કેટકેટલાયે ઉપકારો તળે જીવાય છે આ જિંદગી : સૌરભ શાહ

( જિંદગી જીવવાનાં દસ સુવર્ણ સૂત્રો: પાર્ટ સિક્સ )

( Newspremi.com: શુક્રવાર, 10 જુલાઈ 2020)

નવમું સૂત્ર તમારી આગળ રજૂ કરતાં પહેલાં મારા દિલમાં વર્ષોથી ઘૂંટાતી આવતી આ વાત કહી દઉં.

કેટકેટલા ઉપકારો હેઠળ આપણે જીવીએ છીએ, આપણને ખબર પણ નથી હોતી. નાનામોટા ઉપકારો કરનારા જાણીતા અને અજાણ્યા માણસો દરેકના જીવનમાં હોવાના. ક્યારેક તો આપણને હજુ સુધી ખબર ન પડી હોય એવા ઉપકારકો પણ જીવનમાં રહેવાના. કદાચ આજીવન આપણને એમના ઉપકાર વિશે ખબર નથી પડવાની. અને એટલે જ જ્યારે જ્યારે તક મળે જીવનમાં, આ ઋણભાર ઓછો કરવાની તક ક્યારેય જતી કરવી નહીં. આવી તક ઝડપવામાં મોડું થઈ ગયું છે એવું પણ માનવું નહીં. દેર આયે દુરસ્ત આયે…

શિક્ષકો અને અધ્યાપકોથી માંડીને સહાધ્યાયીઓ, મિત્રો, સગાં, સાથે કામ કરનારાઓ અને મારા જેવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે વાચકો. આ બધાના ઋણ હેઠળ હું જીવું છું એવો અહેસાસ મને વર્ષોથી થઈ રહ્યો છે. આ લાગણી વ્યક્ત કરવામાં કોઈ ઉદારતા, નમ્રતા કે મોટાઈ નથી – સચ્ચાઈ છે. હું જેન્યુઈનલી માનું છું કે મારા પર થયેલા અસંખ્ય ઉપકારો વિના આજે હું જે કંઈ છું તે ન હોત.

થોડાં વર્ષ પહેલાં દંતાલી-પેટલાદવાળા સ્વામી સચ્ચિદાનંદે, એમણે લખેલા પુસ્તક ‘મારા ઉપકારકો’ની નકલ મને ભેટ આપી ત્યારે મેં કૌતુકભાવથી એમને આ પુસ્તક લખવાનું કારણ પૂછ્યું હતું. એમણે કહ્યું હતું કે ‘બસ, હવે ક્યારે જવાનું થાય કંઈ કહેવાય નહીં. મારે જતાં જતાં આ સૌનો ઋણસ્વીકાર કરતાં જવું છે.’

સ્વામીજી તો હજુ ઘણું લાંબું જીવવાના છે (અને હું પણ). ભવિષ્યમાં શક્ય છે કે મને પણ એ પ્રકારનું પુસ્તક લખવાનું મન થાય તો હું લખીશ. પુસ્તક લખાય ત્યારની વાત ત્યારે. મારા તમામ ઉપકારકોને યાદ કરીને એમાંથી માત્ર એકની વાત અહીં કરું.

તે દિવસે મેં પહેલીવાર પપ્પાની આંખમાં મારા કામ માટે સંતોષનો ચમકારો જોયો હતો.

પ્રથમ નોકરી લીધી ત્યારે મારા પિતા અશ્વિન શાહ સાથે ઝઘડો કરીને મેં ઘર છોડી દીધું. હૉસ્ટેલમાં રહ્યો અને ‘ગ્રંથ’ છોડીને વરસ પછી ‘જન્મભૂમિ-પ્રવાસી’ દૈનિકમાં તંત્રી હરીન્દ્ર દવે તથા મદદનીશ તંત્રી હસમુખ ગાંધીના હાથ નીચે કામ કરવાનું શરૂ કર્યું. ઘરે પાછો આવી ગયો. એ પછી ‘નિખાલસ’ સાપ્તાહિકનું સંપાદન કર્યું. એ પછી ‘ચિત્રલેખા’માં ફ્રીલાન્સિંગ શરૂ કર્યું અને 24-25 વર્ષની ઉંમરે મારી સૌપ્રથમ નવલકથા ‘વેરવૈભવ’ ‘ચિત્રલેખા’માં ધારાવાહિક શરૂ થઈ. એ ગાળામાં એક દિવસ મોડી સાંજે ઘરે આવીને પપ્પાએ મને કહ્યું કે, એમના એક એન્જિનિયર મિત્રે આજે કોઈની ઓળખાણ કરાવતાં કહ્યું કે : આ ‘વેરવૈભવ’ના લેખક સૌરભ શાહના ફાધર છે.

તે દિવસે મેં પહેલીવાર પપ્પાની આંખમાં મારા કામ માટે સંતોષનો ચમકારો જોયો હતો. પછીનાં વર્ષોમાં હું મારા ક્ષેત્રમાં નવાં નવાં કામ કરતો રહ્યો. ક્યારેક ભૂલો કરતો, ક્યારેક સિદ્ધિઓ મેળવતો. મારી પર્સનલ લાઈફ અને મારી પ્રોફેશનલ લાઈફમાં જ્યારે જ્યારે ડિસ્ટર્બન્સ આવતાં ત્યારે પપ્પા સાથે બેસીને મારી મૂંઝવણો કે વ્યથાઓ ઠાલવીને એમનું ગાઈડન્સ લેવાને બદલે હું મારા કોચલામાં ભરાઈ જતો. એમની સાથે વગર કારણે ઝઘડો કરી નાખતો. એ મને કંઈક કહેવા જાય તો સામે બોલતો. અમારી વચ્ચે કંઈક એવી અદૃશ્ય દીવાલ ઊભી થઈ જતી કે પપ્પા અને હું એકબીજાની સાથે ડાયરેક્ટ કમ્યુનિકેશન કરવાને બદલે મમ્મી થ્રુ જે કહેવાનું હોય તે
એકબીજાને કહેતા.

‘મુંબઈ સમાચાર’માં મારી ‘ગુડ મૉર્નિંગ’ દૈનિક કૉલમની પહેલી સિઝન શરૂ થઈ અને ‘મિડ-ડે’માં હું તંત્રી તરીકે જોડાયો એ વચ્ચેના ગાળામાં મેં ઘર કાયમ માટે છોડી દીધું.

પછીનાં વર્ષોમાં હું થોડાં વર્ષ મુંબઈ છોડીને અમદાવાદ રહ્યો. આ બાજુ પપ્પા-મમ્મી પણ મુંબઈ છોડીને વડોદરા રહેવા આવી ગયા. પપ્પા વડોદરામાં અને હું અમદાવાદમાં. વર્ષો સુધી એમની સાથે રહ્યા પછી અલગ-અલગ ઘરમાં જ નહીં, અલગ-અલગ શહેરમાં. મને વારંવાર એમની સાથેના વ્યવહારની મારી ભૂલો યાદ આવતી. આય વૉન્ટેડ ટુ સે હિમ સૉરી. પણ મારો અહમ્ આડે આવતો. હું એમને મળવા જતો નહીં, મમ્મી સાથે ક્યારેક ફોન પર વાત કરતો. એ બોલાવતી. પણ જતો નહીં.

એક દિવસ મને રિયલાઈઝ થયું કે હું આ શું કરી રહ્યો છું? પપ્પા ઑલરેડી 70 વર્ષના છે. એમણે ક્યારેય મારું કશું બગાડ્યું નથી. ઊલટાનું મારી ભૂલોને સ્વીકારીને હંમેશાં મારા માટે સારી ભાવના રાખી છે. અમદાવાદ ગયા પછી હું પ્રેક્ટિકલી દર મહિને ડાકોર રણછોડજીનાં દર્શને જતો. એક દિવસ ડાકોરથી પાછા આવતાં મેં અમદાવાદને બદલે વડોદરાનો રસ્તો પકડ્યો. ઘરે ગયો, મમ્મીને મળ્યો. બહુ પ્રેમથી મળ્યો. મમ્મી ખુશ થઈ ગઈ. પપ્પાના ચહેરા પર કોઈ ઉમળકો નહોતો. હું સમજી શકતો હતો કે અમારા અબોલા પછી આમ અચાનક મારું ઘરે આવવું એમને નવાઈભર્યું લાગતું હશે. મમ્મીએ મને એના હાથની મને સૌથી વધારે ભાવતી વાનગી બનાવીને જમાડ્યો. રાત્રે વડોદરાથી નીકળતી વખતે હું મમ્મીને પગે લાગ્યો. મમ્મીએ ભેટીને મને ખૂબ આશીર્વાદ આપ્યા. પપ્પાને પગે લાગવા ગયો અને એમણે પોતાના પગ પાછા લઈ લીધા. મેં મમ્મી સામે જોયું. એની આંખમાં આંસુ હતાં. મેં પણ ભરેલી આંખે ઘરેથી વિદાય લીધી.

એ પછી લગભગ છ મહિના સુધી આ ક્રમ નિયમિત ચાલ્યો. ડાકોર જઉં. ત્યાંથી વડોદરા. ઘરે જમું. મમ્મી સાથે ખૂબ વાતો થાય. નીકળતી વખતે મમ્મી આશીર્વાદ આપે, પપ્પા દર વખતે પોતાના પગ પાછા લઈ લે. પણ એક વખતે હું ડિટરમાઈન્ડ હતો. હું પપ્પાનો સારો દીકરો છું એ મારે મારી જાત આગળ પુરવાર કરવું હતું. એમણે મારા પર કરેલા ઉપકારો પછી મેં કરેલા ગેરવર્તનોનો પશ્ચાતાપ કરવો હતો. મારી પાસે આ માટે ઝાઝો સમય નથી તે હું જાણતો હતો. એમની તબિયતમાં કોઈ જ પ્રૉબ્લેમ નહોતો પણ એમની વધતી જતી ઉંમર મારા મનમાં ધ્રાસકો પેદા કરતી હતી.

એ દિવસે ડાકોરથી વડોદરા જઈને મેં ઘરે પ્રસાદનું પડીકું આપ્યું અને પપ્પાને પૂછ્યું, ‘તમારા સબુરદાદા નિયમિત પૂનમ ભરતા ને…’ પપ્પાએ પ્રસાદ મોઢામાં મૂકીને કહ્યું, ‘મને ગમે છે કે તું દર મહિને ડાકોરજીનાં દર્શને જાય છે.’ પછી તો એ વાતોએ વળગ્યા. એ પોતે નાના હતા, સ્કૂલમાં, ત્યારે એમના દાદા એમને દેવગઢ બારિયાથી કેવી રીતે પૂનમ ભરવા ડાકોર લઈ જતા એની વાતો કરી. દર્શન પછી મંદિરના પરિસરમાં પ્રદક્ષિણા બાદ મંદિરની બહારથી એમના દાદા રૂપિયાનું પરચૂરણ લેતા-પાઈ પાઈની ઢગલીઓ મળતી અને એમાંની એક ઢગલી પપ્પાના હાથમાં આપીને બધા યાચકોને અપાવતા.

મારા જીવનનો આ એમની સાથેનો બેસ્ટ ગાળો હતો. પછી મને ખબર પડી કે તે વખતે ઈ-ટીવી ગુજરાતી પર મેં જે ‘સંવાદ’ નામનો ડેઈલી ટૉક શૉ શરૂ કરેલો તે એ રોજ જોતા.

મારી અને પપ્પાની વચ્ચેનો આઈસ-બ્રેક થઈ ગયો. અમે ફરી બોલતા થઈ ગયા. એક દિવસ મેં હિંમત કરીને કહ્યું, ‘મારે તમને ને મમ્મીને ડાકોર લઈ જવા છે. આવશો મારી સાથે?’ આવ્યા. પછી મેં કહ્યું, ‘અમદાવાદ આવો ને રોકાવા.’ કોઈ પ્રસંગ હતો. મારા ઘરે પણ આવ્યા.

મારા જીવનનો આ એમની સાથેનો બેસ્ટ ગાળો હતો. પછી મને ખબર પડી કે તે વખતે ઈ-ટીવી ગુજરાતી પર મેં જે ‘સંવાદ’ નામનો ડેઈલી ટૉક શૉ શરૂ કરેલો તે એ રોજ જોતા. રિપીટ ટેલીકાસ્ટ પણ જોતા. મમ્મીએ મને કહેલું. મને ખબર નહોતી. અબોલા તૂટ્યા પછી પપ્પા જૂના જૂના એપિસોડ્સ યાદ કરીને એના પર ચર્ચા કરતા. અમારી વચ્ચે વાતો માટે વિષયોની તો ક્યારેય કમી હોય જ નહીં. ઘણી વખત હું ડાકોરની ટ્રિપની રાહ જોયા વગર અમદાવાદથી બપોરે નીકળીને વડોદરા આવી જતો. માત્ર એમની સાથે રહેવા માટે.

એક દિવસ મને ખબર પડી કે એમને હાર્ટની તકલીફ ઊભી થઈ છે. સ્ટેન્ટ મૂકાવાની જરૂર ઊભી થઈ. મેં એમને અમદાવાદ બોલાવી લીધા. વર્ષો પછી મને અઠવાડિયાઓ સુધી એમની ને મમ્મીની સાથે રહેવાનું મળ્યું. અમદાવાદમાં મારા ડૉક્ટર મિત્રોએ એમની ખૂબ સારવાર કરી. દિવસ દરમિયાન હું ઑફિસે હોઉં ત્યારે એમને મેઘાની કંપની મળતી. બેઉને ફિઝિક્સના વિષયમાં ખૂબ રસ પડે અને ઊંડી જાણકારી પણ ખરી. હું વિજ્ઞાનના વિષયમાં ઔરંગઝેબ. પપ્પા અમદાવાદ રહ્યા એ ગાળામાં હું મારાં પાપ ધોયા કરતો હોય એવું મને લાગતું. એમણે મારા પર કરેલા ઉપકારોનો બદલો વાળી શકું એવું તો હતું જ નહીં પણ પપ્પાને મારે કારણે ખુશ અને સ્વસ્થ જોઈને મને લાગતું કે ભગવાને પપ્પાને માંદગી આપી તેની પાછળ આ જ કારણ હોવું જોઈએ – મને એમની સાથે રહીને એમની સેવાનો મોકો મળે.

સ્ટેન્ટ મૂકાવ્યા પછી એ પાછા વડોદરા ગયા. અમારી નિયમિત મુલાકાતો ચાલુ રહી. દોઢ-બે વર્ષમાં જ ખબર પડી કે એમને મોટા આંતરડાનું કેન્સર છે અને ગાંઠ કઢાવવા ઑપરેશનની જરૂર છે.

બે-અઢી કલાક ડૉ. મનુભાઈએ પપ્પા સાથે વાતો કરી. પછી રિપોર્ટ્સ જોયા.

સારવાર માટે પપ્પા અમદાવાદ આવી ગયા. અમદાવાદના બેસ્ટ ઓન્કોલોજિસ્ટને મળ્યા. ઑપરેશનની વિગતો નક્કી થઈ. એ સાંજે મેં હિંમત કરીને પપ્પાને કહ્યું કે, ‘મને લાગે છે કે ઑપરેશન કરાવતાં પહેલાં આપણે સેકન્ડ ઓપિનિયન લેવો જોઈએ.’

પપ્પા કહે, ‘વડોદરામાં ડૉક્ટરને બતાવ્યું, અહીં ફરી રિપોર્ટસ કરાવ્યા, બીજા મોટા ડૉક્ટરે પણ કન્ફર્મ કર્યું. કેટલી જગ્યાએ ફરવાનું.’

મેં આગ્રહ કર્યો કે એક જ દિવસનો સવાલ છે. કાલે સવારે મુંબઈ જઈએ, રાત્રે પાછા આવી જઈશું. પછી તમે ને ડૉક્ટરો જે કહેશો તે પ્રમાણે જ થશે.

પપ્પાએ રિલક્ટન્ટલી સંમતિ આપી. મુંબઈમાં હું મારા વડીલમિત્ર અને કેન્સર સંશોધનના અભ્યાસ માટે આંતરરાષ્ટ્રીય રેક્ગ્નિશન પામી ચૂકેલા ડૉ. મનુ કોઠારી પાસે પપ્પાને લઈ આવ્યો. બે-અઢી કલાક ડૉ. મનુભાઈએ પપ્પા સાથે વાતો કરી. પછી રિપોર્ટ્સ જોયા. કેન્સરની ગાંઠ તો હતી જ. ડૉ. મનુભાઈ કહે કે ઑપરેશન કરાવશો તો કેન્સર નાબૂદ નહીં થાય, થોડા વખત પછી બીજે સ્પ્રેડ થશે.

એમણે સલાહ આપી કે અત્યારે આ ગાંઠને કારણે તમારી નૉર્મલ શૌચક્રિયાને કોઈ તકલીફ નથી કે તમને દુખાવો પણ નથી થતો તો ઑપરેશન ન કરાવો તો સારું અને બાકી જે ખાતાપીતા હો તો મોજથી ખાઓ. બીજી કોઈ તકલીફ નથી તમને.

ડૉ. મનુભાઈ કોઠારીની સલાહ પપ્પાને ગળે ઊતરી. અમદાવાદ પાછા જતાં એમણે મને કહ્યું કે સારું થયું તું મને ડૉ. મનુભાઈ પાસે લઈ આવ્યો. ઑપરેશન કૅન્સલ.

એ ગાળામાં પપ્પાના એક અંગત મિત્રનો મને ઇમેઇલ આવ્યો હતો. એમાં લખ્યું હતું: અશ્વિન કહેતો હતો કે સૌરભ મારો શ્રવણ છે.

પછી ડૉ. મનુભાઈના કહેવા મુજબ જ થયું. બે-એક વર્ષ પછી ગાંઠને કારણે તકલીફો વધવા લાગી. ઑપરેશન અનિવાર્ય બની ગયું. છેવટે ઑપરેશન કરાવ્યું અને ડૉ. મનુભાઈએ જે કહ્યું હતું તે જ થયું – ઑપરેશન પછી એમની આવરદા દોઢ-બે વર્ષમાં પૂરી થઈ. મમ્મી એમના જવાના થોડા મહિના પહેલાં ગુજરી ચૂકી હતી.

ડૉ. મનુભાઈની મુલાકાત અને ઑપરેશન વચ્ચેના બે-એક વર્ષના ગાળામાં પપ્પાને મેં ખૂબ ખુશ જોયા. બહુ સરસ જીવ્યા. ડૉ. મનુભાઈને લીધે એમનું આયુષ્ય બે વર્ષ સુધી લંબાયું એટલું જ નહીં પણ એ બે વર્ષની ક્વૉલિટી લાઈફ એમને મળી. પપ્પાના અવસાન પછી મને સંતોષ એ વાતનો રહ્યો કે કુદરતે અને ડૉ. મનુભાઈએ પપ્પાને જે આ બે વર્ષની ભેટ આપી તેમાં હું નિમિત્ત બની શક્યો. એક વખત પપ્પાના એક અંગત મિત્રનો મને ઇમેઇલ આવ્યો હતો. એમાં લખ્યું હતું: અશ્વિન કહેતો હતો કે સૌરભ મારો શ્રવણ છે.

પિતા તમારી જિંદગીના સૌથી મોટા ઉપકારક હોય છે,  માતા કરતાં પણ મોટા. માબાપ ઉપરાંત જિંદગીમાં અગણિત ઉપકાર કરનારાઓ હોય છે. હું નથી કહેતો કે પપ્પાના ઉપકારોનો હું બદલો વાળી શક્યો છું. એમના ઋણમાંથી તો હું ક્યારેય મુક્ત થઈ શકવાનો નથી. પપ્પાની જેમ મારી જિંદગીમાં એવી અસંખ્ય વ્યક્તિઓ છે અને હોવાની જેમના ઉપકારનો બદલો હું ક્યારેય ચૂકવી શકવાનો નથી. માટે જ જિંદગી જીવવાનાં મારાં દસ સુવર્ણ સૂત્રોમાંનું નવમું સૂત્ર છે :

દુનિયામાં કંઈકનો હું કરજદાર છું ‘મરીઝ’
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે

જિંદગીમાં જ્યારે જ્યારે કંઈક સારું બનતું રહ્યું છે ત્યારે મને ‘મરીઝ’ની આ પંક્તિઓ યાદ આવી છે. માણસ ગમે એટલા મોટા અહમમાં રહે, એ એકલો કશું જ કરી શકતો નથી. એની નનામી ઊંચકવા માટે જેમ બીજાઓના ખભાની જરૂર પડે છે એમ એની હસ્તી દરમિયાન પણ એને બીજાઓના સહારાની જરૂર પડવાની જ છે.

પરમ દિવસે, રવિવારે આ સિરીઝ પૂરી થશે. એ પછી બે લેખો  તમારી સાથે શેર કરવાનો વિચાર છે. એક તો મુંબઈની જે ગુજરાતી માધ્યમની શાળામાં સળંગ દસ વર્ષ અભ્યાસ કર્યો તે સ્કૂલ તરફથી શાળાના 75 વર્ષના ઇતિહાસ વિશેના પુસ્તકમાં મને મારાં સંસ્મરણો લખવાનું કહેવામાં આવ્યું તે એક લાંબો લેખ છે.

ઉપરાંત ગુજરાતી પ્રકાશન વ્યવસાયની એક અગ્રણી પ્રકાશન સંસ્થા ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય તરફથી વિવિધ સાહિત્યકારો પાસે પોતાના વતન વિશે લખાવીને એક પુસ્તક બહાર પાડવામાં આવ્યું હતું જે અત્યારે આઉટ ઑફ પ્રિન્ટ છે તે ‘વહાલું વતન’ માટે લખેલો એક લેખ અને એનાં ઉમેરણો છે.

તમે કહેશો તો આ  બેઉ લેખો  ‘ન્યુઝપ્રેમી’ પર વારાફરતી ચડાવવાની કોશિશ કરીશ.

આજનો વિચાર

જનાજો જશે તો જશે કાંધે કાંધે
જીવન પણ ગયું છે સહારે સહારે
– ‘મરીઝ’

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

19 COMMENTS

  1. It is said that where is God? He is never came on earth & not going to come.He is there in our father & mother.Always try to help them during they are alive.You have done role of “Shravan” & taken care of Father & mother.God bless you to write such true incidences & many more heart touching real stories.

  2. તમારી લખેલ વાત શત પ્રતિશત સાચી છે, કોઈ ના અને કઇક ના ઉપકાર થકી જ જીવન ની યાત્રા સફળ થાય છે અને આપણો અહમ આપણને એ ખબર હોવા છતાં સામે જઇ ને નત મસ્તક કરતા રોકે છે, જેનો પસ્તાવો માણસ ના ગયા પછી ખોટ વર્તાય છે… ખુબજ સરસ, પ્રણામ

  3. સૌરભભાઇ ♥ Heart touching article ? પિતા ની છેલ્લી અવસ્થા માં દીકરો સમય સાથે પ્રેમ આપવા મા સફળ થાય તો જીવન ભર અફસોસ નથી રહેતો. મારો જાત અનુભવ છે માટે આંખો ભીની થઈ ગઈ.. ?

  4. સૌરભભાઈ,
    તમારા લખાણથી એક નવો દૃષ્ટિકોણ પૈદા થાય છે જે લોકવ્યવહારમાં મને ખૂબ ઉપયોગી થાય છે. જે છું એનાથી હજી બેહતર બનાવે છે.
    હા, તમને હજી વધુને વધુ વાંચવા છે.

  5. તમારી કલમમાંથી ટપકે છે તેજાબ, ખુમારી, ખુદદારી,
    સત્યનો ઉઘાડ અને ક્યારેક નિખાલસ, પ્રેમાળ, ઋજુ હૃદયના એકરારો !

    વતન અને સ્કૂલના સ્મરણો વાંચવા જ હોય દરેકને
    એમા પૂછવાનું ન હોય ?

  6. ખૂબજ ભાવવાહી, આંખો માં અશ્રુ લાવી દેનારો લેખ. જો શક્ય હોય તો આ લેખ ન્યૂઝ પ્રેમી માં English માં મૂકશો તો મારા દિકરાને એ વંચાવી શકીશ . એક નેકદિલ ઉમદા વ્યક્તિ જ આટલી નિખાલસતાથી પોતાના જીવન ની વ્યક્તિગત વાતો ને આ સરળતાથી અને સચ્ચાઈ થી વાચકો સાથે share કરી શકે, Respect to you ???

  7. Really it is wonderful & every son should realise this matter. We are proud of you & it teaches us to honour our parent. Salute once again.

  8. ખરેખર ધન્ય છો તમે , સર. દીકરા તરીકે થયેલી ક્ષતિઓ ને તમે દૂર કરીને જ રહ્યા. બાપ – દીકરા વચ્ચે લાંબા સમયથી અંટસ હોય અને એવી પરિસ્થિતિમાં શ્રવણ બનીને ઊભરવું…. ધન્ય છે આપના માતા-પિતાને.
    સર , લેખ રાજકીય હોય કે સામાજિક કે પછી કોઈ ભાવવાહી ઘટના હોય આપની કલમ દરેક વિષયમાં ખીલી ઊઠે છે.

  9. પોતાની વાત કહી બીજાના દિલની લાગણીઓ ને ઝણઝણાવવાની તમારામાં સુંદર આવડત છે.

  10. જો બની શકે તો આપની મહારાજ ની સિરીઝ ની લિંક મોકલવા મહેરબાની કરશો જી

    • Not possible. You will have to buy the book. લેખકનું રસોડું ચલાવવામાં પુસ્તકના વેચાણમાંથી આવતી રૉયલ્ટી પણ કામ લાગતી હોય છે. વાચકો બધું જ મફતમાં મેળવી લેવાની લાલચ રાખશે તો લેખક જીવશે કેવી રીતે.

  11. ડોક્ટર મનુભાઈ કોઠારી કેન્સર ખુબ ખુબ જાણકારી ધરાવતા હતા આપના ડૉક્ટર કોઠારી સાથેના આત્મીય સંબંધોના કારણે એમના વિશે ઘણી માહિતી ઉપલબ્ધ હશે ડૉક્ટર કોઠારી સાહેબ વિશે ગુજરાતી ભાષામાં ખાસ કોઈ માહિતી ઉપલબ્ધ નથી એમનું પ્રદાન ન વિસરી શકાય તેવું છે મારી આપને વિનંતી છે કે એમના વિશે ૩ થી ૪ લેખોમાં વિગતો મૂકો.

  12. You dear are so much lucky that you got the best opportunity tlo play real life of Shravan.God bless you all and always

  13. Really, it is laudable that you have frankly, put your personal life in public domain. If it is comfortable to you then narrate the case (you have mentioned about 2 days back) in which you had to stay 9 days in custody and 63 days in sabarmati jail without your fault.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here