પંદર વર્ષ પછી ‘લવ:આજ-કલ’ — મિરેકલ આજે પણ બને છે : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ, ‘ન્યુઝપ્રેમી’ ડૉટ કૉમ : સોમવાર, 12 ઑગસ્ટ 2024)

વૉટ અ કોઇન્સિડન્સ. ચમત્કારો આજે પણ બને છે. આજે બારમી ઑગસ્ટ છે. ના, ભાઈ. કૅલેન્ડરમાં આ તારીખ આવે છે એ કાંઈ ચમત્કાર નથી. આગળ વાંચો પછી ખબર પડશે કે કેવો ચમત્કાર થયો છે.

રવિવારે, ગઈ કાલે-૧૧મી ઑગસ્ટે મુંબઈના એક થિયેટરમાં અમે રી-રિલીઝ થયેલી અમારી મનગમતી ફિલ્મ જોઈ— મોટા પડદા પર 10મી વાર. અને નક્કી કર્યું કે આ ફિલ્મ વિશે 15 વર્ષ પહેલાં લખેલો સાત હપતાનો રિવ્યુ તમારી સાથે ફરી એકવાર શેર કરીશ— કંઈપણ એડિટ કર્યા વિના— કાપકૂપ કે સુધારાવધારા કર્યા વિના.

‘લવ : આજ – કલ’ 2009ની સાલમાં 31 જુલાઈએ રિલીઝ થઈ હતી. અમે એ જ દિવસે સવારે જોઈને ફિલ્મનો 500-600 શબ્દોનો રિવ્યુ રાતના આઠ વાગ્યે અમારા તે વખતના બ્લૉગ પર મૂકી દીધો હતો. રિવ્યુમાં લખ્યું હતું કે ફિલ્મ વારંવાર જોવા જેવી છે. ફિલ્મ વારંવાર જોઈ. અને પછી નક્કી કર્યું કે આનો વિસ્તૃત ‘રિવ્યુ’ નહીં પણ ‘રસાસ્વાદ’ કરાવવો છે – જેટલા હપતા થાય એટલા. આજે ( 12 ઑગસ્ટે ) સવારે એ જૂના બ્લૉગનો હિસાબકિતાબ જોયો. સાત હપતાના રસાસ્વાદનો પહેલો હપતો રિવ્યુના 12 દિવસ પછી અર્થાત 12 ઑગસ્ટ 2009ના દિવસે બ્લૉગ પર મૂક્યો હતો. કોઇન્સિડન્સ આ છે. આજે, પંદર વર્ષ પછી, 12 ઑગસ્ટનો જ દિવસ છે.

ગઈ કાલે સાંજે થિયેટરમાં ‘લવ : આજ-કલ’ જોઈ. અગાઉ નવ વાર થિયેટરોમાં જોઈ છે. આ રેકૉર્ડ બ્રેક કરવા માટે ‘ઊંચાઈ’ મેં દસ વાર થિયેટરોમાં જોઈ હતી. એટલે હવે ‘ઊંચાઈ’ અને ‘લવ : આજ-કલ’નો રેકૉર્ડ ટાઇ પર આવીને ઉભો છે. ટાઈ બ્રેક કરવા માટે આજે ફરી એકવાર ( અને બનશે તો કાલે પણ ) થિયેટરમાં જોઈ લઈશું. દરમ્યાન આજે તમે એન્જૉય કરો ‘લવ : આજ – કલ’નો 31મી જુલાઈ 2009ના રોજ લખાયેલો પ્રથમ રિવ્યુ. તે પછી 12 ઑગસ્ટ 2009ના રોજ મારા તે વખતના બ્લૉગ પર રિલીઝ કરેલો ફિલ્મના રસાસ્વાદના સાત હપતામાંનો પહેલો હપતો પણ આજે, 12 ઑગસ્ટ 2024ના દિવસે જ, વાંચો. વૉટ અ કોઇન્સિડન્સ. ચમત્કારો આજે પણ બને છે.

*. *. *

લવ: આજ-કલ — મૅન્ગો પીપલની પ્રતિગ્યા : સૌરભ શાહ

( ૩૧ જુલાઈ ૨૦૦૯ના રોજ લખેલો ફિલ્મ ‘લવ: આજ-કલ’નો રિવ્યુ)

પ્રેમ એટલે શું? એ ક્યારે શરૂ થાય? ક્યારે પૂરો થઈ જાય? લગ્ન પહેલાં જ? કે લગ્ન પછી? અને લગ્ન પછી પણ (એટલે કે એકબીજાની સાથેનાં લગ્ન પછી નહીં, કોઇક ત્રીજાની સાથે લગ્ન થયા પછી પણ) એ જૂનો પ્રેમ ચાલુ રહે તો?

લંડનનિવાસી જયવર્ધન સિંહ (સૈફ અલી ખાન) અને મીરા પંડિત (દીપિકા પદુકોણ) ફ્રેન્ડઝ્‍માંથી પ્રેમીઓ બને છે. કરિયરિસ્ટ જય સાન ફ્રાન્સિસ્કોમાં ગોલ્ડન ગેટ પ્રોજેક્ટમાં એક તક મળે એની રાહ જુએ છે. મીરા પ્રાચીન ચિત્રોના રેસ્ટોરેશનની એક્સપર્ટ છે. એને દિલ્હીમાં એક પ્રોજેક્ટ મળે છે. બ્રેકઅપ પાર્ટી ગોઠવીને બેઉ છુટાં પડે છે. તું તારે રસ્તે, હું મારે રસ્તે.

જય પોતાનામાંથી મીરાને અને મીરા પોતાનામાંથી જયને બહાર કાઢવાની મથામણ કર્યા કરે છે. બેઉ પોતાના માટે નવું પાત્ર શોધી કાઢે છે. નવી જિંદગીમાં ગોઠવાઈ જવાની કોશિશ કરે છે. ક્યારેક લાગે છે ગોઠવાઈ ગયાં, ક્યારેક લાગે છે કે બધું જ ઉપરતળે થઈ ગયું.

વીર સિંહ (રિશી કપૂર) લંડનમાં કૉફીહાઉસ ચલાવે છે. જયની ઇમોશનલ સ્ટ્રગલમાં વીર સિંહને પોતાની જુવાનીના એવા જ સંઘર્ષોની છાયા દેખાય છે. ફરક હોય તો માત્ર એટલો જ કે જય બ્લૅક કૉફી વિધાઉટ શુગરનો ચાહક છે, વીર પોતે જુવાન હતો ત્યારથી બ્લૅક ટી વિધાઉટ શુગર પીએ છે. જનરેશન ગૅપને કારણે સર્જાતી પ્રેમ વિશેની સમજણમાં બસ, માત્ર આટલો જ ફરક છે- ચા અને કૉફી જેટલો. શુગર અને મિલ્કની કમી ત્યારે પણ હતી, આજે પણ છે.

‘જબ વી મેટ’ જેવી નિતાંત સુંદર ફિલ્મના સર્જક ઇમ્તિતાઝ અલી લિખિત-દિગ્દર્શિત ‘લવ: આજ-કલ’ પાસે ખૂબ મોટી આશાઓ હતી. આ તમામ આશાઓ ઇમ્તિયાઝ અલીએ નવી ફિલ્મમાં પૂરી કરી છે એટલું જ નહીં આશાઓ કરતાં કંઈક વધુ, એક મસ્તીભરી મૅચ્યૉર્ડ લવ સ્ટોરી બનાવીને, પ્રેક્ષકોને આપ્યું છે.

ઇન્ટરવલ પહેલાંનું રેટિંગ: 3 Stars

સૈફ અલી ખાને પોતાના ‘ઇલ્યુમિનાટી’ પ્રોડક્શન્સ’ની આ પહેલી ફિલ્મમાં દિલ રેડીને કામ કર્યું છે.(‘દ વિન્ચી કોડ’વાળા લેખક ડેન બ્રાઉનની ‘એંજલ્સ એન્ડ ડીમન્સ’ જેમણે જોઈ છે એમને ‘ઈલ્યુમિનાટી’નો અર્થ ખબર હશે. ના જોઈ હોય એમના માટે ત્રણ લેખોની સિરીઝ કરવી પડે. માટે અહીં આટલું જ). ઈન્ડસ્ટ્રીપ્રવેશ વખતે સૈફને કોઈ સિરિયસલી લેતું નહોતું. ઑફ લેટ એનામાં અભિનયપ્રતિભા છે એવું એણે પુરવાર કર્યું. ‘દિલ ચાહતા હૈ’, ‘હમતુમ’, ‘ઓમકારા’ પછી ‘લવ: આજ-કલ’માં સૈફનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ અભિનય જોવા મળે છે.

‘ઓમ શાન્તિ ઓમ’માં ભવ્ય ડેબ્યુ કર્યા પછી દીપિકાની ‘બચના ઐ હસીનોં’ જેવી નકામી ફિલ્મો આવી. દીપિકા શોભાની પૂતળી છે એવું લાગવા માંડ્યું. દીપિકા ખરેખર એક સારી અભિનેત્રી છે અને લાંબી રેસની વોટેવર છે એવું ‘લવ: આજ-કલ’ પુરવાર કરે છે.

રિશી કપૂરને હવે આ ઉંમરે લાઉડમાઉથ પિતા-કાકા વગેરેના રોલ મળે છે. અહીં એ એકદમ સબડ્યુડ રહીને ઘણો સારો સપોર્ટિંગ રોલ કરે છે. રાહુલ ખન્ના અને ડોલી અહલુવાલિયા ઓકે છે અને એમનાં ઓકેપણાથી ફિલ્મને સહેજ પણ આંચ નથી આવતી.

સેકન્ડ હાફનું રેટિંગ: 5 Stars

‘જબ વી મેટ’ સાથે આ ફિલ્મની સતત સરખામણી થતી રહે એ સ્વાભાવિક છે. ‘ડીડીએલજે’ પછી આ દાયકાની સૌથી હિટ રોમેન્ટિક ફિલ્મ ‘જબ વી મેટ’ છે જે છેલ્લા ઘણા મહિનાઓથી દર રવિવારે ટીવી પર એક યા બીજી ચૅનલ પર આવતી રહી છે. સંગીતની બાબતમાં ‘જબ વી મેટ’ ‘લવ: આજ-કલ’ કરતાં ઘણી આગળ હતી. જોકે, ‘લવ: આજ-કલ’નું મ્યુઝિક આજકાલની બીજી ઘણી ફિલ્મો કરતાં મચ મચ બેટર છે. ‘લેટ્સ હૅવ સમ રોનક-શોનક’ સંગીતકાર પ્રીતમ અને ગીતકાર ઈર્શાદ કામિલની જોડીનું આ ફિલ્મનું શ્રેષ્ઠ ગીત છે. આ ગીતમાં હેમન્તકુમારની ‘નાગિન’નો સપેરાની બિનવાળો ઇન્સ્ટ્રુમેન્ટલ હુક (જે કલ્યાણજીભાઈએ ક્લેવ્યોલિન પર વગાડ્યો હતો તે) જબરજસ્ત રીતે વપરાયો છે—તમામ પરમિશન અને જાહેર સૌજન્યસ્વીકાર સાથે. બીજું એક ગીત ‘ચોર બાઝારી દો નૈનોં કી’ પણ ધમાલ ગીત છે. એની કોરિયોગ્રાફી (બોસ્કો સીઝર) ક્વાઇટ યુનિક છે.

‘મૅન્ગો પીપલ’ એટલે શું અને ‘પ્રતિગ્યા’ એટલે શું તે તમે ફિલ્મમાં જોજો!

ઇમ્તિયાઝ અલીએ અનેક સંવાદોમાં અને સંવાદો વિનાના અભિનય દ્ર્શ્યોમાં પણ ખૂબ બારીકીઓ ભરી છે. એક વાર જોયા પછી વારંવાર જોવી પડશે એવું કેટલી ફિલ્મો વિશે તમે કહી શકો? આ ફિલ્મ માટે જરૂર કહી શકો. વીકઍન્ડમાં ફરી જોવા જવાનો છું. એક્સ્ટ્રા ટિકિટ છે. આવવું છે?

ફિલ્મનું ઓવરઑલ રેટિંગ: 5 Stars

*. *. *

‘લવ : આજ-કલ’ ફરી એકવાર—૧ : સૌરભ શાહ

( એ જ ફિલ્મનો આ બીજો રિવ્યુ ૭ હપતામાં લખાયો જેનો પહેલો પાર્ટ ૧૨ ઑગસ્ટ ૨૦૦૯ના રોજ મારા બ્લૉગ પર મૂકાયો. બરાબર પંદર વર્ષ પછી આજે, ૧૨ ઑગસ્ટ ૨૦૨૪ના રોજ, ફરી મૂક્યો છે. એ ગાળામાં હું થોડા વર્ષ માટે મુંબઈથી અમદાવાદ રહેવા ગયો હતો)

ગયા બુધવારે મેં ગાંડપણ કર્યું. રક્ષાબંધનનો દિવસ હતો. મેઘા તો મુંબઈ હતી. ઘરમાં હું એકલો હતો. મંગળવારે પ્રવાસનો થાક ઉતર્યા પછી સ્ફુર્તિ પાછી આવી ગઈ હતી. સવારના પહોરમાં ડ્રાઈવ-ઈન સિનેમા રોડ પરના હિમાલય મૉલના બિગ સિનેમામાં પહોંચી ગયો. એબની લાઉન્જમાં ‘લવ: આજ-કલ’નો શો દસ વાગ્યે શરૂ થતો હતો. બૉક્સ ઑફિસ પર ક્લાર્કે કહ્યું, ‘એબની લાઉન્જની એક પણ ટિકિટ વેચાઈ નથી. શો શરૂ થશે કે નહીં એની ગેરન્ટી નથી.

મેં પૂછ્યું,’ મિનિમમ કેટલી ટિકિટ વેચાય તો શો શરૂ થાય?’

‘બે’

‘લાવો, બે ટિકિટ આપો.’

અને શો શરૂ થઈ ગયો! ૪૬ સીટના નાનકડા પ્રીવ્યુ થિયેટરની સાઈઝની એબની લાઉન્જમાં આખા પિક્ચરમાં હું એકલો અને ફિલ્મ ‘લવ: આજ-કલ’. જલસા પડી ગયા.

મેં તમને કહ્યું હતું કે હું ‘લવ: આજ-કલ’ ફરી જોવાનો છું પણ એ નહોતું કહ્યું કે આ ફિલ્મ વિશે ફરી લખવાનો પણ છું. સવારે ઘરેથી નીકળતી વખતે મનમાં નક્કી કર્યું હતું કે એક ફિલ્મનો રિવ્યુ બીજીવાર ના લખાય એવો તો કોઈ નિયમ છે જ નહીં અને હોય તો પણ એ તોડવો જોઈએ.

ફિલ્મની એક-એક ફ્રેમ ખૂબસૂરત છે. ધ્યાનથી માણવી જોઈએ. એના સંવાદો પણ. ગીતો બીજીવાર જોઈએ ત્યારે વધુ અર્થપૂર્ણ લાગે છે. ઈમ્તિયાઝ અલી ‘જબ વી મેટ’ પછી એક નહીં, અનેક ડગલાં આગળ વધે છે ‘લવ: આજ-કલ’માં.

ફિલ્મની શરૂઆતમાં આભારદર્શનમાં ગુજરાતી નાટ્યદિગ્દર્શક-નિર્માતામાંથી ટીવીના અને હવે હિંદી ફિલ્મના દિગ્દર્શક-નિર્માતા બનેલા વિપુલ શાહનો નામોલ્લેખ છે (‘આંખે’, ‘વક્ત’, ‘નમસ્તે લંડન’, સિંઘ ઈઝ કિંગ’). હું ધારું છું કે પ્રીતમની ધૂન પરનું એક ગીત જે ‘સિંઘ ઈઝ કિંગ’માં ન લેવાયું તે વિપુલ શાહે ઈમ્તિયાઝ અલીને આપી દીધું તેનો ઋણસ્વીકાર હશે. ‘નાગીન’ની ધૂનવાળું લેટ્સ હેવ સમ રૌનક-શોનકનું ‘ટ્વિસ્ટ’ ગીત.

ફિલ્મની શરૂઆતમાં જ લંડનના એક બારમાં સૈફ દીપિકાની સાથે ઓળખાણ કરવા માગે છે અને કહે છે, ‘હું તારા ગળે પડવા નથી માગતો પણ મારે જાણવું છે કે…’

‘ગળે પડવા નથી માગતો ને…’ દીપિકા અધવચ્ચે જ અટકાવીને એને કહે છે, ‘તો નહીં પડ ને…’

વાત ત્યાં અટકતી નથી. સૈફને લાગે છે કે દીપિકાની આ ઍટિટ્યુડમાં દમ છે, એંગલ નવો છે. આ વિશે વધુ ડિસ્કશન થવું જોઈએ.

ડિસ્કશન થયું કે નહીં તે ભગવાન જાણે પણ બેઉ મિત્રો બની ગયાં. ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડ? નક્કી નથી. આ વાતના ખુલાસા વખતે બૅકગ્રાઉન્ડમાં કૉફી હાઉસના માલિક વીર સિંહ (રિશી કપૂર)નો અવાજ સંભળાય છે, પીઠ દેખાય છે અને પછી ઝાંખો ચહેરો પણ. પહેલી વખત જોતી વખતે તમે એ મિસ કર્યું હતું? રિશી કપૂરની આવી એન્ટ્રી ભાગ્યે જ કોઈ કલ્પી શકે.

સૈફની બ્રેક-અપ પાર્ટી પૂરી થયા પછી રિશીની સત્તાવાર એન્ટ્રી છે પણ પહેલાં કુલ ચાર વાર આ જ રીતે બેકગ્રાઉન્ડમાં એ દેખાય છે. નેક્સ્ટ ટાઈમ તમે માર્ક કરજો.

ફિલ્મની પહેલી દસ મિનિટમાં જ સૈફ-દીપિકાનાં બે વર્ષ વીતી જાય છે અને એક દિવસ બંને સાંજે પાંચ વાગ્યે મળવાનું નક્કી કરે છે. બીજી વખત જુઓ છો ત્યારે બેઉના હાવભાવ વધુ સ્પષ્ટપણે તમારા ચિત્તમાં અંકિત થાય છે. શું કામ એ બેઉ જરાક અન્કમ્ફર્ટેબલ લાગે છે?

સૈફ પોતાની લાલ કન્વર્ટીબલ ફોર્ડ-મુશ્ટેંગમાં અને દીપિકા ટ્યુબ રેલવેમાં કૉફી હાઉસ પહોંચે ત્યાં સુધી ફિલ્મના સૌથી પહેલા ગીત ‘યે દૂરિયાં’ના કેટલાક અંતરા આવે છે. આ ગીતમાં બેઉની મનોસ્થિતિ કળાય છે:

યે દૂરિયાં…
ઈન રાહોં કી દૂરિયાં,
નિગાહોં કી દૂરિયાં,
હમરાહોં કી દૂરિયાં,
ફના હો સભી દૂરિયાં…

પ્રીતમે સંગીતબદ્ધ કરેલા ઈર્શાદ કામિલના આ ગીતના આ શબ્દો ધ્યાનથી વાંચો:

ક્યોં કોઈ પાસ હૈ, દૂર હૈ
ક્યોં કોઈ જાને ના,
કોઈ યહાં પે આ રહા પાસ યા
દૂર મૈં જા રહા,
જાનું ના મૈં હું કહાં પે,
યે દૂરિયાં…

કભી હુઆ યે ભી
ખાલી રાહોં પે ભી
તુ થા મેરે સાથ,
કભી તુઝે મિલકે
લૌટા મેરા દિલ
યે ખાલી ખાલી હાથ,
યે ભી હુઆ કભી
જૈસે હુઆ અભી
તુઝકો સભી મેં પા લિયા…

કન્ફ્યુઝડ માત્ર દીપિકા જ નથી, સૈફ પણ છે. આ સંબંધ માટેની દીપિકાની અસમંજસ થોડીક વધુ પ્રગટ થાય છે જ્યારે સૈફનું કન્ફ્યુઝન ક્રમશઃ ઉઘડે છે જે ઉઘાડવામાં રિશી કપૂર સહાયરૂપ બને છે. આ ગીત આખી ફિલ્મનો ટેમ્પો તૈયાર કરે છે.

નિર્ણયો લેવા પડતા હોય છે. એ લેવાય છે ત્યારે જે પરિસ્થિતિ હોય છે તેમાં એ જ નિર્ણય સૌથી વધુ યોગ્ય લાગે છે (ન લાગતો હોત તો નેચરલી, કોઈ બીજો નિર્ણય લીધો હોત). પણ સમય જતાં પરિસ્થિતિઓ, માનસિક વાતાવરણ અને આપણી પોતાની સમજ—બધામાં બદલાવ આવે છે. આવા સમયે, અગાઉનો નિર્ણય ખોટો લાગે તો પણ એને બદલવાની હિંમત હોતી નથી. લોકોની દૃષ્ટિએ આ તમારા કન્ફ્યુઝનનો કે ઈમ્મેચ્યોરિટીનો ગાળો છે. અને જ્યારે હિંમત આવી જાય છે અને તમે અગાઉના તમારા જ નિર્ણયને રદબાતલ કરીને નવો નિર્ણય કરો છો ત્યારે લોકો કહે છે: આવું તે કંઈ થતું હશે!

લોકો તમને કહે કે, ‘જુઓ હું પાઈલ ઑન કરવા નથી માગતો પણ તમારો આ નિર્ણય…’ ત્યારે તમારે શું કહેવું?

દીપિકાએ કહ્યું તે જ: ‘પાઈલ ઑન નથી કરવા માગતા ને, તો નહીં કરો. જે કામ કરવા ન માગતા હો, તે શું કામ કરો છો તમે?’

‘લવ: આજ-કલ’ની વાત પૂરી નથી કરતા. ચાલુ રાખીશું.

અને મેં તમને મારા પગલપનની જે વાત કરી તે એ નથી કે આખું થિયેટર ‘ભાડે’ કરીને એકલા-એકલા પિક્ચર જોયું. એ તો ગાંડપણના આઈસબર્ગનો દસમો હિસ્સો છે. ખરી મૅડનેસવાળી વાત તો આ ‘લવ: આજ-કલ’ની લેખ શ્રેણીના અંતે રિવીલ કરીશ!

કાલે મળીએ.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. બચના એ હસીનો એક વાત પછી જોજો. ત્રણ ટ્રેક વાળી અફલાતૂન ફિલ્મ છે સિદ્ધાર્થ આનંદ ની. બિપાશા બાસુ, મિનિષા લાંબા અને દીપિકા સાથે રણબીર કપૂર એન્ડ બીજા બધા. જો કોઈ પોતાની ભૂલ નો એહસાસ થોડા વખત પછી થાય અને એ ભૂલ નું પ્રાયશ્ચિત કેવી રીતે કરાય એ પહેલાં મિનિષા લાંબા ના સાસરે એના વાર ના હાથ નો માર ખાઈ ને અને એના પછી બિપાશા બાસુ સાથે પોતાના અહંકાર ને ભૂલી ને. એક વાત પશ્ચાતાપ ના સરોવર માં સ્નાન કરી ને બહાર આવ્યા પછી એને જે સાચો પ્રેમ મળે છે, એનું સુંદર ડેમોસ્ટ્રેશન મલ્ટી લોકેશન માં, સ્વિસ, ઈટલી, પંજાબ અને ઓસ્ટ્રેલિયા માં કરવા માં આવ્યું છે.

    ના જોઈ હો તો જોજો અને જોઈ હોય તો બીજી વાર જોજો, જરૂર થી મરજીવા જેવી ફિલિંગ આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here