રાજકારણ અને જીવન : આદર્શો અને વ્યવહારો : સૌરભ શાહ

(તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૩ )

આદર્શો અને વ્યવહારો વચ્ચેના ફાસલાને સમજવા અને એને સ્વીકાર્ય બનાવવા ઈતિહાસ વિશેનું જ્ઞાન ઘણું ઉપયોગી બને.

વ્યવહારુ જગતમાં માણસ ક્યારેય તમામ આદર્શોને અનુરૂપ એવું વર્તન કરતો નથી, કરી શકતો નથી. મનુષ્યજાતે ભૂતકાળમાં કઈ રીતે એ આદર્શોનો ભોગ આપીને પોતાનું વ્યવહાર વિશ્ર્વ સાચવ્યું એ વિશેની જાણકારી ઈતિહાસ આપે છે.

ઈતિહાસમાંથી માત્ર માહિતી જ મેળવવી પૂરતી નથી. એ માહિતી પરથી તારણ કાઢતાં આવડવું જોઈએ. આવાં તારણો સામાન્ય માણસને પણ રોજબરોજના એના વ્યવહારજગતમાં એની સાથે બનતી રહેતી ઘટનાઓને સમજવામાં મદદરૂપ થાય.

એક નાનકડું ઉદાહરણ લઈએ. ૧૯૪૧માં જપાને અમેરિકાના પર્લ હાર્બર ખાતેના લશ્કરી થાણા પર ઓચિંતો હુમલો કરીને અમેરિકાને ઘણું મોટું નુકસાન કર્યું. તે વખતના અમેરિકાના મિત્ર અને બ્રિટિશ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલને જપાનના આ હુમલા વિશે અગાઉથી ખબર પડી ગઈ હતી. છતાં ચર્ચિલે આ આગોતરી જાણકારી અમેરિકાને પહોંચાડી નહીં. જપાનના ખાનગી સંદેશાઓને આંતરવા માટે અમેરિકાએ પર્પલ મશીનના નામે ઓળખાયેલાં ચાર ડી-કોડર યંત્રો બનાવ્યાં હતાં જેમાંનું એક બ્રિટનને આપવામાં આવ્યું હતું. અમેરિકા પાસેથી મળેલી ભેટને કારણે બ્રિટનને જપાની હુમલાની અગાઉથી ખબર પડી ગઈ હતી છતાં બ્રિટને અમેરિકાને ચેતવ્યું નહીં એમાં બ્રિટનનો સ્વાર્થ હતો.

જર્મનીના હિટલર અને ઈટલીના મુસોલિની સામેની લડતમાં બ્રિટન અમેરિકાનો સાથ ચાહતું હતું. અમેરિકા જો આ યુદ્ધમાં બ્રિટનનો સાથ આપે તો અમેરિકા પાસેની વિશાળ યુદ્ધસામગ્રી તેમ જ અન્ય સાધનોનો ઉપયોગ બ્રિટન પણ કરી શકે. પર્લ હાર્બર પરના જપાની હુમલાથી છંછેડાઈને અમેરિકા બ્રિટનનો સાથ મેળવી યુદ્ધમાં એને મિત્રદેશ ગણી લે અને શત્રુદેશો પર દેકારો બોલાવવાનું નક્કી કરે તો જ બ્રિટન જર્મની સામે ઝીંક ઝીલી શકે. વિન્સ્ટન ચર્ચિલ અમેરિકાના પ્રેસિડન્ટ રૂઝવેલ્ટ માટે મેરે હમદમ મેરે દોસ્ત હતા છતાં ચર્ચિલે પોતાના, એટલે કે પોતાના રાષ્ટ્રના સ્વાર્થ ખાતર આ હમદમ, આ દોસ્તનું નુકસાન થવા દીધું. વિન્સ્ટન ચર્ચિલની આ કૂટનીતિ કામ કરી ગઈ. વિશ્ર્વયુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી થઈ.

ઈતિહાસ પરથી શું પાઠ ભણવો એ દરેક વ્યક્તિ જાતે નક્કી કરી લેતી હોય છે. કેટલાક એમ વિચારી શકે કે ચર્ચિલ જેવા મિત્રો પોતાના સ્વાર્થ ખાતર મિત્રનું નુકસાન કરી શકે છે એવી શક્યતાને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવાનું. કેટલાક એવું પણ તારણ કાઢી શકે કે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે મિત્રની મદદની જરૂર હોય તો એ મિત્રને પણ નુકસાન થવા દેવું. મૈત્રીના આદર્શો અને દોસ્તીના વ્યવહારો સમજવા માટે ઈતિહાસે ખૂબ આકરી કિંમત ચૂકવી છે.

આ આખીય વાત મનુભાઈ પંચોળી ‘દર્શક’ના લખાણોમાંથી મને મળી આવી. ‘દર્શક’ સાહિત્યકાર, શિક્ષણકાર, ચિંતક અને સામાજિક કાર્યકર્તા હોવા ઉપરાંત ઈતિહાસના જ્ઞાતા પણ હતા. મનુભાઈ પંચોળી ‘દર્શક’ કહે છે કે રાજનીતિમાં માણસે તે વખતના પોતાના સંજોગોના સંદર્ભમાં નિર્ણયો કરીને આગળ ચાલવાનું હોય છે. મનુદાદાની આ વાત રાજનીતિ ઉપરાંત જીવનનીતિને પણ એટલી જ લાગુ પડે. રોજિંદા વ્યવહારોમાં માણસ શું કરે છે કે શું કરી શકે એમ છે એ વિશે અવલોકન કરતી વખતે એના તે વખતના તમામ સંજોગો જાણવા જરૂરી બની જાય. સંજોગો વિશેની અધૂરી માહિતીને કારણે જ આપણે વ્યક્તિના ચોક્કસ નિર્ણયો પાછળના ઈરાદાઓ વિશે શંકા સેવતા થઈ જઈએ છીએ. સંજોગોને લગતી માહિતીની અધૂરપ પાછળ બે કારણો હોઈ શકે. એક તો એ કે આપણે ક્યારેય પૂરેપૂરી માહિતી મેળવવાની કોશિશ જ ન કરી હોય. અને બીજું, વધુ મહત્ત્વનું કારણ એ કે સામેની વ્યક્તિએ પોતે જ પોતાના સંજોગોની તમામ માહિતી પ્રગટ ન કરી હોય. પ્રગટ ન કરવા પાછળનાં પણ અનેક કારણો હોય જેમાંનું એક અતિ મહત્ત્વનું કારણ એની લાચારી કે મજબૂરી હોય.

મનુભાઈ પંચોળી કહે છે કે ‘(રાજનીતિમાં) શુદ્ધ ચિંતનથી નિરપેક્ષ રીતે માણસે નિર્ણયો લેવાના નથી હોતા. આથી જ રાજનીતિને ‘શક્યતાની કલા’ કહેવામાં આવે છે… જ્યાં જ્યાં લોકો પાસે કામ કરાવવાનું છે ત્યાં ત્યાં બધે લોકોની શક્તિ-અશક્તિને લક્ષમાં રાખીને જ વિચારવું પડે છે.’

સર્વગુણ સંપન્ન હોય એવી વ્યક્તિ સમાજમાં કોઈ હોતી નથી માટે જ સંજોગો જોઈપારખીને માણસે પોતાના વર્તનમાં જરૂરી ફેરફારો કરવા પડે છે. માણસના વર્તનનો કે એ વર્તન પાછળના વિચારોનો વિરોધ થાય છે ત્યારે બે પક્ષ પડી જાય છે. વિરોધીઓ અને સમર્થકો. પોતે જો સમર્થક હોય તો તે વિરોધ કરવાવાળા તમામને નીચા કે ખરાબ માની લે અને વિરોધીઓ સમર્થન આપવાવાળા પ્રત્યે આવો મત ધરાવતા થઈ જાય. હકીકત કંઈક જુદી જ હોય છે. ‘દર્શક’ના મતે: ‘સારા માણસો વચ્ચે મતભેદ ન થાય અને માણસો બધા સારા છે માટે સર્વસંમત ઉકેલ મળી આવશે જ એમ કહેવું નિરર્થક છે. સારા માણસો વચ્ચે પણ મતભેદો રહ્યા છે અને હોઈ શકે છે… સારા માણસો મતભેદ સહન કરી લે છે પણ તેમની વચ્ચે મતભેદ ન જ હોય એવું ઈતિહાસમાં બન્યું નથી.’

માનવમનની અને માનવવ્યવહારની સંકુલતા કહેતાંકને કૉમ્પ્લેક્સિટીઝ કે પછી ગૂંચો ઉકેલવાની ચાવીઓનો તૈયાર ઝૂડો તો જાણે કે સાઈકીએટ્રિસ્ટ્સ પાસે પણ નથી હોતો. ઈતિહાસમાંથી અસંખ્ય તાળામાંનું આવું કોઈ તાળું ખોલવાની એકાદ ચાવી જરૂર જડી જાય.

પાન બનારસવાલા

ભૂલને સુધારી લઈએ એટલે ભૂલ મટી જાય છે, પણ ભૂલ દબાવી દઈએ છીએ ત્યારે તે ગૂમડાની પેઠે ફૂટે છે અને ભયંકર સ્વરૂપ લે છે.

– ગાંધીજી (૨૩-૩-૧૯૪૫)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

6 COMMENTS

  1. બીજુ હવે 2024 ના countdown timer ની જરૂર લાગતી નથી. સામે કોઈ રાજકીય પાર્ટી કે નેતામા દમ નથી કે મોદી સાહેબને ટક્કર તો દુર ની વાત , સામે ઊભા રહેવાની તાકાત નથી.

  2. Reference with today પાન બનારસવાલા – ઉદ્ધવ ઠાકરેએ 2019 માં bjp નો સાથ છોડી ને ભુલ કરી, હવે પાર્ટી થી પણ હાથ ધોવા પડ્યા.

  3. Thank you very much for this post, sir. It is teaching something different which is so useful in day to day life.

  4. Good Article.

    I have lost your 31 suvarna mudra book.

    Now I want to purchase this book and new letest book.
    Can I get it on my residence. I will make payment.

  5. સૌરભભાઇ,
    સુંદર મજાના articles માટે ધન્યવાદ. વીતેલા થોડાક દિવસોમાં આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિશ્વ ફલક પર ચાલી રહેલી અતિ નિમ્નકક્ષાની ઝુંબેશ ઉપર હમણાંથી આપના લેખોમાં કોઈ છણાવટ આવતી નથી. તો Hindenburg અને George Sorous તેમજ ટુકડે ટુકડે ગેંગના સંબંધો ઉપર એકાદ વિશદ્ વિશ્લેષણાત્મક લેખ લખવા વિનંતી
    – ધુળાભાઈ પટેલ
    ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here