લાઉડમાઉથ : સૌરભ શાહ
(‘સંદેશ’, ‘અર્ધસાપ્તાહિક પૂર્તિ, બુધવાર, ૨૩ ઑક્ટોબર ૨૦૧૯)
મારે કંઈક બનવું છે એવા વિચારથી જીવવા કરતાં મારે મારામાં જે શ્રેષ્ઠ છે તે બહાર લાવવું છે એવું વિચારીને જીવવામાં વધારે મઝા છે. આ દુનિયા તમારા કારણે ચાલતી નથી અને તમારા વિના અટકી જવાની પણ નથી. આ એક સત્ય છે. બીજું સત્ય એ છે કે આ દુનિયા ચાલી રહી છે, આગળ વધી રહી છે, કે પ્રોગ્રેસ કરી રહી છે તે આપણા જેવાઓને લીધે જ, જે કંઈ પ્રગતિ આપણે જોઈએ છીએ તે આપણા જેવા કાળા માથાના માનવીઓ થકી જ થઈ છે અને અફકોર્સ એમાં કુદરતનો આપણને સાથ મળ્યો હોય છે.
આ બંને સત્યો સ્વીકાર્યા પછી જે વિચાર આવ્યો તે આ કે હું આળસુની જેમ પડ્યો રહીશ તો દુનિયાને કોઈ ફરક નથી પડવાનો, હું તનતોડ મહેનત કરીશ તો પણ દુનિયાને બહુ મોટો ફરક કદાચ પડે કે નહીં એની ખબર નથી પણ આ બેઉ સંજોગોમાં મારી જિંદગી પર એની સીધી અસર પડવાની છે.
આ દુનિયામાં કંઈક ઉમેરો કરવાની ભાવના ભલે ઉમદા ગણાતી હોય પણ એવી ભાવનાથી કામ કરવાનો કોઈ અર્થ નથી. જિંદગીનો હેતુ આ દુનિયામાં કંઈક ઉમેરો કરવાનો ન હોઈ શકે. આપણે જે કંઈ કરીએ છીએ તેના પરિણામસ્વરૂપે આ જગતમાં કશુંક ઉમેરાય તો તે સારી જ વાત છે પણ આપણો પોતાનો હેતુ એ ન હોઈ શકે. કારણ? કારણ કે એવો હેતુ લઈને તમે જિંદગી જીવવાનું શરૂ કરો અને જુઓ કે તમારા કામથી આ દુનિયામાં કંઈ ફરક પડતો નથી તો તમે હતાશ થઈ જશો, કામ કરવાનું છોડી દેશો. તમને ખબર નથી કે તમારાં કામનું પરિણામ કદાચ મોડું આવે અને તમારા ગયા પછી પણ આવે. અને કદાચ ક્યારેય ન આવે. આમાંના કોઈપણ સંજોગોમાં તમારે તો કામ કર્યા જ કરવાનું છે. દુનિયામાં તમારાં કામથી કંઈ ફરક પડે કે ન પડે, તમારા પોતાનામાં તો તમારાં કાર્યથી ફરક પડતો જ હોય છે. તમે તમારા કાર્યોથી આંતરિક સમૃધ્ધિ અનુભવતા હો છો. એમાંનાં કેટલાંક કે ઘણાં કાર્યો તમને ભૌતિક રીતે એટલે કે પૈસે ટકે સમૃધ્ધ બનાવે છે એ તો વળી બોનસ થયું. અને એટલે જ જે કંઈ કામ હું કરું છું તે મારા માટે કરું છું એવી ભાવના રાખવી. બીજાઓને મદદરૂપ થવા કે આ દુનિયામાં બદલાવ લાવવા હું કંઈક કરું છું એવા ખોટા ખ્યાલોને પંપાળીને ભ્રમણાઓ ઉછેરવાની જરૂર નથી કે બીજાઓને એવી ભ્રમણામાં રાખવાની પણ જરૂર નથી. મારું જીવન સમાજને/ કુટુંબને/ રાષ્ટ્રને સમર્પિત છે એવું બોલવું આપણા મોઢે ના શોભે. જો ખરેખર એવાં કામ કરતા હોઈશું તો લોકો જ કહેશે.
અને એટલે જ મારે કંઈક બનવું છે એવા વિચારો મનમાંથી ખંખેરી નાખવા. મારા પોતાનામાં જે કંઈ શ્રેષ્ઠ છે, જેમાંની કેટલીક બાબતો હજુ મારાથી પણ અજાણ છે, તેને ઓળખીને હું બહાર કેવી રીતે લાવું એ જ જીવનની મથામણ હોઈ શકે, એ જ જીવનનું અંતિમ ધ્યેય હોઈ શકે.
તમારી પાસે જે કંઈ પ્રતિભા છે તેમાંની કેટલીક પ્રતિભાથી તમે પરિચિત છો. તમારી ફરજ એ છે કે તમારી આ ટેલન્ટની તમારે માવજત કરવાની, એને રોજેરોજ માંજીને ચકચકિત રાખવાની અને પ્રયત્નો એ કરવાના કે એ ટેલન્ટમાં તમારી મહેનત ઉમેરીને એને આગળ લઈ જઈ શકાય. તમે આજે અમુક મિનિટમાં અમુક કિલોમીટર દોડી શકો છો. સતત પ્રેક્ટિસ કરીને તથા ભૂલો નિવારીને નવી ટેક્નિક શીખીને થોડા મહિના પછી તમારે ઓછી મિનિટોમાં વધુ દોડતાં થવાનું છે. આવું જ તમારા બિઝનેસ, કે વ્યવસાય કે નોકરીની બાબતમાં તમારી ટેલન્ટની સતત ધાર કાઢતાં રહીને તમારે તમારાથી આગળ નિકળી જવાનું છે.
તમે એમ માનીને કામ કરશો કે જીવનમાં મારે કંઈક બનવું છે તો તમારું ફોકસ પેલા ‘કંઈક’ પર રહેશે, તમારા પર નહીં રહે.તમારામાં હશે તો પણ હટી જશે. મારે અંબાણી નથી બનવું પણ મારામાં જે કંઈ શ્રેષ્ઠ છે તેનો ઉપયોગ કરીને, તેમાં ઉમેરો કરતાં રહીને બિઝનેસ કરવો છે. મારે સત્યજિત રાય કે મનમોહન દેસાઈ કે યશ ચોપરા નથી બનવું પણ મારામાં જે કંઈ શ્રેષ્ઠ છે તેનો ઉપયોગ કરીને, તેમાં ઉમેરો કરીને એક ફિલ્મ મેકર બનવું છે. દરેક ક્ષેત્રમાં કામ કરતી વ્યક્તિને આ વાત લાગુ પડે.
ઘણી વખત બને છે એવું કે આપણામાં નિરાશા, હતાશા વ્યાપી જાય છે. આ બ્રહ્માંડમાં મારું અસ્તિત્વ એક રજકણ સમાન છે એવા બનાવટી ચિંતાશીલ વિચારો તમને સાચા અધ્યાત્મથી દૂર લઈ જાય છે. પછી કામ કરવાનો ઉત્સાહ સાવ મરી જાય છે. અથવા તો ઉન્માદ જન્મે છે કે હું રાતોરાત કંઈક બની જઉં. આ બેઉ અંતિમો ઘંટીના પડ જેવાં છે જેની વચ્ચે આપણે પીસાઈ જઈએ છીએ, આપણા અસ્તિત્વને ચગદી નાખીએ છીએ. ધીરજ ગુમાવીને સદંતર નિષ્ક્રિય બની જઈએ છીએ.
આ દુનિયા ન તો તમારા માટે બની છે, ન તો તમને નડવા માટે. આ દુનિયા તમારી સાથે, તમારા કામ સાથે, તમારા જીવનના હેતુઓ સાથે તાલ મિલાવવા માટે બની છે. શરત એટલી કે તમને પણ દુનિયા સાથે તાલ મિલાવતાં આવડવું જોઈએ. તમે ક્યારેક તાલ ચૂકી જાઓ છો ત્યારે દુનિયા તમને સાચવી લે છે. તમને ક્યારેક લાગે છે કે આ દુનિયા બેસૂરી બની ગઈ છે ત્યારે તમારે તમારા સૂરીલાં કાર્યો વડે દુનિયાની એ તમને લાગતી ખામીઓને ઢાંકી દેવાની હોય. આ સૂરતાલનો સંગમ જ તમને સતત કામ કરતાં રહેવાની ઍનર્જી આપશે, તમને તમારામાં રહેલું શ્રેષ્ઠ બહાર કાઢ્યા કરવાની પ્રેરણા આપશે.
સાયલન્સ પ્લીઝ
જિંદગીનો હેતુ સુખી થવાનો, આનંદમાં રહેવાનો કે શાંતિ પામવાનો ન હોઈ શકે. આ જિંદગી તમે જે કંઈ છો એના કરતાં બહેતર બનવાની તકરૂપે મળી છે. એ તકનો પૂરેપૂરો ઉપયોગ કરવો એ જ જિંદગીનું અંતિમ લક્ષ્ય હોઈ શકે.
_અજ્ઞાત
Good article which shows our mistakes and misunderstandings.
Nice article ??
શ્રી સૌરભભાઈ,
વાત આપની ગમી ગઈ કે” દુનીયા આપડા માટે નથી બની કે નથી બની આપણને નડવા માટે.”
આપણે તો આપણુ જીવન “તાલ સે તાલ મિલા” વાળા પેલા ગીતની જેમ અને છતાં આદિલ મન્સુરીની ગઝલ “આ નગર ફરી મળે ના મળે” ની જેમ જીવી જવાનુ છે. “હમ હૈ રાહી પ્યાર કે” અને “ચલ ચલા ચલ ફકીરા ચલ ચલા ચલ” ની જેમ acceptance and giving વાળી સરળ નીતિ ને ગલે કા હાર ની જેમ જાળવી રાખવાની છે છતાં dry નથી કરવાની.
જય શ્રી કૃષ્ણ. જય શ્રીરામ. જય માતાજી. હર હર મહાદેવ.
This article is based on Biblical slogan ‘ know thyself’ but one’s talent is always judged & determined by some one else. Self evaluation and self judgement has no recognition in Competitive realm?
Superb article, really.
Sir,
As usual, article is enriching. Will carry this attitude and mindset henceforth.
Good Article