સ્મોકિંગ છોડવું અઘરું નથી : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: શનિવાર, 6 જૂન 2020)

આમ તો આ લેખને પ્રાસંગિક બનાવવા મારે છ દિવસ પહેલાં, 31 મે 2020ના ‘વર્લ્ડ નો ટૉબેકો ડે’એ તમારા સુધી પહોંચાડવો જોઈતો હતો. એમ તો યુ.કે.માં દર વર્ષે માર્ચના બીજા બુધવારે ‘નો સ્મોકિંગ ડે’નો પ્રચાર થતો હોય છે. આપણા માટે તો જાગ્યા ત્યારથી સવાર. આ લેખ મેં 5 માર્ચ 2016ના રોજ લખ્યો ત્યારે મારી આ કુટેવ છોડ્યે સો દિવસ પૂરાં થયાં હતાં. એ હિસાબે જોઈએ તો મારે, લેખમાં નોંધ્યું છે એ તારીખ 21 નવેમ્બર — ઉજવવી જોઈએ. 2020ની દિવાળી અને દેવ દિવાળીની વચ્ચેના કોઈ દિવસે એક્ઝેટલી પાંચ વર્ષ પૂરાં થશે મારે સિગરેટ છોડ્યાને. તમાકુવાળા પાન કે ગુટકા-માવા ખાધાં નથી અને સિગરેટની અવેજીમાં એને ચાલુ કરવાનો વિચાર સુદ્ધાં નથી આવ્યો કારણ કે સ્મોકિંગ છોડ્યા પછી સિગરેટની ખોટ ક્યારેય સાલી નથી. સિગરેટ છોડ્યા પછી, બે વર્ષ પહેલાંના જૂન મહિનામાં દારૂનો સંપૂર્ણપણે ત્યાગ કર્યો. સો વર્ષ જીવવાની લાલચે આ બેઉ છોડ્યાં છે પણ જો એ પછી ય સો વર્ષ ન જીવ્યા તો ફરી ચાલુ કરી દઈશું એવું વિચાર્યું છે.

* * * * *

સ્મોકિંગ છોડવું અઘરું નથી

‘ગુડ મૉર્નિંગ’ – સૌરભ શાહ

(‘મુંબઇ સમાચાર’ : શનિવાર, 5 માર્ચ 2016)

મારે ઉતાવળ નહોતી કરવી, પ્રોપર રાહ જોઈને વાત કરવી હતી અને વાત એટલા માટે જાહેર કરવી હતી કે જો હું કરી શકું તો કોઈ પણ આ કામ કરી શકે.

ગયા વર્ષની એકવીસમી નવેમ્બરથી મેં સ્મોકિંગ છોડી દીધું. કમ્પલીટલી. એક પણ સિગરેટ નથી પીધી. સો દિવસ થઈ ગયા એ વાતને. એટલે કૉન્ફિડન્ટલી કહી શકું છું કે હવે હું પૂરેપૂરો નૉન સ્મોકર છું.

સ્મોકિંગ ઈઝ ઈમ્પોસિબલ ટુ ક્વિટ એવી ભ્રમણા સિગરેટ કંપનીઓએ જ ફેલાવી હોવી જોઈએ.

સ્મોકિંગ શું કામ હાનિકારક છે અને સ્મોકિંગ છોડવાના ફાયદા વિશે મારે કોઈ લેક્ચર નથી આપવું. મારે તો માત્ર જે લોકો મારું લખાણ વાંચે છે અને સિગરેટ પીએ છે એમના સુધી એક વાત પહોંચાડવી છે કે સિગરેટ છોડવી કોઈ અઘરી વાત નથી. સ્મોકિંગ ઈઝ ઈમ્પોસિબલ ટુ ક્વિટ એવી ભ્રમણા સિગરેટ કંપનીઓએ જ ફેલાવી હોવી જોઈએ. મારા અનુભવ પરથી કહું છું કે સિગરેટ છોડવાનું કામ સહેજ પણ અઘરું નથી. આ વાંચી રહેલા સ્મોકર્સમાંથી જો એક વ્યક્તિ પણ સિગરેટ (કે એવું કોઈ પણ વ્યસન) મૂકી દેશે તો મારી આ લેખ લખવાની મહેનત સફળ થઈ એમ હું માનીશ.

નાનપણથી હું સિગરેટ પીતો. સ્કૂલનાં પાછલાં વર્ષોથી સાવ બાળપણમાં પપ્પા એમની સિગરેટ ખરીદવા મને મોકલતા અને વધેલું પરચૂરણ મને બક્ષિસમાં આપતા. પછી તો પપ્પાના પાકીટમાંથી જ એમને ખબર ન પડે તે રીતે એક-એક સિગરેટ ચોરવા માંડી (તે વખતે ઑલરેડી ‘સત્યના પ્રયોગો’ વાંચી કાઢેલી એટલે મનમાં કદાચ એમ હશે નાનપણમાં જે લોકો ચોરીઓ કરે તે મોટા થઈને મહાત્મા ગાંધી બની જાય.) પછી કૉલેજમાં તો છૂટથી પીવા માંડી. ભણતાં ભણતાં જ નોકરી કરી એટલે પોતાના પગારના પૈસામાંથી સિગરેટ પીવામાં બીજા કોઈને શું કામ વાંધો હોવો જોઈએ? પત્રકારત્વના વ્યવસાયમાં ચા-સિગરેટ તો પાછાં અનિવાર્ય કહેવાય. પાકીટ ખિસ્સામાં રાખતો થઈ ગયો. વર્ષો સુધી ચાલ્યું.

ર૦૦૩ની દિવાળી પર સિગરેટ છોડી દીધી તે છેક પાંચ વરસ સુધી નહીં પીધી. પણ ર૦૦૮ની ક્રાઈસિસમાંથી બહાર આવ્યા પછી રોજની એકાદ-બે સિગરેટ કરતાં કરતાં ફરી પાછો ફુલટાઈમ સ્મોકર બની ગયો.

એ પછીનાં વર્ષોમાં બે-ચાર વાર સિગરેટ છોડવાની કોશિશ કરી. સ્મશાનવૈરાગ્ય આવે કે સિગરેટ છોડવાનો સોલો ઊપડે ત્યારે ઘરમાં જે પાકીટ ચાલુ હોય તે ફેંકી દઉં, સસ્તાં ચાઈનીઝ લાઈટરો ફગાવી દઉં (‘ઝિપ્પો’ જેવાં મોઘાં લાઈટર્સ ફેંકી દેતાં જીવ ન ચાલે!) ઘરની બધી ઍશ ટ્રેઝ ધોવડાવીને ઊંચે ચડાવી દઉં.

પણ પછી બે-પાંચ દિવસે કાં તો મૂડ ફટકે (કે પછી કોઈ દોસ્તાર આવી ચડે તો ખુશીના માર્યા) સિગરેટ થઈ જાય અને પછી પાછી ચાલુ.

એક પણ વખત પેલી ‘નિકોટેક્સ’ ચાવવાનીય ઈચ્છા ન થઈ. ખોટી મગાવી, પૈસા બગાડ્યા.

આ વખતે મેં જે ચાલુ પાકીટ હતું તે મારી ડેસ્ક પર જ રાખી મૂક્યું, લાઈટર્સ પણ, એટલું જ નહીં ઍશ ટ્રેમાંનાં ઠૂંઠાં પણ રાખ સહિત એમનાં એમ જ રહેવા દીધાં. મેડિકલ શૉપમાંથી ‘નિકોટેક્સ’ કે એવા કોઈ નામની તંબાકુવાળી ચ્યુંઈગ ગમ મગાવી લીધી જેના માટે પ્રચાર એવો થાય છે કે સિગરેટની આદત છોડવા માટે એ હેલ્પફુલ થાય છે અને અલગ અલગ ગ્રામેજના ડોઝમાં મળે છે.

પહેલો દિવસ આરામથી નીકળી ગયો. બીજો પણ. ત્રીજો પણ. અઠવાડિયું ક્યાં વીતી ગયું તેનો ખ્યાલ પણ ન આવ્યો. સિગરેટ-ઍશ ટ્રે-લાઈટર બધું સ્ટડી ટેબલ પર જ હતું. રોજ જોતો, પણ મન થતું નહીં. એક પણ વખત પેલી ‘નિકોટેક્સ’ ચાવવાનીય ઈચ્છા ન થઈ. ખોટી મગાવી, પૈસા બગાડ્યા.

આપણી ભૂલ શું થાય છે કે આપણે એકસાથે લાઈફમાં બધું જ બદલી નાખવા ઉતાવળા થઈ જઈએ છીએ. નવો ડાયેટ, રોજ એક્સરસાઈઝ, નવો વૉર્ડરૉબ, ઘરમાં સાફસફાઈ, કામમાં નિયમિતતા વગેરે પચાસ બોજ આપણી જિંદગી પર એકસાથે લાદી દઈએ છીએ.

આ વખતે મેં નક્કી કર્યું હતું કે સિગરેટ છોડવાથી વજન વધે છે એવું લોકો કહે છે તો ભલે વધે પણ ડાયેટ કે એક્સરસાઈઝ નથી કરવાં. લાઈફસ્ટાઈલમાં જરા સરખો ફેરફાર નથી કરવો. માત્ર સિગરેટ નથી પીવી એટલું જ. એક વખત એ છૂટી જાય પછી બીજી બધી વાત.

આપણી ભૂલ શું થાય છે કે આપણે એકસાથે લાઈફમાં બધું જ બદલી નાખવા ઉતાવળા થઈ જઈએ છીએ. નવો ડાયેટ, રોજ એક્સરસાઈઝ, નવો વૉર્ડરૉબ, ઘરમાં સાફસફાઈ, કામમાં નિયમિતતા વગેરે પચાસ બોજ આપણી જિંદગી પર એકસાથે લાદી દઈએ છીએ. બધું જ બદલી નાખીને નવેસરથી કડકડતી નોટ જેવી જિંદગી જીવવાની લાહ્યમાં જિંદગીના માથે એટલો બધો બોજો મૂકી દઈએ છીએ કે બે-ચાર-સાત દિવસમાં જ હાંફી જઈએ છીએ અને અઠવાડિયા પછી તો જિંદગીને હતી એના કરતાંય વધારે ડૂચા જેવી બની જતી આપણે જોઈ રહીએ છીએ, લાચાર બનીને.

મહિનો-સવા મહિનો થયો. થર્ટી ફર્સ્ટની પાર્ટી. દારૂ-બીરૂ. જૂના મિત્રો મળે. નવા મિત્રો બને, પણ સિગરેટની વાત આવે તો એબ્સ્યોલ્યુટલી નૉ. પહેલો પડાવ પસાર થઈ ગયો. નવા વર્ષે ટેબલ પરથી સિગરેટનો પેરાફર્નેલિયા હટાવી દીધો. સિગરેટ યાદ આવવાની બંધ થઈ ગઈ. એક દિવસ અચાનક યાદ આવી જેમની કરિયાણાની દુકાનમાંથી રોજ નાની-મોટી ચીજવસ્તુઓની સાથે દર બે-ત્રણ દિવસે મારું ક્લાસિક-માઈલ્ડનું પાકીટ આવતું તે ગુજરાતી દુકાનદાર ફોન પર મારો ઑર્ડર લઈને પૂછે… અને સિગરેટ?

મેં એમને ખુશ થતાં થતાં ખબર આપ્યા: છોડી દીધી, સાહેબ! એ પણ ખુશ થયા. પોતાનું નુકસાન થતું હતું તો પણ!

સિગરેટ (કે આવી કોઈ પણ ગંદી આદત-તમાકુ, ગુટકો, પાન) છોડવા માટે જે વિલ પાવર જોઈએ તે ક્યાંથી આવતો હોય છે? નૅચરલી, તમારા પોતાનામાંથી. ક્યાંક વાંચેલું કે સિગરેટ પાછળ તમે અત્યાર સુધીમાં કેટલો ખર્ચો કર્યો છે અને ભવિષ્યમાં કેટલો કરશો તેની ગણતરી કરી જુઓ. મેં કરી જોઈ પણ ખર્ચાને કારણે મને સિગરેટ છોડવાનું કોઈ મોટિવેશન મળ્યું નહીં.

મારું મોટિવેશન એ બાબતે આવ્યું કે ભવિષ્યમાં મારે સિગરેટથી થતા નુકસાનને કારણે માંદા નથી પડવું. સમય વીતતાં શરીરને જે નૅચરલ ઘસારો લાગે તે તો લાગવાનો જ પણ મારી બેદરકારી, મારી કુટેવોને કારણે મારે બીમાર શરીર નથી જોઈતું. અત્યારે છું એવા જ હેલ્થી મારે દસ વર્ષ પછી પણ રહેવું છે, વીસ વર્ષ પછી પણ અને ત્રીસ વર્ષ પછી પણ.

મેં વિચાર્યું કે સિગરેટ છોડી દીધી છે એટલે આપણા પણ ૯૬ રન થવાના ચાન્સીસ છે અને નસીબદાર હશું તો સેન્ચ્યુરી ફટકારીશું.

હમણાં ગયા મહિને બૉમ્બે સ્ટૉક એક્સ્ચેન્જના ક્ન્વેન્શન હૉલમાં વજુ કોટકના સમગ્ર પુસ્તકોના સેટનું લોકાર્પણ પૂ. મોરારિબાપુએ ગૉન્ગ વગાડીને કર્યું ત્યારે સમારંભમાં આદરણીય નગીનદાસ સંઘવીને મળ્યો. સંઘવી સાહેબ ૯૬ વર્ષના. લાગે નહીં. કોઈએ હાથ ન પકડવો પડે. એકદમ ટટ્ટાર. એ જ સાદો પહેરવેશ અને એ જ મોઢા પરની ચમક જે હું કૉલેજમાં હતો ત્યારે એમના મોઢા પર જોતો. તેઓ મીઠીબાઈ કોલેજના વાઈસ પ્રિન્સિપાલ હતા અને મને પોલિટિકલ સાયન્સ ભણાવતા. યુધિષ્ઠિરના રથની જેમ સંઘવીસાહેબનો લેંઘો પણ જમીનથી દોઢ વેંત અધ્ધર ચાલે. આ ઉંમરેય એમની પ્રજ્ઞા અકબંધ છે, ડેઈલી ગામઆખામાં શું બને છે એનું ધ્યાન રાખવાનું અને એ ઘટનાઓનું વીકલી પોલિટિકલ ઍનાલિસિસ કરતી એક કરતાં વધારે નિયમિત કૉલમો લખવાની. સંઘવી સાહેબ સો તો પૂરાં કરશે જ, ગાંધીજીનું ખ્વાબ હતું એમ સવાસો સુધી પહોંચશે અને ત્યારે પણ કડેધડે હશે.

ન્યુઝપ્રેમીને સપોર્ટ કરવા આ લિન્ક પર જાઓ

મેં વિચાર્યું કે સિગરેટ છોડી દીધી છે એટલે આપણા પણ ૯૬ રન થવાના ચાન્સીસ છે અને નસીબદાર હશું તો સેન્ચ્યુરી ફટકારીશું. ૯૬ સુધી પણ જવાના હોઈએ, સંઘવી સાહેબવાળી તબિયત સાથે, તો બીજાં પૂરાં ૪૦ વર્ષ જીવવાનું છે, કામ કરવાનું છે એટલે કે લખવાનું છે. એનો અર્થ એ થયો કે જેટલાં વર્ષ આ ફિલ્ડમાં ગાળ્યાં એટલાં જ વર્ષ હજુ બાકી છે. કેવું સરસ. લખવામાં જે જે નથી કર્યું તે બધું જ કરવાની તક છે, જે જે ભૂલો કરી છે તે બધી જ સુધારીને નવેસરથી એકડો ઘૂંટવાની તક છે, ફિલ્ડમાં જે કંઈ જીવી લીધું છે એવી જ એક આખી બીજી જિંદગી જીવવાની બાકી છે. આ બધું શક્ય બની રહ્યું છે પેલી એકવીસમી નવેમ્બરના ડિસિઝનને કારણે.

મારા સ્મોકર્સ વાચકો માટે આ પીસ એટલા માટે લખ્યો છે કે ૯૬મા વર્ષે હું લખતો હોઈશ, આ જ રીતે, પણ ત્યારે વાંચવા માટે મને તમારા જેવા જૂના વાચકો પણ જોઈશેને.

આજનો વિચાર

સ્મોકિંગ ઈઝ ઈન્જુરિયસ ટુ હૅલ્થ.

-એક વૈધાનિક ચેતવણી

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

17 COMMENTS

  1. Dear Saurabhbhai
    I read your article on quitting the cigarette, before this I have read many but nothing got me inspired but I don’t know what divine & true heart abstract you have poured in your article that it touched my heart so deep that I decided to quit my 32 year ageold habbit.
    & This is my first day to get established on this.
    Thanks or any kind of words always fell short to show my gratitude towards your so noble & divine article & wishes to make so many among society to get inspired from you.
    God bless you.

  2. આ યુગમાં આ કાર્ય ખૂબ જ અઘરું છે.છતાં વ્યસનમુક્તિ અભિયાન ઘણા જ મિત્રો ચલાવે છે.તે બહુ સારી વાત કહેવાય. હું પણ આ વાત સાથે સહમત છું. હું શિક્ષક તરીકે વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાસ કહું છું. કે તમે તમારી તંદુરસ્તી જાળવવા વ્યસન કરશો નહીં. જેમ દારૂ માટે કહેવાય છે કે દારૂડિયો દારૂ નથી પીતો છેલ્લે દારૂ જ દારૂડિયાને પી જાય છે.લોકો વ્યસન પાછળ ગાન્ડા થયા છે.પોતે પોતાનું તથા સમગ્ર કુટુંબ,સમાજનુ અધપતન નોતરી રહ્યા છે.વ્યસન માણસ ધારે તો છોડી શકે છે.વ્યસન છોડવાની બાબતોનો બહોળો પ્રચાર અને પ્રસાર થવો જોઈએ.જય જગત.

  3. સ્નેહી શ્રી સૌરભભાઈ,
    ૧૯૮૦ થી વ્યસનમુક્તિનુ કાર્ય કરુ છું, થોડા વર્ષો પહેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી તથા લોકડાઉન દરમિયાન વ્યસનીભાઈઓ તથા પાન-બીડીના વેપારીના વલણ પછી તમાકુનો ઉપયોગ ઓછો થાય તેમના સુચનો ઇ-મેઇલમાં મોકલુ છુ.આપણેસાથે મળીને ભાવિ પેઢી વ્યસનમુક્ત થાય એવા પ્રયત્ન કરીએ…આપ ૧૦૦ વર્ષે પણ વ્યસનમુક્ત રહો એવી શુભેચ્છા સાથે … ડો એ.જ.ડબાવાલા, ફેફસાનાં નિષ્ણાંત,
    વ્યસનમુકિત પુરસ્કર્તા, ગુજરાત રાજ્ય
    અમરેલી ૩૬૫૬૦૧
    હેલ્પલાઇન ૯૮૨૮૨૫૩૦૫૭
    dabawala@yahoo.co.uk

  4. અતિ સુંદર લેખ..
    મેં પણ મારી જૂની 30 વર્ષ ની આદત..આમ તો બુરી આદત ગણાય એવી તમાકુ વાળા પાન મસાલા છોડ્યા.. ગઈ તા.3 મેં 2020 ના રોજ..ચાલુ લોક ડાઉન માં તમાકુ ના અતિ કાળા બજાર ના ભાવ ને લઈને મારો આત્મા ના અવાજે મને કહી દીધુ કે..હવે બસ.. બહુ થયુ.. છોડો આ બરબાદી ને.. અને જીવન પર્યત છોડી દીધા..
    તમાકુ ને એન કેન પ્રકારે અલવિદા કરી દેવામાં હું પણ આપની સાથે જ છું.

  5. સૌરભભાઈ…સિગારેટ છોડવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ.
    અભિનંદન એટલા માટે નથી આપતો કે આપનો આ નિર્ણય અમારા જેવા આપના વાંચકો માટે લાભદાયી છે, એટલે અભિનંદન તો અમ સૌ વાંચકોને.
    એક વાત કહેવા માંગુ છું કે મારો ધંધો એવો હતો જેમાં મારે પોલીસો અને જેને આપણે ટપોરી ટાઈપના કહીએ એવા લોકો સાથે સંપર્કમાં રહેવું પડતું હતું. પરંતુ તે છતાં પણ બીડી-સિગારેટ, ગુટખા, પાન-તમાકુ કે શરાબ જેવી દરેક લતથી દૂર જ રહ્યો છું. વરસમાં બે ચાર વાર મારા ખાસ એટલે કે અંગત મિત્રો કે જે માત્ર બે ચાર જ છે. એમની સાથે બીયર કે ડ્રીન્ક લઉં છું.
    અમારા ઘરમાં આ દરેક વસ્તુની છૂટ હોવા છતાં આદત નથી પડી એને ભગવાનની કૃપા માનું છું.

  6. Saurabhbhai,તમારી આત્મકથા સમો લેખ વાંચીને ઘણો આનંદ થયો Cigaret ane daaruña vyaoe aa lekh
    Khaas vanchvo joie

  7. Daru chodya ne…5 yrs thaya…cigrate pan 2 mts mate chodi hati..pan pachi sharu kari…tamaro aa lekh vanchya pachi…try karis…cig chodvani…

  8. ખુબ જ ઉતમ લેખ મન ચંગા તો કથરોટ મે ગંગા સબ મન કા ખેલ હૈ.35 વરસ થી માવા પાન મસાલા તમાકુ વાપરયા પછી ઙીટો આપના જેવો જીવવાનો વિચાર આ વતા 24 નવેમબર 2020 તમામ કુટેવ બંધ કરી દીધી આ લેખ વાચતા હવે કદાપી અડીશ નહિ.

  9. શ્રી સૌરભ ભાઈ તમારું દ્ઢ મનોબળ એકદમ ઉચ્ચ સ્તરે છે.તમે 96ની વાત કરો છો તેમા મારી દ્ષ્ટીએ 4 તો ઉમેરાઈ જવાનાંજ છે.જે સમાજ માટે અમારા માટે ફાયદો છે.

  10. આપના અત્યાર સુધીના સ્મોકિંગે તમારા લંગ્સને કેટલું નુકસાન કર્યું છે તે ચેક કરાવીને તેનો ઈલાજ કરાવી લેશો એવી વિનંતી છે.જેથી આપ સો વર્ષ આરામથી તંદુરસ્ત રીતે જીવી ને અમારા જેવા તમારા ફેન ને માહિતીપૂર્ણ લેખો આપીને સંતુષ્ટ કરી શકો.મારા ચેનસ્મોકર ફાધર ના અનુભવ પરથી અને તમારા પ્રત્યેના સ્નેહ બદલ આ સુચન આપવા માટે મન થયું.
    લિ. આપનો હમઉમર આજીવન નિરવ્યસની વાચક.

  11. સિગરેટ અને દારૂ નાનપણ થી લીઘી નથી ઘરમાં વડીલોને આદત નહી હતી સ્વાભિક રીતે મને પણ લાગી નહી
    તમારાં સાથે છેલ્લા 30-35 વર્ષ વાચક તરીકે પરિચય બે ત્રણ વખત રૂબરૂ માં મળ્યા શરૂઆતમાં મને તમારા દારૂ સિગારેટ ની આદત ની ખબર પડી તમો પ્રિય લેખકો ની પહેલાં બે ત્રણ મારા લીસ્ટ માં છો હજી પણ છો હંમેશા તમારી આ આદતો ઉપર દુઃખ થતું
    હવે આ આદતો ભુતકાળ થઈ ગઈ ઘણો આનંદ થયો

  12. અબ તક ચારસો છપ્પન .. આજે મારા ગુટકા છોડ્યા ને ચારસો છપ્પન ભોગ દિવસ છે લગભગ લગભગ તમારી સાથે વ્યસન છોડ્યું હતું પણ તમે કીધું એમ એકવાર ફટકતા ગુટકા શરણ થયા ગયો હતો પણ હવે બીલકુલ વ્યસન મુક્ત છું . આપ નુ લાંબુ જીવન જીવવા ની વાતે મને ઈ તમારા સતાણુ વર્ષે લખાયેલા લેખો વાંચવાથી ઈચ્છા થય ગય છે બાકી તમે રૂબરૂ પુસ્તક મેળા માં આપેલી સલાહ જીવન ને બહેતર બનાવવામાં મદદરૂપ થઈ છે.

  13. માનનીય સૌરભ ભાઈ, હું તમારી સાથે ૧૦૦ % સહમત છું. મારે પણ ૧૬ વર્ષ ની ઉમર થી સ્મોકિંગ ની આદત હતી. વચ્ચે એક વરસ (લગભગ ૨૦ વરસ પહેલાં) મિત્ર સાથે શરત લગાવી ને છોડી દીધી. એક વરસ પછી ફરી પીવા નું શરૂ કર્યું. ૨૦૧૮ ઓગસ્ટ માં ૫૦ માં જન્મદિવસે ફરી એકવાર કાયમ ને માટે છોડવાનું નક્કી કર્યું અને છોડી દીધી.આજે પોણા બે વર્ષ થઈ ગયા છે અને ક્યારેય સિગારેટ પીવાની ઈચ્છા પણ થઇ નથી.

    • સ્વાસ્થ્ય અને વ્યસન મુક્તિ સરસ બહુજ સરસ ? ? ? ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here