( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 29 જાન્યુઆરી 2025 )
કામ કરતી વખતે જે કલાકો ગણે છે તે વ્યક્તિ જિંદગીમાં ક્યારેય ઊંચી નહીં આવે. કામ કરતી વખતે તમને જો એમ લાગતું હોય કે આ જગ્યાએ તો મારું શોષણ થઈ રહ્યું છે તો તમારે બીજી નોકરી શોધી લેવી જોઈએ. કોઈ કહેશે કે આજકાલ નોકરીઓ મળે છે જ ક્યાં ? તો એમને કહેવાનું કે ભગવાનનો આભાર માનો કે તમને આ નોકરી મળી છે. હવે કોઈ ફરિયાદ કે કચકચ કર્યા વિના કામ કરો.
હસવું અને લોટ ફાકવો એ બંને વાત કંઈ સાથે ના બને. નોકરી પણ કરવી છે અને એ નોકરીને ગાળો પણ આપવી છે એવી માનસિકતા કોઈને ક્યારેય જિંદગીમાં ઉપર નહીં આવવા દે. કામ ન ગમતું હોય, ઓછા પગારે વધારે કામ કરવું પડે છે એવું લાગતું હોય કે પછી અન્ય કોઈ ફરિયાદ હોય તો તમારી પાસે એ કામ, એ નોકરી છોડી દઈને તમારું મનગમતું કામ કે વધારે પગાર આપતી નોકરી શોધવાનો વિકલ્પ છે જ. અને જો મજબૂરીથી કામ કરવું પડતું હોય સ્વીકારી લેવાનું કે આ મજબૂરી છે, આ નોકરી કર્યા વિના છૂટકો નથી.
શું કામ છૂટકો નથી ? કારણ કે અહીંથી તમને મહિનો પૂરો થયે પગાર મળે છે. એ પગારમાંથી તમે તમારા માટે અને તમારા પરિવાર માટે રોટી, કપડાં અને મકાનની જરૂરિયાતો પૂરી કરી શકો છો. તમારાં સંતાનોને ભણાવી શકો છો, માબાપના સ્વાસ્થ્ય માટે ખર્ચો કરી શકો છો અને તમારાં સપનાં સાકાર કરવા માટે બચત કરી શકો છો, વરસને વચલે દહાડે મોજશોખ પણ કરી શકો છો.જે કામ માટે તમને ફરિયાદ છે એ કામ કરીને મળતા પગારમાંથી તમે આ બધું કરી શકો છો. અને જો ના કરી શકતા હો તો આગળ કહ્યું એમ, વધારે કમાણી કરવા માટે બીજું કોઈ કામ શોધી લો.
વધારે કમાણી કરવી હશે તો કામના કલાકો વધારીને નવી નવી જવાબદારીઓ લેતાં શીખવું પડે. નવી નવી સ્કિલ મેળવવા તાલીમ લેવી પડે. ઑફિસમાં પેલો કંઈ કામ કરતો નથી અને પેલી તો આખો દિવસ મોબાઈલ મચેડ્યા કરે છે એવું વિચારીને તમે પણ તમારા કામ પ્રત્યે બેદરકાર બની જાઓ છો ત્યારે તમે કામમાં વેઠ ઉતારતા હો એવી માનસિકતા તરફ ઘસડાતા જાઓ છો.
એક આડ વાત—એ વિશે વિગતે ફરી ક્યારેક લખીશ. પણ અત્યારે માત્ર ઉલ્લેખ જ. આ લખનારે પત્રકારત્વના વ્યવસાયમાં અઢાર વર્ષની ઉંમરે ફુલ ટાઈમ નોકરી કરવાનું શરૂ કર્યું ત્યારથી લગભગ રોજ ઑફિસ અવર્સ પછી કામ કર્યું છે, સંતોષજનક મહેનતાણું નથી મળ્યું ત્યારે પણ કામચોરી નથી કરી, જે કામની જવાબદારી સોંપવામાં ના આવી હોય એવાં કામ પણ કર્યાં છે, રજાના દિવસે હોંશેહોંશે અને સામે ચાલીને કામ કર્યું છે. આટલું બસ છે અત્યારે. કહેવાનું તાત્પર્ય એ કે અત્યારે જે લખાઈ રહ્યું છે તે કંઈ સુફિયાણી વાતો નથી, અનુભવના નીચોડરૂપે લખાઈ રહ્યું છે.
કામના કલાકો વધાર્યા પછી પણ કુટુંબમિત્રો સાથે નિરાંતે ગપ્પાં લડાવવાનો સમય મળી જ જતો હોય છે, સામાજિક જવાબદારીઓ નિભાવવાનો સમય પણ મળી જતો હોય છે. માબાપ કે બાળકો માટે સમય આપીએ છીએ એટલે કામના કલાકો લંબાવી નથી શકતા એવી દલીલ વાહિયાત છે. મન હશે તો માળવે પહોંચાશે.

હકીકત એ છે કે મોટા ભાગના લોકોને કામ નહીં કરવાનું બહાનું જોઈતું હોય છે. આજે એક બહાનું તો કાલે બીજું. અને જિંદગીમાં કઠણાઈઓ આવે છે ત્યારે દોષ પોતાનો નહીં પણ પોતાને આજીવિકા આપનારનો દેખાય છે. આવા લોકો જીવનમાં હંમેશાં દુખી જ રહેવાના. એમની આસપાસના લોકો આવા લોકોને ખાનગીમાં કકળાટિયા તરીકે ઓળખે છે.
કામ કરવાનો દેખાડો કરવો એ જુદી વાત છે. ઑફિસમાં હાજરી પુરાવીને ટેબલ પર બેસીને ફાઈલો ફંફોસ્યા કરીશું તો જોનારને લાગશે કે હું કામ કરું છું એવી મેન્ટાલિટી ધરાવતા લોકો પણ હોય છે. કામ કરવાનો દેખાડો કરનારાઓની દાનતને બીજાઓ તરત પામી જતા હોય છે. તમારા કામની ગુણવત્તા કેવી છે એ વાત અતિ મહત્ત્વની છે. પણ તમે એવું કહીને છટકી જાઓ કે બીજા લોકો જે કામ કરતાં 8 કલાક લગાડે છે તે મેં 4 કલાકમાં કરી નાખ્યું એટલે મારી કદર થવી જોઈએ તો તમે અડધા જ સાચા છો. બાકી રહેલા 4 કલાકમાં જો તમે કંઈક એવું કર્યું જેને લીધે તમારામાં કંઈક ઉમેરાય, તમારી ક્ષમતામાં તેમ જ તમે જે ક્ષેત્રમાં કામ કરો છો તેમાં ઉમેરો થાય અને સરવાળે તમને નોકરીએ રાખનાર કંપની કે સંસ્થાને ફાયદો થાય તો કંઈક વાત બને. કામની ગુણવત્તાની શ્રેષ્ઠતા કંઈ ઓછા કલાક કામ કરવાનું જસ્ટિફિકેશન ના હોઈ શકે. આઠ, બાર, સોળ કે અઢાર- જેટલા કલાક કામ કરીએ તે પૂરેપૂરો સમય શ્રેષ્ઠ ગુણવત્તા સાથે જ કામ કરવાનું હોય.
ઘણી વખત બને છે એવું કે તમે દિલ નીચોવીને કામ કર્યું હોય પણ એનું રિઝલ્ટ તમને જે જોઈતું હતું તેવું નથી મળતું. ક્યારેક તો નેગેટિવ પરિણામ પણ મળે. સચિન તેન્ડુલકર ઝીરોમાં આઉટ થઈ જાય કે આર. ડી. બર્મનનું કોઈ ગીત હિટ ના થાય એવું બને. પણ આવા વખતે જેઓ કામગરા છે તેઓ કામ કરવાનું છોડી દેતા નથી. કામ કરવા માટેની એમની નિષ્ઠામાં ઓટ નથી આવતી.
જિંદગીના છેલ્લા શ્વાસ ચાલતા હશે ત્યારે શું યાદ આવવાનું છે તમને ? તમે કઈ કઈ મોજમઝાઓ કરી છે તે ? કયાં પ્રવાસો કર્યા, ક્યાં ખાધુંપીધું, કયાં નાટકસિનેમા જોયાં, કોને મળ્યા, કુટુંબપરિવારસમાજ માટે શું કર્યું કે કયાં પુસ્તકો વાંચ્યાં તે ?
ના. આમાનું કશું યાદ નહીં આવે. જિંદગીમાં તમે કેવું અને કેટલું કામ કર્યું છે, આ કામને લીધે તમારું ઘડતર કેવું અને કેટલું થયું અને આ કામને લીધે દુનિયામાં શું ઉમેરી શક્યા એનો સરવાળો જ તમને મરણપથારીએ સંતોષ આપવાનો છે.
મેં મારા પરિવાર માટે, સંતાનો માટે, માબાપ માટે, સમાજ માટે આ કર્યું તે કર્યુંની વાતો કરવી સારી છે. અને એ બધું કરવું પણ જોઈએ. પરંતુ જો તમે એ બધું ના કર્યું હોત તો બીજા કોઈએ એ જવાબદારી ઉપાડી લીધી હોત અથવા તો એ લોકો પોતે પોતાની રીતે બીજી કોઈક રીતે આગળ વધી ગયા હોત. તમારા વિના એમનું કે બીજા કોઈનુંય કશું અટકી જતું નથી. માટે ઓછા કલાકો કામ કરવાનાં બહાનાં શોધવાનું રહેવા દઈએ. કામમાં ગળાડૂબ ખૂંપી જઈએ.
આ લેખના શીર્ષકમાં આનંદ બક્ષીના ખૂબ જાણીતા ગીતના શબ્દો મૂક્યા છે પણ ખરી મઝા એ પછી તરત જ આવતી પંક્તિની છે. જો એ શબ્દોને તમે અક્ષરશઃ સ્વીકારવાને બદલે એનો ભાવાર્થ સમજીને જીવનમાં ઉતારો તો તમારે ઈન્ટેલિજન્ટ ક્વોશન્ટ ( ઇ.ક્યુ.) વિશે કોઈને પૂછવું નહીં પડે.
સાયલન્સ પ્લીઝ !
આજે કામ કરવું, આવતી કાલે વધારે કામ કરવું, પરમ દિવસે એથીય વધારે કામ કરવું- સફળતા એમાં જ છે.
-અજ્ઞાત
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો