‘ગુજરાત સમાચાર’ અને મોદી: સૌરભ શાહ

(‘ગુડ મૉર્નિંગ’, ન્યુઝપ્રેમી ડૉટ કૉમ: શનિવાર, ૧૭ મે ૨૦૨૫)

‘ગુજરાત સમાચાર’ના બે ડઝન જેટલા પ્રીમાઈસીસ પર ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા અને 36 કલાક સુધી ચાલેલી આ રેડ પૂરી થઈ કે તરત જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ ત્રાટકી અને પછી બેઅઢી કલાકમાં જ ગુરુવાર, 15 મે 2025ના રોજ રાત્રે 8 વાગ્યે ઇડીએ ‘ગુજરાત સમાચાર’ના માલિકો પૈકીના એક બાહુબલીભાઈ શાહની ધરપકડ કરીને એમને કસ્ટડીમાં લીધા. (શ્રેયાંસભાઈ સાતેક વર્ષ મોટા. આ ઉપરાંત એક ત્રીજા ભાઈ છે જેઓ દાયકાઓથી અલગ છે).

કાયદા મુજબ આરોપીને 24 કલાકમાં કોર્ટમાં હાજર કરીને રિમાન્ડ પર લેવા માટેની અરજી સેશન્સમામાં મંજૂર કરાવવાની હોય. અમદાવાદના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ કે. એમ. સોજિત્રાની કોર્ટમાં ઈડી દ્વારા આરોપીને હાજર કરવામાં આવ્યા. આરોપી દ્વારા તબિયતના કારણસર જામીન માગવામાં આવ્યા (છેલ્લા ઘણા સમયથી 73 વર્ષીય બાહુબલીભાઈની તબિયત નૉર્મલ નથી એ હકીકત છે, આ કોઈ બહાનું નથી. ભગવાન એમને નિરામય અને સદબુદ્ધિભર્યું દીર્ઘાયુ આપે એવી પ્રાર્થના). ઈડીએ આ જામીન અરજીનો વિરોધ કરવાને બદલે સંમતિ આપીને કોર્ટને કહ્યું કે ‘આ સંમતિ આરોપીની તબિયતની અત્યંત ગંભીર અવસ્થાને લઈને માત્ર માણસાઈની ભૂમિકાએ આપી રહ્યા છે.’ આરોપીએ દર આંતરે દિવસે ઈડીને પોતાની તબિયતના ખબરઅંતર આપવાના રહેશે.

જજસાહેબે 31 મે સુધી વચગાળાની જામીન મંજૂર કરીને તારીખ પાડી. હવે 31 મેના રોજ રેગ્યુલર જામીન માટેની સુનાવણી થશે.

ગઈ કાલે, શુક્રવાર 16 મેની સાંજે સાત વાગ્યે સમાચાર આવ્યા કે બાહુબલીભાઈને બેલ મળી ગઈ છે કે તરત જ ‘ગુજરાત સમાચાર’માં નોકરી કરતા પત્રકારો તેમ જ ‘ગુજરાત સમાચાર’ના ઉપકાર હેઠળ હોય એવા લેખકો મળીને કુલ ડઝન-બે ડઝન લોકોએ સોશિયલ મીડિયામાં ગોકીરો મચાવી દીધો : ‘વી આર વિથ ગુજરાત સમાચાર’, ‘આલ ઈજ વેલ’, ‘અખબારી સ્વાતંત્ર્ય ઝિંદાબાદ’ વગેરે.

આ બધા જ લોકો ‘ગુજરાત સમાચાર’ પર આઈટી-ઈડીની રેડ પડી ત્યારે તેમ જ એમના શેઠની ધરપકડ થઈ ત્યારે મિયાંની મીંદડી થઈને ચૂપ હતા. જેવા જામીન મળ્યા કે તરત પોતે જાણે બહુ બહાદુરી દેખાડતા હોય એમ પબ્લિકમાં ઉછળકૂદ કરવા લાગ્યા. બહાદુરી ત્યારે દેખાડવાની હોય મિત્રો, જ્યારે તમારા શેઠને ઈડીવાળા ઉપાડી જાય. તે વખતે જ તમારે તમારી નમકહલાલી દેખાડીને ‘વી આર વિથ યુ’ના નારા એફબી, ટ્વિટર, ઈન્સ્ટા પર લગાડવાના હોય. શેઠને અંદર લીધા પછી રાહ જોવાની ન હોય કે એમને જામીન મળે છે કે નહીં તે જોઈએ, જામીન ક્યારે મળે છે તે જોઈએ. પીએમએલએ (PMLA-પ્રીવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ)ના કેસમાં ઘણી વખત જામીન મળતાં છ-છ મહિના લાગી જતા હોય છે. આટલી સમજ તો ‘ગુજરાત સમાચાર’માં નોકરી કરતા દરેક પત્રકારને હોય જ. આ મિત્રોએ માલિક પ્રત્યેની વફાદારી વ્યક્ત કરવા માટે માલિક જામીન પર છૂટીને વાજતેગાજતે ઘરે પાછા આવે એની રાહ જોવાની ના હોય. જેવી એમની ધરપકડ થઈ કે તરત જ અમે તમારી પડખે છીએ, અમે તમારું નમક ખાધું છે, અમે તમને વફાદાર છીએ, અને તમારા વિશ્ર્વાસુ નોકરો છીએ એવો મેસેજ જાહેરમાં વ્યક્ત કરીને માલિકને પહોંચાડી દેવાનો હોય. આવું થયું હોત તો બાહુબલીભાઈને (અને શ્રેયાંસભાઈને પણ) સાંત્વના મળી હોત, હૂંફ મળી હોત, ભરોસો થયો હોત કે જે પત્રકારો અમારા પગાર પર જીવનનિર્વાહ કરે છે તેઓના હૈયે અમારું હિત છે. જામીન મળ્યા પછી હુપાહુપ કરવાનો કોઈ જ અર્થ નથી સરતો. (ફરીવાર આવી ભૂલ ના થાય).

અને મને હક્ક છે મારા મિત્રોને આવી સલાહ આપવાનો કારણ કે મેં આવી બહાદુરી, વફાદારી અને નમકહલાલી સામા વહેણે તરીને પણ દેખાડી છે. અહીં એક નાનકડો ફ્લૅશબેક આવે છે. કાન્તિ ભટ્ટ-શીલા ભટ્ટે ૧૯૮૬માં જે આલા ગ્રાન્ડ સાપ્તાહિક ‘અભિયાન’ શરૂ કર્યું હતું તેના પીઠબળ મુંબઈના બિલ્ડર અવિનાશ પારેખ હતા એની સામાન્ય વાચકોને ઝાઝી ખબર નહીં હોય. ‘અભિયાન’ના પ્રકાશક અવિનાશ પારેખે 1987ના અરસામાં મારી પાસે કોઈ નોકરી નહોતી ત્યારે મને મૅનેજિંગ એડિટર તરીકેની સારા પગારની નોકરી આપી હતી. જોકે, પાછળથી કોઈ ઈર્ષાળુ ગુજરાતી કટારલેખકની ચાડીચુગલી અને ચડામણીથી મને છ મહિનામાં કાઢી મૂકવામાં આવ્યો હતો.

આ બધું બની ગયા પછી 1994ની આસપાસના ગાળામાં એક સવારે મને ખબર પડી કે મુંબઈ પોલીસે આઈપીસીની કલમ 302 હેઠળ ખૂનના આરોપસર અવિનાશ પારેખની ધરપકડ કરી છે. એમની કસ્ટડી તે વખતે હું જ્યાં રહેતો હતો તે ઘરની નજીકના પોલીસ સ્ટેશનમાં હતી. અવિનાશભાઈ આ કટોકટીમાં એકલા નથી, હું એમની સાથે છું, એમની નિર્દોષતા પર મને સો ટકા ભરોસો છે એવું મારે એમને શબ્દોમાં કહ્યા વિના જતાવવું હતું. સવારે મેં ઘરે વીસેક જણ માટે બટાટાપૌઆ વગેરેનો નાસ્તો બનાવડાવ્યો અને ચાના થર્મોસ ભરી દીધા. પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં અવિનાશભાઈની આંખો ભીની થઈ. એમની સાથેના એમના બીજા ભાગીદારો/સાથી આરોપીઓ તથા ત્યાં ડ્યુટી પર રહેલા પોલીસ કૉન્સ્ટેબલોને ચાપાણી કરાવીને હું ઘરે પાછો આવ્યો. અવિનાશભાઈ જામીન પર છૂટીને હેમખેમ બહાર આવ્યા એ પછી મેં એમના માટે જે હનુમાનજીના મંદિરની માનતા માની હતી ત્યાં બાધા ઉતારવા માટે એમને સાથે લઈ ગયો. ખૂન કેસમાં એમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા. બાઇજ્જત બરી થઈ ગયા.

વફાદારી માત્ર ‘વી આર વિથ યુ’ના નારા લગાડવાથી પ્રગટ થતી નથી. વફાદારી, માણસ કટોકટીમાંથી હેમખેમ બહાર આવી જાય એ પછી વ્યક્ત કરવાની હોતી નથી. મારી કટોકટીઓમાં પણ મને વફાદાર મિત્રો મળ્યા જ છે.

***

લૉન્ગ લિવ ફ્રીડમ ઓફ પ્રેસ. આવા નારાઓ પણ બેવકૂફ મિત્રોએ લગાવ્યા છે. ‘ગુજરાત સમાચાર’ દ્વારા ચાલતી ‘જીએસટીવી’ નામની ચેનલમાં તમે ઘણી વખત ઈસુદાન ગઢવીને એન્કરિંગ કરતા જોયા હશે. ‘આપ’ ના ગુજરાત એકમના ચહેરા તરીકે કેજરીવાલે જેમને પ્રમોટ કર્યા અને વિધાનસભાની ચૂંટણીમાં જે બહુ બૂરી રીતે હારી ગયેલા તે વીર ઈસુદાન ગઢવી ફ્રીડમ ઓફ પ્રેસની વાત કરતા હોય તે કેવું ઘેલા જેવું લાગે! એક પોલિટિકલ પાર્ટીના નેતાને તમે તમારી ચેનલનો ચહેરો બનાવો છો, અને પછી એમની પાસે ફ્રીડમ ઑફ પ્રેસની વાતો કરાવો છો? જીએસટીવી ચલાવતા તરવરિયા સ્ટાફને ગુમરાહ કરી રહેલા કોઈ લંગૂરે સમજવું જોઈએ કે ‘નિર્ભય’, ‘સત્ય’, ‘ફ્રીડમ ઑફ પ્રેસ’ આ બધા શબ્દો તમારા મોઢે શોભતા નથી. અમુક પ્રકારની સ્ત્રી પોતાના ચારિત્ર્ય વિશે બણગાં ફૂંકતી હોય એવું લાગે. શેઠ કટોકટીમાં સપડાયા હોય ત્યારે સ્ટાફને ફાફડા જલેબી ખવડાવીને મેરા રંગ દે બસંતી ચોલા પર ભાંગડા ના કરવાના હોય.

રાહુલ ગાંધી, કેજરીવાલ, રવિશ—આ અને આવા બીજા ઘણા જોકરો ‘ગુજરાત સમાચાર’ પરના ઍક્શનને મીડિયાની સ્વતંત્રતા પર પ્રહાર ગણાવીને મોદી સરકારને ઝપટમાં લેવાની કોશિશ કરે છે. આ અભણ અને બદમાશ લોકોને ખબર નથી કે મોદીની ટીકા તો ‘ગુજરાત સમાચાર’ છેક પચ્ચીસ વર્ષથી કરે છે. ટીકા અને વિરોધ જ નહીં બેફામ બેબુનિયાદ આક્ષેપો કરે છે અને આઉટ એન્ડ આઉટ ગેરમાહિતી પણ ફેલાવે છે. દાયકાઓથી આ ચાલે છે. આમ છતાં મોદીએ ‘ગુજરાત સમાચાર‘ની ક્યારેય સતામણી નથી કરી. ખુદ ‘ગુજરાત સમાચાર’એ પણ ક્યારેય કહ્યું નથી કે મોદી સરકાર અમને હેરાન કરે છે કે અમારા અખબારના સ્વાતંત્ર્ય પર તરાપ મારે છે.

‘ગુજરાત સમાચાર’ની સામે જ નહીં કોઈ પણ વિરોધી મીડિયા હાઉસ-પત્રકાર-યુટ્યુબરો વગેરે સામે મોદી સરકારે કોઈ કાર્યવાહી નથી કરી. મોદીને ચિક્કાર ગાળાગાળી કર્યા પછી ‘અમારી પાસે અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી’ એવી હાસ્યાસ્પદ ફરિયાદો કરતા ડિજિટલ મીડિયાના અમુક બદમાશોને પણ મોદીએ પૂરેપૂરી છૂટ આપી છે.

મોદી પોતાની બદનામી સાંખી શકે છે, પોતાના સાથીઓની અને પોતાના પક્ષની બદનામી સહન કરી શકે છે પણ પોતાના રાષ્ટ્રની સામે કોઈ આંગળી ચીંધે છે ત્યારે મોદીએ લાલઘૂમ બનીને પગલાં લેવાં પડે છે. જીએસટીવીના ટ્વિટર અકાઉન્ટને ક્યારે બંધ કરવામાં આવ્યું? 22 એપ્રિલના પહેલગામના આતંકવાદી હુમલા પછી. જ્યારે દેશની સંરક્ષણ નીતિને પાકિસ્તાનની આંખોમાં હલકી ઠેરવવાના પ્રયાસો શરૂ થયા તે પછી. ‘ગુજરાત સમાચાર’ સામે ક્યારે પગલાં લેવાયાં? પહેલગામ પછી વારંવાર દેશને ગંભીર નુકસાન થાય એવી માહિતી છાપવાનું શરૂ થયું તે પછી.

મોદી અગિયાર વરસથી વડા પ્રધાન છે. ‘ગુજરાત સમાચાર’ સામે ધારે એવાં પગલાં લઈ શકયા હોત. ઇન્દિરા ગાંધી હોત તો એમણે લીધાં જ હોત. રામનાથ ગોએન્કાજીને જે રીતે હેરાનપરેશાન કર્યા તે જ રીતે ઇન્દિરાએ શ્રેયાંસભાઈ શાહને પરેશાન કર્યા હોત. ‘ફ્રીડમ ઑફ પ્રેસ’ અને ‘અભિવ્યક્તિની સ્વતંત્રતા’ના નામે છાજિયા લેનારા સ્ત્રૈણ લોકોને વિનંતી કે જાઓ, જઈને ખુદ શ્રેયાંસભાઈને અને બાહુબલીભાઈને પૂછી આવો કે તમે આટલાં વર્ષોથી મોદીની પાછળ પડી ગયા છો તે છતાં મોદીએ ક્યારેય તમને હેરાન કર્યાં છે? સાચો જવાબ માલિકો જ તમને આપશે.

મોદીએ એમને હેરાન નથી કર્યા; પણ મોદીએ એમની કુર્નિશ નથી બજાવી—પ્રૉબ્લેમ ત્યાં છે. 2001ના ઑક્ટોબરની 7મીએ મોદીએ ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેના સોગંદ લીધા. વણલખી રસમ પ્રમાણે નવા મુખ્યપ્રધાને સોગંદવિધિના 24 કલાકની અંદર અમદાવાદ જઈને ખાનપુરમાં ‘ગુજરાત સમાચાર’ ભવનના પહેલા માળે આવેલી શ્રેયાંસભાઈની વિશાળ કેબિનમાં એમને મળી લેવાનું હોય. આ રસમ માધવસિંહ સોલંકી કે અમરસિંહ ચૌધરી જેવા કૉન્ગ્રેસી મુખ્ય પ્રધાનોએ તો નિભાવી જ છે, ચીમનભાઈ પટેલથી માંડીને શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલથી માંડીને દિલીપ પરીખ સુધીના તમામ મુખ્ય પ્રધાનોએ શ્રેયાંસભાઈની ચા પીવા જવાનો રિવાજ નિભાવ્યો છે એની મોદીને ખબર હતી છતાં તેઓ ના ગયા. આટલું ઓછું હોય તેમ એમણે ગાંધીનગરના સચિવાલયમાં ફાઈલો ફેરવવા આવતા પત્રકારો પર પ્રતિબંધ મૂકી દીધો. દુશ્મની અહીંથી શરૂ થઈ. શરૂમાં ઈગોનો સવાલ હતો અને પાછળથી એમાં બીજાં અનેક કારણો ઉમેરાયાં.

મોદી અને શ્રેયાંસભાઈ વચ્ચે સમાધાન થાય અને ‘ગુજરાત સમાચાર’ રાજ્યની વિકાસયાત્રામાં ફાળો આપીને નેગેટિવિટીના વાતાવરણમાંથી બહાર આવે એવી કોશિશ પૂજ્ય મોરારીબાપુએ એક વખત કરી જોઈ હતી. 2005માં 24 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર દરમ્યાન અમદાવાદના સાબરમતી આશ્રમમાં બાપુની રામકથાનું આયોજન થયેલું જેના યજમાન શ્રેયાંસભાઈ હતા અને કથાના બીજા દિવસે, 25 સપ્ટેમ્બરની રવિવારના સવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કથા સાંભળવા આવ્યા હતા. કથાના આરંભે શ્રેયાંસભાઈ અને મોદી બેઉએ મનભરીને બાપુનાં વખાણ કરતાં પ્રવચનો કર્યાં હતાં. એ દિવસે વાતાવરણ એવું બંધાઈ ગયું હતું કે જાણે સંધિ થઈ ગઈ. આ વીડિયોની લિંક આ લેખ સાથે મૂકી છે. પહેલા કલાકમાં મોદી, બાપુ અને શ્રેયાંસભાઈને સાંભળશો તો જલસો પડશે.

પણ રસ્સી બળી છતાં વળ ના છૂટી. મોદી માટેનો દ્વેષ ચાલુ જ રહ્યો, વડાપ્રધાન બન્યા પછી તો બહુ વધ્યો. શ્રેયાંસભાઈ મોદીના વિરોધીમાંથી મોદીના શત્રુ બની ગયા.

પ્રેસ પોતાની ટીકા કરે છે કે ઇવન પોતાના વિશે એલફેલ બોલે છે એ વાત પર મોદીએ ક્યારેય ધ્યાન આપ્યું જ નથી. એક જમાનામાં બહોળો ચાહક વર્ગ ધરાવતા અને ત્યારે વિશ્વસનીય પણ ગણાતા ‘મુંબઈ સમાચાર’માં મેં મારી વરસોથી ચાલતી દૈનિક કૉલમ બંધ કરી એ પછી ડગલેને પગલે એ છાપાએ મોદી વિરુદ્ધ બેફામ પ્રચાર શરૂ કર્યો. આમ છતાં મોદી ‘મુંબઈ સમાચાર’નો પ્રસંગ સાચવી લેવા મુંબઈ આવ્યા અને પોતાના વિરુદ્ધ રોજેરોજ હલકી કલમે લખાતા લેખો વિશે આટલો સરખો ઉલ્લેખ પણ ના કર્યો જે એમની ખાનદાનીનું ઉદાહરણ છે. આવું જ ‘ચિત્રલેખા’ જેવા ઉમદા સાપ્તાહિકની બાબતમાં પણ થયું. હરકિસન મહેતાના નિધન પછીના ગાળા દરમ્યાન મૌલાના નગીનદાસ સંઘવી તથા બીજા કેટલાક લોકો દર અઠવાડિયે મોદીની આડેધડ ટીકાઓ કરતા લેખો લખતા. આ ઉપરાંત ગોધરા હિંદુ હત્યાકાંડ પછીના સમયમાં મોદી વિશે અનેક આડીઅવળી વાતો કેટલાક પત્રકારો પાસે લખાવવામાં આવતી. આમ છતાં તાજેતરમાં ‘ચિત્રલેખા’ના કાર્યક્રમમાં મોદી પોતે મુંબઈ આવી શકે એમ નહોતા તો તેમણે અમિતભાઈને મોકલીને પ્રસંગ સાચવી લીધો.

મોદી પછી છેલ્લા દસકામાં ગુજરાતના કોઈ મુખ્યમંત્રીએ ‘ગુજરાત સમાચાર’ની ‘સૌજન્ય મુલાકાત’ લઈને ન તો કુર્નિશ બજાવી, ન તેઓ ફ્રીડમ ઑફ પ્રેસની આડે આવ્યા.

***

રવિશકુમાર હડકાયા કૂતરાની જેમ રોજ ભસ્યા કરે છે. મોદીએ એનું ભસવાનું સ્વાતંત્ર્ય છીનવ્યું નથી. રાજદીપ સરદેસાઈ રોજ કંઈ ને કંઈ મોદી વિરુદ્ધના જોકરવેડા પ્રાઈમટાઈમમાં કરે છે. મોદી એના વિદુષકવેડા રોકવા કોઈ પગલાં નથી લેતા. કલકત્તાનું એક જમાનાનું અતિ પ્રતિષ્ઠિત ‘ટેલીગ્રાફ’ દૈનિક ગટરપત્ર બનીને રોજ ફ્રન્ટપેજ પર મોદીદ્વેષની વૉમિટો ઠાલવે છે. મોદી ચૂપચાપ સહન કરે છે. બીજાં કેટલાંય અંગ્રેજી અને ભારતીય ભાષાનાં અખબારો તેમજ અનેક ટીવી ચેનલો, ડિજિટલ મીડિયાવાળાઓ, સોશિયલ મીડિયાના સાહેબબહાદુરો અને યુ ટ્યુબના સલીમ-અનારકલીઓ મોદી આમ ને મોદી તેમ કહીને મોદીની મજાક ઉડાવે છે, મોદીનું અપમાન કરે છે, મોદી વિશે ગેરમાહિતીઓ અને ગપગોળાઓ ફેલાવે છે, પ્રજાને મોદી વિરુદ્ધ ઉશ્કેરે છે, મોદી વિશે ધડમાથા વિનાનાં આક્ષેપો કરતા નાનામોટા તમામ વિપક્ષી રાજકારણીઓનાં નિવેદનોને ઉછળી ઉછળીને ચગાવે છે. પણ મોદી ત્રીજું નેત્ર ખોલતા નથી. અખબારી સ્વાતંત્ર્યનું મૂલ્ય એમને ખબર છે. આ સ્વાતંત્ર્ય સ્વચ્છંદતાની હદ વટાવી જાય તો પણ તેઓ સહન કરી લે છે. માત્ર દેશની સુરક્ષાની વાત આવે ત્યારે જ તેઓ ખોંખારો ખાય છે અને અખબારી સ્વાતંત્ર્યની આડશ લઈને દેશવિરોધી કામ કરનારાઓના કાન આમળે છે.

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here