તમારી ટેકણલાકડી છીનવાઈ જાય છે ત્યારે : સૌરભ શાહ

( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 21 ઑગસ્ટ 2024)

સ્વતંત્ર રીતે જીવવાની, મનની મરજી મુજબ વર્તવાની ગમે એટલી હુશિયારી ઠોકીએ તોય જીવનમાં ક્યાંક ને ક્યાંક સહારાની જરૂર પડતી હોય છે. આવા ટેકાઓ તે વખત પૂરતા અનિવાર્ય હોય છે.

ફ્રેક્ચર થયેલો પગ સાજો થઈ જાય ત્યાં સુધી કાખઘોડીની જરૂર પડે. ક્રચિસનો ઉપયોગ પૂરો થઈ ગયા પછી તમે એને માળિયામાં નાખી દો, હોસ્પિટલમાં દાનમાં આપી દો કે ભંગારવાળાને વેચી દો. તમારા માટે હવે એની કોઈ ઉપયોગિતા રહી નથી.

જીવનમાં વિવિધ તબક્કે મળી ગયેલા કે સામેથી મેળવવામાં આવેલા ટેકાઓને એ નબળી ક્ષણો વીતી ગયા પછી પણ દૂર કરી દેવાનું આપણને સૂઝતું નથી.

એ સહારાઓ વિના ચાલવામાં આવશે તો ફરી પાછા પડી જવાશે એવા કાલ્પનિક ભયના માર્યા આપણે એ ટેકાઓને દૂર કરી નાખતાં અચકાઈએ છીએ.

એટલે એક સમય એવો આવે છે જ્યારે માની લઈએ છીએ કે આપણા અસ્તિત્વનો બધો આધાર આ ટેકાઓ જ છે. કોઈક ક્ષણે એ આધાર છૂટી જશે તો-એવો વિચાર આવે ત્યારે મન ભયભીત બની જાય છે. ઉછીના મળેલા આ ટેકાઓ માટેનું પરાવલંબન સંપૂર્ણ થઈ જાય છે. સ્વતંત્ર રીતે જીવન જીવવાની ઈચ્છા ગમે એટલી બળવત્તર હોય તે છતાં એના પર પાણી ફરી વળે છે.

મોટા ભાગના લોકોની આજીવિકાનો સૌથી મોટો આધાર હોય છે નોકરી અથવા વ્યવસાય અથવા ધંધો અથવા છૂટક કામ અને એમાંથી મળતી આવક. આવક આપતી નોકરી કે આજીવિકા આપતાં કામ તમે એક વર્ષ કર્યું, બે વર્ષ, પાંચ-પંદર વર્ષ કર્યાં. ધીમે ધીમે તમે માનતા થઈ ગયા કે આ નોકરી કે આ કામ છે તો જ તમારું, તમારા કુટુંબનું ભરણપોષણ થાય છે અને વાત પણ કંઈ ખોટી નથી.

દર મહિને જે આવક ઘરમાં આવે છે તેમાંથી જ કરિયાણાવાળાનું બિલ ચૂકવાય છે, શાકભાજી અને દૂધ આવે છે, બાળકોની સ્કૂલ ફી ભરાય છે, કપડાં ઈત્યાદિની જરૂરિયાતો પણ આ પગારની રકમમાંથી જ સંતોષાય છે. નોકરી છૂટી ગઈ કે ધંધો પડી ભાંગ્યો કે કામ છૂટી ગયું તો તમે રસ્તા પર આવી જશો એવો વિચાર જ્યારે આવી જાય એ દિવસે તમે હનુમાનજીને બે વાર તેલ ચડાવવા જાઓ છો અને નોકરિયાત કે બિઝનેસમૅન તરીકેના તમારા અખંડ સૌભાગ્યની પ્રાર્થના કરી નિશ્ર્ચિત બની જવાનો પ્રયાસ કરો છો.

નિશ્ર્ચિત બની ગયા પછી પણ તમારા સુષુપ્ત મનમાં એક વિચાર તો ઘર કરી જ જાય છે કે આ કામ છે તો જ તમે ટકી રહ્યા છો આ જાલિમ શહેરમાં, કામ નહીં હોય ત્યારે બિસ્તરાંપોટલાં બાંધીને દેશભેગા થઈ જવું પડશે.

સતત તમારી સાથે રહેતા આ અર્ધજાગ્રત મનના વિચારને કારણે તમે નોકરી કે ધંધો કે તમારું કામ ટકાવી રાખવા જાત સાથે બાંધછોડ કરવાનું શરૂ કરો છો. શરૂઆત નાને પાયે થાય છે. પેલો બૉસ કે ભાગીદાર કે ફાઈનાન્સર દીઠો નથી ગમતો છતાં એને સ્માઈલ આપવું પડે છે. મનમાં બોલો છો કે એટલું સ્મિત કરવામાં આપણા બાપનું શું લૂંટાઈ જવાનું છે પણ અંદરખાનેથી ખબર છે કે એ સિનિયર કે પાર્ટનર તમને કનડી શકે છે એ શક્યતાની તમે કિંમત ચૂકવી રહ્યા છો. બાંધછોડ વધતી વધતી કયા તબક્કા સુધી પહોંચી શકે છે એની તમને ખબર છે, કદાચ એનો અનુભવ પણ હોય તમને.

એક દિવસ અચાનક તમને નોકરીમાંથી રુખસદ મળે છે. બિઝનેસ પડી ભાંગે છે. કામ છીનવાઈ જાય છે. તમે લિટરલી ફૂટપાથ પર આવી જાઓ છો. તમને આપઘાત કરવાનું મન થાય છે, કારણ કે હવે જ્યારે તમારી રોજીરોટી જ છીનવાઈ ગઈ છે, તમારા અને તમારા કુટુંબના ભરણપોષણનું સાધન છીનવાઈ ગયું છે તો હવે જીવીને શું કામ છે એવો વિચાર તમને કોરી ખાય છે.

છતાં એ રાત જેમ તેમ પસાર થઈ જાય છે. બીજો દિવસ અને બીજી રાત પણ જેમ તેમ વીતી જાય છે. કીડીને કણ અને હાથીને મળ આપનારો ભગવાન વહેલું મોડું તમને પણ આપવાનો જ છે એવો કવિ શોભિત દેસાઈનો સિદ્ધાંત સાચો પડે છે. તમને એક નવું કામ મળે છે. અગાઉના જેવું જ કે એના કરતાં સારું-ખરાબ એની પરવા નથી, પણ કામ તો મળે જ છે. જિંદગીમાં પહેલીવાર તમને પ્રતીતિ થાય છે કે અત્યાર સુધી તમે જેને અસ્તિત્વનો આધાર માનીને બેઠા રહ્યા એ વાસ્તવમાં પોકળ આશ્ર્વાસન હતું, તમારા મનનો માત્ર એક બહેલાવ હતો.

કામ જેવું જ વ્યક્તિઓની બાબતમાં પણ બને છે. મા વિના જીવી નહીં શકાય, બાપ વિના જીવી નહીં શકાય, પતિ ગુજરી ગયો તો નિરાધાર થઈ જવાશે, પત્ની વહેલી ગઈ તો મારી ટેકણલાકડી જતી રહેશે, દોસ્તો છે તો આપણે છીએ, પાડોશી ન હોત તો અમે ક્યાંયના ના હોત આવું બધું વિચારવું કે બોલવું બીજા પ્રત્યેની ઉષ્માભરી લાગણી વ્યક્ત કરવાના એક ભાગરૂપે બરાબર છે.

પણ એમાં ભારોભાર અતિશયોક્તિ છે અને એની ખાતરી ક્યારે થાય? જ્યારે આ જ મા, આ જ બાપ, આ જ પતિ, આ જ પત્ની કે દોસ્ત કે પાડોશીથી તમે કાયમ માટે વિખૂટા પડી જાઓ છો ત્યારે. ઘર બદલી નાખ્યું, શહેર કે દેશ છોડીને જતા રહ્યા અથવા તો સંબંધોમાં પૂર્ણવિરામ આવી ગયું અથવા તો છેક છેલ્લા તબક્કાની વાત બની ને એમનું મૃત્યુ થઈ ગયું.

આમાંની કોઈ પણ એક પરિસ્થિતિ સર્જાઈ અને તમે કાયમ માટે વિખૂટા પડી ગયા એમનાથી પછી શું થયું!

પહેલાં ચોવીસ કલાક ખૂબ આકરા ગયા.

સ્મશાનેથી પાછા આવીને સંસાર આખો અસાર લાગવા માંડ્યો.

કોના માટે જીવવું, શા માટે જીવવું એવા સવાલો સતાવવા લાગ્યા.

બીજો દિવસ, ત્રીજો દિવસ. સમય વીતવા લાગ્યો. એક દિવસ એફ.એમ. પર ‘પુરાની જીન્સ’નો કાર્યક્રમ સાંભળવાનું મન થયું. કાંટો સે ખીંચ કે યે આંચલ… આજ મૈં ઉપર આસમા નીચે… આંગળીનાં ટેરવાંથી ડાઈનિંગ ટેબલ પર તબલાં વગાડવાનું મન થયું.

શોકગ્રસ્ત ઘરમાં, હજુ વરસી પણ વાળી નથી, ત્યાં આવું બધું ખરાબ લાગે. પણ છેવટે એક ને એક દિવસ એવો જરૂર આવતો હોય છે જ્યારે તમે ખરેખર જ કાંટાઓથી આંચલ ખેંચીને ડિસ્કોમાં મળસ્કાના ચાર વાગી ગયા હોવા છતાં પાર્ટી હજુ બાકી છે એવું ફીલ કરતા થઈ જાઓ છો. લિટરલી નહીં તો મેન્ટલી તો જરૂર.

જતી રહેલી વ્યક્તિ તમારા જીવનના આધાર સમી હતી અને હવે નથી.

છતાં તમારું જીવન ટકી રહ્યું છે એવો વિચાર આવતાં સૌ પ્રથમ તમને ગિલ્ટ ફિલિંગ થાય છે.

અત્યાર સુધી એમની સાથે દિવસરાત જીવ્યા પછી હવે તમે એમને ભૂલી ગયા, એમના વિના જીવતા થઈ ગયા. ગુનાહિત લાગણી થાય છે.

પણ વધુ વિચારતાં મનમાં નવો પ્રકાશ પ્રવેશે છે. જે છૂટી ગયું છે એના વિના પણ જીવવું એમાં કંઈ છૂટી જનાર વ્યક્તિનો (કે છૂટી જનાર નોકરી, ધંધા કે કામનો) અનાદર નથી. એ તબક્કે એના દ્વારા જે કંઈ પ્રાપ્ત થયું તે સર્વના ઋણી છીએ. કબૂલ પણ કરીએ છીએ કે એના વિનાની જિંદગી એવી નથી, જેવી એમની સાથે હતી.

ખોટ સાલે છે?

કદાચ હા. કદાચ ના.

પણ આ બેઉમાંના કોઈ પણ ઉત્તરનો અર્થ એવો નથી કે આપણે જીવવાનું છોડી દીધું છે.

આ પ્રાગટ્ય પછી સમજાય છે કે તે વખતનું પરિસ્થિતિવશ અવલંબન વખત જતાં ટેવવશ બની ગયું તે ખોટું થયું.

વીતેલાને વીતી જવા દઈને ભવિષ્યમાં તમે એકની એક ભૂલ ફરી વાર નહીં કરો એવો સંકલ્પ કરો છો.

તમારી રીતે જીવવાની સ્વતંત્રતા કોઈ છીનવી ન જાય એનો ખ્યાલ રાખો છો.

જિંદગી પોતાની શરતે જીવતાં શીખી જાઓ છો.

બાંધછોડ વિનાની જિંદગી.

જે નીતિમૂલ્યો સિદ્ધાંતોમાં આસ્થા હોય તે વિશેનાં સમાધાનો વિનાની જિંદગી.

ભય, ડર અસલામતી જેવા શબ્દો ખુદ હવે શબ્દકોશમાંથી તમારી આત્મકથામાં પ્રવેશતા ડરે છે.

તમને બોધિજ્ઞાન પ્રાપ્ત થાય છે કે ધાર પર ચાલનારને વળી આધાર કેવો.

એના માટે તો આ પાર કે પેલે પાર.

સાયલન્સ પ્લીઝ

પોતાની જાતને પ્રેમ કરનાર બીજાઓના સંકટોમાંથી પણ કંઈક આશ્ર્વાસન મેળવે છે.

પોતાને પડેલાં દુ:ખો બીજાઓને પણ પીડા આપી રહ્યાં છે એ જાણવાથી આપણા દુ:ખનો ડંખ હળવો બને છે.

અને આપણા જેવાં સુખ બીજાને નથી એ જાણવાથી આપણાં સુખ વધુ સુખપ્રદ લાગે છે.

-કૉલ્ટન

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. Very nice article , Saurabh bhai. It really compliments the concept that “ Time is the most profound healer “ or in Gujarati “ Dukh nu osad dahada “ . Thank you so much for this lovely article . Pl keep writing & sharing .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here