ભારતને એક હજાર વર્ષ સુધી સમૃદ્ધ રાખવાની જવાબદારી એકલા મોદીની છે? : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ, ‘ન્યુઝપ્રેમી ડૉટ કૉમ : મંગળવાર, ૧૫ ઑગસ્ટ ૨૦૨૩)

ભારતને દુનિયાનો સૌથી શ્રેષ્ઠ દેશ બનાવવા કોણે શું શું કરવું પડે?

આજે, પંદરમી ઑગસ્ટે, ભારતને આઝાદ થયે ૭૬ વર્ષ પૂરાં થયાં અને આ પ્રસંગે વડા પ્રધાને લાલ કિલ્લા પરથી દેશ અને દુનિયાને શું સંદેશો આપ્યો તે આપણે સૌએ સાંભળ્યો.

વડા પ્રધાન એકલા ભારતને સમૃદ્ધ બનાવી દે અને આપણે તૈયાર ભાણે જમવા બેસી જઈએ એવું બનવાનું નથી, બની શકે પણ નહીં. દુનિયાના કોઈ પણ દેશના વડા પ્રજાના સાથ વિના પોતાના વિઝનને અમલમાં મૂકી શક્યા નથી. મોદીની પડખે રહેવા ૨૦૨૪માં એમને ચૂંટી કાઢીએ તે પૂરતું નથી. એ ઉપરાંત પણ આપણે કેટલાંક એવાં કામ કરવાનાં છે જેથી એમનો પાયો ઑર મજબૂત બને અને તેઓ વધુ ઊંચી અને વધુ ભવ્ય ઇમારત ચણી શકે.

આ કામ આપણે કરી શકીએ તે માટે આપણા દેશનો અત્યારે લખાઈ રહેલો ઇતિહાસ સમજવાની જરૂર છે, નજીકના ભૂતકાળનો (૧૯૭૫ની ઇમરજન્સી વગેરે સમયનો) ઇતિહાસ સમજવાની જરૂર છે, ભારતનો સાચો ઇતિહાસ સમજવાની જરૂર છે, નહીં કે વામપંથીઓએ લખેલો જુઠ્ઠો ઇતિહાસ જે આપણને અત્યાર સુધી ભણાવવામાં આવતો રહ્યો.

શું ભારતનો ઇતિહાસ આઝાદી મળ્યા પછી જ શરૂ થાય છે? ના. શું આઝાદી મેળવવા માટે ૧૮૫૭થી શરૂ થયેલા પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામથી ભારતનો ઇતિહાસ શરૂ થાય છે? ના. શું પ્રથમ મોગલ શાસકનું શાસન આરંભાયું ત્યારથી? ના, ભાઈ ના.

ભારતનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. દુનિયાની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક આપણી સંસ્કૃતિ છે અને આજની તારીખે એ પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંથી બચવા પામેલી એકમાત્ર સંસ્કૃતિ આપણી છે. બાકીની બધી જ સંસ્કૃતિઓ રોમન-ગ્રીસની-મેસોપોટેમિયાની-ઈજિપ્તની બધી જ સંસ્કૃતિઓ કાળક્રમે નષ્ટ પામી. આપણી સંસ્કૃતિ ટકી રહી એટલું જ નહીં અનેક અવરોધો, વિઘ્નો છતાં ઉત્તરોત્તર સમૃદ્ધ થતી ગઈ, ખડતલ બનતી ગઈ. ભારતને દુનિયાનો સૌથી શ્રેષ્ઠ દેશ બનાવવા આપણે આ સંસ્કૃતિને હજુ વધારે ઓજસ્વી બનાવવી જોઈએ, એના મજબૂત પાયા પર ઊભેલી આજની ઈમારતની કાળજી લઈને એને હજુ વધારે આકર્ષક બનાવવી જોઈએ અને દેશવાસીઓની આંખોમાં એનું ઝળહળતું સ્વરૂપ સદા દેખાતું રહે એવા પ્રચાર-પ્રસારનાં સાત્ત્વિક કાર્યો સતત કરવાં જોઈએ. એવું થશે તો અને ત્યારે આપણો દેશ વિશ્વના બાકીના દેશોના નાગરિકોની આંખોમાં પણ વસી જશે. આ કામ મોડું તો મોડું પણ ઑલરેડી શરૂ થઈ ચૂક્યું છે—૨૦૧૪થી.

અમેરિકા-ઓસ્ટ્રેલિયા-યુરોપના દેશોમાં એક જમાનામાં ‘ઈન્ડિયનો’ હડે હડે થતા. આજે એ દેશોની સ્થાનિક પ્રજાની ભારતીયોને જોવાની દૃષ્ટિ બદલાવા માંડી છે.

અમેરિકા-ઓસ્ટ્રેલિયા-યુરોપના દેશોમાં એક જમાનામાં ‘ઈન્ડિયનો’ હડે હડે થતા. આજે એ દેશોની સ્થાનિક પ્રજાની ભારતીયોને જોવાની દૃષ્ટિ બદલાવા માંડી છે. તમે ભારતથી આવ્યા છો અથવા તમારાં મૂળિયાં ભારતમાં છે એવી એ લોકોને ખબર પડે તો તેઓ તરત જ અત્યંત આદરથી તમને જોતા થઈ જાય છે.

ભારત દુનિયાના શ્રેષ્ઠ દેશોમાંનો એક છે એવું હવે ભારતીયો જ નહીં વિશ્વના લોકો, એમના નેતાઓ, એમની સરકારો પણ સ્વીકારતાં થયાં છે. આને કારણે ભવિષ્યમાં ભારતને દુનિયાનો સૌથી શ્રેષ્ઠ દેશ બનાવવાના કાર્યને પ્રોત્સાહન મળે છે. સવાલ એ છે કે આ કાર્ય કોણ કરશે? સ્વાભાવિક છે કે દરેક ભારતીયનું આ કર્તવ્ય છે અને સૌ કોઈ પોતપોતાની રીતે આ કાર્યમાં પોતાનો ફાળો આપી જ શકે એમ છે. પરંતુ શરૂઆત ક્યાંથી કરવી જોઈએ?

કોરોનાના સંકટ વખતે વેક્સિન આપવાનું કાર્ય જેમ સિક્સ્ટી પ્લસના નાગરિકોથી શરૂ થયું અને ક્રમશઃ ઉંમરની મર્યાદા ઘટતી ગઈ એનાથી ઊલટા ક્રમમાં આ કાર્ય શરૂ થવું જોઈએ. સૌથી પહેલાં ટીન એજર્સથી લઈને પચીસ-ત્રીસ વર્ષની ઉંમરના ભારતીય નાગરિકોને ધ્યાનમાં રાખવા જોઈએ. ભારતના નવઘડતરમાં આ એજ ગ્રૂપની મહત્તા કેટલી મોટી છે તે સમજી લઈએ.

ટીન એજ એક એવી ઉંમર છે જ્યારે સૌ કોઈને સિસ્ટમ બદલી નાખવાનું મન થાય, જે કંઈ ચાલી આવ્યું છે તેમાં રાતોરાત પરિવર્તન કરવાની હોંશ થાય. આપણે સૌ બાર-તેર વર્ષથી અઢાર-ઓગણીસ વર્ષની ઉંમર દરમિયાન ‘રિબેલ વિધાઉટ કોઝ’હતા. આપણી સંસ્કૃતિમાં તો આ અને એની આજુબાજુનાં વર્ષોને ગધાપચીસીની ઉંમર કહી છે. આ વર્ષો દરમ્યાન છેવટે કંઈ નહીં તો આપણી આસપાસના લોકો સામે, કુટુંબીજનો સામે અને માબાપ સામે બળવો કરીએ, આપણી મનમાની કરીએ. મને કોઈ સમજતું નથી અને મારા ક્રાંતિકારી વિચારોને સૌ કોઈ દબાવી દેવા માગે છે એવી લાગણી મનમાં ઉછળ્યા કરે. આ બધામાંથી આપણે પસાર થઈ ગયા છીએ. આવી લાગણી ટીન એજર્સમાં જોવા મળે ત્યારે એને વગોવવાની ન હોય. જળ,વાયુ, પ્રકાશ જેવી કુદરતી શક્તિઓને જ્યારે યોગ્ય દિશામાં લઈ જઈએ છીએ ત્યારે એનો કેટલો મોટો ઉપયોગ થાય છે તે આપણે જાણીએ છીએ. આવી કુદરતી શક્તિઓ બેકાબૂ બની જાય તો સર્વનાશ વ્યાપે એની પણ આપણને ખબર છે.

એટલે જ ટીન એજર્સથી લઈને પચ્ચીસ-ત્રીસની વયના નાગરિકોથી શરૂઆત કરવી પડશે. દરેક રાષ્ટ્રના ઘડતરમાં રાષ્ટ્રના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને રાષ્ટ્રના સર્વોચ્ચ વડા કેટલો મોટો ભાગ ભજવે છે તે આપણે ઇતિહાસમાં જોયું છે. સમકાલીન ઇતિહાસ પણ આ વાતની સાક્ષી પૂરે છે. ચૂંટણીની પ્રક્રિયા દ્વારા રાષ્ટ્રના નિર્માણનું કામ શરૂ થતું હોય છે. તાજેતરના ઘટનાક્રમમાં થોડાક પાછળ ફરીને જોઈએ. ૨૦૧૪ના જનરલ ઈલેક્શનમાં સૌપ્રથમ વાર મતદાન કરનારા ૧૮-૧૯ વર્ષના ટીન એજર્સ ૨૦૨૪ની ચૂંટણી વખતે
૨૮-૨૯વર્ષના હશે.

૨૦૨૪ની ચૂંટણીમાં સૌપ્રથમ મતદાન કરવાની જેમને તક મળવાની છે તે ભાવિ મતદારો અત્યારે સત્તરેક વર્ષના હશે.

રાજકારણની ગતિવિધિઓમાં તમને રસ પડે કે ન પડે છેવટે તો દેશના, સમાજના અને અંગત જિંદગીના ઘણાંબધાં પાસાઓનું ઘડતર રાજકારણ દ્વારા જ થતું હોય છે. માટે યુવાવર્ગ રાજકારણની ગતિવિધિ સમજીને મતદાન કરે એ જરૂરી છે. ભારત એક યુવાન દેશ છે. સરાસરી ભારતીય ૨૯ વર્ષનો છે. સરાસરી ચીની ૩૭, અમેરિકન ૪૦, યુરોપિયન ૪૬ અને જપાની ૪૮ વર્ષનો છે.

ભારત યુવાનોથી ભર્યોભર્યો દેશ છે. દુનિયામાં સૌથી વધુ યુવાનો ભારતમાં છે. આ યુવાનોએ દુનિયા બદલી શકે છે. દેશને બદલવાની તાકાત પણ એમનામાં છે. આ શુષ્ક દેખાતા આંકડાઓ નીરસ નથી હોતા પણ અહીં એમાં આથી વધુ ઊંડા ઊતરવાની જરૂર નથી. માત્ર એટલું સમજવું પૂરતું છે કે ભારતનું ભાવિ અત્યારે જેઓ ૧૭થી ૨૯ વર્ષના છે એમના હાથમાં છે.

આ ટીનેજર્સ અને યુવાનોને જો યોગ્ય દિશામાં વાળી શકીએ તો ભારત નિઃશંક વિશ્વનો સૌથી શ્રેષ્ઠ દેશ બની શકે. વાત પૂરી કરતાં પહેલાં આજના પવિત્ર દિને એક સંકલ્પ લઈએ.

કયો સંકલ્પ? ધીરજ રાખો. કહું છું.

નરેન્દ્ર મોદીની વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે વરણી થઈ તે પછી ચૂંટણીપ્રચાર શરૂ કર્યો અને બીજી બાજુ મીડિયામાં સિલેક્ટિવ બનીને લાંબા ઈન્ટરવ્યૂઝ આપવાનું શરૂ કર્યું. ૨૦૧૪ની વાત. રાજદીપ સરદેસાઈ આણિ કંપનીએ ૨૦૦૨ના રમખાણો દરમ્યાન જે કક્ષાનું પત્રકારત્વ કર્યું તે અધમતાની હદ સુધી ભારતનું પત્રકારત્વ ક્યારેય ગયું નહોતું. રાજદીપ સાથેની ટીવી મુલાકાતમાં નરેન્દ્રભાઈને ૨૦૦૨નાં ગુજરાત રમખાણો વિશે કોઈ સવાલ પૂછવામાં આવ્યો. રાજદીપનો આશય સ્પષ્ટ હતો. સૌ કોઈ જાણે છે કે મોદી આ બાબતમાં નિષ્કલંક હતા અને છે. પણ રાજદીપ રમખાણોના ઉલ્લેખ દ્વારા કાદવ ઉછાળવા માગતો હતો. સેક્યુલર પત્રકારોની આ ગંદી આદત છે – વગર લેવેદેવે, કોઈ સંદર્ભ વિના, ગમે ત્યાંથી જોડીને કોઈ એવી વાત લઈ આવવી જેને લીધે હિન્દુત્વ, હિન્દુત્વના પ્રહરીઓ અને હિન્દુ પ્રજા બદનામ થાય, એમનું નીચાજોણું થાય. પણ મોદી તો મોદી છે. એમણે રાજદીપની સામે કોઈ તુચ્છ મગતરાને જોતા હોય એવી નજરે જોઈને કહ્યું: દો હઝાર દો કે બાદ ઈન બારહ સાલોં મેં દુનિયા કહાં સે કહાં આ ગયી હૈ ઔર આપ કી સુઈ અભી ભી વહાં પે અટકી હુઈ હૈ…!

તમારું અહિત ઈચ્છનારાઓ તમારા ભૂતકાળમાંથી એવી એવી વાતો લઈ આવીને તમારા ચારિત્ર્યને ગંદું બનાવવાની કોશિશ કરશે જે વાતોને આજની તારીખે તમારા કામ સાથે કે તમારા જીવન સાથે કોઈ લેવાદેવા ન હોય.

તમારું અહિત ઈચ્છનારાઓ તમારા ભૂતકાળમાંથી એવી એવી વાતો લઈ આવીને તમારા ચારિત્ર્યને ગંદું બનાવવાની કોશિશ કરશે જે વાતોને આજની તારીખે તમારા કામ સાથે કે તમારા જીવન સાથે કોઈ લેવાદેવા ન હોય. તમે એમનું કોઈ કરતાં કોઈ નુકસાન ન કર્યું હોય પણ તમારી વિરાટ હસ્તી પર પોતાના થૂંકની પિચકારી છોડવાની લાલચ તેઓ રોકી નથી શકતા. શું કામ નથી રોકી શકતા! કારણ કે તમારા જેવી હસ્તી પર થૂંકવાની એમની તાકાત છે એવું પુરવાર કરીને તેઓ પોતાના સાથી-વહેંતિયાઓ પાસેથી તાળીઓ ઉઘરાવવા માગતા હોય છે. રસ્તે ચાલતા મામૂલી માણસની ટીકા કરે તો કોઈ ભોજિયોભાઈ પણ એમને ના પૂછે. પણ કોઈ તાલુકાગામમાંથી પ્રગટ થતા ફરફરિયામાં પુતિનનેને ધોકો લઈને ધોઈ નાખતો તંત્રીલેખ લખી નાખશે તો ચારેકોર પોતાની આ હિંમત બદલ વાહવાહી ફેલાઈ જશે એવી ભ્રમણામાં જીવતા પત્રકારો જેવા જ આ લોકો છે – તમારી વિરાટ પ્રતિમા પર થૂંકવાની લાલચ રાખનારાઓ.

કૃત્રિમ પ્રયાસો વડે તમારા માટે ઊભી કરવામાં આવેલી ક્રાઈસિસની અગ્નિપરીક્ષામાંથી પસાર થઈને તમે ફરી એક વાર શુદ્ધ સુવર્ણરૂપે દુનિયા સમક્ષ સાબિત થયા તે આ લોકોને પચતું નથી. પોતાની નબળી પાચનક્રિયાઓનો વૈદ પાસે ઈલાજ કરાવવાને બદલે તેઓ તમારા વિશે, એક જમાનામાં એમણે જ ફેલાવેલી અસંગત વાતો ટાંકીને વાતાવરણ દુર્ગંધમય બનાવતા હોય છે.

આવા લોકોની સામે નિરાંતે બેસીને ખુલાસાઓ કરવામાં તમારું મગજ દુષિત થવાનું છે. બહેતર છે કે હસીને એમના જડબા પર તડાતડી બોલાવી દે એવો એક નાનકડો જવાબ આપીને એમનાથી દૂર થઈ જવું.

કેટલાક લોકો તમારી નજીક જ એટલા માટે આવતા હોય છે અને કહેતા હોય છે કે લાગ મળ્યે તમારા ચહેરા પર કાળી શાહીનો ખડિયો ફેંકી શકે.

૨૦૨૪ની ચૂંટણી આડે જ્યારે ૯ મહિના જ રહ્યા છે ત્યારે તમારું નીચાજોણું કરાવવા આતુર એવા લોકો સાથે એવો જ જડબાતોડ વ્યવહાર કરવાનો છે જેવો મોદીએ પેલા સેક્યુલર સાથે કર્યો. તમારું સ્વમાન આંચકી જવાની હોંશ રાખનારાઓને એમની હેસિયત દેખાડી આપવાની છે. તમને શરમિંદા કરીને પોતાનો કૉલર ટાઈટ કરવાની ખ્વાહિશ રાખનારાઓ જો તમારા ખોંખારાથી સાનમાં ન સમજે તો તમારા ડંડૂકાના પ્રહારે માથે તમ્મર આવશે ત્યારે તો સમજશે જ.

આ સપરમા દહાડે આ જ સંકલ્પ લેવાનો છે અને લીધા પછી આખું વર્ષ જ નહીં, આખી જિંદગી એને ચુસ્તપણે, દૃઢતાથી વળગી રહેવાનું છે કે, ‘જે લોકોને મારું અપમાન કરવામાં રસ છે એવા લોકોના હાથમાં હું ક્યારેય મારું સ્વમાન નહીં મૂકું.’

કેટલાક લોકો તમારી નજીક જ એટલા માટે આવતા હોય છે અને કહેતા હોય છે કે લાગ મળ્યે તમારા ચહેરા પર કાળી શાહીનો ખડિયો ફેંકી શકે. આ એવા લોકો હોય છે જેમને ક્યારેય તમારા જેવી સિદ્ધિ, પ્રતિષ્ઠા, પદ કે પૈસો ન મળ્યાં હોય. તમને ખુશ જોઈને તેઓ ભડભડ બળતા હોય છે અને તમને ખરાબ સંજોગોમાંથી પસાર થતાં જોઈને તેઓ મુક્તમને ડિસ્કો કરતા હોય છે. તમે એમના બાપનું કશું જ ન બગાડ્યું હોય તે છતાં તમારા સ્વમાનને કચડી નાખવાની એક પણ તક તેઓ જતી કરતા નથી. તમારું નીચાજોણું થાય એવા પ્રસંગો તેઓ જાતે ઊભા કરતા હોય છે. તમારા શુભેચ્છક હોવાનો દેખાવ ચાલુ રાખવા તેઓ બીજાઓના ખભાનો ટેકો લઈને બંદૂક ફોડતા હોય છે.

તમારી જિંદગીમાં ક્યાંક ને ક્યાંક એવા લોકો આવી ચડે છે જેઓ તમને, તમારા વીતેલા સમયને પીંખી નાખીને તમારો વર્તમાન કુઠિત અને તમારું ભવિષ્ય ધૂંધળું કરી નાખવા માગે છે. એવી ઠાવકાઈ અને સલૂકાઈથી તેઓ પેશ આવશે કે ઘડીભર તમે એમને તમારા સ્વજન માની બેસશો. પણ તમારી કોઈ કાચી પળે તેઓ પોતાનું પોત પ્રકાશશે અને તમારા પરિવારમાં, તમારા સમાજમાં તમારું નીચાજોણું થાય એવી એવી વાતો – હરકતો કરશે. તમે શરમિંદા થશો તો એમને વધારે જોર ચઢશે. તમે નાનમ અનુભવશો તો તો તેઓ ચડી જ બેસશે તમારા પર.

તમારું અત્યાર સુધીનું જીવન એ તમારું છે, તમારો હક્ક છે એ વીતેલા સમય પર. કોઈ અલેલટપ્પુ આવીને તમારી સાથે ટપલીદાવ રમી જાય એ તમને મંજૂર નથી હોતું, પણ અત્યાર સુધી તમે ચૂપ રહેતા. વિવેકથી અતવા તો પછી ગિલ્ટ ફિલથી. પણ આજે સંકલ્પ કરો કે ચૂપ રહેવાથી વાત વધારે વણસે છે એટલે કાં તો ખોંખારો, નહીં તો પછી ડંડૂકો. મોદીએ એક જડબેસલાક શાબ્દિક થપ્પડથી રાજદીપ સરદેસાઈને સીધો કરી નાખ્યો. હવે તમારો વારો છે.

આજનો વિચાર

દરેક સમસ્યા એનો ઉકેલ લઈને જન્મતી હોય છે.

—અજ્ઞાત

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here