જે સફળ થાય છે તેની જ નિષ્ફળતાનું મૂલ્ય હોય છે: સૌરભ શાહ

(તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૩ મે ૨૦૨૦)

બે વાનગી સારી બનાવતાં આવડી ગયું તો તમે સંજીવ કપૂર નથી થઈ જતા. કોઈની સચોટ મિમિક્રી કરતાં આવડી ગયું તો તમે રાજુ શ્રીવાસ્તવ નથી થઈ જતા. એ જ રીતે બે સારા વિચારો કરવાથી તમે વિચારક નથી બની જતા. સંગીત, ચિત્રકળા, લેખન કે પછી કોઈ પણ ક્ષેત્રને લગતા ગુણના છાંટા દરેક વ્યક્તિમાં ક્યાંકને ક્યાંક હોવાના. એ ગુણને વિકસાવવા કઠોર તપસ્યા કરી હોય, આખી જિંદગી ખર્ચી કાઢી હોય તો જ તમે લતા, બચ્ચન કે સચિન બની શકો છો. ક્યારેય એવા વહેમમાં રહેવું નહીં કે ધાર્યું હોત તો હું આ બની શક્યો હોત કે મેં આ કરી લીધું હોત. તમે એની પાછળ જિંદગી ખર્ચવાનું ધાર્યું નહોતું એટલે જ તમે અત્યારે એ નથી. અને તમે ધાર્યું નહોતું એનું કારણ શું?

અનેક કારણો હોઈ શકે. તે વખતે તમને આ વિકલ્પ બહુ પ્રોમિસિંગ નહીં લાગ્યો હોય, બીજો વિકલ્પ વધારે આકર્ષક લાગ્યો હશે. શક્ય એ પણ છે કે અંદરથી તમને ખબર હતી કે આવી કઠોર તપશ્ચર્યા કરવાનું તમારું ગજું નથી, તમારે જે કંઈ મળે તે ઝટપટ અને વહેલુંવહેલું ઘરભેગું કરી લેવું હતું. શક્ય એ પણ છે કે તપશ્ચર્યા કરવા તમારે બીજું ઘણું બધું છોડી દેવું પડે એમ હતું પણ તે વખતે તમારા એવા સંજોગો નહોતા કે તમે એ બધાં આકર્ષણો – જવાબદારીઓ – લાલચો – સપનાંઓ છોડી શકો. શક્ય એ પણ છે કે તમને ડર હતો કે હું કઠોર સાધના કરવા નીકળી પડીશ તો લોકો શું કહેશે, મિત્રો-સગાં-કુટુંબીઓ શું કહેશે, મને સાચવી લેનારાઓ કે મને હૂંફ આપનારાઓ શું કહેશે. બૅન્કમાં નોકરી લેવાને બદલે કોઈ ઉસ્તાદ તબલાંવાદક પાસે જઈને રોજના બાર-બાર કલાક રિયાઝ કરવો છે એવો નિર્ણય લઈશ તો મારી સામાજિક-આર્થિક સપોર્ટ સિસ્ટમો સાચવનારા મારા સ્નેહીઓ મારાથી દૂર થઈ જશે અને એટલે એ વખતે મેં મારું ધાર્યું કરવાને બદલે અત્યારે જે છું તે બનવાનો નિર્ણય લઈ લીધો.

બે વાત સમજવાની – જિંદગીમાં પ્રસન્ન રહેવું હોય તો. પોતાના ભૂતકાળને ક્યારેય કોસવાનો નહીં. બધું જ સ્વીકારી લેવાનું. જે કંઈ ભૂલો કરી, અપમાનો સહન કર્યાં, બીજાનાં અપમાનો કર્યાં, ગુસ્સો સહન કર્યો, બીજાને ગુસ્સો કર્યો, ભલુંબૂરું સાંભળ્યું – સંભળાવ્યું બધું જ સ્વીકારી લેવાનું. જો તેનો સ્વીકાર નહીં કરો તો આ બધું વારંવાર ખટક્યા કરશે, વારંવાર યાદ આવ્યા કરશે. સ્વીકારી લેશો તો ભૂલી જવામાં મદદરૂપ થશે. જે કંઈ થઈ ગયું છે તેનો સ્વીકાર જ હોય. જે નથી થયું તે કરવું કે નથી કરવું એનો નિર્ણય તમારા હાથમાં છે પણ જે થઈ ગયું છે તે કરવું છે કે નથી કરવું એનો નિર્ણય હવે કેવી રીતે લઈ શકાવાનો છે. માટે જ ભૂતકાળના જે કંઈ સારાખોટા બનાવો હોય તે સૌનો સ્વીકાર, સ્વીકાર અને સ્વીકાર. સ્વીકારી લેવાથી ભૂલી જવાશે અન્યથા આમ કર્યું હોત તો તેમ થયું હોત એવા વિચારોમાં વર્તમાન અટવાઈ જશે. તમે પાછળ જઈને આમને બદલે તેમ તો કરી શકવાના નથી. તો પછી એવા વિચારો કરીને શું કામ દુઃખી થવાનું, બીજાને દુઃખી કરવાના અને તમારા સહિત સૌનો વર્તમાન વેડફવાનો.

બીજી વાત. ઘણી ભૂલો કરી છે, થોડી વધારે કરીશ – આ જીવનમંત્ર હોવો જોઈએ. સમજી વિચારીને જીવવું નથી કારણ કે સમજી વિચારીને જીવાતું નથી, બેફામ જીવાય છે. મઝા આવે કે ન આવે, બેફામ બનીને જ જીવવું પડતું હોય છે. અગાઉના નિર્ણયોના સારાખોટાપણા કે વાજબીપણાના પરિણામના આધારે નવા નિર્ણયો થતા નથી. જિંદગીનો પ્રત્યેક નવો નિર્ણય, પહેલી વાર જમીન પર મૂકાતું પ્રથમ પગલું છે. દરેક નવો નિર્ણય કરવાનો આવે છે તેમાં ભૂતકાળનો અનુભવ કામ નથી લાગતો. કારણ કે દરેક નવા નિર્ણય વખતે પરિસ્થિતિ અલગ હોય છે, વ્યક્તિ અલગ હોય છે, તમારી પોતાની માનસિકતા અલગ હોય છે.

સફળ વ્યક્તિઓની નિષ્ફળતાના દાખલા ટાંકીને તમારી નિષ્ફળતાઓને વાજબી ઠેરવવાની કોશિશ ક્યારેય નહીં કરતા. એ લોકો સફળ થયા એટલે એમની નિષ્ફળતાનું મૂલ્ય છે. તમે સફળ થશો તો અને ત્યારે તમારી નિષ્ફળતાઓની વેલ્યુ થશે જે અત્યારે ઝીરો છે.

આપત્તિઓ તો આવ્યા કરવાની. એવા સમયે તમે તમારી જાતને કેવી રીતે હૅન્ડલ કરો છો તેના પર તમારું માપ નિકળે છે. સિંહ ભૂખ્યો હોય તો પણ ઘાસ કેમ નથી ખાતો? માત્ર સ્વમાનને કારણે? ના. ભૂખના જોરની સામે સ્વમાનનું મહત્વ કંઈ નથી. સિંહ (જેવી પ્રકૃતિ ધરાવતા માણસો) સમજે છે કે જીવનની આપત્તિઓમાં ક્ષુલ્લક બાબતોથી જગ્યા ભરાઈ જશે તો ખરેખર જે મૂલ્યવાન છે તેના માટે જગ્યા નહીં રહે. એટલે જ એ કપરા સમયમાં ક્ષુલ્લક વ્યક્તિઓ, ક્ષુલ્લક કામ, ક્ષુલ્લક ટાઈમપાસ વગેરેથી દૂર રહે છે. ઘાસથી આકર્ષાયા વિના, પોતાની ભૂખને કસોટીનો કાળ ગણીને જે સહન કરે છે તેને જ વખત જતાં પૌષ્ટિક ભોજન નસીબ થાય છે અન્યથા એક વખત જો ઘાસ ખાઈને પેટ ભરી લેવાની વૃત્તિ થઈ ગઈ તો એ ટેવ તમને આખી જિંદગી ઘાસ જ ખવડાવ્યા કરશે.

બાબાગુરુઓ, ઉપદેશકો, મોટિવેટરો તથા તથાકથિત્‌ ચિંતકો તમને ઊંધા રવાડે ચડાવીને આ જીવનનો હેતુ શું છે એવા સવાલના રવાડે ચડાવી અટપટી ગલીઓમાં લઈ જઈને ભૂલા પાડી દે છે. જીવનનો હેતુ બહુ સાદો-સીધો-સ્પષ્ટ છે. કુદરતે આ હેતુ તમારા ડિફૉલ્ટ સેટિંગ તરીકે મૂકી આપ્યો છે. એને રિસેટ કરીને કે અનઈન્સ્ટૉલ કરીને કુદરતની વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવાની કોઈ જરૂર નથી. જીવનનો હેતુ જીવનનિર્વાહ થાય એટલું કમાવવાનો છે અને એ કમાણી એવી પ્રવૃત્તિમાંથી કરવી જે પ્રવૃત્તિથી બીજાને નુકસાન ન થાય અને શક્ય હોય તો પોતાને એ પ્રવૃત્તિ કરતાં મઝા આવે.
ઉપરનું વાક્ય ફરી વાંચી જાઓ. ફરી ફરી વાંચી જાઓ. ધેટ્‌સ ઑલ. નથિંગ મેટર્સ. જીવનમાં આ સિવાય બીજું કોઈ લક્ષ્ય, ધ્યેય હોઈ શકે જ નહીં. આની બહારનાં કોઈ સપનાં, ઈર્ષ્યા, સ્પર્ધાને પણ જીવનમાં સ્થાન નથી. જીવનમાં કોઈ રહસ્યો છુપાયેલાં નથી. કુદરતે બધું ઉઘાડું રાખ્યું છે, તમને દેખાય પણ છે. જીવનનાં રહસ્યો ઉકેલી આપવાની કોઈ વાત કરતું હોય તો તે ફ્રૉડ છે એવું સમજજો. જે છે જ નહીં એને શોધાય કેવી રીતે? કુદરતે જે પ્રશ્ન સર્જ્યો જ નથી એનો ઉકેલ મેળવવાની ઈન્ડસ્ટ્રી ચલાવતા ઉદ્યોગપતિઓથી દૂર રહીને માત્ર એટલો જ સંકલ્પ કરવાનો કે આજે આખો દિવસ મારે પ્રસન્નતાથી કામ કરવું છે જેથી આવતીકાલે મને એક પ્રસન્ન સ્મૃતિ મળે.

જીવનની સાર્થકતા એમાં નથી કે મરતાં પહેલાં ધાર્યું બધું જ પાર પડે. મરતી વખતે થોડાં કામ અધૂરાં રહી જવાં જોઈએ, જીવન થોડું વ્યવસ્થિત કરવાનું બાકી રહેવું જોઈએ તો જ તમે જીવનની છેલ્લી ઘડી સુધી પ્રવૃત્ત હતા એવું લેખાશે. અંગ્રેજીમાં જેને ડાઈંગ વિથ બૂટ્‌સ ઑન કહે છે એની સાર્થકતા તમે પામી શકશો. જીવનમાં હવે કશું કરવાનું બાકી નથી, જે કરવાનું છે તે બધું કરી લીધું છે એવું વિચારીને બે હાથ જોડીને તમે નિવૃત્ત પળો વીતાવતા હો ત્યારે તમે જીવતા છો કે નથી જીવતા – કોઈને કશો ફરક પડતો નથી. મૃત્યુનું આગમન ત્યારે જ તમારી શોભામાં અભિવૃદ્ધિ કરે જ્યારે તમે ભરપૂર જીવી રહ્યા હો.

પાન બનાર્સવાલા

તુલસી વહાં ન જાઈએ
જહાં બાપ કો ગામ,
દાસ ગયો તુલસી ગયો
રહ્યો ‘તલસિયો’ નામ!

-એક જૂની ગુજરાતી કહેવત

15 COMMENTS

  1. Hello Saurabh Bhai
    I totally agree with Hasit Mehta, your thoughts must be published in English to
    larger young audience who unfortunately
    doesn’t able to read Gujarati .
    Hope you will look in to the same for
    betterment of younger and future generation of Universe.
    With Respectable Regards.
    Jitendra R. Baldev.

  2. વાહ ક્યાં બાત હૈ સાહેબ…સૌરભ ભાઈ બેફામ લેખ…સરસ..સચોટ ને positiv…સાહેબ જોરદાર..આવીજ કલમ નાં પ્યાસી…આપનો એક વાંચક..વંદન સૌરભ ભાઈ ?….

  3. બિલકુલ સાચી વાત કરી છે. કઠોર પરિશ્રમ અને ફના થઇ જવાની વૃત્તિ વગર મોટી સફળતા શકય નથી.
    ખુબ સુંદર લેખ.

  4. સૌરભભાઇ – જય શ્રીકૃષ્ણ
    એકવાર લત્તા મંગેશકર માટે કદાચ ગુલામઅલી
    ખાંસાહેબે કોઈ ઇન્ટરવ્યૂમાં કહેલ કે
    “સા… – કભી બેસૂરા નહીં ગાતી” એમ આપના અમુક તલસ્પર્શી લેખોમાં જે ઊંડાણથી છણાવટ કરો છે તે કાબિલે તારીફ છે.
    આપની પેન કોલમનો ચાહક – ધીરેન મહેતા

  5. જીવન ને સહજ, સરળ અને માનશિક સમૃધિ થી ભરપુર કરવાની તમામ બાબત સમાવી લેવામાં આવી છે. સ્વ સમજણ બહેતર બનાવવા મા 100% ઉપયોગી આર્ટીકલ.

  6. saurabhbhai your words are just like a angle speaking for betterment of the todays critical condition….. As always very true and nice post…

  7. I read few lines twice as it was mind alerting very nice article every onec sould accept the fact n get extract from the above each n
    Evey line

  8. Dear Saurabh bhai, an article is really TADAK-BHADAK . I appreciate your thoughts which also Inspire us.

  9. ખૂબ સાચી અને ગેરસમજણ દુર કરનારી વાત.
    આ લેખ બહુ ગમ્યો.

  10. કર્મ ના સિધ્ધાંત ને માની ને ચાલવું મહાભારત માં કહેલી ગીતા એ વિશ્વ નું અદભૂત મેનેજમેન્ટ લેશન છે

  11. Hello Saurabh Bhai
    Keep Up with good temperament
    How I wish that your thoughts must be propagated in English language also as it will cover a larger audience awareness
    Hasit Mehta

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here