પાકિસ્તાનવાળાઓને ખબર હતી કે હુમલા વખતે તાજમાં કેટલા વીવીઆઈપી છે

(હિન્દુ આતંકવાદની ભ્રમણાઃ લેખ- ૯)

ગુડમૉર્નિંગઃ સૌરભ શાહ

(Newspremi.com, બુધવાર, ૩ એપ્રિલ ૨૦૧૯)

૨૬/૧૧ના અટૅકના પૂરા એક દાયકા પછી પણ આ એક વાત આર.વી.એસ.મણિના દિમાગમાંથી નથી ખસતી કે મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલયની ઍડિશનલ ચીફ સેક્રેટરી ચિતકલા ઝુત્શી નામની કાશ્મીરી મહિલા હુમલો શરુ થયો ત્યારે તાજમાં હતી અને થોડા કલાકો પછી એ ત્યાંથી સહીસલામત બહાર નીકળી ગઈ.

મણિસર ‘ધ મિથ ઑફ હિન્દુ ટેરર’ પુસ્તકમાં લખે છેઃ ‘એ સમયે ગૃહ મંત્રાલયનો કન્ટ્રોલ રૂમ સંભાળતા સી.આર.પી.એફ.ના કમાન્ડન્ટ પીટરે મને મજાકમાં કહ્યું હતું: આ ઑફિસર શું તાજમાં હુમલાનું ઉદ્‌ધાટન કરવા આવી છે?’

તાજ પરનો હુમલો હજુ ચાલુ હોય અને ત્યાંથી કોઈ સહીસલામત બહાર નીકળી જાય એવી જૂજ વ્યક્તિઓમાં આ બહેન ઝુત્શી હતી. ૨૦૦૯માં એણે ‘મુંબઈ મિરર’ના પત્રકારને કહ્યું હતું કે હું તાજ મહાલ હૉટલમાં એક અંગત ડિનર માટે ગઈ હતી.’

મણિસર અહીં હળવી કલમે નોંધે છે કે, ‘અમારામાં એક જોક પ્રચલિત છે કે બ્યુરોક્રેટ ક્યારેય પોતાના ખિસ્સામાં (પૈસા કાઢવા માટે) હાથ નથી નાખતો હોતો અને આમાં હું મારો પણ સમાવેશ કરી દઉં છું! આની સાથે એ પણ સ્પષ્ટતા કરી લઉં કે સેન્ટ્રલ સિવિલ સર્વિસીઝના કન્ડક્‌ટ રૂલ્સ મુજબ અમને લોકોને ક્યારેક કોઈની સાથે ભોજન લેવાનું આમંત્રણ સ્વીકારવાની છૂટ હોય છે એટલે ‘મફતિયું ડિનર’ લેવામાં અમે લોકો અમારા સર્વિસ રૂલ્સને તોડતા નથી.’

મણિસરનું કહેવું એટલું જ છે કે ઍડિશનલ ચીફ સેક્રેટરી ઝુત્શીએ પોતાની સાથે યજમાન તરીકે હૉટલમાં કોણ આવ્યું હતું એનું નામ જાહેર કરીને શંકાનાં વાદળો વિખેરવાં જોઈતાં હતાં. અને જો ડિનર એમણે હોસ્ટ કર્યું હોય તો એ સાંજે હૉટેલમાં એમના મહેમાનો કોણ હતા એની જાણકારી આપવી જોઈએ. પણ આવું કશું ઝુત્શીએ કહ્યું નથી. ઝુત્શીના ઈન્ટરવ્યુને ટાંકતાં પુસ્તકમાં લખાયું છે કે ઝુત્શીએ પત્રકારોને કહ્યુંઃ ‘હું મારા મિત્રો સાથે તાજમાં ડિનર માટે ગઈ હતી. સુમારે ૯.૩૫ વાગ્યે અમે ગોળીબારના અવાજો સાંભળ્યા. અમને ખ્યાલ આવ્યો કે આ એક આતંકવાદી હુમલો હતો. સદ્‌નસીબે બે ટેરરિસ્ટો અમે જ્યાં હતા ત્યાં, પહેલે માળે આવ્યા નહોતા. સાત કલાક સુધી અમે ત્યાં ગોંધાઈને રહ્યા. હું જે કોઈ પોલીસ અફસરો તેમ જ અન્ય અધિકારીઓને જાણતી હતી તે બધાને મેં ફોન કર્યા. મારી નોકરીની કામગીરીને લીધે મારા પર વધારાની જવાબદારી પણ હતી. મળસ્કે ૪.૩૦ વાગ્યે ફાયરબ્રિગેડના માણસોએ અમને બચાવી લીધા.’

મણિસર જણાવે છે કે એડ્રિયન લેવી અને કૅથી સ્કૉટ ક્‌લાર્ક લિખિત પુસ્તક ‘ધ સીજ – અટૅક ઑન તાજ’માં એ રાત્રે હૉટલ તાજ મહાલમાં જે કંઈ બન્યું એનું વિગતવાર બયાન છે. આ વેલ રિસર્ચ્‌ડ પુસ્તકમાં તાજના મૅનેજરો, અન્ય કર્મચારીઓ તથા હુમલામાં બચી ગયેલા બીજા અનેક લોકોના ઈન્ટરવ્યુ છે અને આમાંના કોઈએ કહ્યું નથી કે હુમલો ચાલુ હતો ત્યારે એમને કોઈએ બચાવ્યા હોય. નૅશનલ સિક્યુરિટી ગાર્ડના આવ્યા પછી જ બચાવની કામગીરી શરૂ થઈ હતી. આ બચી ગયેલાઓમાં પાવરફુલ બૅન્કર્સ અને વગદાર બિઝનેસમૅનોનો પણ સમાવેશ થાય છે. તો પછી, મણિસર ભારપૂર્વક પૂછે છે, ‘ઝુત્શીને કેવી રીતે બચાવી લેવામાં આવ્યાં એની વિગતો કેમ કોઈની પાસે નથી. ઝુત્શી કહે છે એમ એમની સાથે એમના મિત્રો પણ હતા તો આ ‘મિત્રો’માંથી કોઈ કેમ હજુ સુધી કંઈ બોલ્યું નથી કે એમનો બચાવ કેવી રીતે થયો?’

મહત્વની વાત એ છે કે ઝુત્શી એક એવાં અધિકારી છે જેમની જવાબદારી હતી આ જગ્યાની રખેવાળી કરવાની જેમાં આતંકવાદીઓ ઘૂસી ગયા હતા. કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર સરકારના આ અધિકારીને માહિતી આપી હતી કે આતંકવાદીઓ ક્યા માર્ગે ત્રાટકી શકે એમ છે. આમ છતાં આ ઑફિસર પોતે જ એમ કહે છે કે તેઓ એમના મિત્રો સાથે હુમલો થયો એ જગ્યા પર હાજર હતાં, સલામત હતાં અને કોઈ ઈજા વગર આરામથી ત્યાંથી બચીને બહાર આવી ગયાં.

ઍડિશનલ ચીફ સેક્રેટરી(ગૃહ મંત્રાલય,મહારાષ્ટ્ર)નો હોદ્દો ધરાવતાં ઝુત્શીની હાજરી એક મોટો પ્રશ્ન ખડો કરે છે. આવા હુમલા વિશેની ખાનગી માહિતી હંમેશાં રાજ્યના( અહીં મહારાષ્ટ્રના) ચીફ સેક્રેટરી, ડીજીપી(ડિરેક્‌ટર જનરલ ઑફ પુલિસ) તથા ગૃહ મંત્રાલય સાથે શેર કરવામાં આવતી હોય છે. પ્રોસિજર મુજબ ચીફ સેક્રેટરીને અવી માહિતી વિશે જાણકારી મળે એટલે તરત જ એ માહિતી લાગતાંવળગતાં ઍડિશનલ ચીફ સેક્રેટરી સુધી પહોંચાડવામાં આવતી હોય છે. ઝુત્શી ગૃહ મંત્રાલયમાં જવાબદારી નિભાવતાં લાગતાંવળગતાં અધિકારી હતાં. માટે સંભવિત હુમલા વિશેની માહિતી એમના સુધી ન પહોંચી હોય એ શક્ય નથી.

મણિસર સ્પષ્ટ લખે છેઃ ‘અંગત રીતે હું માનું છું કે આ અફસરની(તાજમાં હુમલ વખતે) હાજરી અને પછી ત્યાંથી હેમખેમ બચીને બહાર નીકળી જવું એ માત્ર યોગાનુયોગ ન હોઈ શકે.’

આ વાતના સમર્થનમાં મણિસર એક દસ્તાવેજ ટાંકે છે. તાજમાં હુમલાખોરો અને પાકિસ્તનમાં એમની દોરવણી કરી રહેલા એમના આકાઓ વચ્ચે સેટેલાઈટ ફોનથી થઈ રહેલી વાતચીતને આપણા સુરક્ષા દળે આધુનિક સાધનો વડે આંતરીને સાંભળી હતી. આ વાતચીતની ટ્રાન્સ્ક્રિપ્ટ ભારત દ્વારા જે પુરાવાઓ પાકિસ્તાનને મોકલવામાં આવ્યા એ ડોઝિયરમાં પણ હતી. આ વાતચીતના પુરાવાઓ પરથી ખબર પડે છે કે ભારતીય ન્યૂઝ ચેનલો જે માહિતી જાહેર કરતા હતા તેના પરથી પાકિસ્તાનમાં બેઠેલા આકાઓને ખબર પડી હતી કે હૉટલમાં અત્યારે ત્રણ પ્રધાનો તથા એક કેબિનેટ સેક્રેટરી પણ છે. આ માહિતી આકાઓએ હુમલાખોરોને પાસ કરી અને કહ્યું કે કઈ રૂમમાં છે તેની ખબર નથી પણ તમે લોકો એ 3-૪ જણને શોધી કાઢો અને પછી એમને બાનમાં રાખીને ઈન્ડિયા પાસેથી જે જોઈતું હોય તે માગી લેજો.

આવા સંજોગોમાં ઍડિશનલ ચીફ સેક્રેટરી ઝુત્શી હેમખેમ નીકળી જાય એવું કેવી રીતે શક્ય છે, મણિસર પૂછે છે.

પાકિસ્તાનમાંથી આવીને કોલાબાના દરિયા કિનારે ઊતરેલા ૧૦ આતંકવાદીઓને તાજ અને ટ્રાઈડેન્ટ હૉટલો તરફ જવાનો, સી.એસ.ટી. જવાનો, કાફે લિયોપોલ્ડ( જ્યાં વિદેશીઓની અવરજવર મોટા પ્રમાણમાં રહેતી હોય છે) જવાનો અને યહૂદીઓના ધર્મગુરુ તથા મુંબઈ આવતા પ્રવાસી યહૂદીઓનો જ્યાં નિવાસ હોય છે તે નરિમાન હાઉસ(છાબડા હાઉસ) જવાનો રસ્તો સ્થાનિક મદદ વિના, માત્ર જી.પી.એસ. વડે શોધવો અશક્ય છે.

બીજી એક મહત્વની વાત મણિસરે નોંધી છે તે એ છે કે દરિયા માર્ગે હુમલો થઈ શકે છે એવી બાતમી મળ્યા પછી મિનિસ્ટરી ઑફ હોમ અફૅર્સ દ્વારા ઘણી બધી મીટિંગો કરવામાં આવી હતી પણ દરેક વખતે ‘ટૉપ મોસ્ટ પોલિટિકલ ઑફિસ’ દ્વારા સૂચના મળતી કે આવા હુમલા ખાળવા માટે જે કંઈ પ્રવૃત્તિઓ કરવી હોય એમાં ‘સંયમ જાળવજો.’

મણિસરે પુસ્તકમાં આ લખ્યું છે. ‘સંયમ’ જાળવવા માટેની સૂચન આપનાર ‘ટૉપ મોસ્ટ’ રાજકિય હોદ્દેદાર ૨૦૦૮ના ગાળામાં કોણ હતાં એની કલ્પના કરવી શું અશક્ય છે?

વધુ કાલે.

આજનો વિચાર

આજકાલ દરેક લગ્ન સમારંભમાં બટાકાનું શાક જોઈને જીવ બળી જાય છે. સોનું કેટલું બધું વેડફાઈ રહ્યું છે!

_વૉટ્‌સએપ પર વાંચેલું.

એક મિનિટ!

રાહુલ: મમ્મી, મારી શકલ શું મોદીને મળતી આવે છે?

સોનિયા: ના, કેમ?

રાહુલ: તો પછી હું જ્યાં પ્રવચન કરવા જાઉં તે સભામાં બધા ‘મોદી મોદી’ કેમ બરાડે છે!

7 COMMENTS

  1. Superb effort. गुजराती हिंदुओं जागो. आपणे कदी मुस्लिमों खरिसतीयो के अरे पाकिस्तान नु पण अहित इछता नथी. पण आपणा देश अने संस्कृति ने भोठा पाड़ी तेनु अपमान करता लोक़ो नहीं चेतों तो आपणे जे स्वतंत्रता माणिए छिए ते आपणि बिजी पेढ़ी नहीं माणी शक़े अने गरी ग़ुलाम थाई जशु. बनभय- समाचार 2007 thi वेचई गयी चाहे . आ बीजू घुजरथ-समाचार ज छे. जय हिंद.

  2. Aa Chitralekha Zutsi madam ghana badha vivadaspad lekh pan lakhi chukya chhe Kashmir na Vishay per ane Scroll Jeva Leftisto na Priya chhe. Janme Kashmiri Hindu hova chata Aavu Hindu Drohi manas Jamate Islami ke ISI na Prabhav , Brain Washing ke pachi Funding na karane to nathi ne e Vaat ni pan Tapas thavi joiye. To j 26/11 maan emna Role ni puri tapas thai shakse.

  3. Sir , the book is unavailable on Amazon. Can you guide where it will be available (paper edition)?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here