( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 12 માર્ચ 2025)
માણસ જીવે છે ત્યાં સુધી ક્યારેય એનું આખું જગત તૂટી પડતું નથી. ક્યારેક એનો એક અંશ કે એકથી વધુ અંશ ખરી પડે ત્યારે તમને એવું લાગે ખરું કે તમારું જગત આખું તૂટી પડી રહ્યું છે. માથે આભ તૂટી પડવું અને એવા બધા રૂઢિપ્રયોગો અલંકારિક ભાષામાં બયાન કરતી વખતે ઠીક લાગે, પરંતુ હકીકતમાં એવું બનતું નથી. માત્ર તે ઘડીએ આપણને એવું લાગતું હોય છે. ક્યારેક આપણી આસપાસનાને પણ લાગતું હોય છે.
જિંદગીમાં એકાદ નિર્ણય ખોટો પડવાથી કશું જ બગડી જતું નથી. બાજી નવેસરથી ગોઠવી શકાય છે. તમામ નિર્ણયો ખોટા પડવાથી પણ આસમાનો તૂટી પડતાં નથી. નવેસરથી એક એક ઈંટ ગોઠવી શકાય છે. નિર્ણયો સાચા પડે તો સારું છે, સાચા ન પડે તો વધારે સારું છે, કારણ કે ખોટા પુરવાર થયેલા નિર્ણયો જરાવાર અટકીને નવેસરથી વિચારવાની તક આપે છે. આગળ આવનારા વધુ મોટા ખતરાઓથી બચવા માટે જ માર્ગ પર આડશો બાંધેલી હોય છે. આવું બને ત્યારે રસ્તો ખોટો પસંદ કર્યો છે એવો અફસોસ ન થાય. થોડા પાછા ફરીને ડાયવર્ઝનવાળા રસ્તે, એ જ દિશામાં આગળ જવાનું હોય તો એવા નાના સરખા વિલંબથી ઘણી મોટી આપત્તિઓમાંથી ઊગરી જવાનો સંતોષ લેવાનો.
જીવનમાં કશું જ નથી હોતું ત્યારે સપનાંઓ હોય છે. જીવનમાંથી બધું જ જતું રહે ત્યારે પણ કેટલાંક સપનાંઓ બચી જતાં હોય છે. ખુલ્લી આંખે જોયેલાં કેટલાક ખ્વાબ દરેક વ્યક્તિની અંગત મૂડી છે. સપનાંઓ સીધાસાદા ન હોય. સપનાંઓ બહુરંગી અને બહુઢંગી હોવા જોઈએ: મલ્ટિ કલર્ડ અને મલ્ટિ ડાયમેન્શનલ. સપનાંઓ અશક્યવત્ હોવા જોઈએ. સપનાં સેવવામાં બહાદુરી જોઈએ. તમામ વિઘ્નો વચ્ચે, દરેક અનિશ્ર્ચિતતાઓનો સામનો કરીને પણ જે સપનાં જોઈ શકે તે જ જીવી શકે.
પણ કઈ સાઈઝનાં સપનાં જોવા અને કેટલી સંખ્યામાં? સપનું જોવાની સાથે એને સાકાર કરવા માટે કરવી પડતી મહેનત થઈ શકે એટલી લાયકાત ઊભી કરતાં જવું પડે. લાયકાત મેળવ્યા વગર સપનું સાકાર પણ થઈ ગયું તોય એનો સ્વાદ લાંબા સમય સુધી તમે નથી લઈ શકવાના. તમને મળેલું વહેલુંમોડું છીનવાઈ જ જવાનું.
જિંદગીમાં શું શું નથી કરવું એની યાદી તૈયાર કરી લેવાથી શું શું કરવું એ વિશેની સ્પષ્ટતા થઈ શકે છે. અનેક દિશાઓમાં ખૂબ બધું કામ થઈ શકે છે એવા ખ્વાબમાં રાચી ન શકાય. વિકલ્પો ઓછા કરી નાખવાથી જ નક્કર પ્રગતિ થાય.
માણસ પાસે જિંદગીને આપવા જેવું ઘણું છે. આંખમાં નકાર ભરીને જોવાની ટેવ છોડી દીધા પછી જ સમજાય કે જિંદગીને શું શું આપી શકીએ છીએ. નકારની દૃષ્ટિ છોડી દીધા પછી મળેલા જિંદગીના અનુભવો, વિચારો ઈત્યાદિનો સરવાળો જ તમારા જીવનની સૌથી મોટી અને ખરી મૂડી છે.
સાચા માણસો પારદર્શક હોય. એમની આરપાર બધું જ જોઈ શકાય. એમના જળમાં પડેલું નાનકડા તણખલા જેટલું કચરું પણ તરત જ દેખાઈ જાય. લોકો એ કચરું બિલોરી કાચ તળે મૂકીને જુએ અને બીજાને દેખાડતા ફરે. બિલોરી કાચવાળા લોકો સમજતા નથી હોતા કે પેલાનું જળ નીતર્યું છે એટલે આ કચરું દેખાયું. જ્યારે પોતાનું તો સાવ ડહોળું – કાદવિયું પાણી છે. એમાં પડેલા ઢેર સારા કચરાનું શું?
તમે જે વિચારો કરવા નથી માગતા એ વિચારો સૌથી જુલમી વ્યક્તિ પણ તમારી પાસે નથી કરાવી શકતી. તમારી ઈચ્છા વિરુદ્ધનું વર્તન તમારી પાસે કદાચ કરાવી શકશે, પણ ઈચ્છા વિરુદ્ધના વિચારો તમારી પાસે કોઈ નહીં કરાવી શકે. માણસમાં બીજાના કહ્યા મુજબના વિચારો ન કરવાની શક્તિ હોય એનો અર્થ એ થયો કે એનામાં પોતાના ધારવા મુજબના વિચારો કરવાની શક્તિ હોવી જોઈએ. આપણું મન કયા વિચારો કરે અને કયા ન કરે એના પર આપણું સો ટકા નિયંત્રણ શક્ય છે. મન પર કાબૂ રાખવો શક્ય છે. પણ આ શક્તિને ઓળખવાની આપણે ક્યારેય મહેનત જ નથી કરી, કેટલાકને તો મનની આવી શક્તિ વિશે જ શંકા હોય છે. એક વખત માણસ સ્વીકારતો થઈ જાય કે મનની એવી શક્તિ છે, તો એ આ શક્તિનો ક્યાં, કેટલો, કેવો ઉપયોગ કરવો એ શીખી શકે.
જે લોકો પોતાને એકસ્ટ્રા ઑર્ડિનરી માને છે કે જેઓ એકસ્ટ્રા ઑર્ડિનરી બનવા માગે છે તેઓ કુદરતના ક્રમથી વિરુદ્ધ એવું અસ્તિત્વ મેળવવાની છટપટાહટ કરતા રહે છે. જે સાધારણ માણસ છે, ઑર્ડિનરી મૅન, એ કુદરતનો જ એક ભાગ છે. એનું અસ્તિત્વ સ્વાભાવિક છે, સાહજિક છે. કુદરત પોતે ક્યારેય સ્પેશિયલ કે વિશેષ માણસો પેદા નથી કરતી. કુદરત યુનિક અથવા આગવા અથવા નોખા માણસો પેદા કરે છે, સ્પેશિયલ નહીં. દરેક માણસ પોતાની રીતે આગવો હોય, નોખો હોય. સાધારણ માણસની આ જ મઝા છે કે એને ક્યારેય પોતે એકસ્ટ્રા ઑર્ડિનરી છે એવો ભ્રમ સતાવતો નથી. એવો ભ્રમ સાચવવા માટે કરવી પડતી ચોવીસ કલાકની દંભી રીતિ-નીતિઓમાંથી એ ઊગરી જાય છે. એ જાણે છે કે દેવદારના વૃક્ષ અને ગુલાબના છોડની સરખામણી ન હોય. પરસ્પરની સ્પર્ધા વિના બેઉનું સાહજિક, નૈસર્ગિક સહઅસ્તિત્વ શક્ય છે. એ બેઉ વચ્ચે કોણ સૌથી ઊંચું એવી શરત લાગતી નથી કે કોણ સૌથી સુગંધી એવી શરત પણ તેઓ લગાવતાં નથી. બેઉએ એકબીજાના આગવાપણાને સ્વીકારેલું હોય છે. એમનું પોતપોતાનાપણું, નોખાપણું એકમેક સામે હરીફાઈમાં નથી ઊતરતું. જે પોતાને સાધારણ માને છે એ જ હકીકતમાં અસાધારણ અથવા તો એકસ્ટ્રા ઑર્ડિનરી હોય છે અને જેઓ પોતાને બીજા કરતાં ઊંચા માને છે, એકસ્ટ્રા ઑર્ડિનરી માને છે તેઓ હકીકતમાં મીડિયોકર હોય છે.
આ દુનિયા જેણે સર્જી છે એને હક્ક છે પોતાનું ધાર્યું કરવાનો અને આ દુનિયામાં જેણે જન્મ લીધો છે એને હક્ક છે પોતાનું ધાર્યું થાય એ માટે પ્રયત્ન કરવાનો. આવા દરેક પ્રયત્ન માટે એક-એક આવતી કાલ છે. કોઈ પણ નિષ્ફળતાને કારણે આવતી કાલો ખલાસ નથી થઈ જતી.
પાન બનારસવાલા
તમારે સુખી થવું છે? તો થાઓ. એમાં બીજાને પૂછવાની કંઈ જરૂર નથી.
– તોલ્સ્તોય
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
ધન્યવાદ સૌરભભાઈ.