( ‘ગુડ મૉર્નિંગ’, ન્યુઝપ્રેમી ડૉટ કૉમ: સોમવાર, 2 જૂન 2025)
નગેન્દ્ર વિજયે ‘સફારી’ અને ‘સ્કોપ’ માસિકો પહેલાં ન્યુઝવીકલી ‘ફ્લેશ’ શરૂ કર્યું હતું. પચાસ વર્ષ પહેલાંના જમાનામાં—1975માં. 1981-82ના ગાળાનો એક કિસ્સો મારા મન પર બરાબર જડાઈ ગયો છે. નગેન્દ્રભાઈને મેં આ વાત નહીં નહીં તોય આટલાં વર્ષોમાં અડધો ડઝનવાર કહી હશે. એ વખતે હું ‘નિખાલસ’ નામના સાપ્તાહિકનું સંપાદન કરતો હતો.
‘નિખાલસની’ અમારી ઑફિસ કાલાઘોડા પર. જહાંગીર આર્ટ ગેલેરી અને રિધમ હાઉસની બાજુમાંથી એક ગલી પસાર થાય છે એ લેનમાં ‘નિખાલસ’ની ઑફિસ. ઑફિસ તો શું એક નાનકડી ખોલી જેમાં પાર્ટિશન કરીને તંત્રી વિભાગ અને આર્ટ ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવેલા. તંત્રી વિભાગમાં એલ શેપમાં અડોઅડ ગોઠવેલાં બે ટેબલ મૂકવા જેટલી જ જગ્યા. બે જણ. એકવીસ વર્ષનો હું અને મારા સહાયક હર્ષદ કાપડિયા જે મારાથી ઉંમરમાં ઘણા મોટા.
ફેરિયો ‘ફ્લેશ’ નાખી જાય એટલે હું અને હર્ષદ કામકાજ પડતું મૂકીને ‘ફ્લેશ’ લેવા પડાપડી કરીએ. રીતસરની ઝપાઝપી થાય. એક દિવસ આવી બાળક જેવી મારામારીમાં નવું નક્કોર ‘ફ્લેશ’ ફાટી ગયું. અમે બેઉ અમારી નાદાનિયત પર હસી પડ્યા. ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ના સર્જાય એટલે આવતા અઠવાડિયાથી અમારી ઑફિસમાં ‘ફ્લેશ’ની બે નકલ મગાવવાનું નક્કી થયું.
‘ફ્લેશ’ની, નગેન્દ્રભાઈના પત્રકારત્વની, ભુરકીમાંથી આજે 50 વર્ષ પછી પણ હું બહાર નથી આવ્યો. નગેન્દ્રભાઈની કલમનો જાદુ એમના પહેલા જ વાક્યથી દિલોદિમાગ પર સવાર થઈ જાય અને લેખ કે અંક પૂરો કર્યા પછી કલાકો સુધી એનો નશો છવાયેલો રહે.
ઇમરજન્સી, જનતારાજ, ફરી ઇન્દિરારાજ. આ એ સમય હતો જ્યારે ભારતમાં મીડિયાબૂમનું પ્રથમ મોજું આવ્યું હતું. ‘ઇન્ડિયા ટુડે’ પણ 1975માં શરૂ થયું-પાક્ષિક તરીકે. નગેન્દ્રભાઈનું સાપ્તાહિક ‘ફ્લેશ’ ‘ઇન્ડિયા ટુડે’ પહેલાં શરૂ થયું. ‘નિખાલસ’ શરૂ થયું એ વખતે ગુજરાતી સાપ્તાહિકોમાં ‘ફ્લેશ’ અને ‘ચિત્રલેખા’ની બોલબાલા હતી. આ ઉપરાંત ‘ગુજરાત સમાચાર’નું સાપ્તાહિક ‘આસપાસ’ આવતું, ‘સંદેશ’નું ‘ચકચાર’ આવતું. મુંબઈથી ‘યુવદર્શન’ પ્રગટ થતું.
‘ફ્લેશ’માં નગેન્દ્રભાઈ રિપોર્ટરો પાછળ જાલીમ ખર્ચો કરતા. પત્રકારોને દિલ્હી કે કોઈપણ જગ્યાએ ફ્લાઈટમાં મોકલીને રિપોર્ટિંગ કરાવતા. લેખ લખવાનો તગડો પુરસ્કાર આપતા. તે વખતે ‘ચિત્રલેખા’ની સરખામણીએ ‘ફ્લેશ’ની આવક તો સાવ મામૂલી પણ નગેન્દ્રભાઈ માસિક-પ્રકાશક પછી, તંત્રી-પત્રકાર પ્રથમ હતા.
ગુજરાતી સાપ્તાહિકોની દુનિયામાં ‘ફ્લેશ’ જેવું વીકલી અગાઉ ક્યારેય નહોતું, પછી પણ ક્યારેય ન આવ્યું. ઢગલાબંધ કરન્ટ ટૉપિક્સમાંથી કયા વિષયો સૌથી મહત્ત્વના છે અને કયા વિષયની કવર સ્ટોરી બનાવવી એ વિશેની બેજોડ ન્યુઝસેન્સ નગેન્દ્રભાઈમાં છે. રિપોર્ટિંગમાં કયા કયા મુદ્દા આવરી લેવાના, પછી એ અહેવાલમાં ડેસ્ક પર તે વિષયને લગતું રિસર્ચ કરીને એનું બેકગ્રાઉન્ડ આપતી બૉક્સ આયટમો લખવાની અને આ સમગ્ર વાચનસામગ્રીને પોતાની ચુંબકીય શૈલીમાં રિરાઈટ કરવાની. નગેન્દ્રભાઈ દિવસરાત આ કામ કરતા. માલિક-પ્રકાશક તરીકે ‘ફ્લેશ’ના પ્રિન્ટિંગ, સર્ક્યુલેશન સંભાળવાનાં અને આવક-જાવકના આર્થિક છેડા જોડવાની જવાબદારી તો ખરી જ.
‘ફ્લેશ’ને કોઈ ઉખાડી ન શકે તે રીતે ગુજરાતી પબ્લિશિંગની દુનિયામાં એ જામી ગયેલું. એ પછી ‘સ્કોપ’ માસિક શરૂ થયું. ત્યારબાદ ‘બુદ્ધિશાળી બાળકો’ને ધ્યાનમાં રાખીને ‘સફારી’ આવ્યું.
પચાસ વર્ષની લાંબી મજલ દરમ્યાન નગેન્દ્રભાઈએ ઘણી તડકીછાંયડી જોઈ. આર્થિક અને અન્ય વિટંબણાઓનો ભડવીરની જેમ સામનો કર્યા પછી, ‘બુદ્ધિશાળી બાળકો’ને બદલે ‘બુદ્ધિશાળી વાચકો’ માટે ‘સફારી’નો કાયાકલ્પ થયો અને 1 જૂન 2025 સુધી નગેન્દ્રભાઈનું આ લાડકું સંતાન ગુજરાતી સામયિકોના વાચકોના ઘરમાં એક અમુલ્ય ઘરેણું બનીને પરિવારજન જેવી હૂંફ આપતું રહ્યું.
નગેન્દ્ર વિજયનું પત્રકારત્વ જોઈને જ ગુજરાતીમાં ‘મોરનાં ઇંડાંને ચીતરવાં ન પડે’વાળી કહેવત શરૂ થઈ હોવી જોઈએ. વિજયગુપ્ત મૌર્ય જેવા મહાન પત્રકાર-લેખકના પુત્ર. પિતાની જેમ જ મા સરસ્વતીના પૂજક. લક્ષ્મીજી પ્રસન્ન થાય કે ના થાય તેની પરવા કર્યા વિના મા સરસ્વતીની આરાધના કરવામાં તન-મન-ધન સર્વસ્વ ખર્ચી નાખ્યું. નગેન્દ્રભાઈના હોનહાર પુત્ર હર્ષલ પુષ્કર્ણાએ ફરી એકવાર મોરનાં ઈંડાંવાળી કહેવત સાર્થક કરી બતાવી. પિતાની છત્રછાયામાંથી બહાર આવીને, ગુજરાતીમાં અગાઉ ક્યારેય જોવા નહોતું મળ્યું એવું ટ્રાવેલ મેગેઝિન ‘જિપ્સી’ શરૂ કર્યું. અત્યારે હર્ષલ દેહરાદૂનની પહાડીઓમાં સ્થાયી થયા છે.
28 મે 2025. નગેન્દ્ર વિજયે ‘સફારી’ના વાચકો માટે બે પાનાંની એક નાનકડી નોંધ લખી જે 1 જૂન 2025ના રોજ પ્રગટ થયેલા ‘સફારી’ના 369મા અંકમાં પ્રગટ થઈ. એક માસિકના 369 અંક. 30 વર્ષ કરતાં વધુની આવરદા થઈ.
369મા અંકની ન્યુક્લિયર બટન પરની કવર સ્ટોરીનું મથાળું છે: જેહાદી આતંકખોરો અને જેહાદી સૈન્યવાળા પાકિસ્તાનમાં અણુબૉમ્બનું બટન કોના હસ્તક છે.
‘સફારી’ના 369માં અંકનું કવર ખોલ્યા પછી અનુક્રમણિકાનું પાનું વટાવ્યા બાદ તંત્રીનો પત્ર આવે છે જેનું મથાળું છે: “ ‘સફારી’ની આખરે સફર પૂરી”.
તંત્રી નગેન્દ્ર વિજયનો પહેલો જ ફકરો વાંચીને કોઈ ખૂબ અંગત સ્વજન વિશેના આઘાતજનક સમાચાર મળી રહ્યા હોય એવી લાગણી ઉમટી આવે છે:
‘મખમલી અવાજના માલિક તલત મહમૂદનું એક ગીત છે: સીને મેં સુલગતે હૈ અરમાં, આંખોં મેં ઉદાસી છાઈ હૈ… આ લખું છું ત્યારે એ બન્ને એકમેકની વિપરીત લાગણીઓ વચ્ચેનો ટકરાવ મનમાં ઘમસાણ મચાવી રહ્યો છે. ઉદાસ આંખો ધરાર કોરી રહેવા માગતી નથી. બીજી તરફ અરમાનો મારો કેડો મૂકવા તૈયાર નથી. જીવનના 81મા વર્ષમાં છું. છતાં હજી લખતા રહી ‘સફારી’ નામના જ્ઞાનયજ્ઞને પ્રજ્વલિત રાખવા માગું છું. દુર્ભાગ્યે લાચાર છું. તન-મનથી સક્ષમ હોવા છતાં મજબૂર છું.’
અને બીજા ફકરામાં જે વાતનો ધ્રાસ્કો પડ્યો હતો તે કન્ફર્મ થાય છે:
‘….મનોબળ લોખંડી છે, પરંતુ સંજોગોનું પ્રતિબળ ચડિયાતું નીવડ્યું છે. આ છેલ્લો અંક 369મો છે. ચારસોનો આંકડો બહુ દૂર નથી… કિસ્મતે ખાધેલી ઠોકરે મને અહીં જ રોકી પાડ્યો છે.’
આ નિર્ણય લેવાનું કારણ શું ? નગેન્દ્ર વિજય લખે છે: ‘વસ્તુસ્થિતિ સંક્ષેપમાં જણાવું તો મારે લખવું તો છે, પરંતુ વાંચનારા નથી. સ્માર્ટફોનની અને સોશ્યલ મીડિયાની બોલબોલાના સંજોગોમાં જ્ઞાનવિજ્ઞાનના ‘સફારી’નો ફેલાવો અગાઉની સરખામણીએ છઠ્ઠા ભાગ જેટલો પણ રહ્યો નથી. નકલોની સંખ્યા તળિયે બેસી જવાને લીધે આવક-જાવકના બે છેડાઓ ભેગા કરવાનું તો જાણે કપરું બને, પણ વાચકોના અભાવને લીધે હૃદયમાં વરતાતો ખાલીપો હવે કલમને ચાલવા દેતો નથી.’
નગેન્દ્રભાઈનું સ્વાસ્થ્ય 2007 પછી કથળતું ગયું જેની સામે તેઓ બહાદુરીપૂર્વક ઝઝૂમીને એ જ જોરશોરથી લખતા રહ્યા, ‘સફારી’ નિયમિત રીતે પ્રગટ કરતા રહ્યા.
‘સફારી’ની ખોટ જરૂર સાલશે. આ એક શૂન્યાવકાશ જે સર્જાયો છે તે ક્યારેય પૂરાવાનો નથી. આઘાતની લાગણીમાંથી પ્રયત્નપૂર્વક માંડમાંડ બહાર આવ્યા પછી, બાથરૂમમાં જઈને મોઢું ધોઈને સ્વસ્થ થયા બાદ, તમે વિચારો છો કે નગેન્દ્રભાઈ ખરેખર નિ:સ્પૃહી છે. દરેક સંજોગોમાં સ્વસ્થ રહેતા, ગીતામાં જેનાં લક્ષણો વર્ણવ્યા છે એવા સ્થિતપ્રજ્ઞ છે. 94મા વર્ષે ગયા અઠવાડિયે પેટલાદ-દંતાલીથી બનાસકાંઠા સુધીનો પ્રવાસ કરીને ઉમદા-દિવ્ય વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવા ગયેલા સ્વામી સચ્ચિદાનંદના 16 મિનિટના વક્તવ્યમાં એમણે દિવંગત આત્મા માટે એક નવો શબ્દપ્રયોગ યોજ્યો તે જ શબ્દપ્રયોગ આપણે નગેન્દ્ર વિજય માટે પણ વાપરી શકીએ—ઘર સંન્યાસી.
સંસાર છોડ્યા વિના, ભગવો ધારણ કર્યા વિના, સંસારની મોહમાયામાંથી જે મુક્ત થઈ જાય છે, જે અંદરથી આખેઆખા ભગવાધારી છે તેને ‘ઘર સંન્યાસી’ કહેવાય એવું મારું ઇન્ટરપ્રીટેશન છે.
જીવું છું ત્યાં સુધી આ જે કામ કરું છું તે કર્યા કરીશ, આય વિલ ડાય વિથ માય બુટ્સ ઑન, તખતા પર અભિનય કરતાં કરતાં ઢળી પડું, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ભગવાન મને કાર્યરત રાખે- આવી પ્રાર્થનાઓ કોણે નહીં કરી હોય ? દરેક કર્મયોગી માટે આવું મૃત્યુ એક સપનું હોવાનું. નગેન્દ્ર વિજય તો સુપર કર્મયોગી છે. એમનું 65 વર્ષનું પત્રકારત્વ આ વાતનું સાક્ષી છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી ‘સફારી’ પ્રગટ થતું રહેશે એવું સપનું એમણે પણ જોયું હશે. પણ આ કપરો નિર્ણય લેતાં પહેલાં એમણે કેટકેટલું મનોમંથન કર્યું હશે, પત્ની તથા નિકટનાં સ્વજનો સાથે દિલ ખોલીને વિચારોની આપલે કરી હશે. પછી આ હિંમતભર્યો નિર્ણય લેવાયો હશે.
હિંમતભર્યો એટલા માટે કે પોતે જીવે છે, સ્વસ્થ છે, હજુ બીજા બે દાયકાનું આયુષ્ય બાકી છે ત્યારે માણસ માટે આવો નિર્ણય લેવાનું કામ ઘણું કપરું હોવાનું. આજીવન જે પ્રવૃત્તિમાં ગળાડૂબ રહ્યા હો એ પ્રવૃત્તિને સ્વૈચ્છિકપણે સંકેલી લેનારા વીરલા જ હોવાના. સંસાર ત્યાગીને સંન્યાસી જીવનનો ભેખ સ્વીકારનાર જેવા જ બહાદુર અને પૂજનીય હોવાના આવા ઘર સંન્યાસીઓ.
ઉમાશંકર જોશીએ પોતાના જીવતેજીવ ‘સંસ્કૃતિ’ આટોપી લીધું હતું. મહેન્દ્ર મેઘાણીએ ‘મિલાપ’ આટોપી લીધું હતું. આ બંને દીર્ઘકાલીન આયુષ્ય ધરાવતાં સામયિકોએ ગુજરાતના સંસ્કારવારસાને ઉજાળ્યો છે. કાન્તિ ભટ્ટે પોતાના જીવતેજીવ ‘દિવ્ય ભાસ્કર’ની પોતાની સુપરહિટ દૈનિક-કૉલમ એક લેખિત જાહેરાત છપાવીને આટોપી લીધી હતી. સલિલ દલાલે ‘સંદેશ’માં ચાલતી લોકપ્રિય કૉલમ ‘ફિલમની ચિલમ’ એક ખેદજનક એનાઉન્સમેન્ટ સાથે આટોપી લીધી હતી.
ઠંડાં પીણાંની બાટલીમાં સ્ટ્રો નાખીને પ્રવાહી પીતી વખતે આપણે કેટલી કાળજી રાખીએ છીએ કે સ્ટ્રોને ત્યાં સુધી ના ચૂસતા રહીએ કે બાટલીમાંથી પ્રવાહી ખતમ થઈ ગયા પછી હવા ચડવાનો સુડસુડ અવાજ આવે. પ્રવાહી હજુ બચ્યું હોય ત્યારે જ, વધુ લાલચ કરવાને બદલે રોકાઈ જતાં જેમને આવડ્યું છે તેઓ જ નગેન્દ્રભાઈ જેવો કે પછી ઉમાશંકર જોશી, મહેન્દ્રભાઈ, કાન્તિભાઈ, સલિલભાઈ જેવો નિર્ણય લઈ શકે.
બે હપતાની શ્રેણીનો પૂર્વાર્ધ અહીં પૂરો થાય છે. આવતી કાલે ઉત્તરાર્ધ.
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
સફારી બંધ થાય છે એ જાણી ને આઘાત લાગ્યો. હું સ્કોપ વાંચી ને વિજ્ઞાન માં રુચિ લેતો થયો હતો. મારો દીકરો જ હાલ ૨૭ વર્ષ નો છે તેની રુચિ કેળવાય તે માટે સફારી નું લવાજમ શરૂ કર્યું હતું.
આપણે ગુજરાતી ઓ માટે વિજ્ઞાન વિષય ને ફિક્શન ની જેમ રસાળ શૈલી માં વાંચન સામગ્રી પીરસતું એક માત્ર મેગેઝિન બંધ થાય એ ઘણું દુઃખદ. કોઈ પણ બાયસ વિના ઇતિહાસ ના તથ્યો લોકો સુધી કોણ પહોચાડશે હવે?
એવી ઘણી શક્યતાઓ છે કે નગેન્દ્ર દાદાની દિવ્ય ભાસ્કરમાં કૉલમ શરુ થાય. લલિત ખંભાયતા આવું ચોક્કસ કરશે.