( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 5 ફેબ્રુઆરી 2025)
શીર્ષક પંક્તિના શબ્દોને શબ્દશ: સ્વીકારવાની જરૂર નથી. કવિના શબ્દો છે. એ શબ્દોનું હાર્દ સમજવાનું હોય. કવિ તમને એવું નથી કહેતા કે તમારે ઝૂકી ઝૂકીને સલામ કરવાના વેવલાવેડા કરીને સૌને વહાલા થવાનું છે. આનંદ બક્ષીની આ પંક્તિનો ગર્ભિત અર્થ એ છે કે જિંદગીમાં આગળ વધવું હશે તો તમારે તમારી અકડ છોડવી પડશે, બધી વાતે ટણી નહીં રાખવાની. નાની નાની વાતમાં સ્વમાનનો ઇશ્યુ નહીં લાવવાનો. હું જ એક ડાહ્યો ને તમે તો સૌ હજુ ઈંડાંમાંથી બહાર પણ નથી આવ્યા એવો સુપિરિયોરિટી કૉમ્પ્લેક્સ તમારા જીવનમાં આવી રહેલી અનેક ઉજળી તકને બીજે ફંટાવી દેતી હોય છે.
અમારા ગામમાં સો વર્ષ પહેલાં થઈ ગયેલા એક શ્રીમંત વાણિયાની વાત સાંભળી હતી. આ શેઠે એ જમાનામાં પોતાની બંને દીકરીઓને ગ્રેજ્યુએટ સુધી ભણાવી, દીકરાઓને પણ ખૂબ ભણાવ્યા, એકને તો અભ્યાસ માટે છેક વિલાયત મોકલ્યો. મોટી દીકરીનાં લગ્ન ગોઠવાયાં. આ દીકરી આમ બહુ રૂપાળી પરંતુ એના ચહેરા પર, શરીર પર સફેદ ડાઘ. કોઢને કારણે બુદ્ધુ જેવા સાવ સામાન્ય યુવક સાથે વિવાહ થયા હતા.
શ્રીમંત શેઠના મનમાં આ વાત ખૂંચ્યા કરે. એમની નજર બહુ ગરીબ કુટુંબના પણ અત્યંત તેજસ્વી યુવક પર પડી. જમાઈ આવો હોવો જોઈએ. દીકરીનાં વિવાહ તોડાવ્યા. સમાજમાં ઊહાપોહ થઈ ગયો. એ જમાનામાં આવું કરવું મોટું પાપ ગણાય. તમને નાતબહાર મૂકવામાં આવે. શેઠે પરવા કર્યા વિના આ ગરીબ યુવાનનાં લગ્ન પોતાની દીકરી સાથે કરાવીને જમાઈને પોતાના દીકરા સાથે વિલાયત મોકલીને ખૂબ ભણાવ્યા. જમાઈ અવ્વલ નંબરે પરીક્ષામાં પાસ થયા.
આ બાજુ નાતનું પંચ મળ્યું. શેઠને નાતબહાર મૂકવામાં આવ્યા. બે ગુના એમના. એક તો દીકરીના વિવાહનો રૂપિયો પાછો ઠેલ્યો. બીજું દીકરા-જમાઈને સમુદ્ર ઓળંગીને વિલાયત મોકલીને અભડાવ્યા. આવા ‘સમાજકંટક’નું નાતમાં સ્થાન કેવી રીતે હોય. નાતની પંચાયતે ઠરાવ કર્યો કે શેઠે જો નાતમાં પાછા આવવું હોય તો બે શરત માનવી પડશે. એક: મસમોટો દંડ જ્ઞાતિના મંડળમાં જમા કરાવવો અને બીજું: પંચની હાજરીમાં આખા ગામ વચ્ચે માફી માગવાની.
એ જમાનામાં માફી કેવી રીતે માગવામાં આવતી? ઘૂંટણિયે વળીને જમીન પરની ધૂળમાં નાક ઘસીને લીટી તાણવાની અને મોંમાં ઘાસનું તરણું પકડીને શબ્દોમાં બોલ્યા વગર કહેવાનું કે હું તમારી ગાય છું. નાકલીટી તાણવી અને મોઢામાં તરણું લેવું એ બંને કહેવતો જ્યારે રૂઢિપ્રયોગ નહોતી પણ નાતના નિયમો તરીકે અમલમાં મૂકાતી તે જમાનાની આ વાત છે.
વાણિયા શેઠે આ બંને સજાઓ સ્વીકારી. દંડ તો ખુશી ખુશી ભરી લીધો. ખૂબ પૈસા હતા. થોડાક સમાજ માટે કામ આવે એથી રૂડું બીજું શું? અને મોંમાં ઘાસનું તણખલું લઈને ધૂળમાં નાકલીટી પણ તાણી. નાતે એમને પાછા લીધા. શેઠે સૌના માટે જમણવાર યોજ્યો. આખી નાતને જ નહીં, પૂરા ગામને ધુમાડાબંધ જમાડ્યું. ધુમાડાબંધ એટલે? એ દિવસે ગામનું એકેએક કુટુંબ જમવા આવે એટલે દરેકને ત્યાં ચૂલો સળગાવવાની માથાકૂટ નહીં. ગામમાં એ દિવસે ધુમાડો ન થાય. ધુમાડાબંધ શબ્દપ્રયોગ અહીંથી આવ્યો.
શું શીખ્યા આ એક સદી પહેલાંના કિસ્સા પરથી? શેઠે ‘વાણિયા, મૂછ નીચી તો નીચી’ કહેવતને ચરિતાર્થ કરી. દંડ ભર્યો, ટેમ્પરરી અપમાન સહન કર્યું પણ છેવટે ધાર્યું કર્યું. દીકરી માટે સારો વર મેળવ્યો. દીકરા-જમાઈને વિલાયતમાં ભણાવવાની જીદ પણ પૂરી કરી. વચ્ચેના થોડા ગાળા સિવાય ગામમાં પોતાની પ્રતિષ્ઠા અકબંધ રહી- મરતાં સુધી. એટલું જ નહીં શેઠના વંશ-વારસોને પણ પેઢીઓ સુધી આ પ્રતિષ્ઠાના અજવાસમાં મહાલવાનો લહાવો મળ્યો. વાણિયાઓ મૂછ કદાચ એટલા માટે જ રાખતા હશે કે જરૂર પડે નીચી કરીને પણ પોતાનું ધાર્યું કરી શકે.
કોઈની જોડે અકડ નહીં રાખવી, ટણી નહીં રાખવી અને છતાં પોતાનું ધાર્યું કરવું અવા ગુણનું બીજ જો નાનપણથી જ તમારામાં રોપવામાં આવ્યું હશે અને તમે જો કિશોરાવસ્થામાં અને યુવાનીમાં એ છોડને જતનપૂર્વક ઉછેર્યો હશે તો મધ્યવયે પહોંચતા સુધીમાં એ વિશાળ વૃક્ષ બનીને તમને ફળ-ફૂલ-છાંયો બધું જ આપશે. જિંદગીની તડકીછાંયડીમાં આવું વૃક્ષ બહુ કામ લાગે. તમારા કપરા સમયમાં તમને એકલા પડી જતાં બચાવે. હવે સમજાય છે તમને? કે આનંદ બક્ષીએ આ પંક્તિ લખી એના દાયકાઓ પહેલાં પેલા વાણિયા શેઠે આ શબ્દોને જીવનમાં ઉતાર્યા હતા કારણ કે એમને ખબર હતી કે વર્ના યે દુનિયા જીને નહીં દેગી, ખાને નહીં દેગી, પીને નહીં દેગી…
પરીક્ષામાં આનંદ બક્ષીના આ ગીતનો ‘રસાસ્વાદ’ કરવાનું કહેવામાં આવે તો તમે લખી શકો છો કે કવિ અહીં એમ કહેવા માગે છે કે સૌને ખુશ રાખીને અને કોઈની સામે પડ્યા વગર તમે તમારું ધાર્યું કરી શકો છો.
ખૂબ કામ કરવું, સતત કામ કરતાં રહેવું, વધુ ને વધુ કામ કરતાં રહેવું એ જીવનમાં ઝળહળતી સફળતા મેળવવાની પહેલી ચાવી છે. અને તમારું એ કામ ઊગી નીકળે, એનું ધાર્યું પરિણામ મળે, ઓછામાં ઓછાં વિઘ્નોનો સામનો કરવો પડે અને જ્યારે જ્યારે વિઘ્નો આવે, મુસીબતો આવે ત્યારે સૌ કોઈનો તમને સાથ મળે, મુસીબતના વખતમાં કોઈપણ સાથીઓ મોં ફેરવીને તમને છોડી ના દે એ માટે આ પંક્તિનો ભાવાર્થ સમજીને એનું અમલીકરણ કરવું! હાથ જોડ સબ કો સલામ કર, પ્યારે.
પણ કેટલીક વાર મગજ પર એટલી ચરબી ચડી ગઈ હોય કે માણસ તોરમાં ને તોરમાં વિચાર્યા કરે કે આપણને ક્યાં જરૂર જ છે સૌની સાથે હળી મળીને વાત કરવાની, સૌની હા માં હા પુરાવવાની. આપણે તો સ્વતંત્ર છીએ – આપણી મરજીના માલિક છીએ. આવું વિચારતા થઈ જાઓ છો ત્યારે તમારા વર્તનમાં રૂક્ષતા આવે છે, આવી બેફિકરાઈ વખત જતાં બેજવાબદારીમાં પલટાઈ જાય છે અને તમે તોછડા અને તુમાખી થતા જાઓ છો.
પોતાનું કામ કઢાવવા માટે તમારી સાથે બનાવટી નમ્રતાથી વર્તતા લોકોની અહીં વાત નથી. તમારે એવા નથી થવાનું. તમારી આગળ મીઠું મીઠું બોલીને તમારો ફાયદો ઉઠાવનારાઓની પણ અહીં વાત નથી. તમારે એવા ઉઠાવગીર પણ નથી થવાનું. તમારી વર્તણુકમાં બનાવટ નહીં, પણ સચ્ચાઈ છલકતી હોવી જોઈએ. બનાવટી વર્તનનો સહેજ પણ છાંટો હશે તો સામેવાળો તરત તમને પકડી પાડશે. તમારા મોઢે નહીં કહે તો પણ મનમાં તો સમજશે જ કે આ માણસ બનાવટી છે, મતલબી છે. તમારા વર્તનમાં સચ્ચાઈ હશે, જેન્યુઈનનેસ હશે તો તમારી નિષ્ઠા સામેવાળા સુધી પહોંચવાની જ છે. એ લોકો કોઈપણ ભોગે તમારી પડખે રહેશે.
એક મિસકન્સેપ્શન છે મોટા ભાગના લોકોમાં. કે આપણે દુનિયામાં આપણી રીતે જીવવું હશે, આપણું ધાર્યું કરવું હશે તો બીજા લોકોને ઑફેન્ડ કરીને જ આગળ વધવું પડશે. એવું નથી, મારા ભાઈ. તમારું ધાર્યું કરવા માટે લોકોને તમારી સામે કરવાની જરૂર નથી. ઊલટાનું લોકો તમારી સાથે હશે તો તમને તમારું ધાર્યું કરવામાં ઓછાં વિઘ્નો આવશે. ખૂબ બધા લોકોની મદદ હશે તો તમને તમારી રીતે જીવવામાં કોઈ આડે નહીં આવે. બચ્ચનજીની એક ફિલ્મનો સંવાદ યાદ છે? તાકત લોગોં કો જોડને સે બનતી હૈ, ના કિ ઉન્હેં અપને ખિલાફ કરને સે.
તો, સરકાર! બસ, આટલું યાદ રાખજો.
સાયલન્સ પ્લીઝ!
એક પણ તૈયાર કેડી ના ગમી,
ત્યારથી યાત્રા શરૂ શાયદ થઈ.
-હેમેન શાહ
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો