેશ્ર્વર બની જાય અને તમે પૈસાના દાસ બની જાઓ ત્યારે કેવું પરિણામ આવે તે તમે ‘ઠગ્સ ઑફ હિન્દુસ્તાન’ના દાખલા પરથી જોઈ લીધું. હવે તમારે નક્કી કરવાનું છે કે જિંદગીમાં તમારે શું કરવું છે: લોકોના ગળામાં એક ચોક્કસ રંગનો રૂમાલ નાખીને એની ગાંઠ વાળવાનો ધંધો કરવો છે કે પછી તમારો માલ પસંદ પડ્યા પછી લોકો તમને ‘બધાઈ હો’ ‘બધાઈ હો’ કહેતા દોડતા આવે એવાં કામ તમારે કરવા છે. નૅક્સ્ટ વીક ‘ગાઈડ’નાં ગીતોની બાકીની વાત.

કાગળ પરના દીવા

પોસ્ટર ચિપકાનેવાલા ભી કૈસા ગઝબ ઢા ગયા… કૉન્ગ્રેસ કે સારે નેતાઓં કે બંગલે કે બાહર ‘ઠગ્સ ઑફ હિન્દુસ્તાન’ કા પોસ્ટર ચિપકા ગયા. 

– વૉટ્સએપ પર વાંચેલું.

સન્ડે હ્યુમર

બકો: મારી પેન ડ્રાઈવને હવે કૉન્ગ્રેસની ટિકિટ મળી શકશે.

પકો: પેન ડ્રાઈવને? કેવી રીતે? 

બકો: એ કરપ્ટ થઈ ગઈ છે.

6 COMMENTS

  1. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ગાઇડના ગીતો ની સિરીઝમાંનો એક રવિવાર પણ ખાઇ ગયો…..

  2. સરસ વાત ઠગ લોકો ને ઠગવાનો કીમિયો હોવો જોઈએ..

    • Sir,
      Very nice point about THOGS OF HINDUSTON.

      Have u never felt same thing regarding NARENDRA MODI??.

  3. Thanks for changing the background to white.

    Aa mentality /trick lagbhag 10 varas thi chale chhe… Past reputation and marketinf na basis per aa loko films veche chhe, fesrival vakhate theatres wholesale ma block kare chhe ane tickets na bhav game em vadhare kadhe chhe..

    Tame babu perfectly aa highlight karyu…

  4. I haven’t seen movie.
    I think, cheater people can get success when someone give them chance.
    कोई हमें तब ठग सकता है जब हम गाफेल रहे।
    If public is aware n alert…..if public is enough sensible to understand what is right and what is wrong…..if public do not run blindly after one another……no one can cheat them
    Can’t blame thag people only!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here