મેં તો પહેલેથી જ કીધેલું : સૌરભ શાહ

( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 18 જૂન 2025 )

થોડી ભૂમિકા બાંધીને મૂળ વાત પર આવીએ.

પૂર્વગ્રહવાળું મન દૂષિત હોય છે એવું માની લેવાયું છે. રાગ અને દ્વેષ જેવી લાગણીઓને પૂર્વગ્રહ સાથે જોડી દેવામાં આવી છે. પોતે પૂર્વગ્રહયુક્ત નથી એવું જતાવવા લોકો જાહેર કરતા રહે છે કે મારે મન તો બધા માણસો એક સરખા, મને કોઈનાય માટે પ્રેજ્યુડિસ નથી.

આવું કહેનાર ભલાભાઈને ખબર નથી હોતી કે માણસને પારખ્યા વિના એને સારો માનનારા પણ પૂર્વગ્રહયુક્ત જ ગણાય. પૂર્વગ્રહ એટલે અગાઉથી જ બાંધી લીધેલો અભિપ્રાય અથવા તો પહેલેથી (પૂર્વથી) બાંધી લીધેલું ગૃહીત (માન્યતા).

કોઈ પણ માણસને ખરો-ખોટો જાણ્યા વિના એના વિશે અભિપ્રાય આપવો એટલે એના માટે પૂર્વગ્રહ બાંધવો. કોઈ વ્યક્તિ વિશે તમે કશું જ ન જાણતા હો છતાં તમને એ ગમતી હોય ત્યારે તમને એના માટે પૂર્વગ્રહ છે એવું તમે કહો તો તમે ખોટા ન ગણાવ. એ જ રીતે કોઈકના વિશે તમે એવી એવી વાતો જાણતા હો જેને કારણે તમને એ વ્યક્તિ બિલકુલ ન ગમતી હોય ત્યારે કોઈ તમને આરોપભરી ભાષામાં કહે કે તમને તો એના માટે પૂર્વગ્રહ છે તો તમારે એ આક્ષેપની રજમાત્ર ફિકર કરવાની નહીં. વ્યક્તિ વિશે જાણકારી મેળવ્યા પછી એના માટે અભિપ્રાય બાંધવાને પૂર્વગ્રહ ના કહેવાય.

તમને જાણ્યા વિના, તમારું વર્તન કે તમારા વિચારોને જાણ્યા વિના કોઈ તમારા વિશે અભિપ્રાય બાંધે તો એ પૂર્વગ્રહ. પણ તમે કોણ છો, કેવા વિચારો ધરાવો છો, કેવું વર્તન કરો છો એ જાણ્યા પછી (ભલે ને એ વ્યક્તિ તમને ન મળી હોય) કોઈ તમારા વિશે જે અભિપ્રાય ધરાવતા થાય એમાં એમનો પૂર્વગ્રહ ક્યાંથી આવ્યો? તમે દલીલ કરશો કે: પણ એણે મને પૂરેપૂરો જાણવાની કોશિશ નથી કરી. એની પાસે મારા વિશે અધૂરી માહિતી છે.

માણસને પૂરેપૂરા જાણવું એટલે શું? કોઈ વ્યક્તિ ક્યારેય બીજી કોઈ વ્યક્તિને પૂરેપૂરી જાણી શકે? અશક્ય. સામેની વ્યક્તિ વિશેની એટલી જ માહિતી તમારી પાસે હોય છે જેટલી એ તમને આપવા ધારે છે. માણસ પોતે ધારે એટલો બીજા આગળ ખુલ્લો થઈ શકે છે અને ધારે એટલો બંધ રહી શકે છે. અહીં નિખાલસતાની અને દંભની વાત પ્રવેશે છે. કેટલાક લોકો ખૂબ નિખાલસ છે એવું આપણે માની બેસીએ છીએ. જ્યારે કેટલાકના માટે દર ત્રીજા વાક્યે આપણે દંભી વિશેષણ વાપરતા હોઈએ છીએ. આ બેઉ મૂલ્યાંકનોમાં આપણે ધરાર ખોટા થઈ શકીએ છીએ.

નિખાલસ કોણ અને દંભી કોણ એ વિશે કેવી રીતે નક્કી કરીશું? સો ટકા નિખાલસ વ્યક્તિ મળવી અશક્ય છે. આ વાત તમે ભાર દઈને લખી રાખજો. અને આ પણ: સો ટકા દંભી માણસ મળવો પણ ઈમ્પોસિબલ છે.

ખુલ્લા દિલનો, નિખાલસ લાગે એવો માણસ સામે ઊભો છે અને તમે લિટરલી એના દિલમાં ડોકિયું કરી રહ્યા છો એવી કલ્પના કરો. ચાલો ને, મારા જ દિલમાં ઝાંકીએ. મારા હૃદયમાં તમને કેટલાક ઓરડા દેખાશે. માની લો કે દસ ઓરડા છે. આ દસ ઓરડામાંનો એક ઓરડો સાવ ઉઘાડો છે. તમે એમાં પ્રવેશી શકો છો. ખૂણેખૂણો તપાસી શકો છો. આ ઓરડા સાથે નિસબત રાખતી વાતો તમારી સાથે કરું છું ત્યારે તમને લાગે છે કે આ માણસ કેટલા ખુલ્લા હૃદયનો છે, કશું જ છુપાવ્યા વિના મનમાં જે કંઈ છે તે બધું જ તમને બતાવી દે છે. આ ઓરડામાંથી બહાર નીકળતી વખતે તમને બાકીના નવ ઓરડા દેખાય છે. એમાંના એકેય ઓરડાના દરવાજે તાળું લટકતું દેખાતું નથી એટલે તમે માની લો છો કે એ ઓરડાઓમાં પણ તમે ધારો ત્યારે પ્રવેશી શકશો અને મારા દિલમાંથી બહાર આવીને તમે જાહેર કરો છો કે આ માણસ તો ભારે નિખાલસ છે, જેવો છે તેવો જ એ દેખાય છે.

તમારો ભ્રમ ત્યારે ભાંગે છે જ્યારે ભવિષ્યમાં ક્યારેક તમે બાકીના નવમાંના કોઈ એક ઓરડામાં પ્રવેશ કરવાની કોશિશ કરો છો. બહારથી તાળું નથી લાગ્યું, આગળિયો પણ નથી વસાયો છતાં કમાડ ઊઘડતાં નથી. તમે ખૂબ કોશિશ કરો છો પણ દ્વાર ઊઘળતાં નથી. એ અંદરથી બંધ છે. બહારથી એ ખુલ્લાં હોવાનો માત્ર આભાસ હતો. મારો એ દેખાડો હતો કે હું સંપૂર્ણપણે ખુલ્લો છું. વાસ્તવમાં પેલા એક ઓરડા પૂરતો જ હું ખુલ્લો છું. તમારા બદલે અન્ય કોઈ વ્યક્તિ મારા પરિચયમાં આવી હોત તો એના માટે એ ઓરડો પણ બંધ કરી દીધો હોત એ શક્ય છે. એ વ્યક્તિ માટે એ ઓરડાને બદલે સાત નંબરનો ઓરડો ખોલી દઉં (જે તમારા માટે બંધ હતો) એ પણ શક્ય છે. કોઈકના માટે એક કરતાં વધુ કમરા ખોલી દઉં એ પણ શક્ય છે અને જે કમરો મેં ક્યારેય કોઈની આગળ નથી ખોલ્યો તે પણ કોઈની આગળ ખોલી દઉં ને બાકીના બધા જ કમરા એના માટે બંધ રાખું એ પણ શક્ય છે. અનેક પરમ્યુટેશન – કૉમ્બિનેશન શક્ય છે.

ક્યારેક એવું પણ બને કે હું દસેદસ ઓરડા અંદરથી જડબેસલાક બંધ કરીને બેઠો હોઉં. વખત એવો હોય એને કારણે કે પછી આગંતુક એવો હોય એને કારણે મને આમ કરવું જરૂરી લાગે. આવું કરવું એ મારો અબાધિત અધિકાર છે. આ દસેદસ ઓરડા મારા છે, ધર્મશાળાના નથી કે ગમે તે આવીને કહે કે ખોલી આપો એટલે મારે ખોલી આપવા જોઈએ.

એક વાત નક્કી કે મારે મારા તમામે તમામ ઓરડા ઉઘાડાફટાક રાખવા જરૂરી નથી. ક્યારે કયો ઓરડો કોના માટે કેટલો ખોલવો એ મારી મરજીની વાત છે. એટલો નિખાલસ તો હું ક્યારેય ન બનું કે ગમે તેવી વ્યક્તિ ધારે ત્યારે મારા દસેદસ ઓરડામાં આંટા મારી જાય.

આ માત્ર મારી જ વાત નથી. તમને પણ એટલી જ લાગુ પડતી વાત છે. આપણા સૌની વાત છે.

અહીં સુધી તો સમજયા. પણ આગળ એક સવાલ. શું મને (કે તમને) પોતાને ખબર છે કે આ મારા (કે તમારા) આ દરેક ઓરડામાં શું શું છે?

શું હું પોતે દસેદસ ઓરડાનો એકેએક ખૂણો તપાસી આવ્યો છું? મને પણ ખબર ન હોય એવો કોઈ અગિયારમો ઓરડો પણ છે? મારાથી છૂપું અને છાનું એવું શું શું છે મારામાં?

દુનિયા માટે સદાય બંધ એવા મારા ખંડમાં શું છે તેની મને એકલાને જ ખબર હોય તો મારા પૂરતું એ બાબતે નિખાલસતા અને દંભ એ બેઉ શબ્દો એક સરખા છે.

અને મારાથીય અજાણ એવા અગિયારમા ઓરડામાં જે કંઈ હોય તે બાબતે નિખાલસતા અને દંભ એ બેઉ શબ્દો બિનમહત્ત્વના છે.

આશા છે કે આ પૂર્વ ભૂમિકા દ્વારા રનવે પર ટેક્સિંગ થઈ ગયું હશે, હવે ટેક ઑફ કરીને ઊંચી ઊડાન ભરીએ. જોકે, અત્યારના કરુણ વાતાવરણમાં આવી ઉપમા વાપરતી વખતે પણ ઉદાસી છવાઈ જાય છે.

કેટલાકને એવી ટેવ હોય છે કે તમે એમની આગળ કોઈનાં દુર્ગુણ ગણાવો ત્યારે તેઓ પોતે જાણે ન્યાયનું પોટલું માથે રાખીને બેઠા હોય એ રીતે, મારીમચડીને એની ચાર સારી વાતો પણ ગણાવશે. તમે કહેશો કે રસ્તા પર આખી રાત ભસ્યા કરતાં કૂતરાં એક જબરજસ્ત ન્યૂસન્સ છે તો તેઓ કહેશે કે આસપાસના બિલ્ડિંગો માટે સારું જ છે, ચોર નહીં આવે. તમે વધારે દલીલ કરવા જશો તો કહેશે કે કૂતરાંના પોઈન્ટ ઑફ વ્યૂથી જોઈએ તો એમના ગળા માટે એવી એક્સરસાઈઝ સારી છે એવું હમણાં જ ઈન્ટરનેટ પર વાંચ્યું.

અને જો તમે કોઈનાં વખાણ કરવા જશો તો તરત જ તેઓ વગર લેવેદેવે એમની ટીકા કરવાનું શરૂ કરી દેશે. તમે કહેશો કે સંજય લીલા ભણસાળી એની નેક્સ્ટ ફિલ્મ માટે આશા ભોસલે પાસે ગવડાવશે, કેવું સરસ. તો તેઓ બોલી ઊઠશે કે હવે આ ઉંમરે તે કંઈ ફિલ્મોમાં પ્લેબૅક સિંગિંગ કરવાનું હોય. એના કરતાં તો એમણે ભજનો ગાવાં જોઈએ ભજનો.

આવા લોકોને મનમાં એમ હોય છે કે એમના પોતાનામાં બહુ મોટી સેન્સ ઑફ જસ્ટિસ છે. કોઈ વ્યક્તિ માટે તમને કેટલો સદ્ભાવ છે એવી વાત તમે આવા લોકો આગળ કરશો તો તેઓ તરત જ બોલી ઊઠશે: જો જો હોં, સંભાળીને આગળ વધજો, તમને ખબર નથી કે એની બીજી બાજુ કેવી છે. આમ કહીને તેઓ એક જમાનામાં આવતાં સસ્તાં ફિલ્મી મૅગેઝિનોમાં છપાતી કૂથલીઓ પ્રકારની અફવાઓની કક્ષાના પોતાના અભિપ્રાયો પર જીવનની ફિલસૂફીનું રૅપર વીંટાળીને તમારા ભોગે પોતાનો નિંદા રસ સંતોષી લેશે. તેઓ સમજશે નહીં કે આ તબક્કે તમને આવી નિંદા-કૂથલી કરનારી વ્યક્તિની જરૂર નથી. તમે જોયેલું મેઘધનુષ એમને બતાવવાની ઈચ્છાથી તમે એમની પાસે ગયા છો, પણ આ લોકો આવું વર્તન કરીને પોતે તમારા કરતાં કેટલા મહાન, કેટલા ઉમદા, કેટલા સમજદાર અને કેટલા પુખ્ત છે એવું પુરવાર કરવાનો મિથ્યા પ્રયત્ન કરતા હોય છે. સામેવાળી વ્યક્તિને લાલ બત્તી દેખાડવા માટે જ ભગવાને પોતાને જન્મ આપ્યો છે એવી સુખદ ભ્રમણામાં તેઓ રાચે છે. એમની લાલ બત્તી વળી શરતોની સાંકળથી બંધાયેલી હોય છે: આગળ વધવું હોય તો ભલે વધો પણ પેલા પુલ પાસે ગબડી પડો ત્યારે કહેતા નહીં કે મેં તમને ચેતવ્યા નહોતા…

હવે મઝા ત્યારે આવે કે તમે તમતમારે આગળ વધીને નિર્વિઘ્ને તમારા ગંતવ્ય સ્થાન સુધી પહોંચી જાઓ. પછી આનો સઘળો જશ તેઓ પોતે લેશે અને કહેશે: મારી મંજૂરી ન મેળવી હોત તો ત્યાં સુધી પહોંચ્યા જ ન હોત… અને ભૂલે ચૂકે તમે પેલા પુલ પાસે ગબડ્યા, કે ફૉર ધૅટ મૅટર ગમે ત્યાં ગબડ્યા અને નીચે પટકાયા, તો એમની પાસે પેલું વાક્ય તો સ્ટૉકમાં હોવાનું જ: હું તો પહેલેથી જ કહેતો’તો.

જેઓ કશું કરવા નથી માગતા, કોઈ જવાબદારી ઉઠાવવા નથી માગતા, એમના માટે ‘મેં તો પહેલેથી જ કીધેલું’નું સુવર્ણવાક્ય સર્જાયેલું છે. સ્વ. આદરણીય વિજય રૂપાણી સીએમ બન્યા ત્યારેય તેઓ કહેતા કે મેં તો પહેલેથી જ કહ્યું હતું અને નીતિન પટેલ સીએમ બન્યા હોત તોય એમણે આ જ કહ્યું હોત: હું તો પહેલેથી જ કહેતો હતો.

હકીકત એ હોય છે કે એમણે આનંદીબેનના રાજીનામા પછી વિજય રૂપાણી અને નીતિન પટેલ બંને વિશે અલગ અલગ સમયે, અલગ અલગ સંદર્ભમાં આવી વાત કરી જ હોય છે. સિક્કાની કોઈ પણ બાજુ ઉપર આવે, જીત પોતાની જ થાય એ આશયે આવું કરનારા તમને ઘણા તમારી આસપાસ મળી આવશે.

કોઈ પણ પરિસ્થિતિમાં પોતે ખોટા ન પડે, ધારે ત્યારે પોતાની ત્વચા બચાવી શકે, કોઈ પણ ભોગે વાંક પોતાનો ના આવે એ માટેની છટકબારીઓ રાખવાની મેન્ટાલિટીવાળા લોકો તટસ્થતાના દેખાવ હેઠળ, પોતે બેઉ પક્ષે સરખો વિચાર કરી શકે છે એવી પુખ્તતા પોતાનામાં છે એવું દેખાડવા માટે, દહીં-દૂધમાં કુશળતાપૂર્વક પગ રાખી શકતા હોય છે. એટલી કુશળતાપૂર્વક કે વાસ્તવમાં એમનું વલણ તળિયા વિનાના લોટા જેવું હોવા છતાં લોકો એમના બનાવટી પ્રભાવ હેઠળ આવી જાય અને કહેવા માંડે: જોયું, આ માણસ કેટલી તટસ્થાપૂર્વક વિચારી શકે છે, આવેશ વિના બેઉ વિરોધી પાસાંનો વિચાર કરીને પોતાનો મત વ્યક્ત કરી શકે છે.

સારાં નરસાં બેઉ પાસાંનો વિચાર કરવો અને દહીં દૂધમાં પગ રાખવો – આ બંનેમાં આભજમીનનો તફાવત છે. પ્રથમ પરિસ્થિતિમાં તમે કોઈ મુદ્દાની પ્લસ-માઈનલ સાઈડ તપાસીને એ બાબતની તરફેણમાં યા વિરુદ્ધમાં તમારો મત આપો છો અને મત આપો છો એટલું જ નહીં તમારી માન્યતાને દૃઢતાપૂર્વક વળગી રહીને તમારા મત અનુસાર જે કંઈ કરવું પડે તે જોશભેર કરવા માંડો છો. કુટુંબમાં કોઈ મુદ્દે તમારે બેમાંથી એક વ્યક્તિનો પક્ષ લેવાનો આવ્યો કે પછી અંગત યા જાહેર જીવનમાં કોઈ એક સિદ્ધાંત કે કોઈ એક નીતિ કે કોઈ એક મુદ્દે લડવાનું આવ્યું ત્યારે તમે એમ કહીને બેસી રહી શકતા નથી કે ‘શું કરીએ, આ મુદ્દામાં આટલી સારી બાજુઓ છે તો આટલી ખરાબ બાજુઓ પણ છે, આપણે તો આમાં પડવું જ નથી, કારણ કે કાલ ઊઠીને સારી બાજુને ધ્યાનમાં રાખીને ટેકો આપવા ગયા તો લોકો ખરાબ બાજુ દેખાડીને કહેશે કે તમે આને ટેકો આપ્યો? આ મુદ્દાને સમર્થન આપ્યું?’ ના, તમે જમાઉધારનો સરવાળો કરીને તમારો સ્ટેન્સ નક્કી કરો જ છો. તટસ્થ રહેવાને બહાને તમે તકવાદી નથી બનતા, પણ મોટેભાગે લોકો નિર્લેપ હોવાનો દેખાવ કરીને પોતાની નપુંસકતા ઢાંકી લેતા હોય છે.

દહીં અને દૂધ બેઉમાં પગ રાખનારાઓ મિથ્યા સલામતીમાં રાચતા હોય છે. એમણે માની લીધું હોય છે કે પરિસ્થિતિનો અંત કોઈ પણ આવે, છેવટે તો બેઉ બાજુથી પોતાને કટકી કટકી લાભ થવાનો જ છે. આવા લોકોનું અસ્તિત્વ પૃથ્વી પર ભારરૂપ હોવાનું.

સાયલન્સ પ્લીઝ
કામ માટેનો લગાવ કામને આરામમાં પલટી નાખે છે.

-અજ્ઞાત

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here