( ગુડ મૉર્નિંગ : ‘ન્યુઝપ્રેમી ડૉટ કૉમ’. મંગળવાર, ૪ નવેમ્બર ૨૦૨૫)
( ૩૧ ઑક્ટોબર ૨૦૨૫: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સૌરભ શાહ લિખિત પાંચ ભાગની લેખશ્રેણીના ચોથા એપિસોડમાં વાંચો સરદાર, નેહરુ અને ગાંધીજી વિશેની એવી કેટલીક ઐતિહાસિક વાતો જે ક્યારેય તમારા અભ્યાસક્રમમાં ભણાવવામાં નથી આવી.)
નહેરુએ ગાંધીજીને લખેલા પત્રમાં સરદાર વિશે ફરિયાદ કરી હતી કે ૫૬૨ દેશી રાજ્યોને ભારતમાં ભેળવી દેવાના કામમાં સરદાર મને (એટલે કે નેહરુને) કે પ્રધાનમંડળને પૂછ્યા કર્યા વિના પોતાની મેળે નિર્ણયો લે છે.
ગાંધીજીએ આ પત્રની નકલ સરદારને મોકલી. સરદારે ૧૨ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ ગાંધીજીને પત્ર લખ્યો જેની નકલ નહેરુને આ નોંધ સાથે મોકલી. ‘સરદાર પટેલ: પસંદ કરેલો પત્રવ્યવહાર: ૧૯૪૫-૧૯૫૦’ની પ્રથમ આવૃત્તિના બીજા ભાગના ૧૮૯મા પાના પર સરદારે નહેરુને લખેલી નોંધ પર ૨૧ જાન્યુઆરી, ૧૯૪૮ની તારીખ છપાઈ છે જે પ્રુફ રીડિંગની ભૂલ લાગે છે. ૨૧મી નહીં પણ ૧૨મી તારીખ જોઈએ. સરદારે નહેરુને કવરિંગ લેટરમાં લખ્યું:
‘તમે ગાંધીજી પર મોકલેલી નોંધ વિશેના ૧૧મી જાન્યુઆરી (૧ જાન્યુ. જોઈએ) ૧૯૪૮ના તમારા પત્ર માટે તમારો આભાર. હું ગાંધીજીને જે નોંધ મોકલું છું તેની નકલ આ સાથે બીડી છે. હું ઘણો વખત બહાર હતો એટલે આ બાબત હાથમાં લઈ શક્યો નહીં તે માટે દિલગીર છું. જે ટૂંકો સમય હું અહીં હતો તે દરમ્યાન કામમાં લગભગ દટાયેલો જ હતો. તમને અનુકૂળ હોય તેવો કોઈ પણ સમય તમે બાપુ સાથે ચર્ચા માટે ગોઠવી શકો છો. હું ૧૫મી જાન્યુઆરી, ૧૯૪૮ની સવારે ભાવનગર અને મુંબઈ જવા નીકળવાનો છું.’
પત્રની છપાયેલી તારીખોમાં મેં જે ફેરફારો સૂચવ્યા છે તે મારી ધારણાથી સૂચવ્યા છે. સરદારની આ નોંધ જો ખરેખર ૨૧મી જાન્યુઆરીએ લખાયેલી હોય તો એમાં ૧૫મી જાન્યુઆરીએ પ્રવાસે ‘નીકળવાનો છું’ એવી વાત ન હોય. ઉપરાંત સરદારે નહેરુને કહ્યું કે બાપુ સાથે કોઈપણ તારીખે મીટિંગ ગોઠવો (૧૫મી પહેલાં) ત્યારે સરદારને કે કોઈનેય કલ્પના નહોતી કે ગાંધીજી હિંદુ-મુસ્લિમ રમખાણો શાંત પડે તે માટે ૧૩મી જાન્યુઆરીથી આમરણ ઉપવાસ પર ઊતરવાના છે. (આ ઉપવાસ ૬ દિવસ ચાલ્યા. ગાંધીજીએ ૧૮મી સુધી ઉપવાસ કર્યા બાદ પારણાં કર્યાં. ગાંધીજીના જીવનના એ છેલ્લા ઉપવાસ હતા. પારણાના બાર દિવસ બાદ એમની હત્યા થઈ).
ગાંધીજીને સરદારે લખેલા લાંબા પત્રમાં અનેક મુદ્દા છે. એ દરેક મુદ્દાને ટૂંકમાં જોઈએ.
‘૧. જવાહરલાલે તમને મોકલેલી એમની નોંધ હું ધ્યાનથી વાંચી ગયો છું. એની નકલ એમણે મને મોકલી હતી.
૨. સ્વભાવના તફાવત અંગે તથા આર્થિક બાબતો અને હિંદુ-મુસ્લિમ સંબંધોને લગતી બાબતો વિશે જુદાં દૃષ્ટિબિંદુ છે તે અંગે બે મત નથી… અમારી સામે આવેલી ઘણીયે આંધીઓનો અમે સંયુક્ત પુરુષાર્થથી સામનો કર્યો છે… હવે અમે આને આગળ ચલાવી શકીએ એમ નથી એવો વિચાર કરવો દુઃખદ અને કરુણ પણ છે, પણ વડા પ્રધાનના પોતાના સ્થાન વિશેના એમના દૃષ્ટિબિંદુ પાછળ રહેલી એમની લાગણી અને પ્રતીતિનું બળ હું પૂરેપૂરું સમજી શકું છું.
૩. એ વિષય પર તેઓ જે કહે છે તે સમજવાનો મેં મારાથી બનતો બધો પ્રયત્ન કર્યો, પણ લોકશાહી અને કૅબિનેટની જવાબદારીના પાયા ઉપર એ સમજવાનો મેં ગમે એટલો પ્રયત્ન કર્યો તો પણ વડા પ્રધાનની ફરજો અને કામગીરીઓ અંગેના એમના ખ્યાલ સાથે સંમત થવા હું અશક્ત નીવડ્યો છું. જો એ ખ્યાલ સ્વીકારવામાં આવે તો વડા પ્રધાનનો દરજ્જો લગભગ સરમુખત્યાર જેવો થઈ જાય, કારણ કે તેઓ ‘જ્યારે અને જે રીતે, પોતે પસંદ કરે ત્યારે અને તે રીતે, કામ કરવાની પૂરેપૂરી સ્વતંત્રતા’નો દાવો કરે છે. મારા મતે લોકશાહી અને કૅબિનેટ પદ્ધતિની સરકારથી આ તદ્દન વિરુદ્ધ છે.
૪. મારા ખ્યાલ પ્રમાણે વડા પ્રધાનનું સ્થાન સૌથી આગળ પડતું છે; એ સરખાઓમાં પહેલા (ફર્સ્ટ અમંગ ઈક્વલ્સ) છે. પણ એમને પોતાના સાથીઓની ઉપરવટ જવાની સત્તા નથી; જો એવી સત્તા હોય તો કૅબિનેટ અને કૅબિનેટની જવાબદારી નિરર્થક બની જાય…
સરદારે આટલા મુદ્દાઓ લખ્યા પછી નહેરુએ કઈ રીતે દેશી રાજ્યોના એકત્રિકરણની પ્રક્રિયા દરમ્યાન ભૂલભરેલા નિર્ણયો લેવાની દખલગીરીભરી પરંપરા સર્જી તેની વિગતો ગાંધીજીને આપી છે. સરદાર લખે છે કે: ‘(મેં આપેલી સલાહોથી) વડા પ્રધાનને ત્રાસદાયક અને ચીડ ચડે તેવું લાગતું હોય અને પોતાની ફરજોમાં દખલગીરી જેવું લાગતું હોય તો એ સ્થિતિ લોકશાહી પદ્ધતિની સરકાર સાથે પૂરેપૂરી અસંગત છે.’
સરદાર પોતાની મરજી મુજબ, મનઘડંત રીતે, દેશી રાજ્યોને ભેગાં કરવાની કામગીરી કરે છે અને વડા પ્રધાન તથા પ્રધાનમંડળની ઉપરવટ જઈને નિર્ણયો લે છે એવા નહેરુના ગંભીર આક્ષેપને બેબુનિયાદ ઠેરવતાં સરદારે ગાંધીજીને લખ્યું:
‘દેશી રાજ્યોના મંત્રાલયની કામ કરવાની રીતનો પણ (નહેરુએ ગાંધીજી પર લખેલી નોંધમાં) ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મને એવો એક પણ દાખલો યાદ નથી આવતો જેમાં મેં મારા સાથીઓની અનુમતિ અથવા સમર્થન સિવાય મહત્વની નીતિ અંગે કોઈપણ નિર્ણય લીધો હોય. જે એક જ દાખલામાં મેં કૅબિનેટના નિર્ણયની અપેક્ષાએ કામ કર્યું તે દાખલો ઓરિસ્સા અને છત્તીસગઢનાં રાજ્યોનાં જોડાણનો હતો; પાછળથી જરા પણ ચર્ચા કર્યા વિના મારા પગલાંનું સમર્થન કરવામાં આવ્યું તે હકીકત અપેક્ષા અંગેની મારી વિવેકબુદ્ધિને યથાર્થ ઠરાવે છે. એ બાબત દેખીતી રીતે એવી હતી કે નિર્ણાયક પગલાંની મોકૂફીથી ગંભીર પરિણામોનો ભય ઊભો થાત અને આપણા હાથમાંથી જે તક સરી જાત તે કદાચ ઘણી બધી ધીરજ, મહેનત અને સૌને માટે ઘણી તકલીફ પછી જ ફરી મળી શકત.’
આ નોંધમાં છેવટે સરદાર લખે છે કે મતભેદોને લીધે નહેરુએ રાજીનામું આપવાની વાત (વાસ્તવમાં તો ત્રાગું) કરી છે પણ જો એવા સંજોગો ઊભા થાય કે ‘મારી અને એમની વચ્ચેની પસંદગી’ કરવી પડે તો તે ‘એમની તરફેણમાં જ થવી જોઈએ… એમણે (નહેરુએ) પદત્યાગ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી.’
આ નોંધ મોકલી દીધા પછી ગાંધીજીના આમરણ ઉપવાસની જાહેરાત થઈ. ૧૩ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ આ સંદર્ભે સરદારે ગાંધીજીને લખેલા પત્રમાં શું લખ્યું તે પણ જાણવા જેવું છે.
પણ તે પહેલાં એ સંદર્ભે એક બીજી વાત.

સરદાર પટેલ મૌલાના અબુલ કલામ આઝાદની અસલિયતને, આપણે ઓળખી એ પહેલાં, ક્યારનાય ઓળખી ગયા હતા. મૌલાના કલામ ન તો કોઈ દેશપ્રેમી નેતા હતા ન હિન્દુઓ પ્રત્યે સમભાવ રાખનારા મુસ્લિમ હતા એવું મેં જ્યારે જ્યારે કહ્યું છે કે લખ્યું છે ત્યારે ત્યારે આ દેશના કેટલાક સેક્યુલરો – સામ્યવાદીઓને કીડી ચટકાં ભરે એવી લાગણી થઈ છે. મારી આવી માન્યતા પાછળ નક્કર પુરાવા છે જે તમને મૌલાના આઝાદની આત્મકથાનાં એ પાનાંઓમાંથી મળશે જે પાનાં એમણે પોતાના મૃત્યુના 30 વર્ષ બાદ જાહેર કરવાનું કહ્યું હતું, એ પહેલાં નહીં. 1988માં આ પાનાંઓ એમની આત્મકથામાં ઉમેરાયાં. ગૂગલ સર્ચ કરવાથી પાંચમા ધોરણના વિદ્યાર્થીને પણ સહેલાઈથી મળી જશે. આ પાનાંમાં મૌલાના આઝાદના મુસ્લિમ કટ્ટરવાદી તરીકેના વિચારો, એ વિચારોમાં દૃઢ માન્યતા ધરાવતા લોકો સાથેના એમના સંબંધો તેમ જ બીજી સ્ફોટક માહિતી છે. ( મારી લાયબ્રેરીમાં ૧૯૫૮માં અવસાન પામેલા મૌલાના આઝાદની આત્મકથાની ૧૯૫૯માં પ્રકાશિત પ્રથમ દુર્લભ આવૃત્તિ છે અને ૧૯૮૮માં પ્રકાશિત વધારાના પ્રકરણ સાથેની આવૃત્તિ પણ છે).

મૌલાના આઝાદ આ દેશના સૌપ્રથમ શિક્ષણ મંત્રી. એમણે જ (કે એમના થ્રુ નહેરુએ) આ દેશની શિક્ષણ વ્યવસ્થાનો દોર સામ્યવાદીઓ તથા સેક્યુલરોના હાથમાં સોંપીને દેશની શિક્ષણ પરંપરાની ઘોર ખોદી.
જવાહરલાલ નહેરુએ 1955માં જે ‘ભારત રત્ન’નો ઈલકાબ પોતે જ પોતાના ગળામાં પહેરાવ્યો અને એમનાં પુત્રી ઈન્દિરા ગાંધીએ 1971માં પોતે જ પોતાના ગળામાં પહેરાવ્યો તે ‘ભારત રત્ન’ 1991માં સરદાર પટેલને (મરણોત્તર) તથા મોરારજી દેસાઈને (એમની હયાતી દરમ્યાન) આપવાનું નક્કી થયું ત્યારે કૉન્ગ્રેસીઓએ જબરજસ્તીથી મૌલાના આઝાદને પણ એ બંને મહાનુભાવોની સાથે ‘ભારત રત્ન’ અપાવ્યો હતો.
અબુલ કલામ ગુલામ મુહિયુદ્દીન અહમદ બિન ખૈરુદ્દીન અલ હુસૈની આઝાદ એમનું પૂરું નામ. સાઉદી અરેબિયાના મક્કામાં એમનો જન્મ. અભિનેતા આમીર ખાન પોતાને મૌલાના આઝાદનો ચોથી પેઢીનો ભાણિયો કે ભત્રીજો ગણાવે છે તથા કિરણ રાવ સાથેના સંતાનને ‘આઝાદ’ના નામે ઓળખે છે.

મૌલાના જેવા કોમવાદી કૉન્ગ્રેસી નેતાઓ વિશે આપણને સાચું ભણાવવામાં નથી આવ્યું એટલે આપણે એમના જેવાઓ વિશે હજુય ભ્રમણામાં છીએ. સરદારે તો આ બધા લોકો સાથે કામ કર્યું છે, એમને આરપાર જોયા છે પોતાની ધારદાર દૃષ્ટિથી. 13 જાન્યુઆરી, 1948ના રોજ આખા દેશને જાણ થઈ ગઈ હતી કે આજથી ગાંધીજી ઉપવાસ પર ઊતરવાના છે. આ જ દિવસે સરદાર વ્યથિત કલમે ગાંધીજીને પત્ર લખે છે (જેમાં મૌલાના આઝાદ વિશેના ઉલ્લેખ પર ગૌર ફરમાવજો):
‘આજે સવારે સાત વાગ્યે કાઠિયાવાડ જવા નીકળવાનું છે. તમે ઉપવાસ કરી રહ્યા છો ત્યારે જવું પડે એની વેદના અસહ્ય છે, પણ કડક ફરજ બીજો કોઈ રસ્તો રહેવા દતી નથી. ગઈ કાલે તમારી વેદના જોઈ હું દુ:ખી થઈ ગયો છું. એણે (એ વેદનાએ) મને ઉગ્રતાપૂર્વક વિચારતો કરી મૂકયો છે. કામનો બોજો એટલો છે કે હું એની નીચે દબાઈ ગયો હોઉં એવી લાગણી થાય છે. હવે મને લાગે છે કે આમ ને આમ વધુ ચલાવ્યા કરવાથી દેશને કે મને કોઈ ફાયદો નહીં થાય.
જવાહર ઉપર તો મારા કરતાંયે વધારે બોજો છે. એમનું હૃદય શોકથી ભારે છે. એમ પણ હોય કે હું વૃદ્ધાવસ્થાને લીધે ક્ષીણ થઈ ગયો હોઉં અને એમની બાજુમાં સાથી તરીકે ઊભો રહી એમનો બોજો હળવો કરવા માટે કામનો ન હોઉં. મૌલાના (આઝાદ) પણ હું જે કંઈ કરી રહ્યો છું તેથી નારાજ છે અને તમારે ફરી ફરીને મારો બચાવ કરવો પડે છે. આ પણ મને અસહ્ય લાગે છે.
આ સંજોગોમાં, તમે હવે મને જવા દો તો મારે માટે અને દેશને માટે સારું થશે. હું જે રીતે કામ કરું છું તે કરતાં જુદી રીતે કરી શકીશ નહીં. અને એથી હું મારા જીવનભરના સાથીઓને બોજારૂપ થાઉં અને તમને દુ:ખરૂપ બનું અને તે છતાં સત્તાને વળગી રહું તો એનો અર્થ એ થાય – ઓછામાં ઓછું મને પોતાને તો એમ જ લાગે – કે હું સત્તાલાલસાથી આંધળો થવા તત્પર છું અને તેથી સત્તાત્યાગ કરવા નારાજ છું. તમારે મને આ અસહ્ય પરિસ્થિતિમાંથી સત્વર મુક્ત કરવો જોઈએ.
હું જાણું છું કે તમે ઉપવાસ કરી રહ્યા છો ત્યારે દલીલોનો વખત નથી. પણ તમારા ઉપવાસનો અંત લાવવામાં પણ હું મદદરૂપ બની શકું તેમ નથી, એટલે હું બીજું શું કરી શકું તેની મને ખબર પડતી નથી. આથી હું તમને અંત:કરણથી આજીજી કરું છું કે તમારા ઉપવાસ છોડી દઈને આ પ્રશ્ર્ન તરત પતાવી આપો. એથી કદાચ તમારા ઉપવાસ પ્રેરનારાં કારણો દૂર કરવામાં પણ મદદ થશે.’
સરદારે અહીં ગર્ભિત ઈશારો કર્યો છે કે જે હિંદુ-મુસ્લિમ રમખાણોને શાંત કરવા ગાંધીજી ઉપવાસ કરી રહ્યા છે તે કદાચ પોતાના રાજીનામાથી શાંત થઈ જાય. આવું ક્યારે બને? જ્યારે મુસ્લિમ નેતાઓને લાગે કે સરદારના રાજીનામાથી હવે અમારો હાથ ઉપર છે તો હવે રમખાણો કરીને હિન્દુઓને ડરાવવાની જરૂર નથી ત્યારે રમખાણો શાંત બને. શું એ મુસ્લિમ નેતાગીરીને નહેરુનો મૂંગો ટેકો હશે? હોઈ પણ શકે. પોતે જો સત્તાત્યાગ કરે તો રમખાણો બંધ થઈ જશે એવું સરદાર શું કામ લખે?
ખેર, આ તો બધાં કન્જેક્ચર્સ છે જેને તમે બિટ્વીન ધ લાઈન્સ વાંચવાની કળા પણ ગણાવી શકો.
સરદારે ગાંધીજીને જે નોંધ લખીને નહેરુને એની નકલ મોકલેલી તેના જવાબમાં 13 જાન્યુઆરી 1948ના દિવસે પત્ર લખીને નહેરુએ સરદારને જણાવ્યું કે હવે આ વિશે લાંબી લપ્પન છપ્પન કરવાનો કોઈ અર્થ નથી (આ શબ્દો મારા છે, ભાવ નહેરુજીનો છે). પણ હું જે કંઈ કરી રહ્યો છું તેમાં હું સાચો છું (અર્થાત્ સરદાર ખોટા છે) અને ગાંધીજીના ઉપવાસ પતે પછી આપણે બેઉ એમને જઈને મળીને આપણા આ મતભેદો વિશે રૂબરૂ ચર્ચા કરીએ.
પણ એવો અવસર આવ્યો જ નહીં. જોતજોતામાં ત્રીસમી જાન્યુઆરીની કાળીડિબાંગ ઘડી આવી ગઈ. 1948નું બાકીનું વર્ષ, 1949નું વર્ષ અને 1950નું અલમોસ્ટ આખું વર્ષ, 15 ડિસેમ્બર 1950 સુધીનું વર્ષ – આ લગભગ ત્રણ વર્ષ દરમ્યાન ગાંધીજીની ગેરહાજરીમાં સરદારે ભાંગેલા હૃદયે નહેરુ સાથે કામ કર્યું.
નહેરુને બદલે સરદાર વડા પ્રધાન હોત તો આ દેશ ક્યાંનો ક્યાં હોત એવી વાતો કરવી જાણે કે બરાબર જ છે પણ જોવાનું એ છે કે નહેરુ વડા પ્રધાન હતા તે છતાં સરદારે કેટકેટલાં મોટાં કામ કર્યાં જેને કારણે આ દેશ અખંડિત રહ્યો, મજબૂત બન્યો. સરદારને જીવતેજીવ નહેરુ આણિ મંડળીએ કોઈ જશ આપ્યો નહીં અને એમના મૃત્યુ પછી તો નહેરુ તથા નહેરુના કૉન્ગ્રેસી, ડાબેરી, મુસ્લિમવાદી, સેક્યુલર પિઠ્ઠુઓએ સરદારને ભૂંસી નાખવાના તમામ પ્રયત્નો કર્યા. પણ સરદારનું કાર્ય એટલું વિરાટ હતું કે એ પાઠ્યપુસ્તકોમાંથી ભૂંસાયા, જનમાનસમાંથી નહીં. આજે એમની વિરાટ પ્રતિમા ઊભી કરીને સરદારના એ કાર્યોની અગત્યતા આખા વિશ્ર્વને પહોંચાડવામાં આવી. દરેક મુસ્લિમને જેમ જીવનમાં કમસે કમ એક વાર હજની યાત્રા કરવાની ખ્વાહિશ હોય છે એમ દરેક ભારતીયના હૃદયમાંં – ચાહે એ હિન્દુ હોય, મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય કે કોઈ પણ ધર્મનો હોય – સરદારની એ વિરાટ પ્રતિમાનાં રૂબરૂ દર્શન કરવા જવાની ખ્વાહિશ હોવી જોઈએ.કાલે આ શ્રેણીનું સમાપન કરીને જો તમને ઇન્ટરેસ્ટ હોય તો ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ વચ્ચેના સંબંધો વિશે પરમ દિવસથી થોડી વાતો શરૂ કરીએ.
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો













