( લાઉડમાઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર,૧૯ નવેમ્બર ૨૦૨૫)
કોઈકે કહ્યું છે કે જે પુસ્તક તમને ગમી જાય તે તમે બીજી વાર વાંચો ત્યારે જ તે વંચાયું છે એવું માનવાનું. અમુક ગમતાં પુસ્તકો તો વારંવાર વાંચવાં જોઈએ. આવું જ વ્યક્તિઓની બાબતમાં.
જે વ્યક્તિ તમને ગમતી હોય એને કોઈ પણ નિમિત્ત બનાવીને તમારે વારંવાર મળતા રહેવું જોઈએ. જે સ્થળો, જગ્યાઓ, શહેરો તમને ગમતાં હોય તેની તમારે કોઈ કારણ વિના, ત્યાં કામ હોય કે ન હોય તોય તમારે વારંવાર મુલાકાત લેવી જોઈએ. આવું જ વાનગીઓની બાબતમાં, ખાવાપીવાની બાબતમાં અને આવું જ ફિલ્મોની બાબતમાં.
ધર્મેન્દ્રને હોસ્પિટલાઈઝ્ડ કરવામાં આવ્યા તેના આગલા દિવસે અમે `ચુપકે ચુપકે’ જોવાનું શરૂ કર્યું હતું. એ પછી બીજી એક વારંવાર જોવી ગમે એવી ફિલ્મ `ગુડ્ડી’ જોઈ, જેમાં ધર્મેન્દ્રએ ધર્મેન્દ્રનો જ રોલ કર્યો છે. અત્યારે, આ લખાય છે ત્યારે `અનુપમા’ જોવાઈ રહી છે, પણ અહીં ઇરાદો ધર્મેન્દ્ર વિશે લખવાનો કે એમની ફિલ્મો વિશે લખવાનો નથી. `ચુપકે ચુપકે’ જોઈ એ પહેલાં ઘણાં વર્ષો બાદ એક મરાઠી ફિલ્મ ફરી એકવાર જોઈ. સાતેક વર્ષ પહેલાં થિયેટરમાં જોઈ હતી. અત્યારે જોઈ ત્યારે આ ફિલ્મની વાર્તાના પ્રવાહ તળે ચાલી રહેલો બીજો એક પ્રવાહ, જીવન જીવવાની કળા વિશેનો પ્રવાહ ગુપ્ત સરસ્વતીની જેમ ચાલતો હતો એવું લાગ્યું. કેટલાંક પુસ્તકો જેમ ફરીવાર વાંચીએ ત્યારે એમાં બિટવીન ધ લાઈન્સ રહેલી વાતો તમારા દિમાગને તરબતર કરી મૂકે એ જ રીતે કેટલીક ફિલ્મો ફરીવાર જુઓ છો ત્યારે તેમાં રહેલી બિટવીન ધ સીન્સ વાતો તમને ઝકઝોળી દે છે.
ડો. શ્રીરામ લાગુ અને કાશીનાથ ઘાણેકર મરાઠી નાટ્યજગતના અને મરાઠી ફિલ્મોની બે અસાધારણ પ્રતિભા ધરાવતા લોકપ્રિય અભિનેતા. શ્રીરામ લાગુએ તો હિન્દી ફિલ્મોમાં પણ ખૂબ કામ કર્યું. `કિતાબ’, `ઘરૌંદા’, `કિનારા’, `મુકદ્દર કા સિકંદર’ જેવી ડઝનબંધ ફિલ્મોમાં એમનો યાદગાર અભિનય હજુ પણ એ જમાનાના ફિલ્મરસિકોની સ્મૃતિમાં સચવાયેલો હશે. મરાઠી ફિલ્મોના ચાહકોને `પિંજરા’, `સામના’ અને `સિંહાસન’ જેવી ફિલ્મો યાદ હશે અને મરાઠી નાટકોના ચાહકોને `ગિધાડે’, `કાચેચા ચન્દ્ર’ `હિમાલયાચી સાવલી’ અને `નટસમ્રાટ’ જેવાં સુપરહિટ નાટકોમાં ડો. લાગુને સદેહે જોયાનું યાદ હશે.
કાશીનાથ ઘાણેકરે એક-બે જ હિન્દી ફિલ્મો કરી. `ઉસકો નહીં દેખા હમને કભી પર ઈસકી ઝરૂરત ક્યા હોગી, અય માં તેરી સૂરત સે અલગ ભગવાન કી સૂરત ક્યા હોગી’. સંગીતકાર રોશન અને ગીતકાર મજરૂહ સુલતાનપુરીએ રચેલું `દાદીમા’ ફિલ્મનું આ ગીત યુ ટ્યૂબ પર શોધીને જોઈ લેજો. કાશીનાથ ઘાણેકર ઘોડાગાડીની પાછળની સીટ પર કથ્થઈ કુર્તામાં આ ગીત ગાતા દેખાશે. એમણે થોડી મરાઠી ફિલ્મો પણ કરી, પરંતુ એમનું મોટું કામ તખ્તા પર. મરાઠી નાટ્યજગતમાં એમના નામે ટિકિટબારી ટંકશાળ બની જતી. `અશ્રુંચી ઝાલી ફુલે’ એમનું જબરજસ્ત હિટ નાટક. એમાં લાલ્યાના રોલને હજુ પણ લોકો જેમ `શોલે’ના જય કે વીરુના રોલને યાદ કરે એમ સંભારે. આ ઉપરાંત `રાયગડાલા જેવ્હા જાગ યેતે’, `ઈથે ઓશાળલા મૃત્યુ’, `ગારંબીચા બાપુ’, `ગુંતતા હૃદય હે’ અને `આનંદી ગોપાળ’ જેવાં કાશીનાથ ઘાણેકરનાં નાટકો વિના મરાઠી રંગભૂમિનો ઈતિહાસ લખવો અશક્ય.
કાશીનાથ ઘાણેકર અને શ્રીરામ લાગુ બેઉ એકમેકના સમકાલીન, પણ લાગુ કરતાં ઘાણેકર ઉંમરમાં 3 વર્ષ નાના. ઘાણેકર 1986માં બહુ નાની ઉંમરે ગુજરી ગયા. 56 વર્ષે. લાગુએ સદ્નસીબે સારું આયુષ્ય ભોગવ્યું. 2019માં 92 વર્ષની ઉંમરે વિદાય લીધી.
2018માં રિલીઝ થયેલી `…આણિ કાશીનાથ ઘાણેકર’ હવે તો ઓટીટી પર સહેલાઈથી ઉપલબ્ધ છે. નેટફ્લિક્સ કે પ્રાઈમ વીડિયો ઉપરાંત યુ ટ્યૂબ પર પણ છે. `સારાભાઈ વર્સિસ સારાભાઈ’માં તમે સતીશ શાહના મોટા દીકરા તરીકે જોયેલા છે તે સુમીત રાઘવને ડો. શ્રીરામ લાગુનો રોલ કર્યો છે અને મરાઠી અભિનય જગતના અમિતાભ બચ્ચન ગણાતા સુબોધ ભાવેનો લીડ રોલ છે.
અભિજિત દેશપાંડેના પેશનેટ લેખન-દિગ્દર્શનથી ઓપતી બાયોપિક `…આણિ કાશીનાથ ઘાણેકર’ના વાર્તાપ્રવાહમાં તણાયા વિના એનાં પુન: દર્શન દરમિયાન ડૂબકી મારીને જે કંઈ મોતી મળ્યાં તેને એક દોરામાં પરોવીને તમારી સમક્ષ મૂકવાં છે. વાતની શરૂઆત ફિલ્મના પહેલા અને છેલ્લા સીનથી કરીએ. પ્રથમ સીનમાં કાશીનાથ ઘાણેકરનો બહિષ્કાર કરવા માટે નાટ્યજગતના ધુરંધર પ્રોડ્યૂસરોની મીટિંગ ચાલી રહી છે. આ સીનમાં કાશીનાથ ઘાણેકરની ભરપેટ નિંદા છે. સીન અધૂરો મૂકીને ફ્લેશબેક શરૂ થઈ જાય છે. કાશીનાથની પ્રોમ્પટર તરીકેની કામગીરીથી વાર્તા આગળ વહે છે. આખી ફિલ્મ ફ્લેશબેકમાં છે. ફિલ્મનો અંત આવી રહ્યો છે ત્યારે નાટ્યનિર્માતાઓની મીટિંગવાળો સીન રિપીટ થાય છે અને આ વખતે તે અધૂરો નથી રહેતો. નિર્માતા મંડળીમાં કાશીનાથના મિત્ર-મસીહા અને `નાટ્યસંપદા’ સંસ્થાના માલિક પ્રભાકર પણશીકર પણ છે. પ્રભાકર પણશીકરનો રોલ પ્રસાદ ઓકે જબરજસ્ત નિભાવ્યો છે.
`નાટ્યસંપદા’ની ગુજરાતી શાખાની જવાબદારી નાટ્યમહર્ષિ કાંતિ મડિયા નિભાવતા અને આ ગુજરાતી વિંગની અમદાવાદ શાખાના નેજા હેઠળ લાજવાબ નવલકથાકાર અશ્વિની ભટ્ટે કેટલાંક નાટકો કરેલાં. અમિતાભ બચ્ચન રાજેશ ખન્નાની `નમકહરામ’ ફિલ્મ જેના પરથી બની તે મશહૂર અંગ્રેજી નાટક પરથી બનેલા ગુજરાતી નાટકમાં અશ્વિની ભટ્ટે રાજેશ ખન્નાવાળો રોલ કર્યો હતો. જગમશહૂર આર્કિટેક્ટ બી.વી. દોશી સાહેબે ડિઝાઈન કરેલા અમદાવાદના વિશાળ પ્રેમાભાઈ હોલના તખ્તા પર અશ્વિની ભટ્ટને આ નાટકમાં અભિનય કરતા જોવાનો લહાવો હતો. અશ્વિનીભાઈએ એક જમાનામાં પ્રેમાભાઈ હોલના મેનેજર તરીકેની જવાબદારી પણ નિભાવી હતી.

એની વે, શ્રીરામ લાગુ અને કાશીનાથ ઘાણેકર બેઉનાં વ્યક્તિત્વ ભિન્ન, બેઉનો અભિનય માટેનો એપ્રોચ ભિન્ન અને બેઉની જીવનશૈલી પણ ભિન્ન. `….આણિ કાશીનાથ ઘાણેકર’ ફિલ્મમાં એક સીન છે. વી. શાંતારામની અતિ જાણીતી મરાઠી ફિલ્મ `પિંજરા’ના સેટ પર એક પત્રકાર શ્રીરામ લાગુને કાશીનાથ ઘાણેકર સાથેની એમની પ્રતિસ્પર્ધા વિશે સવાલ પૂછે છે. જવાબમાં શ્રીરામ લાગુ કહે છે કે: દુનિયામાં રંગારો હોય છે અને ચિત્રકાર પણ હોય છે. રંગારો તમે જે રંગમાં કહો તે રંગે તમારું કપડું (કે તમારું ઘર) સરસ રીતે રંગી આપતો હોય છે. (આની સામે ચિત્રકાર તમારી ફરમાઈશ મુજબ નહીં પણ) પોતાને ગમતા રંગો લઈને ચિત્રમાં એક સૃષ્ટિ ઊભી કરીને તમને એ સૃષ્ટિ તરફ ખેંચી જતો હોય છે.
બહુ જ બારીક વાત છે આ. સમજવા જેવી વાત છે. બેઉ અભિનેતાની અભિનય શૈલી વચ્ચેનો આ પાયાનો ભેદ છે. આવો જ ભેદ ફિલ્મ દિગ્દર્શનના ક્ષેત્રથી માંડીને લેખન ક્ષેત્ર સુધીનાં અનેક ફિલ્ડમાં તમે જોયો હશે. એક તરફ લોકોને ખુશ કરવા માટે કામ થતું હોય છે તો બીજી તરફ લોકોના અંતરાત્માને ઢંઢોળીને એમને જાગૃત કરવાનું કામ થતું હોય છે. પબ્લિક ડિમાન્ડ અને સ્વાન્ત: સુખાયનાં બે અંતિમો વચ્ચે જે ફરક છે તેની અહીં વાત છે. આ બેઉ અભિનેતાઓ લોકપ્રિય પુરવાર થયા, અભિનય ક્ષમતા બેઉની વખણાઈ, પણ એક્ટિંગ માટેનો અપ્રોચ જુદો જુદો એટલે રાઈવલ્સ ગણાયા.
આ જ વાતને વધારે સ્પષ્ટ કરવા માટે ફિલ્મમાં એક બીજો સીન આવે છે, જેમાં એક કોકટેલ પાર્ટીમાં આ બંને અભિનેતા આવ્યા છે. કાશીનાથને ચડી ગઈ છે. એ ખુરશી પર ઊભા થઈને ડો. લાગુની અભિનય શૈલીની ફીરકી લેવા માંડે છે: `આજકાલ એક નવા પ્રકારની અભિનય શૈલી બજારમાં પ્રચલિત થઈ છે. વાસ્તવવાદી શૈલી! જેમાં તમે આનંદમાં હો કે પ્રેમભગ્ન થયા હો કે પછી કોઈ પણ સારી-ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હો એક જ ભાવ ચહેરા પર રાખવાનો, ભાવપલટો લાવવાનો નહીં. બધું તમારી અંદર જ થતું રહે. પ્રેક્ષકોએ સમજી જવાનું!’
ઘાણેકર આગળ કહે છે: `આવો `વાસ્તવાદી અભિનય’ કરનારાઓને પ્રેક્ષકોની ગિર્દી વચ્ચે, તાળીઓ અને સીટીઓ વચ્ચે, અભિનય કરવાની કિક કેવી હોય તેની ક્યાંથી ખબર પડે? એમના શોમાં તો ખાલી ખુરશીઓ સામે જ એક્ટિંગ કરવાની હોય છે.’
ડો. શ્રીરામ લાગુએ પણ હાથમાં ગ્લાસ પકડ્યો છે, પણ તેઓ હોશમાં છે. કોઈ ચાહકે એમને પણ ખુરશી પર ચડીને જવાબ આપવાનો પાનો ચડાવ્યો, પણ તેઓ એવો બ્રેવાડો કરવાને બદલે પોતે જ્યાં ઊભા છે ત્યાં જ ઊભા રહીને જવાબ આપે છે: `સ્ટેજ પર એન્ટ્રી લેતાં પહેલાં બેકસ્ટેજમાં ભીંત સામે બરાડા પાડીને, સ્નાયુઓ તંગ કરીને, ધસમસતી ચાલે સ્ટેજ પર એન્ટ્રી લઈને આ છેડાથી પેલા છેડા સુધી દોડાદોડી કરીને સ્પોટલાઈટ સામે જોઈને ફટાફટ એવા આરોહ-અવરોહમાં સંવાદો ફેંકવા, જેથી તાળીઓ મળે એને પોતાની અભિનય ક્ષમતા ગણાવતા લોકો પણ આ નાટ્યજગતમાં છે, પણ કળાના આ માધ્યમને જીવંત રાખવા 500 અબુધ પ્રેક્ષકોની ગિર્દીની નહીં, પણ 15 જાણકારોની જરૂર છે.’
અભિનય માટેના આ બે સંપૂર્ણ રીતે સામસામા છેડાના અભિગમને લીધે બેઉ મહાન કળાકારો વચ્ચે જે તણખા ઝર્યા તેને કારણે એક સામાન્ય પ્રેક્ષક તરીકે આપણા મનમાં જે પ્રકાશ થાય છે તેની હજુ કેટલીક વાતો બાકી છે. દરમિયાન જોવાનું એ છે કે એક સારી ફિલ્મ આપણને કેટકેટલું શીખવાડી જાય છે. એક સારી કિતાબનું પઠન કે એક સારી વ્યક્તિનું સાંનિધ્ય આપણને જેટલું શીખવાડી શકે એટલું બધું. જિંદગીમાં આપણે જ આપણી ક્ષમતા પિછાણીને નક્કી કરવાનું હોય છે કે આપણે રંગારા બનવું છે કે ચિત્રકાર. (ક્રમશ:)
સાયલન્સ પ્લીઝ!
એ સીધી લીટી જેવું જીવન જીવ્યો, પણ વખાણ તો ત્યારે જ થતાં જ્યારે એ લીટી કાર્ડિયોગ્રામમાં દેખાઈ.
— અજ્ઞાત.
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો













