( ગુડ મૉર્નિંગ ક્લાસિક : મંગળવાર, ૧૪ નવેમ્બર ૨૦૨૩)
દિવાળીના દિવસોમાં મુંબઈ છોડીને જતા રહેવું ગમતું નથી. દિવાળી અને બેસતું વરસ મિત્રોથી, કુટુંબીજનોથી, ઓળખીતાઓ અને પરિચિતોથી, અડોશીપડોશીથી તેમ જ ધંધા-નોકરીના કામકાજથી સંકળાયેલા લોકો સાથે ઉજવવાના તહેવારો છે. એવું હું વર્ષોથી માનતો આવ્યો છું. આમ છતાં આ દિવસોમાં મુંબઈ છોડીને હિલ સ્ટેશનો પર જતા રહેતા લોકો સામે કોઈ ફરિયાદ નથી. એમની મરજી.
ફરિયાદ એ લોકો સામે છે જેઓ મુંબઈ માટે સતત ફરિયાદો કરતા રહે છે. તમારે બીજી કોઈ જગ્યાઓના – હિલ સ્ટેશનોનાં કે દરિયા કિનારે વસેલાં નગરોનાં કે પછી જંગલની જગ્યાઓનાં – વખાણ કરવા હોય તો જરૂર કરો, શોખથી કરો. અમને પણ મઝા આવે તમારા અનુભવોનાં વર્ણનો સાંભળીને. પણ મુંબઈને ગાળાગાળ શું કામ કરવી?
“આ ટ્રાફિક જુઓને, જ્યાં ત્યાં રસ્તા ખોદેલા હોય, મેટ્રો – મોનોરેલ – ફલાયઓવરનાં કામ ચાલતાં હોય. ઘરેથી ટાઈમસર નીકળીએ તો પણ દરેક જગ્યાએ મોડા જ પડીએ.”—આ સૌથી કૉમન ફરિયાદ મુંબઈમાં રહેનારાઓની. બીજી ફરિયાદ— ટ્રેનમાં કેટલી ભીડ હોય છે, રિક્શાવાળા માથાભારે થઈ ગયા છે. ઘરેથી ઑફિસે જતાં ડૂચો નીકળી જાય. રાત્રે ઑફિસેથી ઘરે આવીને ફરી એ જ કચકચ.
હું આવી ફરિયાદ કરવાવાળાઓને પૂછવા માગું છું કે ભલા આદમી, તમને કોણે રોક્યા મુંબઈ છોડીને જતાં? હં? આજે આ ઘડીએ બેગબિસ્તરા બાંધીને નીકળી જાઓ. મુંબઈનો ફલેટ વેચી નાખશો તો બીજા કોઈ નાના શહેરમાં બંગલો બનાવી શકશો. કોઈ સરકાર તમારા પર કમ્પલઝન લાવતી નથી કે તમારે મુંબઈમાં જ રહેવું પડશે. કોઈ તમને કહેતું નથી કે ખબરદાર જો મુંબઈને છોડીને ગયા છો તો.
પણ તમારે મુંબઈમાં રહેવું છે. તમને મુંબઈમાંથી મળતા તમામ ફાયદા મેળવવા છે. મુંબઈનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વાપરવું છે. અહીંના પ્રોફેશનલ વર્ક કલ્ચરનો લાભ ઉઠાવવો છે. મુંબઈ સિવાય બીજે ક્યાંય તમે સેટલ નહીં થઈ શકો એની તમને ખબર છે. મુંબઈએ તમારી પર્સનાલિટીને કેવો સરસ ઓપ આપ્યો છે એની પણ તમને ખબર છે.
મુંબઈમાં રહેવાનું સ્ટેટસ તમને ગમે છે (આયમ તો બૉર્ન ઍન્ડ બ્રોટપ ઈન બૉમ્બે!)
તો પછી યાર, મઝા કરો ને એક્નોલેજ કરો મુંબઈના ઋણને. ગાળો નહીં આપો આ શહેરને, ફરિયાદો નહીં કરો.
ફરિયાદો તો મુંબઈમાં બે દિવસ માટે બહારગામથી આવનારા લોકો પણ ખૂબ કરે. તમારા બૉમ્બેમાં ભીડ બહુ, અને કેટલો બફારો, પરસેવાથી કપડાં ભીનાં થઈ જાય.
ભલા ભાઈ, તને કોણ કંકુ ચોખા મૂકવા આવ્યું હતું કે તું બે દહાડા માટે મુંબઈ આવ? કંકોત્રી મોકલી હતી તો તારે ચાંલ્લો બૅન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવો હતો. જાતે આવવાની કોઈ જરૂર નહોતી (રિસેપ્શનમાં અમારી એક ડિશ બચી હોત એ નફામાં.) પણ ના, તમે આવી ગયા. મુંબઈને ગાળો આપીને પાછા ગયા પછી તમારા ત્યાંના લોકોમાં વટ પણ માર્યો: ‘યુ સી, બે દિવસ બૉમ્બે જઈ આવ્યો. જવું પડે એવું હતું.’
બે દિવસ માટે બિઝનેસ કે કામકાજ માટે આવનારાઓ પણ મુંબઈને હાલતાં ચાલતાં ડફણાં મારતા જાય. મુંબઈ સાથે બિઝનેસ કરવો છે, પ્રોફિટ વધારવો છે છતાં મુંબઈને ભલુંબૂરું સંભળાવવું છે. આવું કેવી રીતે ચાલે?
મુંબઈમાં રહીને પડતી તમામ હાલાકીઓથી તમે ધારો તો પળભરમાં છુટકારો મેળવી શકો એમ છો. પણ તમને ખબર છે કે મુંબઈ છોડવામાં સરવાળે તમારું નુકસાન છે. મુંબઈમાં રહેવાની તમારી લાચારી કે મજબૂરી નથી પણ અહીં રહેવાનો નિર્ણય તમારો પોતાનો છે. તમે સ્વતંત્ર છો, મુંબઈમાં રહેવું કે ન રહેવું તે નક્કી કરવામાં.
આ દુનિયામાં એક જેલ સિવાય બીજી એવી કોઈ જગ્યા નથી જ્યાં રહેવું કે ન રહેવું એ વિશેનો નિર્ણય કરવામાં તમે સ્વતંત્ર ન રહો.
તો પછી જ્યારે તમે તમારી મરજીથી મુંબઈમાં રહો છો ત્યારે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ ટ્રાફિકમાં અટવાઈ જાઓ, લોકલ ટ્રેનોની ભીડમાં ભટકાઈ જાઓ કે અહીંના હવામાનથી અકળાઈ જાઓ ત્યારે ચીડચીડા થવાને બદલે મનને પ્રસન્ન રાખીને વિચારજો કે આ શહેરમાં તમે શું કામ રહો છો. અહીં એવું શું શું મળે છે જે તમને આ શહેરની બહાર નથી મળી શકવાનું.
આ લેખમાં મુંબઈ તો એક મિસાલ છે. આપણે સતત દીકરા વિશે, માતાપિતા કે પતિપત્ની વિશે ફરિયાદો કરતાં રહીએ છીએ. દોસ્તો અને ઑફિસના બૉસ કે કલીગ્સ વિશે ફરિયાદો કરતાં રહીએ છીએ. તમે ધારો ત્યારે છોડી શકો છો. નોકરી જ નહીં, દીકરાને, બાપને, ઈવન પત્ની કે પતિને પણ. આમ છતાં છોડતા નથી, કારણ કે તમને ખબર છે કે એ તમારા જીવનમાં નહીં હોય તો સરવાળે નુકસાન તમારું છે. એમની સાથે રહેવામાં ફાયદો તમારો છે. નોકરી ચાલુ રાખવામાં કે સંબંધ સાચવી રાખવામાં લાભ તમારો છે. જો એટલું જ અસહ્ય થઈ જતું હોય તો છોડી દો જે ન ગમતું હોય એને. સાથે છો એનો મતલબ કે એમને છોડવાના ગેરફાયદા તમને ખબર છે.
તો પછી ભલા માણસ શું કામ એમના વિશે તમે આખો દિવસ મનમાં કલેશ રાખીને તમારી આગળ, બીજાની આગળ કચકચ કર્યા કરો છો. બેસતા વરસે સંકલ્પ લેવો હોય તો આટલો જ લેવાનો: જેમનાથી લાભ થતો હોય, જેમની સાથે રહેવામાં ફાયદો હોય, જેમની ગેરહાજરીથી નુકસાન થવાનું હોય એમના માટે ફ-રિ-યા-દ ક-ર-વા-ની ન-હીં.
આજનો વિચાર
રૂપિયાની કડકડતી નોટોની નવી નક્કોર ગડ્ડી જેવા આ નવા વર્ષના પ્રથમ દિવસે પહેલી કોરી નોટ વપરાય તે રીતે પ્રથમ દિવસનો આરંભ થઈ રહ્યો છે ત્યારે એ જ શુભેચ્છા કે આપનું નવું વર્ષ અને એ પછીનાં તમામ વર્ષો ઝળહળતા પ્રકાશથી સદા ઉજ્જવલ રહે. આપ સૌને નૂતનવર્ષનાં અભિનંદન.
સાલ મુબારક.
– સૌરભ શાહ
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
નૂતન વર્ષના અભિનંદન ❤️
મુંબઈ માટે એક બંધબેસતી વાત છે. મુંબઈ માં રહેવું એ એક લગ્નબાહ્ય સંબંધ – એકસ્ટ્રા મેરીટલ અફેર જેવું છે. એ ખૂબ ગમે છે, એના વગર રહેવાય નહીં, ખર્ચા કરાવે, રિસાય, ખૂબ મજા કરાવે, પણ એની સાથે હમેશાં રહેવાય નહીં. છોડવા નું મન થાય તો પણ ના રહેવાય. અને જો હિંમત કરી ને થોડા દિવસ બીજે રહીએ તો મુંબઈ ની યાદ આવે અને પાછા આવીજ જવાય 😂😂
સાલ મુબારક
હેપ્પી ન્યુ યર્સ
અભિનંદન..🙏🙏