( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 8 જુલાઈ 2026 )
પંડિત શિવકુમાર શર્માની તસવીર તમે જુઓ કે પછી રૂબરૂમાં એમને સ્ટેજ પર સંતુરવાદન કરતાં સાંભળો. સાક્ષાત સૌજન્યમૂર્તિ આપણી આંખો સામે છે એવું લાગે. એમનો સૌમ્ય છતાં મક્કમ ચહેરો, એમના વ્યક્તિત્વમાં ઠાંસી ઠાંસીને ભરેલું આભિજાત્ય જે એ ક્યારેક બોલતા હોય ત્યારે દરેક શબ્દના ઉચ્ચારોમાંથી ટપકે, ખોળામાં સંતુર મૂકીને એ કલમને હળવેથી પકડીને એક પછી એક તાર રણઝણાવતા હોય ત્યારે સાધનામાં ડૂબી ગયેલા યોગી જેવા ભાસે.
૧૯૩૮માં એમનો જન્મ. તેરમી જાન્યુઆરીએ. ચાર વર્ષ પહેલાં, ૧૦ મે ૨૦૨૨ના રોજ એમણે વિદાય લીધી. છેવટ સુધી એમનો તરવરાટ યુવાનોને શરમાવે એવો. કળાની સાધના કરતાં કરતાં એક એક પગથિયું ચડતા ગયા તેમ અહમ્ ઓગાળતા ગયા હશે એવો વિનમ્રભાવ સાથે એમના ચહેરા પર ખૂબ તેજ સાથે પ્રકાશે. સંતુરવાદક તરીકે આંતરરાષ્ટ્રીય નામના મેળવી. પંડિત હરિપ્રસાદ ચૌરસિયા સાથે ‘શિવ-હરિ’ની જોડીએ યશ ચોપડાની ‘ચાંદની’, ‘સિલસિલા’, ‘ડર’ અને ‘લમ્હે’ જેવી ફિલ્મોમાં ક્યારેય નથી ભુલાવાનું એવું ફિલ્મી સંગીત પણ સર્જ્યું અને ‘કૉલ ઑફ ધ વેલી’ જેવાં શાસ્ત્રીય સંગીતનાં કંઈ કેટલાંય આલબમો આપ્યાં.
પંડિત શિવકુમાર શર્માને યાદ કરવાનું કારણ એ કે હમણાં જ એમના સંતુરવાદનની એક જૂની વિનાઇલ એલપી રેકૉર્ડ ખરીદી અને એમનો એક જૂનો ઈન્ટરવ્યૂ વાંચ્યો, ફરી ફરી એમના શબ્દો વાંચતો જ રહ્યો. ઇન્ટરવ્યૂ વાંચીને ઘરમાં મ્યુઝિક સિસ્ટમ પર સંતુરવાદન ગૂંજતું હોય અને જેવું વાતાવરણ સર્જાય એવું જ આહ્લાદક એટમોસ્ફિયર મનમાં સર્જાયું જે હજુય વિખેરાયું નથી.
નામી લેખક-સંપાદક ડૉ. દેવદત્ત શર્માને આપેલી મુલાકાતમાં પંડિત શિવકુમાર શર્મા આરંભમાં જે કહી દે છે કે: સંગીતની ઉત્પત્તિ આપણે ત્યાં અધ્યાત્મની સાથે જોડાયેલી છે. સંગીતના માધ્યમથી ધ્યાન જલદી લાગે છે અને યોગમાં પણ આપણે ધ્યાન ધરતા હોઈએ છીએ. સંગીતની સાધના પણ યોગનો જ એક પ્રકાર થયો. એ પછી એનું શાસ્ત્ર બની ગયું. સંગીત શાસ્ત્રીય બની ગયું અને રાગરાગિણીઓ આવી. ધ્યાન સાથે જોડાયેલું સંગીત દરબારોમાં થઈને આમ જનતા લગી પહોંચી ગયું.
સંગીત જ્યારે આમ જનતા વચ્ચે આવ્યું ત્યારે એમાં શું બદલાવ આવ્યો એવા પ્રશ્ર્નના જવાબમાં પંડિતજીએ આપેલો ઉત્તર મનમાં તીરની જેમ ઊતરી જાય છે. કળા વિશે, મનોરંજન વિશે, લોકપ્રિયતા અને તાળીઓ વિશે તમને ફરી એક વાર વિચારવા મજબૂર કરે એવા એમના વિચારો છે. છેલ્લાં પચાસ વર્ષોમાં આવેલા પરિવર્તનને કારણે સંગીતને મનોરંજનની દૃષ્ટિએ મૂલવવામાં આવી રહ્યું છે પણ હકીકતમાં તો આપણે ત્યાં સંગીત મનોરંજન માટેનું નહીં પણ સાધનામાં આગળ વધવાનું સાધન રહ્યું છે. આપણે ભૂલી રહ્યા છીએ કે સંગીતનો ઉદ્ભવ કેવી રીતે થયો, એની ગંગોત્રી ક્યાં છે. સંગીતની અપૂર્વ શક્તિથી આપણે દૂર જઈ રહ્યાં છીએ. આજકાલ તાળીપડાઉ સંગીત બની ગયું છે. લોકોની તાળી પાડીને પ્રશંસા કરવાની રીતનો, મારા હિસાબે, શાસ્ત્રીય સંગીત સાથે મેળ નથી પડતો.
પંડિત શિવકુમાર શર્માની આ ભાવના ઘણી જૂની છે. કોઈ એક લેખમાં હું અગાઉ આ ભાવનાની સરાહના કરી ચૂક્યો છું. શાસ્ત્રીય સંગીતના જલસાઓમાં આવો ડિસ્ટર્બિંગ અનુભવ વારંવાર થતો હોય છે. અણસમજુ અને ઉત્સાહી શ્રોતાઓ સંગીતકારના વાદન કે ગાયનનાં વખાણ કરવા માગતા હોય ત્યારે કંઈ જોયા કર્યા વગર તાળીઓ પીટવાનું શરૂ કરી દે જેમાં સ્ટેજ પરથી પીરસાઈ રહેલા સંગીતની બારીકીઓ ઢંકાઈ જાય. ઑડિટોરિયમમાં બેઠેલા શ્રોતાઓને કાનમાં તાળીઓનો ગડગડાટ સંભળાય, સંગીતની નોટ્સ નહીં. શ્રોતાઓ કંઈ અહીં તાળીઓ સાંભળવા નથી આવ્યા, સંગીતકારની વર્ષોની તપસ્યાના ફળરૂપે સર્જાતા કળાની ઉચ્ચ કોટિના શિખરોને માણવા આવ્યા છે. કળાકારો પ્રશંસાના ભૂખ્યા હોય છે એવા વહેમમાં રહીને એમનો ધ્યાનભંગ થાય એવા શ્રોતાઓની જબરજસ્ત સંખ્યા આપણે ત્યાં છે. વિદેશી સિમ્ફનીઓના ગ્રુપ્સ ભારત આવે છે ત્યારે જોયું છે કે વિદેશની તહેઝિબ મુજબ અહીં પણ શ્રોતાઓ એક પર્ટિક્યુલર ચીજ પૂરી થાય અને બીજી શરૂ થાય તેની વચ્ચેના ગાળામાં જ તાળીઓથી કળાકારોને વધાવી લેતા હોય છે. પિયાનોની કોઈ ધૂન ગમી ગઈ કે વાયોલિનનો કોઈ સૂર હૃદયમાં ઊંડે સુધી ઊતરી ગયો તો તરત જ તરત તાળીઓ પાડી નાખવાની અધિરાઈ નહીં દેખાડવાની. એમાં કળાકારની સાધના તૂટે અને શ્રોતાઓનો પણ ધ્યાનભંગ થાય.
પણ આમાં શ્રોતાઓનો એટલો વાંક નથી જેટલો વાંક સંચાલકોનો હોય છે. કવ્વાલીનો કાર્યક્રમ હોય કે કવિ સંમેલનનો, ક્લબમાં પ્રોગ્રામ હોય કે સંસ્થામાં કે સ્કૂલમાં. દરેક દોઢડાહ્યો સંચાલક ગિવ હિમ અ બિગ હૅન્ડ કહીને કે આપ સૌની તાળીઓના ગડગડાટ વચ્ચે-એવું બોલીને શ્રોતાઓને ધમકાવી ધમકાવીને એમની પાસેથી તાળીઓ ઉઘરાવવાનું કામ કરે છે. આ તદ્દન ખોટું છે, અસંસ્કારીપણાનું પ્રદર્શન છે. તાળીઓનું સ્થાન ચોક્કસ જગ્યાએ અને ચોક્કસ સમયે હોય છે. રજનીશજી કે જે. કૃષ્ણમૂર્તિનાં પ્રવચનોમાં તાળીઓ સાંભળી છે ક્યારેય? જ્યાં શબ્દો માણવાના હોય, મનમાં ઉતારવાના હોય અને ગમતી વાતોને આજીવન સંઘરી રાખવા માટે ધ્યાનમાં લાગે એવી સમાધિ લેવાની હોય ત્યાં તાળીઓ ખલેલ પહોંચાડે છે.
પંડિત શિવકુમાર શર્મા પોતે સ્ટેજ પર સંતુરવાદન કરતા હોય ત્યારે શું અનુભવતા હોય છે એવી કેટલીક વાતો વાંચીશું તો ખબર પડશે કે કળાની ઊંચાઈને તાળીઓની જરૂર નથી હોતી.
કોઈ પણ કળાકાર મંચ પરથી રજૂઆત કરે છે ત્યારે એણે એકાગ્ર બનવું પડે છે. ગુજરાતી નાટકોમાં શેઠિયા મેન્ટાલિટીવાળા પ્રેક્ષકો આગળની હરોળની ટિકિટો ખરીદીને નાટક શરૂ થયા પછી હૉલમાં પ્રવેશે. અહીં આવેલા બાકીના પ્રેક્ષકો પોતાની રૈયત હોય અને મંચ પરના કળાકારો પોતાના પગારદાર નોકરો હોય એમ ભવાં ઊંચાં કરીને બીજાઓને લાત મારતાં મારતાં પોતાની સીટ સુધી પહોંચે. મોટેમોટેથી આપસમાં વાત કરે કે સાલો ટ્રાફિક કેટલો વધી ગયો છે અને પાર્કિંગની જગ્યા કેટલી મુસીબતથી મળે છે. આ શેઠિયાઓ બૅન્ગકોક મસાજ કરાવવા જાય ત્યારે કદીય ફ્લાઈટ ચૂકતા નથી. એમની શેઠાણીઓ ગુજરાતી નાટકમાં આવીને બે-પાંચ વરસનાં બાળકોને ઑડિટોરિયમમાં રમવા માટે છુટ્ટાં મૂકી દે જાણે બાપાનો બગીચો હોય. ગુજરાતી નાટકોના કળાકારોએ જ નહીં, પ્રવચનકારોએ, કથાકારોએ, ગાયકોએ-સૌ કોઈએ આવા ગમાર પ્રેક્ષકો સાથે પનારો પાડવો પડે છે. વચ્ચે પંકજ કપૂરે એમના સૉલો શોમાં કોઈના મોબાઈલની ઘંટડી વાગી ત્યારે ધ્યાનભંગ થઈને રોકાઈ જવું પડ્યું હતું અને એક બહેનને ટોકવાં પડ્યાં હતાં, પણ કૂતરાની જેમ અમુક લોકોની પૂંછડી વાંકી જ રહે છે.
પંડિત શિવકુમાર શર્માને ડૉ. દેવદત્ત શર્માએ મુલાકાત દરમિયાન પૂછયું કે સ્ટેજ પર તમારો મૂડ કઈ પરિસ્થિતિઓ દરમિયાન બગડી જતો હોય છે? ત્યારે પંડિતજીએ ખૂબ સ્વસ્થતાથી એનો જવાબ આપ્યો: મંચ પર કાર્યક્રમ પ્રસ્તુત કરવા જતાં પહેલાં હું મેડિટેશન કરીને જતો હોઉં છું. હું એવું જ વિચારીને હૉલ પર જવા નીકળું છું કે હું તો એક માધ્યમ છું અને કોઈ એવી શક્તિ છે જે મારી પાસે સંતુર વગાવડાવી રહી છે. જેમ (ભગવાનની) આરાધના કરવા માટે યોગ્ય વાતાવરણની જરૂર હોય છે એમ મારા માટે યોગ્ય વાતાવરણ એ હોય છે કે મારું વાજિંત્ર પ્રોપર્લી ટ્યુન કરેલું હોય. જો એકાદ શ્રુતિ જેટલું પણ આઘુંપાછું હોય તો એને લીધે એકાગ્રતાનો ભંગ થઈ જતો હોય છે. સાઉન્ડ સિસ્ટમ સારી હોય અને શ્રોતાઓ તરફથી કોઈ વિઘ્ન ન આવે. શ્રોતાઓની હરકતોની અસર દિમાગ પર પડતી જ હોય છે, પરંતુ જ્યારે હું વાદ્ય વગાડવાની શરૂઆત કરું છું ત્યારે બધું જ ભૂલી જઉં છું. પછી મને કંઈ સરત રહેતી નથી કે કોણ ક્યાં બેઠું છે. હું મારા સંગીતનો સ્વયં આનંદ લેતો હોઉં છું. સંતુર એવા આનંદથી વગાડું છું કે મનમાં મને એમ થાય કે મને અત્યારે જેવી મઝા આવી રહી છે એવી જ મઝા એ લોકોને પણ અત્યારે આવી રહી હશે.
એક આડ વાત.પંડિતજી પોતાના પ્રોગ્રામમાં જે કૂર્તો પહેરવાના હોય તેને કાર્યક્રમ શરૂ થતાં પહેલાં ગ્રીન રૂમમાં જાતે જ ફરી ઇસ્ત્રી કરતા. એમના સામાનમાં ઇસ્ત્રી હમેશાં હોય, પરદેશમાં કૉન્સર્ટ માટે જાય ત્યારે પણ. એ કહેતા કે કાર્યક્રમ પહેલાંનું મારું મેડિટેશન ઇસ્ત્રી કરું ત્યારે થઈ જાય છે.
પંડિત શિવકુમાર શર્માની જેમ તમે જુઓ કે કોઈ પણ કળાકાર તન્મય થઈને મંચ પરથી પોતાની કળા રજૂ કરે છે ત્યારે એ પોતે એન્જોય કરતો હોય એવું તમને લાગે. વચ્ચે નસિરુદ્દીન શાહના એક જ નાટકને ત્રણ વાર જોયું હતું. એમને રંગમંચ પર જોતી વખતે તમને લાગે કે એ પોતે પણ નાટક માણી રહ્યા છે.
એક શ્રોતા તરીકે તમે મંચ પરની વ્યક્તિને પોતાના ગાયનમાં કે વાદનમાં કે પ્રવચનમાં કે અભિનયમાં કે પછી કથાકથનમાં ઓતપ્રોત થઈ ગયેલા મહેસૂસ કરો છો ત્યારે તમારો પોતાનો શ્રવણનો આનંદ બેવડાઈ જાય છે.
આવું જ વાચનની બાબતમાં થતું હોય છે. કોઈ લેખ, કવિતા, નિબંધ કે નવલકથાનું પ્રકરણ તમે વાંચો અને વાંચતા વાંચતાં એમાં ડૂબી જાઓ છો ત્યારે માની લેવાનું કે એના સર્જકે પણ એટલા જ ઓતપ્રોત થઈ આ લખાણ લખ્યું હશે. જે લખાણમાં આપણે ડૂબી ન શકીએ તે લખાણ સર્જકે પણ પોતાનું વાજિંત્ર ટ્યુન કર્યા વગર લખ્યું હોવું જોઈએ એવું લાગે. સર્જકનું વાજિંત્ર એટલે એની પેન-પૅન્સિલ કે એનાં કાગળ-કૉમ્પ્યુટર નહીં, પણ એનું મન. દરેક વ્યક્તિએ કામ કરતી વખતે પોતાનું મન ટ્યુન કરવું પડે. માત્ર સર્જકે જ નહીં, ડૉક્ટર-રસોઈયાથી માંડીને શિક્ષક-મોચી સુધીની દરેક વ્યક્તિએ.
દિમાગને વેલ ટ્યુન્ડ રાખવા માટે સૌથી પહેલાં તો આજુબાજુનો શોરબકોર મ્યુટ કરી દેવો પડે. એનો અર્થ એ નથી કે તમારે સાઉન્ડપ્રૂફ રૂમમાં, બહારના અવાજોને બહાર રાખીને જ કામ કરવું પડે. કૉફી શૉપમાં બાજુના ટેબલ પર કોઈ પ્રેમિકા એના પ્રેમીના કોઈ એકસ્ટ્રા અફેરને પકડી પાડ્યા પછી એને ધમકાવતી, ડરાવતી અને ગભરાવતી હોય એવી એકેએક વાતો તમારા કાન સુધી પહોંચે પણ તમારું મન આવતા અઠવાડિયા માટેનો લેખ લખવામાં રોકાયેલું હોય એવુંય બને. આજુબાજુનો કોલાહલ કાન સુધી ભલે પહોંચે પણ ભીતરની શાંતિ ડિસ્ટર્બ ન થાય એવી એકાગ્રતા મેળવવાનું કામ ન તો અઘરું છે, ન અશક્ય. તમારે નક્કી કરી લેવાનું છે કે તમારો અલ્ટિમેટ ગોલ શું છે? તમે તમને ડિસ્ટર્બ કરનારાઓને પાઠ ભણાવીને ભીતરમાં ઔર ડિસ્ટર્બન્સ સર્જવા માગો છો કે તમારા જીવન ધ્યેયના ભાગરૂપે આજે તમારા હિસ્સાનું જે કામ કરવાનું છે તેને પૂરું કરવા માગો છો. જો આટલું ફોકસ હશે તો તમારી આગળપાછળ ઢોલનગારાં વાગતાં હશે તો પણ તમે મૌન વિશે સરસ પીસ લખી શકશો, એકાંત અને એકાગ્રતા વિશે લખી શકશો, પંડિત શિવકુમાર શર્માની સંતુરવાદનની કળા વિશે પણ લખી શકશો!
સાયલન્સ પ્લીઝ
બને કે સાવ કાણો એ હવાડો હોય,
હમેશાં દોષ નહિ દેવાય કૂવાને!
—‘મંગલપંથી’
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો












