ઉકો ઉસ્માન અને પકો પરવેઝ ના બન્યા તે માટે તેમણે આરએસએસનો આભાર માનવો જોઈએ: સૌરભ શાહ

( લેફ્ટ, રાઇટ અને સેન્ટર: ગુજરાતી ઑપઇન્ડિયા ડૉટ કૉમ. બુધવાર, ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૬)

‘પરિસ્થિતિ તો રહેવાની જ છે— અનુકૂળ રહેશે અથવા પ્રતિકૂળ રહેશે. પરિસ્થિતિ વિશે બહુ વિચાર કર્યા કરવાથી ઝાઝો ફાયદો નહીં થાય. આપણે જે કંઈ કરવું છે તે કેવી રીતે કરવું છે, તેના ઉપાયો વિશે વિચાર કરવાનો છે.‘

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતના આ શબ્દો છે. ગયા અઠવાડિયે મુંબઈમાં વરલીના ૯૦૦ બેઠકોની કૅપ્સિટી ધરાવતા ભવ્ય નહેરુ ઑડિટોરિયમમાં સંઘની શતાબ્દી નિમિત્તે બે દિવસીય કાર્યક્રમ યોજાયો. બીજા દિવસે પ્રથમ સત્રનો આરંભ એમના આ શબ્દોથી થયો.

સંજોગો કેવા છે તેના પર ધ્યાન આપવાને બદલે તમારે શું કામ કરવું છે તેના પર ફોકસ રાખવાનું હોય. પરિસ્થિતિ મને અનુકૂળ થાય પછી હું આ કામ કરીશ એવું વિચારીને બેસી રહેવાનું ના હોય. વિપરીત સંજોગોમાં પણ મારે જે કામ કરવું છે તે હું કેવી રીતે કરીશ તેનો ઉપાય શોધીને મારે કામ કરતાં રહેવું જોઈએ.

મોહનજી ભાગવત માત્ર આરએસએસના જ નહીં, સમગ્ર રાષ્ટ્રના મુઠ્ઠી ઉંચેરા નેતા છે, કર્મઠ અને ત્યાગી છે, ખૂબ મોટા વિચારક છે. આ વાતનો પુરાવો ફરી એકવાર, ગયા શનિ-રવિએ યોજાયેલા શતાબ્દી સમારોહના ચાર સત્રના કુલ પાંચ કલાક કરતાં વધુ સમય દરમ્યાન એમને સાંભળીને થયો. મોહનજીના અસ્ખલિત વાક્‌પ્રવાહ દરમ્યાન આવા અગણિત વિચાર મૌક્તિકો પ્રાપ્ત થયાં. આ લેખમાં મોહનજીના શબ્દો જ્યાં ક્વોટ થશે ત્યારે તે સ્પષ્ટપણે બે અવતરણ ચિહ્નોની વચ્ચે મૂકાશે. તે સિવાયના જે વિચારો અને અર્થઘટન પ્રગટ થઈ રહ્યાં છે તે મારાં છે.

2014 પછી હિંદુત્વને અનુકૂળ પરિસ્થિતિ દેશમાં સર્જાઈ છે. એ પહેલાં પરિસ્થિતિ પ્રતિકૂળ હતી ત્યારે પણ સંઘે, સંઘના લાખો સ્વયંસેવકોએ પોતાનું કામ ચાલુ રાખ્યું હતું. કામ ચાલુ રાખ્યું તેનું પરિણામ 2014માં જોવા મળ્યું. આરએસએસમાં જોડાઈને માર્ગદર્શન, તાલિમ અને અનુભવ પામેલા અનેક રાજનેતાઓ આજે દેશના સુશાસનના આદરણીય હિસ્સા છે.

સંઘ માટે આજે પણ કેટલાક લોકોના મનમાં શંકા છે, કેટલાક લોકોના મનમાં દ્વેષ પણ છે અને અમુક લોકોના મનમાં તો આરએસએસ માટે ભારોભાર ધિક્કાર પણ છે. આ સૌ ઉકાભાઇઓ, પકાભાઈઓ અને દીપાભાઈઓને જણાવવાનું કે 1925ની દશેરાએ સંઘની સ્થાપના ના થઈ હોત તો આજે તમે ઉસ્માન, પરવેઝ અને દાઉદ બનીને દિવસમાં પાંચવાર નમાજ પઢતા થઈ ગયા હોત.

કોઈને સવાલ થાય કે તો પછી 1925 પહેલાં આ દેશમાં હિન્દુત્વ કેવી રીતે ટક્યું. ઉકો ઉસ્માન ના બન્યો તેનો જશ તમે સંઘને આપતા હો તો તમારા બાપદાદાઓ સબુરદાસ કે મંગળદાસમાંથી સાજીદ કે મુર્તઝા કેમ ના બન્યા? એ સૌના જીવનકાળમાં ક્યાં સંઘ હતો ?

વાજબી સવાલ છે.

ભારત દેશની હજારો વર્ષની સનાતન પરંપરા ન તો સંઘને કારણે શરૂ થઈ ન તો એ હજારો વર્ષ સુધી સંઘને કારણે સચવાઈ કે પ્રસાર પામી. 1925 પહેલાં પણ આપણો દેશ હિન્દુ જાગૃતિથી આગળ વધ્યો છે. પણ 1925માં જો સંઘની સ્થાપના ના થઈ હોત અને સંઘના આરંભનાં વર્ષો દરમિયાન હજારો અને સમય જતાં લાખો સ્વયંસેવકોએ જો પોતાનું કામ ના કર્યું હોત તો ઉકો વટલાઈને જરૂર ઉસ્માન બની ગયો હોત એવું હું દૃઢપણે માનું છું. તેનું કારણ શું ?

છેલ્લાં 100 વર્ષ દરમ્યાન હિન્દુત્વ પર અગાઉ ક્યારેય ન થયાં હોય એવાં આક્રમણો થયાં. આ આક્રમણો મોગલોની જેમ તલવારની અણીએ નથી થયાં. આ આક્રમણો માત્ર ઇસ્લામ કે ઈસાયત પદ્ધતિની પૂજા-ઉપાસના કરતા લોકો દ્વારા પણ નથી થયાં. આ બે પ્રકારના લોકોએ તો વીતેલાં સો વર્ષોમાં વટાળ પ્રવૃત્તિઓ જોરશોરથી ચલાવી જ, પણ એને ઉત્તેજન આપ્યું આપણા તે વખતના કેટલાક હિન્દુ નેતાઓ તથા શાસકોએ— આઝાદી પહેલાં અને આઝાદી પછી. એટલું જ નહીં, હિન્દુત્વ તો એક ઝેરી માનસિકતા છે એવો પ્રચાર કરનારા ડાબેરી અને સેક્યુલર વિચારધારાવાળા લોકોને પણ આઝાદી પછી મોકળું મેદાન મળ્યું. સનાતન પરંપરામાં જન્મેલા-ઉછરેલા યુવાનોને પોતાના હિન્દુ હોવાપણા બદલ હીન ભાવના જન્મે એવા ભરપૂર પ્રયાસો આ ડાબેરીઓએ કર્યા. પોતાના હિન્દુત્વ માટે ગૌરવ લેવું એટલે કોમવાદી હોવું એવું વાતાવરણ આઝાદી બાદના કેટલાક સર્વોચ્ચ રાજનેતાઓ દ્વારા આ દેશમાં સર્જવામાં આવ્યું હતું. મોગલોના આક્રમણ કરતાં આ અનેકગણું ખતરનાક હતું કારણ કે અહીં તલવાર નહોતી, લોહીલુહાણ લાશો નહોતી, હોકારાપડકારા નહોતા પણ જે કાંઈ થતું તે બધું જ અત્યંત પ્રછન્નપણે, સટલ રીતે, ચતુરાઈથી થતું. કોઈ હોહા વિના તમારું બ્રેન વૉશિંગ થતું— શિક્ષણને કબજે કરીને, કળા-સંસ્કૃતિ જેવા ક્ષેત્રો પર ઇજારાશાહી સ્થાપીને, મીડિયાને પૂરેપૂરી રીતે પાંખમાં લઈને. જીવનના તથા રાજકારણના-ઉદ્યોગવ્યવસાયના દરેકે દરેક ક્ષેત્રમાં આવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું કે ખબરદાર જો તમે તમારી જાતને હિન્દુ કહી છે તો, આ દેશમાં હિન્દુઓનું કે કોમવાદીઓનું કોઈ કામ નથી કારણ કે આ તો સેક્યુલરોનો દેશ છે.

1925માં સંઘની સ્થાપના ના થઈ હોત તો આજે આ દેશમાં 85% હિન્દુઓને બદલે 15% હિન્દુ હોત, બાકીના બધા જ ‘સેક્યુલરો‘ હોત. આવું હું સ્પષ્ટ રીતે કહું છું.

આરએસએસનું અંતિમ લક્ષ્ય છે ‘સંપૂર્ણ હિન્દુ સમાજને સંગઠિત’ કરવાનું. જો તમે ભારતીય છો તો તમે હિન્દુ છો એવું અનેકવાર મોહનજી ભાગવત કહી ચૂક્યા છે જેનો અર્થ કેટલાક છીછરા લોકો સમજ્યા નથી અથવા સમજવા માગતા નથી. આ ન સમજવાવાળાઓમાં વિધર્મીઓ તો આવી જ ગયા, એ ઉપરાંત રાયતા વિંગના હાઇપરડાઓ પણ આવી ગયા.

સરસંઘચાલકે મુંબઈના સમારોહમાં કહ્યું કે ભારતના મુસલમાનો અને ભારતના ખ્રિસ્તીઓ બાકીની દુનિયાના મુસ્લિમો કે ખ્રિસ્તીઓ જેવા નથી. ‘ઉનકા અલગપન કહાં સે આયા? વો ભારત કા હૈ.’

આવી વિશેષતા ધરાવતા સમગ્ર સમાજને સંગઠિત કરવાના હેતુથી સંઘની સ્થાપના થઈ. મોહનજીના આ શબ્દો હજુ એ કાનમાં ગુંજે છે :

‘એટલે જ અમે કહીએ છીએ કે ચાર પ્રકારના હિન્દુઓ છે : એક તો એ જે કહે છે ‘ગર્વ સે કહો હમ હિન્દુ હૈ.’ બીજો પ્રકાર એ છે જે કહે છે હા, અમે હિન્દુ છીએ અને હિન્દુ જ રહીશું પણ એમાં ગર્વ-બર્વની ક્યાં વાત છે, હિન્દુ છીએ અને રહીશું એટલું પૂરતું છે. ત્રીજો પ્રકાર એ છે જે કહે છે : ‘જોર સે મત બોલો, હમ હિન્દુ હૈ. ઘર મેં આ કર પૂછો તો બતાયેંગે, બહાર નહીં બોલેંગે. કુછ કારણ હૈં ઉનકે… ઔર ચોથા હૈ કિ જો ભૂલ ગયે હૈં…’

આ ચોથો પ્રકાર એક સેકન્ડ માટે શ્રોતાઓના મનમાં સ્પષ્ટ થયો નહીં પણ જેવી ટ્યુબલાઈટ થઈ કે તરત સભાખંડમાં તાળીઓનો ગળગડાટ થયો. મોહનજીએ આ ચોથા પ્રકાર વિશે વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું : ‘જેમને ભૂલવાડી દેવામાં આવ્યું છે (કે તેઓ મૂળ તો હિન્દુ જ હતા) તેઓ આવી વિસ્મૃતિમાં જ રહે એવી વ્યવસ્થા કરવાવાળા લોકો છે અને હજુ વધુ લોકો ભૂલી જાય અને વિસ્મૃતિવાળાઓમાં ભળી જાય એવો પ્રયાસ ચાલી રહ્યો છે. કારણ કે ભારત જો તાકાતવર દેશ બને તો દુનિયાની સ્વાર્થી શક્તિઓની દુકાન બંધ થઈ જશે.’

ભારતમાં રહેતા મેજોરીટી હિન્દુઓ અને અલ્પ સંખ્યક પ્રજાઓ વચ્ચે ફાટફૂટ પડાવવાની પ્રવૃત્તિઓ કરતા ભાંગફોડિયાઓ વિશે આ નુક્તેચિની કરીને મોહનજી ભાગવતે સમજાવ્યું કે : ‘સામર્થ્યસંપન્ન રાષ્ટ્ર જ આ બધાનો ઉપાય છે અને સામર્થ્યસંપન્ન રાષ્ટ્ર માટે સંગઠિત-ગુણવાન સમાજ જોઈએ. અને પૂરેપૂરો સમાજ (સંગઠિત) જોઈએ, કોઈ બાકી ના રહેવું જોઈએ.‘

આરએસએસના કાર્યક્રમમાં એક જાણીતા મુસ્લિમ અભિનેતાને શું કામ શ્રોતા તરીકે આમંત્રણ આપ્યું અને મોહનજી ભાગવતે એમનું નામ લઈને જે ઉદાહરણ આપ્યું કે જે ઉપમા આપી તેના વિશે સોશ્યલ મીડિયામાં કેટલાક વાંકદેખાઓ સમજ્યાકર્યા વિના કે આગળપાછળનો સંદર્ભ જાણ્યા વિના ટિપ્પણીઓ કરે છે. પહેલા દિવસના એક સત્રના અંતે સરસંઘચાલકે નહેરુ ઑડિટોરિયમમાં બીજી હરોળમાં બિરાજેલા જાણીતા ફિલ્મી ગીતકાર પ્રસુન્ન જોશી (જેઓ છેલ્લા નવ વર્ષથી સેન્સર બોર્ડના ચેરમેન છે)ની બાજુમાં બેઠેલા સલમાન ખાનની હાજરીની નોંધ લેતા કહ્યું : ‘…હિન્દુ સમાજનું (ચારેય પ્રકારના હિન્દુઓનું) સંગઠન કરવું એ હેતુ લઈને સંઘ કામ કરી રહ્યો છે.‘

(અહીં સંગઠન એટલે કોઈ સંસ્થા કે ઓર્ગેનાઇઝેશનના સંકુચિત અર્થમાં નહીં પણ શબ્દકોશમાં આપેલી વ્યાપક વ્યાખ્યા મુજબ ‘વિખેરાયેલા બળ, લોકો કે અંગોને એકત્રિત કરી વ્યવસ્થિત કરવા તે.’)

આ અર્થમાં હિન્દુ સમાજને સંગઠિત કરવો હોય તો શું કરવું જરૂરી છે ? મોહનજીએ કહ્યું :

‘સમાજ ફૅશનથી (નકલ કે અનુકરણથી) ચાલે છે. સિનેમા મેં સલમાન ખાનજી ક્યા પહેનતેં હૈં—કૉલેજ વિદ્યાર્થી વૈસા પહેનતે હૈ. અરે ભઈ, ક્યોં પહન રહે હૈ? ઉન્હોંને પહના હૈ ઇસ લિયે. ઉન્હોંને પહના ક્યોં હૈ? માલૂમ નહીં! બધી વાતોમાં આવું (અનુકરણ) થતું હોય છે. અચ્છી બાત-બુરી બાત-સભી બાતોં મેં, ફૅશન સે હી ચલતા હૈ. અને ફૅશન શરૂ કરવાવાળા જે ( ઇન્ફ્લુઅન્સર) લોકો હોય છે તે સમાજના પ્રસિદ્ધ (કે) વિશ્વાસપાત્ર (કે) શ્રેષ્ઠ લોકો હોય છે જેમને આપણી ભાષામાં આપણે મહાજન કહીએ છીએ.‘

(અહીં સરસંઘચાલકે સલમાન ખાનનું નામ પ્રસિદ્ધની કેટેગરીમાં મૂક્યું છે, વિશ્વાસપાત્ર કે શ્રેષ્ઠ લોકોમાં બીજાં ઘણાં નામ ગણાવી શકાય પણ એ બધાનાં ઉલ્લેખો અહીં વક્તવ્યમાં જરૂરી નહોતા. માટે કોઈએ સલમાનના ફૂટપાથ ડ્રાઇવિંગના કેસને કે હરણહત્યાના કેસને કે અન્ય કોઈ પ્રસંગ યાદ કરીને મોહનજીની વાતને વાંકી ટેઢીકરીને કહેવાની જરૂર નથી કે એમણે સલમાન ખાનને ‘શ્રેષ્ઠ’ કહ્યા, ‘વિશ્વાસપાત્ર’ કહ્યા, ‘મહાજન’ કહ્યા. એમણે સલમાનને ‘પ્રસિદ્ધ’ કહ્યા અને ‘મહાજન’ એટલે કે ‘ઇન્ફ્લુઅન્સર’ કહ્યા.)

હવે અહીં સલમાનભાઈને ભૂલીને સરસંઘચાલક જે કહી રહ્યા છે તેના પર ધ્યાન આપો. મોહનજી આ તબક્કે પોતે શું કહેવા માગે છે તે સ્પષ્ટ કરવા ગીતાના ત્રીજા અધ્યાયના 21મા શ્લોકનો પૂર્વાર્ધ ટાંકીને કહે છે : ‘ યદ્‌યદાચરતિ શ્રેષ્ઠાઃ તત્‌ તત્ દેવેતરો જન્ઃ’ અર્થાત્ શ્રેષ્ઠ મનુષ્ય જે આચરણ કરે છે તે તે ( મુજબ ) લોકો (અનુકરણ ) કરે છે. મોહનજી અહીં મહાભારતના યક્ષ-યુધિષ્ઠિર સંવાદની એક પ્રસિદ્ધ સૂક્તિ પણ ટાંકે છે : ‘મહાજનો યેન ગતાઃ સ પંથાઃ’ અર્થાત્ જે માર્ગે મહાપુરુષો ( શ્રેષ્ઠ જન ) ચાલે છે, એ જ વાસ્તવિક અને ખરો માર્ગ છે.

આટલું કહીને એમણે આગળ સમજાવ્યું : સામાન્ય માણસ એટલો (બહુ લાંબો) વિચાર નથી કરતો. લાંબી લપ્પન-છપ્પન કરવાને બદલે પોતાને જેમના પર વિશ્વાસ છે,પોતાને જે સારા લાગે છે, મારે આવા થવું જોઈએ એવું જેમના વિશે લાગે છે— એમનું અનુકરણ તેઓ કરે છે… દરેક ગામમાં, દરેક મહોલ્લામાં સમાજને એવા લોકોના પગલે ચાલવું છે જેઓ ચારિત્રસંપન્ન હોય, નિસ્વાર્થ બુદ્ધિ ધરાવતા પ્રામાણિક લોકો હોય, જે સમગ્ર સમાજ સાથે જીવંત સંપર્ક ધરાવતા હોય— એવા કાર્યકરો આખા દેશમાં ઊભા થાય તો સમાજમાં નિઃશંક ઘણું મોટું પરિવર્તન આવે. અને સંઘનું આ જ એક કામ છે. આ એક કામ કર્યા પછી બીજું કોઈ કામ સંઘે કરવાનું રહેતું નથી કારણ કે આટલું થયા પછી એવો સમાજ બનશે જે પોતાનું કામ પોતે કરી લેશે.’

રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘ વિશે, સંઘની કામગીરી અને કાર્યપદ્ધતિ વિશે, સંઘ વિશે ફેલાવવામાં આવેલી ભ્રામક માન્યતાઓ વિશે સરસંઘચાલકે બીજી ઘણી વાતો પહેલા દિવસના બીજા સત્રમાં પણ કરી અને બીજા દિવસે થયેલા પ્રશ્નોત્તરીના બે સત્ર દરમ્યાન પણ કરી. આજે બસ આટલું જ. આવતીકાલે આમાંની થોડી વધુ વાતો.

લાસ્ટ બૉલ

“સંઘના સ્વયંસેવકો રૂટ માર્ચ- પથ સંચાલન કરે છે પણ સંઘ પેરામિલિટરી ઓર્ગેનાઇઝેશન નથી. સંઘના સ્વયંસેવકો લાઠી-કાઠી શીખે છે પણ સંઘ કોઈ અખિલ ભારતીય અખાડો નથી. સંઘમાં ભારતીય રાગદારી આધારિત ઘોષ(બૅન્ડ)ની ધૂનો વગાડવામાં આવે છે, વ્યક્તિગત ગીત અને સાંઘિક ગીત ગવાય છે પણ સંઘ કોઈ અખિલ ભારતીય સંગીતશાળા નથી. સંઘના સ્વયંસેવક રાજકારણમાં પણ છે પણ સંઘ કોઈ પોલિટિકલ પાર્ટી નથી. આવી ઘણી વાતો છે જેને બહારથી જોશો તો ગલતફહેમી થશે. એટલે જો સંઘ વિશે ખરેખર જાણવા માગતા હો તો આવો, સંઘને અંદરથી જુઓ. સાકરના સ્વાદ વિશે વ્યાખ્યાનમાળાઓ થઈ શકે, લાંબી પ્રશ્નોત્તરી થઈ શકે પણ જો એક ચમચી સાકર મોઢામાં મૂકી દેશો તો આ બધાની આવશ્યકતા નહીં રહે.”

—રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત
(7 ફેબ્રુઆરી 2026, મુંબઈ)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here