દશેરાથી દેવઉઠી એકાદશી સુધીનું ‘વેકેશન’: હમેં ઔર જીને કી ચાહત ન હોતી, અગર તુમ ન હોતે : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ : ન્યુઝપ્રેમી ડૉટ કૉમ. રવિવાર, 2 નવેમ્બર 2025 )

પ્રદીપ વ્યાસ નામના વાચકે ન્યુઝપ્રેમી પર શરૂ કરેલી સરદાર પટેલ વિશેની પાંચ હપતાની સિરીઝનો પ્રથમ ભાગ વાંચીને કમેન્ટ પોસ્ટ કરી છે : ‘લેખશ્રેણી શરૂ કરવા બદલ ખૂબ ખૂબ આભાર… અને ભગવાનને ખાતર વચ્ચે આટલો બધો સમય તમે ક્યાં ખોવાઈ ગયા હતા? અમે રોજ બે-ત્રણ વાર ન્યુઝપ્રેમી પર જઈને ચેક કરતા હતા…’

પ્રદીપભાઈ જેવી જ ખેવના બીજા કેટલાક વાચકોએ મારા વાચકોના વૉટ્‌સઍપ ગ્રુપના નંબર પર સંદેશો મોકલીને વ્યક્ત કરી છે અને કેટલાક વાચકોએ ઇ-મેલ પર પૃચ્છા કરી છે. આમાંથી જેટલા વાચકોને જવાબ આપી શકાયા એમને ટૂંકમાં લખીને મારો સંદેશો પહોંચાડ્યો. સૌને વ્યક્તિગત જવાબ આપી શકવા જેટલી શારીરિક શક્તિ મારામાં નહોતી. અંગત મિત્રો, કેટલાક સ્વજનો અને અમુક નિકટના પરિચિતો સિવાય કોઈને જાણ નહોતી કે બીજી ઑક્ટોબરની દશેરાથી બીજી નવેમ્બરની દેવઉઠી અગિયારસ સુધી ચાલેલા એક મહિનો લાંબા ‘વેકેશન’નું કારણ શું છે. આટલી લાંબી રજા મેં ભાગ્યે જ લીધી છે. માંડીને વાત કરું.

23 વર્ષની ઉંમર પછી, છેલ્લા સવા ચાર દાયકા દરમ્યાન મારે ક્યારેય, એક દિવસ માટે પણ, હૉસ્પિટલના ખાટલે સૂવું નથી પડ્યું. 1983માં તંત્રી હસમુખ ગાંધીના ‘સમકાલીન’માં જોડાયો તેના થોડાંક અઠવાડિયાં પછી ઑફિસમાં એકાએક પેટનો અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. તીવ્ર વેદના દાબીને થોડો વખત તો કોઈને કંઈ કહ્યું નહીં પણ ગાંધીભાઈને ખ્યાલ આવી ગયો કે કંઈક ગંભીર ગરબડ લાગે છે. એમણે તાબડતોબ મારા એક સાથી પત્રકારને ટૅક્સીના પૈસા આપીને કહ્યું હતું કે સૌરભને હમણાં ને હમણાં ડૉક્ટર પાસે લઈ જાઓ.

નરિમાન પૉઇન્ટના એક્સપ્રેસ ટાવર્સની ઑફિસથી ચર્ની રોડના ક્વિન્સ રોડ પરના મારા પરિચિત ડૉ. જે.સી. પટેલના કન્સલ્ટિંગ રૂમ પર ગયા. એમણે જોઈને તરત જ કહ્યું કે એપેન્ડિક્સનો સિવિયર પ્રૉબ્લેમ છે. એક પણ સેકન્ડ ગુમાવશો તો વકરી જશે. હું હરકિસન હૉસ્પિટલમાં ફોન કરું છું— જઈને તરત જ સર્જરી કરાવવાની વ્યવસ્થા થઈ જશે.

હરકિસન હૉસ્પિટલ નજીકમાં જ હતી. મને ત્યાં લઈ જવામાં આવ્યો. ઘરે ફોન કરીને જાણ કરવામાં આવી. ઘરેથી કોઈ આવે એની રાહ જોયા વિના મારા કલીગે ઑપરેશનની સંમતિ અને જવાબદારી માટેના ફોર્મ પર સહી કરી આપી. પપ્પા-મમ્મી સાન્તાકૃઝથી ચર્ની રોડ પહોંચે તે પહેલાં મારું ઇમરજન્સી ઑપરેશન થઈ ગયું હતું. એપેન્ડિક્સનું ઓપરેશન કોઈ બહુ મોટી વાત નથી. માત્ર જો મોડું થઈ જાય તો સેપ્ટિક થઈ જાય અને ગંભીર પરિસ્થિતિ સર્જાય. મારા સદનસીબે ગાંધીભાઈ, મારા પત્રકાર મિત્ર અને ડૉ. પટેલની સમયસૂચકતાથી હું હેમખેમ આ કટોકટીમાંથી બહાર આવી ગયો. એ જમાનામાં મોઢા પર ક્લોરોફોર્મ સૂંઘાડીને ઑપરેશનો થતાં. ઘરેથી બધાં આવ્યાં એના કેટલાક કલાક પછી હું ભાનમાં આવ્યો. બીજા ચાર કે પાંચ દિવસ પછી મને ઘરે જવાની છૂટ મળી.

એ પછીના સવા ચાર દાયકા દરમ્યાન ક્યારેક જ નાની બીમારી આવ્યા કરે. ઘરગથ્થુ ઈલાજથી તરત જ સાજા થઈ જવાય. ઍલોપથીની દવાઓ લેવાની ભાગ્યે જ જરૂર પડે. આમેય હું પત્રકારત્વમાં કામ કરતો થયો ત્યારથી મારા પર બે ડૉક્ટરોના બહુ મોટા આશીર્વાદ રહ્યા છે. ડૉ. મહેરવાન ભમગરા આ દેશના ઘણા જાણીતા પ્રાકૃતિક ચિકિત્સક. એમને કારણે હું કુદરતી ઉપચારમાં, નેચરોપથીમાં શ્રદ્ધા ધરાવતો થયો. બીજા ડૉ. મનુભાઈ કોઠારી. પોતે ઍલોપથી અને મેડિસિનના ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાનું નામ. મુંબઈની પ્રતિષ્ઠિત કે.ઈ.એમ. હૉસ્પિટલના ડીન. એમના હાથ નીચે મેડિસિનના ક્ષેત્રે ભણેલા વિદ્યાર્થીઓની યાદીમાં મુંબઈના હુઝ હુ ડૉક્ટરોનાં નામ આવે. ડૉ. મનુભાઈ અને ડૉ. ભમગરાસાહેબ સાથે બેઉના અંતિમ કાળ સુધી મારે ઘણો અંગત સંબંધ રહ્યો. ડૉ. મનુભાઈએ એમના સાથી ડૉ. લોપા મહેતા સાથે મળીને લખેલાં પુસ્તકો તમે એક વખત વાંચશો તો તમારે ક્યારેય તમારી તબિયતની બાબતમાં ચિંતા નહિ કરવી પડે.

મને આયુર્વેદમાં પાકો ભરોસો. ઘરગથ્થુ ઈલાજોની સમજણ પણ ખરી. ઍલોપથીની દવાઓ ભાગ્યે જ લીધી હોવાથી શરીરમાં બિનજરૂરી રસાયણો ઠલવાયા નથી. આને લીધે શરીરની ઇમ્યુનિટી વધતી ગઈ. કોરોનાકાળમાં પણ આ મહામારીની અસરો મારા સુધી પહોંચી ન શકી. કોરોના પછીના ગાળામાં સ્વામી રામદેવના હરદ્વાર સ્થિત યોગગ્રામ-નિરામયમમાં 50 દિવસનું હેલ્થ-અનુષ્ઠાન કરીને જાણે કાયાકલ્પ થઈ ગયો અને ભગવાને સો વર્ષ સુધીના તંદુરસ્ત આયુષ્યની બાંહેધરી આપી દીધી.

જો કુદરતી ઉપચાર, આયુર્વેદ, પ્રાણાયામ ઈત્યાદિથી શરીર સાચવ્યું ન હોત અને ઍલોપથીની દવાઓનાં કેમિકલો શરીરમાં નાખ્યાં કર્યાં હોત તો સવા ચાર દાયકા પછી આવેલું ગયા મહિનાનું હૉસ્પિટલાઇઝેશન લાંબું ચાલ્યું હોત, ઘણું લાંબુ ચાલ્યું હોત.

આખો મામલો શરૂ થયો ચારેક મહિના પહેલાં જે 10મી ઑક્ટોબરે પરાકાષ્ઠાએ પહોંચ્યો. આ વર્ષના એપ્રિલથી જૂન મહિનાઓ દરમ્યાન મેં એક મેગા પ્રોજેક્ટ હાથમાં લઈને રિસર્ચ શરૂ કર્યું અને જુલાઈથી દિવસરાત એક પછી એક પ્રકરણો લખાતાં ગયાં. મારા માટે આ ખૂબ એમ્બિશિયસ પ્રોજેક્ટ છે. ઘણાં વર્ષોથી મારા મનમાં એને અમલમાં કેવી રીતે મૂકવો એ વિશે ગડમથલ ચાલતી હતી. છેવટે બધું સારી રીતે ફાઈનલાઈઝ થયું. લખવાનું શરૂ કર્યું. ટુકડે ટુકડે અઢીસો જેટલાં હસ્તલિખિત પાનાં ટાઈપસેટિંગમાં મોકલતો ગયો. પ્રથમ વૉલ્યુમનાં બાકીનાં પ્રકરણો લખાય તે પહેલાં ‘ઉપસંહાર’ના છેલ્લા પ્રકરણનું મૅટર તથા ‘પ્રસ્તાવના’નું મૅટર પણ મોકલી આપ્યું— એન્જિન અને ગાડીનો ડબ્બો નિશ્ચિત થઈ જાય તો આખી ગાડી પાટે ચડી જાય એવા આશયથી.

પણ પછી ઑગસ્ટ આવ્યો. ગુજરાતની જેમ મુંબઈમાં પણ અનરાધાર વરસાદ. મુંબઈમાં ચોમાસા દરમ્યાન બેત્રણ વાર આવો સતત ધોધમાર વરસાદ આવતો જ હોય છે. પણ આ વખતે કંઈક વધારે પડતું જ હતું. ડૉક્ટરમિત્રો બિઝી થઈ ગયા. એકાએક વાયરલ ફીવર, શરદી, ખાંસી, શ્વાસની તકલીફના કેસોમાં તેઓ દિવસરાત વ્યસ્ત થઈ ગયા. મને પણ આવી નાનીમોટી તકલીફો થવા માંડી જે આ સિઝનમાં રૂટિન કહેવાય એમ માનીને મેં એને ગંભીરતાથી લીધી નહીં, ક્યારેય ડૉક્ટરને બતાવ્યું નહીં. ઘરેલુ ઉપચારથી બે-ચાર દિવસમાં જ તકલીફ મટી જતી. જરૂર પડ્યે કેટલીક આયુર્વેદિક દવાઓ કામ લાગતી. તરત અસર થતી અને ફરી કામ શરૂ થઈ જતું.

15 મી ઑગસ્ટના ગાળામાં મુંબઈની અતિવૃષ્ટિમાં પાંચ દિવસ સુધી સતત ભારે વરસાદ પડ્યો. પવઈના અમારા જલવાયુવિહારના તમામ સાત બિલ્ડિંગોમાં થોડાં વર્ષ પહેલાં જ સારો એવો ખર્ચ કરીને મોટું રિસ્ટોરેશન કરવામાં આવ્યું હતું. મારા મેઈન સ્ટડીરૂમમાં હેવી લીકેજની ફરિયાદ હતી એ સંપૂર્ણપણે દૂર થઈ ગઈ હતી.

પણ 19મી ઑગસ્ટે જોયું તો સ્ટડી રૂમ જળબંબાકાર. આઉટર વૉલના લીકેજથી સ્ટડીના વુડન ફ્લોરિંગ પર પાણી જ પાણી. શેલ્ફ પર જગ્યા નહોતી એટલે અત્યારે ચાલી રહેલા પ્રોજેક્ટને લગતાં મોટાભાગનાં રેફરન્સીસ અને સંદર્ભગ્રંથો જમીન પર મુકેલાં. એ બધું જ પાણીમાં તરે. થોડી હસ્તપ્રતો અને અગત્યનાં કામનાં કાગળો પણ સાવ પલળી ગયાં. મોટી થેલીઓ ભરીને ભીની થયેલી વસ્તુઓ કચરાપેટીમાં નાખી જેથી બાકીનાં કોરા પુસ્તકો અને કાગળો ઉપર ફૂગ કે જીવાત-સિલ્વર ફિશ- ન લાગે. જે પુસ્તકો સુકાઈ ગયાં પછી પણ કામ લાગે એવાં નહોતાં એની યાદી બનાવીને ફરીથી મગાવી લીધાં પણ એમાંના કેટલાંક આઉટ ઑફ પ્રિન્ટ હતાં અને એની ઈબુક પણ નથી. એટલે પત્રકારમિત્રો પાસેથી કે લાયબ્રેરીઓમાંથી મેળવવા પડશે એવું નક્કી કર્યું.

આ બધી તારાજીમાં એક વાત ધ્યાન બહાર રહી ગઈ. સ્ટડીના વુડન ફ્લોરિંગ પરનું પાણી તો બધું સૂકાઈ ગયું. પણ દિવાલ તથા ફ્લોરિંગની પ્લૅન્ક્‌સ વચ્ચેની ઝીણી તિરાડોમાંથી જે પાણી અંદર ઘૂસી ગયું તેની માઠી અસરો કેટલી મોટી હોઈ શકે એનો અંદાજ જ નહોતો. આ ભેજને કારણે બહારથી ખબર પણ ન પડે એ રીતે કાળી ફૂગ- મોલ્ડ જન્મી હતી. ઉપરાંત શેલ્ફ પરનાં પુસ્તકો કંઈ રોજરોજ તો સાફ થતાં ન હોય. એના પર બાઝેલી ધૂળ ભેજમાં વધારે મજબૂતીથી પુસ્તકો ઉપર લાગી ગઈ અને એના પર વળી નવી ધૂળ જમા થતી ગઈ.

આ બધું જ્ઞાન મને હૉસ્પિટલમાં એક સિનિયર ડૉક્ટરે આપ્યું ત્યારે મારી આંખો ઉઘડી. બાકી,આપણે તો વર્ષોથી ઢગલાબંધ પુસ્તકોની વચ્ચે જ જીવીએ છીએ. આ પુસ્તકો પરથી વારેતહેવારે ઘૂળ સાફ કરતા હોઈએ પણ રોજ કે દર અઠવાડિયે આવી સાફસૂફી કરવી અશક્ય છે. પુસ્તકોને કાચના કબાટમાં બંધ રાખવાથી એના પર ઓછી ધૂળ બાઝે પણ એ રીતે ગોઠવેલાં પુસ્તકો વચ્ચે રહેવાનું ક્યારેય ફાવ્યું નથી. પબ્લિક લાયબ્રેરીમાં કાચનાં કબાટ શોભે પણ પર્સનલ લાઇબ્રેરીમાં? ખેર,પસંદ અપની અપની. જોકે, મારાં ફેફસાંમાં જે બેક્ટેરિયલ ઇન્ફેક્શન હતું તેનું આ એકમાત્ર કારણ નહોતું. હા, રોગને વકરાવવામાં એણે ભાગ ભજવ્યો હતો જેના માટે મારે હવે કેટલીક સાવચેતી રાખવાની છે.

તમારો અનુભવ હશે કે તમે કોઈ રૂમનાં બારી બારણાં 24 કલાક માટે જડબેસલાક બંધ રાખો તો પણ બીજા દિવસે ફર્નિચર, દિવાલ વગેરે જગ્યાએ ધૂળની આછી પરત જામી જતી હોય છે. મુંબઈ કે પછી અમદાવાદ કે કોઈ પણ શહેરમાં મકાન કે રસ્તાના બાંધકામની પ્રવૃત્તિઓ સતત ચાલતી હોવાની. આને કારણે પણ હવામાં રજકણોનું પ્રમાણ વધી જતું હોય છે. એ પછી વરસાદ પડે ત્યારે ભેજને લીધે આ ધૂળ જડબેસલાક જામી જતી હોય છે. શહેરથી ખૂબ દૂર કોઈ જગ્યાએ કે હિલ સ્ટેશન પર જઈને રહો તો જ આખું વર્ષ તમને આ સમસ્યાથી છૂટકો મળે.

પુસ્તકો પર જામી જતી ડસ્ટને કારણે શ્વાસ દ્વારા ફેફસામાં જતી પ્રદૂષિત હવાને કારણે મારા બગડતા જતા સ્વાસ્થ્યને દોડવું હતું અને ઢાળ મળ્યો. ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં તાવ-શરદી-ખાંસી આવે ને જાય,આવે ને જાય. મામુલી તાવ હોય એટલે સારવારની કોઈ જરૂર વિના આપોઆપ ઉતરી જાય. એકબે ટંક ભૂખ્યા રહીએ એટલે શરદી-ખાંસીથી પણ રાહત મળે. આવું વારંવાર થવા પાછળ કોઈ લાંબુ કારણ હશે એની કલ્પના નહીં. આ વખતે વરસાદની સિઝન લાંબી ચાલી એટલે આવું થતું હશે એમ માની લીધું. જરૂર પડ્યે નાનામોટા આયુર્વેદિક ઉપચારોથી તબિયત પૂર્વવત થઈ જતી એટલે આવું તો મુંબઈની અત્યારની વેધરમાં કૉમન છે એમ માની લીધું.

આ દરમ્યાન થોડું ઘણું લખાતું પણ પ્રોજેક્ટનું કામ ખોરવાઈ જતું. નૉર્મલ કૉલમો લખવા માટે એક-બે કલાકનો સમય પૂરતો થઈ જાય પણ રિસર્ચ પ્રોજેક્ટ હાથમાં લીધો હોય ત્યારે સળંગ પાંચ-છ કલાક વાંચન-લેખન-સંપાદન પાછળ ન આપો તો કામમાં ભલીવાર નથી એવું લાગે. ઑગસ્ટ-સપ્ટેમ્બરના બેઉ મહિના આવી એકાગ્રતા સર્જાઈ નહીં. મને લાગતું કે આ માત્ર ટેમ્પરરી ફેઝ છે. હમણાં બધું રાબેતા મુજબ થઈ જશે અને વેડફાયેલા સમયનું સાટું વળી જાય એમ ડબલ કામ કરીને ડેડલાઈનને પહોંચી વળીશ— ભૂતકાળમાં આ રીતે ઘણું કામ કર્યું છે. પત્રકારત્વમાં આખી જિંદગી ગાળી હોય એના માટે કોઈપણ સંજોગોમાં ડેડલાઈનને પહોંચી વળવાની વાત નવીનવાઈની ન હોય. ઉજાગરા કરીને અને ક્યારેક તબિયતના ભોગે પણ સમયસર કામ પૂરું કરવાની આદત તમારો બીજો સ્વભાવ બની જાય છે.

પણ આ વખતની વાત કંઈક જુદી હતી. ઑક્ટોબરના આરંભથી જ ખૂબ આળસ ચડી જતી, કામ કરવાનું મન થતું નહીં, થાકથી શરીર તૂટી જતું હોય એવું લાગતું. શનિવારે, 4 ઑક્ટોબરની સાંજે મારે એક કાર્યક્રમમાં નાનકડું પ્રવચન આપવા જવાનું હતું. શ્રી માટુંગા ગુજરાતી સેવા મંડળ મુંબઈની એક પ્રતિષ્ઠિત સંસ્થા છે, 90 વર્ષ જૂની. આ સંસ્થા સાથે મારે વર્ષોથી નાતો છે. માતૃભાષા માટે ઘણું સારું કામ કરે છે. સંસ્થાના પ્રમુખ ચંપકભાઈ ગંગર સહિત અન્ય બધા જ હોદ્દેદારો અને ઘણા સભ્યો સાથે દાયકાઓથી ઘરોબો છે.

શનિવાર, 4થી ઑક્ટોબરે સાંજે ચાર વાગે પવઈથી નીકળીને પાંચ-સવા પાંચે માટુંગા પહોંચી જઈશ એવું નક્કી કર્યું હતું, પણ સવારથી મજા નહોતી. કંઈક અસુખ લાગતું હતું. બેએક દિવસથી કશું જ લખ્યું પણ ન હતું. ચાર વાગ્યે જવા માટે તૈયાર તો થયો પણ વિચાર આવ્યો કે ચંપકભાઈને ફોન કરીને કહી દઉં કે નહીં અવાય. પછી થયું કે આવું કેવી રીતે થાય? છેલ્લી ઘડીએ ના પાડીએ તો કેવું લાગે? તબિયત તો સારી-ઓછી સારી હોય એમાં શું મોટી વાત છે? એ કાર્યક્રમ માટે મારા મિત્ર કવિ રઈશ મણિયાર ખાસ સુરતથી આવવાના હતા અને એમને મળવાની પણ લાલચ હતી. ચાર વાગે નીકળવાને બદલે તૈયાર થઈને પાછો સુઈ ગયો અને જેમ તેમ કરીને પાંચ વાગ્યે માટુંગા જવા નીકળ્યો. સાથે ગરમ સ્વેટર જેવું રાખ્યું જેથી ઍરકન્ડિશન્ડ હૉલમાં અચાનક ટાઢ ચડે તો કાર્યક્રમ અધુરો છોડીને ન આવવું પડે. સભાસ્થળે બધા મિત્રો મળ્યા. પ્રવચન પણ સારું થયું. બધાએ વખાણ્યું. મોડી રાત્રે માટુંગાથી પાછો આવ્યો ત્યારે સંતોષ હતો કે સારું થયું કે જઈ આવ્યો. મન પ્રફુલ્લિત થઈ ગયું. પણ ત્યારે ખબર નહોતી કે હવે પછીનું અઠવાડિયું મનની શક્તિ સાથે તનની શક્તિ પણ હણાઈ જવાની છે.

શનિવારના એ કાર્યક્રમ પછી તબિયત ઝડપભેર કથળવા માંડી. રોજ વિચારતો કે ‘સંદેશ’ માટે દિવાળીનો સ્પેશ્યલ આર્ટિકલ જે લખવાનો છે તે આજે લખીશ, કાલે લખીશ. એ ઉપરાંત તહેવારોના નવા શેડ્યુલ મુજબ રવિવારની અને બુધવારની કૉલમો પણ વહેલી આપવાની હતી. અઠવાડિયું આગળ વધતું ગયું એમ ‘ઑપઇન્ડિયા’ની કૉલમની ડેડલાઇન પણ નજીક આવતી ગઈ. 15મી ઑગસ્ટના શુક્રવારથી શરૂ કરેલી નવી કૉલમ ‘લેફ્ટ, રાઈટ અને સેન્ટર’ પહેલા જ હપ્તાથી વાચકોમાં જામી ગઈ હતી. ‘ઑપઇન્ડિયા’ના હિન્દી અને અંગ્રેજી પોર્ટલ પર પણ કેટલાક પીસ ટ્રાન્સલેટ કરીને મુકાતા થઈ ગયા હતા. મને પણ લખવાની બહુ મજા આવતી હતી. ગુરુવારે આખો દિવસ વિચારતો રહ્યો કે આજે તો ઊભા થઈને સ્ટડીમાં જઈને કૉલમ લખી જ નાખું. પણ શુક્રવારે 10 ઑક્ટોબરે સવારે 11:00 વાગે મારે હાર માની લેવી પડી. ગુજરાતી ‘ઑપઇન્ડિયા’ના હોનહાર પત્રકાર મેઘલસિંહ પરમારને મેં વૉટ્‌સઍપ કર્યો, ‘ભાઈ,વહેલી સવારથી ખૂબ તાવ આવી રહ્યો છે. જાગ્યો ત્યારે 102 ડિગ્રી હતો. એ પછી 103 થયો ઇમરજન્સીમાં પેરાસીટામોલ લીધી છતાં અત્યારે 104 ડિગ્રી જેટલો છે. આજનો પીસ લખી શકીશ કે નહીં એની ખબર નથી.’

મેઘલસિંહે વળતા જવાબમાં લખ્યું: ‘તમે આજની કૉલમની બિલકુલ ફિકર નહીં કરતા. મહેરબાની કરીને તમારી તબિયત પર ધ્યાન આપશો.’

એ આખો દિવસ મેઘાએ માથા પર,પેટ પર કોલનવૉટરનાં પોતાં મૂક્યાં. તાવ થોડો ઘટે. પાછો ચડે. બીજી એક પેરાસીટામોલ લીધી. જે કંઈ ઘરગથ્થુ ક્વાથ વગેરેના ઉપચાર થઈ શકે તે કર્યા. પણ થોડા જ સમયમાં તાવ પાછો આવે. 102-103-104 પર રહ્યા કરે. થર્મોમીટરમાં ગરબડ નથી એની ખાતરી કરવા તાબડતોબ બીજા બે થર્મોમીટર મેડિકલ શૉપમાંથી મંગાવ્યા— એક ડિજિટલ અને બીજું કોરાના વખતે પોપ્યુલર થયેલું સ્પર્શ વિનાનું-થર્મલ. પણ ત્રણેય થર્મોમીટર એકસરખા આંકડા બતાવતા. શુક્રવારની રાત જેમ તેમ કાઢી. પથારીમાંથી ઊભા થવાતું નહોતું. શક્તિ બધી હણાઈ ગઈ હતી. બેડરૂમમાંથી પાંચ ડગલાં ચાલીને બાથરૂમ જવું હોય તો પણ મેઘાના ટેકા વિના એક ડગલું ભરી શકાતું નહોતું.

છેવટે શનિવારે વહેલી સવારે અમારા કુટુંબી એવા જાણીતા સર્જન ડૉ. નીતિનભાઈ કક્કાને ફોન કરીને મેઘાએ સવિસ્તાર મારી હાલત વિશે વાત કરી. એમણે તાત્કાલિક અમુક ટેસ્ટ કરાવવાનું કહ્યું. અને સાંજે રિપોર્ટ આવી જાય કે તરત જ ફોન પર મોકલી આપવાની સૂચના આપી. મેઘાએ ઘરની નજીક આવેલી હિરાનંદાની હૉસ્પિટલમાં ફોન કરીને એ લોકોની હોમ કૅર સેવાને ઘરે આવી જવાનું કહ્યું. એક સિસ્ટર આવીને જે જે ટેસ્ટ કહ્યા હતા તે માટેના બ્લડ સેમ્પલ વગેરે લઈ ગઈ. સાંજે ડૉક્ટર નીતિનભાઈએ બધા રિપોર્ટ તપાસીને કહ્યું કે મામલો લાઇટલી લેવા જેવો નથી. બીજે દિવસે, રવિવારે, વહેલી સવારે ડૉ. નીતિનભાઈને એમની કાંદિવલીની હૉસ્પિટલમાં ચેક અપ કરવા જવાનું નક્કી થયું. સવારે નીકળતી વખતે ડૉ. નીતિનભાઈએ કહ્યું કે રિપોર્ટ પરથી લાગે છે કે સૌરભભાઈનો છાતીનો એક્સ-રે પણ કઢાવી લેવો જોઈએ તો તમે લોકો હિરાનંદાનીમાંથી જ છાતીનો એક્સ-રે કઢાવીને સાથે લેતા આવો.

સવારે મેઘાનાં પપ્પા-મમ્મી મને અને મેઘાને લેવા આવી ગયાં. મારાથી બિલકુલ ચલાતું નહોતું. મેઘાને આગળ રાખીને એના બે ખભા પર મારા બે હાથ મૂકીને હું એક એક ડગલું ચાલી શકતો. નીચે કમ્પાઉન્ડમાં આ રીતે ચાલીને હું ગાડી સુધી પહોંચી રહ્યો હતો ત્યારે અમારા મકાનમાં દસમા માળે રહેતા સેક્રેટરીએ મને જોયો. ત્રણેક દિવસ પછી એમણે મેઘાને પૂછયું કે રવિવારે મિસ્ટર શાહ કેટલા અફેક્શનથી તમારા ખભા પર હાથ મૂકીને ક્યાંક જઈ રહ્યા હતા એવું મેં જોયું પણ પછી ધ્યાનથી જોતાં ખબર પડી કે એમના ખભા વળી ગયેલા હતા અને ચહેરો એકદમ નૂર વિનાનો થઈ ગયો હતો—એમની આવી હાલત મેં છેલ્લાં પંદર વર્ષમાં ક્યારેય નથી જોઈ. શું થયું એમને?

રવિવાર,12મી ઑક્ટોબરે મને હીરાનંદાની હૉસ્પિટલના કેઝ્યુઅલ્ટી વિભાગના ઇમરજન્સી વૉર્ડમાં દાખલ કરવામાં આવ્યો. લંગ્સ ઇન્ફેક્શનને લીધે થયેલા ગંભીર કૉમ્પ્લિકેશન્સની સઘન સારવાર લઈને બરાબર નવમા દિવસે, દિવાળીના સપરમા દહાડે, હું હૉસ્પિટલમાંથી ઘરે પાછો આવ્યો. હવે તો દેવ દિવાળી આવશે. વર્સ્ટ ઈઝ ઓવર. હેમખેમ છું. તમે જોઈ શકો છો કે ફરી લખવાનું શરૂ થઈ ગયું છે.

તાજા કલમ: આ લેખના મથાળામાં લતાજી અને કિશોરકુમારે ગાયેલા જે ગીતનો ઉલ્લેખ છે તેની વાત ક્યાંય આવી નથી હજુ સુધી. એ વાત હવે પછી લખાનારા ‘મારા હૉસ્પિટલના અનુભવો’ લેખમાં આવશે. પણ ગીત ગમે છે અને અહીં પ્રસ્તુત પણ છે એટલે મથાળું બદલ્યું નથી. ઉલટાનું એ ગીતની વધુ એક પંક્તિ ટાંકીને આજનો આ પીસ તમને સૌને, મારા તમામ વાચકોને, અર્પણ કરવાની તક ઝડપી લેવી છે:

તુમ્હેં ક્યા બતાઉં
કિ તુમ મેરે ક્યા હો,
મેરી ઝિંદગી કા
તુમ્હી આસરા હો..
હમેં ઔર જીને કી
ચાહત ન હોતી
અગર તુમ ન હોતે
અગર તુમ ન હોતે.

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

  1. અગર તુમ ન હોતે

    હા, આ વાક્ય તો મારા જેવા ભાવકો માટે છે. જો તમે ન હોત તો હું હજુ પણ એ જ સડેલી વિચારધારાને વળગેલો હોત, એ જ વામપંથી શિક્ષણ વ્યવસ્થાના કારણે હું પણ વામપંથી જ થઈ ગયો હોત. તમારા લેખો વાંચીને જ હું સત્ય જાણી શક્યો છું ત્યારે આપની તબિયત બાબતે જાણીને મને આઘાત લાગે જ.

    હવે, આપ સ્વસ્થ છો તે જાણીને રાજીપો થયો. આપ એક દીર્ઘ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો. તે જાણીને ખૂબ આનંદ થયો. ભવિષ્યમાં અમને ખૂબ સારું અને સાચું સાહિત્ય મળશે તે નક્કી છે. બની શકે કે તે દળદાર ગ્રંથોનો શિક્ષણ વ્યવસ્થામાં પણ સમાવેશ થાય.

    આપ ત્રણ નવલકથા લખી રહ્યા હતા તેની અપડેટ્સ મળી શકશે?

    આપને પુસ્તકો વિશે એક ખાસ અને અગત્યની માહિતી આપું તો આપને જે પણ ખાસ કે દુર્લભ પુસ્તકો જોઈતા હોય તે આપને મળી શકશે. રાજકોટના દિનેશભાઈ તીલવા, આ અંગે ખૂબ સરસ કામ કરી રહ્યા છો. આદરણીય લેખક સ્વ. કાંતી ભટ્ટ ઉપરાંત ઘણાં બધાં લેખકો તેમની પાસેથી દુર્લભ પુસ્તકો મંગાવતા હતા તથા હજુ પણ મંગાવે છે. આપને પી.ડી.એફ. પણ મળી જશે. આપ એક વખત તેમનો સંપર્ક કરશો તો આપની જરૂરિયાત ચોક્કસ પૂરી થશે.

    મંગલમય શુભેચ્છાઓ સાથે,

    દિનેશ તીલવા – 94272 70271

    આપનો શુભેચ્છક,

    રિપલકુમાર પરીખ, અમદાવાદ.

  2. તમારા વર્ણન પરથી એક ડોક્ટર તરીકે કહી શકું કે તમે ગંભીર પરિસ્થિતિમાંથી બહાર આવ્યા. સામાન્ય lung infection માં ખભા આવી રીતે વળી જતા નથી. ઇન્ફેક્શન કંટ્રોલ પછી હવે તમને enriched nutrition ની પણ જરૂર રહેશે. Focus on Digestion and Deep Rest as well. Ayurved approaches equally help for that. Please take care dear સૌરભભાઈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here