ઘાંચીના બળદને ક્યારેય ટ્રાફિકની સમસ્યા નડતી નથીઃ આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ

ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવઃ સૌરભ શાહ

(બુધવાર, ૧૦ ઑક્ટોબર ૨૦૧૮)

આપણે સતત ફરિયાદ કરીએ છીએ કે જિંદગીમાં કષ્ટ બહુ છે. ડગલે ને પગલે વિટંબણાઓ છે, મુસીબતો છે, કોઈ કામ હાથમાં લઈએ તો એને પૂરું કરવામાં અનેક વિઘ્નો, ખૂબ બધાં નડતર આવે છે.

સમસ્યાઓ વિનાનું જીવન હોઈ શકે? જેમ માની પ્રસૂતિની પીડા વિના કોઈ જીવનો જન્મ થતો નથી એમ જિંદગીમાં કોઈ કામ પીડા સહન કર્યા વિના પૂરું થવાનું જ નથી. ‘કષ્ટથી બચતાં રહીને મૂલ્યવાન (ચીજ) કેવી રીતે મેળવી શકાય?’ એવા પ્રશ્નના ઉત્તરમાં આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ મહારાજ સાહેબ ‘વન મિનિટ, પ્લીઝ’ પુસ્તકમાં કહે છેઃ ‘એક પણ મરજીવાએ મોતી મેળવવા કૂવામાં ડૂબકી નથી મારી.’

સહેલાઈથી કશું મળવાનું નથી. સાહસ વિના કશું પ્રાપ્ત થવાનું નથી. કષ્ટ સહન કર્યા વિના કોઈ સિદ્ધિ મળતી નથી. જે લોકો તમને સફળ દેખાય છે તેમની સફળતાની ચમકદમકથી અંજાયા વિના ઉઘાડી આંખે જોશો તો ખબર પડશે કે આ સફળતા મેળવવા માટે એમણે કેટકેટલી તપશ્ચર્યા કરી છે. ક્ષેત્ર કોઈ પણ હોય. કડી મહેનત કરવી જ પડે છે. ગુરુદેવ એક પ્રશ્ન લખે છેઃ ‘જીવનમાં ડગલે ને પગલે સમસ્યા અનુભવાય છે, કરવું શું?’ જવાબમાં તેઓ કહે છેઃ ‘ઘાંચીના બળદને ક્યારેય ટ્રાફિકની સમસ્યા નડતી નથી.’

રેસના ઘોડા બનનારે તાલીમ દરમ્યાન કષ્ટ સહન કરવું પડે. કમ્પાઉન્ડમાં કે મેદાનમાં ગાડી ચલાવનારને ટ્રાફિક નથી નડતો પણ એ ક્યાંય પહોંચતો પણ નથી. જેને ક્યાંક પહોંચવું તેણે ગાડે જોડાઇને માર્ગમાં આવતાં કંટક-પથ્થર સહન કરવા જ પડશે. રસ્તામાં અડચણો આવશે, રોકાઈ જવું પડશે, ધીરજની કસોટી થાય એવો વિલંબ પણ સહન કરવો પડશે.

તમારી પાસે ખૂબ પૈસો હોય, જીવનના કોઈપણ આનંદને ભોગવવાની ભરપૂર શક્યતાઓ અને સગવડતાઓ હોય, ભાવતાં ભોજનની કમી ના હોય- આવા વખતે શું ધ્યાન રાખવાનું હોય? ગુરુદેવનું આ માર્ગદર્શન યાદ રાખવાનું. પ્ર.ઃ ‘સ્વચ્છંદતા એટલે શું?’ ઉ.ઃ ‘વાડ વિનાનું પાકવાળું ખેતર એનું નામ સ્વચ્છંદતા.’

સ્વચ્છંદ ના બનવું હોય તો જાતને કાબૂમાં રાખતાં શીખવું પડે. સ્વચ્છંદતાનાં માઠાં પરિણામ વિશે ચિંતન કરતાં શીખવું પડે. વાડ વિનાના ખેતરના પાકને નુકસાન થશે તો નહીં પોસાય. કોઈ પણ ખેતરને વાડ હોવી જરૂરી, ખાસ કરીને ત્યારે જ્યારે એમાં પાક લહેરાતો હોય. જેની પાસે પૈસા નથી એણે તિજોરી વસાવવાની પળોજણમાં પડવાની જરૂર નથી. જેની પાસે સાચવવા જેવું કશું નથી એ સ્વચ્છંદ કેવી રીતે બનશે? પણ જેની પાસે દુનિયાને ઈર્ષ્યા આવે એવું બધું જ છે એણે પોતાના પાકને સાચવવા વાડ બાંધવી જ પડે.

આપણે જે માગીએ છીએ તે મળે કે ન પણ મળે પરંતુ આપણે જે આપીએ છીએ તે જરૂર આપણને પાછું મળતું હોય છે. મહારાજ સાહેબ આ બે પ્રશ્નોના ઉત્તરમાં આ વાત સરળતાથી સમજાવી દે છે.

પ્ર.ઃ ‘દુઃખ ન જ જોઈતું હોય તો શું કરવું?’

ઉ.ઃ ‘બીજાને દુઃખ આપવાનું બંધ જ કરી દેવું.’

પ્ર.ઃ ‘સુખ જોઈતું જ હોય તો શું કરવું?’

જ.ઃ ‘બીજાને સુખ આપવાનું શરૂ કરી જ દેવું.’

આપણે સમાજમાં રહીએ છીએ એટલે સતત બીજા લોકોના સંપર્કમાં આવવું પડે છે. કેટલીય વખત મૂંઝાઈએ છીએ કે આમાંના કેટલાક કે ઘણા લોકો સાથે આપણો મેળ કેમ નથી પડતો. એકલા રહેવાનો વિકલ્પ વિચારીએ છીએ તો પણ ધ્રુજી જવાય છે. આ લાગણી, આ વિચારો એકદમ નૉર્મલ છે એવો સધિયારો સાહેબજી આપે છે. આવી લાગણી થાય એ સ્વાભાવિક છે, એને સ્વીકારીને ચાલવાનું હોય, એમાંથી મુક્ત થવા માટે છટપટાહટ કરવાની ના હોય. કારણ કે આવો તરફડાટ કુદરતી નથી, સહજ નથી. આવી પરિસ્થિતિને સ્વીકારીને, આવી મૂંઝવણને અવગણીને આપણે આપણું કામ કરતાં રહેવાનું, રોકાઈ નહીં જવાનું. પ્રશ્ન છેઃ ‘માણસની સૌથી મોટી તકલીફ?’ ઉત્તર છેઃ ‘એકલા ફાવતું નથી અને બધાની સાથે જામતું નથી.’

જો આ જ પરિસ્થિતિ હોય તો તેને સ્વીકારી લેવાની એવો ઈશારો આ જવાબમાં છે.

દેખાડો કરવાની આપણને ટેવ પડી ગઈ છે. બીજાઓ આગળ સારા દેખાવા માટે કેટકેટલા ધમપછડા આપણે કરતાં રહીએ છીએ. લોકો કહેતા ફરે છે કે આપણે જેવા છીએ એવા જ દેખાવું જોઈએ. પરંતુ આપણે ખરાબ હોઈએ તો શું ખરાબ દેખાવું પણ જોઈએ? ના. મહારાજ સાહેબ આખી વાતને મૌલિક ટ્વિસ્ટ આપીને કહે છે કે બીજાઓ સમક્ષ આપણે જેવા દેખાઈએ છીએ એવા બનવાની કોશિશ કરવી જોઈએ. આપણે અંદરથી ભલે સ્વાર્થી, કપટી, ક્રોધી કે અન્ય દુર્ગુણોવાળા હોઈએ. પણ બીજાની આગળ કેવા ઉદાર, શાંત, ભલા અને સદ્- ગુણી દેખાવાની કોશિશ કરીએ છીએ? તો પછી જેવા છીએ એવા દેખાવાનો પ્રયત્ન કરવાને બદલે જેવા દેખાઈએ છીએ એવા જ બનવાનો પ્રયત્ન કેમ ના કરીએ? આપોઆપ પેલાં ક્રોધ, સ્વાર્થ, કપટ વગેરે દુર્ગુણો દૂર થઈ જશે અને એવું થશે ત્યારે આપણને જેવા છીએ એવા દેખાવામાં કોઈ વાંધો નહીં હોય. પ્રશ્ન હતોઃ ‘જીવનનો બહુ મોટો પડકાર ક્યો?’ અને ઉત્તરઃ ‘બીજા સમક્ષ આપણે જેવા દેખાઈએ છીએ, એવા બની જવું એ.’

મિત્રો વિનાનું, સંબંધો વિનાનું જીવન શક્ય નથી. મિત્રો ઉમેરાતા રહે છે, ઓસરાતા રહે છે. સંબંધો પણ નવા નવા સર્જાતા રહે છે, કેટલાક સરી પડતા હોય છે. ‘કોની સાથે દોસ્તી કરતાં પહેલાં વિચારવું?’ મહારાજ સાહેબ કહે છેઃ ‘વાતે વાતે જેને ઓછું આવે અને ખોટું લાગે એની સાથે.’

લોકો ઘણી વખત તમારી પાસે પરાણે હા પડાવી જતા હોય છે. ‘દુર્જન સામેની શ્રેષ્ઠ હિંમત કઈ?’ સાહેબજી કહે છેઃ ‘એને ‘ના’ સંભળાવી દેતી છપ્પનની છાતી.’

દુઃખની તીવ્રતા ઓછી કરવાનો ઈલાજ ગુરુદેવ પાસે છે. ‘આજનું દુઃખ વધુ ભયંકર ક્યારે બની રહે છે?’ જવાબ છેઃ ‘એમાં જ્યારે આવતી કાલની કલ્પના ભળે છે ત્યારે.”

આજની વાતને આજ સુધી જ સીમિત રાખીએ તો ઘણાં દુઃખદર્દ ઓછાં થઈ જાય. આવતી કાલની કલ્પના ક્યારેક આજની તકલીફોને બિલોરી કાચ નીચે દેખાડતી હોય છે અથવા તો ક્યારેક આપણી પલાયન વૃત્તિને પાળતીપોષતી થઈ જતી હોય છે. આપણી પાસે જે છે તે આજની ક્ષણ છે. એમાં જ રહીએ, એને જ વાપરીએ. આવતી કાલના સમયને આજે ઉછીનો લઇને ઊધારીમાં જીવવાનું બંધ કરીએ. આચાર્ય વિજય રત્નસુંદરસૂરિએ ‘વન મિનિટ, પ્લીઝ’માં આવા તો ઘણા ઘણા મૌલિક વિચારોની પ્રસાદી આપી છે. વધુ આવતી કાલે.

આજનો વિચાર

પ્ર.ઃ જીવનની સાર્થકતા શેમાં?

ઉ.ઃ આશયમાં પવિત્રતા અને પ્રયાસમાં પૂર્ણતા.

_આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ

(‘વન મિનિટ, પ્લીઝ’માં)

6 COMMENTS

    • JAI SHRI KRISHNA,it’s true let’s hear something more from tommorw onwards and may our friends and relatives join us

  1. Pranam to all,MATHHEN Vandami to Gurudev, All thoughts advice by Gurudev is nice to follow which make our day to day life more religious &meaningful.Thanx..

  2. અદભુત વિચાર
    જેમ પાણીને શુદ્ધ કરી શકાય એમ વિચારોને કેવી રીતે શુદ્ધ કરી શકાય?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here