(તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, રવિવાર, ૩૦ મે ૨૦૨૧)
શું લોકપ્રિયતા કોઈ ચીપ, છીછરી ચીજ છે? અને શુું જે વાત બહુજન સમાજ એટલે કે માસીસ સુધી, આમ પ્રજા સુધી ન પહોંચે પણ અમુક ગણ્યાગાંઠ્યા લોકો સુધી જ પહોંચે તે વાત આપોઆપ ઉચ્ચ કક્ષાની થઈ જાય? ક્લાસ બની જાય?
આ બે મુદ્દાઓને એક કરતાં વધારે પાસાં છે. જે લોકો કળામાં અર્થાત્ સાહિત્ય-સંગીત-ચિત્રકળા-નૃત્ય-ફિલ્મ-નાટક-કટારલેખન વગેરેમાં લોકપ્રિય થઈ શકતા નથી તેઓ લોકપ્રિયતાને ઉતારી પાડે છે. જેઓ આ ક્ષેત્રોમાં લોકચાહના મેળવી રહ્યા હોય તેઓ ચીપ કામ કરી રહ્યા છે એવું માને છે અને બીજાને મનાવવાની કોશિશ કરે છે.
પહેલી વાત તો એ સમજી લેવી જોઈએ કે ક્વૉલિટીવાળું કામ પણ લોકપ્રિય થઈ શકતું હોય છે, પરંતુ જે કંઈ લોકપ્રિય થયું હોય એ બધું જ કામ ક્વૉલિટીવાળું હોય તે જરૂરી નથી. અર્થાત્ કચરપટ્ટી કક્ષાનું કામ પણ લોકપ્રિય થતું હોય છે. અગેઈન, જે કંઈ લોકપ્રિય થતું હોય તે બધું જ કામ કંઈ કચરપટ્ટી કક્ષાનું હોતું નથી. તારણ એ કાઢવાનું કે લોકપ્રિયતા મેળવનારા સર્જકો બે પ્રકારના હોય – એક, ક્વૉલિટી કામ કરનારા અને બે, કચરપટ્ટી કામ કરનારા.

હવે આની સામેના છેડે જઈને જોઈએ. જે લોકો લોકપ્રિય નથી થતા માત્ર ગણ્યાગાંઠ્યા લોકોમાં જ પુછાય છે તેઓ બધા શું આપોઆપ ક્લાસી છે એવું કહી શકાય? એમની ગુણવત્તા એટલી બધી ઊંચી છે કે આમ જનતાની એમાં ચાંચ ડૂબી શકતી નથી એવું સર્ટિફિકેટ આવા લોકોને આપોઆપ મળી જાય? ના. આ કેટેગરીમાં પણ કચરપટ્ટી કામ કરનારા હોય જ છે. કદાચ લોકપ્રિયતાવાળી કેટેગરી કરતાં અહીં પર્સન્ટેજ પ્રમાણે ગણીએ તો વધારે લોકો કચરપટ્ટી કામ કરનારા હોય છે અને જ્યારે એમનું ‘સી’ ગ્રેડ કામ લોકો વખોડે છે ત્યારે તેઓ મિયાં પડ્યા પણ ટંગડી ઊંચીના ન્યાયેે કોલર ઊંચા રાખીને ફરતા રહીને કહ્યા કરે છે કે ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે? (અહીં ખાખરા એટલે જીરાળું કે મેથીના મસાલા સાથે ખવાતા ખાખરા નહીં પણ ખાખરના ઝાડનાં પાન, જેમાંથી પડિયા-પતરાળાં બને. હવે, નવી જનરેશનને કેવી રીતે સમજાવવું કે પડિયા-પતરાળાં કઈ બલા છે? વેલ, ધે આર ડિસ્પોઝેલ ઍન્ડ બાયો ડિગ્રેડેબલ ડિશીઝ ઍન્ડ બોલ્સ વિચ અવર ફોરફાધર્સ યુઝ્ડ ઇન નાતનું જમણ … જવા દો, યાર. નહીં ફાવે).
જે લોકોને ક્વૉલિટી કામ કરતા નથી આવડતું અને એમના એવા નબળા કામને લીધે તેઓ ખૂબ બધા લોકો સુધી પહોંચી શકતા નથી એવા સાહિત્યકારો, નાટ્યકારો, ફિલ્મકારો, કૉલમકારો, વગેરેકારો લોકપ્રિયતાને વખોડતા રહે છે, લોકપ્રિયતા તો ચીપ મીન્સથી-છીછરાં કામ કરીને જ મળતી હોય છે એવી ભ્રમણા ફેલાવતા રહે છે.
પણ આપણે જોયું છે કે સારું-ઊંચી કક્ષાનું કામ કરીને ટોચની લોકપ્રિયતા મેળવી જ શકાતી હોય છે. હવે આનો ગેરલાભ કોણ લે છે? એવા લોકો જેઓ છીછરાં-ચીપ સર્જનો કરીને લોકપ્રિયતા મેળવે છે તેઓ. એ લોકો પોતાની લોકપ્રિયતાને ક્વૉલિટેટિવ કામ કરનારાઓની સાથે સરખાવતા થઈ જાય છે અને માનવા માંડે છે કે અમે બંને સરખાં છીએ. ક્રિકેટના સ્ટેડિયમમાં નિર્વસ્ત્ર બનીને મેદાન પર દોડી જનારાઓ ( કે જનારીઓ)નો હેતુ લોકોમાં પોતાની હાજરીની નોંધ લેવાય તે હોય છે. આ જ રીતે દરેક ક્ષેત્રમાં ‘મને જુઓ, મને જુઓ’ની મેન્ટાલિટીવાળાઓને પણ પોતાના ‘સી’ ગ્રેડના માલ થકી લોકપ્રિયતા મળી જતી હોય છે.
હૃષિકેશ મુખર્જી અને ડેવિડ ધવન બેઉ આદરણીય સર્જકો, બેઉ લોકપ્રિય પણ બેઉની કક્ષા કે ગુણવત્તા એકસરખી નથી આ સમજવાનું છે. તેરે બિના ઝિંદગી સે શિકવા અને ચાર બજ ગયે ફિર ભી પાર્ટી અભી બાકી હૈ – બેઉ ગીતો લોકપ્રિય અને બેઉના સર્જકોને સલામ પણ બેઉની ગુણવત્તા એકસરખી નથી. શરદચંદ્રની નવલકથાઓ અને ગુલશન નંદાની નવલકથાઓ બેઉ પોપ્યુલર અને બેઉ મોટા ગજાના લેખકો પણ કક્ષા બેઉની સરખી નથી. આવા તો કેટલાય દાખલા સર્જનના એ કળાના દરેક ક્ષેત્રમાં તમે આપી શકો.
એ જ રીતે જેઓ લોકપ્રિય નથી, માસીસના માણસ નથી એવા બધા સર્જકોનું સર્જન એકસરખી કક્ષાનું નથી હોતું. આમાંના કેટલાક સર્જકો ખરેખર ઉચ્ચ કક્ષાનું સર્જન કરી ગયા પણ એકાધિક કારણોસર લોકપ્રિય ન બન્યા. આમાંના બીજા ઘણા સર્જકો સાવ ઊતરતી કક્ષાનું સર્જન કરી ગયા અને લોકો સુધી વાજબી રીતે જ ન પહોંચી શક્યા. સિન્સ આ બેઉ પ્રકારના સર્જકો લોકપ્રિય ન થયા એટલે એ બંનેનું સર્જન સરખી કક્ષાનું છે એમ કહીને બેઉને વખાણી (કે વખોડી) શકાય નહીં. વખાણાય એમને જ જેમની ક્વૉલિટી ઉચ્ચ કક્ષાની છે.
આપણી આસપાસની દુનિયામાં ક્લાસ અને માસ વચ્ચેની ક્વૉલિટી માત્ર લોકપ્રિયતાના માપદંડે જોખાય તે ખોટું છે. જે લોકપ્રિય છે તે બધું જ ચીપ છે એવી વાયકા કોણે વહેતી કરી હશે? જેઓ પોતાને ક્લાસમાં ગણાવે છે અને ઊતરતી કક્ષાનું સર્જન કરે છે એમણે.
કળાનાં તમામ માધ્યમોમાં થતાં સર્જનને પારખવા માટેનો માપદંડ માત્ર લોકપ્રિયતા ન હોઈ શકે, લોકપ્રિયતામાં ગુણવત્તા પણ ઉમેરાયેલી હોવી જોઈએ. અને સાથોસાથ, જે લોકપ્રિય નથી એ બધું જ સર્જન ઉચ્ચ કક્ષાનું છે, આમ પ્રજાની સમજણ બહારનું છે, ક્લાસ છે એવું પણ માની લેવું નહીં.મુંબઈમાં નાટકની ભાષામાં કહીએ તો પૃથ્વી થિયેટરમાં પર ભજવાતું બધું જ ઉચ્ચ કક્ષાનું હોય અને ભાઈદાસ સભાગૃહમાં ભજવાતું બધું જ નિમ્ન કક્ષાનું હોય એવું માનીને ચાલવું નહીં.
એક મરાઠી ફિલ્મનો સંવાદ છે: ‘તાળીઓ તો મા સરસ્વતીએ આપેલો શાપ છે એવું માનવામાં આવે છે.’
આ વાત સાથે આપનો વિશ્ર્વાસુ સહમત છે અને સહમત નથી પણ. આ સ્પષ્ટતા મારા પોતાના મનમાં સર્જાઈ જે તમારી સાથે વહેંચી.
પાન બનાર્સવાલા
બહુ ઓછા છે જે લોકો લખે છે,
ને મોટા ભાગના લખ-લખ કરે છે.
— હર્ષ બ્રહ્મભટ્ટ
••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.
‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ
પ્રિય વાચક,
તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.
‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.
વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.
કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.
તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.
દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.
‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.
‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.
‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/















સૌરભભાઇ, થોડો વખત પહેલાં આપશ્રીએ newspremi ના ૧૦ મનપસંદ લેખોનું લીસ્ટ માંગેલું , આપશ્રીને વિનંતી કે “સૌરભભાઇ ની પસંદગીના ટોપ ૧૦ “લેખો newspremi પર આપો. ધન્યવાદ. બીજું આજે રવિવાર છે, જલેબી – ફાફડા પ્રોગ્રામ થતો હશે newspremi પરિવારોમાં જેમાં અમે વાચકો પણ આવી ગયા બધાજ. એક સીરીઝ મુંબઈ /અમદાવાદ etc. ના સ્ટ્રીટ ફૂડ અથવા famous restaurant વિશે તમારી બનારસ ટૂર પેટર્ન પર, તો અમને જલસો થઈ જાસે.
સિનેમા જગતનું ઉદાહરણ લઇએ તો એકજ નામ ઉભરે રાજ કપૂર સાહેબ જેમણે ગુણવતા આપી અને લોકપ્રિયતા પણ ભોગવી, મેરા નામ જૉકર ના એકાદ અપવાદ સિવાય. જોકર એમની સર્વશ્રેષ્ઠ કૃતિ છે , પણ તમે લખ્યું છે એમ લોકપ્રિયતાના માપદંડથી જોકરની ઉત્કૃષ્ટતા માપવા જાવ તો ક્યાંક ખોટું થયું.