( ગુડ મૉર્નિંગ ક્લાસિક: મંગળવાર, ૨૭ ઑગસ્ટ ૨૦૨૪)
(પાંચેક વર્ષ પહેલાં શ્રીજીબાવાનાં દર્શન કરવા મિત્રો સાથે નાથદ્વારા આવ્યો ત્યારે આ લેખ લખાયો હતો. ગયા વરસે, ઘણા સમય પછી, નાથદ્વારામાં હતા ત્યારે મંગળાથી શરૂ કરીને સાંજની આરતી સુધીનાં સાતેય દર્શન કરવાનો સંકલ્પ હતો. સાંજે પહોંચ્યા ત્યારે આરતીનાં દર્શન થઈ રહ્યાં હતાં. ઉતારે જવાને બદલે સીધી દોટ મૂકી મંદિર તરફ. દર્શનની વ્યવસ્થામાં ઉત્તરોત્તર ઘણો સુધારો થઈ રહ્યો છે. શાંતિથી શ્રીજીબાવાનાં દર્શન કર્યાં. ભાવવિભોર. સૌથી પહેલી યાદ આવી મોદીજીની. પછી દેશના કલ્યાણ માટે પ્રાર્થના કરી. ત્રીજા યાદ કર્યા એ તમામ લોકોને જેઓ મને પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે ઓળખતા હોય અને હું જેમને પ્રત્યક્ષ તથા પરોક્ષરૂપે ઓળખું છું તે સૌને પણ યાદ કર્યા. સૌની સમૃદ્ધિ, સુખ-શાંતિ અને પ્રસન્નતા માટે યાચના કરી. મારા માટે જે માગવાનું હતું તેનું લિસ્ટ સાત દર્શનો દરમ્યાન એમને આપીને દીધું છે!)
“જેણે મને જગાડ્યો, એને કેમ કહું કે જાગો?” : સૌરભ શાહ
પ્રાર્થનાએ કંઈ યાચના નથી, માગણી નથી એવું ઘણા માને છે. તેઓ સાચા હશે કદાચ. પણ પ્રાર્થના એ ઘણું બધું છે એ ઘણા બધામાં માગણીનો પણ સમાવેશ થઈ જાય.
કવિઓ કહેતા ફરે છે કે મંદિરની બહાર માગવા માટે યાચકોની ભીડ લાગી હોય છે એવી જ ભીડ મંદિરની અંદર મૂર્તિની સામે હાથ જોડીને ઊભેલા માગણિયાઓની હોય છે. કહેવા દો એમને. એમની મરજી.
પણ અમે કવિ નથી.
ભગવાન પાસે માગવામાં ખોટું શું છે? જગતનો પિતા છે એ. આપણે સૌ એનાં સંતાનો છીએ. દીકરા-દીકરીઓ પોતાના બાપ પાસે નહીં માગે તો કોની પાસે માગશે?(આમેય બેન્કવાળાઓએ આપવાની ના પાડી દીધી છે અને મિત્રો-સગાંઓ પાસેથી જેટલું લેવાય એટલું લઈ લીધું છે એટલે હવે બાકી એક ઉપરવાળો જ બચે છે!).
ભગવાન પાસે ઊભા રહીને કે મનોમન એને યાદ કરીને માગવામાં કશું ખોટું નથી. પ્રાર્થનામાં ભગવાનનો આભાર માનીએ, કલ્યાણની ઈચ્છા પ્રગટ કરીએ અને દુનિયામાં સુખશાંતિ સ્થપાય એવી ખ્વાહિશ પ્રગટ કરીએ એની સાથોસાથ આપણું વિશ લિસ્ટ પણ બોલી જઈએ તો સારું જ છે. ભગવાન તો સતત ‘તથાસ્તુ’, ‘તથાસ્તુ’ કહીને આપણા સૌના માથે આશિર્વાદનો હાથ મૂકીને વિહરતો જ રહેતો હોય છે. એની કૃપાથી આપણી કઈ ઈચ્છા ક્યારે પૂરી થઈ જશે કંઈ કહેવાય નહીં. પણ આપણી ઈચ્છાઓ એના સુધી પહોંચાડવી તો પડે જ ને. એ અન્તર્યામી છે, આપણા મનની વાત એ જાણી લે છે એ સાચું પણ આટલા બધા લોકોની ઈચ્છાઓના કોલાહલમાં એને બરાબર ન સંભળાયું કે કંઈક સમજફેર થઈ તો મોડું થઈ જાય કે પછી ઓડનું ચોડ થઈ જાય.
વૈષ્ણવોમાં શ્રીકૃષ્ણનાં વિવિધ સ્વરૂપ – દ્વારકાધીશ, રણછોડજી, શ્રીનાથજી ઈત્યાદિ-નાં દર્શનનો સમય આઠ ભાગમાં વહેંચી નાખવામાં આવ્યો છે. બહુ ખૂબસૂરત કન્સેપ્ટ છે આ. ભગવાનની સમગ્ર દિનચર્યા એમાં સમાઈ જાય. આ આઠ દર્શન વિશે અનેક ચિંતક-વિચારકોએ પોતપોતાની રીતે મનન કર્યું છે. નાથદ્વારામાં પરોઢિયે અખંડ અને નીરવ શાંતિમાં મંગળાનાં દર્શનનો લહાવો લીધા પછી શ્રીજીબાવાની પ્રેરણાથી જે વિચારોએ ત્રણ અઠવાડિયાંથી દિલદિમાગ પર કબજો જમાવ્યો છે તે આપ સૌની સાથે વહેંચું છું.
આઠ દર્શનની ભવ્ય પરંપરાને આધુનિક સમયમાં એક ધર્મભીરુ, આસ્થાળુ ભક્ત કેવી રીતે ઈન્ટરપ્રીટ કરી શકે એની આ એક્સરસાઈઝ છે.
પરંપરા મુજબ પ્રથમ દર્શન મંગળાનાં. ઋતુ પ્રમાણે સવારના પાંચ-સાડા પાંચ-છ વાગ્યે આ દર્શન ભક્તો માટે ખુલ્લાં મુકાય એ પહેલાં રાત્રે પોઢી ગયેલા ભગવાનને ઊંઘમાંથી જગાડવામાં આવે. અહીં તર્ક-કુતર્કને સ્થાન નથી, લાગણીનો સવાલ છે. ભગવાન તો ચોવીસે કલાક જાગતા જ હોય છે. પણ આપણે એમને માનવીય સ્વરૂપ આપીએ છીએ જેથી એમની સાથે વધુ નિકટતા મહસૂસ કરી શકીએ. બાકી સુરેશ દલાલે તો મંગળાનાં દર્શન વિશેની કવિતામાં લખ્યું જ છે કેઃ ‘જેણે મને જગાડ્યો, એને કેમ કહું કે જાગો!’
મંગળાનાં દર્શનનું આ પરંપરાગત મહાત્મ્ય. આધુનિક સમયના ભક્ત માટે આ દર્શન ભગવાન સમક્ષ પોતાની ઈચ્છા કે ઈચ્છાઓ વ્યક્ત કરવાનો અવસર છે. મનમાં જે કંઈ ઈચ્છાઓ જન્મી, મનોમન જ એને ચાળી, ગાળી (કે પછી વિરાટ બનાવી) અને ભગવાન સમક્ષ રજૂ કરી.
મંગળાનાં દર્શનના દોઢેક કલાક પછી શૃંગારનાં દર્શન થાય. ભગવાન નહાઈ-ધોઈને તૈયાર. મંગળામાં નાઈટ ડ્રેસમાં જોયેલા શ્રીજીબાવા સજીધજીને જોવા મળે. આ સેકન્ડ દર્શનમાં ઈચ્છાઓ જે હવે આશા બની ગઈ છે તે ભગવાન સમક્ષ મૂકાય છે. મનમાં ઈચ્છા જન્મે છે તે વખત જતાં આશામાં પરિણમે છે, જે મેળવવું છે તે મળશે એવી આશામાં.
ત્રીજા દર્શન ગ્વાલનાં. ભગવાન તૈયાર થઈને પોતાના કામે લાગે છે, ગાયો ચરાવવા જાય છે. આશાઓ હવે સપનાં બની ગઈ છે. આશાઓને આપણે કલ્પનામાં સાકાર થતી જોઈ રહ્યા છીએ. ઈચ્છાઓ જાણે હવે નક્કર સ્વરૂપમાં દેખાવા માંડી છે. પણ છે તો હજુ કલ્પના જ.
ચોથા દર્શન રાજભોગનાં. ભગવાનનો લંચ ટાઈમ. આપણે એલ્યુમિનિયમના લંચ બૉક્સમાં વહેલી સવારે ઊઠીને પત્નીએ વણેલી ચાર રોટલી અને તેલ નીતારીને મૂકેલા શાકનો જમણવાર કરીએ. ભગવાનજીનું કામકાજ જરાક વિસ્તૃત હોય – સ્વાભાવિક છે. એમણે આપણા કરતાં વધારે કામ કરવાનું છે. આપણે રોજે રોજ છપ્પન ભોગ કરીએ તો બીજા જ અઠવાડિયે હૉસ્પિટલ ભેગા થઈ જઈએ. રાજભોગનાં દર્શન વખતે હાથ જોડીને ઊભેલા ભક્તના મનમાં સર્જાયેલાં સપનાંઓએ યોજનાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. પ્લાનિંગ થઈ ચૂક્યું છે કે આ સપનાંઓ પૂરાં કેવી રીતે કરવાં છે. આપણા પ્લાનિંગ પર આપણને પૂરો ભરોસો છે (ભગવાનને છે કે નહીં એ તો ભગવાન જ જાણે). આ પ્લાનિંગના પાયામાં ઈચ્છા હતી એ પણ ઘડીભર ભૂલી જઈએ છીએ. દરેક ઈચ્છાને આશા ન બનવા દેવાય, દરેક આશાનું સપનું ન બનવા દેવાય અને દરેક સપનાંને પ્લાનિંગમાં પરિવર્તિત ન કરાય એવું હજુ સુધી આપણને કોઈએ કહ્યું નથી. એ અનુભવ યોગ્ય સમયે થશે. ત્યાં સુધી ભલે કાગળ પર નકશાઓ દોરાતા.
પાંચમાં દર્શન ઉત્થાપનનાં. ભગવાન જમીકરીને આડે પડખે થઈ, વામકુક્ષી કરીને પાછા કાર્યરત થયા છે. આપણે જે યોજનાઓ બનાવી છે એ હજુ સુધી ફળીભૂત કેમ નથી થતી એવી ફરિયાદો થઈ રહી છે. આને છાપરું ફાડીને આપ્યું, પેલાને ત્યાં લક્ષ્મી ચાંલ્લો કરવા ગઈ પણ મારું છાપરું હજુય અકબંધ કેમ અને કપાળ કોરું કેમ એવી ફરિયાદો ભગવાનને થઈ રહી છે. ભગવાન શું કહે છે એ સાંભળવાનું મન નથી. બસ, જીદ છે – આપ, આપ અને આપ. હમણાં જ આપ. બધાને આપ્યું છે એના કરતાં વધારે આપ.
છઠ્ઠાં દર્શનને ભોગનો સમય કહેવાય. સાંજે સૂતાં પહેલાં લાઈટ નાસ્તાપાણી અથવા તો વાળુ કહો એને. અંગ્રેજીમાં સપર.( ભગવાન દિવસમાં એક જ વાર હેવી મીલ કરે – લંચ સમયે. ડિનર સ્કિપ કરે. એટલે જ એ ફિટ રહે છે અને આપણે ફાંદ હલાવતાં હલાવતાં ટ્રેડ મિલ પર દોડવું પડે છે). ફરિયાદો ભગવાનને સંભળાઈ નથી અથવા તો ભગવાન સાંભળવા છતાં આપણને ઈગ્નોર કરે છે એટલે આ છઠ્ઠાં દર્શન વખતે આપણે ભગવાન સાથે ઝગડો કરી બેસીએ છીએ: તું તો મારું કશું સાંભળતો જ નથી, હવે હું પણ તારું નહીં સાંભળું. તને મારામાં શ્રદ્ધા નથી તો જા, મને પણ તારામાં શ્રદ્ધા નથી એવું વિચારીને નક્કી કરી નાખીએ છીએ કે હવે કોઈ દિવસ તારા ઘરે નહીં આવું. ભૂખે મરીશ પણ તારી આગળ હાથ નહીં ફેલાવું. તને કી’ધું એ જ મારી સૌથી મોટી ભૂલ થઈ. હવે તને કહ્યા વગર જ મારી રીતે મારી બધી ઈચ્છાઓને, આશાઓને, મારાં સપનાંઓને અને પ્લાનિંગને હું મારી રીતે અમલમાં મૂકીશ, મને તારી કોઈ જ જરૂર નથી.
સાતમાં દર્શન એટલે આરતી. ઘીના દીવાના અજવાસમાં દિમાગમાં બત્તી થાય છે કે મેં આ શું કરી નાખ્યું? ભગવાન સાથે ઝગડો કરી નાખ્યો? એનાથી રિસાઈ ગયા આપણે? ભૂલ સમજાય છે. કાં તું નહીં કાં હું નહીં એવી જીદમાં ઊતરીને ભગવાન સાથે ઝગડો કરીને બાંયો ચડાવીને ખરાખરીનો ખેલ રમતાં સમજાય છે કે છેવટે તો ‘હું નહીં’વાળી જ પરિસ્થિતિ આપણી હોય છે. એ તો અવિનાશી છે. આ સમજ આવતાં જ મનમાં શરણાગતિનો ભાવ પ્રગટે છે. તારું ધાર્યું જ કર પ્રભુ, કારણ કે જે કંઈ થાય છે અને થવાનું છે તે બધું તારું જ ધારેલું છે એવા ભાવ સાથે આપણે સંપૂર્ણ સમજના આવિષ્કારથી શરણાગતિ સ્વીકારી લઈએ છીએ. ઈચ્છાઓ, આશાઓ, સપનાંઓના વળગણમાંથી છૂટી જઈએ છીએ. આપણી કલ્પનાના પ્લાનિંગને અમલમાં મૂકવાની કોઈ જીદ નથી, કોઈ ફરિયાદ નથી, ઝગડાને તો લેશમાત્ર અવકાશ નથી. પૂરેપૂરા ભગવાનના શરણમાં છીએ.
દિવસના આઠમા અને છેલ્લાં દર્શન શયનના. ભગવાન પોઢી જવાની તૈયારીમાં છે(શ્રીનાથદ્વારામાં ચૈત્ર સુદ એકમથી આસો સુદ નોમ સુધીના ગાળામાં સાત જ દર્શન થાય, શયનનાં દર્શન ન થાય. શ્રીજીબાવા આ દિવસોમાં સૂવા માટે વૃંદાવન જતા હોય છે એટલે). શયનનાં દર્શન વખતે તો મન સાવ કોરું બની જતું હોય છે. કોઈ ભાવ નથી, કોઈ વિચાર નથી. મન નિર્વિચાર છે, ભાવરહિત છે. શરણાગતિનો ભાવ પણ નથી કારણ કે મન હવે દરેક ભાવ-અભાવથી મુક્ત બની ગયું છે. શયનનાં દર્શન કરીને આપણે પણ કોઈ ભાવ વિના, ભાર વિના જાણે આકાશમાં વાદળોની પથારી પર જઈને સૂઈ ગયા હોઈએ એટલા હળવાફુલ થઈ જઈએ છીએ.
ભગવાનનાં આ આઠ દર્શનનો એક દિવસ જાણે એક આખા જન્મારાનો ફેરો છે.
આજનો વિચાર
જેણે મને જગાડ્યો, એને કેમ કહું કે જાગો?
મારો તારી સાથ પ્રભુ હે જનમ જનમનો લાગો.
પંખીના ટહુકાથી મારા જાગી ઉઠ્યા કાન,
આંખોમાં તો સુર્યકિરણનું રમતું રહે તોફાન,
તમે મારા શ્વાસ શ્વાસમાં થઈ વાંસળી વાગો,
મારો તારી સાથ પ્રભુ હે જનમ જનમનો લાગો.
ગઈ રાત તો વીતી ગઈ ને સવારની આ સુષ્મા,
વહેતી રહે છે હવા એમાં ભળી તમારી ઉષ્મા,
મારા પ્રિયતમ પ્રભુ મને નહીં અળગો આઘો,
મારો તારી સાથ પ્રભુ હે જનમ જનમનો લાગો.
—સુરેશ દલાલ
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો