( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર,1 ફેબ્રુઆરી 2026 )
નૉવેલિસ્ટ જૉન ગાર્ડનર (૧૯૩૩-૧૯૮૨)એ એક પ્રવચનમાં બહુ મોટી વાત કહી હતી: માણસ પીઢ અને પરિપક્વ બને છે એમાં શું મેળવે છે? વધુ આવડત? વધુ જ્ઞાન? ના. એ ઉપરાંત પણ બીજું ઘણું શીખે છે. જાતને વેડફી નહીં દેવાની કળા શીખે છે. ચિંતા કરીને શક્તિઓ નિચોવી નહીં દેવાનું શીખે છે. માનસિક તાણ સાથે સહેલાઈથી જીવતાં શીખે છે. માણસ શીખે છે કે સતત પોતાના માટે લાચારી દેખાડવી, સતત કોઈકને કોઈક વાતની ફરિયાદ કરવાની ટેવ રાખવી તે ઘાતક ઝેર જેવી વૃત્તિઓ છે. માણસ શીખે છે કે લોકો તમારી આવડતને ચાહે છે પણ જીવનમાં ખરું વળતર તો તમારા વ્યક્તિત્વનું તમને મળતું હોય છે. તમને ધીમે ધીમે સમજાય છે કે આ દુનિયા કંઈ તમને ચાહનારાઓ અને ન ચાહનારાઓમાં વહેંચાયેલી નથી. લોકો પોતાના વિશે જ વિચારવામાં મશગૂલ હોય છે, પોતાને જ ચાહવામાંથી તેઓ ઊંચા નથી આવતા, તમારા વિશે વિચારવાનીય એમને ફુરસદ નથી. તમને સમજાય છે કે ગમે એટલી મહેનત કરશો તોય દુનિયામાં અમુક લોકોને તમે ગમવાના નથી જ અને આ સમજણ શરૂમાં જરાક તકલીફ આપનારી હોય છે પણ પછી ખૂબ નિરાંત આપે છે. ગાર્ડનરની વાત અહીં પૂરી થઈ.
હવે આપણી વાત. મૅચ્યોર્ડ થવું એટલે શું? કેટલાક લોકોનો તકિયાકલામ હોય છે: યે બાલ ધૂપ મેં નહીં પકાયે હૈં. તેઓ કહેવા માગતા હોય છે કે મારી ઉંમર મારી પીઢતાની નિશાની છે. ખરેખર? બાળકમાં અને મૅચ્યોર્ડ માણસમાં શું માત્ર સફેદ વાળનો જ ફરક હોય છે?
અનુભવોથી માણસ ઘડાય છે એવું કહેવાય છે એ ખોટું નથી પણ અનુભવો માત્ર ઉંમર વધવાની સાથે જ આવે એ વાત ખોટી. ખૂબ મોટી ઉંમર ભોગવનારાઓના જીવનમાં અનુભવોની, જીવનને ઘડનારા અનુભવોની, ઓછપ હોય એ શક્ય છે. નાની ઉંમરે ખૂબ બધા સજ્જડ અનુભવો જેને થઈ જાય એના માટે બાકીની જિંદગી જીવવાનું કામ કમ્પેરેટિવલી વધુ સરળ કે ઓછું અઘરું બની જવાનું.
કેટલાક લોકો સતત નકારમાં જીવતા હોય છે. નવો માહોલ, નવી વ્યક્તિઓ, નવા વિચારો, નવાં સૂચનો કે પછી નવું કશું પણ એમની સામે આવે કે તરત આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરીને એને નકારી કાઢતા હોય છે. આવા લોકો જલદી વાસી બની જતા હોય છે.
આનાથી વિરુદ્ધ, કેટલાક લોકો અતિ ઉત્સાહમાં નવું સઘળુંય વગર વિચાર્યે અપનાવી લેતા હોય છે. એમનો એક જ જીવનમંત્ર હોય છે કે જિંદગીના રસને પીવામાં જલદી કરી લો ભાઈ, એક તો પવાલું કાણું છે અને પાછો દારૂય ઓછો છે. ‘મરીઝ’ની ઉમદા ફિલસૂફીનો કચ્ચરઘાણ વાળી નાખતા હોય એમ આ લોકો જીવનમાંથી બને એટલું બધું જ જલદી ઉસેટી લેવા માગતા હોય છે.
અનુભવ તમને શીખવાડે છે કે આ બેઉ અંતિમોમાંથી કોઈ એકના તરફ ઘસડાઈ જવામાં ભારોભાર જોખમ છે.

માણસ ચિંતા કરે તે છતાં પ્રસન્નતામાં ગળાડૂબ રહી શકે એવું અનુભવથી સમજાય છે. બહારનાં કોઈ પરિબળો અંદરની મધુરતાને ખલેલ પહોંચાડતાં અટકી જાય એવી અવસ્થાને ખરી મૅચ્યોરિટી કહેવાય. ચિંતાથી વિચારોમાં ગંભીરતા આવે ખરી પણ ચિંતાના અતિરેકની ટેવ પડી જાય એ પછી માણસ આત્મદયામાં, સેલ્ફપિટીમાં સરી પડે. અરેરે, હું કેવો અભાગી અને મારું નસીબ તો પહેલેથી જ અવળું ચાલે છે એવી આત્મનિંદા દ્વારા માણસ પોતે જ પોતાને સહાનુભૂતિ આપીને પોતાની કમજોરીઓને જસ્ટિફાય કરતો રહે છે, પંપાળતો રહે છે.
જીવનમાં જેમ જેમ અનુભવો ઉમેરાય એમ માણસમાંથી ભય ઓછો થતો જવો જોઈએ. સતત ભયભીત રહેવું એ બાલિશતાની નિશાની છે. પણ ભયથી દૂર થવું એટલે નિશ્ચિંત થઈ જવું કે સલામતી અનુભવવી એવું નહીં; અસલામતીમાં જીવવા છતાં અને અસલામતીભર્યા જીવનની સાથોસાથ ચાલી આવતી અનિશ્ચિતતાની થ્રિલ માણતાં રહીને જીવતા નીડર લોકો તમે જોયા હશે. એમની પાસે ડરવાનું કોઈ કારણ નથી હોતું, કારણ કે ભવિષ્યની કલ્પનાઓ એમને ડરામણી લાગતી નથી.
કલ્પના બેધારી તલવાર જેવી છે. સાચી રીતે વાપરતાં આવડે તો એમાંથી સર્જકતા જન્મે, સપનાં જન્મે. અને થાપ ખાધી તો આ જ કલ્પના તમને ભ્રમણાની દુનિયામાં લઈ જાય. વાસ્તવિકતાને નરી આંખે જોવાને બદલે તમે એને રાત્રે પણ રૅબાનના સનગ્લાસીસની પાછળથી નિહાળતા થઈ જાઓ છો ત્યારે ભ્રમણાના ફુગ્ગા જેવું વિશ્વ સર્જાય છે. તમે સતત એને ટાંકણી વાગી જવાની ચિંતામાં રહેતા થઈ જાઓ છો. ભ્રમણામાં જીવતા લોકો માટે જ તમાચો મારીને ગાલ લાલ રાખવાનો રૂઢિપ્રયોગ સર્જાયો હશે. જેઓ જવાબદારીમાંથી છટકી જવા માગે છે એમને ભ્રમણામાં જીવવાનું ફાવી જાય છે. થોડાંક વર્ષ આ રીતે જીવ્યા પછી બીજા કોઈ પ્રકારની જીવનરીતિ એમને ફાવતી નથી.
નિરંતર પ્રસન્નતાનો જન્મ માણસમાં સ્થપાઈ રહેલી મૅચ્યોરિટી સૂચવે છે. આ પ્રસન્નતાનાં મૂળ સંતોષમાં હોય છે. ખૂબ વખત ક્વૉટ કરેલું કોઈકનું આ સૂત્ર છે: ‘જે ગમે તે મળે એ સુખ અને જે મળે તે ગમે એ આનંદ.’ સંતોષનો પાયો આ સૂત્રમાં છે.
સંતોષ અને સ્પર્ધા વિશે એક મિત્ર સાથે ચર્ચા થતી હતી. એમનું માનવું હતું કે સ્પર્ધાત્મક ભાવના ન હોવી અને દરેક વાતે સંતોષ હોવો એ અશક્ય છે. આ વાત જરા સમજવા જેવી છે નહીં તો પેલા મિત્ર જેવી ગેરસમજ સૌમાં થવાની શક્યતા છે. સંતોષ એટલે જે છે એને સાચવીને બેસી રહેવું એવું નહીં. એ તો ભીરુતા થઈ. સંતોષ એટલે જે મળ્યું છે અથવા મળી રહ્યું છે એને પૂરતું માનવું. એનો અર્થ એ નથી કે વધારે મેળવવાની કોશિશ કરવી નહીં. કોશિશ જરૂર કરવી પણ ગમે તે ભોગે મેળવી લેવાની તૃષ્ણા ન રાખવી. ધાર્યું નહીં મળે તો જીવન ખોરવાઈ જશે એવી અસ્વસ્થતા ન રાખવી. સાત્ત્વિક અસંતોષથી તો દુનિયા આગળ વધતી હોય છે. ટુ બેટર યૉર બેસ્ટ જેવો એક શબ્દપ્રયોગ અંગ્રેજીમાં છે. આપણા શ્રેષ્ઠને શ્રેષ્ઠતર બનાવવામાં સાત્ત્વિક અસંતોષ બહુ મોટો ભાગ ભજવે છે.
પાન બનારસવાલા
દિવસના અંતે જો તમારા ફોનની બેટરી ફુલ હોય તો એનો અર્થ એ કે તમે ખરેખર ખૂબ બિઝી છો અને લાઈફ એન્જોય કરી રહ્યા છો.
-અજ્ઞાત
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો











