જેમની વગર મહેનતની કમાણી બંધ થઈ જાય છે તેઓ મોદીના વિરોધી બની જાય છે: સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: શનિવાર, 19 સપ્ટેમ્બર 2020)

(‘મોદીની લોકપ્રિયતા અને મોદીના વિરોધીઓ’ મિનિ સિરીઝનો ભાગ : 3)

મોદીવિરોધીઓના ત્રણ પ્રકાર જોઈ લીધા. આજે ચોથા પ્રકારથી શરૂઆત કરીએ.

4. એનજીઓની બહેનજીઓ જે વિધવા બની ગઈ.

કોંગ્રેસના રાજમાં હજારો એનજીઓએ દર વર્ષે વિદેશથી અબજો રૂપિયા મેળવીને ભારત વિરુદ્ધનાં કૃત્યો કર્યાં. દલિતોને ઉશ્કેર્યા, ખ્રિસ્તીઓને અને મુસ્લિમોને ઉશ્કેર્યા. દેશના ભાગલા પાડવાના આશયથી, દેશમાં અશાંતિ ફેલાવવાના ઇરાદાથી, ભારતમાં સિવલ વોર જેવી સ્થિતિ ઊભી થાય એવા કુટિલ હેતુઓથી સેવાસંસ્થાનો અંચળો ઓઢીને કામ કરતા નોન ગવર્નમેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સની રિંગ લીડર, યાને કે એનજીઓની બહેનજીઓની ટોળકીની સરદાર હતી તિસ્તા સેતલવાડ જેના પર અત્યારે ગંભીર આરોપોસર સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને ગમે તે ઘડીએ એ કેસનો ચુકાદો આવે તો તિસ્તાએ લાંબા સમય માટે જેલભેગા થવું પડે એવી પણ શક્યતાઓ છે. એના વકીલોમાં કોંગ્રેસના ભૂતપૂર્વ કાયદાપ્રધાન કપિલ સિબ્બલ પણ છે.

મોદીએ આવીને તરત જ સિસ્ટમેટિકલી હજારો એનજીઓને સાણસામાં લીધી. વગર પરવાનગીએ પરદેશથી દાનની રકમ મગાવતી અને સરકારને હિસાબકિતાબ આપવામાં ગલ્લાંતલ્લાં કરતી આવી બધી જ ગરબડ ગોટાળાવાળી ‘સેવા સંસ્થાઓ’નાં શટર પાડી દીધાં. રાતોરાત આ બધી જ એનજીઓની બહેનજીઓ જાણે કે વિધવા થઈ ગઈ.

આપણને સૌને ખબર છે કે મેધા પાટકર નામની બહેનજીએ નર્મદા યોજનામાં વિસ્થાપિતોના નામે હવનમાં કેટલાં હાડપિંજરો નાખ્યાં હતાં. તિસ્તા સેતલવાડે 2002નાં ગુજરાતના રમખાણો વખતે બળતામાં ઘી હોમીને કેવી રીતે પોતાની ભાખરીઓ શેકી હતી. પર્યાવરણ બચાવવાના નામે ભારતીય ઉદ્યોગોના વિકાસ સામે આડખીલી ઊભી કરતી અને પ્રાણીઓ પર ક્રૂરતા ન આચરવાના નામે ભારતીય સંસ્કૃતિને રગદોળી નાખતી, માનવ અધિકાર તથા સ્ત્રી સશક્તિકરણના નામે આ દેશની પરંપરાના સુંદર ફેબ્રિકને તહસનહસ કરતી અને સેક્યુલરિઝમના કટ્ટરવાદ તળે દ્રઢ હિન્દુત્વને કચડી નાખીને તકવાદી મુસ્લિમ નેતાઓના ખોળામાં જઈને ગેલ કરતી હજારો સંસ્થાઓ બંધ થઈ જવાથી એના ફંડિંગના આધારે વૈભવોમાં આળોટતા લાખો ‘સેવકો’ આજે નવરા પડી ગયા છે. એમનો ગરાસ લૂંટાઈ ગયો છે. અને તેઓ સૌ દુખે છે પેટ ને કૂટે છે માથુંના ન્યાયે સોશ્યલ મીડિયામાં અત્યારે કાળો કેર વર્તાવી રહ્યા છે. મોદી માટે, આ દેશના અર્થતંત્ર માટે, આ દેશની કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ માટે મનઘડંત વાતો જોડી કાઢીને પોતાની ટિપિકલ ચાંપલી, વાયડી, વેવલી અને બાયલી ભાષામાં વાતો કરીને આતંક ફેલાવી રહ્યા છે.

એનજીઓના આ આતંકવાદીઓ મોદીવિરોધીઓના પાંજરા નંબર 4માં મુકાય છે.ક્યારેક પ્રાણીબાગમાં આંટો મારવાનું થાય તો આ પાંજરું જોતાં આવજો અને એમને મગફળી ખવડાવતા આવજો.

5. દેશના અર્થતંત્રમાં નહીં, દલાલોના ભ્રષ્ટતંત્રમાં મંદી આવી.

પાંચમી કેટેગરી છે અબજો રૂપિયાની સરકારી સબસીડીના બનાવટી લાભાર્થીઓ. અમેરિકા હોય કે ભારત— દરેક દેશ પોતાની ગરીબ-વંચિત પ્રજાની પડખે ઊભો જ રહે છે. ભારતમાં ગરીબ ખેડૂતોથી લઈને ગરીબીરેખાની નીચે જીવતા મજૂરો, બેકારો વગેરેને સરકાર દ્વારા દર વર્ષે અબજો રૂપિયાની સહાય મળતી રહે છે. વાજબી રીતે મળતી રહી છે, મળવી જ જોઈએ. પણ અત્યાર સુધી જે રીતે મળવી જોઈએ તે રીતે મળતી નહોતી. રાજીવ ગાંધી વડાપ્રધાનપદે હતા ત્યારે ખુદ એમણે કહ્યું હતું કે સરકારી સહાયનો રૂપિયો ગરીબો સુધી પહોંચે છે ત્યાં સુધીમાં બરફની જેમ ઓગળી જાય છે અને પંદર પૈસા જ છેવટના માણસ સુધી પહોંચે છે.

મોદી સરકારે વિવિધ યોજનાઓ મૂકીને નક્કી કર્યું કે રૂપિયો આખેઆખો જ પહોંચવો જોઈએ, ડાયરેક્ટલી લાભાર્થીના હાથમાં મુકાવો જોઈએ. એ માટે કરોડો જનકલ્યાણ બેન્ક ખાતાં ખુલ્યાં. પહેચાનપત્ર માટે આધાર કંપલસરી બન્યું. કમ્પ્યૂટરની મદદ લેવાઈ. મહારાષ્ટ્રનો જ દાખલો લો. દેવેન્દ્ર ફડણવીસ સીએમ હતા ત્યારે લાખો ખેડૂતોની લોન માફીની યોજના માટે કમ્પ્યૂટર દ્વારા જ અરજીપત્રકો સ્વીકારાશે એવું નક્કી કર્યું ત્યારે ફડણવીસના વિરોધીઓએ અર્થાત્ ભાજપના દુશ્મનોને કાગારોળ મચાવી દીધી. ગરીબ-અભણ ખેડૂત કેવી રીતે કમ્પ્યૂટર દ્વારા અરજી કરશે? ગ્રામ સહાયકો દ્વારા, એમને કહેવામાં આવ્યું. રિઝલ્ટ એ આવ્યું કે અંતિમ તારીખ વીત્યા પછી અગાઉ નોંધાયેલા લાખો ખેડૂતોમાંના ત્રીજા ભાગના બનાવટી ખેડૂતો ખુલ્લા પડી ગયા. એમના નામે બીજા લોકો ચરી ખાતા હતા તે પુરવાર થયું. સરકારના અમુક હજાર કરોડ રૂપિયા બચી ગયા.

‘મનરેગા’થી માંડીને બીજી ડઝનબંધ સરકારી યોજનાઓનો ગેરલાભ લેનારા દલાલોને કોંગ્રેસના રાજમાં લીલાલહેર હતી. મોદી-જેટલી આણિ મંડળી એમને કાળ જેવી લાગતી એ સ્વાભાવિક છે. ગરીબોને મળતી સબસીડી ચાઉં કરી જનારા અને ગરીબોના નામે વગર મહેનતે દર મહિને ચિક્કાર નાણાં મેળવનારાઓના ખિસ્સામાં સરકારી પૈસા આવતા બંધ થઈ ગયા, એટલે એમને દેશમાં મંદી આવી છે એવું લાગે એ સ્વાભાવિક છે. દેશનું અર્થતંત્ર નથી પડી ભાંગ્યું, પણ આ દલાલોનું પોતાનું ભ્રષ્ટતંત્ર પડી ભાંગ્યું છે, એટલે એમને એવું લાગે છે.

6. આ લોકો માટે દ્રાક્ષ ખાટી છે:

અરુણ શૌરીએ એનડીટીવીને આપેલા ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું: “નોટબંધી મોદીસરકારનું કૌભાંડ છે. કાળાનાં ધોળા કરવાનું સ્કેમ છે.” અરુણ શૌરી મારા માટે અને મારા જેવા ભારતના અનેક નિષ્ઠાવાન પત્રકારો માટે આદરણીય પત્રકાર છે. શૌરીએ ખૂબ ઊંડું સંશોધન કરીને દળદાર પુસ્તકો લખ્યાં. શૌરીનાં પુસ્તકો માથે મૂકીને અમે લોકો નાચ્યા છીએ. શૌરી ઇકોનોમિસ્ટ છે, પણ જેટલું રિસર્ચ એમણે અગાઉનાં અમને ગમતાં પુસ્તક પાછળ કર્યું છે તેનાથી સોમા ભાગનું સંશોધન પણ એમણે નોટબંધી વિશે કર્યું નથી. એમણે માત્ર અભિપ્રાયોની જ ફેંકાફેંક કરી છે. નક્કર માહિતી માંડ ક્યારેક રજૂ કરી છે. નોટબંધી વિશે બોલતી વખતે શૌરીમાં રહેલો મહાન અને એકનિષ્ઠ સંશોધક છુપાઈ જાય છે.

નોટબંધીનો વિરોધ કરવાવાળા શૌરીમાં આ વિષયને લગતાં સંશોધનવૃત્તિ, અભ્યાસ તથા હકીકતોની પ્રાપ્તિ માટેની આતુરતાનો અભાવ છે. આ જુદા શૌરી છે. નોર્મલી શૌરી આવા ઉડઝૂડિયા અભિપ્રાયો ક્યારેય આપે નહીં, પણ કમનસીબે આપી રહ્યા છે જેની પાછળ ન તો એમની પાસે કોઈ ફેક્ટ્સ છે, ન કોઈ નક્કર પુરાવાઓ.

યશવંત સિંહા જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટર હતા ત્યારે ચંદ્રશેખરની સરકારે દેશનું સોનું ગિરવે મૂકવું પડેલું, નાણાંપ્રધાન તરીકે અને એક રાજકારણી તરીકે સરિયામ નિષ્ફળ ગયેલા યશવન્ત સિન્હાને ભાજપમાં કોઈ કૂતરુંય પૂછતું નથી. નિગ્લેક્ટેડ ફીલ કરી રહેલા યશવન્ત સિન્હાએ જેવું મોદીની અને જેટલીની આર્થિક નીતિઓ વિરુદ્ધ મોઢું ખોલ્યું કે તરત જ એ લાઇમલાઇટમાં આવી ગયા.

અરુણ જેટલી નાણાં ખાતું ચલાવવામાં સરિયામ નિષ્ફળ ગયા છે અને ભાજપે દેશના અર્થતંત્રની ઘોર ખોદી છે એવું યશવન્ત સિન્હાએ કહ્યું ત્યારે એમણે કેટલાક છૂટક અને મારીમચડીને રજૂ કરવામાં આવેલા આંકડા આપ્યા. આની સામે જેટલી તથા અન્ય જવાબદાર નેતાઓએ દરેકે દરેક ક્ષેત્રના વિગતવાર આંકડાઓ રજૂ કરીને યશવન્ત સિન્હા કેટલા જુઠ્ઠા છે તે પુરવાર કરી દીધું તે છતાંય હજુય લોકો કહ્યા કરે છે કે યશવન્ત સિન્હા અને અરુણ શૌરી કહે છે, જુઓ! અને યશવન્ત સિન્હાના બેન્ડ વેગનમાં બેગાની શાદીમાં દીવાના થતા અબ્દુલ્લા જેવા શત્રુઘ્ન સિન્હા જોડાયા છે જેમની ન્યુસન્સ વેલ્યુ તેઓ ભાજપ છોડતા નહોતા એટલે જ હતી. જે ઘડીએ શત્રુજીમાં ભાજપને છોડીને ભાજપની ટીકા કરવાની હિંમત આવશે તે ઘડીએ એમને ખબર પડી જશે કે કેટલે વીસે સો થાય છે. અને એટલે જ તેઓ ભાજપ છોડતા નહોતા અને ભાજપવાળા પણ એમને હાંકી કાઢીને આ ભૂતપૂર્વ વિલનને હીરો બનાવવા માગતું નહોતા. છેવટે 6 એપ્રિલ 2019ના રોજ શત્રુજી ઓફિશ્યલી કૉન્ગ્રેસના મિત્રજી બની ગયા. મોદી માટે ટાઢે પાણીએ ખસ ગઈ.

જે લોકોને બે નંબરના પૈસા વાપરવાની અને વગર ટેક્સનો ધંધો કરવાની આદત પડી ગઈ હતી એમના માટે નોટબંધી અને જીએસટી લાગુ પડ્યા પછી આર્થિક મંદી જ નહીં, મહામંદી આવી ગઈ હતી. બે નંબરિયાઓના ધંધા બંધ પડી ગયા, પણ ઓવરઓલ દેશની આર્થિક પરિસ્થિતિ કેવી છે? સપ્ટેમ્બર 2017ના અંતે પૂરા થયેલા ક્વાર્ટરના આંકડા કહેતા હતા કે ફૂલગુલાબી છે. સસ્તી તેમ જ મોંઘી ગાડીઓનું વેચાણ વધ્યું છે અને ટુ-વ્હીલર્સનું પણ દેશમાં આર્થિક મંદી હોય ત્યારે આવું થાય? ન થાય. કોઈને થશે કે કાર-મોટરસાઇકલના વેચાણમાં વધારો થયો એ કંઈ આર્થિક પ્રગતિનો માપદંડ નથી. બરાબર છે, એ કંઈ એકમાત્ર માપદંડ નથી, પણ વન ઓફ ધ પેરામીટર્સ જરૂર છે.

સમજાવું, જો સમજવું હોય તો, એક કાર ખરીદવામાં આવે છે ત્યારે કારની ફેક્ટરીમાં તેમ જ કારના નાનામોટા અનેક પૂર્જાઓ બનાવતી બીજી ડઝનબંધ ફેક્ટરીઓમાં કામગારોને રોજી મળે છે, એ ફેક્ટરીઓની ઓફિસના પટાવાળા, ક્લાર્ક, સુપરવાઇઝરો, મેનેજરો વગેરેને પગારો મળે છે. આ કામગારો તેમ જ વ્હાઇટ કોલર વર્કરોને કારણે ફેક્ટરીની આસપાસની ચાની ટપરીઓથી માંડીને પાન-સિગરેટની દુકાનોવાળાનો ધંધો ચાલે છે. આ વર્ગ પોતાના પગારો જ્યાં ખર્ચે છે તે કરિયાણાવાળા, શાકભાજીવાળા અને કપડાંની દુકાનવાળાથી લઈને ટીવીના શોરૂમ, જ્વેલર્સ અને બિલ્ડર્સ વગેરે સૌ કોઈની કમાણીમાં ઉમેરો થયો છે. આ તો માત્ર કાર અને ટુ-વ્હીલરના વેચાણમાં થયેલા વધારાની વાત થઈ. નોટબંધી અને જીએસટી પછીના જમાનાની આ વાત છે. યાદ રાખજો, આ જ રીતે ટ્રેન-વિમાનોની ટિકિટોના વેચાણમાં, પેટ્રોલ-ડિઝલ-સીએનજીના વેચાણમાં, અનાજ-કઠોળના વેચાણમાં, શાકભાજી-ફળોના વેચાણમાં પણ વધારો થયો. જ્વેલર્સ જરૂર બૂમાબૂમ કરતા હશે, કારણ કે હવે ચાંદી-સોનાની ખરીદી પર પાન કાર્ડ બતાવવું કમ્પલસરી થઈ ગયું છે.

આર્થિક મંદી કોને કહેવાય અને ફુગાવો કોને કહેવાય તે આ ટીકાકારોને ક્યાંથી ખબર હોય.

અમેરિકામાં 1929ના ગાળામાં જે આર્થિક મંદી આવી તે રિયલ મંદી હતી જ્યારે ભલભલા કરોડપતિઓ આપઘાત કરતા થઈ ગયેલા અને બાકીના શ્રીમંતી રસ્તા પર આવી ગયેલા તે વખતના ત્યાંના તાતા-બિરલા-અંબાણી-અદાણી જેવાઓએ પણ સુપની લાઇનમાં (અર્થાત્ સદાવ્રતમાં) ઊભા રહીને પેટ ભરવું પડતું. આર્થિક મંદી એને કહેવાય. ગ્રેટ ડિપ્રેશન. તમારી પાસે દસ લાખ રૂપિયાની થોકડીઓ હોય અને તમે બ્રેડની લાઈનમાં ઊભા રહીને બ્રેડના એક પેકેટ સારુ એટલી રકમ ખર્ચવા તૈયાર હો તો પણ તમારો વારો આવતાં પહેલાં જ બ્રેડ ખતમ થઈ જાય એને મોંઘવારી કહે. બે રૂપિયાની કોકા કોલા વીસ રૂપિયામાં પીતી વખતે તમને મોંઘવારી નથી નડતી, પણ વીસ રૂપિયે કિલો મળતું ધાન ત્રીસ રૂપિયે ખરીદતી વખતે મોંઘવારી નડે છે. મારા ટેક્સના પૈસા સરકારના ભ્રષ્ટાચારમાં ખવાઈ જાય છે એવી ફરિયાદો કરનારી વાંકદેખી પ્રજા એ સમજતી નથી કે આજે સવારે તમારા ઘરની બહારના કચરાનો નિકાલ થઈ ગયો, તમે નાહ્યાધોયા તેનું ગંદું પાણી ઘરમાં જમા થવાને બદલે વહી ગયું, તમારા રસોડાના નળમાં પીવાનું અને બાથરૂમમાં ધોવાનું પાણી આવ્યું, તમે ચાંપ દબાવી અને પંખો ચાલુ થઈ ગયો, તમારી ગાડી ફ્લાયઓવર પરથી પસાર થઈ, અગાઉ દર બે-ત્રણ કલાકે મળતી ઇન્ટરસિટી કે શટલની ફ્રિક્વન્સી બેથી પાંચ ગણી થઈ ગઈ, તમારા કમ્પ્યૂટરમાં, ફોનમાં ઇન્ટરનેટ કનેક્શન આવતાં થઈ ગયાં. આ વિકાસ થયો છે- તમારો અને આ દેશનો. આ વિકાસ ત્યારે થયો જ્યારે દેશના નાગરિકોએ ટેક્સ ભરીને સરકારને પૈસા આપ્યા. વધારે વિકાસ ત્યારે થશે જ્યારે બાકીના લોકો પૂરો ટેક્સ ભરશે અને જે લોકો સમૂળગો ટેક્સ નથી ભરતા તેઓ પણ ભરતા થશે. આ વિકાસમાં મોદીએ કરેલાં કામોનો ઘણો મોટો ફાળો છે અને ખાસ વાત તો એ કે આ સરકાર જ્યારે કોઈ યોજના પાછળ 100 કરોડ રૂપિયા ખર્ચે છે ત્યારે એમાંના પંચ્યાશી કરોડ રૂપિયા પ્રધાનો તથા પક્ષના કાર્યકર્તાઓના ગજવામાં નથી જતા.

રહી વાત રોજબરોજના ભ્રષ્ટાચારની. હું રેલવેમાં ટ્રાવેલ કરવા માટે ટિકિટ ન હોવા છતાં ટ્રેનમાં ચડી જઉં અને ટિકિટચેકર મારી પાસેથી બસ્સોની પત્તી લઈને મને સીટ કરી આપે તો એમાં મોદી શું કરે? ડોનાલ્ડ ટ્રમ્પ સાથી મીટિંગ કેન્સલ કરીને તમારા ટીસીને પકડવા દોડે?

મોદીને ઝૂડવાની સિઝન ગુજરાતમાં નિયમિત રીતે આવતી અને કેન્દ્રમાં આવ્યા પછી પણ દરેક ચૂંટણી વખતે આવે છે. ભલે આવતી. મોદીને આ બધી ટીકાઓથી કશો ફરક પડતો નથી. પણ દિવસરાત દેશનું કામ કરનારા નિષ્ઠાવાન, પ્રામાણિક અને તેજસ્વી વડાપ્રધાનને એમના વિરોધીઓ આપણે કચરો ઉપાડનારને પણ જે સંબોધનોથી ન બલાવીએ એના કરતાં બદતર વિશેષણોથી નવાજતા હોય ત્યારે પ્રથમ દુઃખ થાય પછી ગુસ્સો આવે.

મોદી વિરોધીઓની છઠ્ઠી કેટેગરી પૂરી.

વધુ આવતી કાલે.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

5 COMMENTS

  1. Bakwaas ! Rubbish !
    Rajiv Gandhi ey je kahyu ke akho rupiyo panhochato nathi etley pakdi paadyu ! Etley kaayam nai koik vaar ! 😂
    Alyaa 70 varsh Desh koi pan Jaat naa problem vagar kevi rite chaalyo ? 😂 Aney Modi ey nakki karyu ke rupiyo sidho pahonchvo joiey to etlee to budhhi hovi ja joiey ke Rajiv Gandhi computers just Laavyaa taa badhu on line to chhellaa 10 varsh thi thayu ney 7 varsh thi Modi chhey to Modi ja online paisaa aape ney 😂 Congress hot to ey naa aapat ? 😂

    • Each and every point of your comment is simply a misinformation. You should have studied and researched properly before writing the comment. Keep on reading me, you will be better informed.

  2. સર , મઝા આવી ગઈ આ ૐ નંબરનો મુદ્દો વાંચવાની. બરાબરની પોલ ખોલી તમે !! વાહ…. અભિનંદન આ પૂરી શ્રેણી માટે.

  3. Very nice Saurabh Shah.I really fan of your reporting analysis of Anti Modi& antination rascal elements..please write more&more about open scandle of Muslim favour& only anti Hindu law effected by Congress earlier govt.

  4. સૌરભભાઇ, એક ઝોલાવાલા બહેનજી ને ભૂલી ગયા !, અરુણા રોય ( national advisory council) સોનિયા ગાંધી જેના અધ્યક્ષા હતા અને મનમોહનસિંહ ને nac કઠપૂતળી ની જેમ નચાવતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here