( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 26 નવેમ્બર 2025 )
શું તમે ક્યારેય એવું જોયું છે કે વ્યક્તિને જિંદગીમાં એક કામ કરવામાં ખૂબ આનંદ આવતો હોય પણ એ કામ છોડીને એણે કોઈ એવું કામ પસંદ કરવું પડે જેમાં એને આનંદ નથી મળતો, સંતોષ પણ નથી મળતો પરંતુ પૈસા અને પ્રસિદ્ધિ ખૂબ મળે છે. કદાચ એ વ્યક્તિ તમે પોતે પણ હો. કદાચ તમારી આસપાસ એવી વ્યક્તિ હોય. મારા પરિચયમાં આવી અનેક વ્યક્તિઓ છે. કૉલેજમાં ભણતી વખતે ઍન્યુઅલ ડેમાં ખૂબ સુંદર કંઠે ગીત ગાઈને ઇનામ મેળવીને વિચારતા કે ભવિષ્યમાં અમે રફી-કિશોર-મૂકેશની જેમ પ્લેબૅક સિંગર બનીશું.
ટીન એજમાં કોઈને વાંચવાનો શોખ હોય અને વિચારે કે મોટા થઈને અમે પણ આ મહાન લેખક જેવું લખીને ખ્યાતિ પ્રાપ્ત કરીશું.
યુવાન ઉંમરે પાબ્લો પિકાસો જેવા જગમશહુર ચિત્રકાર કે રવીન્દ્રનાથ ટાગોર જેવા મહાન કવિ બનવા માગતા હોય અને એવું પોટેન્શિયલ પણ ધરાવતા હોય એવા લોકોને પણ તમે જોયા હશે.
પરંતુ દરેક વ્યક્તિ પોતાની પ્રતિભાને ઓળખીને જીદપૂર્વક આગળ વધી શકતી નથી. થોડે દૂર જઈને એ ફંટાઈ જાય છે. એને કોઈ બીજા કામમાંથી પૈસા અને પ્રસિદ્ધિ મળવા લાગે છે અને પછી એ જ કામમાં એ ગળાડૂબ થઈ જાય છે.
કાશીનાથ ઘાણેકરના જીવનમાં અભિનેતા તરીકે આવો જ એક તબક્કો આવ્યો હતો. રંગમંચ માટે એમને ગજબનો લગાવ હતો. અભિનય એમના લોહીમાં હતો. ઘણા અભિનેતાઓ નાટકને એક સ્ટેપિંગ સ્ટોન ગણતા હોય છે. રંગમંચ પર ખૂબ સારી નામના મેળવી હોય પણ છેવટે તેઓ વધુ પૈસા અને વધુ પ્રસિદ્ધિ મેળવવા ફિલ્મોમાં કામ કરવાનું સપનું જોતા હોય. કાશીનાથ જુદી માટીના માણસ હતા. એ જમાનો પણ જુદો હતો. ૧૯૬૦ના દસકાનો સમય હતો. કાશીનાથે મરાઠી રંગભૂમિ પર દબદબાભેર પ્રવેશ કરી ચૂક્યા હતા. પણ એકાએક કંઈક એવું બન્યું કે એમને કામ મળતું બંધ થઈ ગયું. સર્વાઇવલ માટે એમણે મરાઠી ફિલ્મોમાં અભિનય કરવાનું શરૂ કર્યું. પૈસા મળ્યા, પ્રસિદ્ધિ મળી. મરાઠી ફિલ્મજગતના સુપરસ્ટાર ગણાતા થઈ ગયા. પણ એમનો જીવ રંગમંચ પર. પરંતુ લેખક વસંત કાનેટકર સાથે ઝઘડો થયા પછી નાટકમાં કોઈ એમને લેવા તૈયાર નહોતું.કાશીનાથ માટે જીવનનો આ કપરો સમયગાળો હતો.

‘…આણી કાશીનાથ ઘાણેકર’ ફિલ્મનો એક સીન છે. સાર્વજનિક ગણેશોત્સવ મંડળના કાર્યકરો કાશીનાથને મળવા આવ્યા છે: ‘સાહેબ, અમારા કાર્યક્રમમાં આપ મુખ્ય મહેમાન તરીકે પધારો એવી વિનંતી છે. એક જમાનામાં આપ જે નાટકમાં કામ કરી ચૂક્યા છો તે મશહૂર નાટક “રાયગડાલા જેવ્હા જાગ યેતે” અમે ભજવવાના છીએ..’ આટલું સાંભળીને કાશીનાથ પૂછે છે કે એમાં સંભાજીનો રોલ કોણ ભજવે છે?
વસંત કાનેટકરે લખેલું એ નાટક સુપર હિટ હતું. કાશીનાથે એમાં સંભાજીનું પાત્ર ભજવ્યું હતું જે પ્રેક્ષકોને ખૂબ પસંદ પડ્યું હતું.
ફિલ્મમાં આ સીન અહીં પૂરો થઈ જાય છે. એ પછીનો સીન કાશીનાથ અને એમનાં પત્ની ઈરા વચ્ચેનો છે. બે સીન દરમિયાન શું થાય છે એ આપણે સમજી જવાનું છે કે કાશીનાથે પેલા લોકોને કહ્યું છે કે હું મુખ્ય મહેમાન તરીકે તો આવીશ જ પણ સંભાજીનો રોલ હું કરીશ!
પેલા લોકોના ગયા પછી પત્ની ઈરા કાશીનાથને ઠપકાના સૂરમાં કહે છે કે તમે શું હવે ગલીમાં ભજવાતા નાટકમાં કામ કરશો? ચાર ફિલ્મોની ઑફર મળી છે. સિનેમાના સ્ટાર છો તમે!
આના જવાબમાં કાશીનાથ ઘાણેકરનો જે સંવાદ છે એ સાંભળીને તમને રાત્રે ઊંઘ નહીં આવે, જો તમારા જીવનમાં પણ આવો જ અનુભવ થયો હશે તો.
“ગમતા કામમાં અસફળતા મળે એના કરતાં નહીં ગમતા કામમાં સફળતા મળે એ વાત વધારે તકલીફ આપે છે.”
બરાબર સમજી લો આ વાત.
જે કામ ગમતું હોય એમાં અપયશ મળે કે નિષ્ફળતા મળે એના કરતાં પણ વધારે દુઃખ ત્યારે થાય છે જ્યારે અણગમતું કામ કરીને યશ મળે, પ્રસિદ્ધિ અને પૈસા મળે.
બે વાર આ વાક્ય વાંચીને પછી આગળ વધજો. ‘… આણિ કાશીનાથ ઘાણેકર’નો આ યાદગાર સંવાદ છે. જિંદગી છે, જિંદગીને ટકાવી રાખવા માટે માણસે ગમતા-અણગમતાં અનેક કામ કરવાં પડતાં હોય છે. ગમતું કામ કરીએ અને એમાં સફળતા મળે એવું તો બધા જ ઈચ્છે. ન ગમતું કામ કરવું પડે ત્યારે એમાં નિષ્ફળ જઈએ તો કોઈ રંજ ન હોય. ગમતું કામ કરવા જઈએ ને એમાં નિષ્ફળ જઈએ તો સ્વાભાવિક રીતે જ તકલીફ થવાની. પણ જેને પોતાના કામ સાથે લગાવ છે, પૅશન છે એવા માણસને સૌથી વધારે તકલીફ અણગમતાં કામમાંથી સફળતા મળે છે ત્યારે થાય છે, કારણ કે આવી સફળતા એને ઊંધા માર્ગે લઈ જતી હોય છે.
મુંબઈમાં જગજિત સિંહ જેવા મહાન ગઝલ-ગાયક બનવા માટે આવેલો કોઈ યુવાન ગાયક જાણતો હોય કે પોતાનામાં એ કક્ષાની ટેલન્ટ છે, પણ જો એ ઑરકેસ્ટ્રામાં ગાવા જાય, લગ્નનાં ફંકશનોમાં તેમ જ પાર્ટીઓમાં ગાવા જાય અને ત્યાં એની જબરજસ્ત ડિમાન્ડ ઊભી થાય, માગે એટલા પૈસા મેળવતો થઈ જાય તો એ સફળતા એને કઠવાની જ છે, કારણ કે એ જાણે છે કે સફળતાનો આ ચસકો એ ક્યારેય છોડી શકવાનો નથી અને એટલે જ એ સ્ટ્રગલ કરીને ક્યારેય જગજિત સિંહ જેવો ન ભૂતો ન ભવિષ્યતિ ગાયક બની શકવાનો નથી.
લખવાની પૅશન હોય પણ એમાં આગળ વધવાનું છોડીને ડૉક્ટર, સીએ કે એન્જિનિયર બનવાનું પસંદ કરે; ચિત્રકાર, ક્રિકેટર કે કવિ બનવાને બદલે ફેક્ટરીમાં નોકરી કરતા હોય — આવા અનેક લોકો હોય છે.
હવે આ મુદ્દો પૂરો થયો. આગળ વધીએ.
ડૉ. કાશીનાથ ઘાણેકર અને ડૉ. શ્રીરામ લાગુ પ્રતિસ્પર્ધી હતા. એ જમાનામાં લાગુનું કામ પણ વખણાતું, ઘાણેકરનું પણ. બેઉ પોતપોતાની રીતે મહાન કળાકાર હતા. પણ લોકપ્રિયતાની દોડમાં ઘાણેકર ઘણા આગળ હતા. ફિલ્મમાં આ બાબતના વિગતવાર દૃશ્યો છે. ઘાણેકરની ઍક્ટિંગ બોલકી હતી, સ્ટાઈલિશ હતી, પ્રેક્ષકો પાસેથી ઈન્સ્ટન્ટ તાળીઓ ઉઘરાવી લેતી. લાગુનો અભિનય સબડયુડ રહેતો, પ્રેક્ષકોના અંતરમાં સોંસરવો ઊતરી જતો, એમણે બોલેલો સંવાદ પૂરો થયા પછી પ્રેક્ષકો સૂમ થઈ જતા, સ્તબ્ધ થઈ જતા, તાળી વગાડવાનું ભૂલીને એ પાત્રના વાતાવરણમાં ખોવાઈ જતા. કાશીનાથ ઘાણેકર કદાચ આ સમજતા હશે. મનોમન શ્રીરામ લાગુને પોતાના કરતાં ઊંચા-ઉમદા કળાકાર પણ માનતા હશે. કદાચ.
આ ફિલ્મનું સારું શું છે કે એ જરાય ચીપ બન્યા વિનાની બોલ્ડ છે અને સહેજ પણ મેલોડ્રામામાં સરી પડ્યા વિનાની લાગણીભીની છે. કાંચન ટીનેજર હતી જ્યારે એ ‘કાશીકાકા’ના પ્રેમમાં પડી (અને છેવટે એમને જ પરણી). આ વાતને સહેજ પણ છુપાવ્યા વિના બોલ્ડલી, સવિસ્તર કહેવામાં આવી છે. કાશીનાથના વનનાઈટ સ્ટેન્ડ્સ વિશે પણ વિગતે વાતો થઈ છે. એક સીનમાં તો ઈરાવતી (પ્રથમ પામી) જુએ છે કે નશામાં ચૂર થઈને ઊંઘી ગયેલી સ્ત્રી કાશીનાથના પલંગ પરથી ગબડી પડે છે. નાટ્ય-નિર્માતાઓની ફરિયાદ છે કે કાશીનાથ પોતાના નાટકોમાં કામ કરતી કોઈ અભિનેત્રીને છોડતો નથી. કાશીનાથ બેફામ દારૂ પીને છાકટા થતા અને રંગભૂમિની લક્ષ્મણરેખાને ઓળંગીને પીધા પછી સ્ટેજ પર આવતા એવો પણ એક સીન છે.
આવી બોલ્ડ વાતો કરતી વખતે ચીપનેસમાં ઊતરી પડવું સહેલું હોય છે. દિગ્દર્શક માટે, પટકથા-લેખક માટે. પણ અહીં ગજબનો સંયમ છે. કાંચન અને કાશીનાથના રોમાન્સને ડિગ્નિટી આપવામાં આવી છે. જમાનો ભલે એ વખતે આ સંબંધને નીચી નજરે જોઈને ગૉસિપું કરતો હોય પણ ભાઈ, આ બે વ્યક્તિ વચ્ચેના સંબંધની વાત છે. કોઈપણ સંસ્કારી વ્યક્તિ એને ગૉસિપના લેવલ પર ઊતારી પાડે નહીં.
પ્રથમ પત્ની ઈરાવતી સાથેના સુખી સંસારને ગજબની રીતે કન્ટ્રોલ રાખીને, સહેજ પણ મેલોડ્રામા નાખ્યા વિના, તૂટતો બતાવવામાં આવ્યો છે. કાંચનની માતા (અભિનેત્રી સુલોચનાનો રોલ સોનાલી કુલકર્ણીએ ભજવ્યો છે) આ સંબંધ વિશે જાણે છે ત્યારે પણ સીનમાં મેલોડ્રામા નાખ્યા વિના એ ક્ષણોને લાગણીભીની બનાવી છે. આવી આવડત બધા ફિલ્મકારો પાસે નથી હોતી.
સેલિબ્રિટી વિશે ફિલ્મ કે બાયોપિક બનાવનારાઓ કે પછી મોટી વ્યક્તિ વિશે લખનારાઓ ક્યારેક પોતે તટસ્થ છે એવું દેખાડવા માટે કે બૅલેન્સિંગ કરવા માટે એ વ્યક્તિના ખરાબ પાસાનું ચિત્રણ કરવામાં જરાક ઓવર બોર્ડ જતા રહેતા હોય છે. મોટા માણસની ધોતી નહીં ખેંચીએ તો અમે એમના ચમચા લાગીશું એવા કોઈક સિન્ડ્રોમથી તેઓ પીડાતા હોય છે. આ ફિલ્મના સર્જકોમાં એવો કોઈ ઈન્ફિરિયોરિટી કૉમ્પલેક્સ નથી એટલે જ ફિલ્મમાં ન તો કાશીનાથની આરતી ઉતારતી હોય એવું લાગે છે, ન ફિલ્મમાં કાશીનાથ ઘાણેકરના નામે કોઈ ભવાડો રજૂ થતો હોય એવું લાગે છે. ફિલ્મ વાસ્તવિકતાની ઘણી નજીક લાગે છે.
મરાઠી ફિલ્મસર્જકો પોતાના પ્રેક્ષકોને મંદબુદ્ધિ નથી ગણતા, એમને મૅચ્યોર્ડ ગણે છે. લાઈટ નોટ્સથી શરૂ થતી ફિલ્મ ધીમે ધીમે ઈન્ટેન્સ બનતી જાય છે અને છેવટે ડાર્ક બની જાય છે પણ આ ટ્રાન્ઝિશન દરમિયાન ક્યાંય જર્કી નથી બનતી, સ્મૂધલી ભાવ-રૂપાંતરણ થતું રહે છે.
પ્રભાકર પણશીકર પોતાના આ મિત્રના છેલ્લા દિવસોમાં કાશીનાથની કરિયર રિવાઈવ કરવા માટે ફરી એકવાર એમના જૂનાં નાટકોને પુનર્જીવિત કરે છે. આમાંના એક શૉમાં કાશીનાથ દારૂ પીને સ્ટેજ પર આવે છે. કાશીનાથની પર્સનલ લાઈફની હરકતોથી દુભાયેલા પ્રેક્ષકો તોફાને ચડે છે. સભાગૃહની ખુરશીઓ તોડફોડ કરે છે, આગ ચાંપે છે. પણશીકર સ્ટેજ છોડ્યા વિના, ડર્યા વિના બે હાથ જોડીને પ્રેક્ષકોની માફી માગતા રહે છે, શાંત થઈ જવાનું કહે છે. નૅક્સ્ટ સીનમાં પણશીકર કેટલી ખુરશીઓ તૂટી છે, બીજું કેટલું નુકસાન ભરપાઈ કરવાનું રહેશે એને સ્વસ્થતાપૂર્વક મોજણી કરાવતા દેખાય છે. પોતાના જ પાપે ડૂબી રહેલા એક મિત્રનો હાથ ન તરછોડાય એવો જડબેસલાક સંદેશો તમને મળે છે.
રસ પડતો હોય તો હજુ થોડી વાત બાકી છે, આવતા અઠવાડિયે કરીએ.
સાયલન્સ પ્લીઝ!
કોઈ ગુનો કર્યો જ નથી, એમ પણ નથી
એને હું સાંભર્યો જ નથી, એમ પણ નથી
મારી લથડતી ચાલ મને ક્યાં લઈ જશે?
તેં હાથ આ ધર્યો જ નથી, એમ પણ નથી
આ ગામ,આ ગલી,આ ઝરૂખો તો ગયાં પણ
પાછો હું ત્યાં ફર્યો જ નથી, એમ પણ નથી
તારાથી હોઠ બીડી મેં નજરોને હઠાવી
ને કાંઈ કરગર્યો જ નથી એમ પણ નથી
– મકરંદ દવે
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો













