રાજેશ ખન્ના સામે મોરચો માંડવા રાજકપૂરના કુટુંબમાં ‘તાંડવ’ સમિતિ રચાઈ : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: ગુરુવાર, 30 એપ્રિલ 2020)

( રિશી કપૂરની 51 અજાણી વાતો : લેખ 3 )

રિશી કપૂરની આત્મકથા ‘ખુલ્લમ્ ખુલ્લા’માંથી તારવેલી 51 નવી નવાઈની વાતો તમારી સાથે વહેંચાઈ રહી છે. અત્યાર સુધી વીસ વાતો જાણી. હવે એકવીસમીથી શરૂ કરીએ.

૨૧. રિશીકપૂરે ત્રણ ફિલ્મોમાં પિતા રાજ કપૂર માટે કામ કર્યું- ‘મેરા નામ જોકર’, ‘બૉબી’ અને ‘પ્રેમરોગ’. આ ઉપરાંત પિતાની હયાતિમાં આર.કે.સ્ટુડિયોની ‘કલ, આજ ઔર કલ’માં દિગ્દર્શક રણધીર કપૂરના આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું. લોકો રિશી કપૂરને પૂછયા કરતા કે તમારા પાપાની ફિલ્મોમાં તમે કામ કરો ત્યારે એ તમને પૈસા-બૈસા આપે કે નહીં? રિશી કપૂર કહેતાઃ ‘અત્યાર સુધી એક પૈસો પરખાવ્યો નથી!’ પછી ઉમેરતા, ‘એમણે મારા માટે જે કર્યું છે એમાં મારા મહેનતાણા કરતાં લાખગણું વધારે મને મળી ગયું છે.’

૨૨. રાજકપૂર એમના દિગ્દર્શન હેઠળની ફિલ્મોમાં પોતાની સાથે કામ કરતાં કલાકારોને ખૂબ સાચવતા. એકટરોથી ભૂલ થાય અને ફરીથી શોટ લેવો પડે એમ હોય તો એક્ટરને માઠું ન લાગે એટલે એમને સીધું કહેવાને બદલે એમણે પોતાના સાઉન્ડ રેર્કોિડસ્ટ અલાઉદીન ખાનને કહી રાખ્યું હતું કે કોઈપણ શૉટ બાદ હું જો તમને એમ પૂછું કે, ‘ખાનસા’બ શૉટ કૈસા થા?’ તો તમારે સમજી જવાનું કે માટે રિટેક લેવો છે અને બધા સાંભળે એમ કહેવાનું કે સાઉન્ડમાં જરા ગરબડ હતી. એક ઔર લેતે હૈં, સર!

૨૩. ‘બૉબી’ના શૂટિંગ વખતે ડિમ્પલ, પ્રેમનાથ કે પ્રાણની ભૂલથી કોઈ શોટ ફરી લેવાતો હોય અને એ ફ્રેમમાં રિશી કપૂર હોય તો હંમેશાં રાજ કપૂર દીકરાને વગર વાંકે ખખડાવીને રિટેક લેતા જેથી બીજા એકટરો કૉન્શ્યસ થયા વિના ફરીથી શૉટ આપવા તૈયાર થઈ જાય.

૨૪. ‘પ્રેમરોગ'(૧૯૮૨)માં રાજ કપૂર રિશીને હીરો ઉપરાંત દિગ્દર્શક પણ બનાવવા માગતા. રાજકપૂરની ઈચ્છા હતી કે દીકરો પોતાના હાથ નીચે ડિરકેશનનો કસબ શીખીને બાપનો વારસો ચાલુ રાખે. પણ એ ગાળામાં રિશી કપૂરની એટલી બધી ફિલ્મો આવી રહી હતી કે ઘરની ફિલ્મ ડિરેક્ટ કરવા જેટલો એમની પાસે ટાઈમ નહોતો. છેવટે રાજ કપૂરે એમના પરમેનન્ટ રાઈટર જૈનેન્દ્ર જૈનને દિગ્દર્શન સોંપ્યું. રાજજીના કેમેરામેન રાધુ કર્માકરે વિરોધ નોંધાવ્યોઃ ‘એમને તો દિગ્દર્શનનું એ.બી.સી. પણ નથી આવડતું.’ આખરે રાજ કપૂરે પોતે જ ડિરેક્ટરની ટોપી ફરીથી પહેરી લીધી.

૨૫. ‘પ્રેમરોગ’માં રિશી કપૂર દેવધરનો રોલ કરે છે જે એક જુવાન વિધવાના ગળાડૂબ પ્રેમમાં છે. રાજકપૂરે રિશીને કહ્યું હતું, ‘મને તારી આંખોમાં યુસૂફ જોઈએ છે. દિલીપકુમાર જેવો સિરિયસ, ઈન્ટેન્સ લુક બીજો કોઈ એક્ટર આપી શક્તો નથી. મને તારા ચહેરા પર એકઝેટલી એ હાવભાવ જોઈએ છે.’ રિશી કપૂરે પાછળથી આ વાત દિલીપકુમારને કહી હતી ત્યારે દિલીપસા’બ બહુ ખુશ થયા હતા.

૨૬. બિકાનેરમાં ‘લૈલા મજનુ’નું શૂટિંગ ચાલતું હતું. એક મોડી સાંજે શૂટિંગ પતાવીને બધા હોટેલ પર પાછા આવી ગયા હતા ત્યારે રિસેપ્શનમાંથી સૂચના આવી કે રિશીજી માટે મુંબઈથી ટ્રન્ક કૉલ છે. રિશી કપૂર દોડીને પોતાના રૂમમાંથી ફોન રિસીવ કરવા નીચે ગયા. એમના સેક્રેટરી ઘનશ્યામનો ફોન હતો. બહુ ડિસ્ટર્બન્સ વચ્ચે એટલું સંભળાયું કે મનમોહન દેસાઈ વાત કરવા માગે છે. મનમોહન દેસાઈએ ફોન પર કહ્યું કે, ‘અમર, અકબર, એન્થની’ નામની ફિલ્મ પ્લાન થઈ રહી છે અને મારી ઈચ્છા છે કે એમાં અકબરનો રોલ તું કર.’ ટ્રન્ક કૉલનું કનેકશન બરાબર નહોતું. એટલે વચ્ચે ઘોંઘાટ બહુ ડિસ્ટર્બ કરતો હતો. મનજીની વાત પૂરી સમજ્યા વિના રિશીએ કહ્યું દીધું: ‘થેંકયુ વેરી મચ, મિસ્ટર દેસાઈ, પણ હું કેવી રીતે અકબરનો રોલ કરી શકું? મારા દાદાજી ઓલરેડી ‘મોગલ-એ-આઝમ’માં અકબરનું પાત્ર ભજવી ચૂક્યા છે!’ સામેના છેડેથી મનજી ગુજરાતીમાં બરાડયાઃ ‘આ ગધેડાને થઈ શું ગયું છે?’ પણ પછી તો ફોન કપાઈ ગયો. મુંબઈ આવ્યા પછી રૂબરૂ મુલાકાત થઈ ત્યારે ખુલાસો થયો. એ પછી તો રિશીકપૂરે મનમોહન દેસાઈ સાથે બીજી બે ફિલ્મો કરી- ‘નસીબ’ (૧૯૮૧) અને ‘કુલી’ (૧૯૮૩).

૨૭. યશ ચોપડાની ‘કભી કભી’ કરવાની રિશી કપૂરની કોઈ ઈચ્છા નહોતી. અમિતાભ બચ્ચન લીડમાં હોય એવી મલ્ટિસ્ટારમાં પોતાની કોઈ નોંધ પણ નહીં લે એવી રિશીકપૂર દહેશત હતી અને આ બાજુ ચોકલેટી હીરો તરીકેનો સિતારો ચમક્તો હતો. તે વખતે પ્રમોદ ચક્રવર્તીની ‘બારૂદ’નું શૂટિંગ પેરિસ તથા મેડ્રિડમાં ચાલી રહ્યું હતું. વચ્ચે થોડા દિવસની છૂટ્ટી લઈને રિશી કપૂર ‘બૉબી’ના એક વર્ષની ઉજવણી માટે ઈન્ડિયા આવ્યા અને એક દિવસ ક્રિકેટ મેચ જોવા દિલ્હી ગયા. ‘કભી કભી’નું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું હતું. યશ ચોપડાને ગુલશન રાયે કહ્યું હતું કે ફિલ્મમાં બધા જ પુરુષ પાત્રો સિનિયર છે તો યંગ ક્રાઉડને એટ્રેક્ટ કરવા રિશીને લેશો તો જ કમર્શિયલી વાયેબલ બનશે. પણ રિશીએ ઑલરેડી યશજીને ના પાડી દીધી હતી. રિશી દિલ્હી હતા ત્યારે કશ્મીરમાં શૂટિંગ કરી રહેલા યશ ચોપડાએ શશી કપૂરને પોતાની સમસ્યા કહી. શશીજીએ કહ્યું કે, ‘ના, કેમ પાડે? ચલો, જાકે સાલે કો પીટતે હૈં!’ (આ વાક્ય શશી કપૂરની અસીમ છાબરાએ લખેલી બાયોગ્રાફીમાં છે, રિશીની નહીં). અને યશજી-શશીજીએ દિલ્હી આવીને રિશીને જબરજસ્તીથી મનાવી લીધા.આ ફિલ્મના શૂટિંગ વખતે રિશી-નિતુ સિંહ નવા નવા પ્રેમમાં પડયા હતા.

૨૮. ‘સત્યમ્ શિવમ્ સુન્દરમ્’ (૧૯૭૮)માં રાજ કપૂર રાજેશ ખન્નાને હીરો બનાવવા માગતા હતા. રાજસા’બને કાકાજી ગમતા. રાજેશ ખન્ના આર.કે.ની. ફિલ્મમાં કામ કરશે એવી અટકળો વહેતી થઈ. ઈન્ડસ્ટ્રી માટે આ ખૂબ મોટા ન્યૂઝ હતા. એ સ્પેશ્યલી ‘બૉબી’નું શૂટિંગ ચાલુ હતું ત્યારે ડિમ્પલ કાપડિયાનાં રાજેશ ખન્ના સાથે લગ્ન થઈ ગયાં એટલે દર વખતે રાજસા’બ શૂટિંગની તારીખ નક્કી કરવા રાજેશ ખન્નાની મહેરબાની થાય એને રાહ જોવી પડતી. ‘બૉબી’ વખતે ડિમ્પલ-રિશીના રોમાન્સની અફવાઓ વહેતી થયેલી અને લગ્નના થોડા જ વખતમાં ડિમ્પલ-રાજેશ ખન્ના વચ્ચે એ કારણોસર કે પછી બીજાં કારણોસર ખટરાગ શરૂ થઈ ગયાની પણ વાતો હતી. આવા વાતાવરણમાં રાજ કપૂર રાજેશ ખન્નાને પોતાની ફિલ્મમાં હીરો બનાવે અને રાજેશ તૈયાર પણ થઈ જાય એ જબરજસ્ત ઘટના કહેવાય. પણ સાથોસાથ એવી હવા પણ વહેતી થઈ કે રાજ કપૂરનું ફેમિલી એમના પર દબાણ કરે છે કે આર.કે. સ્ટુડિયોની કોઈ પણ ફિલ્મમાં રાજેશ ખન્નાને સ્થાન ન હોય. આત્મકથામાં રિશીકપૂર નિખાલસતાપૂર્વક કબૂલ કરે છે કે એ અફવા સાચી હતી: ‘રાજેશ ખન્ના વિરુદ્ધ મારા સહિત કુટુંબમાં સૌએ જાણે રાજસા’બ માટે ‘તાંડવ’ કમિટી બનાવી હતી. અમારા પ્રેશરને કારણે એમણે રાજેશ ખન્નાને પડતા મૂક્યા કે નહીં એ હું ખાતરીપૂર્વક ન કહી શકું પણ એટલું જરૂર કે છેવટે શશીઅંકલે એ ફિલ્મ કરી. આ વાત મેં રાજેશ ખન્ના હયાત હતા ત્યારે એમની આગળ જઈને કબૂલીને માફી પણ માગી હતી અને પછી તો આર.કે.સ્ટુડિયોના બેનર હેઠળ મેં ડિરેક્ટ કરેલી ‘આ અબ લૌટ ચલે’માં એમણે કામ પણ કરેલું.’

વધુ વાતો પછી.

9 COMMENTS

  1. રીશી કપૂર વિષે જાણકારી ગમી આપનો ફીલ્માઈન વિષે અભ્યાસ ઘણો સારો લાગ્યો

  2. સુંદર પ્રયાસ. સદ્ગતની સ્મશાનયાત્રા દરમ્યાન સંસ્મરણોની બૌછાર વરસતી હોય એવું જીવંતપણુ અનુભવાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here