કેજરીવાલની રેવડીઓ અને મોદીનાં વિકાસવચનો: બન્ને વચ્ચે જમીન-આસમાનનો ફરક છે : સૌરભ શાહ

(ઈલેક્શન એક્સપ્રેસ : સોમવાર, ૨૮ નવેમ્બર ૨૦૨૨)

(“ખાસ-ખબર”માં પ્રકાશિત)

મોદી કરે તે લીલા અને કેજરીવાલ કરે તે ભવાઈ? આવું પૂછનારા પાપિયાઓને પોતાની ભવાઈને લીલાનો દરજ્જો આપવા કરતાં વધારે રસ મોદીની લીલાને પોતાની ભવાઈની કક્ષાએ ઊતારી પાડવામાં હોય છે. ઊંચે બેઠેલાઓને પોતાના સ્તર સુધી ખેંચી લાવવામાં એમને રસ હોય છે, કારણ કે એમને ખબર છે કે પોતે તો સાત જન્મેય એમના સ્તર સુધી ઉપર નથી ઊઠી શકવાના.

શનિવારે (26મી નવેમ્બરે) ભાજપના સંકલ્પ પત્રની ઘોષણા થતાં જ ઝાડુવાળી અને પંજાવાળી પાર્ટીઓના અગલ-બગલિયાઓ કેમેરા સામે ચિલ્લાવા માંડ્યા કે આ તો મોદીની રેવડી છે. બીજે દિવસે સવારના છાપાંઓ પણ આપ-કોંગ્રેસના મુખપત્રો હોય એમ બરાડવા માંડ્યા કે મોદીએ પણ મતદારોમાં રેવડી વહેંચવાનું શરૂ કરી દીધું.

રાષ્ટ્ર વિરોધી મીડિયાની આવી બદબોઈમાં તસુભાર પણ સચ્ચાઈ નથી.

મોદી જ્યારે વચનો આપે છે ત્યારે એમણે સો ગળણે ગાળીને આપવાનાં હોય છે… કારણ કે મોદીને ખબર હોય છે કે પોતાની સરકાર બનવાની જ છે અને એટલે આ બધાં વચનો પાળવાનાં છે

એક: મોદીએ અને ભાજપે રાજ્યોમાં કે કેન્દ્રમાં જ્યારે જ્યારે સત્તા મેળવી છે ત્યારે ત્યારે મતદારોને આપેલાં વચનો પૂરાં કર્યાં છે. ચાહે એ રામ મંદિરનું નિર્માણ હો, 370મી કલમ હટાવવાની વાત હો કે બીજાં અનેક વચનો હો જે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં અપાયાં હોય.

બે: મોદી જ્યારે વચનો આપે છે ત્યારે એમણે સો ગળણે ગાળીને આપવાનાં હોય છે, કેજરીવાલની જેમ કે જોકરવાળા ગાંધીની જેમ આસમાનમાંથી ચાંદ-તારા તોડી લાવવાનાં વચનો મોદી નથી આપવા માગતા કારણ કે મોદીને ખબર હોય છે કે પોતાની સરકાર બનવાની જ છે અને એટલે આ બધાં વચનો પાળવાનાં છે, જો નહીં પાળીએ તો પાંચ વર્ષ પછી મતદારો અમને ઘરે બેસાડી દેશે. છેલ્લા અઢી દાયકાથી ગુજરાતમાં અને 2014થી કેન્દ્રમાં ભાજપ બહુમતીથી સરકાર બનાવી રહી છે તે વાત પુરાવો છે કે મતદારોને ખબર છે કે ભાજપે જે વચનો આપ્યાં છે તે પાળ્યા છે અને અત્યારે જે વચનો આપે છે તે જરૂર પાળશે.

ત્રણ: વચનપૂર્તિ કરતી વખતે મોદી સરકારની તિજોરી ખાલી કરી નાખે છે? ના. કેજરીવાલ જ્યારે બે-ચાર વચનો પણ ભૂલેચૂકેય પાળે છે ત્યારે સરકારી તિજોરી સફાચટ થઈ જાય છે અને પછી જ્યારે વિકાસનાં કાર્યો અટકી જાય ત્યારે વાંક કેન્દ્રનો કાઢે છે કે કેન્દ્ર તરફથી અમને સહાય નથી મળતી. ઘરેથી કોલેજમાં ભણવા જતા યુવાનને મા-બાપ ભૂખ લાગે ત્યારે ચા-નાસ્તો કરવા માટે સો રૂપિયા પોકેટમની રૂપે આપે અને પેલો વંઠેલો છોકરો સોની પત્તીને જુગારમાં હારી આવે કે, એમાંથી બિયર પી કાઢે કે ગાંજો ફૂંકી આવે અને ઘરે આવીને પાડોશીની આન્ટી આગળ જઈને ફરિયાદ કરે કે માસી, આજે તો હું સાવ ભૂખ્યો છું, કશું ખાધું નથી, સવારના રોટલી-શાક વધ્યા હોય તો ખવડાવશો? ત્યારે પાડોશણ બીચારી છોકરાનો વાંક કાઢે કે માબાપનો? ‘આપ’ના વંઠેલા ગંજેરીઓ, પિયક્કડોની આવી ફરિયાદ સાંભળો ત્યારે ધ્યાન રાખજો કે પાડોશીવાળી આન્ટીની જેમ કોઈ તમને બેવકૂફ બનાવી ન જાય.

ચાર: મોદી પાસે દાનત છે અને ઈન્ફ્રાસ્ટ્રકચર છે એટલે જેટલા અબજ રૂપિયાની સહાય કરવાનાં વચનો અપાય છે તેની પાઈએ પાઈ છેવાડાના માણસ સુધી પહોંચે છે. કેજરીવાલની દાનત ખોરી છે, એ માણસ જ સાવ ખોટ્ટો છે, જુઠ્ઠાડો છે. (યાદ છે, એમણે પોતાની દીકરીના સોગંદ ખાઈને કહ્યું હતું કે પોતે રાજકારણમાં પગ નહીં મૂકે). કેજરીવાલ સરકારી પૈસાની ખૈરાત કરે છે ત્યારે એ તમામ પૈસા જનતા સુધી પહોંચવાને બદલે પોતાના ઓળખીતા-પાળખીતાઓના ગજવામાં મૂકી દે છે. કેજરીવાલે સત્તામાં બેસીને સક્ષમ વહીવટ ચલાવવાનું કોઈ તંત્ર જ ઊભું નથી કર્યું કારણ કે એમની એવી કોઈ દાનત જ નથી. દરેક મીડિયા હાઉસને નિયમિત કરોડો રૂપિયાની જાહેરખબરો તેમજ બીજી રસમલાઈઓ આપીને કેજરીવાલ પોતાનો તદ્દન વરવો ચહેરો મેકઅપ લગાડીને પબ્લિક આગળ પેશ કરે છે. ‘ખાસ-ખબર’ દ્વારા આર.ટી.આઈ. કરીને આવા અનેક જુઠ્ઠાણાં બહાર આવ્યા છે. સોશિયલ મીડિયા પર કેજરીવાલના બોલવામાં અને કેજરીવાલના કામમાં કેટલું મોટું અંતર છે એના પુરાવાઓ ફરે છે આમ છતાં આ બેશરમ લોકો પોતાના નિર્વસ્ત્રપણાથી સહેજ પણ લજ્જાતા નથી, સાવ નફફટ છે.

આપિયાઓને બેફામ બોલવાની તાલિમ ગળથૂંથીમાંથી મળેલી છે

પાંચ: આપિયાઓને બેફામ બોલવાની તાલિમ ગળથૂંથીમાંથી મળેલી છે. ચાહે એ ઈટાલિયા કે ઈસુદાન જેવા સ્થાનિક છછુંદરો હોય કે પછી કેજરીવાલ, સિસોદિયા, સંજય સિંહ જેવા દિલ્હીના છછુંદરો હોય. ગયા અઠવાડિયે મનીષ સિસોદિયાએ શું કહ્યું? ‘ભાજપે કેજરીવાલની હત્યા કરવાનો પ્લાન કર્યો છે.’ અને ‘આપ’નાં બિસ્કિટ ખાઈને પૂંછડી પટપટાવતાં ગલૂડિયાંઓએ આ બેવકૂફીભર્યા સ્ટેટમેન્ટને બ્રેકિંગ ન્યુઝ બનાવ્યા, ફ્રન્ટ પેજ પર છાપ્યા. કોઈએ આ ‘સમાચાર’ આપતાં પહેલાં સિસોદિયાને પૂછવાની તસ્દી લીધી ખરી કે તમે ક્યા પુરાવાના આધારે આવું કહો છો? સજ્જડ પુરાવો હોય તો પોલીસમાં ફરિયાદ નોંધાવો અને પુરાવો ન હોય તો ભસવાનું બંધ કરો- આવું એક પણ મીડિયાવાળાએ સિસોદિયાને પૂછયું?

મતદાનના દિવસ આડે હવે જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મોદીના વિરોધીઓ હડકાયા કૂતરાની જેમ બેફામ બોલવાનું શરૂ કરશે અને ડેસ્પરેટ થઈ ચૂકેલા રાષ્ટ્રવિરોધી મીડિયાકર્મીઓ બમણા જોરથી ગુજરાતના મતદારોની આંખોમાં ધૂળ નાખવા માંડશે.

છ: ગુજરાતમાં અઢાર-ઓગણીસ વર્ષના જે યુવા મતદારો છે એમણે 2002નું કે તે પહેલાંનું ગુજરાત જોયું જ નથી. આ વખતે જેઓ જિંદગીમાં સૌ પ્રથમ વાર મતદાન કરવાના છે તે મતદારોએ 2002 પછીનું સમૃદ્ધ ગુજરાત જ જોયું છે. એમના મનમાં મીડિયા દ્વારા ઠસાવવામાં આવી રહ્યું છે કે છેલ્લાં વીસ વરસમાં ગુજરાત ખાડે ગયું છે, ગુજરાત પછાત બની ગયું છે, ગુજરાતમાં ભ્રષ્ટાચાર, ગરીબી, મોંઘવારી, બેકારીએ માઝા મૂકી છે એટલે હવે એક મોકો કેજરીવાલને આપો.

આ ફર્સ્ટ ટાઈમ વોટર્સને મારે પૂછવાનું કે કોઈ તમને કહે કે મોદીએ આ દેશ બહુ ચલાવ્યો, હવે એક મોકો દાઉદ ઈબ્રાહિમને આપો-તો? કેજરીવાલ દાઉદ કરતાં પણ વધારે ખતરનાક છે કારણ કે આપણને સૌને ખબર છે કે દાઉદની અસલિયત શું છે? દાઉદ ઈબ્રાહિમે ક્યારેય તમને છેતર્યા છે? એણે માઈક પર હનુમાનચાલીસા ગાઈને તમને જતાવ્યું છે કે પોતે કેટલો મોટો હિન્દુવાદી છે? ના. એ આતંકવાદી છે એની આપણને સૌને ખબર છે. એની અસલિયત વિશે આપણે સહેજ પણ ભ્રમમાં નથી, પણ કેજરીવાલની સચ્ચાઈ બધા સુધી પહોંચી નથી. મસ્જિદના મૌલવીઓને મહિને હજારો રૂપિયાનો પગાર સરકારી તિજોરીમાંથી આપીને વરસે કરોડો રૂપિયા ખર્ચીને પોતાની વોટબેન્ક ઊભી કરનારો આ મુખ્યમંત્રી તમને ઉલ્લુ બનાવવા પોતાની પાર્ટીનો સફેદ-બ્લ્યુ ધ્વજ ગુજરાત પૂરતો કેસરી કરી નાખે છે, હનુમાનચાલીસા ગાવાનું શરૂ કરે છે. નવી પેઢીના શિક્ષણ માટે સ્કૂલો બનાવવાનાં વચનો આપીને સ્કૂલો બનાવવાનું બજેટ કરોડો રૂપિયાની જાહેરખબરોમાં વાપરે છે જેથી એમની સરકારની નવી દારૂનીતિ વિશે કોઈ વિરોધ ન કરે. પંજાબમાં એક બેવડા કોમેડિયનને મુખ્યમંત્રી બનાવનાર કેજરીવાલે રાજકારણમાં પ્રવેશીને તમને શું કહ્યું હતું? ‘હું એકપણ ઉમેદવાર ક્રિમિનલ રેકોર્ડવાળો ઊભો નહીં રાખું’, આજે ગુજરાતમાં સૌથી વધુ ક્રિમિનલ રેકોર્ડવાળા ઉમેદવારો ‘આપ’ના છે. દિલ્હીમાં એમ.સી.ડી.ની ચૂંટણીમાં પણ સૌથી વધુ ક્રિમિનલ રેકોર્ડવાળા ઉમેદવાર ‘આપ’ના છે. દિલ્હીનાં કોમી રમખાણોમાં પકડાયેલા આરોપીઓમાં સૌથી નામીચા માણસો ‘આપ’ના છે. ‘આપ’ જેટલી ભ્રષ્ટાચારી પાર્ટી બીજી કોઈ નથી. અને આ ભ્રષ્ટાચાર બદલ કેજરીવાલને ન તો કોઈ શરમ છે, ન અફસોસ.

ઈટાલિયા, ઈસુદાન જેવાઓ મોદી વિરૂદ્ધ જેટલી ગાળાગાળ કરશે એટલું જ તેઓ પોતાનું અહિત કરશે. આ ગુજરાત છે. ઈવન ભારતમાં પણ કોઈ મોદી વિશે અપશબ્દ બોલે તો પ્રજા સાંખી લેતી નથી

સાત: ઈટાલિયા, ઈસુદાન જેવાઓ મોદી વિરૂદ્ધ જેટલી ગાળાગાળ કરશે એટલું જ તેઓ પોતાનું અહિત કરશે. આ ગુજરાત છે. ઈવન ભારતમાં પણ કોઈ મોદી વિશે અપશબ્દ બોલે તો પ્રજા સાંખી લેતી નથી. (મણિશંકર ઐય્યર, દિગ્વિજયસિંહ જેવા કોંગ્રેસી દિગ્ગજોના ફુગ્ગામાંથી કેવી હવા નીકળી ગયેલી યાદ છે? તો તમે તો વળી કઈ વાડીના મૂળા છો?) ખુદ ભાજપમાંના જ કેટલાક લોકો, ભાજપમાંથી દૂર કરવામાં આવે છે ત્યારે, મોદી વિશે સ્હેજ પણ ઘસાતું બોલે છે ત્યારે હિન્દુત્વ માટેનો એમનો ભવ્ય ભૂતકાળ હોવા છતાં પ્રજાની આંખમાંથી તેઓ ઉતરી જાય છે. જયનારાયણ વ્યાસ, ગોરધન ઝડફિયા અને મધુ શ્રીવાસ્તવ સહિત બીજા ડઝનબંધ આદરણીય નામો ગણાવી શકો તમે. ઈવન વિશ્ર્વ હિન્દુ પરિષદમાં રહીને હિન્દુત્વ માટે અભૂતપૂર્વ કામ કરી ચૂકેલા ડો. પ્રવીણ તોગડિયા જેવા મહાન હિન્દુવાદી પણ જ્યારે મોદી વિરૂદ્ધ બોલતા થયા ત્યારે ગુજરાતની પ્રજાની આંખોમાં એમનું સ્થાન નીચે આવી ગયું. મોદી માટેનો આ પ્રેમ ભાજપને જીતાડવામાં ઘણો મોટો ભાગ ભજવે છે આટલી એક વાત જો કેજરીવાલ અને ગુજરાતના એમના જી-હજુરિયાઓ સમજી ગયા હોત તો તેઓએ ક્યારેય મોદી વિરૂદ્ધ અનાપશનાપ બોલવાની ભૂલ ન કરી હોત. આ ભૂલ ‘આપ’ને ભારે પડી છે તે 8મી ડિસેમ્બરે પુરવાર થશે.

આઠ: કેજરીવાલ અને રાહુલ ગાંધીનો આરાધ્યદેવ જોસેફ ગોબેલ્સ છે જે એડોલ્ફ હિટલરનો પ્રોપેગેન્ડા મિનિસ્ટર હતો. આ બેઉ ખેપાનીઓને ખબર છે કે અમે એક જુઠ્ઠાણું બોલીશું એટલે અમારી પગચંપી કરનારું મીડિયા છ નહીં છસોવાર એ જુઠ્ઠાણાનો પ્રચાર-પ્રસાર કરશે, અને સાચું શું છે તે વિશે સ્પષ્ટતા થાય એ દરમ્યાન સામાન્ય પ્રજાના ભોળા માનસમાં આ જુઠ્ઠાણાની અસર ઊંડે સુધી ઊતરી ચૂકી હશે.

તાજેતરના બે દાખલા લઈએ- બંને ગુજરાત બહારના છે પણ આગામી અઠવાડિયા-દસ દિવસ દરમ્યાન ગુજરાતમાં પણ આવાં કાંડ મોટેપાયે ખેલાશે. હું ઓળખું છું આ રાષ્ટ્ર વિરોધી મીડિયાના પત્રકારોને. એકે-એકને ઓળખું છું. દરેકની કુંડળી, દરેકના ભૂતકાળની ફાઈલો, દરેકનાં ડોઝિયર છે.

ગયા અઠવાડિયે મહારાષ્ટ્રના એક ચાય-બિસ્કુટ મીડિયાએ ગપગોળો ચલાવ્યો કે મુખ્યમંત્રી એકનાથ શિંદે નાસિક-શિરડીની મુલાકાત વખતે એક જ્યોતિષ પાસે જઈને પોતાનો હાથ બતાવી આવ્યા અને પૂછી આવ્યા કે પોતાની સત્તા ટકશે કે નહીં?
ગલીનો એક કૂતરો ભસે એટલે બીજાં કૂતરાં પણ કંઈ જોયા-કર્યા વિના ભસવાનું શરૂ કરે. મહારાષ્ટ્રના મીડિયાએ શરૂ કરી દીધું. શરદ પવારથી માંડીને જે કોઈ રસ્તામાં મળે તેના મોઢામાં માઈક ઘાલીને પૂછવા માંડ્યા: ‘શિંદેએ આવું કર્યું… તમારી પ્રતિક્રિયા શું?’ સૌ કોઈ કહેવા લાગ્યું: ‘આ તો અંધશ્રદ્ધા કહેવાય… શિંદેને પોતાની સત્તા રહેશે કે નહીં તેનો ભરોસો નથી… ભાજપ શિંદેનો વિશ્ર્વાસઘાત કરશે એવો શિંદેને ડર છે…મહારાષ્ટ્રમાં અસ્થિર રાજકારણના દિવસો શરૂ થઈ ગયા છે વગેરે…’

હકીકત શું હતી? શિંદેના પ્રવક્તા દીપક કેસરકરે ગાઈ-બજાવીને કહ્યું કે શિંદે કોઈ જ્યોતિષને મળ્યા જ નથી. શિંદેએ પોતે કહ્યું કે હું કોઈ જ્યોતિષને મળ્યો જ નથી. ધારો કે, શિંદે જ્યોતિષને મળ્યા હોત તો તે કોઈ બીજા કામસર મળ્યા હોત એવું પણ બને અને ધારો કે એમણે પોતાનો હાથ બતાવ્યો હોત તો પોતાની અંગત જિંદગીના કોઈ પ્રશ્ર્નનો જવાબ મેળવવા કુતૂહલથી બતાવ્યો હોઈ શકે. જો કે, અહીં તો એવું પણ નથી. જ્યોતિષને મળ્યા જ નથી. પહેલા કૂતરાનું અનુકરણ કરીને ભસવાનું શરૂ દેવાને બદલે આ પત્રકારો શિંદેને કે એમના પ્રવક્તાને રૂબરૂ મળીને કે ફોન કરીને સાચી હકીકતની જાણકારી ન મેળવી શક્યા હોત?

નિર્વસ્ત્ર મીડિયાને બધે નાગું નાગું જ દેખાયું

બીજો કિસ્સો સ્વામી રામદેવનો છે. સ્વામીજીએ સ્ત્રીઓ કોઈ કપડાં ન પહેરે તો વધારે સુંદર લાગે એવું કહ્યું એ મતલબનું તમે બધે વાંચ્યું, સાંભળ્યું.

શું ખરેખર?

સ્વામી રામદેવ આવું બોલે? શું એમની જીભ લપસી પડી? શું આ કક્ષાની જવાબદાર વ્યક્તિની કોઈ દિવસ જાહેરમાં તો શું ખાનગી વાતચીતમાં પણ જીભ લપસે ખરી?

પણ મીડિયાએ ચલાવ્યું અને તમે માની લીધું.

થોડીક તસ્દી લઈને યુ-ટયુબ પર અનએડિટેડ વિડીયો જોજો. સ્વામી રામદેવ સ્ત્રીઓના પરિધાન વિશે વાત કરતાં કહે છે કે સાડી સ્ત્રીઓ માટે આદર્શ પહેરવેશ છે અને અહીં બેઠેલાં અમૃતા ફડણવીસ (મહારાષ્ટ્રના માનનીય ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની)ની જેમ ચૂડીદાર-કમીઝ પણ સ્ત્રીઓને શોભે અને મારી જેમ તેઓ (બીજું) કંઈ પણ ના પહેરે (અને સાદાં ભગવાં વસ્ત્રો પહેરે) તો ય તેઓ શોભી ઊઠે.

સ્વામીજીએ ત્રુટક ત્રુટક બોલેલા શબ્દોનો આગળ-પાછળના રેફરન્સ સાથે આ ભાવાર્થ થાય.

પણ નિર્વસ્ત્ર મીડિયાને બધે નાગું નાગું જ દેખાયું. મારે એક વાત પૂછવી છે મીડિયાના મારા આ જાતભાઈઓને (જેમાંના કેટલાક કમજાતભાઈઓ છે) કે સ્વામીજી જે બોલ્યા એકઝેટલી તે જ શબ્દો તમારા પિતાજીએ ઉચ્ચાર્યા હોત તો શું તે શબ્દોનું આવું અર્થઘટન કરીને તમે તમારા માતા કે બહેન આગળ રજૂ કરવાની ધૃષ્ટતા આચરી હોત?

હિન્દુત્વના પ્રહરીઓને બદનામ કરવા માગતા ઈટાલિયાઓએ મોરારિબાપુ માટે અને ઈસુદાનોએ બીજાઓ માટે આ પ્રકારનાં દુષ્કર્મો કર્યા જ છે. તેઓ પહેલી ડિસેમ્બર પહેલાં અને પાંચમી ડિસેમ્બર પહેલાં મરણિયા થઈને ભાજપના સમર્થકોને, હિન્દુત્વના સમર્થકોને, મોદીના સમર્થકોને બદનામ કરવા આવું બીજું ઘણું કરશે જેથી પોતાની ડિપોઝિટ બચી જાય.

નવ: ભાજપના સંકલ્પ પત્રમાં જે 32 વચનો અપાયાં છે તેને કારણે મતદારોના બત્રીસે કોઠે દીવા થવાના છે. આ તો બધાં વધારાનાં વચનો છે, ઓલરેડી ગુજરાતની ભાજપ સરકાર વિકાસનાં જે કામ કરી રહી છે તે તો છે જ, અને એ ચાલુ જ રહેવાનાં છે. ચૂંટણી ઢંઢેરામાં એ ઉપરાંતના કામોનાં વચન અપાયાં છે. મારે હિસાબે આ 32માંથી સૌથી અગત્યનાં જે ત્રણ કામ આગામી પાંચ વર્ષમાં ગુજરાતને જોવા મળશે તે આ છે: 1. સમગ્ર રાજ્યના રસ્તાઓને 4 કે 6 લેનના ધોરી માર્ગને જોડનારો 3000 કિલોમીટરનો પ્રથમ પરિક્રમા પથ. 2. ગુજરાતની અર્થવ્યવસ્થાને 1 ટ્રિલિયન ડોલરની બનાવવા માટે 5 લાખ કરોડનું વિદેશી રોકાણ આકર્ષવું અને 3. કોમી રમખાણો કે વિરોધ પ્રદર્શનો, દેખાવો દરમ્યાન સરકારી કે ખાનગી પ્રોપર્ટીને થયેલા નુકસાનની વસુલી માટેનો કાયદો (અર્થાત્ યોગીજીનું બુલડોઝર હવે ગુજરાતમાં!) સાથોસાથ આતંકવાદી સંગઠનોને સ્થાનિક સપોર્ટ આપનારાં તત્ત્વોને જડમૂળથી ઉખેડી નાખવા માટે એન્ટી રેડિક્લાઈઝેશન સેલ.

ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેકારી, ગરીબીએ માઝા મૂકી છે એ આક્ષેપોમાં તથ્ય કેટલું છે?

કેજરીવાલને ભૂલેચૂકેય જો મતદારોએ ચાન્સ આપ્યો અને ન કરે નારાયણ ને ઈસુદાન ગઢવી ગુજરાતનો મુખ્યમંત્રી બની ગયો તો ગુજરાતનાં આગામી પાંચ વર્ષ કેવા હશે?

શું વિધાનસભાની ચૂંટણીનું મહત્ત્વ માત્ર લોકલ પ્રશ્ર્નો હલ કરવા પૂરતું જ મર્યાદિત હોય છે? દિલ્હીમાં રહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભવિષ્યના ભારત માટે જે અમુક કામ કરવા ધારે છે તે કામ માટે એમને લોકસભાની જ ચૂંટણીનાં પરિણામ મદદ કરશે, વિધાનસભાનાં નહીં?

આ ત્રણેય સવાલોના જવાબ માટે આવતી કાલે ‘ઈલેકશન એક્સપ્રેસ’નો બીજો હપ્તો વાંચવાનું ચૂકતા નહીં.

આજે બસ આટલું જ.

( રાજકોટથી પ્રકાશિત ગુજરાતી ભાષાના અગ્રણી ડિજિટલ સાંધ્ય દૈનિક ‘ખાસ ખબર’ માટે લખાયેલી એક્સક્લુઝિવ સિરીઝ ‘ ઇલેક્શન એક્સપ્રેસ’નો પ્રથમ લેખ)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

6 COMMENTS

  1. સરજી, આવા બધા સરસ વિચારો બહુ બધા સુધી પહોંચ એવી સારી ટ્રાય કરવા વિંનતી .

  2. સનાતન વૈદિક ધર્મ, સંસ્કૃતિ, સંસ્કાર અને જીવન શૈલી જો જાળવવી હોઈ તો મોદીજી ને ઘ્યાન માં રાખી બીજેપી ને જ મત આપવો. સનાતની હિંદુ ધર્મમાં માનતા અનુયાયી પાસે એકજ રાષ્ટ્ર બચ્યું છે એને સાચવવાનું કામ આપણા હાથમાં છે. કેજરવાલ જેવી દુષિત માનસિકતા ધરાવતી વ્યક્તી ભારત માં કોઈ નથી થઈ. કેજરી અને ચડાલ ચોકડી ( કેજરી, સંજય, મનીષ, જૈન ) હિંદુ મત અને પૈસા લઈ મૌલાના અને વકફ બોર્ડ ને ખુલ્લા હાથે વહેંચી રહ્યો છે. કૉંગ્રેસ ને થોડી બેઠકો મળી તો ચાલશે પરંતુ કપટી, ટુકડે ટુકડે ગેંગ નો સરદાર છે, એને ગુજરાત અને રાષ્ટ્ર માંથી કાઢવો જ પડશે. વંદે માતરમ્!

  3. સર, આ કેજરીવાલને તો લાત મારીને કાઢવો જ જોઈએ. દિલ્હી અને પંજાબની બરબાદી કરીને હવે એ “કમાઉ દીકરા” જેવા ગુજરાત પર નજર બગાડી રહ્યો છે. કેટલા બધા વિરોધાભાસી નિવેદન કરે છે એ. લોકોને મફતીયુ ખવડાવીને એ આળસુ અને સાવ મારકાંગલા બનાવી દેછે. ગુજરાતમાં જો ભૂલેચૂકે કેજરીવાલ આવી જશે તો એ ગુજરાતને પાયમાલ કરી દેશે એની બહુ મને ચિંતા થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here