( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 12 ફેબ્રુઆરી 2025)
ગાંધીજીના પર્સનલ સેક્રેટરીની જવાબદારી નિભાવતા મહાદેવભાઈ દેસાઈએ બાપુના રાષ્ટ્રીય જીવનની, જાહેર જીવનની અનેક અંગત પળોની પણ પોતાની રોજનીશીમાં નોંધ કરી. પણ ‘મહાદેવભાઈની ડાયરી’ના ૨૨ છપાયેલા ગ્રંથોમાં ક્યાંય મહાદેવભાઈએ પોતાના પુત્ર નારાયણના જન્મનો ઉલ્લેખ કર્યો નથી.
૨૪-૧૨-૧૯૨૪ના રોજ જન્મેલા નારાયણ મહાદેવભાઈ દેસાઈનું દસ વર્ષ પહેલાં, રવિવાર ૧૫ માર્ચ ૨૦૧૫ના દિવસે લાંબી માંદગી બાદ સુરતની હૉસ્પિટલમાં અવસાન થયું હતું.
પિતાની અદ્ભુત જીવનકથા (બેઉ અર્થમાં – પિતાના અદ્ભુત જીવનની કથા અને પિતાના જીવનની કથાનું અદ્ભુત શૈલીમાં આલેખન) લખનારા નારાયણ દેસાઈએ ૧૯૯૨માં પ્રગટ થયેલા લગભગ ૭૦૦ પાનાંના પુસ્તક ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ની પ્રસ્તાવનામાં નોંધ્યું છે:
‘ડાયરીઓ ઉથલાવી જોઈ તો તે નામે ‘મહાદેવભાઈની ડાયરી’ ખરી, પણ હતી સર્વ ગાંધીજીની ડાયરી. મારા જન્મદિવસની આસપાસના અઠવાડિયાની ડાયરી ખોળી જોઈ, તો તેમાં પુત્ર જન્મનો ઉલ્લેખ જ ન મળે!’
નારાયણ દેસાઈના જન્મના દિવસે અને આસપાસના અઠવાડિયાની નોંધમાં પિતા મહાદેવભાઈએ ‘બેલગામના પુણ્યતીર્થમાં’ શીર્ષકથી લાંબી નોંધ લખી છે. મહાદેવભાઈની ડાયરીના છઠ્ઠા ભાગમાં ૨૦-૧૨-૧૯૨૪થી ૨૯-૧૨-૧૯૨૪ સુધી કૉન્ગ્રેસના અધિવેશનની નોંધ છે.
નારાયણ દેસાઈની વાત સાચી છે, મહાદેવભાઈએ ગાંધીજીના જીવનને લોકો સમક્ષ મૂક્યું, પોતાના જીવનને અવગણીને. નારાયણ દેસાઈએ પણ પોતાના વિશે લખવાને બદલે પિતૃતર્પણરૂપે ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ લખીને મહાદેવભાઈના જીવનની વિગતો પ્રજા સુધી પહોંચાડવાનું પુણ્ય કાર્ય કર્યું.
એવું નથી કે નારાયણ દેસાઈએ પિતાની બાયોગ્રાફી લખી એ પહેલાં મહાદેવભાઈના જીવનની વિગતો અજાણી હતી. મહાદેવ દેસાઈની જન્મશતાબ્દી નિમિત્તે ૧૯૯૧માં પ્રગટ થયેલા ‘શુક્રતારક સમા મહાદેવભાઈ’ ગ્રંથનું સંપાદન ‘નિરીક્ષક’ના ભૂતપૂર્વ તંત્રી, કવિ, નિબંધકાર, વિવેચક અને અંગ્રેજીના પ્રાધ્યાપક સ્વ. જયંત પંડયાએ કર્યું હતું. શુક્રતારક સમા – આ ઉપમા સ્વામી આનંદે મહાદેવભાઈ માટે આપી છે. સ્વામી આનંદનો એ લેખ ‘સંતોના અનુજ’માં પ્રથમ વાર સંગ્રહસ્થ થયો હતો.
૧૯૪૨ની ૧૫મી ઑગસ્ટે નાની ઉંમરે અવસાન પામનાર મહાદેવભાઈ દેસાઈએ ૫૦ વર્ષની નાની આવરદા (જન્મ: ૧-૧-૧૮૯૨) દરમ્યાન ગાંધીજીની અમૂલ્ય સેવા કરી. મૃત્યુ પણ ગાંધીજીના સહવાસમાં પામ્યા – યરવડા જેલમાં. પૂણેના આગાખાન મહેલમાં (જે યરવડા જેલ તરીકે વધારે જાણીતો છે) ‘ક્વિટ ઈન્ડિયા’ની ચળવળ દરમ્યાન ગિરફતાર થઈને આવ્યા અને અઠવાડિયા કરતાં ઓછા સમયમાં દુનિયા છોડી ગયા. ગાંધીજીએ પોતાના હાથે એમના અંતિમસંસ્કાર કર્યા. આવું મૃત્યુ ભાગ્યશાળીને પ્રાપ્ત થાય.
સ્વામી આનંદે એમને આપેલી પોતાની ઉપમા સમજાવતાં લખ્યું છે:
‘આકાશના તારાઓમાં શુક્રનો જોટો નથી. એને ચંદ્રનો જોડીદાર ગણ્યો છે. એની આભાપ્રભાનાં વર્ણન કરતાં સંસારના કવિઓ થાક્યા નથી… આમ છતાં આભામંડળની કલગી સમા આ તેજસ્વી તારાને દુનિયા સમીસાંજે કે વહેલી સવારે કલાક – બે કલાકથી વધુ દેખી શકતી નથી. તેમ ભાઈ મહાદેવ પણ આધુનિક ભારતવર્ષના સ્વાતંત્ર્યના ઉષાકાળે પોતાની તેવી જ આભાથી આપણા આકાશને ઝળાંહળાં કરી, દેશ-દુનિયાને મુગ્ધ કરી, શુક્રતારકની જેમ અચાનક આથમી ગયા!’
‘સંતોના અનુજ’ પુસ્તક સ્વામી આનંદની હયાતિમાં જ પ્રગટ થયું. મહાદેવભાઈ સહિત કિશોરલાલ ઘ. મશરૂવાળા વગેરે સાથીઓ અને ગુરુજનો વિશેનાં ચરિત્રલેખોનું આ પુસ્તક સ્વામી આનંદે ‘મહાદેવભાઈની પુણ્યસ્મૃતિને’ અર્પણ કરેલું છે.
પિતાની જીવનકથા લખવા ઉપરાંત લેખનક્ષેત્રે નારાયણ દેસાઈનું બીજું મહત્ત્વનું પ્રદાન ‘મારું જીવન એ જ મારી વાણી’ જેમાં એમણે ગાંધીજીના જીવન અને વિચારોનું આલેખન કર્યું. મૃત્યુના ત્રણ મહિના પહેલાં, ડિસેમ્બર ૨૦૧૪માં નારાયણભાઈ કોમામાં સરી પડ્યા. દિલ્હીની સાહિત્ય અકાદમીથી પુરસ્કૃત થયેલા નારાયણ દેસાઈ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ રહી ચૂક્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે પણ એમણે કામગીરી બજાવી છે.
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વેડછી ગામનો આશ્રમ નારાયણભાઈ વિના સૂનો બની ગયો. મંગળવાર, દસમી ડિસેમ્બર ૨૦૧૪ની આગલી સાંજે રોજના નિત્યક્રમ મુજબ એમણે પોતાના નિવાસસ્થાને ૧૦ વાગ્યા સુધી વાંચન-લેખન કર્યું. સવારે છ વાગ્યે ઊઠ્યા. સવારે ૮ વાગ્યે તેમના રૂમમાં તપાસ કરતાં ખબર પડી કે તેઓ બેભાન છે. વેડછીથી ઍમ્બ્યુલન્સમાં બારડોલી અને બારડોલીથી સુરતની મહાવીર હૉસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા. ફરી સાજા થયા પણ સંપૂર્ણ સ્વસ્થતા પાછી આવી નહીં. આયુષ્યના અંતિમ દિવસો દરમિયાન તેઓ કોમામાં જ રહ્યા.
ઉત્તરાવસ્થામાં ઠેર ઠેર ફરીને એમણે ‘રામાયણ’ અને ‘ભગવદ્ કથા’ની જેમ ‘ગાંધીકથા’ની પારાયણ કરી ગાંધીજીના વિચારોને વધુ ને વધુ લોકો સુધી લઈ જવાની કોશિશ કરી.
અઢી-ત્રણ દાયકા અગાઉ વલસાડમાં મોરારજી દેસાઈ વિશેના એક જાહેર કાર્યક્રમમાં નારાયણ દેસાઈ, ગુણવંત શાહ અને મારે વક્તવ્યો આપવાનાં હતાં ત્યારે પહેલવહેલી વાર એમને રૂબરૂ મળ્યો. એ પછી એક વાર ગુજરાત વિદ્યાપીઠના સભાગૃહમાં એમની ‘ગાંધીકથા’ સાંભળી. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે એમની વરણી થઈ ત્યારે હું પરિષદની કારોબારી સમિતિમાં નિષ્ક્રિય થઈ ગયો હતો. નારાયણ દેસાઈનું ‘મહાદેવભાઈની ડાયરી’નું સંકલનકાર્ય અને ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ – આ બે કાર્યો એમના ગયા પછી પણ કાયમ માટે યાદ રહેવાનાં છે.
નરહરિ પરીખની સાથે રહીને કરેલું ‘મહાદેવભાઈની ડાયરી’નું સંપાદન અનેક રીતે ઘણું કપરું કામ હતું. ૧૯૬૪માં પ્રગટ થયેલા છઠ્ઠા ભાગની પ્રસ્તાવનામાં સંપાદકોએ નોંધ્યું છે: ‘મહાદેવભાઈની ડાયરીનો પાંચમો ભાગ ૧૯૫૧માં નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ દ્વારા પ્રગટ થયેલો. ત્યાર બાદ ૧૩ વર્ષ પછી આ છઠ્ઠો ભાગ સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા પ્રગટ થાય છે. વચગાળાના વિલંબ અને પ્રકાશક એજન્સીના ફેરફાર અંગે લેખક અને સંપાદકના વારસદારો તરીકે અમારે કેટલુંક સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે.’
‘અમારે’ એટલે નારાયણ મહાદેવભાઈ દેસાઈ અને મોહન નરહિર પરીખ. મોહનભાઈ પરીખની બારડોલીની સુરુચિ છાપશાળાનું સુઘડ પ્રિન્ટિંગ ખૂબ વખણાતું.
પ્રસ્તાવનામાં સ્પષ્ટીકરણ કરતાં જણાવાયું કે મહાદેવભાઈની ડાયરીના છઠ્ઠા ભાગના સંપાદનનું કામ ચાલી રહ્યું હતું તે દરમ્યાન થોડા વખતથી નવજીવન સંસ્થાએ મહાદેવભાઈ તેમ જ નરહરિભાઈનાં પુસ્તકો પર ‘સર્વ હક્ક પ્રકાશક સંસ્થાને આધીન’ એવું છાપવાનું શરૂ કર્યું છે. હકીકત એ હતી કે આ બેમાંના કોઈ લેખકે પ્રકાશકોને પોતાના કોપીરાઈટ આપ્યા જ નહોતા. આ જ અરસામાં સ્વ. કિશોરલાલ મશરૂવાળા તથા કાકાસાહેબ કાલેલકર જેવા ગાંધીજીના બીજા કેટલાક સાથીઓના કૉપીરાઈટ વિશે પણ મતભેદો સર્જાયા હતા. છેવટે લવાદ તરીકે ભારતના તે વખતના એટર્ની જનરલ મોતીલાલ સેતલવડને બેઉ પક્ષોએ વિનંતી કરી. સેતલવડે એપ્રિલ, ૧૯૫૮માં નિર્ણય આપ્યો કે આ કૉપીરાઈટ નવજીવનના નહીં પણ લેખકના વારસદારો નારાયણ મ. દેસાઈ અને મોહન ન. પરીખના છે.
આ આખા મામલામાં કૉપીરાઈટ થકી રૉયલ્ટીની કમાણી કરવાનો સહેજે ઉદ્ેશ નહોતો. નારાયણ દેસાઈ એ ગાળામાં વિનોબાની ભૂદાન ચળવળ સાથે સંકળાયેલા હતા. નારાયણભાઈએ પિતાની ડાયરીઓના સંપાદન કાર્યમાં ખૂંપી જવા વિનોબાની રજા માગી. પણ વિનોબાએ કહ્યું કે આવું કામ સંશોધન કરનાર સંસ્થા કે અન્ય વ્યક્તિને સોંપી દેવું જોઈએ. વિનોબાએ એવું પણ સૂચન કર્યું કે બધી ડાયરીઓ યથાવત્ છાપવાને બદલે એમાંથી જીવનને ઉપયોગી હોય એવી સામગ્રી અલગ તારવીને તેનો એક જ ગ્રંથ પ્રગટ કરવો. સદ્નસીબે ન તો નારાયણભાઈએ, ન નરહરિભાઈએ આ સલાહનું મહત્ત્વ સમજવા છતાં એનો અમલ કર્યો નહીં. એમ વિચારીને કે ડાયરીઓ એક વાર જેમ છે તેમ જ છાપી દેવી, પછી સંશોધકો પોતપોતાની રુચિ પ્રમાણે તેમાંથી ચયન કરે. આ રીતે ક્રમશ: મહાદેવભાઈની ડાયરીઓ પ્રગટ થતી ગઈ. ડાયરીનો ૨૧મો ભાગ મે ૧૯૯૫માં અને ૨૨મો – છેલ્લો – ભાગ ત્યાર બાદ પ્રગટ થયો. ગાંધીજી વિશેના રિસર્ચ માટે આજે આ ડાયરીઓ અમૂલ્ય રેફરન્સ મટીરિયલ બની ગઈ છે. નારાયણભાઈ દેસાઈના આ કામને, એમના જીવનને સૌ ગાંધીચાહકો કાયમ યાદ રાખશે.
સાયલન્સ પ્લીઝ!
લોકો પ્રથમ તમારી અવગણના કરવાના, પછી તમારા પર હસવાના, પછી તમારી જોડે લડવાના અને પછી તમારી જીત થવાની.
– ગાંધીજી
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
ઉત્તમ લેખ.
ગાંધી દ્વેષ અને સોશિયલ મીડિયા દુષ્પ્રચાર ની સામે સાચા અને મૂળથી ભારતીય એવા ગાંધી અને તેમના મૂળ સાથીઓને મૂકવા રહ્યા.
અંગ્રેજી બોલતા લખતા લેખકોએ ગાંધીજીને મૂર્ખ જેવા ઉદારવાદી, અતિ આધુનિક, હિંદુ વિરોધી અને બિન ભારતીય, અને અંગ્રેજી વિચારક જેવા ચીતર્યા છે જે સાવ ખોટું છે.
ગુજરાતી લખતાં લેખકોની જવાબદારી વધારે છે. સૌરભ ભાઈને વંદન.
A question to you and Saurabh bhai. MK Gandhi worked as lawyer in England for many years – he practiced law with other British lawyers. Was he discriminated there? Does not look like it. In one of the colonies – a train TC throws him out of first class compartment? Seems unlikely. Boar war – MK Gandhi was a medical staff on British Side. He even recruited people. Lokmanya Tilak, Ranade and others were rising as stronger voices of dissent of INC’s low grade talk only politics. MK Gandhi arrives and becomes a hero? Again fishy. His Hindu hatred is evident in his own writing post Noakali and Direct Action Day and quite shocking response to Moplah.
You’re a WhatsApp university student. That’s why you dare to right such nonsense. Read some authentic history before showing your ignorance.
ડાયરી માં ગાંધીજી લખે છે કે મહાદેવભાઈ મારા માટે Boswell( James Boswell) બનવા માંગે છે. તે બીજું કરી પણ શું સકે. તેમને તો તેમનું અસ્તિત્વ માંરા માં ઓગાળી દીધું છે.
૫૦ વર્ષ ના આયુષ્ય માં ૨૫ વર્ષ મહાદેવભાઈ ગાંધીજી સાથે રહ્યા (. ૧૯૧૭ થી ૧૯૪૨)
ડાયરી તો ગાંધીજી ની આધ્યાત્મિક બાજુને સમજવા માં ખૂબ ઉપયોગી છે.
આધ્યાત્મિક માર્ગ ના અભ્યાસુ માટે ડાયરી ખજાનો છે