( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 20 ઑક્ટોબર 2024 )
મારિયો પૂઝોની અન્ડરવર્લ્ડની ક્લાસિક ફૅમિલિકથા ‘ધ ગૉડફાધર’ પરથી ફ્રાન્સિસ ફૉર્ડ કૉપોલાએ હૉલિવુડમાં યાદગાર ફિલ્મ બનાવી હતી. એમાં જીવનને લગતી ફિલસૂફીઓ અને બિઝનેસમાં કે પ્રોફેશનમાં કામ લાગે એવા ઉપદેશો ઠેરઠેર વેરાયેલાં છે, જેના પર હજુ સુધી ભાગ્યે જ કોઈનું ધ્યાન ગયું છે.
ડૉન કૉર્લીઓનનો સૌથી મોટો દીકરો સની ભારે મિજાજી છે. ડૉનની દીકરીના લગ્ન પ્રસંગે કોણ-કોણ આવ્યું છે તેની નોંધ લેવા બહાર એફ.બી.આઈ.ના એજન્ટો મહેમાનોની ગાડીઓના નંબર નોંધી રહ્યા છે, ત્યારે સની એ લોકો પર ગુસ્સે થઈ જાય છે. પણ ડૉન કૉર્લીઓન ગુસ્સે નથી થતા. ડૉને વર્ષોથી એક વાત ગાંઠે બાંધી લીધી હતી કે, “આ સમાજમાં ક્યારેક ને ક્યારેક તમારું અપમાન થવાનું. તમારે સહન કરી લેવાનું.”
સામેવાળો માણસ ગમે એટલો સામાન્ય હોય, સાધારણ હોય, પણ જો એ આંખ ખુલ્લી રાખીને જીવતો હશે તો એની જિંદગી દરમિયાન એક તક એવી આવવાની જ્યારે એ સૌથી શક્તિશાળી માણસ સામે પણ બદલો લઈ શકવાનો. આ સમજને કારણે ડૉન ક્યારેય કોઈની સામે વિવેક ગુમાવતા નહીં. આ ઉમદા ગુણને કારણે ડૉનના મિત્રો એમને ઔર માન આપતા.
માન-અપમાન અને સ્વમાન. આ ત્રણેય બહુ ટ્રિકી કન્સેપ્ટસ છે. ‘મારું સ્વમાન રક્ષવા જતાં કદી કદી, હું કરગરી ગયો છું મને યાદ પણ નથી’ એવી યાદગાર પંક્તિઓ હરીન્દ્ર દવેએ લખી છે. નાની નાની વાતે ગુસ્સે થઈ જનારાઓને ક્ષુલ્લક મુદ્દાને ઈગો ઈશ્યૂ બનાવી દેવાની ટેવ હોય છે. ભરચક ટ્રાફિકમાં કોઈએ તમારી કારને જરા અમથી સ્ક્રેચ કરી અને તમે દંડૂકો લઈને નીકળી પડ્યા એને મારવા. વાંક ભલે પેલાનો હોય પણ તમે વાંકમાં આવી જવાના, એમાંય જો પેલો કોઈ પોલીસ અફસરનો કે એમએલએ-ફેમેલેનો નબીરો હોય તો પોલીસ કસ્ટડીમાં તમારા માટે એક રાત પાકી, ભલે તમે નિર્દોષ છો. મારી સાથે તેં આવી બદતમીજી કરી જ કેમ, મારી ગાડીને ઘસરકો શું કામ લગાવ્યો એવા તોરમાં તમે બીજું કશું નહીં પણ તમારો ઈગો પંપાળતા હો છો. જીવનમાં આવી પાંચસો સિચ્યુએશન્સ આવવાની જ્યારે તમને તમારું અપમાન થતું લાગશે. તમે એનો બદલો લેવા જશો, તમારા સ્વમાનનું રક્ષણ કરવા બદલો લેવો જરૂરી છે, એવું તમને લાગશે. પણ પરિસ્થિતિ એવી રીતે પલટાઈ જશે કે તમને આવા મુદ્દે ઝઘડો ઈનિશ્યેટ કરવાનું ભારે પડશે. તમારે એ જ માણસને બે હાથ જોડીને આ ઝમેલામાંથી એ તમને મુક્ત કરે એવી આજીજી કરવી પડશે.

ક્યારેક તમે કરેલા અપમાનનો ઘૂંટડો સામેવાળી વ્યક્તિ ગળી જશે. તમને લાગશે કે તમે કેટલા પાવરફુલ છો. પણ સામેવાળી વ્યક્તિ ગમે એટલી નાની હોય તોય ક્યારેક ને ક્યારેક એ તમારા પર વેર વાળશે, વાળશે ને વાળશે જ. હાથીને પરેશાન કરનારા મચ્છર વિશેની દંતકથા તમને ખબર છે. નાના માણસોને ક્યારેય ટેકન ફૉર ગ્રાન્ટેડ નહીં લેવાના. એમને જો તમે અપમાનિત કરશો તો તક આવ્યે એ પોતાનું સર્વસ્વ હોડમાં મૂકીને પણ તમને બરબાદ કરવાની કોશિશ કરશે. આવું કરવામાં એણે કંઈ ગુમાવવાનું નથી હોતું. એની પાસે છે શું કે એ ગુમાવે? પણ તે વખતે તમે તમારી બધી જ તાકાત ભેગી કરીને એની સામે લડી શકવાના નથી. કારણ કે તમારી તાકાત બીજી ઘણી બાબતોમાં વહેંચાયેલી હોવાની. પરિણામે ભૂતકાળમાં તમે કરેલા અપમાનનો બદલો વાળીને એ તમને પરાસ્ત કરવાનો.
આ જ વાત, તમે પોતે જો નાના હો તો પણ તમને લાગુ પડે. કોઈ મોટી હસ્તીએ તમારી સાથે બદતમીજી કરી હોય તો તરત એનો જવાબ વાળવાને બદલે રાહ જોવાની. ગૉડફાધર ડૉન કૉર્લીઓનને યાદ કરવાના : ‘આ સમાજમાં ક્યારેક ને ક્યારેક તમારું અપમાન થવાનું… પણ જો આંખો ખુલ્લી રાખીને જીવશો તો જિંદગીમાં એક તક એવી જરૂર આવવાની જ્યારે સૌથી શક્તિશાળી માણસ સામે પણ બદલો લઈ શકાશે.’
તમે જો મોટા હો, શક્તિશાળી હો તો સૌની સાથેનું વિવેકી વર્તન તમારા જ લાભમાં હોય છે. તમે જો નાના હો તો વારંવાર અકળાઈ નહીં જવાનું કે બધા કેમ તમારું અપમાન કરતા રહે છે, સહન કરી લેવાનું, અને ધીરજ રાખવાની. પછી તક મળ્યે વળતો ઘા કરવાનો.
મારિયો પૂઝો ડૉન કૉર્લીઓન માટે લખે છે : ‘ડૉન ક્યારેય કોઈને ધમકી આપતા નહીં. ધમકી આપવી મૂર્ખામી છે એવું એ માનતા. ભવિષ્યનો વિચાર કર્યા વિના ગુસ્સામાં બેકાબુ બની જવું કોઈને પાલવે નહીં, એવું કરવું એકદમ જોખમી છે, બેફામ ગુસ્સામાં ગમે તેવું બોલી નાખવાની લકઝરી પોતાને પરવડે નહીં એવું એ માનતા.’
પાવરફુલ માણસોની આ જ નિશાની છે. તેઓ ધમકી આપતા નથી, ગુસ્સે થતા નથી. એમણે જો કોઈની સામે બદલો લેવો હોય કે કોઈનું બગાડવું હોય તો ધમકી આપ્યા વિના જ એ કામ કરી શકે છે. એમણે ગુસ્સે થવાની કોઈ જરૂર હોતી નથી. શબ્દો અને એનર્જી વેડફ્યા વિના પોતાના પાવરથી એ બીજાનું ધારે તેટલું અને ધારે ત્યારે નુકસાન કરી શકતા હોય છે. ગુસ્સો નબળા લોકો કરે, જેમની પાસે બીજાની સામે લડવાની તાકાત ન હોય તેઓ ગુસ્સામાં બેફામ બનીને બોલબોલ કરે. શક્તિશાળી વ્યક્તિ હંમેશાં ચુપ રહીને પોતાનું ધાર્યું કરે. ડૉન કૉર્લીઓન ભલે અંડરવર્લ્ડનો માણસ છે પણ એની આ લાક્ષણિકતા સૌ કોઈએ જીવનમાં ઉતારવા જેવી.
ડૉનની બીજી એક ખાસિયત : ‘એ ક્યારેય ઠાલાં વચનો આપતા નહીં અને કોઈ દહાડો એવું બહાનું તો કાઢતા જ નહીં કે : શું કરું યાર, મારા હાથ બંધાયેલા છે.’
કપરી પરિસ્થિતિમાંથી છટકી જવા માટે આપણે કોઈ કંઈ વાતે માગણી કરે તો હાએ હા કહીને છટકી જતા હોઈએ છીએ. અને ક્યારેક કોઈનું કામ ન કરી શકીએ તો આમાં આપણી મજબૂરી છે એવું કહીને સામે ચાલીને બીજાની આંખોમાં નબળા પુરવાર થતા હોઈએ છીએ. ખોટે-ખોટું પ્રોમિસ ક્યારેય કોઈને આપવું નહીં અને એક વખત જો જીભ કચરાઈ જાય તો એમાંથી છટકી જવાને બદલે કોઈપણ ભોગે વચનપાલન કરવું.
મારિયો પૂઝોએ આ નવલકથામાં બીજી એક સરસ વાત લખી છે : ‘કેટલીક વાર આપણે એવાં કામ કરવાં પડે છે જેના વિશે તમારે ક્યારેય કોઈને કશું કહેવાનું ન હોય. આ એવાં કામ હોય છે જેને તમે વાજબી ઠેરવી શકવાના નથી. આમ છતાં તમારે કરવાં પડે છે. કરીને ભૂલી જવાનાં.’
બહુ પ્રેક્ટિકલ વાત કહી છે આમાં. આ ગહન વાતનું વિશ્લેષણ તમારે તમારી લાઈફના સંદર્ભમાં જે રીતે કરવું હોય તે રીતે કરી લેવું!
પાન બનારસવાલા
છેવટે તો જિંદગીમાં ન કોઈ બહાનાં જોઈએ, ન ખુલાસાઓ, ન અફસોસો.
– સ્ટીવ મૅરાબોલિ (પ્રવચનકાર, લેખક)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો