( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 4 માર્ચ 2026 )
‘ઈન્ટરનૅશનલ રૉન્ગફુલ કન્વિક્શન ડે’ એટલે પોલીસ, પ્રોસિક્યુટર, કોર્ટ અને (નસીબ કે સંજોગો)ની કુંડળી જેના જીવનમાં ઊંધી ચીતરાઈ અને પૂરેપૂરો નિર્દોષ હોવા છતાં જેને જેલની હવા ખાવી પડી તેવા ગુનેગારને યાદ કરવાનો દિવસ. ૨૦૧૪થી દર વર્ષની બીજી ઑક્ટોબરે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આવો દિવસ ઊજવવાનું નક્કી થયું તેનાં વર્ષો પહેલાં, આ વિષય પરનો એન્સાઈક્લોપીડિયા પ્રગટ થયો હતો. ડબલ મોટી સાઈઝનાં આઠસો પાનાંના આ દળદાર પુસ્તકમાં દુનિયાભરમાં વિવિધ કારણોસર જેમને નિર્દોષ હોવા છતાં કોર્ટે ગુનેગાર ઠેરવ્યા હોય એવા જાણીતા-અજાણ્યા લોકોના કિસ્સાઓ એમના ફોટા સહિત આપ્યા છે.
આવું થવાનાં અનેક કારણો હોવાનાં:
૧: અસલ પુરાવાઓ કે હકીકતોને કોઈએ દબાવી દીધાં હોય જેને કારણે નવાણિયો કુટાઈ જાય.
૨: પોલીસે જોર-ધમકીથી કબૂલાત કરાવી હોય.
૩: ગુનેગારની અસલી પહેચાન કરવામાં પોલીસ થાપ ખાઈ ગઈ હોય અને આલિયાની ટોપી માલિયાને પહેરાવી દેવામાં આવી હોય.
૪: પોલીસ પર કેસ સૉલ્વ કરવા માટે એટલું મોટું પ્રેશર હોય કે પોલીસે જાડો નર જોઈને એને શૂળી પર ચડાવી દેવો પડે.
૫: વિરોધીઓએ કોઈને ખોટી રીતે એવો જડબેસલાક સંડોવી દીધો હોય કે પેલો હું નિર્દોષ છું, હું નિર્દોષ છું ના બૂમબરાડા પાડતો રહે અને પોલીસ, પ્રોસિક્યુટર અને જજસાહેબ એને સળિયા પાછળ ધકેલી દે.
૬: ક્યારેક બીજા કોઈએ કોર્ટમાં સોગંદ લઈને બયાન આપ્યું હોય તેના આધારે કોઈ બીજાનો ગુનો ‘સાબિત’ થઈ જાય. હકીકતમાં પેલાએ પર્જરી કરી હોય, ખોટું સોગંદનામું આપીને કોર્ટને ઉલ્લુ બનાવી હોય.
૭: ક્યારેક કોઈ જ ગુનો બન્યો ન હોય છતાં ‘ગુનેગાર’ને સજા થઈ હોય એવા કિસ્સા પણ બન્યા છે.
૮. ઘણી વખત અજાણ્યા દેશમાં ભાષાના બંધન નડતા હોવાને કારણે નિર્દોષ વ્યક્તિ પોતાની વાત કોઈને ગળે ન ઉતારી શકે એટલે એને ગુનેગાર જાહેર કરવામાં આવે એવું પણ બન્યું છે.
૯. દેશમાં તેમ જ પરદેશમાં વ્યક્તિની સામે પૂર્વગ્રહ હોય – એની ભાષા, જાતિ, એના ધર્મ, એની ચામડીનો કલર, એની વિચારસરણી વગેરેને લીધે ત્યારે એણે ન કરેલા ગુનામાં એને ફ્રેમ કરી દેવામાં આવે છે.
૧૦: અને છેલ્લું સૌથી મહત્ત્વનું કારણ: પોલીસ અથવા પ્રોસિક્યુટર અથવા કોર્ટની બેદરકારી અથવા બેવકૂફી અથવા બદમાશી અથવા આ છએય ફેક્ટરનાં પરમ્યુટેશન – કૉમ્બિનેશનના પરિણામે અનેક નિર્દોષ વ્યક્તિઓ વર્ષો સુધી વગર કારણે જેલમાં સબડતી હોય છે અને ક્યારેક તો અલમોસ્ટ ફાંસીએ પણ લટકી જતી હોય છે.
અલમોસ્ટ ફાંસીએ લટકી જનારી એક નિર્દોષ વ્યક્તિ વિશે જહૉન ગ્રિશમે એક સરસ પુસ્તક લખ્યું છે. ગ્રિશમ નવલકથાકાર છે અને કોર્ટ-કાનૂનના બૅકગ્રાઉન્ડ પર જ ફિક્શન લખે છે. એમણે એકમાત્ર ક્રાઈમ-નૉન ફિક્શન ચોપડી લખી છે: ‘ધ ઈનોસન્ટ મૅન: મર્ડર ઍન્ડ ઈન્જસ્ટિસ ઈન અ સ્મૉલ ટાઉન.’ આ પુસ્તકમાં રોનાલ્ડ કીથ વિલિયમસન નામના બેઝબૉલ પ્લેયરની વાત છે જેને ૧૯૮૮માં થયેલા રૅપ અને મર્ડર માટે મોતની સજા મળી હતી. અગિયાર વરસ સુધી એ ફાંસીની ખોલીમાં રહ્યો પછી ‘ઈનોસન્સ પ્રોજેક્ટ’ની મદદથી ડીએનએ તેમ જ બીજા પુરાવાઓ કોર્ટે મંજૂર રાખ્યા અને ૧૯૯૯માં એને છોડવામાં આવ્યો ત્યાં સુધીમાં એના દિમાગની હાલત મિક્સરમાં ચર્ન કરેલી હોય એવી થઈ ચૂકી હતી. રોનાલ્ડની સામે ગ્લેન ગોર નામના માણસે જુબાની આપી હતી. ૨૦૦૩માં ગ્લેન ગોરને આ કેસમાં મોતની સજા થઈ પણ ૨૦૦૫માં આ સજા રદ થઈ. કેસ ફરી ચાલ્યો. છેવટે ગ્લેન ગોરને ૨૦૦૬માં લાઈફ સેન્ટન્સ વિધાઉટ પેરોલ થઈ, અર્થાત્ એ મરશે ત્યાં સુધી જેલમાં રહેશે – એની સજા ટૂંકાવવામાં નહીં આવે.
અમેરિકામાં પેરોલની વ્યાખ્યા આપણા કરતાં જુદી છે. આપણે ત્યાં સજા પામેલા કેદીને ઘરમાં અવસાન થયું હોય કે લગ્ન/બીમારી વગેરેનાં કારણો હોય તો જેલ સત્તાવાળાઓ કોર્ટની મંજૂરીથી કેદીને અઠવાડિયું – મહિનો પંદર દહાડા બહાર નીકળવા દે, મુદત પૂરી થઈ જાય એટલે પાછા જેલમાં જમા થઈ જવાનું.
અમેરિકામાં અમુક વર્ષ કરતાં લાંબી સજા કાપતા કેદીઓ માટે પેરોલ બોર્ડ હોય. એ બોર્ડ તરફથી અમુક વર્ષોના આંતરે કેદીઓના ઈન્ટરવ્યૂ લેવાય. બોર્ડને લાગે તો બાકીની સજા મુલતવી રાખીને કેદીને પેરોલ પર છોડી દે. આમ તો એની સજા પૂરી થઈ ગઈ ગણાય પણ ઑફિશ્યલી રદ થયેલી ન ગણાય. બહાર આવ્યા પછીની એની ચાલચલગત સારી ન હોય તો પોલીસ એને પકડી શકે, બાકીની સજા પૂરી કરવા માટે જેલમાં મોકલી શકે. પણ જો એ કેદી સુધરી ગયો હોય તો એણે ફરી ક્યારેય એ સજા કાપવા માટે જેલમાં જવાનું ન હોય. બાય ધ વે, વાત નીકળી જ છે તો ફર્લો વિશે પણ જાણકારી આપી દઉં. લશ્કર વગેરેમાં રજા માટે વપરાતી આ ટર્મ જેલના કેદીઓ માટે પણ વપરાય છે. દરેક કેદીને વર્ષે પંદરેક દિવસની રજા ભોગવવાનો હક્ક છે. કેદીઓની આ પી. એલ. – પ્રિવિલેજ લીવને ફર્લો કહે છે. કેદીઓ પોતાના કુટુંબ, સમાજ, બહારની દુનિયાથી કટ-ઑફ ન થઈ જાય અને સજા પૂરી કર્યા પછી ફરી પોતાના વાતાવરણમાં ગોઠવાઈ જઈ શકે એ માટે એમને દર વર્ષે બે-એક અઠવાડિયાની રજા આપીને એમના ઘરે જવાની છૂટ આપવામાં આવતી હોય છે. આ રીતે ફર્લો લેનારા કેટલાક કેદીઓ કાયમ માટે ‘વૉન્ટેડ થઈ જતા’ હોય છે અર્થાત્ રફુચક્કર થઈ જતા હોય છે અને કેટલાક કેદીઓ ક્યારેય ફર્લો નથી લેતા કારણ કે એમના કુટુંબે એમની સાથે કાયમનો નાતો તોડી નાખ્યો હોય છે અથવા તો કેદી પોતે સમાજને મોઢું બતાવતાં શરમ અનુભવતો હોય છે.
રોનાલ્ડ વિલિયમસનને જે ‘ઈનોસન્સ પ્રોજેક્ટ’ની મદદ મળી તેણે ૧૯૯૨થી અત્યાર સુધીમાં અમેરિકામાં ૩૨૯ એવા કેદીઓને જેલમાંથી છોડાવ્યા છે જેમને સિરિયસ ક્રાઈમ બદલ ખોટી રીતે કાયદાએ ગુનેગાર ઠેરવ્યા હતા, આમાંના ૧૮ તો મૃત્યુદંડની સજા પામીને ફાંસી ખોલીમાં રહેતા કેદીઓ હતા. આમાંના કેટલાય નિર્દોષો માટે ડીએનએ ટેસ્ટના પુરાવાઓ કામ લાગ્યા હતા. મોટા ભાગના નિર્દોષો એવરેજ દસેક વર્ષ સુધી ગુનેગાર તરીકે (આરોપી તરીકે નહીં) જેલમાં રહ્યા પછી નિર્દોષ છૂટ્યા છે.

‘ઈનોસન્સ પ્રોજેક્ટ’ જેવું કામ કરનારી કેટલીક સંસ્થાઓએ ૨૦૧૪ની બીજી ઑક્ટોબરે કેનેડાના ટોરન્ટો શહેરમાં લાઈક માઈન્ડેડ લોકોની એક કૉન્ફરન્સ કરીને દર વર્ષે આ દિવસને ‘ઈન્ટરનૅશનલ રૉન્ગફુલ કન્વિક્શન ડે’ તરીકે ઊજવવાનું નક્કી કર્યું. મૂળ હેતુ એ કે આ બહાને, ખોટી રીતે કન્વિક્ટ થતા નિર્દોષ લોકો વિશે પ્રજામાં જાગૃતિ ફેલાવવામાં આવે અને આવું ન બને તે માટે કેવાં કેવાં પગલાં લેવા જોઈએ એ વિશે ચર્ચા થઈ શકે.
દુનિયાભરમાં કાયદાની બાબતમાં એક સર્વસામાન્ય સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે કે નવ્વાણું ગુનેગાર ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. આવું માનવા પાછળ કારણ એ કે દુનિયામાં ગુનેગારો કરતાં એ પર્ટિક્યુલર ગુનો નહીં કરનારાઓની સંખ્યા ઘણી મોટી છે. બળાત્કાર કરનાર લાખે એક જણ હશે કે ખૂન કરનાર દસ લાખે એક જણ હશે. આથી જે લાખ (કે દસ લાખ) નિર્દોષો છે એમને પેલા એકને લીધે હેરાનગતિ ન થવી જોઈએ.
પણ હકીકતની દુનિયામાં ઘણી વખત આનાથી ઊંધું જ જોવા મળે છે. કોઈ જગ્યાએ બૉમ્બ બ્લાસ્ટ થયો, પ્રેસમાં હેડલાઈનો છપાઈ, પોલિટિશ્યનોનું પ્રેશર આવ્યું એટલે પોલીસે પોતાનું પરફૉર્મન્સ બતાવવા ધડાધડ ડઝનબંધ ‘શકમંદો’ને પકડી લેવા પડે. પછી રિયલ ઈન્વેસ્ટિગેશન કરવાની આવડત ન હોય એટલે ક્ધફેશન કઢાવીને એમને સજા અપાવવામાં આવે. આવું થાય ત્યારે જે નિર્દોષ છે એ વ્યક્તિઓના ફૅમિલીઝ દ્વારા સમાજમાં એવો સંદેશો પહોંચે કે અમારા લોકોની સાથે અન્યાય થાય છે અને છેવટે એ અન્યાયનો બદલો લેવા ભવિષ્યમાં નવા બૉમ્બ બ્લાસ્ટનાં આયોજનો થાય.
આવું ન થાય એ માટે સૌથી પહેલાં તો દેશની પોલીસને સજ્જ કરવી પડે. એવા માણસો એમાં જોઈએ જેમનામાં ઈન્વેસ્ટિગેશન કરવાની આવડત હોય, જેમની પાસે ઈન્વેસ્ટિગેશન કરવાની આધુનિક કળા અને સાધનો હોય અને જેમના પર અંડરવર્લ્ડનું કે પોલિટિશ્યનોનું (ઘણી વખત તો આ બંને એક જ હોય છે) કોઈ પ્રેશર ન હોય.
એ પછી ન્યાયતંત્ર પાસે આ બધું જ હોવું જોઈએ જેથી ઊંચી ખુરશી પર બેસીને ન્યાય તોળનારાઓ સૂંઘી શકે કે ક્યાં કશુંક કાચું કપાયું છે ને ક્યાં સૂકા ભેગું લીલું (નો પન ઈન્ટેન્ડેડ) બળી રહ્યું છે.
પ્રજાની મેન્ટાલિટી પણ આમાં અહમ્ ભાગ ભજવે છે. બૉમ્બ બ્લાસ્ટમાં શકમંદ તરીકે પકડાયેલો મુસ્લિમ ગુનેગાર જ છે એવું આપણે માની લેતા હોઈએ છીએ. બૉમ્બ બ્લાસ્ટ સિવાયના ગુનાઓમાં પણ કોઈના પર આક્ષેપ થયો એવું ટીવી પર જોયું – સાંભળ્યું કે છાપામાં વાંચ્યું કે તરત આપણે માની લઈએ છીએ કે આ વ્યક્તિ ગુનેગાર જ છે. કોર્ટે એને જ્યુડિશ્યલ કસ્ટડીમાં રાખવાનો હુકમ કર્યો એટલે મીડિયા ચિલ્લાવીને કહેશે કે એને જેલમાં નાખ્યો. વાસ્તવમાં, ટેક્નિક્લી આ વાત ખોટી નથી કારણ કે જનરલી ૧૪ દિવસના પોલીસ રિમાન્ડ પૂરા થયા પછી આરોપીને ન્યાયાલયીન હિરાસત હેઠળ જેલમાં જ રાખવામાં આવે છે. પણ આપણું અજ્ઞાન અને આપણી મેન્ટાલિટી આપણને એવું માનવાને પ્રેરે છે કે એને જેલની ‘સજા’ થઈ. આરોપીને ગુનેગાર માની લેવામાં આવે છે. કાયદાની દૃષ્ટિએ જ્યાં સુધી કોર્ટમાં તમારા પરનો આરોપ પુરવાર નથી થતો ત્યાં સુધી તમે નિર્દોષ છો અને એક નિર્દોષ નાગરિકને હોય એ બધા જ હક્ક તમને જેલમાં પણ આપવામાં આવે છે – દા. ત. ઘરનું ભોજન, ઘરનાં કપડાં વગેરે. પણ મીડિયાને પણ ઘણી વખત આ બાબતમાં ઓછું જ્ઞાન હોય છે અને ક્યારેક તેઓ જાણી જોઈને બદમાશી કરીને રજૂઆત કરે છે કે ફલાણાને તો જેલમાં ‘ફાઈવસ્ટાર સગવડો’ મળે છે – ઘરનું ખાવાનું ખાવા મળે છે, ઘરનાં કપડાં પહેરવા મળે છે.
પ્રજા તરીકે જ્યાં સુધી આપણી એવી મેન્ટાલિટી દૂર નહીં થાય ત્યાં સુધી ‘ઈન્ટરનૅશનલ રૉન્ગફુલ કન્વિક્શન ડે’ ઊજવવાની જરૂર પડતી રહેશે. કઈ મેન્ટાલિટી? આ જ કે, ધુમાડો છે તો આગ પણ હશે જ ને…
કેટલાક રૉન્ગફુલ કન્વિક્શન્સ વિશે આવતા અઠવાડિયે.
સાયલન્સ પ્લીઝ!
જે મર્ડર કરવા બદલ હું જેલમાં છું એ મર્ડર મારે કરવું છે.
– જે. કે. રોલિંગ (હેરી પોટર સિરીઝના ત્રીજા ભાગમાં)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો











