મોહમ્મદઅલી ઝીણાએ જોધપુર અને જેસલમેરના મહારાજાઓને પાકિસ્તાનમાં જોડાવાનું આમંત્રણ આપ્યું અને વાટાઘાટ માટે તેમને કરાંચી બોલાવ્યા, બેઉ ગયા પણ ખરા: સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ : ‘ન્યુઝપ્રેમી ડૉટ કૉમ’. સોમવાર, ૩ નવેમ્બર ૨૦૨૫)

વડોદરા સ્ટેટ ઉપરાંત ત્રાવણકોર સહિતનાં કેટલાંક મોટાં રાજ્યો પણ વિલીનીકરણ વખતે સરદાર વલ્લભભાઇ પટેલને નડ્યાં હતાં. એક બાજુ બીજા વિશ્વયુદ્ધની શરૂઆત પછી બ્રિટિશ સરકારે દેશી રાજ્યોને તથા મુસ્લિમ લીગને ( કૉન્ગ્રેસ વિરુદ્ધ ઉશ્કેરીને ) પોતાની તરફેણમાં લાવવાના પ્રયાસો કર્યા હતા, 1942માં તો સર સ્ટેફર્ડ ક્રિપ્સ એવી યોજના લઈને ભારત આવતા આવ્યા હતા કે દેશી રાજ્યોને ભવિષ્યના સ્વતંત્ર ભારતમાં ન જોડાવું હોય તો તેઓ અલગ રહી શકશે.

જોકે, બીજી તરફ 1930થી શરૂ થયેલી રાષ્ટ્રીય ચળવળોમાં દેશી રાજ્યોની પ્રજા ઉત્સાહભેર ભાગ લેતી થઈ ગઈ હતી. જે રાજ્યોના રાજાઓ બ્રિટિશ સરકાર તરફ ઝૂકીને સ્વતંત્ર ભારતમાં જોડાવાની આનાકાની કરશે એવું લાગતું હતું તે રાજ્યોમાં પ્રજા પોતાના રાજાઓ સામે માથું ઉંચકતી થઈ ગઈ હતી. અલવર, ઉદયપુર અને જયપુર રાજ્યોમાં પ્રજાએ સંગઠિત થઈને ( રાજાઓ વિરુદ્ધ ) લડત આરંભી. દક્ષિણ ભારતમાં ત્રાવણકોર, હૈદરાબાદ અને મૈસુર જેવાં મોટાં રાજ્યોમાં પણ પ્રજામંડળોની સ્થાપના થઈ અને રાજાશાહીને બદલે જવાબદાર રાજ્યતંત્ર માટેની લડત શરૂ થઈ. 1938માં સુરત નજીક બારડોલીથી 13 કિલોમીટર દૂર આવેલા હરિપુરામાં કૉન્ગ્રેસનું 51મું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું જેના પ્રમુખપદે સુભાષચંદ્ર બોઝ હતા. આ અધિવેશનમાં 1935ના ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા ઍક્ટને ફગાવીને ‘સંપૂર્ણ સ્વરાજ’ની માગણી બુલંદ કરવામાં આવી. આ ઉપરાંત દેશી રાજ્યોમાં રહેતી પ્રજાઓના આંદોલનોને પણ નૈતિક ટેકો જાહેર કરવામાં આવ્યો. આમ દેશી રાજ્યોની પ્રજાની સ્થાનિક લડત પણ દેશની સ્વતંત્રતાની ચળવળનો એક હિસ્સો બની.

બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યા પછી ગ્રેટ બ્રિટનમાં યોજાયેલી ચૂંટણીમાં વિન્સ્ટન ચર્ચિલ અને એમની કન્ઝર્વેટિવ પાર્ટી ( રૂઢિચુસ્ત પક્ષ)ની કારમી હાર થઈ. ચર્ચિલ વૉર-ટાઈમ વડા પ્રધાન તરીકે બરાબર છે, યુદ્ધ સમયના સેનાપતિ તરીકે દેશનું ભલું કરી શકે છે પણ શાંતિના સમયે એમનું નેતૃત્વ નકામું છે એવું બ્રિટિશ મતદારોએ સાબિત કર્યું અને ડાબેરી ગણાતી લેબર પાર્ટીના ( મજૂર પક્ષના ) ક્લેમન્ટ ઍટલીના વડા પ્રધાનપદે નવી સરકાર રચાઇ. ઍટલીએ લૉર્ડ પેથિક લૉરેન્સ, સર સ્ટેફર્ડ ક્રિપ્સ અને એ.વી. એલેક્ઝાન્ડરનું બનેલું કેબિનેટ મિશન 1946માં ભારત મોકલ્યું.

કેબિનેટ મિશનની યોજનામાં જણાવવામાં આવ્યું કે ભારતને સ્વતંત્રતા મળશે ત્યારથી દેશી રાજ્યો પરની બ્રિટિશ સત્તા હટી જશે પણ આ સત્તા નવી સરકારને સોંપવામાં નહીં આવે. નવી સરકાર અને દેશી રાજ્યોએ મંત્રણા કરીને નક્કી કરવાનું રહેશે કે ભવિષ્યમાં પરસ્પર કેવા સંબંધો રહેશે. કેબિનેટ મિશનની યોજના મુજબ બ્રિટિશ પ્રાંતો માટે સ્વતંત્ર ભારતમાં જોડાવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું પણ દેશી રાજ્યો માટે મરજિયાત હતું.

કેબિનેટ મિશનની આ જાહેરાતને પગલે કેટલાક દેશી રાજ્યોએ સંપૂર્ણ સ્વતંત્ર થવાના પ્રયાસો કર્યા. સર સી.પી રામસ્વામી આયરે ત્રાવણકોર સ્ટેટને સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય જાહેર કર્યું. હૈદરાબાદના નિઝામે, ભોપાળના નવાબે તેમજ ઈન્દોરના હોલ્કરે પણ એવી જ જાહેરાત કરી.

1947ના જુલાઈમાં સરદાર પટેલે દેશી રાજ્યોના શાસકોને સંબોધીને એક નિવેદન બહાર પાડ્યું જેને ભારત તથા વિદેશમાં વર્તમાનપત્રોએ આવકાર આપ્યો. શાણપણ અને શુભેચ્છાભરી મુત્સદ્દીગીરીના નમૂના તરીકે આ નિવેદનને તમામ રાજનીતિજ્ઞોએ વધાવી લીધું. સરદારનું કહેવું હતું કે, ‘…આ દેશની પ્રાચીન સંસ્થાઓ, તેમાં વસતા લોકોનો ગૌરવવંતો વારસો છે…બધા લોકો ભારતીય સંસ્કૃતિની ઉત્કૃષ્ટ ભાવનાના એક સમાન હિસ્સેદાર છીએ. આપણે સૌ એક લોહી તથા ઉન્નત લાગણીઓથી એકબીજા સાથે ગૂંથાયેલા છીએ. તેમાં જ સૌનું હિત છે. કોઈ આપણને નાનાં નાનાં વર્તુળમાં અલગ કરી શકશે નહીં. આપણી વચ્ચે આડો બંધ બાંધીને આપણને કોઈ જુદા પાડી શકશે નહીં…આપણા સર્વના સામાન્ય હિતની દ્રષ્ટિએ, આપણી માતૃભૂમિ પ્રત્યેની સમાન વફાદારીથી પ્રેરાઈને…હું મારા મિત્રો સમાન રાજાઓ અને રાજ્યોની પ્રજાના નેતાઓને આમંત્રણ પાઠવું છું…રાજાઓ પ્રત્યે કૉન્ગ્રેસને કોઈ પ્રકારનો પૂર્વગ્રહ કે દુશ્મનાવટ નથી…તેમના રક્ષણ હેઠળની પ્રજાની સર્વ પ્રકારની સમૃદ્ધિ, સંતોષ અને સુખ ( કૉન્ગ્રેસ ) ઈચ્છે છે…આવા સમયે આપણે એક થઈને પુરુષાર્થ કરીશું તો દેશનું ગૌરવ વધારી શકીશું, અને જો એક નહીં થઈએ તો આપણે આપણા ઉપર નવી ખતરનાક આફતો નોતરીશું…’

સરદારના આ શબ્દો ખૂબ અસરકારક હતા : ‘આશા રાખું છું કે દેશી રાજ્યો ધ્યાનમાં રાખશે કે આપણા પરસ્પરના કલ્યાણના કાર્યમાં સહકારની ભાવનાથી આપણે નહીં વર્તીએ તો આપણી સમક્ષ અરાજકતા અને અંધાધૂંધી સર્જાશે, જેને પરિણામે આપણામાંના મોટા અને નાના બધાની ખાનાખરાબી થશે.’

આ નિવેદનની રાજાઓ પર સારી છાપ પડી. ઘણાના મનનો ભય દૂર થયો. સરદાર પટેલની સલાહ મુજબ માતૃભૂમિ પ્રત્યેની ફરજ બજાવવા ઘણા રાજાઓ તત્પર થયા. નિવેદન કર્યા બાદ તરત, તેની અસર તાજી હતી તે ગાળામાં જ, સરદાર પટેલે કેટલાક રાજાઓને તથા રાજ્યોના દીવાનોને દિલ્લીના પોતાના નિવાસ્થાને આમંત્રણ પાઠવ્યું. 10 જુલાઈ 1947ના રોજ આ મીટીંગ યોજાઇ.

આ બાજુ મોહમ્મદ અલી ઝીણાએ એક વધુ ઉંબાડિયું કર્યું. ઝીણાએ જાહેરાત કરી કે જે દેશી રાજ્યો પાકિસ્તાનમાં આવશે તેમને સંપૂર્ણ સ્વતંત્રતા આપવાની હું ખાતરી આપું છું. આ ઉપરાંત બ્રિટિશ સરકાર પણ હવનમાં હાડકાં નાખી રહી હતી. બ્રિટિશરોએ ભોપાળના નવાબને દેશી રાજ્યોનું ‘ત્રીજું બળ’ ( થર્ડ ફોર્સ ) ઊભું કરવા પ્રોત્સાહિત કર્યા અને ભારત સાથે જોડાણ ન કરવા કેટલાક રાજાઓને ઉશ્કેરવામાં આવ્યા.

મોહમ્મદ અલી ઝીણાએ પાકિસ્તાનને અડીને ભારતની સરહદમાં આવેલાં રાજ્યોને પાકિસ્તાનમાં સમાવી દેવાની ભરપૂર કોશિશ કરી. પાકિસ્તાનના સિંધ વિસ્તારને અડીને આવેલા ભારતના રાજપૂતાનામાં જોધપુર અને જેસલમેરના બે મોટાં રાજ્યો આવેલાં હતાં. તે બંને રાજ્યોનો વિસ્તાર સિંધ કરતા પણ વધારે હતો. ઝીણાએ બંને હિન્દુ રાજાઓને કરાંચી બોલાવ્યા. જોધપુરના મહારાજા હનવંતસિંહ તથા જેસલમેરના મહારાજકુમાર ઝીણાને મળવા કરાંચી ગયા પણ ખરા. ઝીણાએ બંનેને સમજાવ્યા અને સાચીખોટી દલીલો કરીને લાલચો આપી. ઝીણાએ એક કોરા કાગળ પર પોતાની સહી કરી અને તેમાં જે શરતો લખવી હોય તે બધી શરતો પોતાને કબૂલ રહેશે એવી તત્પરતા બતાવી. જોધપુરના મહારાજા લલચાઇ તો ગયા પણ પાકિસ્તાન સાથે જોડાવાની એમની હિંમત નહોતી ચાલતી. જેસલમેરના મહારાજકુમાર પણ અવઢવમાં મૂકાયા. છેવટે નિર્ણય લીધા વિના જ બંને ભારત પાછા ફર્યા. જોધપુરમાં મહારાજા વિરુદ્ધ વાતાવરણ સર્જાયું. ત્રણ દિવસ બાદ જોધપુર મહારાજાને વાઈસરૉય લૉર્ડ માઉન્ટબેટને દિલ્લી બોલાવ્યા.

વી.પી. મેનન પણ આ મીટિંગમાં હાજર હતા. માઉન્ટબેટનનો મત હતો કે કાયદા મુજબ જોધપુરને છૂટ હતી કે પાકિસ્તાનમાં જોડાવું હોય તો તે ભલે જોડાય પણ તેનાં ગંભીર પરિણામો આવી શકે છે તેનો વિચાર કર્યા વિના નિર્ણય ન લેવો જોઈએ કારણ કે જોધપુરની મોટાભાગની પ્રજા હિંદુ હતી તેમજ જોધપુરનાં તમામ પડોશી રાજ્યો પણ હિન્દુ હતાં, માટે કોમી તોફાનો થવાની પૂરી શક્યતા હતી.

જોધપુર મહારાજાએ તરત જ ભારતમાં જોડાવા માટે કેટલીક અશક્ય જણાય એવી છૂટછાટોની માગણી કરીને કહ્યું કે ઝીણા આ બધી જ માગણીઓ સ્વીકારવા તૈયાર છે. વી.પી. મેનને મહારાજા સાથે લાંબી ચર્ચા કરીને એમની કેટલીક માગણીઓ કબુલ રાખીને જોડાણખત પર સહી કરાવી લીધી.

આ મીટિંગ પૂરી થતાં જેવા લૉર્ડ માઉન્ટબેટન ખંડની બહાર ગયા કે તરત જ મહારાજાએ પોતાની રિવોલ્વર બહાર કાઢીને વી.પી. મેનન સામે તાકીને કહ્યું, ‘તમારી આજ્ઞા માનવાનો હું ઇનકાર કરું છું.’

મેનને જરાય વિચલિત થયા વિના જોધપુરના મહારાજાને સંભળાવી દીધું કે મને મારી નાખીને કે મારી નાખવાની ધમકી આપીને જોડાણ રદ કરાવી શકાશે એવું તમે માનતા હો તો એ તમારી ગંભીર ભૂલ છે અને નાદાન છોકરડાની જેમ આવી રીતે નાટકવેડા કરવાનું રહેવા દો.

મેનને આ કટોકટીની પળ ભારે સૂઝપૂર્વક સાચવી લીધી. મહારાજાના દિમાગ પરથી ઝનૂની આવેશ દૂર થયો ત્યારે એમને પોતાની ભૂલ સમજાઈ અને તેઓ મેનન પ્રત્યે સદ્‌ભાવ રાખતા થઈ ગયા.

*

દરમિયાન, ગાંધીજીની હત્યાના વીસેક દિવસ પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલે જવાહરલાલ નેહરુ સાથેના પોતાના મતભેદો વિશેની એક નોંધ ગાંધીજીને મોકલી હતી અને એ નોંધની નકલ ખુદ પંડિતજીને એક કવરિંગ લેટર સાથે મોકલી હતી. આ પત્રની કન્ટેન્ટ વિશે આપણે વાત કરવાની હતી. આજે કરીએ.

૧૨ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ સરદારે ગાંધીજીને જે નોંધ મોકલી તે નેહરુએ ૧ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ ગાંધીજીને લખેલા પત્રના અનુસંધાને હતી. નેહરુએ ગાંધીજીને લખ્યું હતું: ‘એ વાત સાચી છે કે સરદારની અને મારી વચ્ચે માત્ર સ્વભાવગત તફાવતો જ નથી પણ આર્થિક અને કોમી બાબતો પ્રત્યેના અભિગમમાં પણ તફાવત છે. અમે કૉંગ્રેસમાં સાથે કામ કરતા ત્યારથી કેટલાં બધાં વર્ષ થયાં આ તફાવતો ચાલુ જ રહ્યા છે. પણ આ તફાવતો હોવા છતાં, પરસ્પર માન અને પ્રેમ ઉપરાંત દેખીતી રીતે જ ઘણું બધું અને બંને વચ્ચે સમાન હતું અને વિશાળ દૃષ્ટિએ કહીએ તો સ્વતંત્રતાનો એક જ રાજકીય હેતુ હતો. આને લીધે આ બધાં વર્ષ દરમિયાન અમે સાથે કામ કર્યું અને એકબીજાને અનુકૂળ થવા અમારાથી બનતું બધું જ કર્યું. … (પણ આઝાદી મળી ગયા પછી હવે) અમારો રાજકીય હેતુ વત્તેઓછે અંશે સિદ્ધ થયો હોવાથી અમે જે પ્રશ્ર્નોમાં અમુક અંશે મતભેદ ધરાવતા હતા તે હવે વધુ ને વધુ આગળ આવ્યા છે.’

ઈન અ વે નેહરુએ આ પત્ર દ્વારા ગાંધીજીને ગર્ભિત ધમકી અને પ્રગટ ચેતવણી આપી કે જો તમે સરદારને ‘કાબૂમાં’ નહીં રાખો તો હું વડા પ્રધાનપદેથી રાજીનામું આપવાનું ગતકડું કરીને દેશની નવીસવી સમુદ્રમાં તરવા મુકાયેલી નૌકાને ડામાડોળ કરી નાખીશ

આ પત્રમાં આપણે જોઈ શકીએ છીએ નેહરુ અને સરદાર વચ્ચે કેટલા મોટા મતભેદો હોઈ શકે છે અને આમ છતાં બંનેએ એક જ હેતુને નજર સામે રાખીને, દેશને આઝાદી મળી જાય એ લક્ષ્યને સિદ્ધ કરવા માટે પરસ્પર સમાધાનો કરીને ગાડું ગબડાવ્યું. નેહરુને વડા પ્રધાન બનાવવામાં આવ્યા હતા. સરદારની ઉપરવટ થઈને ગાંધીજીએ નેહરુને આ સર્વોચ્ચ આસને બેસાડ્યા હતા. સ્વાભાવિક રીતે જ વડા પ્રધાન પદ મળ્યા પછી નેહરુમાં સુષુપ્ત અવસ્થામાં પડી રહેલો અહંકાર બહાર આવીને ડોકિયાં કરવાનો જ હતો કે હવે તો હું જે કહું તે જ થાય, સરદાર જે કહે તે નહીં. આને કારણે મતભેદો ઉઘાડા પડતા ગયા. નેહરુએ તો ગાંધીજીને આ પત્રમાં સ્પષ્ટ લખ્યું: ‘… વડા પ્રધાન ઈચ્છે ત્યારે અને તે રીતે પગલું લેવાની તેમને પૂરી સ્વતંત્રતા હોવી જોઈએ… જો વડા પ્રધાન આ રીતે કામગીરી ન બજાવે તે માત્ર શોભાના પૂતળા તરીકે ભાગ્યે જ ચાલુ રહી શકે…’

ઈન અ વે નેહરુએ આ પત્ર દ્વારા ગાંધીજીને ગર્ભિત ધમકી અને પ્રગટ ચેતવણી આપી કે જો તમે સરદારને ‘કાબૂમાં’ નહીં રાખો તો હું વડા પ્રધાનપદેથી રાજીનામું આપવાનું ગતકડું કરીને દેશની નવીસવી સમુદ્રમાં તરવા મુકાયેલી નૌકાને ડામાડોળ કરી નાખીશ.

સરદારે ૫૬૨ રજવાડાંને ભારતમાં સમાવી દેવાનું ભગીરથ કાર્ય કેવી કુશળતાથી કરેલું તેના ઈતિહાસથી આપણે સૌ વાકેફ છીએ. સરદારની એ કામગીરી એમની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમા જેટલી જ ગંજાવર હતી. આ કાર્ય જો ન થયું હોત તો દેશ, અંગ્રેજોએ ઈચ્છા રાખી હતી એ રીતે, અનેક ટુકડાઓમાં વહેંચાઈ ગયો હોત. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદારની પ્રતિમાના અનાવરણ વખતે પ્રવચન કરતાં જે કહ્યું તેવું જ થયું હોત. જૂનાગઢને અને હૈદરાબાદને ભારતમાં ભેળવી દેવાનું કાર્ય સરદારે ન કર્યું હોત તો આજે આપણે ગીરના સિંહ જોવા કે હૈદરાબાદનો ચારમિનાર જોવા વિઝા લેવો પડતો હોત.

નેહરુએ સરદારને સતત અન્ડરમાઈન કર્યા, અન્ડરવેલ્યુ કર્યા. નેહરુ પાસે પોતાની પર્સનાલિટીનો કરિશ્મા હતો પણ સરદાર પાસે આવડત, નિષ્ઠા અને ચાણક્યબુદ્ધિનો સંગમ હતો. દેશ કંઈ તમારી પર્સનાલિટી કેટલી સ્માર્ટ છે એને કારણે કંઈ નથી ચાલતો. દેશ ચલાવવા માટે સમજદારી, ધીરજ તથા દૂરંદેશી જોઈએ જેનો નેહરુમાં અભાવ હતો. રજવાડાંઓને એકત્રિત કરવાનું સરદારનું કાર્ય આજે સૌ કોઈ બિરદાવે છે પણ તે વખતે નેહરુ સરદારના આ વિરાટ કાર્યમાં ટૅક્નિકલ વાંધાવચકા કાઢ્યા કરતા હતા. ગાંધીજી પરના એ પત્રમાં નેહરુ આગળ શું લખે છે તે વાંચીએ:

‘દેશી રાજ્યોનું મંત્રાલય એક નવું મંત્રાલય છે. એને માથે અગત્યના પ્રશ્ર્નો હાથ ધરવાની જવાબદારી છે. હું એમ કહું કે અત્યાર સુધી એણે (આ મંત્રાલયે) આ પ્રશ્ર્નો અસાધારણ સફળતાથી હાથ ધર્યા છે અને સતત ઊભી થતી અનેક મુશ્કેલીઓ પાર કરી છે. તેમ છતાં, મને લાગે છે કે સિદ્ધાંતનો પ્રશ્ર્ન જેમાં સમાયો હોય એવા અનેક નિર્ણયો પ્રધાનમંડળને પૂછ્યા વિના લેવામાં આવ્યા છે. મારા પૂરતું તો કહું કે હું આ નિર્ણયો સાથે સંમત છું, પણ પ્રધાનમંડળ કે વડા પ્રધાનને પૂછ્યા વિના આ નિર્ણય લેવાયો તે કાર્યપ્રણાલી મને ખોટી લાગે છે. નવું મંત્રાલય હોવાથી તે સ્વાભાવિક રીતે પ્રચલિત પ્રણાલીની બહાર રહીને કામગીરી બજાવે છે. અમુક હદે આ અનિવાર્ય છે અને ઝડપી નિર્ણયો લેવા પડે છે. પણ આ કામગીરીને આપણી પ્રચલિત પ્રણાલીના નિયમોની અંદર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.’

આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે નેહરુની આ ગોળ ગોળ ભાષાની ફરિયાદમાં એમની લઘુતાગ્રંથિ તથા સરદારની નેત્રદીપક કામગીરી માટેની અસૂયા પ્રગટ થાય છે. રજવાડાંઓને એકત્રિત કરવાની જવાબદારી જો નેહરુએ પોતાને માથે લીધી હોત તો આજે દુનિયામાં ગોંડલ અને દેવગઢ બારિયા જેવાં રાષ્ટ્રો હોત જેને પોતપોતાના રાષ્ટ્રધ્વજ હોત, પોતાનું ચલણ અને આવા સાડા પાંચસોથી વધુ રાષ્ટ્રો હોત, ભારત છિન્નભિન્ન થઈ ગયું હોત. યુરોપમાં કે સોવિયેત રશિયા તૂટવાથી જે બચુકડાં રાષ્ટ્રો છે તેવી હાલત આ પ્રદેશની હોત. સરદારે પ્રધાનમંડળને કે વડા પ્રધાનને વિશ્ર્વાસમાં લઈને આ કામ કરવું જોઈતું હતું તેની પાછળનો નેહરુનો આશય એ હોઈ શકે કે આવા ભગીરથ કાર્યનો અલ્ટિમેટ જશ નેહરુ પોતે લઈ શકે, સરદાર તો ચિઠ્ઠીના ચાકર હતા એવી છાપ પડે અને રજવાડાંને એકત્રિત કરીને ભારતને અખંડ રાખવાનો તાજ નેહરુના માથે મુકાય. અને જો ખરેખર સરદાર રૂલ બુક પ્રમાણે કામગીરી કરવા ગયા હોત તો? કાશ્મીરનો પ્રશ્ર્ન જેમ યુનોમાં છે એમ જૂનાગઢ તથા હૈદરાબાદનો જ નહીં, ગોવા-દીવ-દમણ-પોંડિચેરીના પ્રશ્ર્નો પણ યુનોમાં હોત, આ દેશ બરબાદ થઈ ગયો હોત.

કાલે જોઈશું કે નેહરુના ગાંધીજી પરના આ પત્રની નકલ ગાંધીજીએ સરદારને મોકલી ત્યારે સરદારે એનો શું જવાબ આપ્યો.

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here