તડકભડક : સૌરભ શાહ
(‘સંદેશ’ , ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૫ એપ્રિલ ૨૦૨૦)
૨૧ દિવસના લૉકડાઉનનો સમય શરૂ થયો અને તરત રવીન્દ્રનાથ ટાગોરનું એક નાટક યાદ આવ્યું: ‘ડાક ઘર.’ સ્કૂલનો ઍન્યુઅલ ડૅ ‘વસંતોત્સવ’ નામે ઉજવાતો. દર બીજા વર્ષે આ નાટક ભજવાતું જ. અમલ નામનો છોકરો. પાલકને ત્યાં રહે. ટીબી જેવા, તે જમાનામાં અસાધ્ય ગણાતા રોગને કારણે વૈદરાજે એને ઘરની બહાર નીકળવાની સખત મનાઈ ફરમાવી. આખો દિવસ ઘરમાં રહીને કંટાળે. બારી પાસે જઈને બેસે. જતા-આવતા લોકો સાથે જે થોડીઘણી વાતો થાય એમાં સમય નીકળી જાય. આ વાતોમાં જે કંઈ માહિતી મળે એના પરથી એ પોતાની રીતે જાતજાતની કલ્પનાની સૃષ્ટિ રચે. એક દિવસ ચોકીદારે કહ્યું કે અમલના ઘરની સામે, રસ્તાની પેલે પાર, એક પોસ્ટ ઑફિસ બંધાવાની છે. રાજાના માણસો બાંધશે. અમલ એ દિવસથી દીવા સ્વપ્ન જોતો થઈ જાય છે. કલ્પનામાં એ રાજાને રૂબરૂ મળવા જાય છે. પોતે ઘેરઘેર પત્રો વહેંચવા નીકળી પડે છે. એને પોતાને પત્રો મળતા થાય છે. ચાર દિવાલના બંધનમાંથી એને માનસિક મુક્તિ મળે છે. નાટક આગળ ચાલે છે. અંત ખુલ્લો નથી પાડવો. ૧૯૬૫માં ચિલ્ડ્રન’સ ફિલ્મ સોસાયટીએ ‘ડાક ઘર’ નામની એક કલાકની ફિલ્મ બનાવી હતી જેમાં સચિન, બલરાજ સાહની, મુકરી, એ.કે.હંગલ, સત્યેન કપ્પુ અને એક નાનકડા રોલમાં શર્મિલા ટાગોર – આ બધાં જ હતાં. મદનમોહનનું મ્યુઝિક અને કૈફી આઝમીનાં ગીતો. સુષ્મા શ્રેષ્ઠ અને ભુપિન્દરે ગાયાં છે. યુ ટ્યુબ પર છે. લેખના અંતે એની લિન્ક આપી છે. ટાગોરે ૧૯૧૨માં આ નાટક લખેલું. વિશ્વભરમાં ખૂબ જાણીતું થયું. ટાગોરના મિત્ર અને પ્રસિદ્ધ અંગ્રેજ કવિ ડબ્લ્યુ. બી. યીટ્સે ‘ગીતાંજલિ’ને જગત સુધી પહોંચાડવા માટે ભાગ ભજવ્યો હતો. ‘ડાક ઘર’ના અંગ્રેજી વર્ઝન ‘પોસ્ટ ઑફિસ’ની પ્રસ્તાવના ડબ્લ્યુ. બી. યીટ્સે લખી હતી. અંગ્રેજીમાં પ્રથમ ભજવણી પણ એમણે જ કરી હતી.
વિવેચકો અને સાહિત્યકારો આ નાટકને જાતજાતની રીતે ઈન્ટરપ્રીટ કરતા રહે છે. બાળપણમાં શાળાના ‘વસંતોત્સવ’માં વારંવાર જોયેલા આ નાટકની માનસછબિ એટલી જ છે કે એકાંતના દિવસો કેવા ગૂંગળાવી નાખનારા હોય. કોઈને મળવાનું નહીં, કોઈની સાથે વાત કરવાની નહીં, કોઈની સાથે રમવાનું નહીં.
એક મિત્રે એન્તોન ચેખોવની ‘શરત’ વાર્તાની યાદ અપાવી. બે મિત્રો વચ્ચે હોડ લાગી: તું જો એક મહિનો એકાંતવાસમાં રહે તો તને આવડી મોટી અધધ રકમ મારે આપવાની અને મહિનો પૂરો કર્યા વિના, શરતનો ભંગ કરી બેસે તો તારે મને આટલી રકમ આપવાની. મંજૂર? મંજૂર.
એક ખાલી મકાનમાં પહેલા મિત્રે એકાંતવાસ શરૂ કર્યો. કોઈને મળવાનું નહીં, કોઈની સાથે વાત કરવાની નહીં. ટાગોર-ચેખોવના જમાનામાં મોબાઈલ ફોન તો શું લેન્ડલાઈનો પણ નહોતી. રેડિયો-ટીવી તો હોય જ ક્યાંથી? બે ટંકનું ભોજન નિયમિત મોકલી આપવામાં આવતું. થોડાં પુસ્તકો રાખવાની છૂટ હતી.
શરૂમાં તો પુસ્તકો વાંચીને ટાઈમપાસ થઈ જતો પણ પછી કંટાળો આવવા માંડ્યો. ઘરમાં એક ઘંટડી હતી. ઘંટડી વગાડીને બહાર સૂચના આપી શકાતી હતી કે હવે મને અહીંથી બહાર કાઢો. એકાંતથી કંટાળેલો, ત્રાસેલો મિત્ર પોતાના વાળ ખેંચે, રડે, ભયંકર પીડા અનુભવે પણ શરત યાદ આવે એટલે ઘંટડી ન વગાડે.
થોડા દિવસ થયા અને એને પોતાની અંદર કંઈક અજબ અનુભવ થવા લાગ્યો. ચિત્ત શાંત થવા માંડ્યું. છટપટાહટો ઓગળી જવા લાગી. જાણે હવે કોઈની જરૂર નથી. કોઈ વસ્તુની જરૂર નથી. મૌનમાં મઝા આવવા માંડી.
આ બાજુ બીજા મિત્રને ચિંતા થવા લાગી. આ રીતે જો મહિનો પૂરો કરી નાખશે તો આટલી મોટી રકમ હારી જઈશ. મહિનો પૂરો થવાને બે દિવસની વાર હતી. જે મિત્ર શરત હારવાની અણી પર હતો એણે ધંધામાં દેવાળું ફૂંક્યું. પેલો શરત જીતી જશે ને રકમ માગશે તો હું ક્યાંથી આપી શકીશ એવું વિચારીને એ એનું ખૂન કરવા બંદૂક લઈને નીકળી પડે છે. જઈને જુએ છે તો મકાન ખાલી છે. મહિનો પૂરો થવાને હજુ એક દિવસની વાર હતી. ખાલી ઓરડામાં એક પત્ર છે. પત્રમાં લખ્યું છે કે તારો ખૂબ ખૂબ આભાર, મિત્ર. આ મહિના દરમ્યાન મને જીવનમાં જે કંઈ મળ્યું છે તે લાખો-કરોડો રૂપિયા ખર્ચીને હું પામી ન શક્યો હોત. પોતાની સાથે રહેવામાં જે સુખ છે, શાંતિ છે એનું ઘણું મોટું મૂલ્ય છે. જીવનની જરૂરિયાતો કેટલી ઓછી છે તેની હવે મને ખબર પડી છે. હું શરત હારી જાઉં છું. મારે હવે શરત જીતવાની કોઈ જરૂર નથી, એ રકમની પણ કોઈ જરૂર નથી.
લૉકડાઉન દરમ્યાન રામનવમીની શુભેચ્છા આપવા એક પારસી મિત્રે અંગત સંદેશો મોકલ્યો. પોતે આખી દુનિયા ફરેલા છે. કુટુંબ સાથે દેશ-દેશાવરનો પ્રવાસ કરવાનો વર્ષોથી શોખ છે. તેઓ પણ પોતાના ઘરની ચાર દિવાલ વચ્ચે જીવી રહ્યા છે. એમના સંદેશામાં એમણે લખ્યું કે આ ૨૧ દિવસો આપણા સૌના માટે ‘પરિવર્તન પર્વ’ છે.
એમણે મારા મનની વાત પ્રગટ કરી દીધી, આપણા સૌના મનની વાત. કુદરતી આપત્તિ તો છેવટે કુદરતી આપત્તિ જ છે. એને કોઈ રોકી ન શકે, માત્ર એનાથી થનારું નુકસાન ઓછું કરી શકાય, એનો પ્રસાર થતો અટકાવી શકાય. એનો ભોગ બનેલાઓ માટે આપણાથી બને એટલું બધું કરી શકાય. અને આપણે એનો ભોગ ન બનીએ એ માટેની તકેદારી લઈ શકાય. જે બધું જ અત્યારે વિવિધ સ્તરે થઈ રહ્યું છે. પણ છેવટે તો કુદરતી આપત્તિ છે, એને સહન તો કરવી જ પડે.
આ ૨૧ દિવસોમાં જેઓ પોતાના ઘરમાં જ છે એમાંથી કોઈને કશું જ નથી થવાનું. સૌનો જીવ સલામત છે. આમ છતાં સૌનાં જીવનમાં આમૂલ પરિવર્તન આવવાનું છે.
સામાજિક જીવનનું જેટલું મૂલ્ય છે એટલું જ મૂલ્ય પારિવારિક જીવનનું છે અને અંગત જીવનનું તો એથીય અધિક મૂલ્ય છે એ વાત આ ૨૧ દિવસ દરમ્યાન સમજાવા માંડી છે. જમવામાં કશુંક ઓછુંવત્તું હશે કે ભાવતી વાનગી બને એવી સામગ્રી ઘરમાં નહીં હોય તો ચલાવી લેતાં આવડી જશે. રેસ્ટોરાં, મૉલ, મલ્ટીપ્લેક્સમાં ગયા વિના – ત્યાં જવાના તોતિંગ ખર્ચાઓ કર્યા વિના – ઘરમાં જ એ બધું મેળવી શકાય છે અથવા એના વિના ચલાવી શકાય છે એ વાત ઊંડે સુધી ઊતરી જવાની – ફિઝુલ ખર્ચાઓ પર કાયમ માટે કાબૂ આવી જવાનો, સમજદારો માટે. ‘ઝ્યાદા કી નહીં લાલચ હમકો, થોડે મેં ગુઝારા હોતા હૈ’ આ શબ્દો માત્ર ફિલ્મી ગીતના નથી પણ જીવનમાં ઉતારવા જેવા છે એનો અહેસાસ થવાનો આ દિવસોમાં.
કોરોના તો આજે છે ને કાલે નહીં હોય. આ દિવસોમાં ઘરે રહીને આપણા સૌમાં જે પરિવર્તનો આવશે તે ભવિષ્યમાં આપણને વધુ મજબૂત, વધુ ટફ બનાવશે. ઝંઝાવાતોમાં અડીખમ રહેતાં શીખવાડશે. દેશ પર, સમાજ પર, કુટુંબ પર, વ્યક્તિગત જીવનમાં – નાની મોટી આપત્તિઓ તો આવ્યા જ કરવાની છે. વિઘ્નો, સંકટો, અડચણો, કટોકટીઓ – આ બધું જ આખી દુનિયાએ, દરેક રાષ્ટ્રે, દરેક વ્યક્તિએ ભોગવવાનું છે, એનો સામનો કરીને જીતવાનું છે. ‘પરિવર્તન પર્વ’ના આ દિવસો આપણો સૌનો ભૌતિકરૂપે અને માનસિકરૂપે બાકીની જિંદગીની નાનીમોટી લડાઈઓ લડીને વિજ્યી બનવા માટેની તાલીમ માટે આવ્યા છે. કુદરતની આપત્તિની સામે મળેલી આ કુદરતી ભેટ છે – આ એકવીસ દિવસો.
‘ડાક ઘર’ની યુ ટ્યુબ લિન્ક- https://youtu.be/uxHWIdbmeJ8
પાન બનાર્સવાલા
બે વૉટ્સેપિયા:
-તમે જેટલું વધારે ઘરમાં બેસી રહેશો એટલી જ જલદી જલેબી-ફાફડાની દુકાનો ખુલશે.
હવે આનાથી વધારે હું મોટિવેશન નહીં આપી શકું તમને.
—————
એલા, બે અઠવાડિયાં થવા આવશે. હવે તો નહાવાનું કે હજુ હાથ જ ધોવાના…
Parivartan parva ni a vat rhaday ne sparshi gai.amuk samaye Ekantvat darek vyakti mate khub- j jaruri che te jsni shakayu. Ishvarni vadhu najik Jai shakay tevo ahesas that. roj swadhyay.- bhagvat smaran Kari shakay che. saurabhbhai v. motivated article
Hari om.
Tabligi jamat and other Antimodi gang activities are same as you have foreseen in your 21April-19 article…wish god blessed modiji cosplay up with it n come out victorious
Very nice and true philosophy sir. Parivartan tatha mansik badlav thodi sadhana jarur aavashe. Congratulations for such a nice article. ???
*આત્મ સંયમ અને સકંલપ ના ૨૧ દિવસ નુ અનુષ્ઠાન*
Parivartan parv ane Sadhna Parv
Khub j saras..khrekhar aa parivartan parva che..jo aapde samjiye to..aa lockdown aapnne thodi sadhuta to shikhvadi j dese..
જે પણ ક્ષણ આપણને મળે છે તેને આનંદ થી માણતા શીખો અને એ ક્ષણને કેમ અને કેવી રીતે માણી શકીએ તે જુઓ
પરિવર્તન પર્વ ?
જીવનશૈલી શરૂઆતથી જ ખપ પૂરતી જરુરીયાત મુજબની તથા સરળ,અને સાક્ષી ભાવે સહજતાથી સ્વીકાર.
??? સૌરભભાઈ
Sachi vat kari sir ape
Your articals are touchy.
સહિયારા કુટુબમા રહેલા તમને બધુ યાદ છે તે સરસ.
તમારા પાસે કુટુબના બીજા સભ્યો કરતા પૈસા ઓછા હશે પણ રીપ્યુટેશન મોટુ છૈ.